Opinion Magazine
Number of visits: 9448907
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેફિયત

રજની પી. શાહ|Opinion - Literature|19 May 2018

અામ તો નિરંજન ભગત સાથે મારે અંગત રીતે કોઇ નિસ્બત નહીં. જોવા જઇએ તો હું સાહિત્યનો અોરમાન પુત્ર ગણાઉં. તેમાં ય કવિતા સાથે તો મારે અાડવેર. પણ અમારા એક સાહિત્ય ગુરુ છે, મધુસૂદન કાપડિયા જેમણે અમારી મિત્ર મંડળીને અા ભગત સાહેબની એક કવિતા ક્વોટ કરેલી,

                            હું તો બસ ફરવા અાવ્યો છું
                            હું ક્યાં એકે કામ તમારું કરવા અાવ્યો છું.

તમે માનો કે ન માનો પણ એ કવિતાથી અમારી મંડળીમાં કાપડિયા સાહેબે સોપો પાડી દીધેલો. મેં એ પણ નોંધેલું કે મારી વાઇફે એ પંક્તિઅો પેશોનેટલી વધાવી લીધેલી. રહી મારી વાત. મને તો અા લાઈન્સ એટલી બધી ગમી ગયેલી કે જાણે મારી સમસ્ત લાઇફનો એક મોક્ષમંત્ર મળી ગયો. અણીના સમયે વપરાય તેવી પ્રેક્ટીકલ છટકબારી. હવેથી કોઇ પણ કામ ના કરીએ તો એનો ગિલ્ટજ ના લાગે. બે હોઠ ફફડાવવાના, ‘હું તો બસ ફરવા અાવ્યો છું, પીરિયડ. વાત બંધ.’ જો કે એમાં એક ઈન્સી વીન્સી નજીવો પ્રોબલેમ હતો, કે ભગત સાહેબ અાજીવન કુંવારા હતા માટે એમને કોઇ અોર્ડર અાપતું ન’તું  કે ‘ચલ પીઝાવાળાને ફોન કરી દે, બે અનિયન-પેપર’. હી વોઝ એ ફ્રી મેન. એમને એ લાઇન પરવડે.

મારી વાત અલગ છે. મારે વાઇફ છે. દર રવિવારે એ મને એક લીસ્ટ અાપે જેમાં એક અાદર્શ હસબંડે શું શું કરવાનુું હોય, એ કલર માર્કરથી લખેલું હોય જેમ કે બેઝમેન્ટ સાફ કરવાનું અથવા ફોર મેન અોન્લી કામ્સ : અાખા વીકની રીસાયકલ કરવાની અાઇટમ્સને કોથળામાં ભરી પીપડામાં મુકવાના, અમારી બન્નેવ કારના બધા ટાયર્સની હવા ચેક કરવાની, કોકોનટ ચટણીના રેફરન્સમાં નાળિયેર તો મારે જ ફોડી અાપવાનું. અા બધાં કામ મારે લંચ પહેલાં કરવાના. એ વખતે હું ચર્ચિલની જેમ મારાં ચશ્માં નાક પરથી અડધા સરકાવીને કહું, ‘મડામ, કાપડિયા સાહેબે અાપણને પેલા નિરંજન ભગતની વાત નો’તી કરી? યાદ કર, “હું તો બસ ફરવા અાવ્યો છું,” યાને કે, અો ચરોતરની રાણી, “ડોન્ટ બોધર મી. હું ક્યાં એકે કામ તમારું કરવા અાવ્યો છું? અાપણે એવું કોઇ બોન્ડ થોડું સાઇન કર્યું છે, હની? બેઉ જેન્ડર સરખાં”. પછી થોડી વર્બલ ટશમ્ ટશી થાય. દલીલો પર દલીલ્સ કરતાં જઇએ ને અંતે અમે બન્ને બારોબાર કંઇ બોગ્ગસ વાતમાં ઊતરી જઈઅે દા.ત. વહીદા રહેમાનને પીન્ક સાડી ના શોભે અથવા સુભાષ બોઝને કોણે મારી નાંખ્યા હશે અને કેમ, વગેરે … વગેરે … એ સાંજે અમે બહાર જમવા જઇએ. લવ-ઓલ મોટેથી બોલીને ટેનિસની નવી બાજી મંડાય. સારાંશ એ કે ભગત સાહેબની એ ધ્રુવ પંક્તિઅોથી અમારું લગ્ન બરાબર ચાલે. વાઇફ પણ નિરંજનનું  ક્વોટ મારી સામે અચૂક વાપરે. અાબાદ રીતે કવિએ એવું જેન્ડર ન્યુટ્રલ વિધાન કર્યું છે. યુઝર ફ્રેંડલી.

હવે અાપણા મહાકવિ નિરંજન ભગત અમેરિકા અાવેલા ત્યારની એક વાત કરું. અહીં અમેરિકામાં ગુજરાતી લિટરરી એકેડેમી અોફ નોર્થ અમેરિકાના એક અધિવેશનના એ અામંત્રિત મહેમાન હતા. એમની સાથે સિતાંશુને પણ અાવેલા. ત્યારે અમે ન્યુ જર્સીમાં બે ટૂંકા નાટકો કરેલા. જો કે એવું કશું પૂર્વયોજીત ન હતું કે અાયોનેસ્કો નાઈટ કરીએ છતાં યોગાનુયોગ બન્ને નાટકો યુજીન અયોનેસ્કોના જ લખેલાં નિકળ્યાં. પહેલું નાટક હતું ‘ધી લેસન’. એનું ગુજરાતી રૂપાંતર સિતાંશુઅે કરેલું, એને બોસ્ટન નિવાસી ચન્દ્રકાન્ત શાહે મંચસ્થ કરેલું. બીજું નાટક હતું ‘ ધી ચેર્સ’  એનું મુક્ત રૂપાન્તર મેં પોતે કરેલું. એ નાટક મેં અને મારી પત્ની બિનિતાએ ભજવેલું. બન્ને નાટકો એબ્ઝર્ડ હતા, ટ્રેજિક/ ફારસ કેટેગારીના. ગુજરાતી ભાષાની જ એકેડેમી હોય તો તેમાં પણ માત્ર સભારંજક કે ચીલાચાલુ કે ‘પૈસા-વસૂલ’ અાઇટમો બતાવવી એ હિતાવહ નથી. માટે જ અાવાં નાટકો પસંદ કરેલાં. મેં પહેલાં પણ એકેડેમી માટે અાવો પ્રયોગ કરેલો જેમાં વિદેશી લેખકોનાં ચાર એકાંકી, (ગુજરાતીકરણ કરીને) રજૂ કરેલા અને તેમાં સારો પ્રતિસાદ મળેલોઅા લેખ મારી કેફિયત છે, માટે ફકત મારા નાટકની જ વાત કરીશ. એક સહેજ એકરાર કરી લઉં. હું ઉદ્દામ લેખક છું અને મિનિમલીસ્ટ ડિરેક્ટર છું. મને એમ છે કે મોટાં ભાગનાં નાટકો બે ચાર ફોલ્ડિંગ ખુરશીથી થઇ શકે. તાજેતરનો એક દાખલો અાપું, સોડરબર્ગ નામના એક હોલિવુડના બોકસ અોફિસ હીટ મુવી ડિરેકટરે અેની નવી ફીલ્મ બનાવી માત્ર એક સાદા અાઈ-ફોનથી! અા ફોનથી કે જેમાં અાપણે કેમ છો – સારા છોની ગપસપ કરીએ છીએ, ઢંગ ધડા વગરના વિડીઅો ઊતારીએ છીએ! અો માય ગોડ! અા માણસ અાખ્ખુ કોમર્શિયલ ચલચિત્ર બનાવે! ટૂંકમાં વગર ફોગટનાં વાઘાં વગરનું નાટક કરવાનું મને ગમે. રંગબેરંગી લાઇટો કે ‘એલાગ્રાન્ડ સેટ’ કે ભારે રેકોર્ડેડ મ્યુિઝકના સ્ટ્રોક્સ વગેરેથી હું બહુ ડરું છું. તો એવી સાદગીથી પ્રસ્તુત કરેલાં નાટકનો ટૂંક સાર હું તમને પહેલાં કહી દઉં.

એક વૃદ્ધ દંપતી છે. વૃદ્ધને થાય છે કે જિંદગીમાં પોતે બહુ બધું  શીખ્યો તો હવે ગામ અાખાને બોલાવી પોતાની લાઇફનો એ મર્મ સૈાને કહી સંભળાવે, જેથી વન્સ – ફોર – અોલ સમસ્ત માનવ જીવનનો ઉદ્ધાર થઇ જાય. એની પહેલી શરત એ છે કે પોતાની જિંદગીના નિચોડની ચબરખી કોઇ પ્રોફેશનલ (જે હેન્ડસમ હોય, જેના અવાજથી જનસમુદાય મંત્રમુગ્ધ થઇ જાય .. વગેરે, વગેરે લક્ષણોવાળો) પ્રવક્તા વાંચે જેથી હાજર રહેલા શ્રોતાઅોના દિમાગમાં સદીઅો સુધી પોતાનું  ‘સત્ય’ કંડારાઇ જાય. બીજી શરત એ કે બન્ને જણાં પહેલાં અાત્મહત્યા કરશે અને ત્યાર પછી જ એ પ્રવક્તા ચબરખી ખોલશે અને એમાંનો સંદેશો વાંચશે કે જે સર્વ દિશાઅોમાં ઘોષિત થશે – મનુષ્ય જીવનનો નિચોડ અને એમાંથી ઊપજતા નિર્વાણની અલબ્ધ ચાવી હશે. અાત્મહત્યાનું કારણ ફક્ત એટલું જ કે એ બન્ને પોતે એવો મર્મ પામી ચુક્યાં છે, અેનું જ પાલન કરીને સુખેથી જીવ્યાં છે. હવે એ લક્ષ હાંસલ કર્યા પછીની જિંદગી જીવવાનો કોઇ અર્થ નથી. બસ. ફિનિશ્ડ. ગેટ અાઉટ. ગેટ લોસ્ટ.

હવે અા નાટકનું  મૂળ શીર્ષક છે : ધી ચેર્સ. મેં એને બદલ્યું : ‘સંદેશો’. ‘ચેર્સ’માં ડોસો-ડોસી ૯૪ વર્ષનાં બતાવ્યાં. મેં એમને ૬૦ની અાસપાસ બતાવ્યાં. ૯૪ વર્ષનું પાત્ર અાપઘાત કરે તે પ્રેક્ષકોને ડ્રામેટિક ન લાગે. મેં નાટકનાં દંપતીના સંવાદમાં શબ્દ-સરવાણી કરી. લાલિત્ય ઊમેર્યું. જુઅો અા એક સેંપલ:

રાણી: પેલી વારતા કહો .. ‘પછી અમે ત્યાં પહોંચ્યા .. ભમ્..ભમમ્..ભમબમ.’

રાજા:  પાછી એની એ જ વારતા? રાણી, તમારું ચસકી ગયું છે. મારે એ જ નકલ કરવાની ને એના એ જ જોક્સ?

રાણી: અરે અો મારા પ્રાણસુખ, મારા લાલ.. ચંદર્,..કાન્ત!.. તમારી લાઇફની સ્ટોરીઝ મને વારંવાર સાંભળવાની ગમે છે..ઈટ્સ ફન.

રાજા: ભલે. તમારી મરજી. “છેલ્લે અમે ત્યાં પહોંચ્યા. ભમ્..ભમમ્..ભમબમ.’ તો સામે મોટી વાડ. ઠંડી અને વરસાદ. કાન ઠરી ગયેલા, સામેના બાગમાં ઝાંપો. બધુ બંધ. બાગમાં ચારેકોર ..’         

રાણી:  ઘાસ ભીનું ભીનું હતું.

રાજા : યસ. એ બાગમાંથી એક પગદંડી એક ચર્ચ તરફ જાય. એ ચર્ચનું નામ અત્યારે ભૂલી ગયો છું. પણ સિટીનું નામ યાદ છે, અયોધ્યા નગરી.                                                 

રાણી: અરે, અો મારા ચકોર પક્ષી ..(ડચકારો) તમે કંઇ ગોથું ખાધું .. અયોધ્યા નગરીમાં ચર્ચ – ફર્ચ ના હોય .. સમથીંગ ઇઝ રોંગ.

મૂળ નાટકમાં બન્ને પાત્રો બારીમાંથી ભૂસકો મારે છે ને નીચેથી પાણીના ધબાકાનો સાઉન્ડ અાવે છે. મેં મારાં પાત્રોને લમણે પિસ્તોલથી મરતા બતાવ્યા. તે પણ માત્ર હાથની બે અાંગળીની મુદ્રાથી. મરતાં પહેલાંની લાઇન અા હતી:

રાણી:  બસ. બસ. મારા મણિયારા ! અાજ મોમેન્ટ, અાજ મોમેન્ટ. સબકો મેરા સલામ, કહી દો હવે.

રાજા: સબકો મેરા સલામ. (લમણે ગોળી) ઠુશૂમ્…ઠુશૂઉઉઉઉમ્ !   

(બધું સ્તબ્ધ થઇ જાય છે)

હવે પહેલી હરોળમાં બેઠેલા નિરંજન ભગતને અા ચેન્જ નવો લાગેલો, કારણ એમની યાદદાસ્તમાં અા નાટક ક્યાંક લપાઇને પડ્યું હશે માટે પાત્રો સદેહે એમના માનસપટપર ના દેખાય. માટે એમણે એમની જોડે બેઠેલા જયંતી પટેલ / રંગલો ને વાત કરી. પટેલે મારા માટે કશું કહ્યું હશે એટલે ભગત સાહેબ અોર રંગતથી નાટક જોવા લાગી ગયા. પછી તો નાટકના અંતમાં પેલા પ્રોફેશનલ પ્રવક્તાને બદલે મેં અોપેરા સિંગર તરીકે મારી પુત્રી તોરલને રાખી. એ સીનમાં પ્રેક્ષકો સ્પેલબાઉન્ડ હતા કારણ અા છોકરીના હાથમાં પેલી ચબરખી હતી જે વાંચવાની હજુ બાકી હતી. મરનાર વૃદ્ધે એમાં શું લખ્યું છે? તોરલ પોતે સ્ટેજ પર પડેલાં બે મડદાં ને એક પછી એક કોઇ લંગડીના દાવની માફક અોળંગે છે અને જાણે બધું નોરમલ હોય તેમ માઇક્રોફોનમાં ટેસ્ટીંગ કરતી હોય તેમ ફૂંકો મારે છે. પછી ચબરખીના જીબરીશ .. કક્કો-બરાખડીના અક્ષરો બોલે છે..ક..ચ..ટ..ત..પ. અને પછી મંદ ગતિથી એ અોપેરા ગાતી ગાતી પુન: મડદાં અોળંગી હોલમાંથી એક્ઝીટ લે છે.

એબ્ઝર્ડ નાટકની અસર હવે દેખાય છે. અો માય ગોડ! અા લવીંગ કપલનું મોત જોવાનું? અને વસિયતની ચબરખીમાં અા  ક..ચ..ટ..ત..પ.? * વોટ ધ હેલ? એનો અર્થ શું ?

નિરંજન તો રાજી રાજી. બસ, અા મારી બે ફોલ્ડિંગ ચેર્સ પ્લસ એક માઇક્રોફોન = એક નાટક. અા સમીકરણથી મને મહાકવિ મળેલા એ મારી અનફરગેટેબલ ક્ષણો. નાટકમાં મેં કરેલા ફેરફારો મારા બદલે એ પોતે જ બીજા બે ચારને સમજાવવા માંડેલા. ધારો કે પંડિતો સૈાને સમજાય તેવી ફોરમ્યુલા શોધી પણ લાવે, તો એ ક ચ ટ ત પની ગૂંચથી સહેજે બહેતર નહીં નીવડે.

(સંપૂર્ણ)

* નાટકના અંતને સમજાવવા મને પ્રેક્ષકોએ સ્ટેજ પર બોલાવ્યો. ન સમજાય તેવા અક્ષરોમાં જેમ કોઇ મિનિંગ નથી તેમ અા નાટકમાં પણ કોઇ ચિરંજીવી સત્ય નથી. જીવનને સમજવા ભાષા ટૂંકી પડે છે.

488 Old Courthouse Rd. New Hyde Park, NY 11040

E-mail : rpshah37@hotmail.com

(“ગુર્જરી ડાયજેસ્ટ”, અૅપ્રિલ 2018; પૃ. 33-35)

Loading

19 May 2018 admin
← સ્ટ્રેન્ડ બુકશૉપ, હવે ભૂતકાળ
Bishop Michael Curry’s rousing royal wedding sermon – →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved