Opinion Magazine
Number of visits: 9451587
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાકા કાલેલકર: વરસાદી વાતો અને વિનોદવૃત્તિ

વિશાલ શાહ|Opinion - Opinion|28 August 2018

''વરસાદના દિવસ આવી ગયા છે! જ્યાં જ્યાં વરસાદ આવી ગયા છે ત્યાં ત્યાં માબાપોએ પોતાનાં બાળકોને લઇ જઇને જમીન ક્યાં કેટલી ઊંચી છે, પાણી ક્યાંથી કેવી રીતે વહે છે, પહાડ અને ટેકરા પરથી પાણી કેવી રીતે વહી જાય છે અને પાણી ઉચ્ચનીચનો ભેદભાવ દૂર કરવાનો કેવો પ્રયત્ન કરે છે એ બધું તેમને બતાવવું જોઈએ. આ ખેલમાં કેવળ બચપણનો જ આનંદ છે એમ નથી. જો છોકરાં બચપણમાં જ પાણીના વહેણનું અધ્યયન કરશે તો હિંદુસ્તાન માટે અત્યંત આવશ્યક એવી એક રાષ્ટ્રીય વિદ્યાનો એટલે કે ભગીરથવિદ્યા – નદી નહેરોને કાબૂમાં લાવવાની વિદ્યા-નો તેઓ પ્રારંભ કરશે. હિંદુસ્તાન જેટલો દેવમાતૃક છે તેટલો જ નદીમાતૃક પણ છે. તેથી જ પર્જન્યવિદ્યા (મિટીઓરોલોજી) અને ભગીરથવિદ્યા (સાયન્સ ઓફ રિવર ટ્રેનિંગ) બંને આપણી રાષ્ટ્રીય વિદ્યાઓ છે…''

કાકા કાલેલકર

આશરે આઠ દાયકા પહેલાં દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ઉર્ફ કાકા કાલેલકરે 'ચોમાસું માણીએ!' નામના લલિત નિબંધમાં આ શબ્દો લખ્યા હતા. ગુજરાતી ભાષામાં પ્રકૃતિ વિશે સૌથી વધારે અને ઉત્તમ કોણે લખ્યું હશે? જો આવો સવાલ પૂછાય તો એક ક્ષણનાયે ખચકાટ વિના કાકા કાલેલકરનું નામ આપી શકાય! ૨૧મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ કાકાની ૩૭મી પૂણ્યતિથિ ગઈ. એ નિમિત્તે કાકાના બે-ચાર વરસાદી લખાણો આજના સંદર્ભમાં યાદ કરીએ.

ઓછા શબ્દોમાં 'મોટી' વાત સરળતાથી અને વિનોદવૃત્તિથી કહેવાની કાકા પાસે જબરદસ્ત હથોટી હતી. લેખની શરૂઆતના ફકરામાં જ જુઓને. કાકાએ કેટલું બધું કહી દીધું છે! માબાપોએ સંતાનોને નજીકથી વરસાદ બતાવવો જોઈએ એવી સલાહ આપવાની સાથે તેમણે હળવેકથી એવું પણ કહી દીધું છે કે, પાણી ઉચ્ચનીચના ભેદભાવ રાખતું નથી. આ ઉપરાંત તેમણે પર્જન્યવિદ્યા (હવામાન શાસ્ત્ર) અને ભગીરથવિદ્યા નામના બે નવા શબ્દ પણ આપ્યા છે.

***

આપણો કુદરત સાથેનો નાતો દિવસે ને દિવસે ઘટી રહ્યો છે ત્યારે કાકાનાં 'ક્લાસિક' લખાણો નવાં નવાં સ્વરૂપમાં આજની પેઢી સમક્ષ મૂકાવા જોઈએ. શહેરમાં રહેતા હોઈએ એટલે કુદરતની નજીક ના રહી શકાય એ આપણી સામૂહિક આળસવૃત્તિમાંથી પેદા થયેલી ગેરમાન્યતા છે. પ્રકૃતિનો આનંદ લેવા માટે ફક્ત દૃષ્ટિ અને રસ હોવો જરૂરી છે. નદી-ઝરણાંમાં ન્હાયા હોય, પર્વતો પર ઢીંચણ ટીચ્યા હોય, ઝાડ પર ચઢ્યા હોય, જંગલમાં રાત વીતાવીને બિહામણા અવાજ સાંભળ્યા હોય અને વડની વડવાઈઓ પર લટકીને હાથ છોલ્યા હોય એવા બાળકો લઘુમતીમાં આવતા જાય છે. વરસાદ પડે ત્યારે તો વનસ્પતિઓ ખીલી ઊઠે છે અને નવાં નવાં જીવજંતુના મેળા ભરાય છે. આ બધામાં બાળકો રસ લે એ માટે જાતે જ 'ઇન્સેક્ટ સફારી'નું આયોજન કરી શકાય. ગામડાંમાં કે નાના નગરમાં રહેતા હોઈએ તો વાંધો નથી, પરંતુ શહેરમાં હોઇએ તો આસપાસના બગીચા, નાનકડાં વન-વગડાં જેવા વિસ્તારો, મેદાનો અને ખાડામાં ભરાયેલા પાણી તેમ જ ખેતરોમાં જઈને વનસ્પતિઓ અને જીવજંતુઓને નજીકથી નિહાળવાનું આયોજન કરી શકાય.

જુદી જુદી પ્રજાતિની ચેલ્સિડ વાસ્પ


મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં પુરુષવાડી જેવા અનેક સ્થળે આગિયાઓનું રંગીન વાવાઝોડું જોવાનો ઉત્તમ સમય મેથી જૂન

આ વિશે પણ કાકાએ 'ચોમાસું માણીએ!'માં સરસ વાત કરી છે. વાંચો એમના જ શબ્દોમાં. ''વનસ્પતિસૃષ્ટિની અને કીટસૃષ્ટિની સમૃદ્ધિ આ વખતે જ થવી જોઈએ. વનસ્પતિવિદ્યા અને કીટવિદ્યા જો વધારવી હોય તો દેશના નવયુવકોમાં બચપણથી જ આ વાતો પ્રત્યે પ્રેમ પેદા કરવો જોઈએ. લાલ મખમલ ઓઢેલા ઇન્દ્રગોપથી માંડીને 'જાદુઇ ટોર્ચ' સાથે રાખનાર આગિયા સુધીના બધા કીટકોનો આકાર, રંગ, એમનો સ્વભાવ, એમનો આહાર, એમનું કાર્ય – આ બધાનું નિરીક્ષણ કરવું જોઈએ. હિંદુસ્તાનની વનસ્પતિઓનું તો પૂછવું જ શું? શારદા અને અન્નપૂર્ણા, શાકંભરી અને જગધાત્રી બધી દેવીઓનું સ્મરણ કરીને વનસ્પતિવિદ્યાનો આ દિવસોમાં પ્રારંભ કરવો જોઈએ …''

આ પૃથ્વી પર કેટલી પ્રજાતિના જંતુ છે? જવાબ ચોંકાવનારો છે, આશરે એંશી લાખ. અને આજનું વિજ્ઞાન તેમાંથી કેટલા જંતુઓને ઓળખે છે? એ આંકડો તો એનાથીયે વધુ ચોંકાવનારો છે, ફક્ત ૧૩ લાખ. છેલ્લા એકાદ દાયકામાં ભારતમાંથી જીવજંતુઓની અનેક નવી પ્રજાતિ મળી છે. જેમ કે, અંજીરના ફળમાં રહેતી ૩૦ નવી પ્રજાતિ અને મેટાલિક રંગની ચળકતી મધમાખીઓ (સાયન્ટિફિક નામ ચેલ્સિડ વાસ્પ અથવા ચેલ્સીડોઈડિયા). આ ઉપરાંત કીડી અને સાયકોડિડ ફ્લાય(રુંવાટી ધરાવતી ભૂખરી માખીઓ)ની ત્રણ-ત્રણ પ્રજાતિ.

ઝૂલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ નાગાલેન્ડમાંથી વૉટર સ્ટ્રાઇડરની ૧૦૦થી પણ વધારે પ્રજાતિ શોધી કાઢી છે. અત્યાર સુધી આખા ભારતમાં ફક્ત પાંચ પ્રકારના જ વૉટર સ્ટ્રાઇડર જાણીતા હતા. આપણે અનેકવાર નદી, તળાવો, કેનાલો, કૂવા, પાણી ભરેલા ખેતરો, ખાબોચિયાં અને સ્વિમિંગ પુલમાં વૉટર સ્ટ્રાઇડર્સ  જોયા હશે, જે શરીર કરતાં ખૂબ જ લાંબા પગની મદદથી પાણીની સપાટી પર બેઠા હોય છે. કુદરતે તેને ત્રણ જોડી પગ આપ્યા હોવાથી પાણીમાં રહેતાં બીજાં જીવડાં કરતાં અલગ તરી આવે છે. કેટલાં બધાં વૈવિધ્યપૂર્ણ જીવો રહે છે આપણી આસપાસ! પરંતુ આપણે માણસો તો એકબીજાને પણ માંડ ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ.

***

ભારત તો જંતુસૃષ્ટિને લઈને પણ અતિ સમૃદ્ધ છે, પરંતુ આપણા દેશમાં ક્યાં ય ઈન્સેક્ટ મ્યુિઝમય નથી. હા, કોલકાતાના ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, કોઝિકોડના વેસ્ટર્ન ઘાટ રિજનલ સેન્ટર અને બેંગાલુરુના નેશનલ બ્યુરો ઓફ એગ્રિકલ્ચરલ ઈન્સેક્ટ રિસોર્સીસમાં ઘણાં જીવજંતુઓના નમૂના સચવાયેલા છે. આ ઉપરાંત પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા બેંગલુરુના અશોકા ટ્રસ્ટે પણ એકાદ હજાર પ્રજાતિના જીવજંતુઓના એક લાખ નમૂના ભેગા કર્યા છે. ત્યાં સુધી લાંબા થવાય તો ઠીક છે, નહીં તો વરસાદી માહોલમાં કાદવમાં જઈને પણ નવા નવા જીવજંતુઓની દુનિયા જોવી જોઈએ અને બાળકોને તો ખાસ બતાવવી જોઈએ. કાકાએ તો 'કાદવનું કાવ્ય' નામે પણ એક સુંદર નિબંધ લખ્યો છે. કાદવની વાત કરતા કાકા કહેતા કે, આપણે બધાનું વર્ણન કરીએ છીએ તો કાદવનું કેમ નહીં? કાદવ શરીર પર ઊડે એ આપણને ગમતું નથી અને તેથી આપણને તેના માટે સહાનુભૂતિ નથી. એ વાત સાચી પણ તટસ્થતાથી વિચાર કરતા કાદવમાં કંઈ ઓછું સૌંદર્ય નથી હોતું.


વૉટર સ્ટ્રાઈડર

કાદવે લખેલું કાવ્ય

કાદવ વિશે વાંચો તેમના જ શબ્દોમાં : ''નદીકાંઠે કાદવ સુકાઈને તેના ચોસલાં પડે છે ત્યારે તે કેટલા સુંદર દેખાય છે! વધારે તાપથી તે જ ચોસલાં નંદવાય અને વાંકા વળી જાય ત્યારે સુકાયેલા કોપરા જેવા દેખાય છે. નદીકાંઠે માઈલો સુધી સપાટ અને લીસો કાદવ પથરાયેલો હોય ત્યારે તે દૃશ્ય કંઈ ઓછું સુંદર નથી હોતું. આ કાદવનો પૃષ્ઠભાગ કંઈક સુકાતાં તેના ઉપર બગલાં, ગીધ અને બીજા નાનાંમોટાં પક્ષીઓ જ્યારે ચાલે છે ત્યારે તે ત્રણ નખ આગળ અને અંગૂઠો પાછળ એવા તેમના પદચિહ્નો મધ્ય એશિયાના રસ્તાની જેમ દૂર દૂર સુધી કાદવ પર પડેલા જોઈ આ રસ્તે આપણે આપણો કાફલો (Caravan) લઈ જઈએ એમ આપણને થાય છે.’’

કાદવ વિશે આ બધી વાતો કરીને કાકા એક નવી જ વાત કરે છેઃ  ''કાદવ જોવો હોય તો એક ગંગા નદીને કાંઠે કે સિંધુને કાંઠે. અને તેટલાથી તૃપ્તિ ન થાય તો સીધા ખંભાવ જવું. ત્યાં મહી નદીના મુખ આગળ નજર પહોંચે ત્યાં સુધી બધે સનાતન કાદવ જ જોવાને મળે. આ કાદવમાં હાથી ડૂબી જાય એમ કહેતાં ન શોભે એવી અલ્પોક્તિ કરવા જેવું છે. પહાડના પહાડ એમાં લુપ્ત થાય એમ કહેવું જોઈએ.''

***

પહેલી ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ મહારાષ્ટ્રના સતારામાં મરાઠી પરિવારમાં જન્મેલા કાકાએ આશરે ૯૬ વર્ષના આયુષ્યમાં રાજકીય-સામાજિક વ્યસ્તતા વચ્ચે પ્રચુર માત્રામાં લખ્યું. માતૃભાષા મરાઠી હતી, પરંતુ લખ્યું ગુજરાતીમાં. મરાઠી અને હિન્દીમાં પણ થોડું લખ્યું, પરંતુ ગુજરાતીની સરખામણીએ નહીં બરાબર. એટલે જ ગાંધીજીએ તેમને 'સવાઇ ગુજરાતી' કહીને બિરદાવ્યા હતા. બલવંતરાય ઠાકોરે ૧૯૩૧માં 'આપણી કવિતાસ્મૃિદ્ધ'ની પ્રસ્તાવનામાં ગુજરાતી ભાષાના દસ શ્રેષ્ઠ ગદ્યકારોની યાદીમાં કાકા કાલેલકરના નામનો ઉલ્લેખ કર્યો છે. કાકાએ સેંકડો માઈલના પ્રવાસ કરીને તેમ જ જીવનભર રાજકીય-સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યવસ્તતા વચ્ચે પ્રચુર માત્રામાં લખ્યું. 'કાલેલકર ગ્રંથાવલિ' નામના ૧૫ દળદાર ગ્રંથમાં કાકાના કાવ્યાત્મક ગદ્યનો સમાવેશ કરાયો છે. ખૂબ જ નજીવી કિંમતે ઉપલબ્ધ આ પુસ્તકોનો સેટ આચાર્યશ્રી કાકા કાલેલકર ગ્રંથાવલિ સમિતિએ પ્રકાશિત કર્યો છે.

કાલેલકર ગ્રંથાવલિનો પહેલો ભાગ

કાકાના લખાણોની પહોંચ પ્રવાસવર્ણનોથી લઈને ધર્મ, શિક્ષણ, પ્રવાસ, ચિંતન અને લલિત નિબંધો સુધી વિસ્તરેલી છે, પરંતુ ગ્રંથાવલિની પ્રસ્તાવનામાં ઉમાશંકર જોશી નોંધે છે તેમ, ''કાકાસાહેબનું ગદ્ય પ્રકૃતિચિત્રણમાં અને પ્રવાસવર્ણનમાં ખીલી ઊઠે છે. ભૂગોળના રસિયા તેવા જ ખગોળની સૌંદર્યસમૃદ્ધિના પણ તરસ્યા. ભારતયાત્રી કાલિદાસ પછી સ્વદેશની પ્રકૃતિશ્રીનું આકંઠ પાન કરનાર અને એને શબ્દબદ્ધ કરનાર કાકાસાહેબ જેવા ઓછા જ પાક્યા હશે. એમનું ગદ્ય અનેકવાર કાવ્યની કોટિએ પહોંચે છે. કાકાસાહેબને બીજી એક મોટી અને વિરલ એવી બક્ષિસ છે વિનોદવૃત્તિની…''

***

'કાદવનું કાવ્ય'માં જ વાંચો કાકાની વિનોદવૃત્તિનો એક નમૂનો ''આપણું અન્ન કાદવમાંથી જ પેદા થાય છે એનું જાગ્રત ભાન જો દરેક માણસને હોત તે કાદવનો તિરસ્કાર ન કરત. એક નવાઈની વાત તો જુઓ. પંક શબ્દ ઘૃણાસ્પદ લાગે છે અને પંકજ શબ્દ કાને પડતાં જ કવિઓ ડોલવા અને ગાવા માંડે છે. મલ(ળ) તદ્દન મલિન ગણાય પણ કમલ(ળ) શબ્દ સાંભળતા-વેંત પ્રસન્નતા અને આહ્લાદકત્વ ચિત્ત આગળ ખડાં થાય છે. કવિઓની આવી યુક્તિશૂન્ય વૃત્તિ તેમની આગળ મૂકીએ તો કહેવાના કે, તમે વાસુદેવની પૂજા કરો છો એટલે કંઈ વસુદેવને પૂજતા નથી, હીરાનું ભારે મૂલ આપો છો પણ કોલસાનું કે પથ્થરનું આપતા નથી, અને મોતીને ગળામાં બાંધીને ફરો છો પણ તેની માતુશ્રીને ગળામાં બાંધીને ફરતા નથી. કવિઓ સાથે ચર્ચા ન કરવી એ જ ઉત્તમ.''

પંક એટલે કાદવ અને પંકજ એટલે કમળ. વાસુદેવ એટલે કૃષ્ણ, જ્યારે વસુદેવ એટલે કૃષ્ણના પિતા. એવી જ રીતે, મોતીની માતા એટલે એક પ્રકારની માછલી. જો કાકાની સિક્સરો બાઉન્સર ગઇ હોય તો આ શબ્દો સમજીને બીજી વાર વાંચી જુઓ.

પાછલી ઉંમરે ઉમાશંકર જોશી અને જ્યોત્સ્ના જોશી સાથે કાકા

'પહેલો વરસાદ' નામના નિબંધમાં પણ કાકાની રમૂજવૃત્તિ કમળની જેમ ખીલી છે. વાંચો: ''વરસાદને થયું કે ધ્વનિ જો બધે પ્રસરે છે, તો હું પણ આ માનવી કીટોના દરમાં શા માટે ન પેસું? દુર્વાસાની જેમ 'અયં અહં ભો:' કરીને એણે બેચાર ટીપાં અમારી ઓરડીઓમાં નાખ્યાં. અમે બહાદુરીથી પાછળ હઠ્યા. સરસ્વતીના કમળો પાણીમાં રહ્યાં છતાં પાણીથી અલિપ્ત રહી ભીંજાતાં નથી, પણ સરસ્વતીના પુસ્તકોને એ કળા હજી પ્રાપ્ત થઈ નથી. તેમને તો દરવાજા પાસેથી ભગાડવા એ જ ઇષ્ટ હતું. પુસ્તકોને દૂર ખૂણામાં મૂકી મનમાં કહ્યું: 'કઠિણ સમય યેતાં કોણ કામાસા યેતો' એટલે કે કઠણ વખત આવી પડ્યે કોણ કામ આવે? ખૂણો (કોણ) કામ આવે ખરો! જોતજોતામાં વરસાદે હુમલો જોશમાં ચડાવ્યો. આખી ઓરડી એણે ભીની કરી મૂકી જ પણ તદ્દન ભીંતે અડીને પાથરેલી પથારીને મળવા આવવાનું પણ તેને મન થઈ આવ્યું. મેં પણ કાંબળો ઓઢીને પ્રસન્ન મને તેનું સ્વાગત કર્યું. વર્ષાની શરૂઆતની આ પહેલી સલામીની કદર કરવાનું મન કોને ન થાય?''

આટલું લખીને કાકાના શબ્દો શાંત થયા હોય એવું લાગે છે, પરંતુ બીજા જ ફકરામાં તેઓ ફરી એકવાર સૂક્ષ્મ હાસ્યથી વાચકને નવડાવી દે છે: વાંચો. ''વરસાદ ગયો કે તરત જ પાથરણાના એક કકડાથી જમીન લૂછી લીધી અને સરકારના લેણદારની જેમ ઊમરા ઉપર ઓશીકું મૂકીને નિરાંતે સૂઈ ગયો. તફાવત એટલો જ કે લેણદાર ઊમરાની બહારની બાજુએ પડી રહે છે જ્યારે હું તેની અંદરની બાજુએ સૂતો.''

***

'કુદરત મારું પ્રિય પુસ્તક છે' એવું કહેનારા કાકાએ વરસાદ કે કાદવની જેમ વાદળ, ધુમ્મસ, વીજળી, મેઘગર્જના, મેઘનૌકા, સૂરજ, ચંદ્ર, તારા, નદી, પહાડો, પથ્થર, દરિયો, પરોઢ, જુદી જુદી ઋતુઓની સવાર-સંધ્યા અને રાત્રિ, વનસ્પતિઓ, કોયલ અને ચામાચીડિયાં વિશે પણ લખ્યું છે. કાકા વિશે આપણા વિદ્વાન સાહિત્યકાર અને ગુજરાતી વિશ્વકોષના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરે લખ્યું હતું કે: એમના ગદ્યમાં બાળકના જેવી મધુર છટા છે તેમ પૌરુષભર્યું તેજ પણ છે, ગૌરવ છે એટલો જ પ્રસાદ છે.

xxx

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.com/2018/08/blog-post_28.html

Loading

28 August 2018 admin
← રીઅલ ભાગ્યોદય
1946માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઝવેરચંદ મેઘાણીએ આપેલા આપેલા વ્યાખ્યાનના અંશો →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved