Opinion Magazine
Number of visits: 9447202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બારડોલી આશ્રમમાં ગાંધીજી – ઉત્તમચંદકાકાના મુખે

નરેશ ઉમરીગર, નરેશ ઉમરીગર|Gandhiana|9 February 2018

‘કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર પાછો અહીં ન આવું’ એવા શબ્દો સાથે ગાંધીજીએ દાંડીકૂચનો આરંભ કરેલો. સ્વરાજ આશ્રમ બારડોલીના વયોવૃદ્ધ ઉત્તમચંદકાકાએ વાત આગળ ચલાવી.

અને ગાંધીજી તો વચનને વળગી રહેનારા. એ સાબરમતી આશ્રમમાં ન ગયા. પણ બારડોલી વિશે એવી પ્રતિજ્ઞા ક્યાં હતી ? એટલે સરદાર પટેલે સમય જોઈ એમની સાથે કાગળ લખી દલીલ કરી. ‘આપે સાબરમતી આશ્રમ ન જવાનું પણ લીધું છે, પણ બારડોલી સ્વરાજ આશ્રમ વિશે આપને શો વાંધો છે ?” આ મતલબનો સરદારનો પત્ર ગયો. પરિણામે ગાંધીજી નિયમિત બારડોલી આવે એવું નક્કી થયું. એક માસ બારડોલી આશ્રમમાં રહે અને પછી દિલ્હી કે બીજે જ્યાં નક્કી હોય ત્યાં જાય.

દર વરસે ડિસેમ્બરની દસમી તારીખ આવે અને જાન્યુઆરીની દસમી તારીખે ચાલ્યા જાય. આ ક્રમ છેક 1935થી 1941 સુધી ચાલુ રહ્યો.

અને કાકા કહે કે ગાંધીજી એક મહિનો અહીં રોકાય એ દરમિયાન આશ્રમ અનેક નાનામોટા માણસોથી ઉભરાય. રસોડું ધમધોકાર ચાલે. કૉંગ્રેસ કારોબારીની અહીં મીટિંગો થાય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક નામાંકિત નેતાઓ અને બીજાં ક્ષેત્રોના માણસો પણ અહીં હરતાફરતા જોવા મળે.

‘આ બધા દિવસોમાં તમે શું કામગીરી કરતા?”

‘હું સામાન્ય રીતે તો રસોડું સંભાળતો. કેટલુંક ટપાલનું કામ પણ કરવું પડતું, અને બાપુજી અને સરદારના સંદેશા લઈ જવાનું અને લાવવાનું કામ તો ખરું જ. મુલાકાતીઓ આવે ત્યારે તેમની સારસંભાળ રાખવાનું કામ પણ કરવાનું અને ગાંધીજી ને સરદાર માટે તો સદા ય સ્ટેન્ડ બાય રહેવું પડે.’

‘એક વાર આચાર્ય ક્રિપલાની આવ્યા. સાથે સુચેતા ક્રિપાલાની પણ.’

‘ક્રિપાલાની તો ગૂજરાત વિદ્યાપીઠમાં તમારા પ્રોફેસર પણ ખરા ને?”

‘હાસ્તો, એ જ કહું છું. એક વાર વિદ્યાપીઠમાં ડિબેટ થઈ. વિષય હતો : ‘જીવનમાં લગ્નની જરૂરિયાત ખરી?’ ક્રિપાલાની સાહેબ પ્રમુખ. ઘણા વિદ્યાર્થીઓ બન્ને બાજુ બોલ્યા. ક્રિપાલાનીએ ઉપસંહાર કરતાં એક વાક્ય આવું કહ્યું : Don’t marry whom you love. (જેને તમે ચાહો તેની સાથે લગ્ન કરશો નહીં.)

સુચેતા અને ક્રિપાલાની આવ્યાં એટલે ગાંધીજીએ મને કહ્યું, ‘ઉત્તમચંદ, ખબર છે ને ક્રિપાલાની તાજા જ પરણીને આવેલા છે. એમના ઓરડામાં બધું બરાબર છે કે નહીં એ જોઈ આવજે. એમની કાળજી રાખજે.’

‘હું ગયો. મને જોતાં જ ક્રિપાલાની કહે, ‘ઓહ, ઉત્તમચંદ તુમ યહાં હો?’ ક્રિપાલાની પાસે જઉં તે પહેલાં સરદારે પણ મને આ નવાં જોડાંની સંભાળ વિશે કહેલું.

‘મુઝે સરદાર ઔર બાપુજીને આપકી ….’

‘હું બોલી રહું તે પહેલાં ક્રિપાલાની કહે, ‘દેખા તુમ્હારા સરદાર … સરદાર અને ક્રિપાલાની બંને એકબીજાની ગમ્મત કરતા અને એકબીજાની ઉડાવતા. પણ થોડી વાતચીત પછી મેં એમને પેલી ડિબેટ અને પેલા એમણે કહેલા શબ્દો ‘ડોન્ટ મેરી હુમ યુ લવ’ યાદ દેવરાવ્યા. ક્રિપાલાની હસતાં હસતાં કહે : આસ્ક સુચેતા …. સુચેતાને પૂછ, મેં ક્યાં એની સાથે લગ્ન કર્યાં છે? એણે (સુચેતાએ) મારી જોડે લગ્ન કર્યાં છે!’

તમે કહો છો એ પ્રસંગોને હું સીધા જ કાગળ પર નોંધું છું. ગાંધી-ઇતિહાસની તવારીખમાં જઈ એને ચકાસતો નથી. મેં કહ્યું, ‘મને જેટલું યાદ છે અને જેટલું મારા જાતઅનુભવનું છે એ જ હું તમને કહું છું. મારે ક્યાં તમને ખોટી વાત કરવી છે, કોઈક વાર સ્મૃિતદોષ થાય ખરો … અને તે ય કોઈક તારીખ કે માસ સંબંધી હોય. પણ લગભગ બધા જ પ્રસંગોનો હું એક યા બીજી રીતે સાક્ષી રહ્યો છું. અથવા જે બન્યું તે સાવ નજીક બન્યું હોય અને અથવા તો મેં સાંભળ્યું હોય … કાકાએ કહ્યું.

ઉત્તમચંદકાકાએ આગળ ચલાવ્યું. ગાંધીજીના આગમન સાથે આખો આશ્રમ ચેતનાથી ધબકતો થઈ જાય.

‘ગાંધીજી માટે પૂજ્યભાવ છે માટે આમ કહો છો?’

‘ના, ભાઈ, ના. આ પુરુષ જ કોઈ અદ્ભુત હતો. આમ તો સાવ સામાન્ય લાગે … આપણા જેવા જ .. અમારે તો એમને સાવ નજીકથી જોવાનું થતું અને મળવાનું થતું. કામને માટે મને તો વારંવાર બોલાવતા. પણ આ પુરુષમાં એક ઘડીનો પણ પ્રમાદ મેં જોયો નથી … સદાય જાગ્રત …’ 

ઘડિયાળમાં ચારને ટકોરે ઊઠી જાય. ચાર વાગે હું બેલ મારું. ચાર અને ઉપર 15 મિનિટે બીજો બેલ મારું. 15 મિનિટમાં બધાંએ પ્રાર્થના માટે આવી જવાનું. પ્રાર્થનામાં આવવું કમ્પ્લસરી નહીં. આપણે બેઠા છીએ તેના માથા પર જે ઓરડો છે તે ગાંધીજીનો ઓરડો. પ્રાર્થના પણ ત્યાં જ થાય. નીચે આ બાજુના ઓરડામાં વલ્લભભાઈ રહે. તેઓ ચાર વાગે ઊઠે ખરા પણ અહીં આપણે બેઠા છીએ તે લૉબીમાં આંટા મારે. પ્રાર્થનામાં નહીં જાય ….’

‘તે વખતે આશ્રમમાં વીજળી તો નહીં, ખરું?’

‘વીજળી કેવી? સવારે આશ્રમના કેમ્પસ પર બધાં ફાનસ ફરતાં હોય એમ લાગે .. એંસીનેવું ફાનસ સાંજના તૈયાર કરી દેવામાં આવે .. સરોજિની નાયડુનું ફાનસ .. મૌલાના અબુલ કલામનું ફાનસ, નેહરુંનું ફાનસ, ખાન અબ્દુલ ગફ્ફારખાનનું ફાનસ, વલ્લભભાઈનું ફાનસ, મહાદેવનું ફાનસ અને ગાંધીજીનું પણ મોટું સરસ ફાનસ … ચોમેર રાતે અને વહેલી સવારે ફાનસ ચાલતાં દેખાય.’

પ્રાર્થના વીસેક મિનિટ ચાલે. પ્રાર્થનામાં ગીતાનો એક એક અધ્યાય પણ બોલાય અને ગાંધીજી સાથેના કાર્યકર્તાઓને એ મોઢે જ હોય. પછી સૌ પોતપોતાના કામે લાગે.

ગાંધીજી છમાં પાંચ કમ હોય ત્યારે ફરવા જાય. સાથે એકબે સાથીદારો હોય. બારડોલી રેલવે-સ્ટેશનથી રેલના પાટે પાટે ચાલે. દોઢ-બે કિલોમીટર ચાલે. સાંજે પણ એ જ કાર્યક્રમ. મારે તો સવારે રાષ્ટ્રીય નેતાઓની તહેનાતમાં રોકાવું પડે. તેમાં ખાસ કરીને મૌલાના સાહેબ (આઝાદ) અને નેહરુને ખાસ સંભાળી લેવા પડે. નેતાઓ પોતપોતાના ઓરડામાં સૂતા હોય. બારણું ફક્ત બંધ હોય, અંદરથી સાંકળ નહીં. મૌલાના સૂતા હોય ત્યારે અમે હળવેકથી એમના રૂમમાં જઈએ, સ્ટવ સળગાવી કીટલી પર પાણી ગરમ કરવા મૂકીએ. સ્ટવના અવાજથી જાગી જાય અને ‘બેટે, આ ગયે …’ કહી ઊઠે. દૂધનો પ્યાલો, ચા, બટર, બિસ્કિટ અને એક સિગારેટનું પાકિટ મૂકવાં પડે. સિગારેટના ભારે શોખીન.

કૉંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ ચાલતી હોય ત્યારે પણ એમને સિગારેટ જોઈએ. પણ ગાંધીજીની આમાન્યા રાખે. પછી તો ગાંધીજીએ જ એમને ચાલુ મીટિંગમાં પણ સિગારેટની છૂટ આપી.

નેહરુ, ખાન અબ્દુલ ગફ્ફારખાન, એમનો દીકરો વલીખાન અને ઇંદિરા ચારે એક ઓરડામાં રહે. આ બધાંને સવારે આઠદસ કપ કૉફી, મલાઈના બે મોટા વાટકા અને મોટી ટ્રે ભરીને બિસ્કિટ આપવાં પડે. કૉફીમાં મલાઈ નાખતા જાય અને ખાતા જાય. અને શું ખાય ! બધું સફાચટ કરી જાય .. અને આ બધાં તે દિવસોમાં તો જુવાન. શરીરને કસે પણ અને સતત દેશનું ચિંતન કરનારાં ….

મારે તો મારી ફરજ તરીકે રાઉન્ડ લેવા પડે. એક દિવસ નેહરુના ઓરડામાં ડોકિયું કર્યું. પંડિતજી કંઈ લખવાના કામમાં ગૂંથાયેલા હતા. મેં વિવેક ખાતર પૂછ્યું : ‘પંડિતજી, આપકો કુછ પાનીબાની ચાહીએ.’ પાણીનું માટલું તો બાજુમાં જ હતું. ડોકું ઊંચું કરી તરત જ ભભૂકી ઊઠ્યા. ‘ક્યા પાનીબાની ચાહીએ … મૈં ક્યા નહીં લે સકતા …’ મને થયું કે આમને ક્યાં મોઢું આપ્યું. હું પાછો વળી બહાર નીકળતો હતો ત્યાં જ બોલ્યા, ‘અરે ,ઉત્તમચંદ, યહાં આઓ.’ જવાહર બહુ ઊર્મિશીલ. રોષ પણ પવનની લહેરખી જેવો, નજીક બોલાવી પૂછ્યું કે આશ્રમનું રસોડું કોણ સંભાળે છે ? જ્યારે મેં મારું નામ દીધું તો કહે, ‘યે ક્યા તૂફાન મચા રખા હૈ ? હરરોજ દાલભાત, રોટી, શાક … દાલભાત, રોટી, શાક …’

મેં સરદારને વાત કરી. સરદાર સમજી ગયા. ગામના ખેડૂત ઇબ્રાહીમ પટેલને બોલાવી મંગાવ્યા. સરદારે ઇબ્રાહીમને કહ્યું કે તમે નહેરુને મળો અને એમને આજે સાંજે તમારા ત્યાં દાવત માટે બોલાવો. ઇબ્રાહીમે નેહરુને હાથ જોડી ‘હમ ઈસ ગાંવકે ગરીબ નેક મુસ્લિમ હૈં ઔર હમ ચાહતે હૈં કિ આજ આપ હમારે યહાં ભોજન કે લિયે પધારેં … હમ આપકો દાવત દેનેકે લિયે આયે હૈં’ એમ કહ્યું. એટલે નેહરુએ સરદારને પૂછવા કહ્યું. સરદારની તો સંમતિ હતી જ. તે સાંજે નેહરુ, મૌલાના, સરોજિની, ઇબ્રાહીમ પટેલને ત્યાં ગયાં, અને ભાવતું ભોજન કર્યું.

આશ્રમના નિયમો આશ્રમ માટે બરાબર હતા. બહાર સ્વતંત્રતા હતી. અને આ બધા માણસો પણ તેવા જ સ્વતંત્ર હતા. ગાંધીજીના બધા ફોલોઅર્સ ખરા, પણ પોતપોતાની રીતે સ્વતંત્ર પણ ખરા.

* * *

આશ્રમમાં તો અનેક માણસો આવે. મેં તમને વાલચંદ હીરાચંદની વાત કરેલી. આશ્રમને રસોડે તો બધાંને સાદી પણ તાજી અને પૌષ્ટિક રસોઈ મળે જ. પણ કોઈક વાર અપવાદ પણ કરવો પડે. અને વાલચંદ હીરાચંદ તો આશ્રમ નિભાવે. દસબાર હજાર રૂપિયા મોકલી આપે અને સરદાર જ આ બધું ગોઠવે. એ જ ‘હોસ્ટ’, એટલે ‘ગેસ્ટ’ની સરભરા સરદારના કહ્યા પ્રમાણે કરવી પડે. એટલે પોતાના કેમ્પ દરમિયાન ગાંધીજીનો આદેશ સાદા ભોજનનો હોવા છતાં કોઈક વાર પૂરણપોળી જેવી વાનગી પણ બનાવવી પડે, અને ગાંધીજી મને પૂછે ત્યારે મારે તો ‘બાપુજી આપ તો અમારા ગેસ્ટ છો. હોસ્ટ તો અમે, સરદાર સાહેબ છીએ. અને મારે તો હોસ્ટનું કહ્યું માનવાનું એમ કહી ગાંધીજી આગળ ઊભા રહેવું પડે. અને આ પુરુષ પણ નિખાલસ એવા જ. આપણી વાત સાચી હોય તો હસીને સ્વીકારી લે. આવી દલીલ કરી હું એમને નમન કરવા વાંકો વળ્યો તો મારી પીઠ પર જોરથી ધબ્બો મારી, ઉત્તમચંદ, તારી વાત સાચી છે એવા શબ્દો સાથે એમની સહજતા અને નિરભિમાનપણાનું ભાન કરાવ્યું. ગાંધીજીમાં રિજિડિટી (જડતા) ભાગ્યે જ જોવા મળે.

* * *

ગાંધીજી 1935થી 1941 સુધી આવતા રહ્યા. એક મહિનો એમના રસાલા સાથે રહે અને આ વરસો દરમિયાન તો એમનો સૂરજ માથે તપતો. સ્વરાજની વાત સાથે એમના મનમાં હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરેના વિચારો સતત ચાલ્યા કરે. એ બાબતમાં ચર્ચાઓ થાય, નામી-અનામી માણસો ગાંધીજી સાથે ચર્ચાવિચારણા કરવા આવે.

એક દિવસ ખબર આવ્યા કે ખોજાઓના ધર્મગુરુ આગાખાન ગાંધીજીને મળવા આવે છે. નવ-સવા નવ વાગે એમની સ્પેિશયલ ટ્રેન બારડોલી સ્ટેશને આવી પહોંચી. એમની બોગીઓ જુદી. એકમાં રસોડું, એકમાં ઑફિસ, એકમાં આરામગૃહ, વગેરે …’

આગાખાન આઝાદીની લડતને એક્ટિવ ટેકો આપતા હતા ?

એવું તો કદાચ નહીં પણ એ સજ્જન પુરુષ હતા, અને ગાંધીજીને પોતે કઈ રીતે મદદરૂપ થઈ શકે એ જાણવા માગતા હતા. એટલા માટે જ એ ગાંધીજીને મળવા માગતા હતા. આગાખાન આવે છે એવા સમાચારથી આશ્રમમાં ચેતનાની એક લહેર પ્રસરી ગઈ. ગાંધીજીએ એમને અગિયાર વાગે મળવાનો સમય આપ્યો. વળી, એમના સમય દરમિયાન આશ્રમમાં ભોજનનો પણ સમય થતો હતો. એટલે કોઈકે યાદ આપ્યું કે એમને જમવાનું આમંત્રણ પણ આપો ને ? ગાંધીજીએ એમનું અહીં સ્વાગત છે એવો ટૂંકો કાગળ લખ્યો. તેમાં એક વાક્ય આમ પણ લખ્યું : Will you kindly break bread with us ? (તમે કૃપા કરી અમારી સાથે ભોજન લેશો ?)

‘તમે કાગળ વાંચેલો ?’

‘હા, એ કાગળ મેં જાતે વાંચેલો અને છેલ્લું વાક્ય break-bread તો બરાબર યાદ છે.’

આગાખાન ટાંગામાં આવ્યા. આ પગથિયાં પાસે ગાંધીજીએ એમનું સ્વાગત કર્યું.

થોડી વાતચીત પછી આ બાજુના જ ઓરડામાં ગાંધીજીએ એમને જમવા બેસાડ્યા. એક નાની ટિપોય પર ખાદીનો રૂમાલ પાથરી એના પર આગાખાનની ભોજનની ડિશ મૂકવા ગાંધીજીએ સૂચના આપી. આગાખાન ખુરસી પર બેસી જમતા જાય અને ગાંધીજી બાજુમાં ઊભા રહી જમાડતા જાય. ગાંધીજીએ મને કહી મૂકેલું કે એક-પછી-એક વાનગી લઈ આવવાની એટલે બાજરીનો રોટલો, કઢી, અને ત્યાર પછી લીલવા(પાપડીના લીલા દાણા)નું શાક અને રવૈયાં બનાવેલાં તે મૂક્યાં. એમને તો રવૈયાં ખૂબ ગમ્યાં. ગાંધીજી બાજુમાં જ ઊભા રહી વાત કરતા જાય, અને મહેમાન માટે કઈ આઈટમ લાવવી તે કહેતા જાય.

આગાખાન કહે, એમને લંડન અને પેરિસમાં પણ આવું સ્વાદિષ્ટ ખાવાનું નથી મળ્યું. એમાં થોડો વિવેક હશે. પણ મહેમાનના ચહેરા પર ખુશાલી જોઈ શકાતી હતી. ખાસ તો ગાંધીજી સાથેની મુલાકાતનો આનંદ પણ ભોજનની પ્રશંસામાં આવી જતો હતો. 1940નો આ પ્રસંગ છે.

* * *

ગાંધીજી સ્વરાજ આશ્રમમાં આવે ત્યારે અહીં કંઈ ને કંઈ અવનવું બનતું હોય. આપણા ગોરધનદાસ ચોખાવાળાના વિવાહ અહીં થયેલા. ગાંધીજીએ સગાઈ કરેલી. વાત એમ બની : ગાંધીજીની સેવામાં તો અનેક માણસો હોય. તેમાં એક શારદા નામની છોકરી પણ હતી. તે કુંવારી. ગાંધીજીની સેવા કરે. એક દિવસ અમે બધા ગાંધીજી પાસે બેઠા હતા. ગાંધીજીએ શારદાને પૂછ્યું, ‘શારદા, તું કેટલાં વરસની થઈ.’ ‘એકવીસ-બાવીસ વરસ હશે,’ શારદાએ કહ્યું. ‘તો તું અમારી સાથે ક્યાં સુધી રહેવાની. પરણી જા ને.’ ગાંધીજીએ કહ્યું.

‘તમારી સાથે તો મને નવું નવું શીખવાનું મળે. કેટકેટલા માણસો અહીં આવે એ બધાં વિશે જાણવાનું મળે.’ ‘પણ અમારો શું ભરોશો. આજે અહીં છીએ. આવતી કાલે જેલમાં હોઈએ. એટલે મારું કહ્યું માનતી હોય તો પરણી જા.’

શારદા ઘડીભર ચૂપ રહી. પણ પછી એ દરરોજના પરિચયે, સહજ રીતે બોલી : ‘તો બાપુજી, તમે જ મારે માટે યોગ્ય માણસ શોધી આપો ને ?’

ગાંધીજી જરા વિચારમાં પડ્યા. હું, મહાદેવ ગાંધીજીની બાજુમાં જ બેઠા હતા. મને ચોખાવાળાની ખબર હતી કે તે કુંવારો છે. વળી ચોખાવાળાની પ્રતિજ્ઞા પણ જળવાતી હતી.

શું પ્રતિજ્ઞા હતી એમની ?

‘એ સમયનાં જુવાનો જાતજાતની પ્રતિજ્ઞા રાખતા. કોઈ પોતાના હાથે કાંતેલાનું કપડું બનાવી પહેરવાનું પણ લેતા, કોઈ વળી ખુલ્લા પગે ચાલવાની કે ગામડાંમાં જઈ સેવાની વાતને વળગી રહેતા. ચોખાવાળાએ પોતાની જ્ઞાતિમાં ન પરણવાની પ્રતિજ્ઞા લીધેલી. એટલે મેં મહાદેવને ધીરેકથી ચોખાવાળા વિશે કહ્યું. મહાદેવે ગાંધીજીને કહ્યું. એટલે ગાંધીજીએ મને તરત જ કહ્યું કે ‘જા સુરતથી ચોખાવાળાને બોલાવી લાવ.’

ચોખાવાળા પણ ગૂજરાત વિદ્યાપીઠના મારા પછીના સ્નાતક. અમને બંનેને સારું બને. એટલે બપોર પછીની ગાડીમાં હું ચોખાવાળાને લઈ આવ્યો. ગાંધીજીએ એક નજર ચોખાવાળા પર નાંખી, અને એમને એ શારદા માટે યોગ્ય લાગ્યો, ‘આ બંનેને એક ઓરડીમાં અર્ધા કલાક માટે સાથે બેસાડો અને બંનેની સંમતિ હોય તો અહીં લઈ આવો.’ ગાંધીજીની આજ્ઞા થતાં આ સામે (કાકાએ સામેની એક ઓરડી તરફ બતાવતાં કહ્યું) ઓરડી છે તેમાં હું, શારદા અને ચોખાવાળાને લઈ ગયો. બારણું વાસીને ગાંધીજીના કહ્યા પ્રમાણે હું બહાર બેઠો. અર્ધા કલાક પછી આ બંને બહાર આવ્યાં. તેઓ રાજી હતાં.

બીજી સવારે સરદાર ભવન(આપણે જ્યાં બેઠા છીએ તેના માથા પરના ઓરડા)ના ઉપરના મોટા ઓરડામાં શારદા-ચોખાવાળાના વિવાહ થયા. આશ્રમમાં વાત ફેલાઈ ગયેલી. એટલે આખો ઓરડો માણસોથી ભરાઈ ગયેલો. કસ્તૂરબાએ બંનેને કપાળે તિલક કર્યું, ચોખા ચોડ્યા. પછી બંને વારાફરતી બધાંને પગે લાગ્યાં. પહેલાં કસ્તૂરબા અને ગાંધીજીને, પછી સરદાર, મહાદેવ, રાજકુમારી અમૃત કૌર વગેરેને. ગાંધીજીના જૂના મિત્ર કૅલનબેક પણ હાજર હતા. કૅલનબેકે ચોખાવાળા સાથે હસ્તધૂનન કર્યું, અને તે ઠીક ઠીક લંબાયું. બાજુમાં ઊભેલા સરદારે આ લાંબું હસ્તધૂનન જોઈ ગમ્મત કરી. સરદાર કહે, ‘મિ કૅલનબેક વાય ડુ યુ ટેઈક સો મચ ઇન્ટરેસ્ટ ઈન ધીસ ?’ સરદારનો ઇશારો કૅલનબેક જીવનભર કુંવારા રહ્યા તે તરફ હતો. કૅલનબેક ઘડીભર તો અવાક્ રહ્યા. પણ તે સરદારની વિનોદની ધાર તરત જ પામી ગયા. કૅલનબેક કહે, ‘ઇફ આઈ એમ સચ ટૂડે, ઈટ ઈઝ બિકૉઝ ઑફ ધ સીન ઑફ ધીસ ઓલ્ડ મૅન.’ [‘મારી જો આજે આવી દશા હોય તો તે આ બુઢ્ઢા(ગાંધીજીને બતાવીને)ને પાપે છે.’] બધા ખડખડાટ હસ્યા. એટલે ગાંધીજી બોલ્યા. ‘મિ. કૅલનબેક, ડોન્ચ્યુ નૉ નાવ આઈ ઍટૉન ફૉર ધેટ … ગાંધીજીએ આ વિવાહવિધિ તરફ નિર્દેશ કરીને કહ્યું કે આમ કરીને (આવાં લગ્ન કરાવીને) હવે હું એનું પ્રાયશ્ચિત કરું છું.’

ગોરધનદાસ અને શારદાનાં લગ્ન સેવાગ્રામમાં લેવાયાં. કસ્તૂરબાએ લાપસી બનાવી. સ્થાનિક લોકો ઢોલક લઈ આવ્યા. નાચ્યાં. આમ એક યાદગાર લગ્ન તદ્દન અનોખી રીતે થયાં. એ નવાઈ જેવું લાગતું કે ગાંધીજીની હાજરીમાં તમામ ચીલાચાલુ પરંપરાઓ ગાયબ થઈ જતી. એક નવી જ આહ્લાદકતા આપણા કાર્યને વિચારને ઘેરી વળતી.

* * *

શરૂઆતમાં ગાંધીજી પણ આશ્રમમાં કૉમન પાયખાને જતા. પણ એમની સંભાળ રાખનાર સરદાર પટેલ અને બીજા એમની અંગત સેવામાં હાજર રહેનારા જોતા કે એમને આશ્રમના કૉમન પાયખાને જતાં થોડી તકલીફ રહેતી. મેડા ઉપરથી ઊતરવાનું અને દૂર પાયખાનાની જગ્યા સુધી જવાનું. એટલે સરદારની સૂચનાથી મેડા પર જ ખપરડાનું બૉક્સ જેવું પાયખાનું ઊભું કરવામાં આવ્યું. અને ત્યાં જ કમોડ રાખવાની વ્યવસ્થા કરી. ગાંધીજી તો કમોડ જાતે જ સાફ કરવાનો આગ્રહ રાખતા. પણ એમને જ જો એ કરવાનું હોય – એ માટે વળી નીચે ઊતરવાનું હોય તો તો પાયખાનું બનાવવાનો કોઈ અર્થ પણ નહીં. એટલે અમે કમોડ લેવાને માટે ખડે પગે તૈયાર રહેતા. મોટા ભાગે મારે પાયખાના બહાર ઊભા રહેવું પડતું.

ગાંધીજીને આ વ્યવસ્થા ગમી. ‘ઉત્તમચંદ, આ સારું કર્યું.’ પછી કહે, ‘પણ મારે પાયખાનામાં બહુ સમય જાય છે. લગભગ ચાળીસેક મિનિટ મારે કમોડ પર બેસી રહેવું પડે છે. એટલે તારે મારા માટે પાયખાનામાં કંઈ વાંચનની વ્યવસ્થા કરવાની.’

એક વખત એમણે આકાશદર્શન વિશેનાં પુસ્તકો પાયખાનામાં મૂકવા કહ્યું. મને ઘણી વાર વિચાર આવતો કે ગાંધીજી આખો દિવસ તો કંઈ ને કંઈ લેખન-વાચન ચર્ચામાં ગૂંથાયેલા રહેતા. અહીં પાયખાનામાં એટલો સમય શાંતિથી બેસતા હોય તો. એક દિવસ પાયખાનામાંથી બહાર આવી મારે ખભે હાથ મૂકી ચાલતા હતા ત્યારે મેં કહ્યું, ‘બાપુજી, આપ આખો દિવસ તો કામમાં રોકાયેલા રહો છો. આપને પાયખાનાનો સમય મળે છે તેમાં ન વાંચો તો ન ચાલે ? આપને એટલી શાંતિ મળે. અને આપે ક્યાં ઓછું વાંચ્યું છે ?’

મારા ખભા પર એમનો હાથ હતો. એટલે મારો કાન પકડી જોરથી આમળી કહે, ‘ઉત્તમચંદ, આપણે હંમેશાં નવું શીખવું જોઈએ.’ અને પછી અંગ્રેજીમાં કહે, “Every man or woman is a life-long student” (દરેક પુરુષ કે સ્ત્રી જીવનભર વિદ્યાર્થી છે.)

કંઈ ને કંઈ વાંચવું, જાણવું એવું ગાંધીજી આશ્રમના જુવાનોને કોઈક આવા પ્રસંગે કહેતા. પણ કહેવા કરતાં એમનો દાખલો જ અમારી આગળ તો મોજૂદ હતો.

[“જનકલ્યાણ”, અૉક્ટોબર 2001]

સૌજન્ય : “શાશ્વત્‌ ગાંધી”, પુસ્તક 53, સપ્ટેમ્બર 2017; પૃ. 31-35  

Loading

9 February 2018 admin
← ભારુલતા કામ્બલે – એક અસાધારણ વ્યક્તિત્વ
Kasganj Violence: Unveiling the Anatomy of a Riot →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved