Opinion Magazine
Number of visits: 9447122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાસ્તાં લાખોકરોડો હિંદવાસીઓની, કર્ટસી સાઈનાથ

રજની દવે|Opinion - Opinion|20 January 2018

જાહેરજીવનના કવિ તરીકે સુપ્રતિષ્ઠ અક્ષરકર્મી, સ્વાતંત્ર્યસૈનિક, શિક્ષણકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં લોકશાહી નવસંચારથી માંડીને સ્વાયત્ત અકાદમી-આંદોલનના અગ્રયાયી ઉમાશંકર જોશીના શતાબ્દી-વર્ષથી સ્મૃિતવ્યાખ્યાનનો જે એક સિલસિલો કવિની વ્યાપક સમાજનિસબત ફરતે ગંગોત્રી ટ્રસ્ટે શરૂ કર્યો છે, એ પરંપરામાં આ વખતનું વ્યાખ્યાન ‘હિંદુ’ના ગ્રામીણ તંત્રી રહી ચૂકેલા પી. સાઈનાથે ગઈ ૨૯-૧૨-૨૦૧૭ના રોજ અમદાવાદમાં એ.એમ.એ. ખાતે આપ્યું હતું. ઇન્દુકુમાર જાનીની અધ્યક્ષતામાં યોજાયેલ આ વ્યાખ્યાન પ્રસંગે નેવું નાબાદ નિરંજન ભગતની વિશેષ ઉપસ્થિતિમાં વક્તવ્યની માંડણી સાથે એકતાર એવું ખીચોખીચ સભાગૃહ આજના પડકારભર્યા માહોલમાં નાગરિક-નિસબતના સદ્‌ભાવસંકેત રૂપે આશ્વસ્તકારી એટલો જ આશાપ્રદ અવસર હતો. અહીં ‘ભૂમિપુત્ર’ના તંત્રી રજની દવેએ ઝીલેલી અક્ષરછબી પ્રસ્તુત છે.

ગંગોત્રી ટ્રસ્ટનાં સ્વાતિ જોશીએ મેગ્સેસે અને પી.યુ.સી.એલ. હ્યુમન રાઇટ્‌સ ઍવૉર્ડથી વિભૂષિત પી. સાઈનાથને આવકારવા સાથે ગૃહને એમનો પરિચય કરાવ્યો. તે પછી સભાના અધ્યક્ષ ઇન્દુકુમાર જાનીએ પ્રાસંગિક સંબોધનમાં શરદ જોશીને યાદ કરીને બે શબ્દો સંભાર્યા હતા. India અને ભારત. સાઈનાથ ભારત અંગેનું પત્રકારત્વ કરી રહ્યા છે. તેઓ વર્ષમાં ૩૦૦ દિવસ ભારતનાં ગામડાંઓમાં પત્રકારત્વ માટે વિતાવે છે. સાઈનાથ કહે છે, જ્યારે એક બાજુ ગામડાંઓમાં હજારો ખેડૂત આપઘાત કહી રહ્યા હતા, ત્યારે Lakme Fashion Week માટે ૫૧૨ જર્નલિસ્ટ્‌સ ખડેપગે ઊભા હતા અને પોતાના કૅમેરાની ઘોડી મૂકવાની જગ્યા માટે ઝઘડતા હતા. આ પત્રકારોને ગામડાંના સમાચાર-આપઘાતના સમાચારમાં કંઈ કવરેજ કરવા જેવું લાગતું ન હતું. મૉડેલનાં કપડાં કોટનનાં છે, તેની નોંધ લે છે, પરંતુ આ કોટન-કપાસ ઉગાડનાર ખેડૂતને તેનો ભાવ નથી મળતો તે તરફ પત્રકારોનું ધ્યાન નથી જતું. આજે ન્યુઝનો જમાનો નથી રહ્યો, એન્ટરટેઈનમેન્ટવાળું પત્રકારત્વ બની ગયું છે.

દેશનાં પાંચ રાજ્યોના સૌથી વધુ ગરીબ જિલ્લાઓમાં તેમણે એક લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો, જેમાં ૫૦૦૦ કિલોમીટર તો પગપાળા પ્રવાસ કર્યો. આ પ્રવાસમાંથી પુસ્તક તૈયાર થયું, ‘Everyday Loves a good Drought’, જે ૧૯૯૬માં પ્રગટ થયું હતું. આ પુસ્તક ખૂબ વખણાયું હતું.

પી. સાઈનાથ દલિતો અંગે એક પુસ્તક તૈયાર કરવા માગે છે, જેમાં ૧૫ રાજ્યોની વિગતોનો સમાવેશ કરવામાં આવશે. એક લાખ પચાસ હજાર કિલોમીટર વિસ્તારની વિગતો તેમણે ભેગી કરી છે. પાંચ રાજ્યોમાં જવાનું બાકી છે. આ પ્રોજેક્ટ પતાવવા પોતાના ગજવાના પૈસા વાપરવાનું ચાલુ કર્યું છે. છેલ્લાં ૩૦ વર્ષમાં વિવિધ રીપોર્ટિંગ માટે જે ફોટોગ્રાફ લીધા છે, તેમાંથી એક પ્રદર્શન તૈયાર કર્યું છે. નામ આપ્યું ‘Visible Work, Invisible Women : Women and Work In Rural India.’ આ પ્રદર્શન કારખાનાના દરવાજે, ગામડાંઓમાં બસ-રેલવે સ્ટેશન પાસે બતાવવામાં આવે છે. છ લાખ લોકોએ આ પ્રદર્શન જોયું છે.

પી. સાઈનાથના પત્રકારત્વનો આગવો મિજાજ છે. આજકાલ જે પત્રકારો-મીડિયાના માણસો એમ કહેતા ફરે છે કે લોકો જે માગે છે, તે અમે આપીએ છીએ. ત્યારે સાઈનાથ કહે છે, તેમના વતી કહેવાની સત્તા તમને ક્યારે આપી? દેશમાં ચારે બાજુ મીડિયામાં ઇન્ડિયા શાઇનિંગ છવાયેલું હતું, ત્યારે ભારતના ૬૦ કરોડ મતદાતાઓએ વર્ષ ૨૦૦૪-૦૫ની ચૂંટણીમાં જે પરિણામ દર્શાવ્યું, તે મીડિયાની નજરમાં જ આવ્યું ન હતું?

સાઈનાથ કહે છે, આજે મીડિયા ખુદ એક સ્થાપિત હિત ધરાવતો એકમ બની ગયું છે. કૉર્પોરેટ જગત તેને ચલાવે છે. આવા પ્રિન્ટમીડિયા કે વિઝ્‌યુઅલ મીડિયાને પત્રકારોની નહીં, CEO(ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર)ની જરૂર હોય છે. આમાં એડિટોરિયલ લખાણની શું સ્થિતિ થાય તે વિચારવાનું રહે!

સાઈનાથને અંગ્રેજી ભાષામાં બોલતા સાંભળવા એ એક લહાવો છે. તેઓ પાંચ ભાષા બોલી શકે છે. તેમણે હિંદી-અંગ્રેજી મિક્સ ભાષામાં વક્તવ્ય આપ્યું.

શરૂઆતમાં કહ્યું કે આપણે ત્યાં શબ્દ વપરાય છે નૅશનલ ન્યૂઝપેપર. તો શું બાકીનાં છાપાંને આપણે ઍન્ટિ-નૅશનલ કહીશું?

આ નૅશનલ છાપાં પોતાના પહેલા પાનામાં ગ્રામીણ જનતાના પ્રશ્નો માટે કેટલી જગ્યા ફાળવે છે? પાંચ વર્ષની એવરેજ તપાસતાં જવાબ મળે છે માત્ર ૦.૬૭ ટકા! આ દેશમાં ગામડાની જનસંખ્યા ૬૯ ટકા જેટલી છે. નૅશનલ છાપું ત્યારે ગણાય જેમાં સમગ્ર દેશનું ચિત્ર પ્રમાણસર ઝિલાતું હોય.

નવી દિલ્હીનું બાંધકામ આર્કિટેક Edwin Lutyensની દૃષ્ટિ પ્રમાણે કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો Lutyens’ Delhi શબ્દપ્રયોગ કરે છે. આ Lutyens Delhiનો શહેરો માટેનો પક્ષપાત જાણીતો છે. નોટબંધી વખતે પ્રજાની હાડમારી દર્શાવવા શહેરોમાં એ.ટી.એમ. પાસેની લાંબી લાઇનો ટીવીમાં બતાવવામાં આવતી હતી. ગામડાંની સ્થિતિનું કોણ કવરેજ કરે? ગામડાંમાંથી શહેરોમાં મજૂરીકામ માટે આવતા લોકોના હાથમાં પૈસા આવતા બંધ થતાં કફોડી સ્થિતિમાં મુકાયા હતા. તેમનું દર્દ કોણે ઉજાગર કર્યું?

છાપાંઓમાં ૬૦ ટકા કવરેજ દિલ્હી-મુંબઈને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. બોલીવુડ, દલાલ સ્ટ્રીટના સમાચારો વધુ આવે છે.

સાઈનાથ પ્રવચનોમાં દેશના ૮૩૩ મિલિયન લોકો, જે ગામડામાં રહે છે તેના અંગે વધુ ભાર મૂકતાં તેમની ભાષા અંગે વાત કરતા રહ્યા છે. આ લોકો ૭૮૦ ભાષા બોલે છે. તેમની પાસે ૮૬ લિપિ પણ છે. શહેરી લોકો આ જાણતા નથી. (આપણાં ગણેશ દેવીએ પણ આ દિશામાં ઘણું કામ કર્યું છે.) સાઈનાથ કહે છે, હું મુંબઈમાં રહું છું. મુંબઈમાં પચરંગી પ્રજા આવીને રહે છે. અહીં ૨૯ પ્રકારની ભાષા બોલવાવાળા રહે છે. દરેક ભાષામાં જુદાજુદા કલ્ચરની વાતો સમાયેલી હોય છે. આ બધાના માથે એકબે ભાષા થોપી દેતાં આ કલ્ચર અંગેની ઘણી વાતો ખતમ થઈ જશે. આપણે ભાષાની વિવિધતા પર ધ્યાન ન આપ્યું. આ વિવિધતાનો વૈભવ ખતમ થવાના આરે છે. ત્રિપુરામાં એક ભાષાના માત્ર સાત જાણકાર રહ્યા છે. આંદામાનમાં એક ભાષા બોલનાર માત્ર એક જ વ્યક્તિ બચી છે. તેના મૃત્યુ બાદ તે ભાષા સદાને માટે ભૂંસાઈ જશે. ઓરિસ્સામાં કાલાહાંડી-કોરાપુટ વિસ્તારમાં Minral Transport માટે ૨૮૦ કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. રોડની આજુબાજુ ગ્રામહાટ ભરાય છે. આ બજારમાં આવનારા લોકો ૧૬ ભાષામાં પોતાની વાત રજૂ કરતા હોય છે. એકબીજાની ભાષા ન જાણવાવાળા વચ્ચે વિશ્વાસ આધારિત ખરીદ-વેચાણ ચાલે છે.

સાઈનાથ કહે છે, દેશમાં છેલ્લાં ૨૫ વર્ષમાં આર્થિક અસમાનતા ખૂબ જ વધી ગઈ છે. જોવાની વાત એ છે કે દેશમાં સુનામી જેવી કુદરતી આફત આવે, ત્યારે શૅર બજારમાં સેન્સેક્સ ઊંચો જાય છે. આ દેશમાં કેટલાક લોકોનો ધંધો-નફો ઘણા બધા લોકોની ગરીબી, મજબૂરી પર આધારિત છે. તેમણે Global Wealth Data રિપોર્ટમાંથી કેટલીક વાતો કહી હતી. આ રિપોર્ટમાંની કેટલીક વિગતોમાં જણાવ્યા પ્રમાણે દેશના ગરીબ એવા ૩૦ ટકા લોકો પાસે દેશની માત્ર ૧.૪ ટકા સંપત્તિ છે. (દેશની સ્થિતિ સમજવા પિરામિડની કલ્પના કરવામાં આવે છે, જેના પાયામાં અસંખ્ય ગરીબ લોકો છે. પિરામિડની ટોચ પર અબજોપતિ છે. બિલિયોનેર છે.) ટોચના ૧ ટકા લોકો પાસે ૪૯ ટકા સંપત્તિ છે. પાંચ ટકા પાસે ૬૫.૫ ટકા અને ટોચના ૧૦ ટકા લોકો પાસે ૭૪ ટકા સંપત્તિ છે. વર્ષ ૨૦૦૦માં નવ બિલિયોનેર હતા, તે ૨૦૧૭માં ૧૦૧ બિલીયોનર થઈ ગયા છે. બીજી બાજુ વિશ્વના Human Development Indexમાં ૧૮૮ દેશોની યાદીમાં ભારતનું સ્થાન ૧૩૧માં સ્થાને છે. (India Slips in Human Development Index)

આર્થિક અસમાનતા દર્શાવવા માટે Gini Coefficient આંક દર્શાવવામાં આવે છે, જે ૦-૧૦૦માં હોય છે. ૦ સંપૂર્ણ સમાનતા, ૧૦૦ સંપૂર્ણ અસમાનતા, ભારતમાં આ આંક ૫૧.૪ ટકા છે. આ વાતની પણ આપણે અહીં નોંધ લેવા જેવી છે – કોઈ સોસાયટી આવી આર્થિક અસમાનતામાં ટકી ન શકે, સમાજ તૂટી પડવા તરફ જાય, તેમ સાઈનાથ ભાર મૂકીને કહે છે.

સાઈનાથે આ વિષયની માંડણી કરતાં ગુજરાતના ચીફ સેક્રેટરી જે.એન. સિંગની વાત મૂકી હતી. ગુજરાતમાં છેલ્લે થયેલી વિધાનસભાના ચૂંટણીમાં BJPની સીટો ૧૧૫માંથી ઘટીને ૯૯ થઈ તેનાં કારણો અંગે જણાવતાં બે મુદ્દા જણાવ્યાઃ (1) Farmer Distress (2) Lack of Employment among youth. આ કારણોસર લોકોનો ગુસ્સો પ્રગટ થયો અને તેથી Voting against Ruling Partyની સ્થિતિ સર્જાઈ હતી.

મહારાષ્ટ્રમાં ખેડૂતોના આપઘાતના પ્રશ્ને ૩૦ જેટલા કમિશન-રિપોર્ટ તૈયાર થયા હશે. કદાચ સરકાર પોતાને અનુકૂળ આવે તેવા રિપોર્ટની રાહ જોતી હશે! ૨૦ વર્ષમાં મહારાષ્ટ્રમાં ૬૫,૦૦૦ ખેડૂતોએ અને સમગ્ર દેશમાં વર્ષ ૧૯૯૫થી ૨૦૧૪ સુધીમાં ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. સાઈનાથ ખેડૂતોની આત્મહત્યા અંગે સતત લખતા રહે છે. સરકારને આ ખૂંચે છે. ખેડૂતો મરે તે ખૂંચવાની જગ્યાએ આ લખાણો ખૂંચે છે! ડૉ. જાદવ કમિશને સાઈનાથ અંગે આઠ પાનાંની નોંધ મૂકી છે. કેટલાક લોકો કહે છે, ખેડૂત દારૂ પીએ છે. (બેવડો છે) માટે મરે છે. આ વાત ધ્યાનમાં લઈએ તો અન્ય ક્ષેત્રોમાં પણ ઘણાં મોત થવાં જોઈએ. (મજાકમાં કહ્યું – આમ હોય તો કાઈ જર્નલિસ્ટ બચ્યા ન હોત!) પ્રશ્નોત્તરી સમયે સાઈનાથે જણાવ્યું, મહારાષ્ટ્રના એક વખતના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખે તો ત્યાં સુધી કહી નાંખ્યું હતું ‘અમારો આભાર માનો કે અમે ખેડૂતો પર કેસ નથી કર્યા. કારણ કે આપઘાત એ ગુનો છે.’ આ વાત હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રગટ થઈ હતી.’

સાઈનાથે ખેતી અંગેના એમ.એમ. સ્વામીનાથના વડપણ તળે બનેલ નૅશનલ કમિશન ઑન ફાર્મરના રિપોર્ટ અંગે વાત કરી હતી. વર્ષ ૨૦૦૬માં સંપૂર્ણ રિપોર્ટ પ્રગટ થઈ ગયો હતો. આમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સરકારે મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ટેકાના ભાવ ખેત- પેદાશ ઉત્પન્ન કરવામાં થયેલ કુલ ખર્ચમાં ૫૦ ટકાનો વધારો ઉમેરીને જાહેર કરવા જોઈએ. આ વાત ભારતીય જનતા પક્ષે તેના ચૂંટણીઢંઢેરામાં પણ મૂકી હતી. પક્ષ સત્તા પર આવ્યો, ત્યાર પછી તેણે પલટી મારી. સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ આપીને જણાવ્યું કે સરકાર આ પ્રમાણેની ગણતરી પ્રમાણે ભાવ નહીં આપી શકે. સરકાર અનાજની મોટા પાયે ખરીદી કરતી હોય છે. સાઈનાથે કહ્યું, સરકાર પાસે ‘નેનો’ને ફાળવવા માટે પૈસા છે, પરંતુ ખેડૂતો માટે નથી. લોકોએ નેનો કારને અપનાવી નથી માટે તેનું નામ No-No રાખવા જેવું છે! સરકારી બૅંકો મર્સિડીસ કાર ખરીદવા છ ટકા વ્યાજે પૈસા આપે છે, જ્યારે ટ્રૅક્ટર માટે ૧૬ ટકા વ્યાજે લોન આપે છે.

પીપલ્સ આર્કાઇવલ ઑફ રૂરલ ઇન્ડિયા(પારી)એ પી. સાઈનાથનો એક મસમોટો ખજાનો છે. આમાં સાઈનાથની ફોટોજર્નલિસ્ટ તરીકેની સૂઝબૂજનાં દર્શન થાય છે. પ્રવચન દરમિયાન આમાંના કેટલાક ફોટોગ્રાફ દર્શાવ્યા. આજના કૉમ્પ્યૂટર અને ગુગલયુગમાં આવું પત્રકારત્વ એક સફળ સાધન બની શકે છે. આમાં સાઈનાથની એક વિશિષ્ટ દૃષ્ટિએ માણી શકાય છે. દેશમાં કલ્ચરની વિવિધતા, એકએક વ્યક્તિનું આગવું વ્યક્તિત્વ, ભાષાની – બોલીની પ્રચુરતા, દેશના ખૂણે-ખૂણે વસતા લોકોની વિશેષતા, આત્મવિશ્વાસ, દેશભક્તિ, સઘળું આમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આઝાદી વખતના યુવાનોમાં આજે ૯૦-૯૫ વર્ષની ઉંમરે પણ દેશ માટેનો પ્રેમ કેવો ધબકી રહ્યો છે, તે વાત વિવિધ ઇન્ટરવ્યૂઝ દ્વારા દર્શાવામાં આવી હતી. અંગ્રેજ સરકાર ભારતને લૂંટતી હતી. તે વખતે સરકારનો ખજાનો લૂંટીને ભૂખ્યા ખેડૂતોને-ગ્રામજનોને પહોંચાડનારા કૅપ્ટન આજે જ્યારે વર્તમાન સરકાર લોકોને લૂંટીને પૈસા બૅંકમાં જમા કરીને માલેતૂજાર ઉદ્યોગપતિઓને આપે છે, ત્યારે દુઃખી છે. સવારના પહોરમાં ઘંટી ચલાવતા-ચલાવતા બાબાસાહેબ આંબેડકરનાં ગીતો ગાતી, બંધારણની રચનાની વાતોને ગીતોમાં સમાવતી બહેનોની વાત તેમણે રજૂ કરી હતી. દક્ષિણ કોરિયાની પોસ્કો કંપની સામે લડનાર આદિવાસી લોકો ગીતો દ્વારા લડતનો ટેમ્પો કેવો જાળવી રાખે છે, તે દર્શાવ્યું. Book of Bandipurની વાત રજૂ કરતાં ૩૫ વર્ષની બહેનની સૂઝબૂજ અને હોશિયારીની વાત કરતાં તેમણે કહ્યું, જયમ્મા બાંદીપુર નૅશનલ પાર્કમાં ફોટોગ્રાફ દ્વારા તે એકદમ નજીકથી દીપડાનો ફોટો લે છે અને તેનાં બાળકો જે રસ્તે ભણવા જાય છે, ત્યાં વાઘનાં પગલાંનાં નિશાન ‘Tiger Pug Markનો સુંદર ફોટોગ્રાફ લે છે. સાઈનાથે માત્ર તેને કૅમેરો કેવી રીતે ક્લિક કરવો તે જ શીખવ્યું હતું. આવા ફોટોગ્રાફ દ્વારા તે પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે. વિવિધ રાજ્યની સરકારો પણ સાઈનાથને આવી તાલીમ આપવા આજે આમંત્રણ આપે છે.

આજે ગામડાંની સ્થિતિ, ત્યાંના કારીગરોની સ્થિતિ દયનીય છે. સરકારે તો જાણે તેની ભાષા, તેની વિવિધતા, તેની કલાકારીગરીની આવડતને અવગણીને તેને ખતમ થવા તરફ ધકેલ્યું છે. ‘Skill India’ આ વાત સમજી શકે તેમ નથી. માત્રા કારખાનાં-ઉદ્યોગ કે કૉર્પોરેટ-જગતના વિકાસ માટેની સ્કિલ માટેનો ખ્યાલ કરે છે. લાકડાની હોડી-બોટ બનાવનારાનું કામ સાથેનું સંગીત અનોખું હોય છે. ભારતના શ્રમજીવી લોકોના જીવનમાં સંગીત વણાયેલું હોય છે.

આ બધાનો ધબકાર સાઈનાથના પત્રકારત્વમાં ઝિલાયો છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2018; પૃ. 10-11 

Loading

20 January 2018 admin
← મહિલાઓ માટે જાહેર પેશાબઘરોનો અભાવ એટલે નારીગૌરવના આપણા દંભનો સાફ પુરાવો
મારું આકાશ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved