‘નિરીક્ષક’માં સામાન્ય પ્રજા માટે અવારનવાર વિકાસ, આર્થિક બાબતના તેમ જ રાજ્યના કારભાર વિષયોની યોગ્ય રજૂઆત અને છણાવટ થાય છે. ‘ભારત : વિકાસ અને વિષમતા સહોદર?’ ધવલ મહેતાએ વિષયમાં સારી રીતે વિકાસ બાબત વિચારણા કરી છે. તેમને છેલ્લા પાંચ દાયકામાં દુનિયામાં થયેલી આર્થિક બાબતમાં કરેલ પ્રગતિની નોંધ લીધી છે અને જુદાં-જુદાં પાસાંઓનો વિચાર કરી રજૂઆત કરી છે. કટારલેખક પ્રવીણ પંડ્યાએ પણ લોકતંત્રની એટલે કે રાજ્ય સરકારના કારભાર વિશે સારી છણાવટ કરી છે.
આપણે કહી શકીએ કે આર્થિક પ્રગતિ જરૂર કરી છે, પરંતુ તે સમતોલ અને સામાજિક રીતે ફાયદાકારક કહી શકાય નહીં. તેમ જ સરકારના કરભારથી સામાન્ય માણસને કંઈ ફાયદો થયો નથી.
પરંતુ એક મહત્ત્વની વાત – આજના યુગમાં રાજ્યને કેવી રીતે ચલાવવું? લોકશાહી ઢબથી રાજ્ય ચલાવવાનું શ્રેષ્ઠ લાગે, જે દુનિયાને યુરોપ-ઇંગ્લૅન્ડ તરફથી મળેલ છે. પરંતુ તે મૉડલ ઝરીપુરાણું થઈ ગયું છે.
આ વિષયની રજૂઆત THE FOURTH REVOLUTION – The Global Race to Reinvent the state પુસ્તકમાં જ્હૉન મિકલેટવેઇટ અને એડરીન વુલડ્રીજે કરી છે.
લેખકોનું કહેવું છે કે હવે એવો સમય આવી ગયો છે કે રાજ્ય ચલાવવાની નવી રીતની જરૂર છે. તેઓએ ભૂતકાળથી શરૂ થયેલ રાજ્ય સરકાર કે રાજ્યની કઈ રીતે ઉત્પત્તિ થઈ અને કઈ-કઈ વ્યક્તિઓએ ભાગ લીધો, એ વિષયની સરસ રીતે રજૂઆત કરી છે.
એમના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે :
૧. આજના જમાનામાં લોકશાહી સરકાર અને રાજકારણીઓને વધુ ને વધુ શિક્ષણ, પેન્શન, સલામતી વગેરે આપી રહી છે – વચનો આપે છે, છતાં આપણે સુખી નથી.
૨. ચીનની સરકાર આર્થિક બાબતમાં હવે બજારલક્ષી નીતિમાં ભાર નહીં મૂકતાં સ્ટેટને કેવી રીતે સુધારવું એમાં માને છે.
૩. જે રીતે મશીનોની શોધખોળથી ખેતી અને ઉદ્યોગોને ફાયદો થયો, તેમ આજના જમાનામાં કૉમ્પ્યૂટર અને ઇન્ટરનેટ માનવજાતને ઉપયોગી થઈ શકે છે અને થઈ રહ્યું છે …
૪. ટી.એચ. માર્શલે દલીલ કરી કે નાગરિકોએ નવા હક્કો મેળવ્યા : ત્રણ જુદા વેવ થકી -સિવિલ હક્કો – અઢારમી સદીમાં, રાજકીય હક્કો ઓગણીસની સદીમાં અને વીસમી સદીમાં સામાજિક-શૈક્ષણિક, આરોગ્યના.
૫. આપણે ખ્યાલ રાખવો જોઈએ કે બીજાનાં સુખ છીનવી લેવાથી સુખ મળતું નથી. નબળાને મજબૂત લોકોને નબળા કરી મજબૂત કરાતો નથી. માણસોની રોજગારી વધારવા માટે નોકરી આપનારને નીચે પાડવાથી ફાયદો નથી.
૬. પૈસાદાર લોકોએ પોતાના સમાજની એવી રચના કરી છે, કે પોતાની સિક્યુરિટી ગાર્ડ, હેલ્થ સર્વિસો અને શાળાઓ બનાવી રાખી છે. રાજ્ય સરકાર સાથે આટલો જ સંબંધ છે : વેરા ભરવાનો. અને તે પણ શક્ય તેટલો ઓછો. આ પૈસાદાર લોકો ટૂંકી બુદ્ધિએ સ્વ માટે રસ ધરાવે છે. લાંબી દૃષ્ટિ રાખીને સામાન્ય પ્રજા માટે સારા ઇરાદાથી કે ઇચ્છાથી કામ કરતા નથી. વળી તેઓ બીજાને ઉપર આવવા દેતા નથી.
૭. આજનું દૃશ્ય કંઈક જુદું જ છે. ૨૧મી સદીનું વેસ્ટર્ન મૉડેલ સડી ગયેલું છે. વિચારો, પ્રથમ અમેરિકાએ આંતક સામે યુદ્ધ કર્યું. ઇરાક પર આક્રમણ કરીને લોકશાહી બદનામ થઈ – લોકશાહીને ઘણું નુકસાન પહોંચાડ્યું. નાણાકીય મુશ્કેલીઓ આવી. અને ત્યાર બાદ યુરોપ મુસીબતમાં મુકાયું. આ બધું શું બતાવે છે? એશિયન લોકોને ખબર પડી ગઈ કે વેસ્ટર્ન સરકાર નિષ્ક્રિય રહી છે.
૮. લોકશાહીને વરેલો ભારતદેશ રાજકારણમાં રહેલા સગાંવાદથી પીડાય છે. કૉંગ્રેસ પાર્ટી નહેરુના કુટુંબથી રાજ કરતી આવી છે. પાર્લામેન્ટમાં દરેક ત્રણમાંથી એક લોકસભાનો સભ્ય કુટુંબના વારસાથી આવેલો છે.
૯. ગૂગલ જેવી વિશ્વવિખ્યાત કંપનીમાંથી થોડા મૅનેજરો રાજ્ય સરકારમાં આવે તો તે સારી વાત છે. પરંતુ પ્રશ્ન એ છે કે શા માટે સરકાર ૫૦ વરસ ખાનગી કંપનીઓથી પાછળ રહી? હકીકતમાં સરકાર અને તેની સાથે સંકળાયેલાં ખાતાંઓ માટે પરિવર્તન લાવવું ખાનગી કંપનીઓ કરતાં ઘણું મુશ્કેલ છે. રાજ્ય સરકારો ખાનગી કંપનીઓ કરતાં ઓછી કાર્યદક્ષ છે. કારણ કે રાજ્ય સરકારોને નાગરિકો સાથે સંબંધ છે અને કંપનીઓને ગ્રાહક સાથે. અહીં ફરક છે નાગરિક અને ગ્રાહકના સ્વભાવ વિષે.
૧૦. સરકારી કામકાજમાં નોકરશાહી ખૂબ જ વધી ગઈ છે અને એને લીધે સરકાર તેમ જ ખાસ કરીને લોકોને ઘણું સહન કરવું પડે છે.
૧૧. ભૂતકાળમાં ત્રણ ક્રાંતિઓ તરફ નજર નાખતાં અમુક નેતાઓમાં કંઈક અંશે આવડત હતી. થોડા સિદ્ધાંતો બનાવી લોકોનું કલ્યાણ કરેલું. જેમ કે વિક્ટોરિયન સફળ થયાં. કારણ કે તેઓએ નાગરિકોમાં સરકારી કામકાજ માટે ટેલેન્ટ અને હરીફાઈથી ચૂંટાયાં. અને સુંદર રાજ્ય સરકાર બની.
૧૨. જ્યારે ચોથી ક્રાંતિમાં રાજકારણે વિજ્ઞાનમાં નવી ટેક્નોલૉજીનો અને નવા રાજકીય દબાણનો ખ્યાલ રાખવો પડશે.
૧૩. લેખકોનું કહેવું છે કે અમારી શરૂઆતની દલીલ એ છે કે લિબરલ હોવું અને રહેવું. સ્ટેટ નાનાં હોવા જોઈએ, અને સ્વતંત્ર. પણ આપણે નથી. ચોક્કસ અત્યારના સંજોગોમાં પણ ઘણી સરકારે ગૌરવ લેવા જેવું છે. અમેરિકાએ ચોક્કસ બીજું વિશ્વયુદ્ધ જીત્યું, રાજ્યોમાં વિશાળ હાઈવે બનાવ્યા, માણસને ચંદ્ર પર મોકલ્યો, ઈન્ટરનેટની શોધ કરી અને જીવન/આયુષ્ય માટેની દવા વગેરેની શોધખોળ કરી, પરંતુ જર્મન સરકારે પણ મહત્ત્વનાં કામો કર્યાં છે. જર્મન લોકોએ સરકારનો આભાર માનવો જોઈએ. કેમ કે સરકાર તેના દેશ અને પ્રજાને નાઝીશાહીમાંથી બહાર લાવી અને ખરાબ રાજકારણ દૂર કર્યું તેમ જ ઔદ્યોગિક પાવર હાઉસ બનાવ્યું. આ ઉપરાંત જર્મની યુરોપમાં સૌથી મહત્ત્વનો દેશ છે, અને અંગ પણ.
૧૪. લેખક એક વસ્તુની સરસ રજૂઆત કરે છે – સરકારી કોર્પોરેશન બાબત કુટુંબનું સોનું, ચાંદી, ઝર-ઝવેરાત વેચીને દેવું ઓછું કરવું કે મોજ-શોખ પાછળ ખર્ચવા ન જોઈએ. પરંતુ તે ઉપયોગ કેવી રીતે કરવો તે પણ વિચારવા જેવું છે. તે રીતે સરકારી ઉપકરણોનો અથવા બીજા કરી શકે તે રીતે વિચારવું રહ્યું. લેખકોએ આ બાબતમાં ઇંગ્લૅન્ડ અને ઘણા દેશોની સરકારના સંદર્ભમાં ઉલ્લેખ કર્યો છે.
૧૫. અમેરિકાના ૭૭ ટકા લોકો માને છે કે ધનવાન અને મોટા ઉદ્યોગ-ધંધાઓ પાસે વધારે સત્તા છે.
૧૬. લેખકોનું માનવું છે કે ઇર્ન્ફોમેશન ટેક્નોલૉજી મહત્ત્વની વસ્તુ છે અને તે ઘણા ફેરફારો લાવશે, ઉપરાંત રાજ્ય ચલાવવામાં બહુ ઉપયોગી થશે અને પ્રજાને ફાયદાકારક બનશે.
૧૭. લોકશાહી હવે નાટકીય બની ગઈ છે, જેમાં ધંધાકીય રાજકારણીઓ સ્ટેજ પર આવીને ચૂંટણીમાં મત માટે પ્રભાવશાળી ભાષણ આપે છે અને લોકોને મીઠાં સ્વપ્નો તેમ જ સારાં લાગે તેવાં વચનો આપે છે.
૧૮. અમેરિકાના બીજા પ્રમુખ જ્હૉન આદમ સાચા હતા : લોકશાહી તૂટવાનો ભય અંદરથી રહેશે. હાલમાં લોકશાહી સ્લીપરી અને ખુશામતખોર બની ગઈ છે; વધારે પડતી માંગણીઓથી અને ખાસ સ્વાર્થી રસ ધરાવતા વ્યક્તિઓથી.
૧૯. લોકશાહીમાં ખાસ કરીને અમેરિકાની ચૅક અને બૅલન્સની નીતિથી મોટે ભાગે આપખુદશાહી અટકે છે, પરંતુ તે માટે ઘણી કિંમત ચૂકવવી પડે છે, કાર્ય કરાવવામાં અને ન્યાય મેળવવામાં પણ.
લેખકો અંતમાં જણાવે છે : ફૉર્થ રેવલ્યૂશન સહેલું નહીં હોય. વેલફેર સ્ટેટ માટે કરવાનાં કામથી લોકશાહીને ઘણું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ રિફોર્મ કરતાં રહેવું પડશે. કારણ કે ઇનઍક્શનનો ખર્ચો ઘણો થશે. બીજું તેના વજનથી મૃત્યુઘંટ વાગશે : જેને જરૂર છે તેને કંઈ મળતું નથી અને સ્વાર્થી લોકોને ફાયદા મળે છે. બીજું, હવે તક આવી છે તે જતી રહેશે. અને છેલ્લે ઇતિહાસ તેમની બાજુમાં છેઃ આ ફૉર્થ રેવલ્યૂશન સ્વતંત્ર અને વ્યક્તિગત હક્કો માટે છે. આ માટે યુરોપ પ્રથમ આગળ આવ્યું, અને ત્યાર બાદ અમેરિકાએ ધપાવ્યું.
લેખકોનું માનવું છે કે પશ્ચિમના દેશો બહુ જ નવીનતા ઊભી કરે છે અને તેઓ હંમેશાં નવીનતા લાવ્યા જ કરે છે. એટલે વિશ્વાસ છે કે પશ્ચિમના દેશો જરૂરથી નવું કંઈક સામાન્ય પ્રજા માટે રાજ્ય સરકારના કારભાર માટે કરશે જ – આ મુશ્કેલ સમયમાં.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 09 તેમ જ 14