સહેજ અડું સદીઓને
અડે ટેરવાંને
સપાટી ખરબચડી અણિયાળી લોહી કાઢે એવી.
વાત ગમે એવી
સદીઓમાંથી કેમની લેવી?
સદીઓ એમની તેં રચેલી
મેં રચેલી
ભેગા મળીને આપણે રચેલી
ક્યાં નગરના વાસીઓએ રચેલી
નગર
નગર નામે છારાનગર
તોતિંગ અડીખમ દીવાલની પેલી પા
ધબકતું નગર જીવનને પીવે છે
પોતીકી સદીઓને લાડકોડથી જીવે છે
સદીઓમાં
આંસુની નદી છે
નદીને પાર કરતાં હલેસાં છે
સંવેદના છે
ચાલ એવી કે હમણાં જાણે નાચવાનું છે
બોલે તો લયમાં બોલે એવું લાગે
બોલી છે બોલીમાં ગાવાનું છે
કરી જાણવાનો પ્રેમ છે
વેઠી જાણવાનો વિયોગ છે
ભાત ભાતનાં દુઃખ છે
રોઈ નાખવાનાં દુઃખ છે
હસી કાઢવાનાં દુઃખ છે
થાપટોની બરછટતા ચહેરા પર તરવરે
હલકાંફૂલકાં સપનાં પાંપણ પકડી પલ પલ ઝૂલે
ભાલ પર ભીડ ભલે થોપેલી લાગે
હાથમાં જોર જીવતરનું જડે.
ઊબડખાબડ રસ્તા મળે
રસ્તામાંથી લઘરવઘર સાંકડી ગલીઓ નીકળે
ગલીઓ વાંકીચૂકી થઈ આમતેમ ઘૂસે
વાંકીચૂકી ગલીઓમાં ખાટી ખાટી ગંધ ભળે
થેલી મળે
થેલી ગલીઘેલી મળે
ઉપરનીચે આગળપાછળ એમ ગતિઘેલી મળે
આપણે સૌ થેલીમાં અટવાયા
થેલી પડખે બેઠેલી ચોરીમાં ગૂંચવાયા
બેની લાયમાં બધ્ધું ભૂલ્યા
બેને ઠોકર મારતાં મારતાં
આવતા થનગનતા
નવયુગને ન સમજ્યા
E-mail : umlomjs@gmail.com
સૌજન્ય “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2018; પૃ. 16