Opinion Magazine
Number of visits: 9504157
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સજન મારી પ્રીતડી …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|27 April 2018

હૈયાને દરબાર

૧૯૭૦-૭૫ પહેલાં ઘરમાં મનોરંજનનું મુખ્ય માધ્યમ હતું રેડિયો. નવરા પડીએ ત્યારે રેડિયો પાક્કા દોસ્તની ગરજ સારે. બિનાકા ગીતમાલા અને એ પ્રકારના કાર્યક્રમોના આશિક તો આપણે ખરાં જ પણ એ વખતે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ સવારે અને સાંજે દરરોજ આવતો હતો. અમારા ઘરમાં સદ્ભાગ્યે સાહિત્ય-સંગીતનું વાતાવરણ એટલે ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ અચૂક સાંભળવાનો. એમ અનાયાસે અમારાં કૂમળાં મન પર કાવ્યસંગીત હાવી થવા માંડ્યું હતું.

શું અદભુત ગીતો રજૂ થતાં એ વખતે! સુગમ સંગીતમાં કૌમુદી મુનશી, પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, આશિત દેસાઈ, હેમા દેસાઈ, હર્ષિદા-જનાર્દન રાવલ, રાસબિહારી અને વિભા દેસાઈ તથા લોકસંગીતમાં હેમુ ગઢવી, દિવાળીબહેન ભીલ, દમયંતિ બરડાઈ, ઈસ્માઈલ વાલેરાનાં નામો ડિસ્ટંક્ટિવલી યાદ છે, પરંતુ આ ઉજળાં નામો સાથે બિનગુજરાતી કલાકારોના કંઠે ગવાયેલાં ગુજરાતી ગીતો પણ એટલાં જ લોકપ્રિય હતાં. આ કલાકારો ય કેવા! લતા મંગેશકર, આશા ભોંસલે, ઉષા મંગેશકર, મોહમ્મદ રફી, કિશોરકુમાર, મુકેશ, સુમન કલ્યાણપુર, ગીતા રોય (ગીતા દત્ત) અને મન્નાડે જેવાં પ્રથમ પંક્તિના કલાકારો. આહા … એમના કંઠે ગવાયેલાં સદાબહાર ગીતો યાદ આવતાં જ મન પ્રસન્ન થઇ જાય.

આવાં ગીતો તથા તમને ગમતાં બીજાં કેટલાં ય ગીતોની વાતો આપણે દર ગુરુવારે રજૂ કરવાના જ છીએ. આજે વાત કરવી છે મને, તમને, સૌને જચી ગયેલા, સ્પર્શી ગયેલા એક મીઠા-મધુરા લાજવાબ ગીતની. ચુનીલાલ વર્ધમાન શાહની ‘જીગર અને અમી’ નવલકથા ઉપરથી એ જ નામે જાણીતા નિર્માતા-દિગ્દર્શક ચંદ્રકાન્ત સાંગાણીએ ફિલ્મ બનાવી ‘જીગર અને અમી’. ૧૯૭૦ની સાલમાં રજૂ થયેલી ફિલ્મના કલાકારોમાં અભિનયના ખેરખાં હરિભાઈ જરીવાલા યાને કિ આપણા લાડીલા સંજીવકુમાર અને અભિનેત્રી તરીકે કાનન કૌશલ. ચુનીલાલ શાહ ગાંધીયુગના લેખક. તેમણે સામાજિક, ડિટેક્ટિવ, અનુવાદિત અને રૂપાંતરિત નવલકથાઓ લખી હતી, પરંતુ સામાજિક નોવેલ્સ પર તેમની વધુ હથોટી. તેમણે લગભગ ૨૫ સામાજિક નવલકથા લખી હોવાનું કહેવાય છે. લેખનકાળની શરૂઆતમાં એમની નોવેલ જરા વિચિત્ર પ્લોટની રહેતી પણ સમયાંતરે એ પરિપક્વ-સમૃદ્ધ થતી ગઈ અને કેટલીકને તો એવોર્ડ પણ મળ્યા હતા. સત્યઘટના પર આધારિત ‘જીગર અને અમી’ પણ આ જ કેટેગરીની નોવેલ હતી.

આ નવલકથા બાદ ચુનીલાલ વર્ધમાન શાહનું નામ એમની ઓળખ બની ગયું હતું. આ નવલકથા ત્યાર બાદ ચંદ્રકાન્ત સાંગાણીના હાથમાં આવી અને તેમણે એ કથા પરથી સફળ ફિલ્મ ‘જિગર અને અમી’ બનાવી. જે ફિલ્મ સફળ નવલકથા પર આધારિત હોય, જેમાં સંજીવ કુમાર જેવા સંવેદનશીલ અભિનેતા હોય, કવિ કાંતિ અશોક તથા બરકત વિરાણી ‘બેફામ’નાં શબ્દસમૃદ્ધ ગીતો હોય અને મુકેશ, મનહર ઉધાસ જેવા લોકપ્રિય ગાયક કલાકારો હોય એ ફિલ્મ અને ગીતો સફળ ન થાય તો જ નવાઈ. અલબત્ત, ફિલ્મ થોડી મેલોડ્રામેટિક લાગે, પરંતુ નાટકીય તત્ત્વ દ્વારા જ એને લોકભોગ્ય બનાવી શકાય એ હકીકતને લક્ષ્યમાં લઈને જ મોટાભાગની ફિલ્મો બનતી હોય છે, એ દૃષ્ટિએ તથા એ સમયની અન્ય ગુજરાતી ફિલ્મોની સરખામણીએ ‘જીગર અને અમી’ લોકહૃદય પર અનન્ય સ્થાન જમાવી ચુકી હતી.

‘સજન મારી પ્રીતડી’ એ સમયનું સદાબહાર ગીત. સુગમ સંગીતના રેડિયો કાર્યક્રમમાં અઠવાડિયામાં બે-ત્રણ વખત તો અચૂક આવે જ અને નવા નવા પ્રેમમાં પડેલા પંખીડાઓ ગીતના શબ્દો સાથે શમણામાં ખોવાઈ જાય. ‘જીગર અને અમી’ ફિલ્મનો ઉઘાડ જ આ સુંદર ગીતથી થાય છે. રાજગાયક જેવા જ દીસતા સોહામણા સંજીવકુમારની ભાવવાહી આંખો અને દર્દભર્યા કંઠમાંથી શબ્દો નિતર્યાં જળની જેમ વહે છે, સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી, ભૂલી ના ભુલાશે પ્રણયકહાણી … ! સંજીવકુમારનો ઓજસ્વી ચહેરો અને હાવભાવ જોવા તથા મુકેશનો ભાવવાહી અવાજ સાંભળવા પણ આ ગીત તમારે યુ ટ્યુબ પર જોવું જ જોઈએ એટલું સુંદર, કર્ણપ્રિય અને હૃદયસ્પર્શી છે. વાયોલિન અને બાંસુરીના સૂરો સાથે ગીતનો અંતરો શરૂ થાય છે.

જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી
પ્યારી કરી તેં શાને મરણ પથારી
જલતા હૃદયની તેં તો વેદના ન જાણી …

ગીત જેમ જેમ આગળ વધે છે એમ હૃદયની કસક ગાઢ થતી જાય છે. કશુંક ગુમાવ્યાની લાગણી તીવ્ર બને છે. દર્શકો અનુમાન લગાવી શકે છે કે અમી(કાનન કૌશલ)ના વિરહમાં જિગર (સંજીવકુમાર)નું જીવન ધૂળધાણી થઈ ગયું છે. કથા શું હશે આગળ એ જાણવાની ઉત્કંઠા વધે છે. અમીની શોધમાં જિગર ગંગા કિનારે સાધુવેશે ભટકી રહ્યો છે. હિમાલયની પહાડીઓ વચ્ચે નિશ્ચેત પડેલો જીગર અસ્તિત્વ ભૂલીને જીવવા ઇચ્છે છે અને ભાનમાં આવતાં જ પાસેના કોઈક રાજદરબારમાં જઈ પહોંચે છે. દરબારના માહોલમાં એ ગીત શરૂ કરે છે … સજન મારી પ્રીતડી, સદીઓ પુરાણી, ભૂલી ના ભુલાશે પ્રણય કહાણી ..! સામે સ્વરૂપવાન રાજરાણી બેઠાં છે. પરંતુ, જિગરની વેદનાસભર આંખો તો કંઈક બીજું જ શોધતી હોય છે. સજન મારી પ્રીતડી ગીત સાથે ફિલ્મનો આરંભ થાય છે અને પછી ફ્લેશબેકમાં આખી ફિલ્મ ચાલે છે.

ગાયન પૂરું થતાં જ જિગર પોતાના ઓરડામાં દોડી જાય છે બેચેનીથી પડખાં ઘસતો હોય છે. એની પાછળ પેલી રાણી પણ દોડે છે. રાજગાયકના રૂપ અને કંઠ પાછળ મોહાંધ થઈ ગયેલી રાણી ગાયકને પોતાના શરીરમાં ભડકેલી વાસનાની આગને તૃપ્ત કરવા વિનંતિ કરે છે ત્યારે જિગર કહે છે કે હું કંઇ ગાયક-બાયક નથી. આજીવન દોડની ગતિમાં અનેકવાર દોડ્યો છું છતાં ગતિ માપી કે પામી શક્યો નથી. તમે મારી વીતક કથા સાંભળશો તો મનના બધા વિકાર દૂર થઈ જશે.

રાણીને અનુકંપા જાગે છે અને ગાયક તેની વિરહકથા રાણીને સંભળાવે છે, જેમાં વિશ્વંભર (જિગરનું મૂળ નામ) અને ચંદ્રાવલિ (અમી) નામનાં બે પ્રેમીઓ છે, જે વહાલથી જિગર (હૃદય) અને અમી (આંસુ) તરીકે એકબીજાને સંબોધતાં હોય છે. અપર મા જિયા (દીના પાઠક) પાસે ઉછરતો વિશ્વંભર અપર માના ત્રાસથી વારંવાર ઘરેથી ભાગી જતો હોય છે. પગ થાકે નહીં ત્યાં સુધી એ દોડતો રહેતો. એવી જ રીતે બીજી એક વાર અપર માના ત્રાસથી ઘરમાંથી ભાગેલો વિશ્વંભર પિતાના વકીલ મિત્રના હાથે ઝડપાય છે. એ વકીલ સમજાવીને એને ઘરે પાછો મોકલે છે. કારણ કે વિશ્વંભર પરિણીત છે. અનિચ્છાએે ઘરે પહોંચેલા વિશ્વંભરને મિત્રો અરબી ઘોડા પર સવાર થઈને ઘોડેસવારી કરવા પ્રેરે છે, પરંતુ પાણીદાર ઘોડા પર સવારી કરીને ટહેલવા નીકળેલા વિશ્વંભરને અકસ્માત નડે છે. ઘોડા પરથી પડી જઈને એ ઘાયલ થાય છે. જેની સાથે એના લગ્ન થયાં છે એ ચંદ્રાવલિને આ સમાચાર મળતાં એ પતિની સેવા કરવા દોડી આવે છે. એ જમાનામાં તો એકબીજાંને જોયા વિના જ લગ્ન થઈ જતાં અને પતિ ઠરીઠામ થાય પછી જ પત્ની સાસરે જતી. એટલે મા-બાપની ઈચ્છા વિરુદ્ધ હિંમત કરીને અલીગઢથી દિલ્હી પતિ પાસે દોડી આવેલી ચંદ્રાવલિને તો વિશ્વંભર ક્યાંથી ઓળખે? જો કે, પોતાનો પરિચય જાતે જ આપીને ચંદ્રાવલિ વિશ્વંભરની સેવામાં લાગી જાય છે અને પતિ પાસેથી વચન લઈ લે છે કે હવે પછી એ કોઈ દિવસ ઘર છોડીને નાસી નહીં જાય.

ચંદ્રાવલિ તેના મીઠા સ્વભાવથી કુટુંબીજનોનાં દિલ જીતી લે છે, સિવાય કે પેલી અપર મા. એને તો ચંદ્રા કાંટાની જેમ ખૂંચતી હોય છે. બાબા-સાધુઓ પાસે જઈને એનો કાંટો કઈ રીતે કાઢવો એ માટે દોરા-ધાગા કરતી હોય છે. બીજી બાજુ જિગર અને અમી એકબીજાંના ગળાબૂડ પ્રેમમાં હોય છે, પરંતુ ઘરમાં એક એવી ઘટના બને છે કે જિગરને અમીના પ્રેમ પર શંકા જાય છે. કથા હવે અમી તરફ ફંટાય છે.

નારીહૃદય અને નારી સંવેદના ફિલ્મમાં કઈ રીતે પ્રગટે છે એ વાત પણ ઇન્ટરેસ્ટિંગ છે જેની કથા આવતા અંકે. આ ફિલ્મનો ૮૦ ટકા હિસ્સો ‘લંચ અવર્સ’માં શૂટ થયો હતો એ તમે જાણો છો? ‘જીગર અને અમી’ ફિલ્મ સાથે સંકળાયેલી આ અને આવી અન્ય રસપ્રદ વાતો સાંભળવા આવતા ગુરુવારની રાહ જોજો. વિલ બી બેક સૂન!

સજન મારી પ્રીતડી, સદીઓ પુરાણી
ભૂલી ના ભુલાશે, પ્રણય કહાણી
જનમોજનમની પ્રીતિ દીધી કાં વિસારી
પ્યારી કરી તેં શાને મરણ પથારી
જલતા હૃદયની તેં તો વેદના ન જાણી…સજન મારી


ધરા પર ઝૂકેલું ગગન કરે અણસારો
મળશે જીગરને મીઠાં અમીનો સહારો
ઝંખતા જીવોની લગની નથી રે અજાણી…સજન મારી

ફિલ્મ : જીગર અને અમી • ગીતકાર : કાંતિ અશોક  • સંગીતકાર : મહેશ-નરેશ  • ગાયક : મુકેશ

—————————

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=408354

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 26 અૅપ્રિલ 2018

મુકેશને કંઠે અને સંજીવકુમારના અભિનયમાં ગવાયેલા આ ગીતની લિંક. − ત્યારે સાંભળો …

https://www.youtube.com/watch?v=ov_Eybk6gmg

Loading

27 April 2018 admin
← ત્રણ ત્રણ તપ્તતા
વિદ્યાર્થીઓના આપઘાત માટે જવાબદાર કોણ? →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved