Opinion Magazine
Number of visits: 9449703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતના ઇતિહાસ અંગેનું પહેલવહેલું પુસ્તક

દીપક મહેતા|Opinion - Literature|9 June 2018

કાળચક્રની ફેરીએ

“હજી સુધી ગુજરાતી ભાષામાં કોઈ એવો ગ્રંથ થઓ નથી કે, તેથી કરીને ત્યાંહાંના રેહેવાશીઓ પણ પોતાના દેશની અવસ્થા જાણે, ને જે જે રાજાઓ તથા બાદશાહો એઓ ઉપર અમલ કરી ગઆ હોએ, તથા જે શેહેરોમાં પોતે રેહે છે, તે કઆ રાજા અથવા બાદશાહે આબાદ કર્યાં એટલે વસાવ્યાં, તે સરવે માલમ પડીને મનમાં સરવે વાતો પરકાશી રેહે, અને છેલ વેહેલું હાલ જે લોક તેમનાં ઉપર અધીકાર કરે છે, તેમની વૃધી એ પ્રાંતમાં શી રીતે થઈ, તે પણ તેઓ જાણે. માટે આ ચોપડી તઈઆર કરી છે ને તેહેનું નાંમ ગુજરાતનો ઈતિહાસ પાડ્યું છે.” (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.)

આ શબ્દો લખાયા છે ૧૮૫૦માં. અને એ લખનાર હતા અમદાવાદની ગવર્નમેન્ટ ઇંગ્લિશ સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતા એક પારસી વિદ્યાર્થી નામે એદલજી ડોસાભાઈ. ગુજરાતના ઇતિહાસ વિષે લખાયેલા અને છપાયેલા પહેલવહેલા પુસ્તકના લેખક. ૧૮૫૦માં અમદાવાદના બાજીભાઈ અમીચંદના છાપખાનામાં ૧૬૮ પાનાંનું આ પુસ્તક લિથોગ્રાફ, એટલે કે શિલાછાપ પદ્ધતિથી છપાયું છે. તેની લિપિ ગુજરાતી છે, પણ અક્ષરો ઉપર સળંગ રેખા દોરેલી છે. પણ તે હિન્દી-મરાઠી જેવી શિરોરેખા નથી. બધા અક્ષરો સીધી લીટીમાં લખી શકાય તે માટે દોરેલી લીટીઓ છે. મુંબઈ અને સુરતમાં ગુજરાતી છાપકામની શરૂઆત મૂવેબલ ટાઇપ વાપરતાં છાખાનાથી થઇ. ત્યાં શિલાછાપ છાપખાનાં પછીથી આવ્યાં. જ્યારે અમદાવાદમાં છેક ૧૮૪૫ સુધી એક પણ છાપખાનું નહોતું. ૧૮૪૫ કે ૧૮૪૬માં શરૂ થયેલું બાજીભાઈ અમીચંદનું છાપખાનું એ અમદાવાદનાં પહેલાં બે છાપખાનામાંનું એક.

ખેર, પુસ્તકના ટાઈટલ પેજ પર આમ છાપ્યું છે:

“ગુજરાતનો ઈતિહાસ
ગુજરાતી વરનાક્યુલર સોસાઈટીનેં માટે
એદલજીડોસાભાઈએ
રચ્યો.”

પણ આટલું વાંચવાથી આ પુસ્તક અને સોસાયટી વચ્ચેનો સંબંધ પૂરેપૂરો સમજાતો નથી. સોસાયટીની શરૂઆતથી જ તે ‘નિબંધ સ્પર્ધા’ યોજતી હતી. આવી પહેલી સ્પર્ધામાં મળેલ કવિ દલપતરામનો ‘ભૂત નિબંધ’ ઇનામને પાત્ર ઠર્યો હતો અને સોસાયટીએ તે પ્રગટ કર્યો હતો એ હકીકત જાણીતી છે. બીજે વર્ષે ‘ગુજરાતનો ઈતિહાસ’ વિષય અંગે ‘નિબંધ સ્પર્ધા’ યોજાઈ હતી. એદલજી ડોસાભાઈને આ હરીફાઈમાં ભાગ લેવા તેમની નિશાળના માસ્તર ભોગીલાલ પ્રાણવલ્લભદાસે કહ્યું હતું. અને તેમનો આ નિબંધ ઇનામને પાત્ર ઠર્યો હતો. સોસાયટીના ૧૮૫૦ના વર્ષના અહેવાલમાં તેના સેક્રેટરી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસે લખ્યું હતું:

“While on this subject, I may add that I have in my possession a compilation by Edalji Dosabhai, written in very good Gujarati, and giving a useful summary of the History of the province. This may be published immediately, and may be a very good school-book.”

(સોસાયટીને ઉપયોગી થાય તેવાં મારી પાસેનાં પુસ્તકોમાં ગુજરાતનો ઇતિહાસ નામનું એદલજી ડોસાભાઈએ લખેલું પુસ્તક ખૂબ સારી ભાષામાં લખાયું છે અને તેમાં આપેલો ગુજરાતના ઇતિહાસનો સારાંશ ઉપયોગી થાય તેવો છે. તે બને તેટલું જલદીથી પ્રગટ થવું જોઈએ. નિશાળોમાં શીખવવા માટે તે ઘણું કામ લાગે તેવું છે.)

૧૮૫૦માં ફાર્બસની બદલી અમદાવાદ બહાર થતાં તેમની જગ્યાએ જ્યોર્જ સીવર્ડ સોસાયટીના સેક્રેટરી બન્યા. ૧૮૫૧ના વર્ષના અહેવાલમાં તેમણે લખ્યું:

“The second publication is the History of Gujarat by Edalji Dosabhai. It is essentially a school-book and a very useful one too, and is now used in all the vernacular schools of the city. Two hundred copies were published, of which very few remain.”

(સોસાયટીનું બીજું પ્રકાશન છે ગુજરાતના ઇતિહાસ વિશેનું ડોસાભાઈ એદલજીનું પુસ્તક. મૂળે તે નિશાળોમાં શીખવવા માટેનું છે, અને તે રીતે તે ખૂબ ઉપયોગી સાબિત થયું છે. શહેરની બધી વર્નાક્યુલર સ્કૂલોમાં હવે તે વપરાય છે. તેની કુલ ૨૦૦ નકલ છપાઈ હતી તેમાંથી હવે બહુ થોડી નકલો સિલકમાં રહી છે.)

એટલે કે, દલપતરામની જેમ એદલજી પણ નિબંધ હરીફાઈમાં ઇનામ જીત્યા હતા. સોસાયટીનું પહેલું પ્રકાશન તે ભૂત નિબંધ, તો આ ગુજરાતનો ઇતિહાસ એ તેનું બીજું પ્રકાશન. પુસ્તકની બીજી આવૃત્તિ સોસાયાટીએ પ્રગટ કરી હતી, અને ત્રીજી આવૃત્તિ બાજીભાઈ અમીચંદે પોતાને ખર્ચે પ્રગટ કરી હતી, પણ તે બંને આવૃત્તિની સાલ જાણવા  મળી નથી. સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટના કેટલોગને આધારે અચ્યુત યાજ્ઞિક અને કિરીટ ભાવસાર તેમની ‘ગુજરાતી આદિમુદ્રિત ગ્રંથોની સૂચિ’(૨૦૦૪)માં ડોસાભાઈના આ પુસ્તકની પ્રકાશન સાલ ૧૮૪૮ આપે છે, પણ તે શક્ય જ નથી. કારણ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના જ ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે થઇ હતી. એટલું જ નહિ, આ લખનારે જોયેલી નકલ પર પ્રકાશન સાલ સ્પષ્ટ રીતે ૧૮૫૦ છાપી છે.

પુસ્તકને લેખકે બે ભાગમાં વહેંચ્યું છે. ‘અશલનાં વારાથી તે સોલમા સહીકાં સુધીની વાત’ પહેલા ભાગમાં છે. અને ‘શતરમાંથી તે આજ સુધીની વાત’ બીજા ભાગમાં છે. પહેલા ભાગમાં ૧૫ પ્રકરણ છે. પહેલા પ્રકરણમાં ગુજરાતનાં ભૌગોલિક સીમા, કદ, પવિત્ર જગ્યાઓ, નદીઓ, બંદરો, શહેરો, પેદાશ, ધંધા, વસ્તી વગેરે અંગેની વિગતો આપી છે. બીજા પ્રકરણમાં પાટણ શહેર વસાવનાર વનરાજ અંગેની વાતથી ઇતિહાસ શરૂ થાય છે. ત્રીજો મુઝફ્ફરશાહ ગુજરાતની ગાદીએ આવ્યો ત્યાં ૧૫મું પ્રકરણ પૂરું થાય છે. બીજા ભાગના પહેલા પ્રકરણમાં લેખકે ગુજરાતના રાજાઓની પડતી અંગેનાં કારણોની ચર્ચા કરી છે. અને પછી મુસ્લિમ શાસનની વાત આગળ વધારી છે. છઠ્ઠું પ્રકરણ શિવાજીના આક્રમણ અંગે છે. અંગ્રેજોએ સુરતનો કિલ્લો લીધો ત્યાંથી આઠમું પ્રકરણ શરૂ થાય છે. પુસ્તકનાં છેલ્લાં દસ પાનાં ‘ઈનડેકસ એટલે સુચીપત્ર’ રોકે છે. તેમાં લેખકે વિગતવાર સૂચી રજૂ કરી છે. ગુજરાતી પુસ્તકમાં આવી સૂચી અહીં પહેલી વાર મૂકાઈ છે તેવો દાવો લેખકે પ્રસ્તાવનામાં કર્યો છે. પણ હકીકતમાં ૧૮૫૦ પહેલાં પ્રગટ થયેલાં બીજાં કેટલાંક પુસ્તકોમાં સૂચી મૂકવામાં આવેલી જોવા મળે છે. સંભવ છે કે એદલજીના જોવામાં તે પુસ્તકો આવ્યાં નહિ હોય. એદલજીએ આ પુસ્તક લખ્યું ત્યાં સુધીમાં ગુજરાતના ઇતિહાસ અંગે ગુજરાતીમાં તો નહિ જ, પણ અંગ્રેજીમાં ય એક પણ પુસ્તક પ્રગટ થયું નહોતું. હા, ‘મિરાતે અહમદી’નો જેમ્સ બર્ડે કરેલો અનુવાદ ૧૮૩૫માં પ્રગટ થયો હતો. એદલજીએ તેનો તથા ગ્રાન્ટ ડફના ત્રણ ભાગમાં લખાયેલા ‘ધ હિસ્ટ્રી ઓફ મરાઠાઝ’નો અને ઇસ્ટ ઇન્ડિયા ગેઝેટિયરનો ઉપયોગ કરીને આ પુસ્તક લખ્યું હતું. અને યાદ રહે, આ બધું કરતી વખતે તેઓ સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થી હતા.

હવે ફાસ્ટ ફોરવર્ડ ટુ ૧૮૯૪. એક સાથે બે વાત. એ વર્ષે એદલજી સરકારી નોકરીમાંથી પેન્શન લઇ નિવૃત્ત થયા. અને બીજી વાત એ કે ૧૮૯૪ના મે મહિનાની ૧૫મી તારીખે એદલજીનું બીજું પુસ્તક પ્રગટ થયું, અંગ્રેજીમાં. ૩૭૬ પાનાંના આ પુસ્તકનું નામ છે ‘અ હિસ્ટ્રી ઓફ ગુજરાત.’ પ્રસ્તાવનામાં લેખક જણાવે છે કે ૧૮૫૦માં ગુજરાતી પુસ્તક પ્રગટ થયું ત્યારથી તેની અંગ્રેજી આવૃત્તિ કરવાનો મનસૂબો હતો. પણ સરકારી નોકરીને કારણે તેમ કરી શકાયું નહિ. ૪૪ વર્ષના ગાળામાં ગુજરાતના ઇતિહાસ વિષે ઘણી નવી સામગ્રી બહાર આવી હતી. ફાર્બસની ‘રાસમાળા’ (૧૮૫૬) ઉપરાંત બીજાં પુસ્તકો અને સંશોધન લેખો પ્રગટ થયાં હતાં. એટલે લેખકે અંગ્રેજી પુસ્તક નવેસરથી લખવાનું નક્કી કર્યું. અને જો નવેસરથી લખવું હોય તો વાતને છેક વર્તમાન સમય સુધી લઇ આવવી જોઈએ એમ તેમને લાગ્યું. આથી છેક ૧૮૯૨ સુધીની ઘટનાઓને તેમણે અહીં આવરી લીધી છે. પુસ્તકને અંતે સુખ, શાંતિ, ન્યાયવાળા સુશાસન માટે લેખક અંગ્રેજોનો આભાર માને છે, અને રાણી વિક્ટોરિયાનું રાજ અમર તપો એવી પ્રાર્થના સાથે પુસ્તક પૂરું કરે છે. નવાં પુસ્તકો-લેખો ઉપરાંત તેમણે સરકારી ગેઝેટિયર અને એન્યુઅલ એડમિનિસ્ટ્રેશન રિપોર્ટનો પણ અભ્યાસ કર્યો. રેવરન્ડ જ્યોર્જ પી. ટેલર અને ઈ. જાઈલ્સ જેવા અંગ્રેજ મિત્રોની મદદ લીધી. જે સાત અંગ્રેજી પુસ્તકોનો ઉપયોગ કર્યો તેનાં નામ લેખકે પ્રસ્તાવનામાં નોંધ્યાં છે. પુસ્તકને અંતે દસ પરિશિષ્ટો અને સૂચી પણ મૂક્યાં છે. આવું દળદાર પુસ્તક કાંઈ રાતોરાત લખાય નહિ. એટલે દેખીતું છે કે સરકારી નોકરીનાં વર્ષો દરમ્યાન એદલજી આ પુસ્તક માટેની તૈયારી કરતા રહ્યા હતા, અને તે લગભગ લખાઈ જ નહિ, છપાઈ પણ ગયું હોવું જોઈએ. કારણ, હેન્ડ કમ્પોઝના એ જમાનામાં બે-પાંચ દિવસમાં પુસ્તક છાપી નાખવાનું તો શક્ય જ નહોતું.  

૧૮૫૦માં ‘ગુજરાતનો ઇતિહાસ’ પુસ્તક પ્રગટ થયું ત્યારે એદલજી સ્કૂલમાં ભણતા હતા એ આપણે અગાઉ જોયું. કેટલું ભણ્યા તે તો જાણવા મળતું નથી, પણ ‘પારસી પ્રકાશ’(દફતર ૨, ૩)માં જણાવ્યા પ્રમાણે ભણી લીધા પછી ૧૭ વર્ષની ઉંમરે સરકારી નોકરીમાં જોડાયા હતા. આમોદ, ચીખલી, બારડોલી, વલસાડ નડિયાદ વગેરે જગ્યાએ મામલતદાર તરીકે કામ કર્યું હતું. ૧૮૭૪થી અમદાવાદ, ભરૂચ અને ખેડામાં ડેપ્યુટી કલેકટરના હોદ્દે રહ્યા હતા. ૧૮૯૪ના વર્ષમાં તેમના જીવનમાં ત્રીજી ઘટના પણ બની. એ વર્ષના મે મહિનાની ૨૪મી તારીખે સરકારે એદલજીને ખાનબહાદુરનો ઈલ્કાબ એનાયત કર્યો હતો. તે પછી ત્રણ વર્ષે, ૧૮૯૭ના જૂનની ૧૪મી તારીખે ૬૪ વર્ષની ઉંમરે એદલજી ડોસાભાઈનું અમદાવાદમાં અવસાન થયું હતું.

XXX   XXX   XXX

e.mail : deepakbmehta@gmail.com

સૌજન્ય : “શબ્દ સૃષ્ટિ”, જૂન 2018

Loading

9 June 2018 admin
← દુનિયા રંગ રંગીલી – અમેરિકા
મુસોલિની હોય, સાવરકર હોય કે સંઘ હોય મોડસ અૉપરૅન્ડી એક સમાન છે: સજ્જનોના સૌજન્યનો દુરુપયોગ →

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved