Opinion Magazine
Number of visits: 9451164
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંડિત અટલબિહારી નેહરુની સાખે …

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 May 2017

ક્યાંથી કરીશું વાતની શરૂઆત : તે દિવસે એમણે આંખો મીંચી ત્યારે ટેબલ પરની કવિ ફ્રોસ્ટની એ મતલબની પંક્તિઓ સહસા મુખર થઈ હતી કે ગાઢાં ને વળી નિતાન્ત ભીષણસુંદર એવાં વન સાદ દે છે; પણ મારે તો હજુ અહીં ગાઉના ગાઉ કાપવાના છે, કેમ કે (માભોમ અને સૌ હમવતનીઓ જોગ) કંઈ કેટલાં વચન પાળવાનાં છે …

એ સત્તાવીસ મે, ૧૯૬૪નો દિવસસ્તો હતો. પણ આરંભ ત્યાંથી નહીં પણ બરાબર બત્રીસ વરસ આગળ જઈને સત્તાવીસ મે, ૧૯૯૬થી કરીએ તો? એન.ડી.એ. તેર દિવસની સરકારને અંતે (એક વાર અમે શપથ લીધા કે અમારે ત્યાં જોડાનારા થોકેથોકે ઉમટશે, એવા સુષમા સ્વરાજના બચકાના ઉદ્‌ગારો સામે) વિશ્વાસમત સંપાદિત કરવાની સ્થિતિમાં નહીં હોવાના કારણે વાજપેયીએ ગૃહ વાટે (કોઈ વડાપ્રધાનનું પહેલું ટેલિવાઇઝ્‌ડ) સંબોધન કર્યું હતું; અને આજે પ્રથમ વડાપ્રધાન નેહરુની પુણ્યતિથિ છે ત્યારે એમને વંદન કરીને મારી વાત કરીશ અને પછી રાષ્ટ્રપતિને રાજીનામું આપવા જઈશ એવી માંડણી કરી હતી.

નેહરુને યાદ કરવામાં પ્રતિપક્ષ(કૉંગ્રેસ)ને ટાઢો ડામ દેવાની સગવડ જરૂર હતી. લખું છું ત્યારે સાંભરે છે કે ૨૬ જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ સુધીનું એક સર્વપ્રિય સરખામણી સૂત્ર હતું કે પિતાએ (જવાહરલાલે) દેશને ૨૬મી જાન્યુઆરી(પ્રજાસત્તાક)ની નવાજેશ કરી, પુત્રીએ દેશને ૨૬મી જૂન(રાણીસત્તાક)ની નવાજેશ કરી. પણ કૉંગ્રેસને ટાઢો ડામ દેવાની સગવડ સાથે નેહરુસ્મૃિતમાં એવું કાંક હતું અને છે કે જેની સાથે અટલબિહારી વાજપેયી સહિત દેશજનતા સમસ્તને સકારાત્મક લગાવ હતો. આ લગાવ, વાજપેયીના કિસ્સામાં તો ક્યારેક પંડિત અટલબિહારી નેહરુ એવી ઓળખ અગર ઉપાલંભ પેઠે પણ પ્રગટ થતો રહ્યો છે.

કૉંગ્રેસના નેહરુ અને ભા.જ.પ.ના સરદાર, એવાં છીછરાં પાણીનાં છબછબિયાંથી, સામસામા પ્રચારમાર્તંડોથી તે ભાગ્યે જ પ્રીછી તો શું પકડી પણ શકાય. દ્વેષી માનસ પટેલમાં ઘોર કોમવાદી જુએ કે પછી વળતું દ્વેષી માનસ પટેલ ભારતની એકતાના સ્થપતિ (આર્કિટેક્ટ) હતા એવી ઉમદા સ્થાપના કરી જાણનાર જવાહરલાલને નહીં ઓળખવાની ચેષ્ટા કરે, અને ઉપરથી ફટકારે કે વલ્લભભાઈ ગયા ત્યારે નેહરુને સ્મશાને જવાની ફુરસદ નહોતી. અલબત્ત, તે દિવસનો વીડિયો જુદી વાત કહેતો હોય, પણ —

બંનેએ સાથે રહેવાનું પસંદ કર્યું, પટેલના શબ્દોમાં (મતભિન્નતા છતાં) ’આપણે અવિભાજ્ય છીએ’ એવી ભૂમિકા બરકરાર હોય ત્યારે બંનેને બધો વખત સામે મૂકવાની ચેષ્ટા ઇતિહાસને સુસંગત તો નથી જ નથી. મુખ્યમંત્રી મોદીએ જસવંતસિંહની કિતાબ ’કેમ કે તે સરદારને ખોટા ચીતરે છે’, એવી દલીલજોરે (બેલાશક, રાબેતા મુજબ વગર વાંચ્યે) પ્રતિબંધિત કરી હતી. અરુણ શૌરિએ ત્યારે કહ્યું હતું કે ભાઈ, જરી લિહાજ કરો. કંઈક તો શરમ ભરો. સરદારની ટીકામાં તો તમારા સિદ્ધાંતકોવિદ શેષાદ્રિ જસવંતસિંહને ક્યાં ય ટપી ગયા છે, અને સંઘ પરિવારના અધિકૃત પ્રકાશન તરીકે ચોપડીનું વેચાણ ચાલુ છે.

મુદ્દે, ભા.જ.પે. રાષ્ટ્રીય કદના કોઈ સ્વતંત્રતાલડવૈયાની પોતાની અછત પૂરવા પટેલને હાઇજેક કરવાનો પેચ લડાવ્યો ત્યારે એને એ વાતનાં સુધબુધ ને ઓસાણ રહ્યાં નહીં કે વિભાજનની અનિવાર્યતા સ્વીકારવામાં નકામા નેહરુ અને નંબર વન સરદાર બંને એકસાથે હતા. નહીં કે તે ખુશીનો સોદો હતો, નહીં કે ગાંધી એમાં સમ્મત હતા; પણ પ્રત્યક્ષ અનુભવ પછી નેહરુ અને પટેલને વિભાજનની અનિવાર્યતા સમજાઈ હતી. અને હા, એક ઇતિહાસવસ્તુ પણ નોંધવી જોઈએ કે નેહરુ-પટેલે જે રાજકીય એકમ ભારતરૂપે બાંધ્યું એટલો વ્યાપ ઇતિહાસને ચોપડે અશોક ને અકબરના સામ્રાજ્યનો પણ નથી.

ગાંધીનેહરુપટેલ જે એક મુદ્દે અણીને વખતે ઘણા મોટા મનોવૈજ્ઞાનિક પડકાર વચ્ચે સાથે રહ્યા તે મુદ્દો બિનસાંપ્રદાયિક રાજ્યના નિર્માણનો હતો. એમાં કોઈ પણ ધરમમજહબને સારુ અવકાશ અને સ્વતંત્રતા હતાં, પણ ધરમમજહબને નામે રાષ્ટ્રની વ્યાખ્યા બહાલ નહોતી – અને ધર્મમાં માનવું પણ પોતપોતાના અખત્યારની વાત હતી. સોમનાથના નિર્માણ માટેના ખેંચાણને તાબે થતા પટેલ, આવી વાતોથી સલામત અંતર પસંદ કરતા નેહરુ, બંને આપણા સમયના શ્રેષ્ઠ ધર્મપુરુષ શા ગાંધીની આણમાં સોમનાથને સરકાર નહીં પણ સ્વતંત્ર ટ્રસ્ટ મારફતે નિર્માણ કરવા પર એકસાથે હોઈ શકતા હતા. ધર્મને અવકાશ, પણ બંધારણની મર્યાદામાં. આગળ ચાલતાં તે બંધારણીય રાષ્ટ્રવાદમાં, સાંકડી દ્વેષમૂલક ભૂમિકામાં નહીં ધોરણસરના આંતરરાષ્ટ્રીયતાવાદને સ્વીકારતા અને ઘરઆંગણે નાનાવિધ સમુદાય પરત્વે પરસ્પર સ્વીકાર ને સમાદરની ભૂમિકામાં લાંગરી શકે, ઠરી શકે એવું અભિનવ માનવતા ભણીનું સંકલ્પસપનું હતું.

નેહરુને એક ભાવનાપુરુષ તરીકે જોવાનો અને પટેલને વાસ્તવપુરુષ તરીકે બિરદાવવાનો ચાલ આપણે ત્યાં છે એ સાચું પણ વાસ્તવપુરુષને લાગેલા ભાવનાત્મક પાસની અને ભાવનાપુરુષને લાગેલા વાસ્તવાત્મક પાસની રગ જેમણે ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીને ભાગલામાં વહેંચીને જોવાની ટૂંકનજરી રાજનીતિ પસંદ કરી એમને સ્વાભાવિક નથી. ભાઈ, ગાંધી જનમોઝાર હતા તો નેહરુ ને પટેલ બેઉ રાજમોઝાર હતા. નેહરુ અને પટેલને હિસ્સે અભિનવ રાજ્યબાંધણી હતી. પટેલને જો સ્ટેટક્રાફ્ટનું એક વાનું તરત પકડાતું હતું તો નેહરુને બીજું, પણ બંનેને રાજવટની પોતપોતાની રગ, ફાવટ અને મર્યાદા હતી. અને એમાં અસ્વાભાવિક પણ શું છે.

ફ્રાન્સના આલા કલામરમી અને બૌદ્ધિક આન્દ્રે માલરોએ જવાહરલાલને એક વાર પૂછ્યું કે તમારા મન પર વડાપ્રધાન તરીકે પ્રધાન લક્ષ્ય શું છે. તો જરી થંભીને એમણે કહ્યું કે ’ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ સ્ટેટ વિથ જસ્ટ મિન્સ.’ ચર્ચિલ છેડેથી મજબૂત રાજ્યની સંકલ્પના સાથે ગાંધી છેડેથી ન્યાયી સાધનોને જોડતી ભૂમિકામાં નેહરુ ને પટેલ પોતપોતાની રીતેભાતે પડેલા હતા. જનમોઝાર ગાંધીને વધુ વરસો મળ્યાં હોત તો જેપી-લોહિયાને લઈને એમણે એક જુદી જમાવટ કરી હોત, પણ હવે તો એ કલ્પનાવિષય છે.

વાતનો બંધ ક્યાંકથી તો વાળવો જોઈએ. જાન્યુઆરી ૧૯૪૮ પર આ ક્ષણે મન ઠરવા કરે છે. ગાંધી દિલ્હીમાં શાંતિસ્થાપનમાં પડેલા છે. એમના અનશનથી જેમ સ્થાનિક શાંતિસ્થાપના શક્ય બની છે તેમ ‘અમને અમારી ફરજ અને જવાબદારી સમજાઈ છેે’ એવાં વચનો સીમાપારના પાક. પંજાબની ધારાસભામાં શીર્ષ સત્તાસ્થાનેથી ઉચ્ચારાયાં છે. અલબત્ત, ઉશ્કેરાટ ખાસ્સો છે જે મહિનો ઉતરતે છેલ્લાથી આગળના દિવસે ઘરઆંગણે ગાંધીને શહાદતનું માન અપાવ્યે જ અટકવાનો છે. ઉપવાસ અને બલિદાનની વચ્ચેના દિવસોમાં ૨૪મી જાન્યુઆરીએ વડાપ્રધાન નહેરુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દીક્ષાન્ત સંબોધન સારુ પહોંચ્યા છે. ભાગલા પછીની ઉદ્વિગ્ન અને ઉશ્કેરાટભરી સ્થિતિમાં આ મુલાકાત છે. જે યુનિવર્સિટીએ પાકિસ્તાન માટે બૌદ્ધિક ભૂમિકા સરલ કર્યાનું કહેવાય છે ત્યાં જવાહરલાલ પહોંચ્યા છે.

શું વાત કરે છે એ પદવી દાનમાં ? ૧૫મી ઑગસ્ટે, મધરાતની સ્વરાજક્રાન્તિ ક્ષણોમાં ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’(વિધાતા સાથે કોલકરાર)ની યાદગાર ભૂમિકા માંડનાર અને હવે છ દિવસ પછી ગાંધી હત્યા સાથે ‘પ્રકાશ ગયો – ના, આપણી વચ્ચે છે’ એવી દિલી રજૂઆત કરવાના હતા તે નેહરુ દિલની વાત માંડે છે : કેમ જાણે આપણે ભાવનાઓ અને દૃષ્ટિબિંદુની રીતે ખાસા અંતરે તો નથી ઊભા ને ? હૃદયભંગ પ્રેરતા આંચકાઓએ ભર્યા મહિનાઓ પછી આપણે મળી રહ્યા છીએ ત્યારે એવું તે શું છે જે મને ઢાઢસ બંધાવે છે. એ છે ભાવિ માટેની શ્રદ્ધા કે પ્રતિબધ્ધતા કે આપણે એવું એક મુક્ત ભારત નિર્માણ કરવા મથી રહ્યા છીએ જ્યાં સૌને તકોની સમાનતા છે અને વિચારતા ભાતભાતના પ્રવાહો, સંસ્કૃિતઓના નાનાવિધ પ્રવાહો એકત્ર આવી પ્રજાની પ્રગતિના મહાનદ (માઈટી રિવર) રૂપે આગળ વધે છે. હું હિંદુ છું, તમે મુસ્લિમ છો. પ્રાચીન ભારતની સિદ્ધિઓનું મને ગૌરવ છે, પણ આ ગૌરવ એ કારણે પણ છે કે એણે વિશ્વભરના વાયરા વાસ્તે પોતાનાં દિલોદિમાગનાં દ્વાર ખુલ્લા રાખ્યા છે. આ ભારતની તાકાત એ વાતે છે કે તે કશાય બહારી બળ તળે ચંપાઈ ન મરે એવું સબળું છે, અને કશું ય બહારી સ્વીકારવા જેવું જણાય તો તે સ્વીકારી શકે એવું શાણું પણ છે. તે પોતાના કોચલામાં પુરાઈ રહેતો મુલક નથી. આ એનો જે વારસો તે મારો, તમારો સૌનો છે. તમે મુસ્લિમ છો, હું હિંદુ છું, પણ ધર્મભેદે વારસો તો સહિયારો છે ને.

ગમે તેમ પણ ૨૭ મે, ૧૯૯૬ અને તે પછીના લોકસભા માંહેલા વાજપેયીનાં ટેલિવાઇઝ્‌ડ ભાષણો સંભારું છું ત્યારે સમજાય છે કે રાષ્ટ્રજોગ તેમ સવિશેષ તો સંઘ પરિવારજોગ સંબોધનથીએ એક એવી તક ઝડપતા હતા જે સંઘસ્થાન પર કે સંઘશિબિરમાં એમને કદાચ મળી શકતી નહોતી … વૅલ, આ ક્ષણે તો પંડિત અટલબિહારી નેહરુની સાખે એટલું જ કહીશું કે નેહરુની ટીકા કરવાનો આપણો અધિકાર છે, પણ કંઈક વ્યાપક, કંઈક મૂલગ્રાહી હોઈ શકીએ તો તે માટેની પાત્રતા મળતાં મળે તો મળે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 20 અને 17 

Loading

31 May 2017 admin
← એક જાહેર વિનંતી
ગુજરાતી ભાષા, રાજ્ય સરકાર →

Search by

Opinion

  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved