Opinion Magazine
Number of visits: 9446889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝીણા નામ સત હૈ ?!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 May 2018

જ્યાં સુધી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં બીજા અનેક સહિત ઝીણાની તસવીરનો સવાલ છે, આપણે વાઈસ ચાન્સેલર તારીક મનસૂર સાથે એક અર્થમાં ચોક્કસ જ સંમત થઈ શકીએ કે આ એક નહીંમુદ્દો (નૉનઇશ્યુ) છે. આ વિગતમુદ્દો મૂળગતપણે નકો નઠો એટલા વાસ્તે છે કે વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સ્ટુડન્ટ્‌સ યુનિયન વખતોવખત આમંત્રણ આપતું રહ્યું છે, અને માનદ સભ્યપદનું સન્માન પણ એમને અપાતું રહ્યું છે. સ્વરાજ પહેલાંથી એ સૌની તસવીરો યુનિવર્સટીમાં મુકાતી રહી છે – ગાંધી, નેહરુ તેમ ઝીણા પણ એ પૈકી છે.

એક પા ભાજપ સહિત સંઘ પરિવાર અને બીજી પા કૉંગ્રેસ તેમ જ બીજા એવા જે ધ્રુવીકૃત પ્રતિભાવો (બહરાઈચનાં ભાજપ સાંસદ સાવિત્રીબાઈ ફુલે જેવો અપવાદ બાદ કરતાં) આ દિવસોમાં પ્રગટ થયા છે તે બધા જ એક વ્યાપક ઇતિહાસદૃષ્ટિપૂર્વક તપાસ માગી લે છે. જાવેદ અખતર જેવા એક બિનપક્ષીય – બિનસાંપ્રદાયિક શાયર અહીં ઝીણાની તસવીરનું શું કામ છે એવો પ્રશ્ન ઉપસ્થિત કરે ત્યારે એક છેડેથી એમની સહજ રાષ્ટ્રપ્રીતિ આદર પ્રેરે છે તો બીજે છેેડેથી એક વ્યાપક સિવિલાઈઝેશનલ અભિગમમાં રોપાયેલા હોઈ શકતા શાયરનું આકલન આવું સીમિત કેમ હશે એવી અમૂઝણ અને વિમાસણ પણ જગવે છે.

લાગે છે કે પ્રાથમિક તેમ જ પાયાની સમજ બાબતે આ પ્રશ્ને સાફ થઈ જવું જોઈએ. આ વિવાદ કોઈક ભારતીયે ઝીણાને રાષ્ટ્રપુરુષ કહ્યા એથી તો થયો નથી. ઑગસ્ટ ૧૯૪૭ સુધી આપણો એક સંયુક્ત ઇતિહાસ રહ્યો છે, જે પ્રસંગે પ્રસંગે સહજ રીતે ઊભરી પણ આવે છે. તત્કાલીન વડાપ્રધાન વાજપેયીએ સાર્કમિલન પ્રસંગે પાકિસ્તાની ધરતી પરથી સત્તાવાર સૂચન કર્યું જ હતું કે ૧૮૫૭ની એકસો પચાસી (૨૦૦૭) ભારત-પાક સાથે મળીને ઉજવે તો એ રૂડું થશે. તાજેતરનાં વરસોમાં ભગતસિંહની સ્મૃિત સજીવન કરવા લાહોરની પ્રગતિશીલ યુવા ચળવળ કેટલી બધી સક્રિય માલૂમ પડી છે! પાકિસ્તાનની માગણીનો અધિકૃત લીગી ઠરાવ તો ૧૯૪૦માં આવ્યો.  તે પહેલાં ૧૯૩૭માં કર્ણાવતી (અમદાવાદ) અધિવેશનમાં વિનાયક દામોદર સાવરકરે આ દેશમાં વધુ નહીં તો પણ ઓછામાં ઓછાં બે રાષ્ટ્રો (‘હિંદુ’ અને ‘મુસ્લિમ’) તો છે જ એવું હિંદુ મહાસભાના મંચ પરથી કહ્યું હતું. પણ મુદ્દાની વાત એ છે કે છૂટા પડ્યા ત્યાં સુધી આપણા સૌના ઇતિહાસગત લટિયાજટિયા ગુંથાયેલા જ હતા અને પ્રસંગોપાત સાથે તેમ પ્રસંગોપાત સામે એવી એક નિયતિ યે હતી. આજે પણ પ્રકારાન્તરે એમ જ છે.

સાવરકરના અમદાવાદ વક્તવ્યમાં તમે ‘ઓછામાં ઓછાં બે રાષ્ટ્રો’ એે પ્રયોગ નોંધ્યો? મતલબ, ભારતમાં સંખ્યાબંધ રાષ્ટ્રો હોઈ શકે છે. પાકિસ્તાનના નિર્માણ પછી બાંગલાદેશનો ઉદ્‌ભવ ક્યાં નથી થયો? આપણે જે વાનું સમજવામાં ગોથું ખાઈએ છીએ તે એ છે કે ઓળખમાત્રનો આદર એક વાત છે, પણ ચોક્કસ ઓળખ અને એના પરનો અતિભાર એ બીજી વાત છે. જે અર્થમાં ઝીણા ભાગલા માગનાર ને પાડનાર બન્યા તે અર્થમાં સાવરકર-ગોળવલકર વગેરે હિંદુત્વવાદીઓ ભાગલા માગનાર ને પાડનાર નહોતા એમ જરૂર કહી શકીએ. માત્ર, દેશને ‘હિંદુ’ ઓળખથી જોવાનો એમનો અભિગમ વળતા ‘મુસ્લિમ’ કે બીજી ઓળખોના રાજકારણ-રાષ્ટ્રકારણને હવા આપી શકે (અને આપી) એ ઇતિહાસવસ્તુ છે. એથી પહોળે પટે જોતાં જેમ ઝીણા તેમ સાવરકર પણ દ્વિરાષ્ટ્રવાદી બની રહે છે. અયોધ્યાજ્‌વર સાથે અડવાણી જે રાજકારણ લઈ આવ્યા તે ઝીણાના હિંદુ અડધિયાનું હતું, અને એના વડા લાભાર્થીરૂપે આજે નમો ભાજપ દિલ્હીની ગાદીએ સ્થિતપ્રતિષ્ઠ છે.

હમણાં અલીગઢ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્‌સ યુનિયન નિમંત્ર્યા નેતાઓની વાત કરી. આરીફ મોહમ્મદ ખાન જ્યારે યુનિયનના જનરલ સેક્રેટરી હતા ત્યારે એમણે અટલબિહારી વાજપેયીને નિમંત્ર્યા હતા તે આ લખતાં સાંભરે છે. કમાલનું સ્મરણ તો જો કે વડાપ્રધાન જવાહરલાલ નેહરુના ૧૯૪૮ના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જોગ સંબોધનનું છે. જવાહરલાલ તો એમની અનેરી ભારતખોજ અને તવારીખની તેજછાયાના અભ્યાસ સારુ જાણીતા રહ્યા. એમણે પ્રાચીન ભારતની સિદ્ધિઓની એક ઝાંખી આપી : શૂન્યની શોધ, ગુરુત્વાકર્ષણની સમજ, આર્યભટ્ટનું અર્પણ, એવી વિગતો એમની દિલી શૈલીએ રેવાલ, રસાળ ઊતરી આવી. લગરીક પોરો ખાઈ એમણે કહ્યું, હું જાણું છું કે તમે મુસ્લિમ છો – અને હું હિંદુ છું. પણ છે તો આપણો આ સહિયારો વારસો, કેમ કે બેઉ છીએ તો હિંદી જને. જેમ મને તેમ તમને પણ એનો રોમાંચ તો હોય જ ને.

આટલે સુધી આવતાં, આપણે બૅ’ક વાર વાજપેયીને સંભાર્યા. જો કે ઝીણા વિવાદમાં અડવાણીને જરી વધુ હોંશ એટલી જ જિદ્દ ને જોશથી સંભારવા જોઈએ. આપણે મિત્રો પસંદ કરી શકીએ છીએ, પણ પાડોશી તો જે હોય તે જ હોઈ શકે, એ સમજવશ (‘ફૅક્ટિસિટી’ને ધોરણે) એમણે ઝીણા વિશે બે આદરવચનો કહ્યાં ન કહ્યાં, અને પરિવારે એમને હોદ્દાબહાર કરી મૂક્યા! બાકી, વાજપેયીએ જે કર્યું હતું તે એક રીતે જોતાં અડવાણીથી ક્યાં ય અદકું હતું, પણ એમની પ્રતિભા અને લોકસ્વીકૃતિ જોતાં સંઘ શ્રેષ્ઠીઓએ ઘૂંટડો ગળી જવાનું પસંદ કર્યું હશે. વડાપ્રધાન વાજપેયીએ પાકિસ્તાનની સત્તાવાર મુલાકાત દરમ્યાન ચહીને મિનારે પાકિસ્તાન જવું પસંદ કર્યું હતું. આ મિનાર, પાકિસ્તાન માટેના ઠરાવ સબબ કીર્તિસ્તંભ રૂપે રચાયેલા છે. અખંડ ભારતવાદી સંઘ-જનસંઘ અખાડાના અટલબિહારીએ આ મુલાકાત લીધી એમાં વાસ્તવિકતાના સ્વીકારનો રાજવિવેક અને સારા પાડોશી સંબંધની રાજનયિક પુખ્તતા હતી.

નેહરુ અને વાજપેયીનાં છેલ્લાં બે દૃષ્ટાંતો સ્વરાજ પછીનાં આપ્યાં. પણ સ્વાતંત્ર્યચળવળમાં તો હિંદુમુસ્લિમ નેતાઓએ સાથે મળીને કામ કર્યાના પ્રસંગો કેટલા બધા છે! ૧૮૫૭માં વીરમૃત્યુને વરેલાઓમાં હિંદુઓ કરતાં મુસ્લિમો ખાસા વધુ હતા, એ ઇતિહાસવિગતને કેવી રીતે જોશું? લોકમાન્ય ટિળક પરના રાજદ્રોહના કેસમાં ટિળક પક્ષે યશસ્વી વકાલત ઝીણાને નામે જમે બોલે છે. લખનૌ કરારને નામે ઓળખાતી સમજૂતીમાં ટિળક ને ઝીણાની અગ્રભૂમિકા હતી.

ઇતિહાસની આ સંમિશ્ર ભાત થોડાક દાખલાઓ થકી ઉપસાવી આપવા પાછળનો આશય આજની તારીખે બીજો શો હોઈ શકે, સિવાય કે આપણે સાથે રહી ખીલવાની જરૂરત સમજવાપણું છે. અલીગઢની ઝીણા તસવીર જો કર્ણાટકની ચૂંટણીમાં કોમી ધ્રુવીકરણ સારુ ઉછાળાઈ રહી હોય તો કૉંગ્રેસ અને ભાજપનું તો જાણે કે સમજ્યા, પણ પાયાનું નુકસાન તો પ્રજાજીવનના પોતને (અને એથી ભારતવર્ષની સ્વરાજસાધનાને) જ પહોંચવાનું છે. યોગી આદિત્યનાથે સ્થાપેલી હિંદુ યુવા વાહિની અને અભાવિપના લોકોએ આ દિવસોમાં અલીગઢનાં જાહેર શૌચાલયોમાં ઝીણાની છબી ચોંટાડ્યાના હેવાલો છે. પત્રકાર અનુજા જયસ્વાલે એમને પૂછ્યું તો એમણે કહ્યું કે જેેણે ભાગલા પાડ્યા તેનું સ્થાન બીજે ક્યાં હોય. પોતે પણ ભાગલાવાદી મનોદશાની પેદાશ છે એ સાદી વાત એમને કોણ સમજાવી શકે?

હશે ભાઈ, આ પ્રકારના ‘માસૂમ’ દેખાવકારો તો કામચલાઉ પણ પોતાનો ઉત્સર્ગ કરીને છૂટી પડશે. પણ એથી સરવાળે પાછા પડવાનું તો ભારતના ઉત્કર્ષે જ હશે ને ? અને આ રસ્તે મળેલી ક્ષણિક ફતેહથી દેશને શો લાભ કે ઇતિહાસની અધવધરી સમજથી દેશજનતાને શો લાભ, કોણ કોને પૂછે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2018; પૃ. 01-02

Loading

15 May 2018 admin
← એક ઔરત જ્યારે મધર ઇન્ડિયા બને …
મારે પીડિતા બની રહેવું નથી ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved