અહમદશાહે આબાદ કર્યા પછી સતત છ સદી સુધી આબાદ રહેલા અમદાવાદને 'યુનેસ્કો’ તરફથી વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની માન્યતા મળી. તેનો વાજબી આનંદ-ઑચ્છવ મનાવી લીધા પછી ગૌરવવંતા અમદાવાદી કે ગુજરાતી તરીકે મથાળામાં પુછાયેલા સવાલ અંગે થોડો વિચાર કરવા જેવો છે. ‘યુનેસ્કો’ ખાતે ભારતનાં કાયમી પ્રતિનિધિ રુચિરા કમ્બોજે અમદાવાદ વિશે લખ્યું કે,’ગાંધીજીએ શરૂ કરેલી આઝાદીની ચળવળનું કેન્દ્ર, હિંદુ અને જૈન મંદિરો, હિંદુ-મુસ્લિમ કળા અને ઇન્ડો-ઇસ્લામિક શૈલીનાં સ્થાપત્યો અને આ બધા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ખ્યાલ મૂર્તિમંત કરતું શહેર.’ ('સસ્ટેનેબલ ડેવલપમેન્ટ' એટલે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગરનો વિકાસ)
આ તો થઈ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનમાં લખવાની વિગતો, જે સાચી છે, પણ પૂરતી નથી. અમદાવાદ શહેરમાં બે-એક દાયકાથી ચાલતા હેરિટેજ કાર્યક્રમમાં જૂની પોળો, તેનાં મકાન, પાણી ભરવાનાં ટાકાં, કોતરકામ, હીંચકા, ચબૂતરા જેવી બાબતો પ્રાધાન્ય ભોગવે છે. પણ હેરિટેજના ખ્યાલને આટલેથી અટકાવી દેવા જેવો નથી. અમદાવાદ એ ચાંપાનેર કે હમ્પીની જેમ ઊજડી ગયેલું શહેર નથી. છ સદીથી તેમાં લોકો રહે છે. માટે તેમના વિના હેરિટેજની સમજ કે વાત કદી પૂરી થઈ શકે નહીં.
શહેરને વૈશ્વિક વારસાના ભાગરૂપ જાહેર કરવામાં આવે, તેનો અર્થ એવો પણ નહીં કે પચાસ-સો-બસો જોવાલાયક વસ્તુઓ દેખાડીને, બાકીની ચીજોને લીલા પડદા પાછળ સંતાડી દેવી (જેવું મહાનુભાવોના — અને હવે તો સ્થાનિક એવા વડાપ્રધાનના — આગમન વખતે પણ કરવામાં આવે છે.) આ એક જીવંત શહેર છે અને મોટા ભાગના ભારતની જેમ અહીં પણ બે-અઢી સદીઓ એકસાથે ચાલે છે. હેરિટેજનો વિશાળ અર્થ છેઃ જાળવવા જેવી જૂની ચીજો-લાક્ષણિકતાઓ જાળવી રાખવી અને તજવા જેવી બાબતો તજી પણ દેવી. ગોટાળો ત્યારે થાય છે, જ્યારે આપણા આયોજનોમાં ઘણી કામની ચીજોની ઉપેક્ષા સેવાય છે અને ઘણે ઠેકાણે હેરિટેજનાં નામે કરોડોના ધુમાડા કરીને મૂળ વસ્તુનો કબાડો કરી નાખવામાં આવે છે. હેરિટેજની જાળવણીના પાયામાં રહેલા ઍસ્થેટિક્સ(સૌંદર્યદૃષ્ટિ)ની તેમાં સદંતર અવગણના થાય છે ને રૂપિયા ખર્ચીને સંતોષ મેળવવાનું મુખ્ય બની જાય છે.
તેનું એક શરમજનક ઉદાહરણ એટલે ભદ્ર વિસ્તારમાં ભારે ખર્ચ કરીને તૈયાર કરવામાં આવેલું ભદ્ર પ્લાઝા. હેરિટેજનાં નામે ભદ્રના કિલ્લાના વિસ્તારમાં રસ્તા પર પથ્થરો જડી દેવા, લોકો મુક્ત રીતે હરીફરી શકે તે માટે વાહનનો પ્રવેશ બંધ કરી દેવો અને સદીઓ જૂની આ હેરિટેજ સાઇટની બન્ને બાજુએ અત્યંત કદરૂપા અને આંખમાં વાગે એવા લોખંડી દરવાજા લગાડી દેવા. તેમ છતાં, અંદર દ્વિચક્રી-ત્રિચક્રી વાહનો ધરાર ફરતાં હોય, પહેલાંની જેમ બજાર પણ લાગેલું હોય.
ભદ્ર પ્લાઝાનું પ્રવેશદ્વાર
આખું આયોજન અત્યંત કૃત્રિમ લાગે એવું અને ત્યાં ચાલનારાઓ માટે જરા ય સગવડદાયક કે હેરિટેજનો અહેસાસ કરાવે એવું નથી. હેરિટેજની જાળવણી એટલે ધૂમ ખર્ચો કરીને મોંઘા પથ્થર લગાડવા ને રાત પડ્યે રંગબેરંગી લાઇટિંગ કરવું — એવી જૂનવાણી, મુગ્ધ સમજને 'વૈચારિક હેરિટેજ' તરીકે વળગી રહેવાની જરૂર નથી — ભલે સરેરાશ લોકો તેનાથી પ્રભાવિત થઈ જતા હોય.
એમ તો ‘યુનેસ્કો’ ગમે તે કહે, પણ કાંકરિયાના કહેવાતા વિકાસને ભાગ્યે જ હેરિટેજનું રક્ષણ કહી શકાય. જૂનું કાંકરિયા તળાવ ખરા અર્થમાં લોકોને મળેલો વારસો હતું. તેમાં સરકારની કોઈ દખલગીરી ન હતી. કાંકરિયાની ફરતેના રસ્તા પરથી પસાર થનાર ગરીબ-અમીર સૌ કોઈને કાંકરિયાના શાતાદાયક દૃશ્યનો અને ઉનાળામાં તેની ઠંડકનો થોડોઘણો અહેસાસ વિના મૂલ્યે — અને ઘણી વાર વિના પ્રયાસે મળી જતો હતો. ત્યાર પછી તેનો 'વિકાસ’ કરવામાં આવ્યો, ત્યારે સ્વચ્છતા જાળવવાનાં નામે તેની ચોતરફ કિલ્લેબંધી કરી નાખવામાં આવી. રાષ્ટ્રપતિભવનના દરવાજાની નકલ જેવા દરવાજા લગાડી દેવાયા અને પ્રવેશ માટે ટિકીટ થઈ ગઈ. 'પબ્લિક સ્પેસ' કહેતાં જાહેર જગ્યાઓ પણ આપણો હેરિટેજ છે, પરંતુ તેને જાળવવા માટે આપણાં વહીવટી તંત્રો જરા ય ઉત્સાહી નથી. બાકી, તળાવને દીવાલો વચ્ચે પૂરી દેવાની અને તેમાં પ્રવેશના રૂપિયા લેવાની કમતિ રાજાશાહીમાં રાજાઓને ન સૂઝી, તે લોકશાહીના 'સેવકો'ને કેવી રીતે સૂઝત ?
દરવાજામાં બંધ કાંકરિયા તળાવ
પરંતુ 'પબ્લિક સ્પેસ'ના લોકશાહી ખ્યાલને વહીવટી તંત્રે 'સ્વચ્છ' કરી દીધો છે. એટલે એક સમયે જાહેર જીવનથી અને વૈકલ્પિક વિચારસરણીઓથી ધબકતા અમદાવાદમાં ધીમે ધીમે એવી જગ્યાઓ ખતમ થતી ચાલી છે. ગુજરાતમાં રાત્રે બે વાગ્યે પણ સલામતીની ચિંતા હોતી નથી, એવું ગાઇવગાડીને કહેનારા શબ્દાર્થમાં સાચા, છતાં બે કારણસર તાત્ત્વિક રીતે જૂઠા છેઃ આવી સલામતી કોઈ શાસકે આપેલી નથી. એ મહદ્ અંશે સામાજિક પોતમાંથી આવી છે. બીજા શબ્દોમાં કહો તો, એ પણ ગુજરાતનો-અમદાવાદનો હેરિટેજ છે. તેના માટે કોઈ શાસકોએ જશ ઉઘરાવવાની જરૂર નથી. ઉલટું, વર્તમાન વહીવટી તંત્રોના પ્રતિનિધિઓ રાત્રે અગિયાર-સાડા અગિયાર વાગ્યે દંડા પછાડતા સડકો પર નીકળી પડે છે અને લોકોને ઘરભેગા કરી દઈને, પોતાની ફરજ અદા કર્યાનો સંતોષ અનુભવે છે. રાત્રે બે વાગ્યે કોઈ નીકળતું જ ન હોય, પછી સલામતીની ચિંતા ક્યાંથી હોય?
હેરિટેજમાં મહત્ત્વનો હિસ્સો અમદાવાદની વિખ્યાત પોળોનો છે. એક સમયે નવી ચેતના ઝીલવાના કેન્દ્રો બનેલી પોળો સમય જતાં રાજકીય સંકીર્ણતાનો ભોગ બનીને, તેમનાં બીબામાં ધીમે ધીમે ઢળતી ગઈ. હવે પોળોમાં હવેલીઓ ને મકાનો રીસ્ટોર કરવામાં આવે છે, તેમાં શોખીન દેશી-પરદેશીઓ રહેવા આવે છે, પણ પોળના લોકોને પૂછશો તો કહેશે કે પોળની અસલી સંસ્કૃિત મરી પરવારી છે. જીવતા શહેરોમાં ફક્ત ઇમારતો હેરિટેજ હોઈ શકતી નથી. ત્યાં રહેનારાની સંસ્કૃિત અને સાંસ્કૃિતક આદાનપ્રદાન – સહઅસ્તિત્ત્વ હેરિટેજનો સૌથી મહત્ત્વનો હિસ્સો હોય છે, પરંતુ નવાં સમીકરણોમાં રાજકીય યોજનાઓને અનુકૂળ ન હોય એવી બાબતોની ખાસ ચર્ચા કરવામાં આવતી નથી.
સાંસ્કૃિતક આદાનપ્રદાનની વાત આવે ત્યારે એ પણ કહેવાનું થાય કે ઇન્ડો-ઇસ્લામિક પરંપરાનું સ્થાપત્ય ધરાવતી ઘણી મસ્જિદો, મીનારા ને રોજા અમદાવાદની શાન છે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવામાં આ ઇમારતોનો મોટો ફાળો છે. પરંતુ ત્યાં લટકતાં વાયરનાં લટકણિયાં કે તેના દેખાવમાં વચ્ચે વચ્ચે ખૂંચતાં માઇકનાં ભૂંગળાં ખટકે એવાં હોય છે. એમાં ધર્મ કે ધર્મસ્થાનની ટીકાનો સવાલ આવતો નથી. પરંતુ આપણે વડવાઓ તરફથી મળેલી એક સુંદર જગ્યામાં બંદગી કરતા હોઈએ, ત્યારે એ જગ્યાના સૌંદર્યમાં વધારો ન થાય તો ભલે, પણ ઘટાડો ન થાય એ જોવાની આપણી જવાબદારી છે. એટલે આ જગ્યાઓની દેખરેખ રાખનાર સમિતિઓએ પોતાની પહેલથી ઇમારતની શોભા બગાડતાં વાયર ને માઇકનાં લટકણિયાં દૂર કરીને તેમને એવી રીતે ગોઠવવાં જોઈએ કે જેથી તે જોનારને નડે નહીં. આમ કરવામાં ધર્મને કે ધાર્મિક ભાવનાને કશું નુકસાન પહોંચવાનું નથી. ઉલટું, સૌંદર્યદૃષ્ટિ ધરાવતા, લાયક વારસદારો તરીકેનું ગૌરવ આપણે અનુભવી શકીશું.
સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.co.uk/2017/07/blog-post_16.html
(‘વારસાનો વિચાર’, “દિવ્ય ભાસ્કર”, 11 જુલાઈ 2017)