Opinion Magazine
Number of visits: 9448789
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્સાહ અને ક્રાંતિનું એક ઉમદા પ્રતીક

વિપુલ કલ્યાણી|Profile|20 March 2013

‘હિંદી યુવાનોમાં હિંદી સંસ્કાર, સ્વદેશ પ્રેમ, અને રાષ્ટૃીય ભાવનાની ઊર્મિઅો જગાડી વ્યાયામ, લેખનકલા, ચિત્રકલા અને વાણી વિકાસ સાધી સમસ્ત હિંદી કોમની સેવા કરવી.’

અાવા ઉદ્દાત ઉદ્દેશ સાથે, 25 નવેમ્બર 1943ના રોજ, પૂર્વ અાફ્રિકાના યુગાન્ડા દેશના પાટનગર કમ્પાલા ખાતે, ‘શ્રી યુવક સંઘ – કમ્પાલા’ની સ્થાપના કરવામાં અાવી. અને તેના દૂરંદેશ અગ્રગામી સ્થાપક હતા તુલસીદાસ રૂગનાથ માણેક. અા ટાંકણે બહાર પડેલી પત્રિકામાં તેના અા અાગેવાન વાંચકને અનુલક્ષી કહે છે : ‘અા પત્રિકા વાંચી, ગડી કરી ખીસામાં કે ફાડી ફેંકી દેશો નહીં. પરંતુ તેનું મનન કરી યુવકના કાર્યમાં યથા-શક્તિ સહકાર અાપશો એવી અાશા.’

અા ઘટનાને અા સાલ 70 વર્ષનું છેટું થયું છે. ત્યારે અા યુવાનનું વય હતું : ફક્ત 21 વર્ષ.

તત્કાલીન યુવક સંઘ માંહેના એક સાથીદાર તેમ જ મંત્રી તરીકે તુલસીદાસભાઈના અનુગામી બનેલા જયંતભાઈ કારિયાની નોંધ અનુસાર, પ્રથમ પહેલા મંત્રીની જવાબદારી સ્વીકાર કરતા, તુલસીદાસ માણેકે કહેલું, ‘ … અા સંસ્થા ઊભી કરવા પાછળ અાપણું ધ્યેય અમુક યુવકોને ભેગા કરી ચર્ચા કે ઠરાવો કરી કાગળિયા અભેરાઈ ઉપર ચડાવવા તે નહીં; પરંતુ સંસ્થાનું મુખ્ય ધ્યેય રચનાત્મક કાર્યક્રમો યોજી હિન્દી યુવાનોમાં હિન્દી સંસ્કારો, સ્વદેશપ્રેમ અને રાષ્ટૃીય ભાવનાની ઊર્મિઅો જગાડી વ્યાયામ, લેખનકળા, ચિત્રકલા અને વાણીવિકાસ સાધવાનો તેમ જ તેમના અભ્યુદય માટે યથા શક્ય પ્રયત્ન કરવાનો છે.’

અા ઉદ્દેશોને લક્ષમાં રાખી, અા યુવાન પોતાની જવાબદારી સમજીને ઉદ્દેશને એક પછી એક પાર પાડવા સંસ્થાના કાર્યમાં તલ્લીન બની ગયા હતા, તેમ જયંત કારિયા લખે છે.

તુલસીદાસભાઈને યુવક સંઘમાં મદનગોપાળ ચત્રથ પ્રમુખ બની સાથ અાપે છે તો, હરિલાલ સામાણી ઉપ પ્રમુખપદે રહ્યા. સહમંત્રી તરીકે નવનીત શાહનો સહકાર હતો અને કોષાધ્યક્ષ તરીકે અમૃતલાલ દેવચંદનો સાથ હતો. વળી, સમિતિ પર ડાહ્યાભાઈ અા. પટેલ, સૂર્યકાન્ત સી. દેસાઈ, અંબાલાલ ભાવસર તથા મનસુખ ત્રિવેદી સભ્યો તરીકે હતા. મૂળ કાર્યવાહક સમિતિ ઉપરાંત, વ્યાયામ-શાળા સમિતિ ને ઉત્સવ સમિતિ પણ સક્રિય બનેલી.

‘અ ગિફટેડ યન્ગ મૅન – માય બ્રધર તુલસીદાસ’ નામની પ્રભુદાસભાઈ માણેકની નોંધ અનુસાર, 1938ના અરસામાં, તુલસીદાસભાઈ હિંદથી ભણી ગણી યુગાન્ડા પરત થાય છે. વધુ અભ્યાસ સારુ કમ્પાલાની માધ્યમિક શાળામાં દાખલ થાય છે. ત્યાં એમના કેટલાક સાથીસહોદરો – વનુભાઈ વી. રાડિયા, અમૃતલાલ જી. મહેતા (જે પાછળથી કમ્પાલાના નગરપતિ બનેલા), અમૃતલાલ રણછોડ સેજપાળ, પુરુષોત્તમ નાથાલાલ મોરઝરિયા, હરિદાસ કાનજી મેઘજી રાડિયા, વલ્લભદાસ દેવીદાસ અાશર, જનાર્દન એસ. પટેલ, સૂર્યકાન્ત જશભાઈ પટેલ અને ઇન્દુભાઈ જોશી સાથે મળીને એમણે ‘કિશોર મંડળ’ની પહેલવહેલી રચના કરેલી. યુગાન્ડાની ધારાસભામાં પાછળથી સભાસદ બનેલા એમ. એમ. પટેલ અા જૂથના અધ્યક્ષપદે હતા.

‘કિશોર મંડળ’ હેઠળ એ સૌએ સાહિત્યિક પ્રવૃત્તિ ચલાવેલી. તેમાં “કિરણ” નામે હસ્તલિખિત ત્રૈમાસિકનો ય સમાવેશ અગત્યનો હતો. અા સામયિકને સફળતા મળતાં, તેને મુદ્રિત કરવાનું નક્કી થયેલું. કેટલાક સાથીમિત્રો ભણતર પૂરું થતાં નિશાળ છોડીને ગયા તેથી અા મુદ્રિત પત્રિકાની યોજનાને પડતી મૂકવી પડેલી. પરિણામે, ‘કિશોર મંડળ’ને વીંટી લેવું પડેલું.

સ્થાનિક બેન્કમાં નોકરીએ લાગ્યા કેડે, કમ્પાલા લોહાણા સમાજના પુસ્તકાલયની પ્રવૃત્તિમાં તુલસીદાસભાઈ પ્રવૃત્ત બની રહ્યા. દરમિયાન, 1942ના અરસામાં નવનીતભાઈ શાંતિલાલ શાહ હિંદથી યુગાન્ડા અાવી વસ્યા. બંને વચ્ચે મૈત્રી કેળવાઈ. નવનીતભાઈ વ્યાયામ તેમ જ સાંસ્કૃિતક પ્રવૃત્તિમાં પાવરધા હતા. બંને વચ્ચે લંબાણથી ચર્ચાવિચારણા થતી રહી, અને અા બન્ને નરબંકા યુવકોએ ‘યુવક સંઘ’ની રચના કરવાનો નિર્ણય કર્યો. તુલસીદાસભાઈને માથે સંસ્થાના મંત્રીપદની જવાબદારી અાવી રહી અને એમણે મનસા, વાચા, કર્મણા તેને સુપેરે નિભાવી જાણી.

અહીં પણ સાહિત્યિક પ્રવૃત્તિઅોને પ્રધાન સ્થાન મળવા લાગ્યું. ફરી એક વાર હસ્તલિખિત ત્રૈમાસિક કાઢવાનો મનસૂબો રાખ્યો. નામ રખાયું : “હાકલ”. કવિ ડાહ્યાભાઈ પટેલ, ઉમાકાન્ત ટી. પટેલ, અંબાલાલ વી. ભાવસાર અને બીજા તેમાં તુલસીદાસ માણેક જોડાજોડ અગ્રેસર રહ્યા. તુલસીદાસભાઈને સુશોભનકળા હસ્તગત હતી, પરંતુ સામિયકને રૂપકડું બનાવવાની જવાબદારીઅો પોપટલાલ વાલજી ગજ્જર, અરવિંદ દામોદર અોઝા તથા પ્રભુદાસ માણેકને ફાળે હતી.

એક તરફ તુલસીદાસભાઈના વડપણ હેઠળ સાહિત્યિક પ્રવૃત્તિઅો ધમધમતી થઈ, તો બીજી પાસ, નવનીતભાઈ શાહની અાગેવાની હેઠળ અખાડા – વ્યાયામ – પ્રવૃત્તિએ જોર પકડ્યું. એન્ટેબી રોડ પર અાવેલા સનાતન મંદિરના પ્રાંગણમાં એ ફૂલી ફાલતી રહી. તો ત્રીજી તરફ, સાંસ્કૃિતક પ્રવૃત્તિઅો મજબૂત બનવા લાગી. તેમાં ચર્ચાસભા, સંગીત અને નાટકને કેન્દ્રગામી સ્થાન મળવા લાગ્યું. જયંતભાઈ કારિયા, મનસુખભાઈ ત્રિવેદી તેમ જ કેટલેક અંશે અમૃત ગજ્જર તેમ જ જયન્ત ભાવસાર તેમાં પૂરેવચ્ચ રહ્યા.     

અા લવરમૂછિયાને કુટુંબીઅોમાં અને મિત્રવર્તુળમાં, સૌ કોઈ બચુભાઈના હૂલામણા નામે જાણે. અાશરે 16 માઈલના અંતરે, કમ્પાલા પાસેના એક નાના ગામડે – મુકોનોમાં – તુલસીદાસભાઈનો જન્મ 22 અૉગસ્ટ 1922ના રોજ થયો હતો. એમના માતા દિવાળીબહેન અને પિતા રૂગનાથ જેરાજ માણેક. ગુજરાતના હાલ જામનગર જિલ્લામાં અાવ્યા જામજોધપુરના એ મૂળ વતની. અા દંપતીનું એ સૌથી વડેરું સંતાન. એમના ઉપરાંત દંપતીને પ્રભુદાસભાઈ (બાબુભાઈ), શાન્તાબહેન, પ્રાણલાલભાઈ (છોટુભાઈ), શારદાબહેન, રમેશભાઈ, દિનેશભાઈ તથા ઇન્દુબહેન નામે સંતાનો હતાં. … ખેર !

પ્રભુદાસ માણેકના જણાવ્યા અનુસાર, ગણતરીના ગાળામાં ‘યુવક સંઘ’ યુગાન્ડાની અને તેમાં ય ખાસ કરીને કમ્પાલાની એક ગૌરવવંતી અગ્રગણ્ય સંસ્થા બની ગઈ. પુસ્તકાલય સહિતની અા તમામ સાંસ્કૃિતક પ્રવૃત્તિઅોને સારુ એક કાયમી મથક હોય, તેમ તુલસીદાસભાઈને સબળ અોરતા. અને તેને ચરિતાર્થ કરવાને સારુ એમને ન જોયા દિવસ, ન જ જોઈ રાત. સંસ્થાના કલ્યાણ સારુ એમણે લાંબા કલાકો અાપવાના રાખ્યા. … અને તેને કારણે શરીર પર તેના શેરડા દેખાવા લાગ્યા. હવે શરીર ઝાઝું ખમી શકે તેમ હતું નહીં અને સારવાર અર્થે એમને હિંદુસ્તાન મોકલવાનું પરિવારે નક્કી કર્યું. પરિણામે, એમણે પોતાની જવાબદારીઅોનો હવાલો જયંતભાઈ કારિયાને સુપ્રત કર્યો.

પિતા, રૂગનાથભાઈ માણેકે, અભૂતપૂર્વ કહી શકાય તેમ, જ્યેષ્ઠ પુત્રની માંદગી તેમ જ તે પછીની પીડાકારી પરિસ્થિતિ અંગે વિગતે બ્યાન કર્યું છે. રૂગનાથભાઈએ તુલસીદાસભાઈની બાળ વયે થયેલા ન્યૂમોનિયા(કફજ્વર)ના દરદની વિષદ વિગતો ય અાપી છે. પિતા લખે છે : ‘બાલ્યાવસ્થામાં, પોણા બે વર્ષની ઉંમરમાં, નિમોનિયાની બીમારીમાં પટકાઈ પડેલ ત્યારે કુદરતે યારી અાપી તેની જીવનયાત્રા લંબાવી માતાપિતાની મીઠી છાયા તળે લાડકોડમાં ઉછરેલ તુલસીદાસે બાલપણમાં પાંચ વરસ પસાર કરી શિક્ષણ લેવાની શરૂઅાત કરી.’ રૂગનાથભાઈનો ગુજરાતી ભાષા પરનો કાબૂ પોરસાવે છે. અા સમગ્ર લખાણ અંગત, પારિવારિક હોવા છતાં તર્કની એરણે પાર પડે તેવું છે. એમણે સતત સમથળ રહેવાનું ઉચિત માન્યું હોય, તેવી છાપ અા લખાણમાં સતત ઝવતી જોવા સાંપડે છે.

1928ની શરૂઅાતમાં, કમ્પાલા ઇન્ડિયન એસોસિયેશનના અાશરા હેઠળ ચાલતી ‘ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’માં કિશોર તુલસીદાસને દાખલ કરવામાં અાવેલા. બરાબર કાળજીપૂર્વક અભ્યાસ કરી લીધા બાદ, 1930માં નાઇરોબીમાં સ્થપાયેલા ‘શ્રદ્ધાનંદ બ્રહ્મચર્ય અાશ્રમ’માં નજીવો સમય પસાર કરી, ગુજરાતના ભાવનગર પાસે અાવેલા સોનગઢના અાર્ય ગુરુકૂળમાં એમણે અભ્યાસ અાદર્યો. થોડો વખત જામજોધપુરમાં ય શિક્ષણ લીધું અને 1938 વેળા એ કમ્પાલા પાછા ફરેલા.

અાપણે અાગળ જોયું તેમ, જયંતભાઈ કારિયાને હવાલો સુપ્રત કરીને તુલસીદાસ માણેકને, સન 1945ના અરસામાં, સારવાર સારુ મોકલવાનું નક્કી થયું, ત્યારે ‘યુવક સંઘ’ હેઠળ, કમ્પાલા ખાતે, એક જાહેર દબદબાભર્યો વિદાય સમારોહ યોજવામાં અાવેલો. વેપારવણજના અાગેવાનો, સામાજિક, ધાર્મિક સંસ્થાઅોના અગ્રેસરો, સુધરાઈ સભ્યો, સરકારી અાગેવાનો સહિતના તે મેળાવડામાં વક્તાઅોએ ઉમળકાભેર તુલસીદાસભાઈના કર્તૃત્વને બીરદાવી જાણેલી. એમની અદ્વિતીય સેવાની નોંધ લઈને એક માનપત્ર પણ એનાયત કરવામાં અાવ્યું હતું. અાવડી નાની વયે અાવું માનપત્ર મેળવનાર એ પહેલવહેલા જ યુવાન હતા, તેમ જાણકારોનું કહેવું છે.

ભાવિની ગર્તામાં શું પડ્યું છે તે ક્યાં કોઈને ખબર હતી ? … પોતાની માંદગીની સારવાર સારુ તુલસીદાસભાઈને મુંબઈ – પૂણેની દક્ષિણે અાવેલા મિરજ ખાતે સારવાર સારુ લઈ જવાનું ગોઠવાયું. અને પછી બાપીકા વતન જામજોધપુર, જ્યાં, એમણે 27 જાન્યુઅારી 1947ના રોજ દેહ છોડ્યો. ત્યારે એમનું વય માત્ર 24 વર્ષનું જ હતું. 

તુલસીદાસભાઈના અકાળે નિધનને લીધે, કમ્પાલાના જાહેરજીવનમાં અને ખાસ કરીને ‘યુવક સંઘ’માં જાણે કે સોપો પડી ગયો. યુગાન્ડાના લોહાણા મહાજને તેમ જ યુવક સંઘે તાત્કાલીક શોકસભાઅો યોજી અા દિવંગત યુવા અાગેવાનને શ્રદ્ધાંજલિ અર્પી. એમની સ્મૃિતમાં સંઘે થોડા દિવસ પોતાની સઘળી પ્રવૃત્તિઅો સ્થગિત કરીને ય નિવાપાંજલિ અાપી. યુવક સંઘનું જ્યારે ઉચિત ભવન બાંધવામાં અાવે તે વેળા તેના સભાખંડને ‘તુલસીદાસ માણેક સ્મૃિત ખંડ’ નામ અાપવાનો પણ જાહેરમાં ઠરાવ કરવામાં અાવેલો. જો કે, વિપરિત પરિસ્થિતિઅોને કારણે અા યોજના અમલી બની શકી નહોતી.

પોતાની અથાગ સેવાઅોને કારણે, સમાજમાં અને સરકારમાં જે માનમરતબો મેળવાયો હતો, તેને કારણે અૉલ્ડ કમ્પાલાના એક જાહેર રસ્તા પરે સંઘ સારુ ઉચિત મકાન બંધાવી શકાય તેને સારુ જમીનનો એક ટૂકડો સરકાર પાસેથી મેળવવાને તુલસીદાસ માણેક સફળ રહ્યા હતા. ત્યાં એક વિશાળ સભાગૃહ બંધાવવાના એમને અોરતા હતા.

વારુ, … જાહેર અાગેવાનો, સરકારી અધિકારીઅો અને પોતાના નજીકના અનેક સાથીસહોદરોએ દવંગત તુલસીદાસભાઈને દિલ ભરીને અંજલિઅો અાપેલી. તેમાં જયંતભાઈ કારિયા, કવિ ડાહ્યાભાઈ અા. પટેલ, ઘનશ્યામભાઈ અાર. પટેલનો સમાવેશ હતો. એ દરેકે અા ખોટને જીરવવી અઘરી બનવાની છે, તેમ કહ્યું હતું.

પોતાના દિલોજાન મિત્ર તુલસીદાસને સ્મરણાંજલિ અાપતું એક સૉનેટ કાવ્ય, શિખરિણી છંદમાં, કવિ ડાહ્યાભાઈ પટેલે લખેલું. તે પ્રસ્તુત છે :

અમારા મિત્રોના ઉપવન મહીં સૌરભ ભર્યું,

હતું તું તો પ્યારું રસભર મૃદુ પુષ્પ હસતું;

અમોને પ્રેરતું રજનીદિન કર્તવ્ય કરવા,

સુકાતી ઊર્મિને સિંચન કરતું પ્રેમ ઝરણું.

સખા ! શક્તિથી તું સભર વળી શી બુદ્ધિધીમતા,

હતી તારી પાસે જીવન પથ સાચો સૂચવવા;

કરી સેવા તેં તો તન મન અને સ્નેહધનથી

અહા યોગીઅોને પણ અગમ, નિસ્વાર્થ હૃદયે.

 

અરેરે શેં પ્યાસ ! પ્રણયભર મૈત્રિ સકલ અા,

અમારાં હૈયાંની વિસરી દૂર ચાલ્યો, ક્રૂર બની.

વહી ચાલ્યો કિન્તુ દરદ દિલમાં હા વિરહનું

અને મીઠ્ઠી મોંઘી સ્મરણ સુરભિ તું દઈ ગયો.

ભલે પ્યારા ચાલ્યો જગત કદિકેય છો વિસરતું

અમારાં હૈયાંમાં પણ અમર થૈ તું રમી રહ્યો.
   

("અોપિનિયન", 26 માર્ચ 2013)

Loading

20 March 2013 admin
← કોમાગાટા મારુ −
… એક પડાવ જ ને ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved