Opinion Magazine
Number of visits: 9447271
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|9 August 2018

હૈયાને દરબાર

મોર બની થનગાટ કરે…ની ગીતકથા અને મેઘાણીને અગાઉની કોલમમાં યાદ કર્યા પછી, મન જઈ પહોંચ્યું છે હવે મારા સ્કૂલ જીવન સુધી.

મેઘાણીની મોહિનીમાંથી મુક્ત થવું આસાન નથી. મેઘાણીની કેવી ઊંડી અસર શાળાજીવનથી હતી એ પ્રસંગની વાત કરવી છે. અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈ શેઠે એમનાં માતાનાં સ્મરણાર્થે શાળા સ્થાપી, જેનું નામ મોહિનાબા કન્યા વિદ્યાલય. અમદાવાદની ચાર-પાંચ અતિ પ્રતિષ્ઠિત સ્કૂલોમાં એનું નામ આવે. સી.એન. વિદ્યાલય અને મોહિનાબામાં ૧૩ વર્ષની ઉંમરે આઠમા ધોરણના એડમિશન માટે અમે ફોર્મ ભર્યાં હતાં, જેમાં ઍડમિશન મળ્યાનો પહેલો પત્ર મોહિનાબામાંથી આવ્યો. કવિ સ્નેહરશ્મિ જે સ્કૂલના આચાર્યપદે હતા એ સી.એન. વિદ્યાલયમાં દાખલ થવાનાં ઓરતાં ઘણાં હતાં, પણ પહેલો પત્ર મોહિનાબામાંથી આવ્યો, એટલે મમ્મી ત્યાં લઇ ગઈ. એ સ્કૂલ વિશે ખાસ જાણકારી નહીં એટલે મોઢું વકાસીને ચૂપચાપ મા સાથે પ્રવેશની ઔપચારિકતા પતાવવા સ્કૂલમાં ગઈ. આ સ્કૂલ આશ્રમ રોડના સાબરમતીના પટ પર હતી એટલી જ માત્ર ખબર.

સ્કૂલના મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ કોઈક અજબ પ્રકારની તાજગી ઘેરી વળી. શાળાના મકાન સુધી પહોંચતાં પહેલાં પાંચેક મિનિટનો રસ્તો વટાવવાનો આવે. એ રસ્તાની બન્ને બાજુ આસોપાલવની હારમાળા. ચોગાનમાં આવેલાં ઘટાટોપ વૃક્ષોમાંથી ચળાઈને આવતો મંદ મંદ પવન અને નદીનું મોહક સૌંદર્ય આ સ્કૂલના પહેલી નજરના પ્રેમમાં પડી જવા માટે પૂરતાં હતાં.

આ વાત આજે એટલા માટે કરવી છે કે ઘર અને સ્કૂલનું વાતાવરણ સંતાનોને સાહિત્ય-સંગીતમાં રસ લેતાં કરવામાં કેટલાં ઉપયોગી છે. એટલું જ નહીં, આજે ‘ઓગસ્ટ ક્રાંતિ દિન’ છે, ત્યારે મેઘાણીનાં એવાં ગીત યાદ કરવાં છે, જે સાંભળીને આપણાં રૂંવાડાં ખડાં થઈ જાય. એમાં ય સ્કૂલમાં શીખેલા મેઘાણીના એક ગીતે મારામાં સંગીતનાં બીજ રોપ્યાં હતાં એ સંદર્ભે સ્કૂલની વાત કરવી જરૂરી છે.

અમારી શાળાનું મકાન સ્થાપત્યનો અદ્ભુત નમૂનો. આજ દિન સુધી શાળાનું આવું સુંદર મકાન મેં જોયું નથી. મોહિનાબા સ્કૂલમાં મેં પ્રવેશ મેળવી લીધો. આચાર્ય દોલતભાઈ દેસાઈ મુંબઈની ન્યુ એરા સ્કૂલમાંથી આવ્યા હતા, એટલે એમણે અમારી આ સ્કૂલમાં ન્યુ એરા મોડલ જ અપનાવ્યું હતું. ચોખ્ખીચણક સ્કૂલ. પગથિયું ચડતાંની સાથે ચપ્પલ કે શૂઝ હાથમાં લઈને સીધા ક્લાસની બાલ્કનીમાં મૂકવાનાં. દરેક વિશાળ ક્લાસરૂમ સાથે બાલ્કની હોય જ. પ્રવેશદ્વારમાં એક તરફ મા સરસ્વતી અને મધ્યમાં મોરનું કાષ્ઠશિલ્પ. એસેમ્બલીમાં દરરોજ સર્વધર્મ પ્રાર્થના થાય. શિક્ષકો પણ કેવા સજ્જ! સંસ્કૃત, ગુજરાતી, હિન્દીનાં શિક્ષકો આદરણીય દોલતભાઈ, ચારૂબહેન વૈદ્ય અને જયશ્રીબહેન મહેતાનો મારી સાહિત્ય-સંગીતરૂચિમાં ઊંડો પ્રભાવ. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અમારાં સાયન્સ ટિચર. ખૂબ કડક છતાં હંમેશાં વિદ્યાર્થિનીઓનાં હિતેચ્છુ. મિનાક્ષીબહેન, દિનેશ આચાર્ય, કુંજબાળાબહેન, ક્રિશ્નાબહેન પણ વિદ્યાર્થીઓમાં ખૂબ રસ લે.

નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓ માટે સત્રારંભે જ ટેલન્ટ હન્ટ કોમ્પિટિશન થાય. ફ્રી પિરિયડની અંતાક્ષરી દરમ્યાન ચારૂબહેને મારી કલારૂચિને પારખી લીધી અને ગીતસ્પર્ધા માટે મને ઝવેરચંદ મેઘાણીનું ગીત સૂના સમદરની પાળે … શિખવાડ્યું. શબ્દોના ઉચ્ચાર, કવિતાનો ભાવ એવા સરસ રીતે સમજાવ્યા હતા કે એ ગીત રજૂ કર્યું તો આખા એસેમ્બલી હોલમાં દરેકની આંખ ભીંજાઈ ગઈ હતી. કુંજબાળાબહેન સહિત કેટલાક તો ચોધાર આંસુએ રડ્યાં હતાં. બેશક, મેઘાણીના હૃદયદ્રાવક ગીતની જ એ કમાલ હતી. દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહ્યો છે. એની પાસે જ એક જીવિત સાથી ઊભો છે, મૃત્યુશૈયા પર સૂતેલો યુવાન છેલ્લો સંદેશ આપે છે :

સૂના સમદરની પાળે
          રે આઘા સમદરની પાળે,
                       ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે
                                                              સૂના સમદરની પાળે.
નો’તી એની પાસે કો માડી,
          રે નો’તી એની પાસે કો બે’ની:
                      વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં નો’તી રે
                                                                  સૂના સમદરની પાળે.
વેગે એનાં લોહી વ્હેતાં’તાં
        રે વેગે એનાં લોહી વ્હેતાં’તાં,
                     બિડાતા હોઠના છેલ્લા બોલ ઝીલન્તો એક ત્યાં ઊભો રે
                                                                  સાથી સમદરની પાળે.
વીરા ! મારો દેશડો દૂરે,
           રે વીરા! મારું ગામડું દૂરે,
                        વા’લીડાં દેશવાસીને સોંપજે, મોંઘી તેગ આ મારી રે
                                                                 સૂના સમદરની પાળે.

http://www.jhaverchandmeghani.com/voice/PD-soonasamadar.mp3

જાહેરમાં ગાયેલું ઝવેરચંદ મેઘાણીનું આ પહેલવહેલું ગીત મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયું. ચારૂબહેનના કહેવાથી જ મેં સંગીતની પદ્ધતિસરની તાલીમ શરૂ કરી અને એ પછી તો અનેક ગુરુઓના આશીર્વાદ વરસતા રહ્યા છે, આજ સુધી. ગુરુપૂર્ણિમા તાજેતરમાં જ ઉજવાઈ અને ઑગસ્ટ મહિનો આપણે માટે ત્રણ રીતે અગત્યનો છે. નવમી ઑગસ્ટે ક્રાંતિ દિન છે, પંદરમીએ સ્વાતંત્ર્ય દિવસ અને અઠ્યાવીસ ઑગસ્ટ મહાન લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન. આ બધી જ ઘટનાઓને સાંકળી લઈને આ લેખ આપણા સૌના જીવનમાં જેઓ જે કંઈ પણ આપણને શીખવી ગયા એ તમામ ગુરુઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત છે.

મહાત્મા ગાંધી બીજી ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા તેના એક કલાક પહેલાં જ મેઘાણીએ ‘છેલ્લો કટોરો’ કાવ્ય રચી, દોડીને ગાંધીજીને આપ્યું. પાછળથી ગાંધીજીએ વાંચ્યું અને નોંધ્યું કે: આ કવિતા તો મારા મનનાં જ વિચારો છે, તે મારા હૃદયસોંસરવી ઊતરી ગઈ છે. ત્યાર બાદ તરત જ ગાંધીજીએ એમને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરૂદ આપી દીધું. ગાંધીજીના રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા અને અભણ – એ બેને સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર. એ બે વચ્ચેની દીવાલ, મેઘાણીની ભાષામાં કહીએ તો :

હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી
મનડાની આખરી ઉમેદ

વર્ગભેદ, જાતિભેદની જે ખોટી દીવાલ ઊભી હતી, તે દીવાલ એમને તોડી નાખવી હતી. તારા નામમાં ઓ સ્વતંત્રતા, મીઠી શી વત્સલતા ભરી … જેવાં ગીતો દ્વારા દેશભરમાં મેઘાણીએ ગાંધીજીના આદર્શોની અખંડિતતા રજૂ કરી છે. મારાં માતા-પિતાને મેં કોઈનો લાડકવાયો એટલે કે રક્ત ટપકતી સો સો ઝોળી તથા પરદેશી ભૂખ્યા ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં જેવાં ગીતો બહુ ગર્વભેર ગાતાં સાંભળ્યાં છે. ‘મુંબઈ સમાચાર’ના વરિષ્ઠ વાચકોએ પણ આ ગીતો ગાયાં જ હશે.

દેશભક્તિનો આ જ સમૃદ્ધ વારસો આપણે સંગીત-સાહિત્ય અને નાગરિક ધર્મ દ્વારા આપણાં સંતાનોને આપી જવાનો છે. મહાત્મા ગાંધી કે મેઘાણીની કલમ દરેક યુગમાં પ્રસ્તુત બની શકે એવી અમર છે. સરદાર પટેલે તો મેઘાણીને ભારતની સ્વતંત્રતાના યુદ્ધના એક અગ્રગણ્ય સૈનિક ગણાવ્યા હતા. તેમની વાણીમાં વીરતા હતી અને સરહદના જવાનોની વીરગાથા એ વખતે એમનાં કેટલાંય ગીતોમાં પ્રગટી હતી. યોગાનુયોગે આજે ‘ભારત છોડો’ (ક્વિટ ઈન્ડિયા) અથવા ક્રાંતિ દિન છે. રક્ત ટપકતી સો સો ઝોળીથી વધુ ઉત્તમ કોઈ ગીત આજે હોઈ ન શકે. Marie R. de la Coste કૃત Somebody’s Darling નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. મારી રેવનલ ડી લાકોસ્ટે અમેરિકન કવયિત્રી, નર્સ અને ફ્રેન્ચ ટિચર હતાં. ‘સમબડી’ઝ ડાર્લિંગ’ કવિતાથી પ્રખ્યાત એ થયાં હતાં. ૧૮૬૪માં પ્રગટ થયેલું આ હૃદયદ્રાવક કાવ્ય યુદ્ધનો અસલી ચહેરો છે. અમેરિકન આંતરિક વિગ્રહ (સિવિલ વોર) દરમ્યાન લખાયેલા આ કાવ્યને મેઘાણીએ એટલું પોતીકું બનાવીને અનુવાદિત કર્યું છે કે કોઈને અણસાર સુધ્ધાં ન આવે કે રક્ત ટપકતી … ગીત પરભાષાનું છે.

કોઈનો લાડકવાયો ગીતના શબ્દો એટલા તો વીંધી નાખે એવા છે કે વાત નહીં. યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે, તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમ જ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે. શહીદો-ક્રાંતિવીરોની દેશસેવા અને સમર્પણને યાદ કરીને નતમસ્તકે એમને વંદન કરી આ ગીત આજે જરૂર ગાજો અથવા સાંભળજો. મેઘાણીના હજુ એક લાજવાબ ગીતની કથા આવતા અંકે.

——————————

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,

મુખથી ખમા ખમા કરતી
માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને:

નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો:

અણપૂછયો અણપ્રીછેલો
કોઈનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના’વી,
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઈ બહેની લાવી:

કોઇના લાડકવાયાની
ન કોઈએ ખબર પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી  લટો  સુંવાળી  સૂતી,
સનમુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી:

કોઈના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.

કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃિતનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં:

આતમ-દીપક ઓલાયા
ઓષ્ઠનાં ગુલાબ કરમાયાં.

કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એના હૈયા ઉપર કર-જોડામણ કરજો:

પાસે ધૂપસળી ધરજો,
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ઠ-કપોલે-ભાલે  ધરજો ચુંબન ધીરે:

સહુ માતા ને ભગિની રે!
ગોદ  લેજો  ધીરે  ધીરે!

વાંકડિયાં એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા:

રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,

ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ઘોળી છેલ્લું તિલક કરંતા,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા:

વસમાં વળામણાં દેતાં,
બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રુધિર-છલક્તી ગજ ગજ પહોળી છાતી,

અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી.

એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે:

કોઈના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહીં
કોઈના લાડકવાયાની.’

કવિ : ઝવેરચંદ મેઘાણી [‘યુગવંદના’ મુજબનો સમૂળો પાઠ]

http://www.jhaverchandmeghani.com/voice/IS-laadakavaayo.mp3

http://www.jhaverchandmeghani.com/voice/PD-laadakavaayo.mp3

ઝવેરચંદ મેઘાણીને નામે ચાલક વેબસાઈટ પરેથી સ-આભાર આગવાયેલાં ગીતોની કડી લીધી છે. પહેલી કડીમાં મેઘાણીનાં પુત્રી, ઇન્દુબહેન શાહનો અવાજ છે. જ્યારે બીજીમાં પ્રફુલ્લભાઈ દવેનો કંઠ છે.

—————————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 અૉગસ્ટ 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=436147

Loading

9 August 2018 admin
← During the Quit India Movement, the Hindu Mahasabha Played the British Game
મુથુવેલ કરુણાનિધિ : જો એમ.જી.આરે. નોખો ચોકો ન કર્યો હોત અને કરુણાનિધિને બે કે ત્રણ મુદ્દત રાજ કરવા મળ્યું હોત તો કદાચ તામિલનાડુના અને દેશના રાજકારણનો ચહેરો જુદો હોત →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved