Opinion Magazine
Number of visits: 9504144
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સતીશ કુમાર – ગાંધીની પ્રસ્તુતતા 21મી સદીમાં

આશા બૂચ|Gandhiana|23 October 2017

સતીશ કુમાર છેલ્લા 50 વર્ષથી શાંતિ અને પર્યાવરણના મુદ્દાઓ પર ગાંધી – વિનોબાના વિચારો અન્યો સમક્ષ રજૂ કરવાનું કાર્ય કરી રહ્યા છે.  તેઓએ નવ વર્ષની ઉંમરે જૈન ધર્મની દીક્ષા લીધી. ધર્માચરણના માર્ગે મોક્ષ પ્રાપ્તિ માટે ગામે ગામ ફરતા રહ્યા. તેવામાં 17 વર્ષની ઉંમરે તેમના હાથમાં ગાંધીજીની આત્મકથા આવી. જૈન સાધુ હોવાને નાતે શ્રીમદ્દ રાજચંદ્રની ગાંધીજી પર થયેલ અસરથી તેઓ માહિતગાર હતા. આત્મકથા વાંચવાથી સતીશ કુમારનું જીવન બદલાયું. અધ્યાત્મને પામવા અને પચાવવા અહિંસા, કરુણા અને પ્રેમનું અનુસરણ કરવું જરૂરી છે, પણ તેમ કરવા માટે જગતને છોડવું જરૂરી નથી, સંસારમાં રહ્યે રહ્યે પણ અધ્યાત્મ માર્ગ પર ચાલી શકાય તે ગાંધીએ બતાવ્યું. આથી સતીશ કુમારને પ્રતીતિ થઇ કે તમામ પરિસ્થિતિ અધ્યાત્મને સમજી, તેને વ્યવહારિક રૂપમાં અમલમાં મૂકીને બદલી શકાય. વળી અધ્યાત્મનો માર્ગ બધા માટે ખુલ્લો છે. રોજી રોટી મેળવવા કમાવા તો જવું પડે, પણ એમાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણ મધ્ય નજરમાં હોય તો કમાણી એ તેની બાય પ્રોડક્ટ છે તેમ શ્રીમદ્દ રાજચંદ્ર અને ગાંધીજીએ પોતાના જીવન અને કાર્યથી સિદ્ધ કરી બતાવ્યું. એટલે કે સેવા એ મુખ્ય ધ્યેય હોય તો પ્રોફેશનમાં વોકેશન લાવી શકાય. તેમની આ વાત ખૂબ જ વિચાર પ્રેરક લાગી.

સતીશ કુમારને ગાંધીજીની એ વાત ગમી: ‘રાજકારણ અને અર્થકારણ બધામાં અધ્યાત્મને જોડો. રાજકારણને જનહિત કેન્દ્રી બનાવો તો તેને અધ્યાત્મ દ્વારા સિંચિત સેવા બનાવી શકશો.’  આ વિચાર હતો ક્રાંતિકારી. નાનામાં નાનું કામ બીજાના ભલા માટે કરો એ ખરી પૂજા, અને તો આપણે રોજ સતત પૂજા કરતા જ રહીશું.

આજે રાજકારણ તો શું, શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી અને ઉત્પાદક વ્યવસાયો તમામ ‘Growth’ને નામે નફા આધારિત થવા લાગ્યા છે. હવે ખેતી જો નફાને કેન્દ્રમાં રાખીને થતી હોય તો પેલો ‘ખેડુ જગતનો તાત’ કહેવાતો તેનું શું થયું? બધું જ કામ માત્ર નાણાંની કમાણી માટે થઇ રહ્યું છે. આ ઈકોનોમી નથી, મનીનોમી છે તેમ સતીશ કુમારનું કહેવું છે. લંડન મહાનગરમાં આવ્યા નેહરુ સેન્ટરમાં 28 સપ્ટેમ્બર 2017ના દિવસે સતીશ કુમારનું પ્રવચન આયોજિત થયું હતું.

આ વિષે વધુ બોલતાં તેમણે કહ્યું કે ગ્રીક શબ્દ ecos (એટલે કે પર્યાવરણ) પરથી ecology શબ્દ આવ્યો. એટલે કે eco+manage (પર્યાવરણને નિયંત્રિત કરે, સુવ્યવસ્થિત રાખે) કરે તે economy આમ ઇકોનોમી શબ્દનો અર્થ જ પર્યાવરણને જાળવીને કરાતો વ્યવસાય છે. એમાં પૈસા-નાણું એ તો સાવ નાની બાબત છે. નાણું તો લેવડ દેવડ માટે શોધાયું. વસ્તુ વિનિમય માટે એ માધ્યમ સારું છે, પણ જ્યારે તે મેળવવું અને તે પણ પુષ્કળ પ્રમાણમાં એ જ માનવીનું જીવનનું ધ્યેય બને, ત્યારે એ ઇકોનોમીને બદલે મનીનોમી થાય. સતીશ કુમારે એક સમીકરણ આપ્યું, વ્યવસાય – પ્રેમ = નોકરી. અને આજે આવા નોકરિયાતો વધુ છે અને વ્યસાય કરનારા ઓછા છે કેમ કે પ્રેમનો ઘાટો પડતો જાય છે.

આધુનિક વ્યાપારીકરણને બદલે જેમને માનવીય મૂલ્યો આધારિત વિકાસમાં વધુ શ્રદ્ધા છે, તેવા સતીશ કુમાર ‘સર્વોદય’ શબ્દ હવે કરી, દીવાન, નીંબૂ પાણી, ગુરુ વગેરેની જેમ ઓક્સફર્ડ ડિક્શનેરીમાં સ્થાન પામે તેમ ઈચ્છે છે. રાજકારણ અને અર્થકારણની વિભાવના ગાંધીજીએ સર્વોદયની ધરી ઉપર ટેકવીને સમજાવી. સમાજવાદમાં માત્ર માનવ સમાજના કલ્યાણની વાત છે. જૈન ધર્મમાં મનાય છે કે કુલ 84 લાખ યોનિ છે અને ગાંધીએ સર્વોદયના વિચાર દ્વારા માત્ર માનવ યોનિ નહીં, કોઈ પણ યોનિને બાતલ ન કરીને સહુને માટે કલ્યાણકારી અર્થ તેમ જ સમાજ વ્યવસ્થા ઊભી કરવાનું એલાન કર્યું.  સમાજવાદનું સૂત્ર છે, “Greater good for greater number” જયારે સર્વોદય તમામે તમામ જીવો માટેના ઉદયને જ નજર સમક્ષ રાખવા કહે છે. અધ્યાત્મને કોઈ એક પુસ્તકમાં પૂરી ન શકાય. અધ્યાત્મને અમલમાં મુકો, તે જ તેને સમજવાની સાચી ચાવી છે. હૃદયમાં છે તેને કાર્યમાં પરિવર્તિત કરો તો કામનું. ‘Be the change you want to see in the world’ એ જગવિખ્યાત ઉક્તિ ગાંધીજીએ સ્વ. રામ મનોહર લોહિયાને કહેલી. એક વખત લોહિયાએ પૂછ્યું, “બાપુ, અમારી વાત પ્રજા કેમ ન માને અને લોકો તમને કેમ અનુસરે છે?” ત્યારે ગાંધીજીએ ઉત્તર આપ્યો, “હું ન કરી શકું તે કરવા મેં કદી કોઈને કહ્યું નથી.” અને પછી ઉપરોક્ત વિધાન કર્યું. પહેલાં પોતે વર્તનમાં ઊતારીને પછી જ વચન ઉચ્ચારતા, તેથી જ ગાંધી મહાન થયા. પોતાના શબ્દો વર્તનમાં ઊતારે તો તેનો અર્થ બીજા સમજે, તેનું મહત્ત્વ સ્વીકારે, તેની શક્તિ અનુભવે અને તો જ તેને અનુસરે. આ હતી ગાંધીની મહત્તા.  

આજે વિશ્વ આખું અનેકવિધ કુદરતી આફતો અને માનવસર્જિત ઉપાધિઓનો સામનો કરવા ઝઝૂમી રહ્યું છે. સમજવાનું એ છે કે કુદરતી ઝંઝાવાતોની ઝડપ અને તીવ્રતા વધવા પાછળ પણ ક્યાંક ને ક્યાંક માનવીની લોભી વૃત્તિ અને અવિચારીપણું કામ કરી રહ્યું છે. આજે પુષ્કળ માલ બનાવો, ખૂબ વેંચો, ખરીદો, વાપરો અને ફેંકી દો એવો નવો જીવન મંત્ર દરેકના કાનમાં ફૂંકાયો છે જેને ‘મૂડીવાદ’ નામના ધર્મએ જન્મ આપ્યો છે. આ મુદ્દાના સંદર્ભમાં સતીશ કુમારે એ વાત તરફ સહુનું ધ્યાન દોર્યું કે ગાંધીજીએ સેવાગ્રામ નામના ગામના અર્ધા માઈલના વિસ્તારમાંથી કાચો માલ લાવીને પોતાની ઝુંપડી બનાવી હતી. તેમણે હંમેશ સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરીને પૂરવાર કરી બતાવ્યું કે એ રીતે જીવન જીવવાથી આપણી બધી જરૂરિયાતો સંતોષાઈ શકે છે. તેઓએ આપણને પ્રતીત કરાવવા ખૂબ કોશિશ કરી કે માત્ર બ્રિટિશરોને આ દેશમાંથી હાંકી કાઢવા પૂરતું નથી. શ્વેતની જગ્યાએ ઘઉંવર્ણા સાહેબો લાવવાનો કોઈ અર્થ નથી. અને આજે જુઓ, આપણે શું કરીએ છીએ? અંગ્રેજો કરી ગયા તેનાથી અનેકગણું નુકસાન આપણે આપણા અર્થ તંત્રને, સમાજ અર્થવ્યવસ્થાને અને આપણી અસ્મિતાને કરીએ છીએ. શારીરિક અને માનસિક શ્રમ પવિત્ર છે. તેનાથી સ્વનિર્ભરતા જળવાય છે એટલું જ નહીં, સમાજની પણ સેવા થાય છે એ આપણે ભૂલી ગયા. બધી વસ્તુઓ મશીનથી બને, પુષ્કળ પ્રમાણમાં બને, તેને વેંચવા ગળાકાપ હરીફાઈ થાય અને અંતે એક બાજુ કુદરતી સ્રોતનાં ઝરણાં સુકાતાં જાય અને બીજી બાજુ માનવી ભૌતિક વસ્તુઓભક્ષી બનતો જાય. માનવી હિંસક ન બને તો જ નવાઈ.

સતીશ કુમારે ગાંધીજીના મુખ્ય મુખ્ય વિચારો અને કાર્યો વિશેની ઉપયુકતતાને એવી બખૂબીથી પોતાના વક્તવ્યમાં વણી લીધેલા કે શ્રોતાઓને ભાન જ ન રહ્યું કે ક્યારે પર્યાવરણની વાત ખતમ થઇ અને ક્યારે ગ્રામોદ્યોગ-ગૃહોદ્યોગની વાત શરૂ થઇ. આમ જુઓ તો ગ્રામલક્ષી અર્થવ્યવસ્થા પર્યાવરણને બહુ પ્રેમથી સાચવનારી હતી એટલે એ બંને મુદ્દાઓને ઘનિષ્ઠ સંબન્ધ ખરો જ વળી. તેમણે ખાદી અને અન્ય ગ્રામોદ્યોગ વિષે વાત કરતા જણાવ્યું કે ખાદીને તેના સ્થૂળ સ્વરૂપમાં એક કાપડ ઉદ્યોગ તરીકે જોવાની ભૂલ ન કરશો, તેની પાછળ એક તત્ત્વજ્ઞાન છે. થોડા લોકો દ્વારા ઘણું ઉત્પાદન કરવાની ઘેલછાએ તો આપનો સર્વનાશ કર્યો જ, તેથી તેના વિકલ્પે ઘણા માણસો દ્વારા જીવન જરૂરિયાતને સંતોષવા પૂરતા ઉત્પાદનની નીતિ અપનાવ્યા સિવાય છૂટકો નથી. ગાંધીજીએ સાબિત કરી બતાવ્યું કે આદર્શો તો ઠીક છે, એનો અમલ રોજિંદા અને જાહેર જીવનમાં કરવો તે જ તેની સાર્થકતા છે. તેમના આ ગુણને કારણે જ તો તેઓ જગત વંદનીય બન્યા.

સતીશ કુમારે સાધુ જીવન કે છોડ્યું? તેમને અહેસાસ થયો કે જેમ શ્રીમદ્દ રાજચંદ્રે જૈન ધર્મના અધ્યાત્મને એકાંતમાં રહીને અમલમાં મૂક્યું તેમ ગાંધીજીએ એ જ સિદ્ધાંતોને સંસારમાં રહીને જાહેર જીવનમાં અમલમાં મૂક્યા. આ રીતે તેમણે રાજકારણ અને અર્થકારણમાં અધ્યાત્મ ઘુંટયું, જેનાથી મોટા સમુદાયને પણ અંગત તેમ જ જાહેર જીવનમાં પણ આનંદ – blissનો અનુભવ થયો. હવે ગાંધીજીએ કહ્યું છે તેમ તેમણે કોઈ નવી વાત પ્રજા પાસે નથી મૂકી, કોઈ ધર્મનો પ્રાદુર્ભાવ તેમના ઉપદેશોથી નથી થયો કે નથી કોઈ ચમત્કારો કરી બતાવ્યા. થયું એવું કે તેમના તમામ પૂરોગામી અવતારો અને મહાપુરુષોએ કેટલાક આદર્શો માનવ જાત સમક્ષ મુક્યા, જે ગાંધીએ અમલમાં મૂકી બતાવ્યા. અહીં જ તેઓ મુઠી ઊંચેરા માનવી બને છે.

એક વસ્તુ હવે સમગ્ર વિશ્વના વિકસિત અને વિકાસ પામતા દેશોની પ્રજાને સમજાઈ ગઈ છે કે માત્ર આર્થિક વિકાસને લક્ષ્યમાં નહીં રાખો તો જ બધાનો વિકાસ થશે. પૃથ્વી નામના ગ્રહ પર મર્યાદિત સંસાધનો છે, તેમાં અમર્યાદિત વિકાસ ન થાય. સતીશ કુમારે એક નવું સૂત્ર આપ્યું. ભારતીય સંસ્કૃિત પંચતત્ત્વની વાત કરે છે. તેઓ કહે છે, આમ જુઓ તો અગ્નિ, વાયુ, પાણી, જમીન એ ચારમાં અવકાશનો સમાવેશ થઇ જાય તેથી હું પાંચમા તત્ત્વ તરીકે ઈમેજીનેશન-કલ્પનાશક્તિને ઉમેરવા માંગુ છું.

આજનો ભારતનો ઉપભોક્તાવાદ પંચતત્ત્વોનો વગર વિચાર્યે ઉપયોગ કરીને નાશ કરે છે. મશીનોના અમર્યાદિત ઉપયોગને કારણે જળ, જમીન અને જંગલનો નાશ થાય છે, હવા પ્રદૂષિત થતી જાય છે. આપણે અગ્નિ એટલે કે ઊર્જા કેટલી વાપરીએ છીએ? આપણી સૂર્ય ઊર્જા વાપરવાની મૌલિક કલ્પનાશક્તિ જ ખતમ થઇ ગઈ છે. અરે, માનવી કશું પોતાને હાથે બનાવે નહીં, જાતે કામ કરે નહીં, બધું જ મશીન અને રોબોટ બનાવે તો તેની કલ્પનાશક્તિ અને ક્રિયાશીલતા ખતમ જ થઇ જાય ને? કુદરતી મૂળભૂત તત્ત્વોને સાચવીને ઉદ્યોગો અને વેપાર-ધંધા વિકસાવો તેમ ગાંધીએ કહેલું, આપણે ન માન્યા. જો એમની વાત કાને ધરી હોત તો આજના પ્રશ્નો જેવા કે બેકારી, પ્રદૂષણ, આર્થિક અને સામાજિક અસમાનતા અને તેને લાગતા તમામ દૂષણો ન વળગ્યાં હોત. આપણે માત્ર ગ્રાહક નહીં, ઉત્પાદક બનવાનો નિશ્ચય કરવાનો સમય પાકી ગયો છે.

કેટલાક પ્રશ્નોને આધારે સતીશ કુમારે બીજા મુદ્દાઓને પણ આવરી લીધા. તેઓનું કહેવું હતું કે માત્ર ભારત જ નહીં પણ આખું જગત વસતી વિસ્ફોટને કારણે જરૂરિયાતો અને તેના પુરવઠા વચ્ચે ખેંચતાણ અનુભવી રહ્યું છે. ભૂલવું ન જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આવેલ પરિવર્તનો થોડે ઘણે અંશે વસતી વધારા માટે કારણભૂત છે. આજે બાળ મરણનું પ્રમાણ ઘટ્યું અને આયુષ્ય મર્યાદા વધી, જે સારું છે. પણ બીજી બાજુ વસ્તુઓના ઉપભોગ વિશેનો સંયમ બધામાંથી ગાયબ થયો. માણસની સંખ્યા ઘટાડો પણ ભોગ વધારો એવી નવી સંસ્કૃિત જન્મી. પછી પૃથ્વી રસાતાળ ન જાય તો જ નવાઈ. ભારત જેવા દેશ માટે પંચવર્ષીય યોજના પૂરતી નથી. વિકાસ સીધી લીટીમાં ગતિ નથી કરતો, એ વર્તુળાકાર – cyclical હોય છે. જે વાપરો તે ભરપાઈ કરો. આ ન સમજાય તો સીધી લીટીએ ચાલવા જતાં વિનાશની ગર્તામાં પડી જવાય.

પશ્ચિમના દેશોમાં રહેતી, ખાસ કરીને, યુવા પેઢીને વિમાસણ થાય છે કે તેમની આગલી પેઢીના કેટલાક લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની કોશિશ કરી, અને તેમની પેઢીના પણ કેટલાક લોકો યથાશક્તિ એ કેડીએ ચાલવાનો પ્રયાસ કરે છે. જ્યારે તેમની આસપાસના લોકો પોતાના વિચાર-વર્તન ન બદલે તો શું કરવું? આ પ્રશ્ન માટેનો સતીશ કુમારનો પ્રતિભાવ એવો હતો કે ગાંધીજીની પ્રખ્યાત ઉક્તિ ‘Be the change you want to see in the world’ને મધ્ય નજર રાખી આપણે માત્ર ઉપદેશ આપવાથી દૂર રહેવું, જે માનીએ છીએ, સમજીએ છીએ તેનો અમલ કરવો અને દુનિયા આપોઆપ બદલાશે. બાકી તો જેમ સિક્કાને બે બાજુ હોય છે તેમ સમાજને પણ સારી અને નબળી બંને બાજુ હોવાની જ. એટલું જરૂર કહીશ કે હવે આ વ્યક્તિગત મોક્ષનો ખ્યાલ સમાજને ટકાવી રાખવા કે પ્રગતિશીલ બનાવવા પૂરતો નથી, તેને માટે સામૂહિક જવબદારીની ભાન વાળો મુક્ત સમાજ જ કંઈ કરી શકશે. આજે બીજી એક મૂંઝવણ યુવા પેઢીને જોતાં એ પણ થાય કે હવે બધા individual – વ્યક્તિલક્ષી થઇ ગયા છે એટલે જે કંઈ પરિવર્તન થાય તે વ્યક્તિ આધારિત હોય, જેનું પ્રતિબિંબ સામૂહિક જીવન પર ન પડવા સંભવ છે. તો એ ટકોરના જવાબ રૂપે સતીશ કુમારે કહ્યું, individual એ indivisible છે એમ સમજવું રહ્યું અને તો જ એ વાત પણ સ્વીકારશો કે વ્યક્તિ અને સમાજ એકબીજાથી અભિન્ન છે, વ્યક્તિ વિના સમાજ ન બદલે, સમાજના સાથ વિના વ્યક્તિ ન બદલે. આથી જ તો ગાંધી અને વિનોબા સમાજમાં રહ્યા; તેમને માટે, તેમના દ્વારા અને તેમની સાથે રહીને કામ કર્યું, તેઓ સમાજ સાથે રહ્યા, સમાજને સંગઠિત કર્યો.

આ વિચાર અને આચારથી પ્રભાવિત થઈને સતીશ કુમારે ‘You are therefore I am’ શીર્ષક સાથે એક પુસ્તક લખ્યું છે. વ્યક્તિએ decleration of dependence એટલે કે પોતે સમાજ પર આધારિત છે એ કબૂલ કરવું રહ્યું અને તેને માટે અહમ્‌ ઓગાળવું જરૂરી છે. તેને માટે નમ્રતા હોવી પણ આવશ્યક છે. ગાંધીની જ વાત લો, તેમણે સામૂહિક પ્રયાસો – સમુદાયની સહભાગીદારીથી આખી દુનિયા બદલી. તેમાં પોતાને યશ, કીર્તિ, માન મળે તેવી ઝંખના ન હોવાથી પ્રજામાં આવેલ પરિવર્તન પ્રજાની પોતાની માલિકીનું રહ્યું.

એક વાત સહુને મૂંઝવનારી એ પણ છે કે સત્તારૂઢ શક્તિ સમાજના સાત્વિક તત્ત્વોને છાવરી બેઠેલા છે, તેના વિષે શું કરવું? હકીકત એ છે કે દુનિયામાં આશરે 198 દેશો છે, તેની વચ્ચે લડાઈ અને સંઘર્ષો ચાલ્યા જ કરે છે. પણ માનવ વસતી સાતેક અબજની છે, તેમાંથી કેટલા આવી લડાઈમાં જોડાય છે? વિશ્વમાં પોઝિટિવ ઘણું છે. આજે તમામ ઘટનાઓને એક અલગ પરિપેક્ષ્યમાં જોવી રહી. ગાંધીજી આવી હકારાત્મકતાને ગુરુત્તમ બનાવીને જોતા અને બાકીની દુષ્ટતાને લઘુતમ બનાવીને જોતા, જેથી અનિષ્ટોને સદંતર દૂર ન કરી શકાય તો પણ તેમાં ઘટાડો કરી શકવાની શક્તિ કેળવાય. આજના આર્થિક વિકાસની વાત લઈએ તો સંસાધનોના વપરાશની સાથે તેની પૂર્તિ કરવાની સમતુલા કેમ જાળવવી એ સવાલ છે. ખરું જુઓ તો અત્યારે સર્વાંગી વિકાસ નથી થતો, માત્ર મનીગ્રોથ – નાણાંનો વધારો થાય છે. લક્ષ્મી નથી વધતી, ધન વધે. જળ, જમીન, મજૂરી અને મૂડીની સમતુલા જાળવીને પ્રગતિ થશે તો વિકાસ સંપોષિત થશે નહીં તો પ્રદૂષણ અને વ્યય વધશે જે વિકાસની અનિષ્ટ બાજુ આપણે ભાગે છોડી જશે.

આજે ટેક્નોલોજી અને મિકેનાઇઝેશન ક્ષેત્રે અતિ ઝડપથી પ્રગતિ થાય છે, પણ તેને અધ્યાત્મની લગામ ન હોવાથી ગાડી સ્વ વિનાશની દીવાલે ભટકાઈ જવા સંભવ છે. તો અન્યોને અધ્યાત્મના ખ્યાલોને જીવનમાં અમલમાં મુકવા કેમ સમજાવવા? ખાસ કરીને જેઓ એ બાબતમાં અસંમત થાય તેમને કેવી રીતે સાથમાં લેવા એ એક વિમાસણ સહુ જાગૃત જનને પીડે. એ બાબતમાં સતીશ કુમારનું મંતવ્ય છે કે દરેકે ખુલ્લા મનથી અન્યની વાતો સાંભળવી. ચર્ચા વિચારણા કરવાથી જ પોતાના  વિચારો સમજાવી શકાય, તેઓ એ માન્ય રાખે કે ન રાખે તે અલગ વાત. આજ સુધીમાં જીવનના અનેક  ક્ષેત્રોમાં પરિવર્તનો આવ્યા છે તે આવા વિચાર વિનિમયને પરિણામે, એ સમય માંગી લે તેવી પ્રક્ટિયા છે પણ દિલ ખુલ્લું રાખીને વાત કરતા રહેવું એ જ ઉત્તમ માર્ગ છે.

એક વધુ પીડા ખાસ કરીને આગલી પેઢીને પજવે છે તે એ કે ગાંધી જાણે કે ભારતમાં ભુલાતા જાય છે અને તેનું કારણ કદાચ પશ્ચિમના ઉપભોકતાવાદ અને જીવનશૈલીનું અનુકરણ છે. તો એ બાબતમાં પણ સતીશ કુમાર સહમત થતા કહે છે, હા, ભારતે ગાંધી મૂલ્યોને તડીપાર કરી દીધાં છે. બધા રાજકીય પક્ષોના નેતાઓએ વધુ પડતા ઔદ્યોગિકરણ અને ભૌતિકવાદ ભણીની દોટ મુકવાના દૌરમાં ઉદ્યોગપતિઓ અને મહાકાય વેપારી કંપનીઓના કર્તા હર્તાઓની શેહમાં આવીને એક વ્યય કરનારો અને ભોગપ્રધાન ગ્રાહક સમાજ ઊભો કર્યો છે. આ સ્થિતિ બદલે તેમ ઇચ્છીએ. જો કે ભારતની આ જ એક મૂરત નથી, બીજું પણ એક ભારત છે જ્યાં લાખો વ્યક્તિઓ અને હજારો સંગઠનો લોકહિતનાં કાર્યો કરે છે, જેથી આપણને પ્રતીતિ થાય, ગાંધી હજુ ભારતમાં પણ જીવે છે. ગાંધી-વિનોબા જેવા આર્ષદ્રષ્ટાઓએ એક મંત્ર આપેલો, think globle, act local. વિશ્વહિતને ધ્યાનમાં રાખીને સ્થાનિક અર્થ તંત્ર અને રોજગાર વ્યવસ્થા વિકસાવી હોત તો આજે ખેડૂત કરતાં બેન્કરને વધુ પગાર ન મળતો હોત.

ગાંધી-વિનોબાના વિચાર અને કાર્ય પદ્ધતિમાં ખૂબ જ વિશ્વાસ ધરાવતા હોવાને કારણે સતીશ કુમારે અત્યંત જુસ્સા અને જોમ સાથે પોતાના વિચારો ખૂબ જ રસ ભરપૂર રીતે રજૂ કર્યા. ઈંગ્લિશ પરનું પ્રભુત્વ અને વિચારોની તટસ્થતાયુક્ત તેમની વાણી યુવા પેઢીને અને મૂળ ભારતના ન હોય તેવા શ્રોતાઓને પણ અપીલ કરી ગઈ. છેવટ વક્તવ્યના સમાપનમાં તેમણે કહ્યું કે ભારત અને ભારત બહાર હિંદુઓ, જૈન, શીખ અને બુદ્ધિસ્ટ શ્રદ્ધાળુઓ મંદિર, ગુરુદ્વારામાં વધુ જોવા મળે છે. તેમને પ્રજા વચ્ચે કામ કરતા જોવા હોય તો આખા દેશને મંદિર બનાવો, હરેક પ્રજાજનને પ્રભુ બનાવો એ જ એક ઉપાય છે.

e.mail : 71abuch@gmail.com

Loading

23 October 2017 admin
← ઘોંઘાટ, સત્યની ભૂખ અને thewire.in
An Immigrant’s Tale →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved