Opinion Magazine
Number of visits: 9448851
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઐતિહાસિક કૉંગ્રેસ રાહુલના હવાલે

હરિ દેસાઈ|Opinion - Opinion|14 December 2017

ગાંધીજી અને સરદાર એક એક વાર જ કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા, છતાં કૉંગ્રેસ પર બંનેનો આજીવન પ્રભાવ રહ્યો

કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના અધ્યક્ષ અને સાંસદ મુલ્લાપલ્લી રામચંદ્રને સોમવાર, 11 ડિસેમ્બર 2017ના રોજ વર્ષ 2017ની અધ્યક્ષપદ માટેની ચૂંટણીના એકમેવ ઉમેદવાર રાહુલ રાજીવ ફિરોઝ ફરદૂન ગાંધીના ટેકામાં પ્રાપ્ત તમામ 89 ઉમેદવારીપત્રો માન્ય ઠર્યાં હોવાથી રાહુલને કૉંગ્રેસના અધ્યક્ષ જાહેર કર્યા. રાહુલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના પ્રચારમાં વ્યસ્ત હતા ત્યારે જ આ વાવડ આવ્યા.

ભાજપના સુપરસ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીએ પણ ચૂંટણીપ્રચારની વ્યસ્તતાની વચ્ચે રાહુલને અભિનંદન પાઠવવાનો વિવેક દાખવ્યો, એ આક્ષેપ-પ્રતિઆક્ષેપથી કલુષિત થયેલા વાતાવરણમાં ‘રણમાં મીઠી વીરડી’ સમાન અનુભવાયું. વર્ષ 1885માં મુંબઈમાં સ્થપાયેલી કૉંગ્રેસના અધ્યક્ષપદે અનેક મહારથીઓ આવ્યા અને રાહુલ એ શ્રેણીમાં ફરી યુવા અને ભણેલાગણેલા (કૅમ્બ્રિજ યુનિવર્સિટીના એમ.ફિલ.) 90મા અધ્યક્ષ વરાયા છે. છેલ્લાં ઓગણીસ વર્ષથી શ્રીમતી સોનિયા રાજીવ ગાંધી એના અધ્યક્ષપદે રહ્યાં.

કૉંગ્રેસના ઇતિહાસમાં કેટલાક નેતાઓ એકથી વધુ મુદત માટે અધ્યક્ષ રહ્યા, જ્યારે કેટલાકને અધ્યક્ષપદ માટેની તક આવી, પણ એમણે નકારી અથવા તેઓ જેલમાં હતા અથવા મૃત્યુને ભેટ્યા હતા. એમાં લોકમાન્ય ટિળક, મહર્ષિ અરવિંદ અને ‘સરહદના ગાંધી’ ખાન અબ્દુલ ગફારખાનનો સમાવેશ કરી શકાય. આઝાદી પહેલાં કૉંગ્રેસના અનેક અધ્યક્ષો વિદેશી રહ્યા છે.

દા.ત. જ્યોર્જ યુલ, આલ્ફ્રેડ વેબ, સર હેન્રી કોટન, સર વિલિયમ વેડરબર્ન, ડૉ. એની બેસન્ટ, શ્રીમતી નેલી સેનગુપ્તા વગેરે. બહુ ઓછાને જાણ હશે કે મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માગણી કરીને પાકિસ્તાન મેળવનારા મોહમ્મદ અલી ઝીણાએ (સૌરાષ્ટ્રના મોટી પાનેલીના પૂંજાભાઈ વાલજી ઠક્કરના પૌત્રે), ક્યારેક નામદાર આગા ખાન અને ઢાકા નવાબના ટેકે તથા અંગ્રેજ વાઇસરોયના આશીર્વાદથી, 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ત્યારે તેનો વિરોધ કરીને એ ઘટનાક્રમને દેશને તોડવાની  અંગ્રેજોની કુટિલ ચાલ ગણાવી હતી. એ વેળા એ કૉંગ્રેસના નેતા હતા. છેક 1916માં લખનઉમાં હિંદુ-મુસ્લિમ કરાર થયા ત્યારે લોકમાન્ય ટિળક થકી ઝીણાને હિંદુ-મુસ્લિમ એકતાના મસીહા ગણાવાયા હતા. આઝાદી પછી નેહરુ-ગાંધી પરિવાર સિવાયના પણ ઘણા કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા. અત્યારે કૉંગ્રેસમુક્ત ભારતની આહલેક જગવનાર ભારતીય જનતા પક્ષના બંને આરાધ્યપુરુષ ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી પણ કૉંગ્રેસના નેતા રહ્યા છે.

રાહુલનાં કાકી અને મોદી સરકારનાં મંત્રી મેનકા ગાંધીને પોતાના ભાજપી સાંસદ-પુત્ર ફિરોઝ વરુણ ગાંધી (એમનું સત્તાવાર નામ) પિતરાઈ રાહુલનાં વખાણ કરે એ ગમતું નથી. રાહુલ અધ્યક્ષ થયા ત્યારે પણ એમને કૉંગ્રેસ હવે વ્યક્તિલક્ષી પક્ષ થયો હોવાનું અને વંશવાદને પોષક ગણાવ્યો છે. કમનસીબે તેઓ પોતે પણ વંશવાદના પ્રતાપે જ રાજકારણમાં છે એ વાતને વીસરી જાય છે. શ્રીમતી મેનકા ગાંધી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના દોહિત્ર અને 1975-77ની બ્લેક ઇમર્જન્સીના ખલનાયક એવા  સ્વ. કૉંગ્રેસી સાંસદ સંજય ગાંધીનાં પત્ની છે.

વર્ષ 1920માં નાગપુરમાં કૉંગ્રેસનું ખાસ અધિવેશન મળવાનું હતું ત્યાર પહેલાં કૉંગ્રેસના એ વેળાના મધ્ય પ્રાંતના નેતા ડૉ. બી.આર. મુંજેના નેતૃત્વમાં લોકમાન્ય ટિળકને અધ્યક્ષ બનાવીને મહાત્મા ગાંધીના પ્રભાવને ખાળવાના પ્રયાસ થયા હતા. કમનસીબે 1 ઓગસ્ટ 1920ના રોજ લોકમાન્યનું નિધન થયું. જો કે નાગપુરના યજમાનોએ વિકલ્પની શોધ ચાલુ રાખી અને એમની નજર ક્યારેક કૉંગ્રેસના ક્રાંતિકારી નેતા રહેલા અરવિંદ ઘોષ (મહર્ષિ અરવિંદ) પર ઠરી. ડૉ. મુંજે નાગપુર કૉંગ્રેસના સંયુક્ત મંત્રી તથા સ્વાગત સમિતિના 51મા ક્રમના સભ્ય ડૉ. હેડગેવારને લઈને પાૅંડિચેરી ગયા હતા.

1910થી અરવિંદ અધ્યાત્મને માર્ગે વળેલા હતા. ચાર દિવસ સુધી એમને સમજાવવાનો પ્રયાસ ડૉ. મુંજે અને ડૉ. હેડગેવારે કર્યો, પરંતુ મહર્ષિ એકના બે ન જ થયા. એમણે કૉંગ્રેસના અધ્યક્ષ થવાનો સાફ ઇનકાર કરતાં પોતે અધ્યાત્મને માર્ગે વળી ગયાની વાત ડૉ. મુંજેને કહી. એટલું જ નહીં, તેમણે પાછળથી તાર પાઠવીને ય નન્નો ભણી દીધો. આવા સંજોગોમાં નાછૂટકે વિજય રાઘવાચાર્યને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

આ જ અધિવેશનમાં બેરિસ્ટર ગાંધીજીને અંગ્રેજીયતથી સંસ્કારિત બેરિસ્ટર ઝીણાએ ‘મિસ્ટર ગેંડી’ તરીકે સંબોધવાનું ચાલુ રાખ્યું ત્યારે ગાંધીજીના ટેકેદારોએ ‘મહાત્મા કહો’નો આગ્રહ રાખીને ઝીણાને અપમાનિત કર્યા હતા. નવેમ્બર 1917ના ગોધરામાં ગુજરાત રાજકીય પરિષદમાં ગુજરાતીમાં બોલવાના ગાંધીજીના દુરાગ્રહથી આહત ઝીણા માટે નાગપુરનું અપમાન અસહ્ય થઈ પડ્યું હતું.

1920ના નાગપુરના કૉંગ્રેસ અધિવેશન પછી ડૉ. મુંજે હિંદુ મહાસભા ભણી ફંટાયા અને 1927માં એના  અખિલ ભારતીય અધ્યક્ષ બન્યા. ઝીણા મુસ્લિમ લીગના મંચ પરથી મુસ્લિમો માટેના અલગ રાષ્ટ્રના કટ્ટર આગ્રહી બન્યા. ડૉ. હેડગેવારે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી, પણ 1937 સુધી કૉંગ્રેસમાં રહ્યા. 1920નું એ અધિવેશન ઘણી બધી રીતે નિર્ણાયક ઠર્યું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ માત્ર એક-એક વાર જ કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા છતાં જીવ્યા ત્યાં સુધી કૉંગ્રેસ પર બંનેનો પ્રભાવ રહ્યો. ગાંધીજીને પડકાર ફેંકવાની હિંમત 1939માં ફરીને કૉંગ્રેસના અધ્યક્ષ થવા ઇચ્છુક નેતાજી સુભાષચંદ્ર બોઝે કરી. એમણે સરદાર અને ગાંધીજીની ઉપરવટ જઈને કૉંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણી લડી અને 1580 વિરુદ્ધ 1375 મતથી ડૉ. પટ્ટાભિ સીતારામૈય્યાને હરાવ્યા.

મહાત્માને પટ્ટાભિની હારમાં પોતાની હાર જણાઈ અને સુભાષ સાથેના સંબંધોનું મોતી ભાંગ્યું. ત્રિપુરીના કૉંગ્રેસના અધિવેશનમાં ‘સુભાષના સમર્થકોએ સરદારને ખૂબ ભાંડ્યા. બોઝ તરફ સરદારે ‘નીચ, દુષ્ટ અને ઝનૂની’ વલણ દાખવ્યું હોવાના કારણે નહીં પણ બીજાં કારણોસર.’ (સરદાર પટેલ: એક સમર્પિત જીવન, લેખક- રાજમોહન ગાંધી, પૃષ્ઠ 280) જે સુભાષને હરિપુરાના કૉંગ્રેસ અધિવેશનમાં સરદારે ખભે ઊંચક્યા હતા, એમના સમર્થકો એમને બીજા જ વર્ષે ભાંડી રહ્યા હતા. સરદાર પટેલનો સંયમ પણ માન ઊપજાવે તેવો હતો. સુભાષ વલ્લભભાઈને આપખુદ ગણાવે છે તેવું સાંભળીને તેમણે કહ્યું કે ‘સિંહ તો જન્મથી જ જંગલનો રાજા કહેવાય છે. તેની ચૂંટણી થતી નથી.’ સમયાંતરે સુભાષે કૉંગ્રેસ છોડીને ફૉરવર્ડ બ્લોકની સ્થાપના કરી. તેઓ બ્રિટિશ ઇન્ડિયા બહાર ઇન્ડિયન નેશનલ આર્મી(આઇએનએ)ના સરસેનાપતિ બન્યા.

જો કે ગાંધીજી સાથેના વૈચારિક ટકરાવ છતાં આ જ સુભાષે 1944માં સિંગાપુરથી કરેલા રેડિયો સંબોધનમાં મહાત્મા માટે ‘રાષ્ટ્રપિતા (ફાધર ઓફ ધ નેશન)’ શબ્દપ્રયોગ કરવા જેટલી દરિયાદિલી દાખવી હતી, એટલું જ નહીં, એમણે મહાત્મા ગાંધી માટે અનન્ય માન પણ જાળવ્યું હતું. એ વિરાટ વ્યક્તિત્વોના યુગમાંથી આપણે કેવા વામણાઓના યુગમાં આવી ગયા છીએ, એ વિચારવા જેવું ખરું.

સૌજન્ય : ‘ઇતિહાસ’, “દિવ્ય ભાસ્કર”, 12 ડિસેમ્બર 2017

Loading

14 December 2017 admin
← Now is the time for a transformational move
In Defence Of My Dinner That Has Enraged Modi →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved