Opinion Magazine
Number of visits: 9447098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘પંચ’ના પાંચ અવતાર

દીપક મહેતા|Opinion - Opinion|13 April 2018

કાળચક્રની ફેરીએ

આ વાત છે, ૧૯મી સદીની એક મુસાફરીની. કોઈ માણસની મુસાફરીની નહિ, પણ એક મેગેઝીન કહેતાં સામયિકની મુસાફરીની. અથવા ૧૯મી સદીમાં મેગેઝીન માટે વપરાતો શબ્દ વાપરીને કહીએ તો એક ચોપાનિયાની મુસાફરીની આ વાત છે. માત્ર પચીસ પાઉન્ડની મૂડીથી એ મેગેઝીનની શરૂઆત થઇ હતી. પણ પૂરાં ૧૬૧ વર્ષ સુધી એ પ્રગટ થતું રહ્યું. એટલું જ નહિ, એનું નામ બ્રિટન બહાર, યુરોપ બહાર, આખી દુનિયામાં જાણીતું થયું. દુનિયાના કેટલાયે દેશોમાં, કેટલીયે ભાષાઓમાં એના અનુકરણ રૂપે, અથવા તો આજની રીતે કહીએ તો એમાંથી ‘પ્રેરણા લઈને’ મેગેઝીન શરૂ થયાં. વિક્ટોરિયન યુગના બ્રિટનમાં કઠપૂતળીના ખેલો લોકપ્રિય હતા. એ ખેલોમાંના એક જાણીતા પાત્રના નામ ઉપરથી એ મેગેઝીનનું નામ રખાયું ‘પંચ.’ તો પંચ નામના પીણામાં જેમ જુદાં જુદાં પીણાંનું મિશ્રણ હોય છે તેમ અહીં પણ રાજકારણ, હાસ્ય-કટાક્ષ, અને કાર્ટૂનનું અફલાતૂન મિશ્રણ થતું. થેકરે અને પી.જી. વૂડહાઉસ જેવા વિખ્યાત હાસ્યકારોનાં લખાણો પણ તેમાં પ્રગટ થતાં. પણ બહોળો ફેલાવો મળ્યો તે તો તેમાં છપાતાં કાર્ટૂનને પ્રતાપે. વર્ષો સુધી ‘પંચ’ અને ‘કાર્ટૂન’ એ બે શબ્દો એકબીજાના પર્યાય બનીને રહ્યા. પહેલો અંક ૧૮૪૧ના જુલાઈની ૧૭મી તારીખે પ્રગટ થયો. વખત જતાં ‘પંચ’ બ્રિટનની એક રાષ્ટ્રીય સંસ્થા જેવું બની રહ્યું.

ઓગણીસમી સદીના હિન્દુસ્તાનમાં ઘણી વસ્તુઓ બ્રિટનની વસ્તુઓના અનુકરણ રૂપે શરૂ થઇ. પહેલું દેશી ‘પંચ’ ૧૮૫૯ના જૂનની ૧૩મી તારીખે શરૂ થયું. દિલ્હીથી પ્રગટ થતા આ મેગેઝીનનું નામ હતું ‘ધ ઇન્ડિયન પંચ.’ એ પ્રગટ થયું અંગ્રેજીમાં. એનું છાપકામ પણ જરા આગવી રીતે થતું. તેમાંનું લખાણ મૂવેબલ ટાઈપ વાપરીને છપાતું, જ્યારે ચિત્રો, કાર્ટૂન શિલાછાપથી છપાતાં.

ઇન્ડિયન પંચ પછી લખનૌથી ઉર્દૂમાં ‘અવધ પંચ’ શરૂ થયું. ૧૮૫૬માં જન્મેલા મુનશી મહમ્મદ સજ્જાર હુસેને એ શરૂ કરેલું. તેનો પહેલો અંક ૧૮૭૭ના જાન્યુઆરીની ૧૬મીએ પ્રગટ થયો. ‘શૌક’ અને ‘વઝીરઅલી’ નામના બે ચિત્રકારો તેને માટે કાર્ટૂન તૈયાર કરતા. ‘શૌક’ના ઉપનામથી કાર્ટૂન તૈયાર કરનાર હકીકતમાં ગંગાસહાય નામનો એક હિંદુ ચિત્રકાર હતો. છેક ૧૯૩૬ સુધી તે ચાલુ રહ્યું હતું. ‘અવધપંચ’ના અનુકરણમાં લાહોરથી ‘દિલ્હી પંચ’ અને ‘પંજાબ પંચ’ નામનાં બે મેગેઝીન શરૂ થયાં.

પછી ‘પંચ’ આવ્યું ઉત્તર હિન્દુસ્તાનથી પશ્ચિમ હિન્દુસ્તાન. અંગ્રેજોનાં ભાષા, શિક્ષણ, રીતરિવાજ, રહેણીકરણી, વગેરે અપનાવવામાં પારસીઓ અગ્રેસર હતા. દાદાભાઈ અરદેશર શોહરી નામના એક પારસી સજ્જને ૧૮૫૪ના જાન્યુઆરીની પહેલી તારીખથી ‘પારસી પંચ’ નામનું અઠવાડિક શરૂ કર્યું. બરજોરજી નવરોજી તેના તંત્રી હતા. પહેલા અંકમાં ‘આ ચોપાનિયું કાઢવાની મતલબ’ નામના તંત્રીલેખમાં જણાવ્યું હતું: “જેઓ પોતાની જાહેર ફરજો બરાબર અદા નાહી કરશે તેઓના શોંગ કાઢી ચીતારેઆમાં આવશે કે તેઓની હશી થાએઆથી બીજાઓ કશુર ભરેલાં તથા નાલાએક કામો કરવાને આચકો ખાએ.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ડેમી ક્વોર્ટો સાઈઝનાં આઠ પાનાંનો અંક આવતો. વાર્ષિક લવાજમ ૬ રૂપિયા. દરેક કાર્ટૂનની નીચે (અને ઘણાં કાર્ટૂનની અંદર પણ) અંગ્રેજી અને ગુજરાતી, એમ બે ભાષામાં લખાણ મૂકાતું. પણ તેની એક ખાસિયત એ હતી કે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીને તે લખાણ મૂકાતું નહિ, પણ બંને ભાષાનું લખાણ સ્વતંત્ર રીતે તૈયાર થતું. એકંદરે ગુજરાતી લખાણ વધુ સચોટ લાગે તેવું રહેતું. માત્ર દસ મહિના ચાલ્યા પછી આ અઠવાડિક બંધ પડ્યું. પણ પછી ૧૮૫૭ની શરૂઆતથી નાનાભાઈ પેશતનજી રાણાએ અસલ નામ કાયમ રાખી તે ફરી શરૂ કર્યું. તે વખતે દાદાભાઈ એદલજી પોચખાનાવાલા અને નાનાભાઈ તેના જોડિયા અધિપતિ (તંત્રી) બન્યા. પણ તેમણે પણ માંડ એક વર્ષ સુધી તે ચલાવ્યું. ૧૮૫૮થી યુનિયન પ્રેસના સ્થાપક-માલિક નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમના ખાસ મિત્ર અરદેશર ફરામજી મૂસે તે ખરીદી લીધું. પણ એ જ વર્ષના જુલાઈની છઠ્ઠી તારીખે તે બંનેએ એ ચોપાનિયું મનચેરશા બેજનજી મેહરહોમજીના અને ખરશેદજી શોરાબજી ચાનદારૂને વેચી નાખ્યું. અને તેમણે એ જ વર્ષના નવેમ્બરની પહેલી તારીખે પચીસ વર્ષના એક યુવાન, નામે નશરવાનજી દોરાબજી આપઅખત્યારને વેચી દીધું.

પાંચેક વર્ષના ગાળામાં આટલી ઝડપથી માલિકો બદલાયા તે ઉપરથી એવું અનુમાન થઇ શકે કે ખરીદનારાઓમાંથી કોઈ ‘પારસી પંચ’ને સફળતાપૂર્વક ચલાવી શક્યું નહિ હોય. કારણ કમાઉ ચોપાનિયાને કોઈ વેચે નહિ. પણ આ બધા જે ન કરી શક્યા તે નશરવાનજી દોરાબજી આપઅખત્યાર કરી શક્યા. ૧૮૭૮ના જૂનની ૨૦મી તારીખે ૪૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ‘પારસી પંચ’ સફળતાથી ચલાવ્યું, એટલું જ નહિ તેને એક ગણનાપાત્ર સામયિક બનાવ્યું. આ નશરવાનજીની મૂળ અટક તો હતી ‘દાવર.’ પણ માત્ર ૨૧ વર્ષની ઉંમરે ૧૮૫૪ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી તેમણે ‘આપઅખત્યાર’ નામનું દર બુધવારે પ્રગટ થતું ચોપાનિયું શરૂ કર્યું, અને થોડા વખત પછી તેમણે ‘આપઅખત્યાર’ને પોતાની અટક બનાવી દીધી. તેમણે ૧૮૬૫ સુધી ‘આપઅખત્યાર’ ચલાવ્યું, અને પછી ૧૮૬૬ના પહેલા દિવસથી તેને ‘પારસી પંચ’ સાથે જોડી દીધું. નશરવાનજીના અવસાન પછી ૧૮૮૮માં નામ બદલાઈને ‘હિંદી પંચ’ થયું. નશરવાનજીના અવસાન પછી તેમના દીકરા બરજોરજી આપઅખત્યારે તે હાથમાં લીધુ ત્યારે તેમની ઉંમર પણ ૨૧ વર્ષની હતી. ૧૯૩૧ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે ૭૪ વર્ષની ઉંમરે બરજોરજીનું અવસાન થયું ત્યાં સુધી તેઓ ‘હિન્દી પંચ’ના માલિક અને અધિપતિ રહ્યા. બરજોરજી વિષે ‘પારસી પ્રકાશ’ લખે છે: “જાહેર સવાલો ઉપરની એમની રમૂજ, એમનામાં સમાયેલી ઊંચી કુદરતી બક્ષેસ અને ઓરીજીનાલીટીનો ખ્યાલ આપતી હતે.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ઘણાં વરસ રૂખ અંગ્રેજ-તરફી વધુ રહી હતી. પણ વખત જતાં તે ‘દેશી’ઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતું થયું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલી રંગભેદ વિરોધી ચળવળને વ્યંગ ચિત્રો દ્વારા તેણે સબળ ટેકો આપેલો. તેમાં દર અઠવાડિયે કોઈને કોઈ રાજકીય નેતાનું કાર્ટૂન પ્રગટ થતું. દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિન્દ રાનડે, બદરુદ્દીન તૈયબજી, ફિરોજશાહ મહેતા, નારાયણ ગણેશ ચંદાવરકર વગેરે નેતાઓનાં કાર્ટૂન તેમાં પ્રગટ થયેલાં. તેમાંનાં કાર્ટૂનો તરફ બ્રિટન અને યુરોપના લોકોનું પણ ધ્યાન ગયેલું. વિલ્યમ ટી. સ્ટીડે તેમના ‘રિવ્યુ ઓફ રિવ્યૂઝ’ માસિકના અંકોમાં ‘હિંદી પંચ’માંનાં ઘણાં કાર્ટૂન પુનર્મુદ્રિત કરેલાં. બીજી એક નોંધપાત્ર વાત એ છે કે ‘હિંદી પંચ’નો મુખ્ય ચિત્રકાર ગુજરાતીભાષી પારસી કે હિંદુ નહોતો, પણ મરાઠીભાષી હતો. બાજીરાવ રાઘોબા ઝાઝું ભણ્યો નહોતો કે નહોતી તેણે ચિત્રકલાની તાલીમ લીધી. પહેલાં તે હસ્તપ્રતોમાં ચિત્રો દોરતો. પછી કાર્ટૂન દોરતો થયો. અસલ લંડનના પંચના કાર્ટૂનિસ્ટ ટેનિયલે તેનાં કાર્ટૂન જોયા પછી કહ્યું હતું કે ‘આ માણસ તો મુંબઈનો ટેનિયલ છે.’ બાજીરાવ પછી તેના જ એક કુટુંબીજન કૃષ્ણાજી બળવંત યાદવ ‘હિન્દી પંચ’માં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા, અને ૧૯૩૧માં તે બંધ પડ્યું ત્યાં સુધી તેમાં કામ કરતા રહ્યા.

પારસી પંચ(પાછળથી હિન્દી પંચ)માંથી પ્રેરણા લઈને મરાઠીમાં ‘હિંદુ પંચ’ મુંબઈ નજીકના ઠાણેથી શરૂ થયું. ઠાણેથી નીકળતા ‘અરુણોદય’ની હરીફાઈમાં ગોપાલ ગોવિન્દ દાબક નામના પત્રકારે પહેલાં ‘સૂર્યોદય’ નામનું ચોપાનિયું કાઢ્યું. ત્યાર બાદ ૧૮૭૨ના માર્ચની ૨૧મી તારીખે તેમણે ‘હિંદુ પંચ’ શરૂ કર્યું. એ પણ તેમના સૂર્યોદય છાપખાનામાં છપાતું. તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા દસ આના હતું. લોકહિતવાદી ગોપાળ હરિ દેશમુખ તેમાં નિયમિતપણે લખતા. વામન બાળકૃષ્ણ રાનડે દાબકેના સહાયક હતા. ઘડપણને કારણે દાબકેએ ૧૮૨૯મા ‘હિંદુ પંચ’ ગણેશ કૃષ્ણ શહાણે અને આપાજી ગોપાળ ગુપ્તેને વેચી દીધું અને પોતાના વતન પેણમાં રહેવા ચાલ્યા ગયા. ૧૯૦૪ સુધી શહાણે અને ગુપ્તેએ એ ચલાવ્યા પછી પોતાના હરીફ ‘અરુણોદય’ના માલિક ફડકેને વેચી દીધું. પણ ૧૯૦૯માં ‘હિંદુ પંચ’ અને ફડકે બેવડી મુશ્કેલીમાં સપડાયા. ૧૯૦૮માં લોકમાન્ય ટીળકને છ વર્ષની જેલની સજા થઇ ત્યારે ફડકેએ એ ચુકાદાની અને સરકારની આકરી ટીકા કરી. સાથોસાથ આ સજા માટે ગોપાલ કૃષ્ણ ગોખલે જવાબદાર છે એવો આક્ષેપ પણ છાપ્યો. ગોખલેએ તે અંગે બદનક્ષીનો દાવો માંડ્યો. કોર્ટે ફડકેને પાંચ રૂપિયાનો દંડ કર્યો અને ગોખલેને દાવા અંગે થયેલો ખર્ચ પણ ભરપાઈ કરવા જણાવ્યું. બીજી બાજુ સરકારે હિંદુ પંચનું છાપખાનું જપ્ત કર્યું. ‘અરુણોદય’ સામયિક સામેના બીજા એક ખટલામાં પણ ફડકેને સજા થઇ, અને અરુણોદય તથા હિંદુ પંચ બંધ થયાં. ફડકેની આવી માઠી દશા જોઈ ગોખલેને પારાવાર દુઃખ થયું અને ફડકેને બોલાવી તેમને આર્થિક મદદ કરી! એટલું જ નહિ, ૧૯૨૦માં ફડકેનું મૃત્યુ થયું ત્યાં સુધી ગોખલે અવારનવાર તેમને મદદ કરતા રહ્યા.

લંડનનું ‘પંચ’ ૧૫૦ વર્ષ સુધી પ્રગટ થયા પછી સતત ઘટતા જતા વેચાણને કારણે ૧૯૯૨માં બંધ કરવું પડ્યું. ૧૯૯૬માં તેને ફરી બેઠું કરવાનો પ્રયત્ન થયો પણ તેને ઝાઝી સફળતા મળી નહિ. ૨૦૦૨માં તે કાયમ માટે સમેટાઈ ગયું, કારણ તેનું અવતાર કાર્ય પૂરું થયું હતું. પણ હજી આજે ય અંગ્રેજીભાષીઓ અસલ ‘પંચ’ને ભૂલ્યા નથી. આપણે ‘પારસી પંચ’ અને ‘હિન્દી પંચ’ જેવા તેના અવતારોને સદંતર ભૂલી ગયા છીએ.

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

(“શબ્દસૃષ્ટિ”, અૅપ્રિલ 2018)

Loading

13 April 2018 admin
← ગાંધીજીના જીવનમાં હિંદુ-મુસલમાન સંબંધોઃ ભારત પાછા ફરતાં પહેલાં
સવાલ અપરિણીત પુત્રીના ભરણપોષણનો →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved