વડા પ્રધાનને ભડવીરની ઇમેજ નડતી હોય તો વિદેશપ્રધાનને કાગારોળ કરતાં આવડે છે. તેઓ લાંબું વિચારી શકે છે, પરિપક્વ વિવેકી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહેલી મુદતના ૧૭ મહિના બચ્યા છે. આ વરસના પાંચ મહિના અને આવતા વરસના ૧૨ મહિના. ૨૦૧૯ના જાન્યુઆરી મહિનાથી લોકસભાની ચૂંટણીનાં વાદળો ઘેરાવા લાગશે અને એપ્રિલ મહિનાથી ચૂંટણી યોજાવાનું શરૂ થશે. આ પણ દેશનું દુર્ભાગ્ય છે કે ચૂંટણીના છ મહિલા પહેલાંથી શાસકો શાસક મટીને પ્રચારક બની જાય છે. આવું પહેલાં નહોતું બનતું. પહેલાં ચૂંટણીપ્રચાર રસ્તા પર થતો હતો જે હવે મીડિયાના માધ્યમ દ્વારા કરવામાં આવી રહ્યો છે, એટલે એમાં નાટકીયતા અને ઘોંઘાટ વધ્યાં છે. નાગરિક સાથે સીધો સંપર્ક રહ્યો નથી એટલે નાગરિકને ભરમાવવાનું તત્વ વધ્યું છે. એ તો દેખીતી વાત છે કે કોઈને ભરમાવવા માટેની તૈયારી ઘણી વહેલાસર કરવી પડતી હોય છે.
રહી વાત બીજી મુદતની તો બીજી મુદત પોસ્ટડેટેડ ચેક છે. ગમે એટલો ભરોસો હોય તો પણ અંતે તો એ ભાવિ મુદતનો ચેક છે, જે વટાવવા મળશે કે કેમ એની ખાતરી તો વડા પ્રધાન પોતે પણ ન આપી શકે. હા, નગદ ૧૭ મહિના વડા પ્રધાનના ખિસ્સામાં છે અને એ કોઈ ઝૂંટવી શકે એમ નથી સિવાય કે કોઈ અણધારી ઘટના બને. બીજું, વડા પ્રધાન આ ૧૭ મહિના કઈ રીતે વાપરે છે અને હવે પછીના ૧૭ મહિનામાં શું બનશે અને સરકાર એનો કઈ રીતે સામનો કરશે એના પર પણ બીજી મુદત નિર્ભર કરે છે. આમ કાળના ગર્ભમાં શું છે એની ખાતરી કોઈ આપી શકે નહીં, પરંતુ વર્તમાન વડા પ્રધાનના હાથમાં પાકા ૧૭ મહિના છે અને વીતેલા ૩૮ મહિનાનો અનુભવ ગજવામાં છે.
મારી સમજ મુજબ વડા પ્રધાન સામે અત્યારે ચાર મુખ્ય પડકારો છે. પહેલો પડકાર ચીનનો છે. બીજો પડકાર આતંકવાદ, જમ્મુ અને કાશ્મીર અને ઈશાન ભારતનો છે. એ પડકાર જેટલો કાયદો અને વ્યવસ્થાનો છે એટલો રાજકીય છે. આમ આંતર-બાહ્ય અશાંતિ બીજો પડકાર છે. ત્રીજો પડકાર આર્થિક મોરચે છે અને એમાં પણ રોજગારીના ઘટતા પ્રમાણનો છે. ચોથો પડકાર ઇમેજનો છે. નરેન્દ્ર મોદી વિકાસની નાવમાં બેસીને દિલ્હી આવ્યા હતા અને ગાય જેવા હિન્દુત્વના વમળમાં અટવાઈ રહ્યા છે. આ બધું તેમની સંમતિ સાથે ભાયાતો કરી રહ્યા છે કે તેમની મરજી વિરુદ્ધ માથાભારે કરી રહ્યા છે એનો ખુલાસો હવે વહેલી તકે વડા પ્રધાને કરવો પડશે. બે નાવની સવારી અનંત સમય સુધી ન થઈ શકે. આમ ધૂંધળી અને ઈમાનદારી વિશે શંકા પેદા કરે એવી ઇમેજ એ ચોથો પ્રશ્ન છે.
પહેલો સૌથી મોટો પડકાર ચીનનો છે. ચીને ભારતની છાતી પર બેસીને વડા પ્રધાનનું ગૌરવખંડન કરી રહ્યું છે. ભોંઠપમાં મુકાઈ જવું પડે એ હદે ભડવીર હોવાની ઇમેજના ભાંગીને ભુક્કા થઈ રહ્યા છે. લાર્જર ધૅન લાઇફ ઇમેજ ડેવલપ કરવાના આ ગેરફાયદા છે. અહીં ઇન્દિરા ગાંધીમાં અને નરેન્દ્ર મોદીમાં ફરક છે. ઇન્દિરા ગાંધી પણ તાનાશાહી વલણ ધરાવતાં હતાં, પરંતુ જો લાચાર બનવાથી મગ પાકતા હોય તો તેમને લાચારીનો દેખાવ કરવામાં શરમ નહોતી આવતી.
૧૯૭૦-’૭૧ના બંગલા દેશ સંકટ વખતે તેમણે શરૂઆતમાં લાચારીનું સૉન્ગ રચ્યું હતું. જગતભરના નેતાઓ સમક્ષ તેઓ ખોળો પાથરતાં હતાં કે જુઓને અમારી પડોશમાં શું બની રહ્યું છે. કતલેઆમ થઈ રહી છે, નિર્દોષ લોકોનું લોહી રેડાઈ રહ્યું છે, અમારાથી જોવાતું નથી, નિરાશ્રિતો અમારે ત્યાં ઠલવાઈ રહ્યા છે, માનવતાનો સાદ સાંભળીને અમે નિરાશ્રિતોને આવતા રોકી શકતા નથી અને તેમનો બોજો અમારાથી સહન થતો નથી, ભારત વિકાસશીલ ગરીબ દેશ છે વગેરે. મુસ્લિમ દેશો સુધી ભારતની લાચારી પહોંચાડવા માટે તેમણે મુસ્લિમ નેતાઓનો ઉપયોગ કર્યો હતો અને જગતભરના યુદ્ધવિરોધી શાંતિવાદીઓ સમક્ષ ભારતની લાચારી પહોંચાડવા માટે તેમણે સર્વોદયી નેતા જયપ્રકાશ નારાયણનો ઉપયોગ કર્યો હતો. જેઓ સત્તામાં નહોતા, પરંતુ વિશ્વસમાજમાં કૉન્શિયસકીપર તરીકેની પ્રતિષ્ઠા ધરાવતા હતા એ લોકો સુધી પણ ભારતની લાચારી પહોંચાડવાનું અને રડવાનું ઇન્દિરા ગાંધી ચૂક્યાં નહોતાં. અમે સંકટમાં મુકાઈ ગયાં છીએ અને તમે તારણહાર બનીને અમને ઉગારી શકો છો એમ કહેવામાં ઇન્દિરા ગાંધી ભોંઠપ નહોતાં અનુભવતાં.
ઇન્દિરા ગાંધીને દુર્ગાની ઇમેજ બંગલા દેશનું યુદ્ધ જીત્યા પછી મળી હતી, મીડિયા દ્વારા દુર્ગાની ઇમેજ સ્થાપીને તેઓ વડાં પ્રધાન નહોતાં બન્યાં. ઇન્દિરા ગાંધીમાં અને નરેન્દ્ર મોદીમાં મોટો ફરક આ છે. સંકટ ૧૯૭૧ જેવું જ છે, પણ ભડવીર હોવાની ઇમેજ આડી આવે છે. ઇન્દિરા ગાંધીથી ઊલટું ચીનના પ્રશ્ને ભારતની ભૂમિકાથી જગતને વાકેફ કરવા માટે નરેન્દ્ર મોદીની સરકારે હજી સુધી કોઈ પ્રયતïનો કર્યા હોય એવું જોવા મળ્યું નથી. વડા પ્રધાનને ભડવીરની ઇમેજ નડતી હોય તો વિદેશપ્રધાન સુષમા સ્વરાજને કાગારોળ કરતાં આવડે છે. તેઓ લાંબું વિચારી શકે છે, પરિપક્વ વિવેકી છે એટલે ચીનનો હવાલો તેમને સોંપી દેવો જોઈએ. ગલઢા ગાડાં વાળે એ ન્યાયે વિવેકવૃદ્ધ સુષમા સ્વરાજ સિક્કિમની સરહદેથી કદાચ ચીનનાં ગાડાં વાળી શકે એમ છે.
એક પ્રસંગ યાદ આવે છે. ૨૦૧૪માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સેક્રેટરી-લેવલે ચર્ચા નક્કી થઈ હતી. ચર્ચા પહેલાં પાકિસ્તાનના ભારત ખાતેના એલચીએ કાશ્મીરના હુર્રિયતના નેતાઓને મળવા બોલાવ્યા હતા. ભારતે એનો વિરોધ કર્યો અને મંત્રણા રદ કરી નાખી. અત્યારે ચીનના ભારત ખાતેના એલચી ભારતના નેતાઓને તો મળે છે, પણ વિશ્વદેશોના એલચીઓને પણ મળે છે અને હદ તો એ વાતની છે કે તેઓ ભુતાનના રાજાને મળવા થિમ્પુ ગયા હતા અને નેપાલના વડા પ્રધાનને મળવા કાઠમાંડુ પણ ગયા હતા. એક તરફ ઓવર-રીઍક્ટ કરવાનું અને બીજી તરફ અપમાન સહન કરી લેવાનું એ નીતિ બરોબર નથી.
જાગ્યા ત્યાંથી સવાર એ ન્યાયે વડા પ્રધાને માફકસરની મુત્સદ્દીગીરી અપનાવવી જોઈએ. પાકિસ્તાનને ધમકાવવાની જરૂર નથી અને ચીનથી ડરવાની જરૂર નથી. મુત્સદ્દી વાપરીને ચીનની નીચેથી ફસાયેલો હાથ હળવેકથી કાઢી લેવાનો છે. એને માટે કાગારોળ કરવી પડે તો એ પણ મુત્સદ્દીગીરીનો ભાગ છે. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. આ જગતમાં કોઈ રુસ્તમ હોતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો વડા પ્રધાને ભડવીર હોવાની ઇમેજની કેદમાંથી બહાર આવવાની જરૂર છે અને એ જો અઘરું લાગતું હોય તો આગળ કહ્યું એમ વિવેકવૃદ્ધ સુષમા સ્વરાજને ચીનનો હવાલો સોંપી દેવો જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2017