સાઠના દાયકામાં કર્ણાટકના નાટ્યકાર ગિરીશ કર્નાડનો એક કલ્પનાશીલ મૌલિક નાટ્યકાર તરીકેનો ઉદય, એ કન્નડ ભાષામાં આધુનિક ભારતીય નાટ્યસાહિત્ય રચવાના આરંભનો એક સુર્વણ અવસર છે. યયાતિ, હયવદન, તુઘલક, નાગમંડલા, અગ્નિ અને વર્ષા વગેરે નાટકોની ગણના આજે આધુનિક ભારતીય રંગમંચની ચોટદાર ઓળખ આપતાં ‘માસ્ટરપીસ’માં થાય છે. કર્નાડ એક સાથે કેટલી બધી કલાઓ પર પ્રભુત્વ ધરાવે છે ! તેના સર્જનાત્મક વ્યક્તિત્વનાં કેટલાં બધાં પાસાં છે ! નાટ્યકાર હોવાની સાથે સાથે તેઓ એક મંજાયેલા અભિનેતા પણ છે અને તેમણે અભિનય ફક્ત રંગમંચ પર જ નહીં પણ કેટલીક શ્રેષ્ઠ ગણાયેલી પુરસ્કૃત ફિલ્મોમાં પણ કર્યો છે. તેવી જ રીતે ટેલિવિઝનના નાના પડદે પણ તેઓ અનેક વાર રજૂ થયા છે. તેઓ ફિલ્મદિગ્દર્શક પણ છે. કર્નાડને 1972માં સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, 1974માં પદ્મશ્રી, 1992માં પદ્મભૂષણ, 1992માં કન્નડ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1998માં કાલિદાસ સન્માન વગેરે પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે. વર્ષ 1998માં ભારતીય સર્વોચ્ચ સન્માન એવા જ્ઞાનપીઠ ઍવૉર્ડથી કર્નાડને નવાજવામાં આવેલા. આ ઉપરાંત 2001માં યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયા, લોસ એન્જલસ તરફથી ઑનરરી ડૉક્ટરેટ પણ આપવામાં આવેલ છે.
બાળપણમાં કર્નાડે સ્વપ્ન જોયેલું કે ભવિષ્યમાં તેઓ અંગ્રેજી ભાષામાં જ લખશે. કર્ણાટકમાં ધારવાડની પ્રાંતીય શાળામાં ભણતા ગિરીશ કર્નાડની એક તીવ્ર ઝંખના હતી કે તે ઇંગ્લૅન્ડ જશે અને અંગ્રેજીમાં કાવ્યો લખશે ! તે લખે છે કે ‘મને શેક્સપિયર અને ટી.એસ. એલિયટ જેવા દુનિયાના ખ્યાતનામ કવિ બનવાની ખ્વાહિશ હતી !’ તે ઇંગ્લૅન્ડ ગયા, ત્યાં અભ્યાસ કર્યો, અધ્યાપન-કાર્ય પણ કર્યું, દેશ અને દુનિયામાં ખ્યાતિ પણ કમાયા, પણ અંગ્રેજી કવિતા લખીને નહીં, કન્નડમાં નાટકો લખીને.
વર્ષ 1951માં ચક્રવર્તી રાજગોપાલાચારીએ પ્રગટ કરેલ ‘મહાભારત’ નામના પુસ્તકે ગિરીશ કર્નાડના યુવા મન પર મોટો પ્રભાવ પાડ્યો. એક મુલાકાતમાં કર્નાડે આ સંદર્ભે પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે ‘ખબર નહીં, શાથી, પણ 1955ના ગાળામાં એક દિવસ રાજાજીએ લખેલ ‘મહાભારત’નાં વિચક્ષણ ચરિત્રોના અંગ્રેજીમાં લખાયેલા સંવાદો, એકાએક મારી ‘adopted language’ કન્નડ ભાષમાં પલટાઈને મારા સ્મૃિતપટ પર આવી ચડ્યા ! તમામે તમામ સંવાદો એના તાર સ્વરે મારા કાનમાં ગુંજી રહ્યા. કન્નડમાં રૂપાંતરિત થયેલો તેનો એક એક શબ્દ મારા અણુએઅણુમાં ઘોળાઈ ગયો !’ (અંતે તેના જ નિચોડ રૂપે 1961માં લગભગ 23 વર્ષની ઉંમરે કર્નાડે ‘યયાતિ’ નામે નાટક લખ્યું.)
આગળ કર્નાડના જ શબ્દોમાં, ‘આ અંત:સ્ફુરણા થવા પાછળ મને મુખ્યત્વે ત્રણ કારણો જણાયાં: પહેલું તો એ કે આજ દિન લગી મારા મનમાં કવિ બનવાની ઝંખના હતી અને તેના બદલે હું આજે નાટક લખી રહ્યો હતો ! બીજું આશ્ચર્ય મને એ થયું કે મારી કાચી ઉંમરથી હું સદા ય English Poet – અંગ્રેજી કવિ બનવાની તૈયારીમાં રચ્યોપચ્યો રહેલો અને પછી એકાએક શું થયું કે હું કન્નડ ભાષામાં લખવા માંડ્યો ! જ્યાં ઑડૅન અને એલિયટ જેવા સમર્થ કવિઓએ નામના કાઢેલી એવા દેશમાં હું જવા માંગતો હતો. મને લાગતું હતું કે ભારતમાં રહેવામાં કંઈ માલ નથી. અહીં કશું જ નથી. એટલે જ મેં અંગ્રેજી લેખક બનવાની તૈયારીઓ વિચારી રાખેલી. પરંતુ ખરેખર જ્યારે મન પરનો બોજ અને ગૂંગળામણ વ્યક્ત કરવાની અસલ ઘડી આવી ત્યારે મારી કલમ અભાનપણે કન્નડમાં જ ચાલવા લાગી ! મને તત્કાળ ભાન થયું કે આજ સુધીનું તમામ લેખનકાર્ય સમયનો નર્યો બગાડ હતો. ત્રીજું આશ્ચર્ય મને એ વાતનું થયું કે મારા પ્રથમ નાટક; યયાતિ’નું કથાબીજ મેં મહાભારતમાંથી મળેલી એક દંતકથામાંથી ખોળેલું. આ ત્રણેય આશ્ચર્યો મને એટલા માટે થયું કે તે ઘડી સુધી હું એવી જ ગેરસમજમાં રાચતો હતો કે ‘પોતાની ભાષા અને પોતાનાં સામાજિક-સાંસ્કૃિતક માળખાંમાંથી બહાર નીકળીને – અળગા થઈને જીવવું એ જ ખરી આધુનિકતા (Modernity) છે !’
એક વાર કોઈકે કર્નાડેને પૂછેલું કે ‘નાટક લખતી વખતે તમે ‘ભારતીય નાટક’ લખવાના કોઈ સભાન પ્રયત્નો કરો છો ખરા?’ તેના જવાબમાં કર્નાડે કહેલું કે, ‘ના, એવી કોઈ સભાનતા સાથે સર્જનકાર્ય ન થઈ શકે. વાસ્તવમાં એ બધું મારા વ્યક્તિત્વમાં, મારા અમુક પ્રકારે હોવાપણામાં તેમ જ મેં પસંદ કરેલ મારા કથાવસ્તુમાં સહજ રીતે સમાવિષ્ટ છે. ભારતીય કથાસાહિત્ય તો એક અગાધ સાગર છે. તેમાં નાટક લખવા માટેના વિચોરોનો વિપુલ ભંડાર છે. મારે ક્યાંયથી કશું નવું ખોળવાની જરૂર નથી. તમારી પરંપરાગત કલાસંસ્કૃિતના આત્મા જોડે તમે એક વાર પૂરા વિશ્વાસ સાથે એકાત્મતા સાધી શકો તો પછી એ બધું તમારાં લેખનમાંથી અનાયાસ જ નીપજે છે.’
ઉંમરના એક ખાસ પડાવે પહોંચ્યા બાદ કર્નાડ કહે છે કે ‘હવે મને લાગે છે કે જિંદગીનાં જે કંઈ વર્ષો રહ્યાં છે તેમાં હું મારું સૌથી વધુ ગમતું કામ – માત્ર નાટકો લખવાનું જ કરું.’ પોતાનાં નાટકો રચવા માટે કર્નાડે ભલે ઇતિહાસ કે પુરાણકથામાંથી જ રૂપકો પસંદ કર્યાં હોય પરંતુ વર્તમાન સમસ્યાઓને સતત ઉજાગર કરતા રહેવા માટે તેઓ હંમેશાં વાણી અને અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યના મોટા સમર્થક રહ્યા છે. ‘સંસ્કાર’ ફિલ્મ વખતે અમુક ખાસ જ્ઞાતિમંડળોના વિરોધને પગલે આવેલો સેન્સર બોર્ડ દ્વારા પ્રતિબંધ, વિશ્વ હિંદુ પરિષદના સદસ્યો દ્વારા તેમના ઘર પર હુમલો અને શિવસેના દ્વારા અપાતી રહેતી ધમકીઓ વચ્ચે કર્નાડ તેમના સર્જક તરીકેના મુક્ત અધિકાર સાથે નિર્ભીક બનીને અડીખમ ઊભા છે તે કંઈ દેશના હજારો-લાખો કલાકારો માટે ઓછી પ્રેરણાની વાત નથી. હાલમાં પણ ધાર્મિક કટ્ટરવાદીઓ દ્વારા ત્રણ બૌદ્ધિકોની હત્યા અને છેલ્લે પત્રકાર ગૌરી લંકેશની હત્યા વખતે પણ નાગરિક સમાજ તરફથી વિરોધ પ્રગટ કરનારા સમૂહમાં કર્નાડ મોખરે રહેલા.
દેશના કલા-સાહિત્ય જગતમાં કર્નાડને જે અઢળક કીર્તિ મળી છે તેની આકરી કિંમત તે સારી પેઠે જાણે છે. કર્નાડના જ શબ્દોમાં ‘જાહેર પ્રતિભા બની જવા પાછળનું સૌથી મોટું જોખમ એ છે કે એ તમારી ભીતરની કુદરતી સર્જનાત્મકતાને બહુ મોટો ઘસારો પહોંચાડે છે. ક્યારેક નાશ પણ કરી નાખે છે. મેં ઘણા બધા કુશળ ગણાતા કલાકારોને કીર્તિના કળણમાં ખૂંપી જઈને ખતમ થતા જોયા છે. સર્જનાત્મકતાને એક બાળકની જેમ નાજુકાઈથી સંભાળવી ને ઉછેરવી પડે છે. તે ગમે તે વાતાવરણમાં કે ગમે તે પરિસ્થિતિમાં આપ મેળે વિકસતી નથી. કીર્તિ કે લોકપ્રિયતાનાં વાવાઝોડાંમાં જો તમારી સર્જનાત્મકતનું ઉપલું નાજુક થર એક વાર ઊખડી ગયું તો નીચે ફક્ત અભેદ્ય અને સખ્ત એવા ખડકો જ રહી જાય છે જેમાંથી કશું નવું, મૌલિક નીપજતું નથી.’
જ્ઞાનપીઠ પુરસ્કૃત કન્નડ સાહિત્યકાર અનંતમૂર્તિ જણાવે છે કે ‘કર્નાડ નાટકોના (રંગમંચના) કવિ છે. વર્તમાન પ્રેક્ષકોને ધારી ટકોર કરવામાં તેમણે પસંદ કરેલ પૌરાણિક કથાનકો અને ચરિત્રો એક નાટ્યકાર તરીકે તેમને એક સલામત, મનોવૈજ્ઞાનિક અંતરે રાખે છે.’
1999માં તેમની સાંસ્કૃિતક-સાહિત્યિક વિરાસત વિશે બોલતાં ગિરીશ કર્નાડે કહેલું કે ‘મને મળેલ ગૌરવવાન સાહિત્યિક વારસો હું સતત જોઈ, અનુભવી શકું છું. ધર્મવીર ભારતી, મોહન રાકેશ, વિજય તેન્ડુલકર અને બાદલ સરકાર જેવા સર્જકોની પેઢીમાંના એક હોવાનું મને ગૌરવ છે. આજે હું ખાતરીપૂર્વક કહી શકું એમ છું કે આઝાદી પશ્ચાત્ અમે સૌ લેખકો અને રંગકર્મીઓએ સાથે મળીને આધુનિક ભારતના રાષ્ટ્રીય રંગમંચનું એક અલગ, અનોખું ને અર્થસભર નિર્માણ કરવાનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો છે.’
સૌજન્ય : ‘નેપથ્યેથી’, “વિશ્વવિહાર”, વર્ષ – 20; અંક – 2; નવેમ્બર 2017; પૃ. 23-25