પૂર્વની સંસ્કૃિતઓ એટલી પૂરાણી છે, અને છતાં ઇતિહાસ તરફ બેદરકારી પણ સેવાય છે. ભારતીય પ્રજાને એક ઇતિહાસકારે ahistoric પ્રજાનું બીરુદ આપ્યું છે. પશ્ચિમી દેશોમાં ઇતિહાસને જીવંત રાખવા, એની પરંપરાઓનું જતન કરવા સરકારો, સંસ્થાઓ અને સંકુલો હંમેશાં સજાગ રહ્યાં છે. એવી સજાકતાની ઘટનાઓનો અંગત અનુભવ ગયા મહિનામાં – ફેબ્રુઆરી 24ના દિવસે – થયો. એના વિશે ટૂંકમાં વાત કરવાનો અહીં પ્રયાસ છે.
(ડાબેથી) પ્રફુલ્લ મિસ્ત્રી, દાલજિત મિસ્ત્રી, ડાહ્યાભાઈ મિસ્ત્રી, ફિયોના બ્રૂસ, કિરણ મિસ્ત્રી, નીલા મિસ્ત્રી અને કૃષ્ણા કમલ મિસ્ત્રી
વાણી વિચાર સ્વાતંત્ર્યમાં રાખવામાં પ્રકાશન – છાપખાનાંના કારીગરોએ તે વખતની ભાષામાં craft guilds અને અત્યારની ભાષામાં trade unions અહમ ભાગ ભજવ્યો છે. એમાંનું એક સંકુલ – છાપખાનાં – લખાણકામની સામગ્રીઓ પૂરી પાડે છે. અહીં એનું અસ્તિત્વ અને ઇતિહાસ અકબદ્ધ રાખવામાં આવ્યાં છે. એનું નામ છે : The Society of Old Friends અને મુખ્ય મથક લંડનના Stationers Hallની એક ભવ્ય ઐતિહાસિક ઇમારતમાં છે. આ સંકુલ સંસ્થા[craft guild]ને સભ્યપદ છે; અને વળી, છેલ્લાં બે વર્ષથી સંસ્થાના પ્રમુખપદે મારા મોટા દીકરા કિરણ શોભાવી રહ્યા છે. આ સંકુલના 108 વર્ષની હયાતીમાં પહેલવહેલી સ્ત્રી પ્રમુખ 2013-2015 કેઇટ બેન્ક્સ(Kate Banks)ને થવાનો મોકો મળ્યો. અને કિરણે પહેલા અશ્વેત પ્રમુખ બની ઇતિહાસ રચ્યો છે.
આ સંકુલ દર વરસે નિયમિત રીતે બેત્રણ એવા કાર્યક્રમો યોજે છે જેમાં વાણી-વિચારની સ્વતંત્રતાનાં પ્રખર પ્રચારકો, લેખકો, પત્રકારો, વગેરે મુખ્ય મહેમાન બને છે. સંકુલના લાંબા ઇતિહાસમાં એવાં માનવંતાં મહેમાનોમાં સમાવેશ થાય છે : લેખક-વિચારકો – એચ.જી. વેલ્સ (HG Wells), જ્હોન બુકન (John Buchan), જે.બી. પ્રિસ્ટલી (JB Pristley), હેમન્ડ ઈન્સ (Hammond Innes); લેખિકાઓમાં ડોરિથી સેયર્સ (Dorothy L. Sayers), જીલી કૂપર (Jilly Cooper); પ્રચાર માધ્યમનાં અને બી.બી.સી.નાં રિચર્ડ ડિમ્બલબી (Richard Dimbleby), અૅન્જલા રિપન્સ (Angela Rippon); રાજકારણીઓમાં ઇનૉક પૉવેલ (Enoch Powell), માર્ક બોનમ કાર્ટર (Mark Bonham Carter), કેન લિવિંગસ્ટોન (Ken Livingstone), વગેરે. કિરણના પ્રમુખપદ વેળા સંગીતકાર, નાટ્યકાર રેવરન્ડ રિચર્ડ કોલ્સ (Rev. Richard Coles), લેખિકા સેન્ડી તોક્સવીગ (Sandi Toksvig) અને ભારતીય નસ્સલ લેખિકા મીરાં સાયલ (Meera Syal) અતિથિ વક્તા તરીકે આવેલાં. 24 ફેબ્રુઆરીના કાર્યક્રમમાં બી.બી.સી.નાં જાણીતાં માનીતાં સંવાદદાતા ને સમાચાર ઉદ્દઘોષક ફિયોના બ્રૂસ(Fiona Bruce)ને સાંભળવાનો મોકો હતો. એમના અનુભવો સાંભળવાનો એ અવસર હતો. સાથોસાથ, સંકુલનું ઐતિહાસિક ભવન, એનું જૂનું સ્થાપત્ય તેમ જ તેના ઇતિહાસની જાળવણીની વ્યવસ્થા જોઈ અભિભૂત થઈ જવાયું.
પત્રકાર ફિયોના બ્રૂસનું વક્તવ્ય પણ એટલું જ અસરકારક. હળવી ભાષામાં રજૂ કરેલા એમના અનુભવોમાં તરબોળ થવાયું. ફિયોના બ્રૂસ કહી રહ્યાં હતાં કે સમાચાર આપતી વખતે પોતાના અવાજમાં હાવભાવમાં ખૂબ જ સંવેદશીલ તકેદારી રાખવી પડે છે. ખાસ કરીને આ દિવસોમાં રાજકારણીઓ નવા નવા પ્રચાર માધ્યમોમાં – ટ્વીટર, ફેઇસબુક વગેરેમાં પોતાના વિચારો અને સરકારી નીતિરીતિઓ જાહેર કરતા રહે છે અને તેથી પરિણામે બ્રેકિંગ ન્યૂસ આપતી વખતે સમાચારની તટસ્થતા અને ભાષાના ઉપયોગમાં ખૂબ જ ધ્યાન આપવું રહે છે. પોતાની હળવી ભાષામાં અમેિરકી પ્રમુખ ડોનાલ્ડ ટૃમ્પના અસંખ્ય ટ્વીટર સંદેશાઓની અનુભવમિશ્રિત વાતો પણ એમણે કરી.
ચારપાંચ કલાકના આ સાંય કાર્યક્રમમાં સંકુલની જૂની પરંપરાઓ બાબત અનેરી રીતોનું પણ દર્શન અને અનુભવ સભ્યો – મહેમાનોને કરાવવામાં આવ્યા.
‘Kamal Kunj’, 3 Buckingham Mews, SUTTON COLDFIELD, West Midlands, B73 5PR