Opinion Magazine
Number of visits: 9447110
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડૉ. નરેશ વેદઃ આદર્શ અધ્યાપક અને કુશળ વહીવટકર્તા

પ્રશાંત પટેલ|Profile|11 July 2017

વલ્લભ વિદ્યાનગરને પોતાની કર્મભૂમિ બનાવી જેમણે શિક્ષણ તેમ જ સાહિત્યક્ષેત્રે પરિણામલક્ષી કામ કર્યું છે તેવા નરેશ વેદનાં નામકામથી શિક્ષણ, સાહિત્યજનો ભાગ્યે જ અજાણ હશે. વિશ્વ તેમ જ ભારતીય સાહિત્યના બહોળા વાચન-લેખનથી અને નોખી અભિવ્યક્તિથી તેમણે સાહિત્યજગતને ઘણું ઘણું આપ્યું છે. સાહિત્ય, શાસ્ત્રો, વિદ્યાઓ, સાયન્સ વિશે તેમને સાંભળવા એ પણ એક લહાવો ગણાય. હું અને મારા જેવા અનેક વિદ્યાર્થી સદ્‌ભાગી રહ્યાં છીએ કે વેદ સાહેબ પાસે અમને ભણવાનો લાહવો મળ્યો. ઉમાશંકર જોશીએ ‘વર્ગ એ જ સ્વર્ગ’ની જે વાત કરેલી તેવા સાહિત્યશિક્ષણ વર્ગ-સ્વર્ગનાં અમે સાક્ષી બન્યા છીએ. અમે ક્યારે ય વેદ સાહેબનો ક્લાસ મિસ કર્યો નથી. વર્ગખંડમાં એમનો પ્રવેશ થતાં વેંત અમારા સૌમાં એક જુદા પ્રકારનો માહોલ વ્યાપી વળતો. આજે ય વર્ગમાં પ્રવેશતો તે વેળાએ સહેજ ગંભીર પણ તેજસ્વી ભાસતો ચહેરો આ લખું છું ત્યારે મારા ચિત્તમાં જીવંત બની ઊઠે છે. એ ભણાવવાની શરૂઆત કરે ને અમે એટલા બધા તલ્લીન થઇ ઊઠીએ કે વર્ગ હંમેશાં વહેલો પૂરો થયાનો અમને વસવસો રહી જતો. આગલા દિવસે જે ભણાવ્યું હોય તેનાં રિવિઝન સાથે એ નવા મુદ્દાનો આરંભ કરે. તેઓ પાશ્ચાત્ય મીમાંસા વિશે, ભારતીય સાહિત્ય વિશે, ઉમાશંકર જોશી, સુરેશ જોષી વિશે વાત કરે, તેમની વાતમાં એટએટલા સંદર્ભો, અંગત અનુભવો ગૂંથાતાં-વણાતા આવે કે અમે એમના વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બની સાંભળ્યા કરી ધન્યતાનો અનુભવ કરીએ. ઘણાં વર્ષોથી મુંબઈમાં ચાલતી એમની વ્યાખ્યાનમાળા સાંભળવા પ્રબુદ્ધજનો ઉમટી પડે એ વાત જ એમની ઊંડી પરિપક્વ સમજની સાહેદી પૂરે છે.

વર્ગમાં આરંભથી જ તેમણે અમને જણાવી દીધેલું કે શરૂ વર્ગે તમને ન સમજાય તેવા પ્રશ્નો મને અટકાવીને પણ તમે પૂછી શકો છો અને જરૂર જણાય ત્યારે બેઝિઝક તમે મારી કેબીનમાં આવીને પણ વાત કરી શકો છો. સાહેબને શરૂ વ્યાખ્યાને તો નહિ પણ ટોપિક પૂરો થયા પછી અમે ખૂબ પ્રશ્નો પૂછતા અને સાહેબ ભાવપૂર્વક એના જવાબો વાળતા. એમની સાથેનો મારો એક અવિસ્મણીય પ્રસંગ એવો છે કે નવલકથા સંદર્ભે વાતચીત કરવા હું એમની કેબીનમાં પરવાનગી મેળવીને અંદર પ્રવેશ્યો. ત્યાં ત્રણેક મહેમાનો એમની સાથે વાતચીત કરતા હતા. હું જેવો અંદર પ્રવેશ્યો તેવું જ સાહેબે મીઠું સ્મિત કરી ને મને પૂછ્યું કંઈ કામ છે? મેં હકારમાં માથું હલાવતાં મારે નવલકથા વિશે જાણવું છે એમ જણાવ્યું. તરત જ મળવા આવેલા મહેમાનોને આપણે થોડી વાર પછી વાત કરીએ એમ જણાવી તેઓ સીધા જ મારી સાથે નવલકથા વિશે લગભગ પોણા કલાક સુધી વાર્તાલાપ કરતા રહેલા. એક અધ્યાપક તરીકેની તેમની ઊંચી નિષ્ઠાનાં દર્શન આપણને અહીં અવશ્ય થશે. મને બરાબર યાદ છે એક ઠેકાણે મારો ઇન્ટર્વ્યુ કરવા કુલપતિના પ્રતિનિધિ તરીકે તે હાજર હતા. કોઈએ તેમને પ્રશ્ન પૂછવાનું કીધું, તેમણે પ્રશ્નો પણ કર્યા ને તરત જ ઉમેર્યું “આ તો મારો વિદ્યાર્થી છે મને એની ઉપર વિશ્વાસ છે.” પોતાના વિદ્યાર્થીઓ માટેનો તેમનો આ ખુલ્લો પ્રેમ હતો. વિદ્યાર્થીઓ માટે અનહદ પ્રેમ મેં હંમેશાં તેમની આંખોમાં નિહાળ્યો છે. એ કહે છે પણ ખરાં કે અધ્યાપક કાળમાં સૌથી વધુ પ્રેમ મને વિદ્યાર્થીઓ પાસેથી સાંપડ્યો છે. એક શિક્ષકની ખરી પૂંજી તેના વિદ્યાર્થીઓ હોય છે એમ તેઓ સ્પષ્ટ માને પણ છે.

વિદ્યાર્થીઓને પુષ્કળ પ્રેમ કરનારા અને વિદ્યાર્થીઓની અઢળક ચાહના મેળવનારા નરેશ વેદનું મૂળ વતન મોરબી. પણ તેમનો જન્મ મોસાળમાં નાનાને ત્યાં થયો હતો. નાના વેપારી હતા. કહેવાય છે તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હતો. સાહેબના મામા ખૂબ મોટા તત્ત્વચિંતક અને વાંચનના જબરજસ્ત શોખીન એટલે ધર્મ, અધ્યાત્મ, ફિલસૂફીના ગ્રંથો તેઓ વાંચતા. ને રોજ સવારે વહેલા ઊઠી નિયમિત કોઈ એક વિષય ઉપર લેખન કાર્ય કરતા. સાહેબના માતૃશ્રી પણ વિદ્યા, વાંચનપ્રિય જીવ. ચુસ્ત વૈષ્ણવ હોવાને કારણે ઘરમાં વૈષ્ણવ સંપ્રદાયનું સાહિત્ય અને હસ્તપ્રતોનો એમણે સંગ્રહ કરેલો. પિતાજી વેપારી છતાં તેઓ પણ વાંચનના એટલા જ શોખીન. વિશેષ કરીને નવલકથાઓ તે વાંચતા એટલે નાનપણથી જ પિતાજી માટે લાઈબ્રેરીમાંથી નવલકથાઓ લાવવાનું કામ વેદ સાહેબના શિરે રહેતું. એટલે આ અરસામાં નવલકથાઓ વાંચવાનું વિશેષ થયું. મોટાભાઈ સારા એસ્ટ્રોલોજર ને ગોંડલમાં વકીલાત પણ કરતા એટલે ત્યાંની ભગવતસિંહજી લાયબ્રેરી અને મોરબીની લખધીરસિંહજી લાયબ્રેરીમાંથી સાહેબે પુષ્કળ વાંચન કર્યું. મેટૃિક થયા ત્યાં સુધીમાં તો તેમણે આપણા મોટા ગુજરાતી નવલકથાકારોની સાથોસાથ ટાગોર, શરદબાબુ, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, પ્રેમચંદ, કાલીચરણ પાણિગ્રહી, કૃષ્ણચંદર જેવા ભારતીય સર્જકોની ઉત્તમોત્તમ કૃતિઓનું રસપાન કરી લીધું હતું. માતૃપિતૃ ઉભયપક્ષે જે સાહિત્ય-ધર્મ-અધ્યાત્મનું  વાતાવરણ નિર્માણ પામ્યું હતું તેનો વિશેષ પ્રભાવ વેદ સાહેબ પર પડ્યો છે.

ધોરણ ચાર સુધીનું પ્રાથમિક શિક્ષણ મોરબીની ખાનગી ધૂળી શાળામાં તેમણે લીધું ત્યાં તેમને શિક્ષક તરીકે છગનલાલ રામજી મળ્યા. અહીં સંગીત, રમત સાથે તેઓ આઝાદીનાં ગીતો શીખ્યાં. પછીથી તેમણે મોરબીની સમૃદ્ધ ગીબસન મોડેલ સ્કૂલમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવ્યો. તે સમયે શિસ્ત તેમ જ વિદ્યા માટેનાં ધોરણો ઘણા ઊંચાં હતાં. તેવા સમયે આ પ્રકારની ખ્યાત સ્કૂલમાં એડમિશન લેવું અને ત્યાં સબળ શિક્ષકો મળવા એ પણ એક વિદ્યાર્થીકાળનું સદનસીબ હોય છે. અહીં તેમની પર બે-એક શિક્ષકોનો પ્રભાવ રહ્યો. તેમાં ગુજરાતી ભણાવાતા ડી.જે. પંડ્યા તેમ જ ગણિતના સી.એસ. સંઘવી હતા. આ જ ગાળામાં તેમણે બાળકોનાં છાપાં, ગીજુભાઈ તેમ જ તારાબહેનને વાંચ્યાં. નાના ટુચકાઓ, જોડકાંના લખવાનો આરંભ પણ સ્કૂલ કાળથી જ શરૂ થઇ ગયો હતો. વિદ્યાર્થીકાળમાં તેમણે સારંગા નામે નવલકથા લખેલી. થોડી વાર્તાઓ પણ કરેલી. પણ ઉત્તમ સાહિત્યના પરિશીલનને પરિણામે આરંભનું આ લખાણ પોતાને જ ફિક્કુંને ફિસ્સું લાગવા માંડ્યું હતું. તેઓ અધ્યાપક થયા પછી જ તેમની પાસેથી વિવેચનાત્મક-સર્જનાત્મક લખાણો આપણને પ્રાપ્ત થયા છે.

કોલેજમાં પ્રવેશ થતાં તેજસ્વી સબળ અધ્યાપકો દુર્ગાશંકર પંડ્યા, પ્રભાશંકર તેરૈયા, જયંતીભાઈ રાવલ, એચ. એલ. દવેના સંસર્ગમાં આવ્યા. જ્યાં ભાષાશુદ્ધિ ને વક્તવ્યના પાઠ શીખવાનો મોટો લાભ મળ્યો. કોઈ કોઈ વાર તો અધ્યાપકની અવેજીમાં એ વર્ગો પણ લઈ લેતા. જેથી કરી વાંચીને ભણાવવામાં એમને એ વખતથી જ રસ પડવા માંડ્યો હતો. એમ.એ.નો અભ્યાસ રાજકોટની ધર્મેન્દ્ર કોલેજમાંથી લીધો. જ્યાં વિદ્યાગુરુ તરીકે અસાધારણ વિદ્વત્તા ધરાવનાર ઉપેન્દ્ર પંડ્યાથી તેઓ વધુ આકર્ષાયા. નક્કી કર્યું કે અધ્યાપક થવું તો ઉપેન્દ્ર પંડ્યા જેવું. મનમાં વાળેલી આ ગાંઠ એમણે ક્યારે ય ઢીલી થવા ન દીધી. એ ક્ષમતા એ પ્રતિભા તેમનામાં હતી. અધ્યાપક તો થયા જ થયા, પણ ત્રણ ત્રણ યુનિવર્સિટીના તેઓ સફળ-કુશળ કુલપતિ પણ રહ્યા. કુલપતિ રહ્યા હોવા કરતાં એમને અધ્યાપક હોવાનું સવિશેષ ગર્વ છે. એ કહે છે પણ ખરા કે “જે આનંદ મને કુલપતિ તરીકે નથી મળ્યો તે ભણવા-ભણાવવામાં વિશેષ મળ્યો છે.”

એમના પિતાજી વેપારી હોવાના નાતે એવું ઈચ્છતાં કે તેઓ કોમર્સનો અભ્યાસ કરે પણ તેમણે પોતાને ગમતું એવું આટ્‌ર્સનું ક્ષેત્ર સ્વીકાર્યું. છતાં ય આરંભની નોકરી તો વેદ સાહેબે બેંક ઓફ બરોડામાં જ કરી. નોકરીને માંડ થોડો વખત થયો હશે ત્યાં એક ઘટના બની કે ધ્રાંગધ્રાની કોલેજ બંધ થવાની આરે આવી પહોંચી હતી. ત્યાં જ અધ્યાપકોએ તેનો વહીવટ હાથમાં લીધો અને ગુજરાતમાં પ્રથમ વખત પ્રયોગ રૂપે અધ્યાપકો સંચાલિત મેનેજમેન્ટ આરંભાયું જેથી આ કોલેજ ટકી. તેમાં માત્ર એકવીસ વર્ષની નાની વયે સાહેબ બી. એ. ફસ્ટ ક્લાસની રૂએ અધ્યાપક તરીકે જોડાય છે. બીજી બાજુ એમ.એ.નો અભ્યાસ શરૂ છે. ત્યાં પોતાને ગમતાં, પોતે સેવેલા ક્ષેત્રમાં પ્રવેશ તેમને અને તેમના પરિવારને સુખનો અનુભવ કરાવે છે. જો કે છ મહિના સુધી તો અહીં પગાર નહોતો મળ્યો પણ પછીથી તે મળ્યો. ખૂબ ઓછા સમયમાં સાહેબની યુવાન તેજસ્વી અધ્યાપક તરીકેને ખ્યાતિ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં વ્યાપી ચૂકી હતી. પરિણામે કોલેજોમાં આચાર્ય બનવાની ઓફરો મળવા લાગી. જો કે, આ જ સમયમાં તેમનું પીએચ.ડી.નું કાર્ય ઈશ્વરલાલ દવેના માર્ગદર્શનમાં આરંભાઈ ચૂક્યું હોવાને કારણે આવી ઓફરો, વધારાના ઇજાફાની તકોને તેમણે જતી કરી. પોતે જ્યાં ભણેલા તે યુ.એન. મહેતા આટ્‌ર્સ કોલેજ, મોરબીમાં જોડાવાનું સ્વીકાર્યું. તે છેક આઠ વર્ષ લગી ત્યાં જોડાયેલા રહ્યા. જે આશય સાથે ત્યાંના સંચાલક મંડળે તેમની પસંદગી કરી હતી તેમાં તેઓ સંપૂણ સાચા ઊતર્યા.

પોતે ઝડપેલા, ધારેલા કાર્યને યોગ્ય રીતે, યોગ્ય સ્થિતિએ પહોંચાડવાની તેમની અધ્યાપકીય નિષ્ઠાની સૌને જાણ થઇ ચૂકી હતી. આ પ્રકારના વાતાવરણ નિર્માણને કારણે તેઓ જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર પદ આરૂઢ હતા, ત્યાંથી સીધા સરકારે વહીવટ માટે પસંદ કર્યા. પોતાની ઈચ્છા સાવ ઓછી હોવા છતાં ય સરકારના સતત દબાણ તેમ જ પોતાના મોટાભાઈની સમજાવટને આદર આપી તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નાયબ કુલપતિપદનો સ્વીકાર કરેલો. આગળ કહ્યું તેમ સાહેબના મોટાભાઈ સિદ્ધપુરુષ હતા તેથી તેમની હૂંફ ને પીઠબળ ડગલેને પગલે મળતા રહ્યા છે. તેઓ અધ્યાપક તરીકે જોડાયા ત્યાંથી લઇને કુલપતિપદ સુધીના કેટલાક મહત્ત્વના, જરૂરી નિર્ણયો વેદ સાહેબે મોટાભાઈનું માર્ગદર્શન મેળવ્યા બાદ જ લીધા છે. પરિણામે તેમણે ક્યાં ય અટકવાનું કે પસ્તાવાનું બન્યું નથી. પોતાની અધ્યાપકીય અને વહીવટી કામગીરી દરમ્યાન અનેક એવી આકરી સ્થિતિમાંથી પણ તેઓ આત્મબળે વધુ પારદર્શી બનીને નીકળી આવ્યા હતા.

પછીથી તો પોતાની આગવી સૂઝસમજ ને પરિણામે તેઓ ક્રમશઃ ગુજરાત અને ભાવનગર યુનિવર્સિટીઓના પ્રભાવક કુશળ કુલપતિ તરીકે તેમ જ સરદાર પટેલ યુનિવર્સિટીના એકેડેમિક સ્ટાફ કોલેજના ડાયરેકટર જેવા પદે પોતાની અમૂલ્ય સેવાઓ આપી ચૂક્યા છે. કુલપતિ કાળ દરમ્યાન તેમણે જ્યાં જ્યાં યુનિવર્સિતીના હિતાર્થે આકરા થવાનું લાગ્યું ત્યાં ત્યાં કોઈ પણ પ્રકારના દબાણની પરવાહ કર્યા વિના તેમણે કામ કર્યું. વહીવટી કામગીરી દરમ્યાન એક વાત તેમણે મનમાં નિશ્ચિત રાખેલી કે યુનિવર્સિટીને બને તેટલી રાજકારણથી અળગીને અલગ રાખવી તેમ જ આર્થિક રીતે બને તેટલી તેને સદ્ધર કરવી. કેમ કે એ સમયમાં યુનિવર્સિટી પાસે ફંડ, સરકારી ગ્રાન્ટના પ્રશ્નો રહેતા. આજે છે તેવી ને તેટલી સમૃદ્ધિ જો તે વેળા હોત તો ચિત્ર થોડું અલગ હોત. આજે યુનિવર્સિટી પાસે કરોડોની સંપત્તિઓ સિલકમાં હોવા છતાંય દુઃખ સાથે કહેવું પડે છે કે જે કામ પહેલાંના સમયે જેવી જેટલી નિષ્ઠાથી થતું એ કરવામાં આજે ક્યાંકને ક્યાંક આપણે ઉણા ઉતરી રહ્યાં છીએ. ઘણુંઘણું ખૂટીછૂટી રહ્યું છે તેની ચર્ચા, રજૂવાત કરનારા નિષ્ઠાવાન માણસો ઓછા રહ્યા છે. ત્યારે અહીં નોધવું પડશે કે એ જમાનામાં વેદ સાહેબ યુનિવર્સિટી શિક્ષણના કાર્યોને વધુ અસરકારક બનાવવા સતત યુ.જી.સી, સરકારના સંપર્કમાં રહેતા. પોતાને જરૂર જણાય ત્યારે સરકાર સાથે વાતચીત કરીને પણ યુનિવર્સિટી, અધ્યાપકોને લાભ થાય તેવાં કામો તેમણે કરેલાં. ૧૯૯૪માં જ્યારે તે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે અધ્યાપકોની રિટર્ન-રીકવરીનો મોટો પ્રશ્ન ઊભો થયેલો તે ઘડીએ સરકાર સાથે તેમણે વાટાઘાટો કરીને અધ્યાપકોને આવી પડેલી સ્થિતિમાંથી રાહત અપાવી હતી. કોમી રમખાણ વખતે વિદ્યાર્થીઓને પરીક્ષાઓ લેવાના મુદ્દે અનેકોનો વાંધાવચકા હતા છતાં ય આયોજનપૂર્વક તેમણે પરીક્ષાઓ લેવડાવી વિદ્યાર્થીઓનું વર્ષ, મહેનત નિષ્ફળ ન જાય તેનો ઉત્તમ દાખલો બેસાડેલો. હું મક્કમ પણે માનું છું કે અમુક પ્રકારનાં કામો કરવા કરાવવા માટે વિશેષ પ્રકારની સજ્જતા કુલપતિમાં હોવી જોઈએ. વેદ સાહેબમાં એ ભરપૂર હતી. પરિણામે સેનેટ-સિન્ડિકેટ સાથે કેમ કામ પાર પાડવું તે જાણતા ને ખૂબ સરળતાથી તે કરી પણ લેતા. કોઈના તાબામાં કે પ્રભાવમાં એમણે ક્યારે ય કામ નથી કર્યું. જ્યારે જ્યારે એમની સામે ચેલેન્જ ઊભી થઈ છે ત્યારે ત્યારે એમણે છેક સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ યુનિવર્સિટીમાં ખોટો ચીલો, ખોટી ગરેડ ના પડી જાય તે માટે થઈને મોટાખોટા વકીલોને પણ એમણે માત આપી છે.

આવી વહીવટી કુશળતા, પારદર્શિતા ધરાવતા વેદ સાહેબનું સાહિત્યક્ષેત્રે પણ ખૂબ મોટું કામ છે. નવલકથા, તેનું કથાકથન તેમના અભ્યાસનો મુખ્ય વિષય રહ્યો છે. ઓગણીસો સીત્યોતેરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા પછીના થોડાં વર્ષોમાં તેઓ સંશોધન તરફ સક્રિય બન્યા. ૧૯૮૭માં યુ.જી.સી.નો કેરિયર એવોર્ડ તેમણે મેળવ્યો તેના સુફળ સ્વરૂપે ‘ઇન્ડેક્ષ્ય સ્ટડી ઓફ એન્સીયન્ટ ઇન્ડિયન નેરેટિવ લિટરેચર’નું બૃહદ્‌ કાર્ય તેઓ કરી શક્યા. સંસ્કૃત, પાલી, પ્રાકૃત, અપભ્રંશ તેમ જ જૂની ગુજરાતીમાં જે વૃતાન્તાત્મક સાહિત્ય હતું તેનો એક ઇતિહાસ આ નિમિત્તે તૈયાર કરીને યુ.જી.સી.ને સોંપ્યો. આ કાર્ય નિમિત્તે દેશમાં ભ્રમણ કરવાનું, ગ્રંથભંડારોની મુલાકાત લેવાનું, દેશભરનું વાંચાવનું બન્યું. જેના થકી તેમને ખ્યાલ આવ્યો કે આ કથાકથનનું આખું – આગવું શાસ્ત્ર વિકસાવવું જોઈએ. એ દિશામાં એમણે કામ કર્યું ને આપણે એ વાતનો ગર્વ લઇ શકીએ કે સમગ્ર ભારતમાં કથાકથનનાં શાસ્ત્ર પર માત્ર જે બે વ્યક્તિઓ એ કામ કર્યું છે તેમાં એક, જે.એન. યુ.ના પ્રેમચંદજી અને બીજા નરેશ વેદ છે. આ ઉપરાંત પણ યુ.જી.સી.ના બીજા સંશોધન પ્રોજેક્ટ સાહેબે કરેલા. કુલપતિ હતા તે સમય દરમ્યાન તેમણે ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલા ‘એન્સાઈકલોપીડિયા ઓફ હિન્દુઇઝમ’ અને ‘એન્સાઈકલોપીડિયા ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશ્યલ સાઈન્સીસ’માં ગુજરાતની જવાબદારી તેમના શિરે હતી. વહીવટની સમાંતર જ એમનું સંશોધન કાર્ય ચાલ્યું છે. નિવૃત્તિ બાદ પ્રવૃત્તિમય રહીને ધર્મ, અધ્યાત્મ, ચિંતન તરફનું વાંચન તેઓ વિશેષ કરી રહ્યા છે. સેવા કાર્ય સાથે સંકળાયેલા હોય તેવા ત્રણેક મંડળોમાં જવાબદાર વ્યક્તિ તરીકે જોડાઈને સમાજ-સેવાલક્ષી કાર્યો પણ વાંચન-લેખનની સાથોસાથ તે કરી રહ્યા છે. પુષ્કળ પુસ્તકો દાન આપી ચૂક્યા પછી પણ અત્યારે તેમની પોતાની લાયબ્રેરીમાં પચ્ચીસ હજારથી પણ વધુ ગ્રંથો મોજૂદ છે. સાહિત્યનું વાંચન હાલ ઘટાળી અધ્યાત્મ વાંચનમાં તેમને વધુ રસ પડ્યો છે. હાલ અગિયારથી પાંચ એ નિયમિત સાહિત્ય-વિજ્ઞાન-તત્ત્વજ્ઞાનને સાંકળીને લેખો કરી રહ્યા છે.

એન.એસ. પટેલ આર્ટ્સ કોલેજ, ભાલેજ રોજ, આણંદ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, જુલાઈ 2017; પૃ. 03-06 

Loading

11 July 2017 admin
← કાશ્મીરની મુલાકાતમાં જોયેલી કાશ્મીરની વાસ્તવિકતા
ગીત →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved