Opinion Magazine
Number of visits: 9446690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લંડન કથાનાં સંસ્મરણો …

નિરંજન રાજ્યગુરુ|Opinion - Opinion|2 September 2017

 પ્રિય સંજુભાઈ, સુનિલભાઈ ..

લંડન કથાનાં સંસ્મરણો આલેખવાનું નિમંત્રણ સૌને અપાયું છે, સૌ પોતપોતાની રીતે એ સોનેરી દિવસોની યાદગીરીનું આલેખન કરતા રહેવાના છે. ત્યારે મારી આ નાનકડી આહુતિ ..

ખેતશીભાઈ દ્વારા બાપુની સ્વિત્ઝરલેન્ડ કથા ચાલતી હતી તે દરમિયાન મને લંડન કથામાં જોડાવાનું આમંત્રણ મળ્યું, મેં તરત જ એમને પૂછ્યું, ‘કોણ કોણ સાથે હશે ?’ જવાબ મળ્યો – ‘નરોત્તમ પલાણ, નાથાલાલ ગોહિલ, અંબાદાન રોહડિયા, અન્ય સાહિત્યકાર મિત્રો, ડાયરાના કલાકારો, પત્રકારો, કવિમિત્રો, ભજનિકો મળી લગભગ સવાસો જણા હશે .. ’  મેં તરત જ પૂછ્યું – ‘ એમાં મનોજ રાવલનું નામ છે ?’ ખેતશીભાઈએ ના પાડી. મેં કહ્યું – ‘બાપુને પૂછીને આ નામ ઉમેરવાની જરૂર છે..’ અને મેં મનોજભાઈના સંપર્ક નંબર પણ આપ્યા. બીજા જ દિવસે ખેતશીભાઈનો ફોન આવ્યો ‘મનોજભાઈનું નામ સામેલ કર્યું છે..’

પછી હું મૂંઝાયો. મારો પાસપોર્ટ રિન્યૂ કરાવવાની વિધિ તો એક મહિનાથી ચાલતી હતી, ઓનલાઈન ફોર્મ ભરેલું, ઈન્ટરવ્યૂની તારીખ ર૧ જુલાઈ મેં જ નક્કી કરેલી, એ પછી આઠ દસ દિવસે પાસપોર્ટ ટપાલમાં આવે, જો એમાં મોડું થાય તો ?… ખેર ! જેવી હનુમાનદાદાની મરજી.. એમ વિચારી એકવીસ તારીખે પાસપોર્ટ કચેરીએ ગયો. કોઈ પણ જાતના વિઘ્ન વિના ઈન્ટરવ્યૂ પૂર્ણ થયો અને કહેવાયું – ‘આઠેક દિવસમાં ટપાલ દ્વારા પાસપોર્ટ મળી જશે ..’ આમ સત્યાવીશ તારીખ સુધી મારી વિઝા એપ્લિકેશન પણ તૈયાર નહોતી કરી. ર૭ તારીખે મોબાઈલમાં મેસેજ આવ્યો – ‘તમારો પાસપોર્ટ અમદાવાદ કચેરીથી સ્પીડપોસ્ટમાં રવાના કર્યો છે..’ તરત જ રાજકોટ ગયો, અમિતભાઈની ગેલેક્સી કોમ.સેન્ટરમાં આવેલ ટ્રાવેલ મેન્ટર ઓફિસે મારા ડોક્યુમેન્ટ્સ આપ્યા અને કહ્યું કે કાલે પાસપોર્ટ આવી જશે, માટે વિઝા માટેના જરૂરી કાગળો તૈયાર કરી રાખશો. એમને પણ ભરોંસો નહોતો, મેં કહ્યું – ‘આવી જાય તો ઠીક છે, ન આવે તો હરિની મરજી .. તમે મૂંઝાતા નહીં ..’

અઠ્યાવીશ તારીખે ગોંડલની મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી જ ઘોઘાવદરના થેલામાં બંધાય એ પહેલાં જ મને રૂબરૂ પાસપોર્ટ મળી ગયો, તાત્કાલિક રાજકોટ પહોચાડ્યો અને વિઝા માટેના કાગળો તૈયાર થયા, ર૯ શનિવારે સવારે નવ સુધીમાં તો જયંતીભાઈના અતુલ ઓટોઝ રીબડા ખાતે બ્રિટિશ વિઝા અધિકારીઓ સામે હાજર થવાનું હતું. ગોંડલના હાઈ વે પરથી જ નાથાલાલ ગોહિલ, મનોજ રાવલ સાથે જોડાઈ ગયો અને જયંતીભાઈને ત્યાં મેળો જામ્યો. ચા-નાસ્તો, પૂછપરછ, સહી નમૂના, ફોટોગ્રાફ્સ, આંગળાનાં નિશાન. બધું જ તદ્દન સહજ રીતે પતી ગયું. હજુ ઘણાના મનમાં અવઢવ હતી, કારણ કે કેટલાક મિત્રો, કલાકારો એવા હતા કે જેના બેન્ક એકાઉન્ટમાં ત્રણ આંકડાથી વધારે રકમ જ નહોતી, કોઈ જ સ્થાવર જંગમ મિલકત નહોતા ધરાવતા, એની પાસે પાનકાર્ડ કે ઈન્કમટેક્સ રિટર્ન તો હોય જ ક્યાંથી ? પણ હનુમાનજી મહારાજની આણ ફરતી હોય એને કોણ તારવી શકે ? સામાન્ય રીતે ભલે આઠ હજારમાં જે કામ થાય તે માટે ઈમરજન્સી તત્કાલ વિઝાના તેંત્રીશ હજાર ચૂકવાયા પણ જેટલી અરજી હતી તે તમામને … હા, તમામને વિઝા મળ્યા .. વળી માત્ર નવ દિવસના નૈં .. છ છ મહિનાના ..

ઓગષ્ટની પહેલી તારીખે સૌરાષ્ટૃ યુનિવર્સિટીદ્વારા મોરારિબાપુના હસ્તે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ સમારંભ આત્મિય કોલેજ ખાતે સંપન્ન થયો, નવ વ્યક્તિને એક એક લાખના મેઘાણી એવોર્ડ અને નવ વ્યક્તિને એક એક લાખના હેમુ ગઢવી એવોર્ડ અપાયા .. હવે તો દિવસો ગણવાના હતા. ક્યારે, કઈ રીતે,  કોણે, ક્યાં પહોંચવું એ નક્કી નહોતું થયું .. છેક છેલ્લે દિવસે એટલે કે દસ તારીખે રાજકોટ જયંતીભાઈને ત્યાંથી ભાઈ ધર્મેશનો ફોન આવ્યો ‘નિરંજનભાઈ ! તમારે તેર વ્યક્તિની જવાબદારી લેવાની છે. આ તેર ટિકિટ અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી લંડનની છે .. બીજા બધા મુંબઈથી લંડન પહોંચશે ..’ હું ફરી મૂંઝાયો. મેં વિનંતિ કરી કે ‘અમારી સાથે કવિશ્રી સંજુ વાળાનું નામ છે, એ સ્થાનિક રાજકોટના જ છે તો તેઓ જો અમિતભાઈની ઓફિસથી બધાના પાસપોર્ટ ડોક્યુમેન્ટ્સ/ટિકિટ મેળવી લ્યે તો સહેલું રહે ..’ ને સંજુભાઈએ એ સહર્ષ સ્વીકારી લીધું ..

મનોજભાઈએ જામજોધપુરથી જ એમની પોતાની, મારી, ગોહિલસાહેબની અને અંબાદાનની અમદાવાદ મુંબઈ ટ્રેઈનની ટિકિટો લઈ લીધેલી, એમાંથી મારે અને મનોજભાઈને અમદાવાદથી દિલ્હી જવાનું થયું. એટલે દસમી તારીખે રાત્રે ચારે જણા નીકળીને અમદાવાદ પહોંચે અને પછી છૂટા પડે એવું નક્કી કર્યું. કેશોદથી નાથાભાઈ એમના દીકરા યતીનની ગાડીમાં રાત્રે નવ વાગ્યે વીરપુર પહોંચ્યા, ત્યાંથી મનોજભાઈને બેસાડી આવ્યા ગોંડલ,  હાઈ વે પરથી જ મને લીધો અને રાજકોટમાંથી અંબાદાન જોડાયા .. સવારે સાડાચાર વાગ્યે અમદાવાદમાં પાલડી સ્ટેન્ડ પર મને અને મનોજભાઈને ઉતારી છ વાગ્યાની મુંબઈની ટ્રેઈનમાં પહોંચવા અંબાદાન અને નાથાભાઈ સ્ટેશન ગયા. મનોજભાઈના એક સંબંધીને ઉઠાડી અમે સૂતા. પછી બપોરનું ભોજન કરીને સાડા બાર વાગ્યે અમદાવાદના એરપો ર્ટ.. જ્યાં નરોત્તમ પલાણ, સંજુવાળા, કરણભાઈ ચારણ, નજુભાઈ ખુમાણ, રાણાભાઈ સીડા, ભરતભાઈ ડેર, મૂળુભાઈ સોનારત, ભીમાભાઈ ઓડેદરા, હેતાર્થ ગઢવી, અરૂણાબહેન બિહારીદાન અને બિહારી હેમુભાઈ ગઢવી .. એમ અગિયારની મંડળી ભળતાં અમે તેર જણાં અમારી જેટ એરવેઝની દિલ્હી જતી ફલાઈટ – ક્યુ ડબલ્યુ છસો પંચાવનમાં બપોરના સાડા ત્રણ પછી બિરાજ્યાં. પાંચને બદલે પોણા છ વાગ્યે દિલ્હી પહોંચ્યા, જ્યાં ભરતભાઈ ડેર દ્વારા ગોઠવાયેલ વ્યવસ્થા મુજબ સાંસદ પૂનમબહેન માડમના સાંસદ નિવાસે ભોજન આરામ માટે પહોંચાડવા બસની સગવડ મોજુદ હતી. પહોંચ્યા, તરોતાજા થયા અને ખૂબ જ નિરાંતથી પૂનમબહેન સાથે પરિચય કેળવ્યો .. એમના પરિવારજનો તથા એમના મતક્ષેત્રના વિદ્યાર્થીઓનું પચાસેકનું ટોળું સંસદભવન જોવા અને વડાપ્રધાનશ્રીની મુલાકાતે આવેલું. એમના ભોજનસમારંભમાં અમે તેર પણ ભળી ગયા.

સરસ ભોજન અને સંગીત નૃત્યના જલસામાંથી પરવારી ફરી આપણા સમય મુજબ રાત્રે પોણા ત્રણ વાગ્યે લંડન જવા ઉપડતી એર ઈન્ડિયાની એ આઈ ૧૬૧ ફલાઈટમાં જોડાવા દિલ્હી એરપોટ … ત્યાં   લાં … બી લાં … બી  કતારો, એક બીજાને શોધવાના વ્યર્થ ફાંફાં .. મૂંઝવણ … વ્યાકુળતા વચ્ચે બોર્ડીગ પાસ મળતાં હાશકારો અનુભવી નિયત પ્લેટફોર્મ પર પહોંચ્યા ત્યારે એકબીજાનાં મોઢાં જોવા જેવા હતા .. હવે રાહ જોવાની હતી ..

તલબગારો સ્મોકીંગ ઝોન શોધવા લાગ્યા, કેટલાક તળાવ તરસ્યા પાણીની કે ઠંડા પીણાંની તલાશમાં .. બિહારીભાઈનો ભાણેજ હેતાર્થ વેફર કે પાણી બોટલ માટે મશીનમાં પૈસા નાખે અને મશીન એ પૈસા ખાઈ જાય પણ વસ્તુ ન આપે .. ખરી લહેર કરતાં કરતાં સમય થયો, વિમાન આકાશચારી થયું અને ભારતીય સમય મુજબ બારમી તારીખે બપોરના બાર પછી અને લંડનના સમય મુજબ સવારના સાડા સાત વાગ્યે હીથ્રો એરપોર્ટ પર અમારું પદાર્પણ .. લગભગ એકાદ કિલોમીટરની પદયાત્રા પછી ઈમિગ્રેશન વિધિ પૂર્ણ કરવા ફરી ક્યુમાં …. સર્પાકારે ગતિ કરતાં કરતાં અંતે ખેતશીભાઈનાં દર્શન અને હાશકારો .. બસમાં બેસાડ્યા, બસે હોટેલ હિલ્ટન ઉતાર્યા .. પણ અમારાં નામ તો હતાં હોટેલ હોલીડે ઈનના અતિથિ તરીકે .. સદ્દભાગ્યે એ સ્થળ પણ નજીકમાં જ .. સાંજે ચાર વાગ્યે તો કથા પ્રારંભ થવાનો હતો .. મુંબઈનો સંઘ પણ ચાર પહેલાં આવી પહોંચ્યો. કાઠિયાવાડી, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, સંસ્કૃત, ચારણી બારોટી ડિંગળી ભાષાઓના કવિઓ, સાહિત્યકારો, પત્રકારો, ભજનિકો, લોકકલાકારો, લોકગાયકો, સંશોધકો, ઇતિહાસ પુરાતત્ત્વવિદો, સંગીતકારો અને બાપુના કાયમી શ્રોતાજનોનું એકસો ચાલીશનું પેડું ઈન્ગ્લેન્ડની ધરતી સર કરવા ને પોતપોતાના ખેલ ભજવવા, એના મુખી નાયક મોરારિબાપુ સાથે સજ્જ ને તલપાપડ હતું …

સાંજના ચાર વાગ્યે કથાનો પ્રારંભ થયો .. વેમ્બલીના અતિ વિખ્યાત ઈનડોર સ્ટેિડયમ કે જેમાં ભારતના વડા પ્ર ધાનનો સન્માન સમારંભ યોજાયેલો ને આખા જગતે નિહાળેલો ત્યાં ભવ્ય વ્યાસપીઠ પર બિરાજીને બાપુ દ્વારા ‘માનસ મહિમ્ન’નું મંગલાચરણ .. બીજા દિવસે ૧૩ ઓગષ્ટ  રવિવારે કથા પછી તબલાં ઉસ્તાદ ઝાકીરહુસેન અને સિતારવાદક પંડિત નિલાદ્દ્રીપ્રસાદની જુગલબંદી .. ચૌદમી તારીખે વહેલી સવારના કવિમિત્ર સંજુ વાળા, સુનિલ જાદવ અને અંબાદાન સાથે વેમ્બલીના રસ્તાઓ પર પદયાત્રા .. દોઢેક કલાકની .. પછી કથામાં અને કથા પૂર્ણ થતાંવેંત બસમાં બિરાજમાન .. જોઈ લીધાં રાણીનો મહેલ ને લંડનના કેટલાંક પ્રખ્યાત સ્થળો .. પેલેસના બગીચામાં જ સાથે અપાયેલા મિષ્ટ ભોજનના આનંદ સાથે સમૂહ તસવીર .. એ પછી તરત જ યજમાન રમેશભાઈના નવા બંધાયેલા આવાસે જ્યાં ગુજરાતી કવિસંમેલન, નરોત્તમ પલાણ, જય વસાવડાનાં વ્યાખ્યાનો ..

પંદરમી ઓગષ્ટ અને જન્માષ્ટમીનો સંયુક્ત તહેવાર .. ધર્મ અને રાષ્ટ્રભક્તિનો અદ્દભુત સુયોગ .. રાસ ગરબા અને રાષ્ટ્રગીતો સાથે કથામાં માણ્યો. વકતાઓમાં ભદ્રાયુભાઈ … અને કાજલ ઓઝા વગેરે .. સોળમી તારીખે બિહારીભાઈએ હેમુભાઈનાં સ્વરોની યાદ આપી, ચિંતન પંડ્યાએ સર આઇઝેક ન્યૂટન વિષે અદ્દભુત રજૂઆત કરી, અને નાથાલાલ ગોહિલે – મારગી પરંપરા –વિષે .. પછી ઉર્દું મુશાયરો .. રાત્રે ભોજન પછી નિરાંતે બાપુને મળ્યા, બ્રિટિશ લાયબ્રેરીમાં સચવાયેલી આપણી સંતસાહિત્યની અને ચારણીસાહિત્યની હસ્તપ્રતો જોવા જવું છે એવી મનોકામના વિશે વાત કરી. ત્યાં તો રિશિભાઈ, રૂદ્ર, જાનકી, રાધિકા એ માટે વ્યવસ્થા કરવા તત્પર .. અને સતરમી તારીખની કથા છોડીને પણ અમે ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ બ્રિટિશ લાયબ્રેરીની મુલાકાતે મનોજ રાવલ, નાથાલાલ ગોહિલ અને અંબાદાનભાઈ નીકળી પડ્યા. કાયમી સભ્યપદ નોંધાવ્યું, પ્રવેશકાર્ડ મેળવ્યું, હસ્તપ્રત ભંડારની મુલાકાત લીધી, ત્યાંના એશિયન આફ્રિકન હસ્તપ્રત વિભાગમાંની સૂચિઓ તરત જ એક વયસ્થ અંગ્રેજ સન્નારીએ પૂરા ભાવથી અમારા હાથમાં મૂકી આપી .. હરિરસ, અવતારચરિત્ર, કબીરપદો, દાદુ પદો, અનેક પદસગ્રહોના ગુટકાઓ … માત્ર સૂચિ જોતાં જ નજર ફેરવતાં જ ત્રણેક કલાક ક્યાં વહી ગયા એનું ભાન ન રહ્યું .. વળી અમારે લંડન આઈ માટે નીકળનારા સંઘમાં સામેલ થવાનું હતું. .હવે આનંદઆશ્રમમાં બેસીને ઓન લાઈન બધી સામગ્રી જોઈ વાંચી શકાશે એવા સંતોષ સાથે બહાર નીકળ્યા ત્યારે આપણી ભવ્ય સાંસ્કૃિતક વિરાસત પણ બ્રિટન દ્વારા કઈ રીતે જળવાણી છે અને પોતાની ભાષા ન જાણનારા સંશોધકો માટે ગ્રંથાલયના કર્મચારીઓ કેટલો દાખડો કરી શકે છે એની પ્રતીતિ સાથે અહોભાવથી મસ્તક નમી પડ્યું ..

કથામાં બાપુએ નાથાલાલ ગોહિલના ‘મારગી પરંપરા’ વિષયક પ્રવચનનો ભાવથી ઉલ્લેખ કરેલો એવું મિત્રો દ્વારા જાણ્યું ત્યારે આનંદ બેવડાયો. લંડન આઈના ચકડોળમાં ડાયરાના કલાકારોએ દુહા છંદની રમઝટ બોલાવી, જેના સ્વરહિલ્લોળ ત્રણસો સાઠ ડિગ્રી દશે દિશાઓમાં પ્રસરતા રહ્યા.

રાત્રે વેમ્બલીના જલારામ મંદિરે સત્સંગીઓ સામે નાનકડા પ્રવચન બાદ સ્નેહી ભજનિક  ખીમદાસજી દાણીધારિયાના નિવાસસ્થાને સંતવાણી સાંભળવાનો,નાથાલાલ ગોહિલના ‘મહાધરમ’ વિષયક પ્રવચનનો અને સંતવાણી પ્રસ્તુત કરવાનો પણ લાભ અનાયાસ મળી ગયો ..

એ પછીના દિવસે એટલે કે અઢારમી તારીખે કથા બાદની સાંય સભામાં આરીફ મોહમ્મદ ખાન, વસંતભાઈ ગઢવી, શાહબુદ્દીન રાઠોડ વગેરેના વક્તવ્યો બાદ લોકસાહિત્ય, ચારણીસાહિત્ય, બારોટીસાહિત્ય, સંતવાણી અને ડાયરાના કલાકારો દ્વારા રજુઆતો થઈ, જિતુદાન ગઢવીના સંચાલનમાં .. જેમાં બાપુ સામે પ્રથમવાર સાજ-સંગત સાથે પરંપરિત ભજનવાણીની પ્રસ્તુિત કરવાનો સુયોગ પ્રાપ્ત થયો, જેનો રાજીપો બાપુએ બીજા દિવસની કથામાં પણ વ્યક્ત કર્યો. મને તો આનંદ થતો રહ્યો કેટલાક વડીલ ગુરુજનોની મદીલી લીલાઓને મોબાઈલના વીડિયોમાં કંડારવાનો .. ફિલમ ઉતારવાનો …

ઓગણીસમી તારીખ શનિવારે કથા સમયે બ્રિટનમાં વિધવિધ સ્થળે વસવાટ કરતા કેટલાંક સગાંવહાલાં કુટુંબીજનોનો મેળાપ થયો. કથા પછી એમને સાથે જમાડ્યાં ને રાજી કર્યા.ં ત્રણ વાગ્યે સન્મિત્ર વિપુલ કલ્યાણી હોટેલ પર મળવા આવ્યા, હજુ હોસ્પિટલમાંથી રજા જ મળેલી એવી નાદુરસ્ત તબિયત છતાં મેં અણજાણ્યે એમને દાદરા ચડાવ્યા .. મને અને મનોજભાઈને મળવા આવેલા, સાથે રતિલાલ બોરીસાગર સાહેબને યાદ કર્યા એટલે મેં એમને બોલાવવા ફોન કયો, ત્યાં પલાણસાહેબ જે બોરીસાગરસાહેબની રૂમમાં જ સાથે રહેનારા .. એમને પણ ખબર પડી અને દોડી આવ્યા .. થયું કે આદરણીય અને જેના તરફ પૂજ્યભાવ છે એવા વડીલો હવે અપ્રાસંગિક અસંગત પ્રલાપોથી કેમ દૂર નહીં રહી શકતા હોય ? પણ અંદરનું હસવું ખાળીને મોબાઈલ કેમેરામાં એની ફિલમ માંડમાંડ ઉતારતો રહ્યો.

આજે તો સાંય સભામાં ઉર્દૂ મુશાયરાનો બીજો ભાગ છે, વળી બળવંત જાની દ્વારા ડાયસ્પોરા એવોર્ડ સાહિત્યકાર વલ્લભ નાંઢાને .. જગદીશ દવેનું સન્માન .. પહોંચવાની ઉતાવળ છે … છૂટા પડ્યા, નીકળ્યા, પહોંચ્યા. સમારંભ જોયો, બળવંતભાઈનું સંચાલન અને વક્તાઓને સાંભળ્યા,  રઘુવીરભાઈની સ્પીચ રેકોર્ડ કરી, નગીનદાસબાપાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં આજની કથાનો સાર જ અંગ્રજીમાં આપી દીધો … ઉર્દૂ મુશાયરો શરૂ થાય એ પહેલાં જ બાપુ પાસે જઈને  ‘હવે કાલે સવારે તો વિદાય લેશું એટલે કથામાં નહીં અવાય એટલે આગોતરી રજા લઈએ છીએ ..’  … કહીને ભોજન માટે અને ત્યાંથી પથારી ભેગા ..

નવ  દિવસોમાં કેટકેટલાં સ્નેહીજનો-વડીલો-મિત્રોનો અંતરંગ પરિચય કેળવાયો .. એકસોને ચાલીશમાંથી બધાનાં નામ તો નહિ લઇ શકું પણ તત્કાલ સ્મૃિતમાં આવે છે – રઘુવીરભાઈ, રતિલાલ બોરીસાગર, કેશુભાઈ દેસાઈ, હર્ષદભાઈ-બિન્દુબહેન, માધવ રામાનુજ, જલન માતરી, વસંતભાઈ ગઢવી સાહેબ, વિનોદ જોશી, તુષાર શુક્લ, જવાહર બક્ષી, કૌશિક મહેતા, જ્વલંત છાયા, મિલિન્દ ગઢવી, શોભિત દેસાઈ, નીતિન વડગામા, ભદ્રાયુભાઈ, જય, કાજલબહેન, અંકિત, ખલીલ ધનતેજવી, રાહત ઇન્દોરી, હર્ષદેવ માધવ, વિજય પંડ્યા, આરીફ મોહમ્મદખાનસાહેબ  જેવા  શબ્દ સાધકોની સાથોસાથ જીતુદાન ગઢવી, શાહબુદ્દીન રાઠોડ, કમલેશ ગઢવી, જગમાલ બારોટ, ભારતીબહેન કુંચાલા, લલિતાબહેન, ભારતીબહેન વ્યાસ, રામભાઈ બારોટ, મેરાણભાઈ, રામદાસજી, પુરુષોત્તમ પરી, પોરબંદરથી રાસમંડળીના રાણા સીડા, વસંતદાસ બાપુ, દ્વારકાથી કેશવાનંદજી, લિફ્ટમાં બેસતાં ધ્રુજતા રહેતા બાબુભાઈ કાગ, જબરા વાચક-વિચારક કરણભાઈ ચારણ, નજુભાઈ ખુમાણ, ભરતભાઈ ડેર અને ઉર્દૂ શાયરો, ગુજરાતી કવિઓ, ડાયરાના તમામ  કલાકારો … (આ  બધા જ મારા પરમ સ્નેહીઓ છે – જેની નામાવલી પુસ્તકમાં તો આવશે જ..)  

વીસમી તારીખની  સવારે સાડા આઠે તો હોટેલ છોડી દીધી, લંડન એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની એ આઈ ૧૭૬ ફલાઈટ ત્યાંના સમય મુજબ ૧ર ૩પની .. ફરી લાં … બી લાં .. .બી કતારો, સર્પાકાર ગતિ, પહેલાં પ્લેટફોર્મ જોઈ લઈએ અને પછી ખરીદી કરીશું એવી અણસમજને કારણે સંજુ વાળાનો હાથ પકડી દોટ દીધી, એમના ટેક્સ વાઉચર પડ્યા રહ્યા, ન કશી ખરીદી થઈ શકી ને  ટનલમાં  આમતેમ આથડતાં માંડ માંડ વિમાનને દરવાજે પહોંચ્યા .. મારી અણસમજ ને અધિરાઈનો ભોગ કોઈક મિત્ર બને એવી ઘટનાઓ હવે પછી ન બને એવી મનોમન પ્રાર્થના, છેક રાત્રે અઢી વાગ્યે અમદાવાદ પહોંચ્યો, ને ત્યાંથી રિક્સા પકડી પાલડી વરસતા વરસાદે, રાજકોટ ને  ત્યાંથી ઘોઘાવદર પહોંચ્યો, ત્યાં લગી  કરતો રહ્યો ……

30 અૉગસ્ટ 2017

https://www.facebook.com/niranjan.rajyaguru/posts/1442671889113270

Loading

2 September 2017 admin
← Did RSS Participate in Freedom Movement?
મુસ્લિમ ઉમ્માહ એટલે શું? … ભારતીય મુસ્લિમોમાં વ્યાપેલ સામાજિક સ્તરીકરણ અને સામાજિક ચળવળો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved