Opinion Magazine
Number of visits: 9504144
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોર્ડ મેકોલેનો આભાર

આશા બૂચ|Opinion - Opinion|30 October 2017

તાજેતરમાં ભારતની સાંપ્રત શિક્ષણ પ્રથાનાં મૂળિયાં તપાસવાની મથામણ દરમ્યાન, 02 ફેબ્રુઆરી 1835ને દિવસે, લોર્ડ મેકોલેએ બ્રિટનની ધારાસભાને સંબોધન કરવા માટે એક વક્તવ્ય તૈયાર કરેલું, જે કદી ધારાસભ્યો પાસે રજૂ કરવામાં નહોતું આવ્યું, તેમ મનાય છે એ વાંચવામાં હાથ લાગ્યું.  જે અહીં પ્રસ્તુત કરું છું.

હવે આ અવતરણની સચ્ચાઈ શોધવા જતાં માલુમ પડ્યું કે 02 ફેબ્રુઆરી 1835ને  દિવસે લોર્ડ મેકોલે લંડન નહીં, પણ કલકત્તામાં બ્રિટિશ ગવર્નર જનરલના સલાહકાર તરીકે ફરજ બજાવતા હતા. આથી આ લખાણની જોડે લખાયેલ તારીખનો અન્ય દસ્તાવેજી નોંધ સાથે મેળ ખાતો નથી. એટલું જ નહીં, તેઓ ગમે તેટલા જાતિવાદી વલણ ધરાવતા હોવા છતાં તેમાંનાં કેટલાંક વાક્યો પણ એ મૂળ વક્તવ્યમાં ન હોવાનું માલુમ પડ્યું છે. તદુપરાંત આ ઉદ્ધૃત લખાણની સાલ ઈ.સ. 1835ની છે, અને તેમાં “મને નથી લાગતું કે આપણે કદી પણ આ દેશ પર વિજય મેળવી શકીશું” લખ્યું હોવાને માન્ય રાખીએ તો પણ તે પહેલાં તો બ્રિટિશ સામ્રાજ્યની જડ ભારતમાં મજબૂત થઇ ચૂકી હતી, કદાચ તેનો સૂર્ય માથા પર તપતો હતો એટલે એ શબ્દો પણ મેકોલેના હોઈ શકે તે માનવું અઘરું છે. એ માનવું પણ મુશ્કેલ લાગે કે તેઓ પૂરા ભારતમાં ફર્યા હોય અને તેમણે ક્યાં ય એક પણ ભિખારી ન જોયો હોય, કે ન જોયો એક પણ માણસ જે ચોર હોય.

આમ છતાં ઉપર ટાંક્યું છે એ લખાણ જાણીતી વેબસાઈટ પર ફરતું રહે છે, તે શું એમ બતાવવા માટે કે મેકોલે અને તેમના સમકાલીન સંસ્થાનવાદી બંધુઓને ભારતીય સાંસ્કૃિતક વારસા માટે કેટલો અનાદર હતો? મોટા ભાગના ઇતિહાસવિદો કબૂલ કરે છે કે 19મી સદીના પ્રારંભમાં અંગ્રેજિયતના મનોવલણ પાછળ અંગ્રેજોની પોતાની જાતિ વિશેની ગુરુતાગ્રંથિ એ મુખ્ય લક્ષણ હતું. મેકોલે પ્રામાણિકતાથી માનતા કે યુરોપની બહાર રહેતા અજ્ઞાનના અંધકારમાં સતત સબડતા ઉતરતી જાતિના લોકોને જ્ઞાન પ્રકાશ આપવો એ બ્રિટિશ પ્રજાની પવિત્ર ફરજ હતી. જો કે એથી કરીને આ વક્તવ્યની ખરાપણાની ખાતરી નથી થઇ શકી. કદાચ કોઈ રાજકીય હેતુ આવા અવતરણોના ફેલાવા પાછળ કામ કરતાં હોય તે શક્ય છે. મેકોલે વિષે એક હકીકત સર્વવિદિત છે કે તેઓ સંસ્થાનવાદને ન્યાયી ઠરાવનારા અને કોઈ એક વિશિષ્ટ જાતિની ગુરુતામાં માનનારા હતા અને તેઓ એમ પણ માનતા કે યુરોપ સિવાય બીજી કોઈ સંસ્કૃિત અસ્તિત્વ નથી ધરાવતી. આથી જ તેમણે 02 ફેબ્રુઆરી 1835માં કરેલ નોંધમાં લખેલું કે, ‘યુરોપના પુસ્તકાલયની એક અભેરાઈ પરનાં પુસ્તકોનું મૂલ્ય ભારત અને અરેબિયાના પૂરેપૂરા સાહિત્ય કરતાં ક્યાં ય વધુ છે.’  આમ એ વાત સહેજે સાબિત થાય છે કે ઉપરોક્ત રજુઆત ન પામેલ વક્તવ્ય ભલે તેના સમય, સ્થળ અને તેમાં વપરાયેલ ભાષા અને અન્ય હકીકતો પરથી પૂરેપૂરું ભરોસાપાત્ર ન હોય, પરંતુ મેકોલેનો યુરોપીયન સંસ્કૃિત અને ભાષા વિષનો ઊંચો અભિપ્રાય અને ભારત તેમ જ અન્ય સંસ્થાનોની સંસ્કૃિત પ્રત્યે ઊતરતો અભિપ્રાય નિ:શંકપણે ઘણો ઉઘાડો હતો.

એક વાતની અહીં નોંધ લેવી રહી કે મેકોલે ભારતમાંના તત્કાલીન બ્રિટિશ સામ્રાજ્ય દરમ્યાન ભારતની શિક્ષણ વિષયક નીતિ ઘડવા કે અમલમાં મુકવા માટે જવાબદાર નહોતા. તેમનો હેતુ ભારતની પ્રજાને ઉદારમતવાદી વલણોનો પરિચય કરાવવાનો જરૂર હતો, પણ તેમને ક્રિશ્ચિયન ધર્મની અસર નીચે લાવવાનો નહોતો. તેઓ ભારત સ્થિત બ્રિટિશ સરકાર માટે કામ કરતા હતા અને તેમનું ધ્યેય એ સરકારના વહીવટને સુધારવાનું હતું, અને તેમ કરવા માટે યોગ્ય લાયકાતવાળા કારકુનોની ભરતી કરવી તેઓ જરૂરી માનતા હતા. એવી પ્રચલિત માન્યતા છે કે તેઓ ભારતીય ભાષામાં અપાતા શિક્ષણના વિરોધી હતા, જે સત્યથી વેગળી માન્યતા છે. તેમની ગણતરી ઉચ્ચ શિક્ષણ ઇંગ્લિશમાં આપવાની હતી, જેથી બુદ્ધિશાળી વર્ગને આધુનિક વિજ્ઞાન અને ઉદાર રાજકીય ફિલોસોફી સમજવાની તક મળે. એવું આધારભૂત માહિતી પરથી જાણવા મળ્યું છે કે તેઓ એટલા ઉદાર મતના તો હતા જ કે તેમને વિશ્વાસ હતો કે ભારતના લોકો પોતાના જીવનને સ્પર્શતા મુદ્દાઓને સંભાળી લેશે, પોતે એ માટે જવાબદારી લેશે, બૌદ્ધિક વિકાસ કરશે અને આખર સમય જતાં ગરીબી અને પછાતપણાને પોષતી દમનકારી અને શોષણયુક્ત અંધશ્રદ્ધાઓને સ્વેચ્છાએ ત્યાગી દેશે.

મેકોલેના ભારતીય પ્રજા અને તેમના સાંસ્કૃિતક વારસા વિશેના વિચારોની આપણે એક બાજુ જોઈ. અલબત્ત એ પણ ખરું છે કે મેકોલેને પૂર્વીય પુરાતન સંસ્કૃિત અને શાણપણ માટે એવો અભિપ્રાય હતો કે એ બધું મિથ્યા અને મર્યાદિત જ્ઞાન ધરાવનારું છે. આથી જ તેઓ એ વિચાર સહી ન શકતા કે વફાદાર યુવાન પ્રજા, કે જેમને પશ્ચિમી ઢબની ઈંગ્લિશ શિક્ષણ પ્રણાલીથી ફાયદો થઇ શકે તેમ હોય તેમને આવી પુરાણી, આધારભૂત ન હોય તેવી અને પુરોહિતો દ્વારા સંચાલિત શિક્ષણ વ્યવસ્થા નીચે સડતા મૂકી દેવાય. મેકોલેને ભારતીય પ્રજાની મુક્તિમાં રસ નહોતો, પરંતુ તેમને સામ્રાજ્યના વહીવટનું હિત વધુ પ્રિય હતું અને તેમાં કંઈ છુપાવવાપણું નથી. આથી જ તો તેઓ ઇચ્છતા હતા કે ભારતીય લોકો સુધરે અને પ્રગતિ કરે, અને મેકોલેના મતે તેમને બ્રાઉન ઇંગ્લિશમેન બનાવવાથી જ એ શક્ય બને તેમ તેઓ માનતા. આમ  માનવા પાછળ કારણ એ હતું કે મેકોલેને પ્રતીત થયેલું કે આધુનિક વિજ્ઞાન કદી ભારત સુધી નહીં પહોંચે, જો ભારતીય પ્રજા ઈંગ્લિશ ન શીખે. તેમને એમ પણ લાગતું કે જો ઈંગ્લિશ શીખવવામાં આવશે તો ભારતના દેશવાસીઓનો બૌદ્ધિક વિકાસ થશે તેમ જ સરકારી નોકરોનો સ્થાનિક સ્તરે સતત પુરવઠો પણ મળતો  રહેશે. તેમના ઘણાખરા સમકાલીનોની માફક મેકોલે પણ માનતા કે ભારત અજ્ઞાન અને અપ્રમાણિક લોકોથી ભરેલો દેશ છે. તેમની આ દયાજનક સ્થિતિનાં મૂળમાં નિર્દયી રાજાઓના શાસન અને નિમ્ન કક્ષાનો ધર્મ છે. આથી તેમની માન્યતા હતી કે ઈંગ્લિશ ભાષામાં અપાયેલ શિક્ષણ જ ભારતીય પ્રજાને પ્રબુદ્ધ કરી શકશે. એમ કરવા પાછળ તેમની સ્વભાષાઓને તોડી પાડવાનો, કે તેનો નાશ કરવાનો હેતુ નહોતો. તેઓ સ્વાનુભવે એટલું પણ સમજ્યા કે ભારત ખૂબ ગરીબીમાં સપડાયેલો દેશ છે, જેમાંથી મુક્ત થવા તેમને મન ઈંગ્લિશ ભાષા દ્વારા લીધેલું ઉચ્ચ શિક્ષણ જ એક ઉપાય હતો.

અધૂરામાં પૂરું મેકોલેની ભૂલભરેલી સમજ અને કઇંક અંશે ભારતની સંસ્કૃિત વિશેના ઘમંડી વિવેચનના પરિપાક રૂપે તેમણે કહેલું કે, “જે પ્રજા હાલમાં પોતાની માતૃભાષા દ્વારા પોતાની જાતને શિક્ષિત ન કરી શકે તેમને વિદેશી ભાષા શીખવવી જોઈએ. આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે ઈંગ્લિશ ભાષા જ અહીંના (ભારતના) મૂળ વતનીઓ માટે સહુથી વધુ ઉપયોગી થઇ પડશે.” એ સૌને વિદિત છે કે મેકોલેની ભારત વિશેની સમજણ અધકચરી હતી, તેઓ જાતિભેદમાં માનનારા પણ હતા, તેમને યુરોપિયન નવજાગૃતિના ફળો બ્રિટિશ સંસ્થાનના મૂળ વતનીઓને ચખાડવાની અદમ્ય ઈચ્છા હતી, જેને પરિણામે તેઓએ એ દેશોના પ્રજાજનોને ઈંગ્લિશ શીખવવા માટે ભલામણ કરેલી. આમ છતાં મેકોલેને ભારતીય સંસ્કૃિતના વિઘાતક તરીકે ચિત્રિત કરવામાં આવે છે તે સંપૂર્ણપણે સત્ય સાબિત નથી થયું.

આ લેખના પ્રારંભે કહેવાતા અપ્રસ્તુત વક્તવ્યના સારાંશ વિરુદ્ધ મેકોલે વિષે કેટલીક હકીકતો અને તેમના બ્રિટિશ વહીવટને મજબૂત કરવા શિક્ષણની તરાહ વિશેના ખ્યાલોની વિશદ ચર્ચા કરી. તત્કાલીન ભારતની શિક્ષણ પ્રથાને આકાર આપવાનો યશ કે અપયશ ભલે મેકોલેને ફાળે ન જાય, પરંતુ તેમની યુરોપિયન સંસ્કૃિત, આધુનિક વૈજ્ઞાનિક સંપદા અને ઈંગ્લિશ ભાષા પ્રત્યેની પ્રીતિ અને તેનો સંસ્થાનોમાં પ્રચાર કરવા માટેની તમન્નાની ઘેરી અસર ભારતની શિક્ષણ પ્રથા પર પડયા વિના ન રહી તે સ્વીકારવું રહ્યું. એટલું તો ખરું જ કે ઈંગ્લિશ માધ્યમવાળી શાળાઓના ફેલાવા સાથે આપણા દેશની પુરાણી શિક્ષણ પ્રથા અને તેના સંસ્કાર વારસાને સ્થાને બીજી પદ્ધતિ દાખલ થઇ, જેને પરિણામે ભારતીય પ્રજાને એમ લાગવા માંડયું કે જે કઇં વિદેશી અને ઈંગ્લિશ છે તે આપણી ધરોહર કરતાં સારું અને ચડિયાતું છે. કદાચ તેથી જ સ્તો સમય જતાં ભારતીય પ્રજા સ્વમાન અને તેમની મૂળ સંસ્કૃિત ગુમાવવા લાગી અને તેઓ જેવા બ્રિટિશરો તેમને બનાવવા ઇચ્છતા હતા તેવા બન્યા – ખરા અર્થમાં બ્રિટિશ વર્ચસ્વ હેઠળની કચડાયેલી પ્રજા.

જો કે એમ મેકોલેને સાવ અન્યાય ન કરી શકાય. જો કોઈ પણ દેશ પર રાજ્ય કરવું હોય તો તેની પ્રજાને કાં તો જાનથી ખતમ કરવી પડે, નહીં તો ગુલામ બનાવવી પડે. ગુલામ બનાવવા માટે જે તે સમુદાયની અસ્મિતા હણી લેવાથી કામ થાય એ તો યુરોપના ઘણા દેશોએ ગુલામી પ્રથાના અમલ દરમ્યાન જોઈ લીધેલું. આમ મેકોલેના પ્રસ્તાવનો અમલ કરીને બ્રિટિશ સરકારને જે જોઈતું હતું તે મળી ગયું. દેશના ઘણા ભાગના ગામોમાં ઈંગ્લિશ માધ્યમવાળી શાળાઓ ખોલવામાં આવી, જ્યાં પાંચ-સાત ધોરણ અથવા બહુમાં બહુ મેટ્રિક્યુલેશન સુધીની સુવિધા કરવામાં આવી, જેથી ઇન્ડિયન સિવિલ સર્વિસના બે હજાર સભ્યો તેમ જ દસ હજાર જેટલા સરકારી અફસરોની બનેલ એક ટુકડી સાઈંઠ હજાર બ્રિટિશ સૈનિકો અને બે લાખ જેટલા હિંદના વતની સિપાહીઓની મદદથી ત્રીસ કરોડની પ્રજા પર શાસન કરી શક્યા. ત્યાં સુધીની વાત સમજાય તેવી છે.

જે નથી સમજાતી તે સ્વતંત્રતા બાદની શિક્ષણના માધ્યમ વિશેની ભારતની નીતિ. ગાંધીજી અને તેમની હરોળના સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રતીતિ થઇ કે બ્રિટન ભારતને પોતાનું સંસ્થાન બનાવી શક્યું, તેમ થવા પાછળ અને તે સત્તા બે સદીઓ સુધી ટકી રહી એટલું જ નહીં પણ ફૂલીફાલી તેની પાછળ ભારતવાસીઓની તેમણે લાદેલ કાયદા-કાનૂન વ્યવસ્થા પરત્વેની વફાદારી, તેઓના દેશની બનાવટના માલનો વપરાશ કરવાની તૈયારી અને તેમણે શરૂ કરેલ શિક્ષણ પદ્ધતિનો સ્વીકાર એ ત્રણ પરિબળોએ ખૂબ મોટો ભાગ ભજવેલો. આથી જ સ્વતંત્રતા માટેની રાજકીય માગણીની સમાંતર ઉપરોક્ત ત્રણેય સેવાઓનો બહિષ્કાર અને તેના વિકલ્પે નવા માળખાં ઊભા કરવાનો સતત પ્રયાસ થયો તેથી જ આઝાદી મળતાં બહુ થોડા સમયમાં પોતાનું રાજ્ય બંધારણ, કાયદા-કાનૂન અને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમ જ ઉદ્યોગ-વ્યાપારની વ્યવસ્થા ઊભી કરી શક્યા એ કઇં જેવી તેવી સિદ્ધિ ન ગણી શકાય.

અફસોસ એ વાતનો છે કે આઝાદી મેળવ્યાનો ઊભરો શમ્યો ન શમ્યો ત્યાં ગુલામી માનસના અવશેષ રૂપે બ્રિટિશ શિક્ષણ પદ્ધતિનો મોહ ભારતીયોના દિમાગમાં ફરી જોર કરવા લાગ્યો. બ્રિટિશ શિક્ષણ પદ્ધતિના અમલને પરિણામે તત્કાલીન ભારતીય પ્રજામાં ધીરે ધીરે પણ ચોક્કસપણે એક એવી વિચારસરણી વિકસવા લાગેલી કે જે કઇં ‘ગોરા લોકો’ કરે છે, બોલે છે અને મેળવે છે તે જ આપણો આદર્શ હોઈ શકે. આથી જ તો થોડા દાયકાઓમાં પૂર્વજો સિંચિત તમામ સિદ્ધિઓને વિસ્મૃિતની ગર્તામાં ધકેલી ભારતીય પ્રજા વિદેશથી એટલે કે પશ્ચિમના દેશોમાંથી આવેલ ભાષાની સાથો સાથ તેમની ચિકિત્સા અને સારવાર પદ્ધતિ, તેમના ઉદ્યોગો અને વ્યાપારની વ્યવસ્થા, તેમની જીવન પદ્ધતિ બધાનું અનુકરણ કરવા લાગ્યા. હું અનુભવે એટલું જરૂર સમજી શકી છું કે જે પ્રજા માતૃભાષા પરની પકડ ગુમાવે તે માત્ર પોતાની સંસ્કૃિત જ નહીં, પોતાના સમાજજીવન, કુટુંબ જીવન અને વિજ્ઞાનથી માંડીને કળા-સ્થાપત્ય જેવા અમૂર્ત ક્ષેત્રોમાં પણ પોતાની અસ્મિતા ગુમાવી બેસે છે. હવે બ્રિટનની સરકાર માટે તો ભારતને ગુલામ બનાવવા તેના પર ઈંગ્લિશ માધ્યમવાળું શિક્ષણનું માળખું ઠોકી બેસાડવું તે જરૂરી હોઈ શકે, તે સ્વાભાવિક છે જેથી માત્ર હુકમ ઉઠાવી શકે તેવી ભણેલા લોકોની ફૌજ ઊભી કરવાની તેમની પવિત્ર ફરજ પૂરી થાય. પરંતુ વિદેશી શાસનના અંત પછી પણ પશ્ચિમી ભાષાના માધ્યમ દ્વારા જ શિક્ષણ આપવાની ઘેલછા સ્વતંત્ર ભારતની નવી પેઢીને સ્વઓળખ વિનાની સત્ત્વહીન કારકુની મનોવલણવાળી સેના બનાવતી રહી છે તે એક દુઃખદ બીના છે. આજે ભારતની યુવા પેઢી ભણેલી અને સ્માર્ટ દેખાય છે, પુષ્કળ સંખ્યામાં યુવક-યુવતીઓ વિદેશ ગમન કરીને અઢળક ધન કામાય છે અને એટલે ઈંગ્લિશ માધ્યમની શાળાઓ ખોલવાનું વ્યાજબી લાગે. વળી ભારતે ટેક્નોલોજી અને થોડે ઘણે અંશે વિજ્ઞાન ક્ષેત્રે પણ પ્રગતિ કરી છે જે ઈંગ્લિશ પરના પ્રભુત્વ વિના શક્ય ન બન્યું હોત, તેમ આપણે જરૂર કહી શકીએ.

ભારતની સિદ્ધિઓને સામે પલ્લે જ્યારે દેશમાં પ્રવર્તતી અવ્યવસ્થા, લાંચ રૂશ્વત, સ્વચ્છતા અને આરોગ્યના નબળાં ધોરણો, લુપ્ત થતું જતું કોમી એખલાસનું વાતાવરણ, પાડોશી દેશો સાથેના તંગદિલીભર્યા સંબંધોનાં મૂળ કારણ તપાસતાં જણાશે કે ક્યાંક ને ક્યાંક ભારતીય નાગરિકના લોહીમાં પોતે ‘ભારતીય’ હોવાની ખુમારીની ખામી પડેલી છે. અને આ ઓળખ છીનવી લેવાની જોગવાઈ વિદેશી સામ્રાજ્યનો અંત આવ્યા કેડે સાત સાત દાયકાઓ પછી પણ ભારતની સમાજ અને સંસ્કૃિતને પોષક તેવી શિક્ષણ પ્રથાને બદલે ઉછીની લીધેલી પ્રથાને લાંબા સમય સુધી ચાલુ રાખવાની ગોઠવણ ખુદની જ સરકારો અને ખાનગી શિક્ષણ સંસ્થાઓએ કરી લીધી છે. હવે ‘હિન્દુત્વ વાદ’ના પુનર્જાગરણના અંચળા હેઠળ શાળાઓમાં સંસ્કૃત ફરજિયાત બનાવવું, વિદેશોમાં નેતાઓ હિન્દીમાં વક્તવ્ય આપે, યુવાનોને કાવડો ભરીને ગંગાજળ લાવી મૂર્તિઓનો અભિષેક કરવા પ્રોત્સાહિત કરે તેનાથી ભારતીય સંસ્કૃિતનો પુન:આવિષ્કાર થાય, એમ માનવું એ તો આબરુ બૂંદસે ગઈ હૌજસે આયે એમ માનવા બરાબર છે.

હું ભારતમાં રહેતાં માધ્યમ વર્ગનાં દસ બાર વર્ષનાં એવાં બાળકોના પરિચયમાં આવી છું જેઓની શાળામાં ગુજરાતી વિષય તરીકે ભણાવાતો નથી, એટલું જ નહીં ત્યાં ગુજરાતીમાં બોલવાની પણ સખ્ત મનાઈ છે. એ જ બાળકોને છઠ્ઠા ધોરણથી ગુજરાતી કે સંસ્કૃત વિષય ભણવાનો વિકલ્પ અપાશે અને ફ્રેન્ચ પણ શીખવાશે! હવે એ પેઢી પોતાને સોફ્ટવેર એન્જીિનયર, એકાઉન્ટન્ટ કે ડોક્ટર તરીકે ઓળખાવવાનું ગૌરવ લેશે, પણ ખરા ભારતીય હોવા વિષે સભાન હશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. આ પરિસ્થિતિ માટે અન્ય વિદેશી શાસકો કરતાં મેકોલે જેવી યુરોપિયન સંસ્કૃિત અને ઈંગ્લિશ ભાષા પ્રત્યેની ભક્તિનો આભાર માનવો રહ્યો.

e.mail : 71abuch@gmail.com

Loading

30 October 2017 admin
← Taj Mahal and games of divisive politics
Sardar Patel, a shared inheritance →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved