Opinion Magazine
Number of visits: 9449388
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પંડિત પત્રકાર વિશેનો સ્મૃિતગ્રંથ

દીપક મહેતા|Opinion - Literature|15 January 2018

અભ્યાસ

[અરુણ ટિકેકર. – સંપાદક: શુભદા ચૌકર, શ્રીકાંત બોજેવાર, સુહાસ ગાંગલ. – પદ્મગંધા પ્રકાશન, મુંબઈ. ૧ – આવૃત્તિ, ૨૦૧૭. – ૧૯૦ પાનાં, સચિત્ર. – રૂ.૪૫૦]

રોકડા બે શબ્દમાં ઓળખાણ આપવી હોય તો ડો. અરુણ ટિકેકર એટલે પંડિત પત્રકાર. પણ એનો અર્થ પંડિત અને પત્રકાર એટલો જ નહિ, પણ પંડિત છતાં પત્રકાર, અને પત્રકાર છતાં પંડિત એવો પણ ખરો. આ બંને બેધારી તલવારને તેમણે સફળતાથી એક મ્યાનમાં રાખી જાણી.

૧૯૪૪ના ફેબ્રુઆરીની પહેલી તારીખે જન્મ. એક રાતની ટૂંકી માંદગી પછી ૨૦૧૬ના જાન્યુઆરીની ૧૯મી તારીખે અણધાર્યું અવસાન. કુલ ૪૦ પુસ્તકો. તેમાંનાં ૧૫ અંગ્રેજી, બાકીનાં મરાઠી. તેમની સ્મૃિતમાં આ વર્ષના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે મોટા કદનાં ૧૯૦ પાનાંનો ગ્રંથ પ્રગટ થયો. સીધું સાદું નામ: ‘અરુણ ટિકેકર’.

ટિકેકર હાડોહાડ ક્રિયાપદના માણસ હતા, વિશેષણોના નહિ. એટલે તેમની સ્મૃિતમાં પ્રગટ થયેલા ગ્રંથને આવું વિશેષણ-વિરહિત નામ જ શોભે. છેલ્લાં ઘણાં વર્ષોથી તેમણે કમ્પ્યુટર સાથે ઘરોબો કેળવ્યો હતો, છતાં લખવા માટે તો ફાઉન્ટન પેન જ વાપરતા – બોલપેન પણ નહિ જ. પુસ્તકના કવર પર સફેદ પછીત પર તેમની સહી સાથે બસ, તેમની એક ફાઉન્ટન પેન મૂકી છે, બીજું કશું નહિ. ટિકેકર અગ્રણી મરાઠી દૈનિક ‘લોકસત્તા’ના ૧૧ વર્ષ સુધી તંત્રી હતા ત્યારે બહુ કડક રીતે એક નિયમ સ્વેચ્છાએ પાળેલો: કોઈ પણ સંજોગોમાં તેમનો ફોટો ‘લોકસત્તા’માં છપાવો ન જ જોઈએ. આ પુસ્તકમાં છેક છેલ્લે માત્ર એક જ ફોટો છાપ્યો છે. બીજે બધે લેખો સાથે દત્તાત્રેય પાડેકરે કરેલાં ટિકેકરનાં  સુરેખ રેખાંકનો મૂક્યાં છે. સાદગીની સમૃદ્ધિ ધરાવતા આ પુસ્તકનાં મુખપૃષ્ઠ, સજાવટ, માંડણી, અને સુલેખન પણ તેમનાં જ છે. ટિકેકર સાત ગળણે ગાળ્યા પછી કોઈ કામ હાથમાં લેતા. પણ એક વાર હાથમાં લે પછી આદુ ખાઈને તેની પાછળ મંડી પડતા. શુભદા ચૌકર, શ્રીકાંત બોજેવાર, અને સુહાસ ગાંગલ પણ એ જ રીતે આ પુસ્તક તૈયાર કરવા આદુ ખાઈને મંડી પડ્યા હશે. નહિતર આટલા ટૂંકા સમયગાળામાં આવું પુસ્તક આવી સુભગ રીતે તૈયાર થાય નહિ.

પુસ્તકમાં કુલ ૪૧ લેખ છે, જેમાંના ચાર અંગ્રેજીમાં છે. બાકીના મરાઠીમાં. મરાઠીમાં લખનારા લેખકોનાં નામ જોતાં જ થાય કે કેટલા જુદા જુદા ક્ષેત્રના માણસોએ અહીં ઉમળકાપૂર્વક, આત્મીયતાથી ટિકેકર વિષે લખ્યું છે. અહીં રામદાસ ભટકળ, આનંદ લિમયે, અરુણ જાખડે, પ્રદીપ ચંપાનેરકર, જેવા પ્રકાશકોએ લખ્યું છે તો કુમાર કેતકર, દિનકર ગાંગલ, સદા ડુંબરે, હેમંત કુલકર્ણી, પ્રશાંત દીક્ષિત, જેવા અગ્રણી પત્રકારોએ પણ લખ્યું છે. અહીં મોનિકા ગજેન્દ્રગડકર, મીના વૈશંપાયન, સુધીર ગાડગીળ, મુકુન્દ ટાકસાળે, જેવાં લેખક-લેખિકાના લેખો છે. આ પુસ્તક માટે લખનારાઓમાં ન્યાયાધીશ, ઉદ્યોગપતિ, ચિત્રકાર, સંગીતકાર, અખબાર-વિતરક, વ્યવસ્થાપક, કમ્પ્યુટર નિષ્ણાત, વગેરેનો પણ સમાવેશ થાય છે.

પહેલા તેર લેખોમાં મુખ્યત્વે અંગત અનુભવોની અને ટિકેકરના સ્વભાવ-વૈવિધ્યની વાત થઈ છે. તે પછીના છ લેખો વાંચતાં અભ્યાસી અને સંશોધક ટિકેકરનો પરિચય થાય છે. કારકિર્દીની દૃષ્ટિએ ‘લોકસત્તા’ના તંત્રી તરીકેનાં ૧૧ વર્ષ એ તેમનો સુવર્ણકાળ હતો. એ વખતના તેમના ૧૩ જેટલા સાથીઓએ સંપાદક અને પત્રકાર ટિકેકરનાં સૂઝ, નિષ્ઠા, દૂરદર્શિતા, જાતે પરસેવો પાડવાની અને બીજા પાસે પરિશ્રમ કરાવવાની ટેવ, નિર્ભયતા, વગેરે વિષે ઉમળકાપૂર્વક લખ્યું છે. ટિકેકર ‘લોકસત્તા’ના તંત્રી હતા એ વખતે મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. પણ તેમનાં અમુક વિચાર, વાણી અને વર્તનની ટિકેકરે પોતાના અખબારમાં આકરી ટીકા કરી હતી. બાળાસાહેબ છંછેડાય નહિ તો જ નવાઈ. ‘તારે માથે જાનનું જોખમ છે’ એવી ધમકી ટિકેકરને મળી. અનિચ્છાએ પોલિસ પ્રોટેક્શન સ્વીકારવું પડ્યું. પણ જે માનતા હતા તે લખવાનું બંધ ન જ કર્યું. તો ક્યારેક પોતાની ભૂલ થઈ હોય તો જાહેરમાં તેનો એકરાર કરતાં ટિકેકર અચકાતા નહીં.

તંત્રી તરીકે તેમણે કેટલાયે બિન-લેખકોને લખતા કર્યા હતા. વધુમાં વધુ કલમોનો લાભ વાચકોને મળે એવા આશયથી કોઈ પણ કોલમ – પોતાની સુદ્ધાં – એક વર્ષ કરતાં વધુ સમય ચલાવતા નહિ. દર વર્ષે જાન્યુઆરીમાં બધી જૂની કોલમ બંધ થાય અને નવી શરૂ થાય. ક્યારેક અધવચ્ચે કોઈ નવી કોલમ શરૂ કરવાની જરૂર લાગે તો તેને માટે જગ્યા કરવા પોતાની કોલમ બંધ કરી દે. મુંબઈ સિવાયનાં શહેરોમાં અને ગામોમાં ‘લોકસત્તા’ પહોંચતું અને વંચાતું થાય એ માટે તેમણે પુષ્કળ પ્રવાસો કર્યા. સભાઓ ભરી વાચકોના અભિપ્રાયો, અપેક્ષાઓ જાણ્યાં. જુદા જુદા વિસ્તારો માટેની ખાસ પૂરવણીઓ શરૂ કરી. એક વાર તેમણે જાતે એક જાહેર ખબર તૈયાર કરીને લાગતા વળગતા વિભાગને મોકલી અને સૂચના આપી કે આ જાહેર ખબર આવતી કાલે પહેલા પાના પર છપાવી જોઈએ. એ જાહેરાતમાં માધુરી દીક્ષિત અને શરદ પવારના ફોટા હતા અને નીચે લખ્યું હતું: ‘આ બંને વચ્ચે શું સરખાપણું છે? જવાબ આવતી કાલે.’ બીજે દિવસે બીજી જાહેર ખબર. તેમાં ફરી એ જ બંનેના ફોટા. નીચે લખ્યું હતું: ‘આ બંને રોજ નિયમિત રીતે ‘લોકસત્તા’ વાંચે છે’. થોડા દિવસ પહેલાં એ બન્નેએ અલગ અલગ મુલાકાતોમાં એ પ્રમાણે કહ્યું હતું તેનો લાભ લેવાનું સરકયુલેશન વિભાગને ન સૂઝ્યું, પણ તંત્રીને સૂઝ્યું!

તંત્રી તરીકે અત્યંત સફળ થયા, પણ ટીકેકર ખરા ખીલ્યા અને ખુલ્યા તે તો અભ્યાસ, સંશોધન, વિવેચનને ક્ષેત્રે. જ્યાંથી મળે ત્યાંથી ‘દુર્મિળ’ (રેર) પુસ્તકો એકઠાં કરવા પાછળ અડધી જિંદગી અને અડધા કરતાં વધારે આવક ખર્ચી નાખી. જો કે તેમાંનો મોટો ભાગ થોડાં વર્ષો પહેલાં મુંબઈ યુનિવર્સિટીને બિનશરતી દાનમાં આપી દીધો. ઓગણીસમી સદીનો મુંબઈ ઇલાકો એ એમના અભ્યાસ અને રસનો ખાસ વિષય. આજના ભગવા વાતાવરણ સાથે બંધબેસતો ન થાય એવો અને એટલો અંગ્રેજો અને તેમણે કરેલાં કામો માટે અભ્યાસપ્રેરિત આદર. અંગ્રેજ અમલદારો, પાદરીઓ, વગેરેએ મુંબઈ ઈલાકાનાં સમાજ, સંસ્કૃિત, શિક્ષણ, ભાષા, સાહિત્યને ઘડવામાં જે ફાળો આપ્યો તેનો દૃષ્ટિપૂર્વકનો અભ્યાસ. ઝીણામાં ઝીણી વિગત ચોકસાઈથી તપાસીને પછી જ લખવાનો આગ્રહ. રોજિંદા જીવનની નાની નાની વિગતો પણ સમાજમાં આવતા પરિવર્તનની કઈ રીતે દ્યોતક હોય છે તે તેમણે ‘જન-મન’ જેવા વિલક્ષણ, વિચક્ષણ અને સચિત્ર પુસ્તક દ્વારા બતાવ્યું. મુંબઈ યુનિવર્સિટીનો વિસ્તૃત, સંશોધનમૂલક, છતાં અત્યંત સુવાચ્ય એવો ઇતિહાસ અંગ્રેજી અને મરાઠી બંને ભાષામાં લખ્યો. ઓગણીસમી સદીનાં લેખકો, પુસ્તકો, સંસ્થાઓ, સામયિકો, અખબારો, પ્રવૃત્તિઓ વિષે સતત લખતા રહ્યા. એટલું જ નહિ, બીજાઓને પણ ઓગણીસમી સદીનો અભ્યાસ કરવા પ્રેરતા રહ્યા અને જરૂર પડ્યે મદદ કરતા રહ્યા. પુસ્તકના છ લેખોમાં તેમના આ ક્ષેત્રના કામ વિષે વિગતે વાત થઇ છે.

ટિકેકરમાં રહેલા સંશોધક-અભ્યાસી અને પત્રકાર એકબીજાને માટે સતત પરસ્પર પૂરક બની રહ્યા. અભ્યાસને કારણે તેમનું પત્રકારત્વ ઉપરછલ્લું કે કેવળ સમસામયિક ન બની રહેતાં ઊંડું, ઠરેલ અને ગંભીર બની રહ્યું. તેમના આ પ્રકારના લેખો ‘તારતમ્ય’ના પાંચ ભાગમાં એકઠા થયા. આધાર વગર કશું લખાય જ નહિ એ શિસ્ત તેમણે પત્રકારત્ત્વમાં પણ પાળી અને બીજા પાસે પળાવી. તો બીજી બાજુ, તેમનામાં રહેલા પત્રકારને કારણે અભ્યાસ લેખો શુષ્ક, ભારેખમ, અટપટા, ક્યારે ય ન બન્યા, પણ સુવાચ્ય અને સુખવાચ્ય બની રહ્યા. તેમના સંશોધન, અભ્યાસ કે વિવેચનના લેખોમાં પણ ફૂટ નોટ, એન્ડ નોટ, સંદર્ભસૂચિ, વગેરેના ઠઠારાનો ભાર ભાગ્યે જ જોવા મળે. એ બધું ન હોય એમ નહિ, પણ બને ત્યાં સુધી તેને સળંગ લખાણમાં જ અસ્તર રૂપે મૂકવાની ટેવ અને ફાવટ. એ માટે એમનામાં રહેલો સજાગ પત્રકાર જવાબદાર. મોટા ભાગના વાચકોને જેમાં ગતાગમ ન પડે તે જ ઊંચા માયલું વિવેચન એમ માનનારાઓમાંના એક તેઓ નહોતા.

એક જ વ્યક્તિ વિષે એકતાલીસ વ્યક્તિ જ્યારે લખે ત્યારે માહિતી, વિગતો, સ્વભાવ કે વર્તનની ખાસિયતો, વગેરે વિષે કેટલુંક પુનરાવર્તન થાય તે સ્વાભાવિક છે. પણ જેમણે અહીં લખ્યું છે તેમણે સાચા ઉમળકા અને આદર સાથે લખ્યું છે. જન્મભૂમિ સોલાપૂર અને ત્યાંની નિશાળ, કોલેજ, તેમાંના શિક્ષકો પ્રત્યેનો છેવટ સુધી રહેલો આદર અને ઉમળકો, શાસ્ત્રીય સંગીત અને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાનો શોખ, ક્રિકેટ માટેની લગન, અમુક અંશે નાકમાંથી બોલવાની ટેવ, વગેરે વિષે એક કરતાં વધુ લેખોમાં લખાયું છે. તો તેમનાં ટીખળ અને રમૂજના દાખલા પણ ઘણાએ નોંધ્યા છે. ‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’માં કામ કરતા હતા ત્યારે ટિકેકર તેના તંત્રી ગોવિંદ તળવળકરનો જમણો હાથ હતા અને તેમના ઉત્તરાધિકારી મનાતા હતા. પણ પછી કોઈક કારણસર બંને વચ્ચે બોલવાનો વ્યવહાર પણ રહ્યો નહિ અને ટિકેકર મહારાષ્ટ્ર ટાઈમ્સ છોડી ‘લોકસત્તા’માં ગયા. પણ આ આખી ઘટના અંગેનો ખુલાસો ભાગ્યે જ કોઈ લેખમાં જોવા મળે છે. જો કે આજે લગભગ ૯૦ વર્ષની ઉંમરે તળવળકર આપણી વચ્ચે છે એટલે એમ થયું હોય.

પુસ્તકમાંનો લગભગ દરેક લેખ ટિકેકરના કોઈ ને કોઈ પાસાને ઉજાગર કરે છે. પણ એ બધામાંથી જો કોઈ એક જ લેખ પસંદ કરવાનો હોય તો? કશી અવઢવ વગર તેમનાં વિદૂષી પત્ની ડો. મનીષા ટિકેકરે અત્યંત સંયમપૂર્વક, લાગણીવેડાથી સદંતર દૂર રહીને લખેલો, પણ ટિકેકરનો લગભગ સર્વાંગીણ અને  અંતરંગ  પરિચય આપતો લેખ પસંદ કરું. એક વ્યક્તિ, એક પતિ, એક પુત્ર, એક પિતા, એક દાદા તરીકે ટિકેકરને અહીં આપણે ઓળખી શકીએ છીએ. તો તેમનાં વિશાળ મિત્રવર્તુળ, સહકાર્યકરો, આદરણીય મુરબ્બીઓ, વગેરે વિષે પણ સાચકલી ઉષ્માથી વાત થઈ છે. લેખક, સંશોધક, અભ્યાસી, વિવેચક, પત્રકાર, ગ્રંથપ્રેમી, એમ ટિકેકરનાં જીવન અને વ્યક્તિત્વનાં લગભગ બધાં પાસાંને તેમણે સ્પર્શ કર્યો છે. કેટલીક વાતો તો એવી છે કે જે બીજું કોઈ લખી ન શકે. પૌત્ર યશ થોડો મોટો થયો તે પછી ટિકેકર તેને ફરવા લઈ જતા. ક્યાં? સ્ટ્રેન્ડ બુક સ્ટોલ કે ‘કિતાબખાના’ જેવી પુસ્તકોની દુકાનોમાં! તો બીજી બાજુ પૌત્રને કંપની આપવા  ખાતર તેની સાથે બેસીને રોજ રાતે ટીવી પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સિરિયલ જોતા. લખવા બેસે ત્યારે બાજુમાં ચંદનની અગરબત્તી કે ધૂપ જલાવવાની અને ખારી શીંગ અને ચેવડાની રકાબીઓ રાખવાની ટેવ. અને સિગારેટનો સાથ તો હોય જ! લેખનાં છેલ્લાં વાક્યોમાંથી દાબી રાખેલું ડૂસકું સંભળાયા વગર ન રહે: “હું બહાર જાઉં છું, નાટક-સિનેમા જોઉં છું, રોજિંદુ જીવન ચાલુ જ છે. યશની સોબત પણ છે. પણ એ પણ બરાબર જાણું છું કે Life will not be the same again!

XXX XXX XXX

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Loading

15 January 2018 admin
← પ્રણયપ્રશ્ન
Carillion — →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved