Opinion Magazine
Number of visits: 9448998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદર્શ સસરા ગાંધીજી – નીલમ પરીખ

મૃગેશ શાહ|Opinion - Opinion|4 October 2017

[ગાંધીજીના પુત્રવધૂઓ પરના પત્રો અને તેમના વિશે પુત્રવધૂઓએ લખેલા કેટલાક જીવનપ્રસંગો પર આધારિત પુસ્તક ‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’ માંથી સાભાર.]

[‘જ્યાં રહો ત્યાં મહેકતા રહો’ : નીલમ પરીખ : કુલ પાન : 235 : કિંમત રૂ. 60. : પ્રકાશક : જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર. અમદાવાદ-380 014.]

ઈ.સ 1906માં હરિલાલનું લગ્ન ગાંધીજીના મિત્ર હરિદાસ વોરાની દીકરી ગુલાબ (લાડનું નામ ચંચળ – ચંચી) સાથે થયું. લગ્ન પછી ઈ.સ. 1907માં હરિલાલ દક્ષિણ આફ્રિકા આવ્યા ત્યારે તેઓ જુવાન થઈ ગયા હતા. પિતાનું કમાણીવાળું જીવન અને સામાન્ય બૅરિસ્ટરમાંથી પોતાની કોમને આગળ લઈ જનારા નેતા તરીકે ગાંધીજીને તેમણે જોયા અને પિતાનાં કામમાં ઉત્સાહભેર જોડાઈ ગયા. ઈ.સ. 1907થી ગુલાબબહેન પણ ફિનિક્સમાં ગાંધીજી અને નાના દિયરોની સાથે રહેતાં હતાં. જોહાનિસબર્ગથી ‘ઇન્ડિયન ઓપીનિયન’ ના કામે હરિલાલ ફિનિક્સ આવે ત્યારે જ બંનેને સાથે રહેવા મળતું.

ઈ.સ. 1908ની ટ્રાન્સવાલની લડત વખતે ગાંધીજીના કહેવાથી વીસ વર્ષની નાની ઉંમરે હરિલાલ સત્યાગ્રહી તરીકે જેલમાં ગયા. હરિલાલના યૌવન કાળમાં દક્ષિણ આફ્રિકાની લડતની શરૂઆતમાં તેઓ ગાંધીજીના શ્રેષ્ઠ સાથી જેવા હતા. હસતે મોઢે બધી જ જાતની યાતના સહી લેતા અને હંમેશાં મોખરે રહેતા. ગાંધીજી માનતા કે સમજપૂર્વક આમ જેલમાં જાય તે ખરી કેળવણી છે. હરિલાલને પોતાને આમાંથી બહુ જોવા-શીખવાનું મળશે. હરિલાલ પણ પોતાની સલામતી કે સુખસગવડોની પરવા કર્યા વિના વારંવાર સત્યાગ્રહ કરતા અને જેલમાં જતા. એમનામાં કામ કરવાની શક્તિ અને સહનશીલતાની સાથે હંમેશ પ્રસન્ન રહેવાની પણ શક્તિ હતી. દક્ષિણ આફ્રિકામાં હવે તેઓ નાના ગાંધી – છોટે ગાંધી તરીકે ઓળખાતા થઈ ગયા હતા.

આ દરમિયાન જાહેર જીવન, લેખન, વાચન અને ચિંતનને કારણે ગાંધીજીની કૌટુંબિક અને આર્થિક સ્થિતિમાં પણ મહત્ત્વનાં પરિવર્તનો થવા લાગ્યાં. વકીલાતનો મોટી કમાણીવાળો ધીકતો ધંધો છોડી, ખેડૂતનો ખૂબ જ ગરીબાઈવાળો ધંધો અપનાવવાનું બીડું ઝડપ્યું. ભભકાદાર ઘર, પોશાક, રહેણીકરણી તજી દઈને સામાન્ય ગામડિયાની જેમ જીવવાનું સ્વપ્ન સેવવા લાગ્યા. જે પદ્ધતિથી પોતાનો વિકાસ સાધવાનું નક્કી કર્યું તે જ માર્ગે અને તેવી જ પદ્ધતિથી પોતાના કુટુંબીજનોને અને વહાલસોયાં બાળકોને પણ વાળવાનો પ્રયત્ન કર્યો. ગાંધીજી જેલમાં હોય કે કુટુંબથી દૂર હોય ત્યારે પુત્રવધૂ ગુલાબને – ચંચળને પત્રથી નાનીમોટી સલાહસૂચના અને માર્ગદર્શન આપ્યા કરતા. પથારીવશ કસ્તૂરબાની ખબર કાઢી ગાંધીજી ફિનિક્સથી જોહાનિસબર્ગ જઈ રહ્યા હતા, ત્યારે વૉક્સરસ્ટ ખાતે તેમને પકડવામાં આવ્યા. તે પછી અને હરિલાલના જેલવાસ દરમિયાન ચંચળને લખેલા પત્રોમાં તેની વિયોગાવસ્થામાં ધીરજ કેળવવાની શિખામણ પ્રાચીન દષ્ટાંતો સાથે આપી છે.

ચંચળને
 (વોકસરસ્ટ, 16-1-1909) :

તમારી સાથે મારાથી બહુ વાત કે કંઈ જ નથી થઈ તેથી હું મનમાં કોચવાયો છું, પણ મારી સ્થિતિ જ એવી કફોડી છે.

તમને મેં જાણી જોઈને તે દહાડે લખાવ્યું. તમને એવાં કામમાં કુશળ કરવા માગું છું. રામી (હરિલાલની પુત્રી) મોટી થાય ત્યારે તો તમને મારી પાસે પણ રાખું. જેમ બને તેમ હરિલાલની સાથે રહેવાનો વિચાર હમણાં છોડી દેશો તો તમારું બંનેનું કલ્યાણ થશે એ ચોક્કસ સમજજો. હરિલાલ નોખો રહી ઘડાશે ને તેની બીજી ફરજો અદા કરશે. તમારી તરફની પ્રીતિ માત્ર તમારી સાથે રહેવામાં જ નથી આવતી. કેટલીક વેળા પ્રીતિને ખાતર જ જુદા રહેવું પડે છે એવું તમારા દાખલામાં છે. તમારો વિયોગ એ જ તમને સુખકર છે એમ દરેક રીતે હું જોઉં છું. પણ તે સુખકર એક જ રીતે રહી શકે તે એ કે તમે વિયોગથી અકળાઓ નહિ. લડત પૂરી થતાં સુધી હરિલાલને જોહાનિસબર્ગ રહેવું પડશે એમ થયા કરે છે.

તમારી સ્થિતિને લઈ હવે તમને હું બાળક નથી ગણવા માગતો. ઘરનો કારભાર તમે તથા મણિલાલ ઉપાડો એમ ઈચ્છું છું. ઘરની દરેક વસ્તુ સાચવવી, રામદાસ અને દેવદાસને બરોબર રાખવા, તેઓનો સામાન સાચવવો, તેઓને સાચવતાં શીખવવું, તેઓને સાફ રાખવા, તેઓના નખ સાફ રખાવવા વગેરે બધું તમારે બેએ તપાસવાનું છે. બા તો સાજી થશે. જ્યારે સાજી થાય ત્યારે પણ અડચણ નહિ. તમે ઘરનાં ધણિયાણી છો એમ વર્તન રાખવાનું છે. આપણે બહુ જ ગરીબ છીએ એ ન ભૂલવું.


*****

પત્ર
 તા-28-1-1909.

તમારું મન અવ્યવસ્થિત જોઉં છું. જોઈને હું દુ:ખી થાઉં છું. છતાં તમારી અંતર લાગણીઓ જ હંમેશાં જાણવા માગું છું. હું દુ:ખી થઈશ એવા વિચારથી તમારી લાગણી કદી છુપાવવાની નથી.

તમે પિયરથી બહાર છો એમ માનો છો એ બરોબર નથી. હું તમને વહુ તરીકે નહિ પણ દીકરી સમજું છું. જો વહુ સમજત તો હું તમને બાળક ગણત. દીકરી સમજું છું તેથી તમારું બાળકપણું સ્વીકારવા નથી માગતો. મારી અતિ તીવ્ર લાગણી તમારે વિશે વર્તે છે તે તમે નથી સમજી શક્યાં. ન સમજાય તે હું સમજું છું. હું જેમ મણિલાલને બાળક ગણવા નથી માંગતો તેમ તમારું સમજવું. મારા સ્વભાવ પ્રમાણે જો મેં સસરાવટું જેવું રાખ્યું હોત – એટલે કે જો મેં અંતર રાખ્યું હોત – તો હું તમારું મન પ્રથમ તો હરણ કરવાનો પ્રયત્ન કરત ને જ્યારે તમારા મનમાં અભેદ બુદ્ધિ પેદા થાય ત્યારે જ તમારી પાસેથી હું છૂટથી કામ લેત. પણ મેં માની લીધું હતું કે તમારો સંબંધ હરિલાલ સાથે થયો તે પહેલાંથી મેં દીકરી સમજી ખોળામાં રમાડેલ છે. (ચંચળબહેનના પિતા હરિદાસ વોરા અને ગાંધીજી ગાઢ મિત્રો હતા.) એટલે તમે સસરાવહુનો સંબંધ ભૂલી જશો. તે નથી ભુલાયો. હવે પ્રયત્ન કરજો.

તમારું અકલ્યાણ થાય અથવા તો તમને અસુખ પ્રાપ્ત થાય એવું વર્તન મારાથી ન થવું ઘટે. વિયોગી દશામાં કલ્યાણ માનનારી સંખ્યાબંધ સ્ત્રીઓ હિન્દુસ્તાનમાં થઈ છે. દમયંતી નળથી વિયોગ પામી અમર થઈ. તારામતી હરિશ્ચંદ્રથી છૂટી પડી તેમાં બંનેનું કલ્યાણ થયું. દ્રૌપદીનો વિયોગ તે પાંડવને સુખકર થયો ને દ્રૌપદીની દઢતાને આખી હિન્દુ પ્રજા ગાય છે. આ દાખલા બનેલા નથી એમ તમારે નથી સમજવાનું. બુદ્ધદેવ સ્ત્રીને છોડી અમર થયા ને તેની સ્ત્રી પણ અમર થઈ. આ દાખલો આત્યંતિક છે. તેમાંથી તમને એટલું જ બતાવવા માગું છું કે તમારો વિયોગ તમારું અકલ્યાણ કરનારો નથી. વિયોગ એ તમારા મનને દુ:ખી કરે એ સ્વાભાવિક છે. એ પ્રેમની નિશાની છે. પણ તમારું અકલ્યાણ જ હોય એમ ન બને. કલ્યાણ-અકલ્યાણ એ વિયોગના હેતુ ઉપર આધાર રાખે છે. બાનો અને મારો વિયોગ મેં પસંદ નહોતો કર્યો છતાં અમને બંનેને તે કલ્યાણકારક થઈ પડ્યો.

આ દાખલા આપીને તમારા મન ઉપર હું એમ ઠસાવવા નથી માગતો કે તમારે વિયોગ હંમેશાં ભોગવવાનો છે. લડત દરમિયાનનો વિયોગ તમને દુ:ખ ન ઊપજાવે તેવા કારણથી આ લખું છું. લડાઈ પૂરી થયા પછી હું તમારા વિયોગનું કારણ ઓછો જ થઈશ. છતાં તમારા મનની વૃત્તિ બદલાવવા ઉપરનો પ્રયત્ન છે. તે પણ તમે સમજ્યા પછી મહાવરો પડવાથી થશે.

આ કાગળ સાચવજો. ફરી ફરી વાંચજો. ન સમજાય તે મને પૂછજો. તમે બંને જણ વાંચજો. લખવાનો હેતુ તમારું કલ્યાણ છે. તે કરવામાં હું તત્પર છું. પણ મારા વિચારો તમારે માનવા જ જોઈએ એવો આગ્રહ નથી. તમે બંને સ્વતંત્ર બળથી વધો એવી મારી ઈચ્છા છે.


*****

સુશીલાબહેન ગાંધીનાં સંભારણાં.
અમારાં લગ્ન અકોલામાં થયાં. પછી લગ્ન કરીને અમે બાપુજી અને પરિવારના અન્ય સભ્યો સાથે અમદાવાદ આવવા નીકળ્યાં, ત્યારે અમે બંને સૌની જોડે એક જ ડબામાં બેસવા જતાં હતાં, ત્યારે બાપુએ હસતાં હસતાં કહ્યું, ‘મણિલાલ, તારે અમારા ડબામાં બેસવાનું નથી. તમે બંને તમારી જગ્યા શોધી લો. સુશીલા પણ ત્યાં જ બેસશે. એકબીજાં સાથે પરિચય કરવાની આ જ તક છે ને !’ હું શરમની મારી ઊંચું જોઈ શકતી નહોતી. પણ બાપુને ભર્યાભાદર્યા કુટુંબની વચ્ચે સોળેસોળ આના કુટુંબીજન બનીને રહેતા જોયા. પોતાનાં સંતાનોની અને સ્વજનોની દષ્ટિએ વિચારી શકતા હતા અને કુટુંબના વડા તરીકે સાચું માર્ગદર્શન આપી શકતા હતા.

પરણીને આશ્રમમાં આવ્યાને હજુ પાંચ-છ દિવસ જ થયા હતા. બપોરે જમીને બા આરામ માટે આડાં પડ્યાં હતાં. બાપુને પણ સૂવાની તૈયારી કરતા જોયાં. મેં સહજતાથી પૂછ્યું : ‘મારા જેવું કંઈ કામ છે ?’ તો બાપુ કહે, ‘પેલા ઠામડાં પડ્યાં છે તે ઊટકી નાખજે.’ એમ કહી બાપુ તો થોડી જ ક્ષણોમાં ઘસઘસાટ ઊંઘી ગયા. હું એમણે કહેલું વાક્ય સમજી ન શકી. હવે કોને પૂછું ? બહાર રસિક-હરિલાલભાઈનો દીકરો રમતો હતો તેને બોલાવીને પૂછ્યું કે બાપુએ ‘ઠામડાં પડ્યા છે તે ઊટકી નાખજે’ એમ કહ્યું એટલે શું ? અને રસિક ખડખડાટ હસી પડ્યો. મને કહે, ‘લે આટલું ય ન સમજાયું ? આ ચોકડીમાં વાસણ પડ્યાં છે તે ઊટકી નાખવા કહ્યું.’ હું આ કાઠિયાવાડના શબ્દપ્રયોગો ન સમજી શકી. મેં એ પહેલી જ વાર સાંભળ્યા. મને શું ખબર કે ઠામડાં એટલે વાસણ અને ઊટકી નાખવું એટલે સાફ કરવું. આ સમજાયું એટલે મને ય જરાક હસવું તો આવી ગયું. અને પછી મેં એ કામ ઝટઝટ શાંતિથી પતાવ્યું જેથી બા-બાપુની ઊંઘમાં ખલેલ ન પહોંચે. પણ રસિક ભારે તોફાની વાંદરો અને નટખટ. તેણે આ વાત બા-બાપુ ઊઠ્યાં એટલે મજાકભરી રીતે કહી બતાવી અને આવી કેવી કાકી લાવ્યાં – કહી મારી મશ્કરી કરવા લાગ્યા. હું ઘણી સંકોચ પામી. બા-બાપુ ય રસિક જોડે હસતાં રહ્યાં !

બાપુ એક તરફ ઘરનાં કે આશ્રમનાં વડીલોની સેવા કરે અને બીજી તરફ બાળ-સંગોપનનું કાર્ય પણ જાતે જ કરતા. મણિલાલ નાના હતા ને તેમને શીતળા નીકળ્યા તો એમાં પણ એમણે પુષ્કળ મહેનત કરી, રાત-દિવસ એમાં જ જીવ પરોવી રાખ્યો અને ભરજુવાનીમાં તેમ જ મોટી ઊંમરે અને છેક વૃદ્ધાવસ્થા સુધી ઘરનાં માણસોની માંદગી વખતે પૂરી મમતાપૂર્વક ઉપચાર અને સંભાળ રાખવાનું કામ બાપુ જ સંભાળતા. તે દિવસોમાં એમના ચિકિત્સા કેન્દ્રમાં ઉપવાસ, એનિમા, સ્પંજ, ગંધક અને ક્વિનાઈન – એ પાંચ અમોઘ અસ્ત્રો હતાં. આ પાંચ જ દવાઓથી તેઓ બધા રોગ મટાડતા હતા.

મારો પુત્ર નાનો હતો. સાધારણ સહેજ તાવ આવી ગયો તો બાપુએ એને 4-5 દિવસના ઉપવાસ કરાવ્યા. અરુણ અકળાઈ ગયો અને આખરે મારી પાસે હઠ કરીને બાપુના ખાખરામાંથી એક ખાખરો ખાવાની મેં એને પરવાનગી મેળવી આપી. અને ત્યારે બાપુને કહ્યું : ‘જો હું માંદી પડું તો તમને ખબર જ ન આપું.’ એટલે બાપુ મૂંગા મૂંગા જોઈ લઈશ એવા ભાવ સાથે હસીને ચાલ્યા ગયા ! સાબરમતી આશ્રમમાં એકવાર અમારું નાનું બાળક હઠે ચડી રડી રહ્યું હતું. બાપુએ પૂછ્યું : ‘આમ કેમ એ રડે છે ?’ બાપુના પુત્રે જવાબ આપ્યો, ‘ભલે રડે, એનાં ફેફસાં મજબૂત થશે !’ બાપુએ જરા હસીને કહ્યું : ‘અમે તારાં ફેફસાં આ રીતે મજબૂત કરવા કદી નહિ વિચારેલું.’ એકવાર હું બાપુના પગ દાબતી હતી. મારી દીકરી રમતાં રમતાં જરાક દૂર નીકળી ગઈ. અને કંઈક થતાં તેનો રડવાનો અવાજ કાને પડ્યો. હમણાં છાની રહી જશે એમ મનમાં ધીરજ રાખી બાપુના પગ દાબવાનું ન છોડ્યું. પણ બાપુના કાન ચમક્યા. હસતાં હસતાં કહે : ‘જા ભાગ, એને રડવા ન દેવાય. મા બનવું તે કંઈ સહેલું છે !’

આ બંને પ્રસંગોમાં બાપુએ એક એક વાક્યમાં ઘણું કહી દીધું અને ઘણો બોધપાઠ આપી દીધો ! બાળકોની સંભાળ, ઉછેર અને તેમના જીવનઘડતર માટેની તેમની કાળજી ભારે હતી. સૌ કોઈને એ કાળજી લેવાનું શીખવતા. હૈયું કેટલું લાગણીવાળું !

અમારી અને સૌ નજીકના સાથીઓ કે આશ્રમવાસીઓ પ્રત્યે આવી કૌટુંબિક ભાવના, તેમની સાથે આટલી ઉત્કટ આત્મીયતા એ બાપુના સ્વભાવની એક વિશેષતા હતી, આવડા મોટા માણસની સાદાઈ એ જમાનામાં અસાધારણ ગણાય. એમની સ્મરણશક્તિ અને લોકસંગ્રહની વૃત્તિ એટલી પ્રબળ હતી કે તેઓ આટલાં કામમાં અને આટલા બધા લોકો સાથે કામ પડતું હોવા છતાં કુટુંબના નાનામાં નાના સભ્યને કે એક અદના કાર્યકર્તાને ભૂલતા નહિ. ઘરના બધા માણસો સાથે પોતે સંબંધ રાખતા અને તેમની સાથે ગમે તેટલો ટૂંકો પણ અલગ અલગ પત્રવહેવાર કરતા.

સારા અક્ષર, શુદ્ધ જોડણી અને શુદ્ધ ઉચ્ચાર બાપુને ખૂબ ગમતા. એથી બાપુ સીતાને અને મને વારંવાર ટોકતા ને લખતા. રામનારાયણ ચૌધરીનો પુત્ર પ્રતાપ અને સીતા રાજકુમારીબહેન પાસે અંગ્રેજી અને અમતુલબહેન પાસે ઊર્દૂ ભણતાં હતાં. આ ભણવાનું બાપુની કુટિરની આસપાસ ચાલતું એટલે બાપુ સાંભળી શકતા. એક દિવસ બંને બાળકોને કહે, ‘તમારા ઉચ્ચાર મને ગમે છે. ફરતી વખતે મારી પાછળ પાછળ ચાલવાનું રાખો અને હું કોઈની સાથે વાત ન કરતો હોઉં તો સંસ્કૃતના શ્લોકો બોલતાં જાઓ. મને આનંદ પડશે અને તમારા શ્લોકો પાકા થશે.’ એક પંથ દો કાજ – એ બાપુની કાર્યપદ્ધતિનું એક ખાસ અંગ હતું.

ભાષાના શુદ્ધ જ્ઞાનને માટે બાપુ વ્યાકરણને બહુ મહત્ત્વ આપતા અને વૈજ્ઞાનિક માહિતી માટે તેને અનિવાર્ય માનતા. બાપુએ પોતાના એક સાથીને ભાષાશાસ્ત્રીની પદવી આપેલી અને તેને આજ્ઞા કરી કે ફરતી વખતે હિન્દીમાં વાત કરતાં કરતાં મારી જે કંઈ ભૂલો થાય તે તરત સુધારતા જાઓ. આટલી મહાન વ્યક્તિને મોટા મોટા લોકોની હાજરીમાં ટોકવાનું સાથીને ન જ ગમે ને ? પણ બાપુ શાના માને ? જૂઠી શરમ કે પ્રતિષ્ઠાનો ખ્યાલ તો તેમને કદી હતો જ નહિ. તેઓ કહેવા લાગ્યા, ‘જ્ઞાન હોય તો બાળક પણ ગુરુ છે. આ રીતે મારી ભાષા સહજ સુધરી જશે અને તેને માટે અલગ સમય નહિ આપવો પડે.’ અને એક દિવસ બાપુ કોઈ વાક્યમાં ‘મૈંને બોલા’ એમ બોલ્યા. પેલા સાથીભાઈએ કહ્યું : ‘મેં બોલા’ કહેવું જોઈએ. ‘કેમ કંઈ નિયમ છે ?’ ‘હા, સકર્મક ક્રિયાપદોના સાદા ભૂતકાળમાં જ કર્તાને ‘ને’ પ્રત્યય લાગે, અકર્મક ક્રિયા હોય તો ન લાગે. અને બાપુને સંતોષ થયો. અમને આવા નાના-મોટા પ્રસંગોમાંથી ઘણું જાણવા, સમજવાનું અને શીખવાનું મળતું.

અમને હંમેશાં પત્રમાં લખતાં ‘સુશીલાએ સીતાને છાત્રાલયમાં ન રાખતાં તેની સાથે રહેવું.’ બાળકોનાં આરોગ્ય અને ચારિત્ર્યના રક્ષણને માટે તેમને છાત્રાલયમાં કે મા-બાપથી અલગ રાખવાને બદલે બાપુ મા-બાપની સાથે રાખવાના પક્ષમાં હતાં. બાપુના કુટુંબમાં હજારો કાર્યકર્તાઓ હતા. તે સૌનાં બાળકોનાં નામ યાદ રાખવાં અને તેમના અભ્યાસ તથા તબિયત વિશે પૂછપરછ કરવી એ કેટલું મુશ્કેલ કામ છે ? પરંતુ બાપુના હૃદય અને સ્મૃિતસાગરમાં આ બધાં બિંદુઓને માટે સ્થાન હતું.

ઇન્દુમતીબહેન ગુણાજીનાં લગ્ન ત્રીજવર સાથે કરાવી આપવા બાપુ તૈયાર થયા ત્યારે મેં પ્રશ્ન કરેલો કે આ શું આપના આદર્શની વિરુદ્ધ નથી ? તો એના જવાબમાં બાપુએ લખેલું : ‘છે જ. પણ મને આજે જ ખબર પડી. જર્મનીમાં એ પરણ્યાં હતાં, એની તો મને ખબર હતી, પણ એ પરણ્યા છતાં ન પરણ્યા જેવા થઈ ગયેલા. ત્રીજવરની તો હમણાં જ ખબર મળી જે તું લાવી. છતાં હું લગ્ન કરાવી આપીશ. પણ આ દાખલા ઉપરથી હું એ શીખું છું ખરો કે બનતાં સુધી વચન આપવાં જ નહિ. પણ આ તો પાણી પીને ઘર પૂછવા જેવી વાત થઈ. છતાં ‘ચેત્યા ત્યારથી સવાર’ એ કહેવત પણ છે તો ખરી ના ?’ બાપુમાં એટલી બધી નમ્રતા હતી કે તેઓ પોતાનો જરા સરખો દોષ પણ જાહેરમાં સ્વીકારી લેતા અને સુધારી પણ લેતા. અમને હંમેશ કહેતા, ‘માણસની સારમાણસાઈ પર વિશ્વાસ મૂકીને જ ચાલવાનું આપણને શોભે.’

આવી તો અનેક વાતો – પ્રસંગોની અમે નિખાલસતાથી ચર્ચા કરતા. બાપુ બાપુ જ હતા. અમને કદી તેઓ સસરા જેવા લાગ્યા જ નથી !

(વ્યારાની મુલાકાત – નોંધ પરથી.)

January 30th, 2008

સૌજન્ય : http://archive.readgujarati.in/sahitya/?p=1666

Loading

4 October 2017 admin
← દેવત્વને પામેલા સંત કરતાં અધૂરા ઇન્સાન તરીકે ગાંધીજી વધુ ખપના
લોકશાહીગત મોકળાશની લડાઈ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved