Opinion Magazine
Number of visits: 9447110
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તરસ અને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ…

તુષાર પુરાણી|Opinion - Literature|25 May 2017

પ્રહ્લાદ પારેખની આ અન્ય સંદર્ભની કાવ્યપંક્તિમાં માતૃભાષાનું રહસ્ય વણાયેલું છે, એમ મારું માનવું છે. જ્ઞાનની તરસ અને ભૂખ, સમજની કેળવણી અને આદર્શ પરંપરાઓને આત્મસાત્‌ કરવા. સૂક્ષ્મ સંવેદનોની અભિવ્યક્તિ, લાગણીઓનાં બંધનોની સુચારી માવજત આ બધું માતૃભાષામાં કથન વગર સહજ શક્ય બને ખરું ?

કહેવાય છે કે સ્વભાવની અમુક ખાસિયતો – સકારાત્મક કે નકારાત્મક – વ્યક્તિને ગળથૂથીમાંથી મળે છે અને તેની સાથે મૃત્યુ પર્યંત રહે છે. એમ માતૃભાષા પણ ગળથૂથીમાંથી મળે છે. તો એનો વિચ્છેદ કેમ કરી શકાય ? એ તો umbilical cord છે, નાળ છે જેમાંથી વ્યક્તિના મનનું ઘડતર થાય છે.

સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંગ્લિશ(હૈદરાબાદ)માં અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરવા ગયો ત્યારે બ્રિટિશ કાઉન્સિલના નિષ્ણાતે કહેલું : Mother tongue is like mother’s milk : it nourishes the mind, માતાનું પયપાન બાળકનાં મન અને શરીરને પુષ્ટ કરે છે.

જો બે કાંઠા વગરની નદી સંભવી શકતી હોય તો માતૃભાષા વગર આ બધું સંભવી શકે. પ્રેમ, અકારણ ક્રોધ કે રમૂજમાં કહીએ તો ઝઘડાની (પ્રેમીઓ વચ્ચેના) ભાષા પણ માતૃભાષા હોય તો ધારી અસર ઉપજાવી શકાય. નહીં તો કદાચ આ માટે કરેલા પ્રયત્નો ધાર્યું પરિણામ લાવી ન શકે. વળી સૂક્ષ્મ સંવેદનાઓને વાચા આપવાનું માધ્યમ પણ તે જ બની શકે. કેટલાક અમૂર્ત ખ્યાલો, વિચાર(abstract concepts)ની સમજ માતૃભાષા દ્વારા જ બાળક મેળવી શકે તે કદાચ અન્ય ભાષા દ્વારા મેળવી શકતો નથી એવું સર્વેક્ષણમાં ફલિત થયું છે. ખાસ કરીને પ્રાથમિક તબક્કાનું શિક્ષણ માતૃભાષા દ્વારા થાય એ ઇચ્છનીય છે. આપણી સંસ્કૃિતમાં સંસ્કારસિંચનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે અને તે માટે ચોક્કસ મૂલ્યોને બાળકમાં સંક્રાંત કરવા માતૃભાષા વગર કોઈ બીજો વિકલ્પ શું હોઈ શકે ? દેશ-વિદેશની વાણી જગમાં હોય અનેક પણ આ માટે તો વાણી અવનીભરમાં એક, આ સનાતન સત્ય છે.

એક વૈશ્વિક સર્વેક્ષણ કહે છે કે વાચન અને લેખન પ્રથમ માતૃભાષામાં થવું જોઈએ. વાચન અને વાચનમાં સરળતા માતૃભાષામાં ઝડપથી અને સરળતાથી આવી શકે છે. વિજ્ઞાનીઓના મતે આઠ વર્ષની નીચેનાં બાળકો નવી ભાષા ઝડપથી શીખી શકે છે અને એ સાચું છે. પરંતુ, એ પણ સાચું છે કે એક ભાષામાં મેળવેલી ક્ષમતા કે કૌશલ્ય બીજી ભાષાઓ શીખવાનો માર્ગ મોકળો કરે છે અને તેથી માતૃભાષા ઉપરની પકડ અન્ય ભાષઓ માટે ઉપકારક બની શકે. વૈશ્વિક સર્વેક્ષણ એમ કહે છે કે Learning the first language expands the cognitive network of a child’s mind, making it easier to grasp the same concepts in a second language. પ્રથમ ભાષાના (ગુજરાતી) અભ્યાસને કારણે બાળકના મનનો વિકાસ અને સમજ કેળવાય છે અને પરિણામે અન્ય ભાષાનાં concepts તે સહેલાઈથી સમજી શકે છે. મા-બાપનો તર્ક કંઈ આવો છે : મારું બાળક ગુજરાતી તો બોલે છે. પછી તેને ગુજરાતીમાં શિક્ષણ આપવાનો અર્થ ખરો ? તર્કની દૃષ્ટિએ આ સાચું લાગે છે પણ તે ભૂલભરેલો તર્ક છે. જો બાળક માતૃભાષામાં પ્રભુત્વ ધરાવશે તો તે બીજી ભાષા(અત્યારે અંગ્રેજી)માં ચોક્કસ કૌશલ્ય પ્રાપ્ત કરી શકશે. પ્રશ્ન ગુજરાતી વિરુદ્ધ અંગ્રેજીનો નથી. વાત એમ છે કે સારું ગુજરાતી (માતૃભાષા) એ સારા અંગ્રેજી માટેનો પાયો પૂરો પાડે છે. સુપ્રસિદ્ધ ન્યુરોલૉજિસ્ટ ડૉ. અશોક પાનગરિયા તેમનાં વર્ષો સુધીનાં સંશોધન પછી એવા તારણ ઉપર આવ્યા છે કે બાળકોને માતૃભાષામાં શરૂઆતના તબક્કે શિક્ષણ આપવાથી તેમનું વ્યક્તિત્વ ખૂબ સરળ બને છે અને તેમનામાં શાણપણ (wisdom), કામ કરવાનું પ્રેરકબળ (motivation), સર્જનાત્મકતા (creative) અને પ્રત્યાયનનું કૌશલ્ય (communication skill) જેવા ગુણો સંક્રાંત થાય છે.

આજે જ્યારે માતૃભાષાના ભોગે અંગ્રેજીમાં જ શિક્ષણ આપવાનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ડૉ. પાનગરિયાનું સંશોધન ખૂબ જ મહત્ત્વનું પુરવાર થાય છે. વૈશ્વિકીકરણ અને મજબૂત અર્થતંત્રને કારણે અંગ્રેજીની માંગ વધી રહી છે અને અંગ્રેજી ભાષાનું કૌશલ્ય જરૂરી બની ગયું છે. પરંતુ, શરૂઆતના તબક્કે માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા બાળકના માનસિક વિકાસને રૂંધનારું પરિબળ બની શકે તેવી ચેતવણી તેમણે ઉચ્ચારી છે. તેમના મતે અંગ્રેજી કે અન્ય ભાષા દ્વારા અપાયેલાં શિક્ષણનાં સકારાત્મક પરિણામોનો ડેટા હજુ સુધી પ્રાપ્ત થયો નથી. ડૉ. પાનગરિયાનું જ્ઞાનતંતુઓ ઉપરનું સંશોધન સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિ પામ્યું છે અને તેમના મતે ભાષા એ મનુષ્યનો વિશિષ્ટ હક્ક છે અને મનુષ્યના મજ્જાતંત્રમાં ભાષા દ્વારા બુદ્ધિ, પૃથક્કરણ, નિર્ણય લેવાની તેની શક્તિ અને ધાર્મિક વલણોની પુષ્ટિ થતી હોય છે. તેમના સંશોધનમાં એવું પુરવાર થાય છે કે પ્રથમ ભાષામાં અપાયેલા શિક્ષણથી બાળકની દૃષ્ટિ વિશાળ બને છે અને અન્યની કદર કરવાની તથા નવા વિચારોને આત્મસાત્‌ કરવાની ક્ષમતા વધી જાય છે. તેમનાં શબ્દોમાં “The brain of a primary student is hard wired for the mother tongue and child understanding a subject through it (mother tongue) would be able to assimilate its ideas and interact and cross question in a better way after getting stimulated,” ટૂંકમાં બાળકના મગજનું બંધારણ માતૃભાષાને સ્વીકારવા સજ્જ હોવાથી તેના દ્વારા બાળક વિષયને સરળતાથી સમજી શકે. વિચારને ગ્રહણ કરી શકે અને તેની સાથે આંતરક્રિયા કરી શકે. પ્રશ્નોનું સમાધાન શોધી શકે, કારણ માત્ર એ જ કે તેનું મગજ પૂરતા પ્રમાણમાં ઉત્તેજિત થયેલું હોય છે. ઉદાહરણ આપતાં ડૉ. પાનગરિયા ખ્યાતનામ ભાષાશાસ્ત્રી નોમ ચોમસ્કીને ટાંકીને જણાવે છે કે બાળકમાં રહેલા આંતરિક વ્યાકરણ(innate grammar)ની રચનાને કારણે માતૃભાષાને બદલે (L1) અન્ય ભાષા (અર્હી અંગ્રેજી L2) દ્વારા અપાયેલી સૂચનાનો અર્થ તે ઝડપથી ગ્રહણ કરી શકતો નથી અને તેની વિષયરચનાને સમજી શકતો નથી કારણ તે ભાષા તે બોલી કે વાંચી શકતો નથી. ઉદાહરણ આપી તે સમજાવે છે કે આ તો કોઈ બાળકને તરવાનું શિખવાડ્યા વગર પાણીમાં ડુબાડી રાખવો તેના બરોબર છે. વિશ્વપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી ડૉ. ક્યુમીન્સને ટાંકતાં ડૉ. પાનગરિયા જણાવે છે કે માતૃભાષાને કારણે તેને અન્ય ભાષા ઉપર પ્રભુત્વ મેળવવામાં સરળતા રહે છે. ડૉ. ક્યુમીન્સ તેમના દ્વિભાષાકીય શિક્ષણના સંશોધન માટે ખૂબ જાણીતા છે. ડૉ. પાનગરિયા મગજ, શરીર અને મનનાં સંશોધનમાં હાલમાં પ્રવૃત્ત છે અને એ દ્વારા તેઓ વિજ્ઞાન, ફિલસૂફી અને ધર્મને સાંકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અંતમાં તેઓ જણાવે છે કે માતૃભાષા એ બાળકની વૈયક્તિક, સામાજિક અને સાંસ્કૃિતક ઓળખ માટે જરૂરી છે અને તે દ્વારા શિક્ષણ મેળવવાનો તેનો હક્ક છીનવી લઈને આપણે તેની શીખવાની ક્ષમતા ઉપર બિનજરૂરી કાપ મૂકી રહ્યા છીએ.

માતૃભાષાના સમર્થનમાં એક અન્ય અભ્યાસનાં તારણો પણ જાણવા રહ્યા. Programme for International Student Assessment (PISA) દ્વારા બાળકો માટે લેવાયેલાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 73 રાષ્ટ્રોમાં ભારતનો ક્રમ 72મો હતો. આ સંદર્ભે થયેલા સર્વેક્ષણમાં એક તારણ એવું હતું કે પ્રાથમિક કક્ષાએ અંગ્રેજી દ્વારા અપાતા શિક્ષણની અસર તેમના Learning outcome ઉપર પડે છે. ગરીબ માબાપો પણ અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકોને મોકલતાં થયાં છે અને અધકચરું અંગ્રેજી જાણતા શિક્ષકો દ્વારા બિલાડીના ટોપની જેમ શરૂ થયેલી શાળામાં શિક્ષણકાર્યથી વિપરીત અસરો પેદા થાય છે. જે બાળકો પોતાની માતૃભાષામાં સરળતાથી વાંચી શકે તેઓ સહેલાઈથી અંગ્રેજી શીખી શકે છે. આનો અર્થ એ છે માતૃભાષાથી શરૂ કરો અને અંગ્રેજીને ધીમે ધીમે શરૂ કરો. સરકારે શિક્ષણ પાછળ કરેલા ખર્ચાનું વળતર ન મળવાનું એક કારણ અપરિપક્વ કક્ષાએ શીખવાતું અંગ્રેજી હોઈ શકે એવું સર્વેક્ષણમાં જણાય છે અને ભારતનો 72મો ક્રમ પણ આ વાત પુરવાર કરે છે.

માતૃભાષાને બચાવવા લેખ લખવો પડે એ દુઃખદ ઘટના છે, પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં એને ધર્મકાર્ય ગણી અહીં વિચારો વ્યક્ત કર્યા છે. આવનાર વર્ષોમાં માતૃભાષા અને વૈશ્વિક ભાષા(અંગ્રેજી)નો અભ્યાસ બળવત્તર બને તેવી આશા રાખીએ. બંનેને સિક્કાની બે બાજુઓ ગણીએ તો કદાચ સંઘર્ષ નિવારી શકાય અને ગુજરાતીને દુર્બોધ બનાવવાના પ્રયત્નો નિવારીએ અને રોચક બનાવીએ તો તે પ્રત્યે આકર્ષણ થાય.

સૌજન્ય : “વિશ્વવિહાર”, વર્ષ : 19; અંક : 08; મે 2017; પૃ. 07-09

Loading

25 May 2017 admin
← ટાગોરના ‘તરંગી’ વાનગી પ્રયોગો
The Dalit’s House →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved