૧૯૯૧માં સામ્યવાદી રશિયાનું પતન થયું ત્યારે એમ માનવામાં આવતું હતું કે સામ્યવાદ સામે મૂડીવાદનો વિજય થયો છે, લોકતંત્રરહિત બંધિયાર સમાજની સામે ખુલ્લા સમાજનો વિજય થયો છે.
વડા પ્રધાન તરીકે માત્ર એક મુદતમાં સૌથી વધુ વિદેશપ્રવાસો કરવાનું માન નરેન્દ્ર મોદીને જાય છે. તેમના બધા જ પ્રવાસો સાર્થક હતા એવું નથી; પરંતુ તેમનો છેલ્લો ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ અત્યાર સુધીના સાર્થક પ્રવાસોમાં સ્થાન પામે છે. આનું કારણ અિનશ્ચિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ છે અને ભારત સરકારને ભલે થોડી મોડીથી પણ સમજાયેલી વાસ્તવિકતા છે. પહેલાં એ વાસ્તવિકતા શું છે, એ સમજી લઈએ.
આ એક પ્રકારનું સરળીકરણ હતું અથવા ભોળપણ હતું. બીજું, આનું વ્યાવહારિક અર્થઘટન એવું કરવામાં આવ્યું હતું કે સામ્યવાદી રશિયાના પતન પછી જગત એકધ્રુવીય બની ગયું છે અને એ એક ધ્રુવ અમેરિકા છે. અમેરિકા સૂર્ય છે અને બાકીના દેશો એના ગ્રહો અને ઉપગ્રહો છે. વચ્ચે ચીન એક પડકાર તરીકે નજરે પડતું હતું, પરંતુ ચીન એના સામ્યવાદી શાસન અને મૂડીવાદી અર્થતંત્રના વિરોધાભાસનું એક દિવસ શિકાર બની જશે એની ખાતરી હતી.
એ પછી ૨૧મી સદી બેઠી અને એના પહેલા જ દાયકામાં સ્પષ્ટ થઈ ગયું કે ચીન એમ જલદી તૂટે એમ નથી, અને આર્થિક સમસ્યા અમેરિકા સામે ઝળૂંબાઈ રહી છે. અમેરિકાનું કૃત્રિમ અર્થતંત્ર ટકી શકે એમ નથી. આ બાજુ ચીન આર્થિક રીતે મજબૂત બનવાની સાથે લશ્કરી રીતે પણ મજબૂત બનવા લાગ્યું. ચીને વિસ્તારવાદી નીતિ અપનાવી, જેના વિશે બહુ ઓછું વિચારવામાં આવ્યું હતું અને તૈયારી તો બહુ જ ઓછી કરવામાં આવી હતી.
આની વચ્ચે એક ભારત છે જે નથી વિકસિત કે નથી અવિકસિત. એની પાસે માનવીય સંસાધન છે, બૌદ્ધિક ક્ષમતા છે, વિશાળ બજાર છે; પણ રાષ્ટ્રીય સર્વસંમતિનો અભાવ હોવાને કારણે તક ગુમાવતું રહે છે. એવો એશિયાઈ વાઘ જે દરેક પ્રકારની શક્તિ હોવા છતાં છલાંગ મારી શકતો નથી કે શિકાર કરી શકતો નથી. ટૂંકમાં ૨૧મી સદીના બીજા દશક સુધીમાં એટલું સ્પષ્ટ થઈ ગયું કે જગત અમેરિકાકેન્દ્રિત એકધ્રુવીય નથી. જગત અમેરિકા અને ચીન એમ દ્વિધ્રુવીય પણ નથી. જગત અનેક ધ્રુવીય પણ નથી. આ જગતમાં ભારત એક પરિબળ હોવા છતાં એવું પરિબળ પણ નથી કે એ એની શરતો મૂકી શકે. પાડોશી દેશો સામે પણ ભારત લાચાર છે. આ ઉપરાંત ભારત ચીનનો પાડોશી દેશ છે અને સરહદનો દાયકાઓ જૂનો ઝઘડો છે. બે દેશ વચ્ચે એક યુદ્ધ પણ થઈ ચૂક્યું છે.
આ સ્થિતિમાં ભારતે શું કરવું જોઈતું હતું? એક રીતે કહીએ તો ૨૧મી સદીનો પહેલો દાયકો ભારત માટે લોસ્ટ ઑપોચ્યુિન ટીઝ જેવો રહ્યો છે. એનું કારણ આગળ કહ્યું એમ રાષ્ટ્રીય સર્વસંમતિનો અભાવ. દરેક પક્ષ રાષ્ટ્રીય હિત કરતાં પક્ષીય હિતને વધારે મહત્ત્વ આપતો હતો. આ બાજુ અમેરિકા ભારતને પોતાની સોડમાં લેવાનો પ્રયાસ કરતું હતું. એક તો ભારત મધ્યમ ક્ષમતાનો મોટો દેશ, ચીનનો પાડોશી અને વિશાળ માર્કેટ જોતાં આર્થિક ફાયદાઓ પણ નજરે પડતા હતા. ચીન ભારતની ઉપેક્ષા પણ કરતું હતું અને ભારત અમેરિકાની સોડમાં ન ઘૂસે એની ખબરદારી પણ રાખતું હતું. એ દરમ્યાન ચીનની વિસ્તરવાની અને ભારત ફરતે ભરડો લેવાની તૈયારીઓ ચાલતી હતી. આ બાજુ પાકિસ્તાન ચીનની સોડમાં ઘૂસવા માટે આતુર હતું.
આમ સમય વીતતો જતો હતો અને ભારત રાષ્ટ્રીય સર્વસંમતિ સાથેનો કોઈ નક્કર નિર્ણય નહોતું લઈ શકતું. મનમોહન સિંહની સરકારે હળવે હલેસે પ્રવાહની બહુ વિરુદ્ધ ગયા વિના કે પ્રવાહપતિત થયા વિના સાવધાનીપૂવર્કત ગાડું ગબડાવ્યું હતું. આ હળવે હલેસે નાવ ચલાવવાની નીતિને ભારતીય જનતા પાર્ટી યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ સરકારની નિર્બળતા તરીકે જોતી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપિત વિવેકાનંદ ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશને વિદેશનીતિ વિકસાવી હતી કે ભારતે ચીનનો મુખોમુખ મુકાબલો કરવો જોઈએ. ગણતરીપૂવર્ક ચારે બાજુ સંબંધો વિસ્તારીને ભારતે ચીનને રોકવું જોઈએ અને બને તો ચીનનો ભરડો લેવો જોઈએ. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આ સંસ્થાના ડાયરેક્ટર હતા અને આ પોલિસી મુખ્યત્વે તેમણે વિકસાવી હતી.
એટલે તો વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી તેમને ખાસ વડા પ્રધાનના મંત્રાલયમાં લઈ આવ્યા હતા અને તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા હતા. નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદના પહેલાં ચાર વરસમાં આ નીતિ અપનાવવામાં આવી હતી. ડોકલામ આનું પરિણામ છે.
હવે જાગતિક રાજકારણ પહેલાં કરતાં પણ વધુ અનિશ્ચિત છે. અમેરિકા આ જગતમાં કયારે ય ભરોસાપાત્ર નહોતું અને ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી અમેરિકાની શ્રદ્ધેયતામાં ઘટાડો થયો છે. ભારત આર્થિક કે લશ્કરી કોઈ રીતે અમેરિકા પર ભરોસો મૂકી શકે એમ નથી. અમેરિકા ચીન અને રશિયા સામે ટ્રેડ-વૉર કે બીજી કોઈ પણ વૉર કરી શકે છે, પ્રતિબંધો લાદી શકે છે અને એની શરૂઆત થઈ પણ ચૂકી છે. એ બારોબાર સંધિઓ તોડે છે. નૉર્થ કોરિયા સાથે કોઈ તૈયારી વિના શિખરપરિષદની જાહેરાત કરે છે, એને રદ કરે છે અને વળી પાછી કિમ ઉનને મળવાની જાહેરાત કરે છે. આ બાજુ ચીન સ્થિત ગતિથી આગળ વધી રહ્યું છે. ચીન ભારતને બાથમાં લેવાના સંકેત આપે છે, પરંતુ ચીનની બાથમાં જવું એ ભીમ ધૃતરાષ્ટ્રની બાથમાં જાય એવું બની શકે એ વાતે ભારત ડરે છે.
આ સ્થિતિમાં એક નાનકડો પણ મહત્વનો, કહો કે નિર્ણાયક વળાંક ભારતની વિદેશનીતિમાં નજરે પડી રહ્યો છે. વળાંક મહત્ત્વનો અને કદાચ નિર્ણાયક છે એટલે જરૂરી પૃષ્ઠભૂમિ આપ્યા પછી એની વિગતે વાત કરવી જોઈએ જે હવે પછી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 07 જૂન 2018