Opinion Magazine
Number of visits: 9447114
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રણ ત્રણ તપ્તતા

મહેન્દ્ર દેસાઈ|Opinion - Opinion|26 April 2018

ગ્રીષ્મમધ્યાહ્નમાં             • નિરંજન ભગત

તપ્ત ધરણી હતી,
ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી
સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી;
અગ્નિની આંખ અંગાર ઝરતી હતી
રુદ્ર અંબરતલે,
પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી;
દૂર ને દૂર જે ઓટ સરતી હતી
શાંત સાગરજલે,
ફેણ ફુત્કારતી ક્યાંય ભરતી ન’તી;
દૂર કે પાસ રે ક્યાંય ના એક તરણી હતી,
તપ્ત, બસ, તપ્ત ધરણી હતી.
શાંતિ ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી ?
સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી ?
વહ્નિની જ્વાળ શો શ્વાસ નિ:શ્વાસતી,
ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છ્વાસતી;
મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી;
ઝાંઝવાનીરની પ્યાસમાં બ્હાવરી કોક હરણી હતી !
ક્યાંય શાંતિ ન’તી, ક્યાંય ક્લાંતિ ન’તી;
અહીં બધે શાંતિ ને ક્લાંતિની ફક્ત ભ્રાંતિ હતી !
ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો;
કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડ્યો !
આજ વૈશાખના ધોમ બપ્પોરમાં,
આછી આછીય તે પવનની લ્હેર આ લૂઝર્યા પ્હોરમાં
માહરી સિક્ત પ્રસ્વેદતી કાય ના સ્હેજ લ્હોતી છતાં
શૂન્યમાં હુંય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો,
ક્યાંય માથે ન’તો મેઘનો માંડવો, છાંય ન્હોતી છતાં,
શૂન્યના નેત્રથી સ્થલ અને કાલના અંત માપી રહ્યો.

ત્યાં અચાનક કશી ભીંસતી ભીંત શી
અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી,
છિદ્ર એમાં પડ્યું ? જેથી કો ફૂંક શી, કો મૃદુ ગીત શી
પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી;
એક સેલારથી
નયનને દાખવી નાવ કો સઢફૂલી,
ઘડીક જે ક્ષિતિજ પર ગૈ ઝૂલી;
એક હેલારથી
દૂર જે ઓટમાં ઓસર્યાં પાણીને
ઘડીક તો કાંઠડે લાવતી તાણીને;
ક્ષણિક મૃદુ સ્પર્શથી અંગને શું કશું કહી ગઈ ?!
ક્યાંકથી આવીને ક્યાંક એ વહી ગઈ !
એ જ ક્ષણ તટઊગ્યા વૃક્ષની શાખથી
કે પછી ક્યાંકથી પંખી કો ધ્રૂજતી પાંખથી
સ્વપ્નમાં જેમ કો’ કલ્પના હોય ના બોલતી
એમ એ આભમાં આવી ઊડ્યું, અને ડોલતી
ડોકથી એક ટહુકો ભરી ગીતને વેરતું,
પાંખથી પિચ્છ એકાદને ખેરતું,
આવ્યું એવું જ તે ક્યાંય ચાલી ગયું;
આભ જેવું હતું તેવું ખાલી થયું !
પલકભર એય તે મુખર નિજ ગાનમાં
કંઈ કંઈ કહી ગયું માહરા કાનમાં !
એ જ ક્ષણ ક્યાંકથી રાગ મલ્હાર શી,
ગગનની ગહન કો ગેબના સાર શી,
રુદ્રને લોચને કો જટાજૂટથી વીખરી લટ સમી,
ભૂલભૂલે જ તે પથભૂલી વાદળી આભને પટ નમી;
કો વિષાદે ભર્યા હૃદયની ગાઢ છાયા સમી,
પલકભર મુજ ઉરે ગૈ ઢળી,
ને પછી દૂર જૈ દૂર ફેલાઈ ગૈ;
લાગ્યું કે ધરણીની મૂઢ મૂર્છા ટળી,
ગ્રીષ્મમધ્યાહ્નમાં શાંત શી સંધિકા રમ્ય રેલાઈ ગૈ !
શી અહો આ લીલા !
નીરની ધારથી શું તૂટી ર્‌હૈ શિલા ?
આ બધું છળ અરે છાનુંછપનું હતું ?
પલકભર શૂન્યનું ભ્રાન્ત સપનું હતું ?
અધખૂલી નેણમાં સાંધ્યસૌંદર્યની રંગસરણી હતી ?

જાગીને જોઉં તો એની એ તપ્ત હા, તપ્ત ધરણી હતી !

[1947]

(સૌજન્ય : ‘નિરંજન વિશેષ’, “નવનીત સમર્પણ”, અૅપ્રિલ 2018; પૃ. 23-24)

*****

ભદ્રાબહેન,

ઈ.મૈલથી તમે મોકલાવેલી નિરંજન ભગતની આ કવિતા હું ડાઉનલૉડ ન કરી શક્યો. … પરંતુ ગઈ કાલે “નવનીત સમર્પણમાં છપાયેલી એ કવિતા : ‘ગ્રીષ્મમધ્યાહ્નમાં’ વાંચી. … … ‘તપ્ત ધરણી હતી’.

તમે બરાબર કહ્યું કે, ‘ધાડ’માંની શુષ્કતાની સામે અહીં ગ્રીષ્મના તાપને અન્તે જે મળે છે તેમાં આનંદ છે.

જયંત ખત્રીની વાર્તા ‘ધાડ’ અને નિરંજન ભગતની આ કવિતામાં, બન્નેમાં, તપ્તતા છે. ધરણી તપ્ત છે. ધાડ શબ્દથી મન પર સરજાતું ચિત્ર એ ભયનું ચિત્ર છે. અને એ ભયથી સર્જાતી શુષ્કતાને લેખકે એવી વ્યાપક અને ઘેરી બનાવી છે કે તેમાં વસતા માનવીનાં દિલ-ભાવનાને પણ સુકવી નાખે છે, તેથી છેવટે સ્ત્રીની અતૃપ્તિ એ વાર્તાનો અન્ત બને છે.

જ્યારે ‘ગ્રીષ્મમધ્યાહ્નમાં’ નિરંજન ભગતે પણ એવો જ શુષ્ક વિષય લઈને કવિતા રચી છે. પણ અહીં જે ભીષણતા છે તે કુદરતના સમયચક્રથી રચાતી એક પ્રાકૃતિક ઘટના છે, એટલે ગ્રીષ્મ શબ્દથી વાચકના મન પર ભય ઉપજતો નથી. હા એમાં બળબળતા તાપની ઝાળ જરૂર લાગે છે. ‘તપ્ત, બસ તપ્ત ધરણી હતી’. અહીં આ તપ્તતા એવી રીતે દર્શાવાયી છે કે સમગ્ર સૃષ્ટિ જાણે એક તપ આદરવા ઊભી હોય. એ તપમાં કઠણાઈ છે, સમગ્ર અસ્તિત્વને છેક અન્તિમ છેડા સુધી લઈ જાય એવી ક્લાન્ત. ‘સૃષ્ટિ ને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી ?’ પણ એ તપની ફલશ્રુતિ એ પ્રસાદી રૂપે ‘પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચઢી’, અને ધરણી જે તપ્ત હતી તે હવે સંતૃપ્ત થઈ.

‘ધાડ’માં અન્તે અતૃપ્તિ છે જ્યારે ‘ગ્રીષ્મમધ્યાહ્નમાં’ સંતૃપ્તિ. અહીં હું સરખામણી – અળખામણી નથી કરતો કારણ કે એકમાં માનવરચિત ઘટના છે, તો તેનો વિષાદ છે, જ્યારે બીજામાં પ્રાકૃતિક ઘટનાચક્ર હોઈ અન્તે પવનની લ્હેરનો આનંદ છે.

બન્નેમાં તપ્તતા છે; તો ત્રીજામાં હવે મારી તપ્તતા રજૂ કરું ?

અહીં, ઇંગ્લૅન્ડમાં માર્ચની આખરે કે અૅપ્રિલની શરૂમાં વૃક્ષોમાં ફેરફાર થવો શરૂ થાય. અને એકાએક ગુલાબી ઝાંયની ટશરોથી વૃક્ષની નાની નાની ડાળીઓ છવાઈ જાય. જોતજોતાંમાં તો આખાં ય વૃક્ષો ગુલાબી, આછાં ગુલાબી, ઘેરાં ગુલાબી ફૂલોથી ઉભરાઈ જાય. ચેરી બ્લૉસમના બહારથી સારી ય સૃષ્ટિ લાંબા શિયાળાની ઠંડીથી શુષ્ત થયેલા અંગોને મરડી ને ઊભી થઈ ડોલી ઊઠે છે. વાતાવરણમાં હજુ પણ ઠંડી છે. આકાશ પણ આછાં આછાં વાદળોથી ઘેરાયેલું છે. સૂર્ય પણ હજુ મૃદુલ છે. પણ પવન બદલાય છે. ધીરે ધીરે નવયૌવનમાં ડગ માંડતી આ વાદળની આછી આછી પિછોડી ઓઢીને ઊભી છે. પવનની લહેરખીથી સૂર્ય વાદળ-વસ્ત્રને સહેજ ખસેડીને ડોલતી-લોલતી આ વનરાજીનાં સૌંદર્યને નિહાળી રહે છે. તો ક્યારેક સુવર્ણ તડકાથી મૃદુ-મીઠો સ્પર્શ પણ કરી લે છે. સૃષ્ટિની આ પ્રણયલીલા નિહાળવા માનવી ત્યારે અંતરપટ જેવું ઓઢીને (વાતાવરણમાં ઠંડી હોવાથી ગરમકોટ – સ્વેટર – મફલર કે માથે કાને ટોપી પહેરીને) આ સમયની પવિત્ર મર્યાદા જાળવીને, બાગબગીચામાં ઊમટી પડે છે. ફૂલોના ભારથી ઉભરાયેલાં – લચેલાં વૃક્ષો પણ, આ માનવીઓને જેઓને સૃષ્ટિના જ એક અંગરૂપે માનીને. ફૂલપાંખડીઓની ચાદર બિછાવી આવકાર કરે છે, ત્યારે સર્વત્ર પ્રણયલીલા જ છવાઈ જાય છે.

વર્ષોથી ચાલતી આવતી આ પ્રણયલીલાનું ઋતુચક્ર આજે બદલાયું. કુદરતના ક્રમની અવમાનના તો નહીં પણ ક-મને ફૂલોએ મોડે મોડે વૃક્ષો પર દેખા દીધી. વાતાવરણમાં ઠંડીએ અચાનક વિદાય લીધી. આકાશમાંથી વાદળીઓ પણ હઠી ગઈ. 28ના તાપમાને તપતો સૂરજ વિષયી બન્યો અને ફૂલો – ગુલ્મો પર ત્રાટક્યો. અ-સહાય પુષ્પો સ્તબ્ધ થઈ ગયાં. પવનની લ્હેર પણ સહાય કરવા ન આવી. સૃષ્ટિના જ એક અંગરૂપ માનવી આજે પવિત્ર-મર્યાદાનો અંતરપટ ફગાવીને, બિભત્સરૂપે આછા પાતળા વેશ ધરીને, પુષ્પો પર થતા આ આતંક પર સ્હેજ પણ દૃષ્ટિ કર્યા વગર પોતાપોતાના છંદમાં રત થઈ પસાર થવા લાગ્યા. ત્યારે મુરઝાઈ રહેલાં ફૂલો પોતાનાં જીવનની સમાપ્તિ અર્થે વૃક્ષોની ડાળીઓને છેવાડે લટકી રહ્યાં. એના દેહ પરની પાંખડીઓ ધીરે ધીરે ધરતી પર ખરવા લાગી, ઢળવા લાગી. ઢળી પડી.

સૃષ્ટિ શાન્ત. પશુપંખી શાન્ત. માનવ પણ શાન્ત.

Rest in Peace.

(22 અૅપ્રિલ 2018)

e.mail : mndesai.personal@gmail.com

Loading

26 April 2018 admin
← Visa Application !
સજન મારી પ્રીતડી … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved