નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં બે ‘સમાચાર’ આવ્યા. એક સમાચાર એવા હતા કે ભારતના ‘એક નંબરના દુશ્મન’ દાઉદ ઇબ્રાહીમની 15,000 કરોડની સંપત્તિ સંયુક્ત અરબ અમીરાતની સરકારે જપ્ત કરી લીધી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર બહુ ચગ્યા અને ભાજપે મીડિયાના આધારે એવો પણ ગર્વ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સીધા પ્રયાસોને કારણે આ ‘સફળતા’ મળી છે. બીજા-ત્રીજા દિવસે સરકારનાં સૂત્રોએ સ્પષ્ટતા કરી કે આ સમાચાર ખોટા છે અને અમીરાતના ભારતના એમ્બેસેડર પાસે આવી કોઈ માહિતી નથી.
બીજા સમાચાર અમેરિકાથી આવ્યા, જેમાં અમેરિકન ગુપ્તચર સંસ્થાએ પ્રગટ કરેલી ક્લાસિફાઇડ માહિતીમાં એવું કહેવાયું હતું કે તાજેતરની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતે એમાં રશિયાને રસ હતો અને રશિયન પ્રમુખ પુતિને સીધો આદેશ આપીને ટ્રમ્પનાં હરીફ હિલેરી ક્લિન્ટનને બદનામ કરવા માટે અમેરિકન સોશિયલ અને બીજા મીડિયામાં અભિયાન ચલાવ્યું હતું. ટ્રમ્પે આ દાવાને ‘હસી’ કાઢ્યો, પરંતુ ચૂંટણી દરમિયાન એણે બરાક ઓબામાને ઇસ્લામિક સ્ટેટના ‘સ્થાપક’ અને હિલેરીને ‘સહ-સ્થાપક’ કહેવાનું બાકી રાખ્યું ન હતું.
રાજકારણમાં તડાકા મારવા કે કોરાં વચનો આપવા એ રીત જૂની છે, પરંતુ એમાં કેટલી હદ સુધી જૂઠ બોલવામાં આવે છે, તે રીત નવી છે અને ઉપર એનાં બે તાજાં ઉદાહરણો છે. અને આ માત્ર એકલ-દોકલ ઉદાહરણ નથી. જનતામાં ચોક્કસ પ્રકારનો મત પેદા કરવા ગલત સમાચારો કે ગલત માહિતીઓનો પ્રચાર કરવાની એક નવી રીત શરૂ થઈ છે. ગયા જૂનમાં બ્રિટિશરોએ બ્રિટન યુરોપિયન સંઘમાંથી નીકળી જાય તે માટે મતદાન કર્યું ત્યારે એમને એવું (ખોટી રીતે) ઠસાવવામાં આવ્યું હતું કે યુરોપિયનના સભ્યપદ માટે બ્રિટન પર પ્રતિ સપ્તાહ 470 મિલિયન ડૉલરનો ખર્ચો આવે છે. બ્રિટન જો સંઘમાંથી નીકળી જાય તો આ પૈસા આરોગ્ય સેવાને બહેતર બનાવવા વાપરી શકાય.
બ્રિટનના લોકોને આ તર્કની તથ્યાત્મક સચ્ચાઈ ખબર ન હતી, પરંતુ વાત એટલી ‘અપિલિંગ’ હતી કે તેમણે એમને ‘સાચી’ માની લીધી. આવું ઘણા દેશોમાં-સમાજમાં થઇ રહ્યું છે. સોશિયલ મીડિયાના જબરદસ્ત પ્રસાર વચ્ચે એવા ‘સમાચારો કે સચ્ચાઇ કે તથ્યો’ વાઇરલ થાય છે કે કરવામાં આવે છે જેની સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાઇ શકે. ટ્રમ્પે દુનિયામાંથી આતંકવાદનો સફાયો કરવાની વાત જે રીતે કરી તેમાં અમેરિકન લોકોને એવો સવાલ પૂછવાની જરૂરિયાત મહેસૂસ ન થઈ કે આતંકવાદ દૂર કરવાના ઉપાય શું છે અને ટ્રમ્પ એનો અમલ કેવી રીતે કરશે. આમ છતાં, લોકોને લાગ્યું કે ટ્રમ્પના આવવાથી કમ-સે-કમ અમેરિકામાંથી આતંકવાદ ખતમ થઈ જશે.
જનતા જે રીતે સોશિયલ મીડિયાની કે ટેલિવિઝનની જુઠ્ઠી-સાચી બાબતોમાં તણાઇ જાય છે તેનાથી હવે દરેક રાજકારણી માટે કોઇ પણ મુદ્દા ઉપર ભાવનાત્મક પ્રતિક્રિયા પેદા કરવાનું આસાન થઇ ગયું છે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મહંમદ આસીફે ઇઝરાયલ પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી હતી. કેમ? કારણ કે એક (ખોટા) સમાચારમાં એવું કહેવાયું હતું કે પાકિસ્તાન જો સીરિયામાં સૈનિકો મોકલશે તો ઇઝરાયલ પાકિસ્તાન પર હુમલો કરશે. સ્વાભાવિક રીતે જ બંને દેશોની જનતાને અપાર ‘ખુશી’ થઈ હશે.
2016 અને 2017નું વર્ષ એ રીતે બિન્ધાસ્ત જૂઠ બોલવાના વર્ષ તરીકે ઓળખાવું જોઈએ. એના માટે પોસ્ટ-ટ્રુપ જેવો શબ્દ પણ છે. સંસારના ઘણા લોકતાંત્રિક દેશોમાં તથ્યો કે નીતિઓને બદલે લાગણીઓ અને ડરનો આધાર લઇને રાજકારણ રમાઇ રહ્યું છે, જેને પોસ્ટ-ટ્રુપ કહે છે. પોલિટીફેક્ટ નામની અમેરિકાની એક વેબસાઇટ, જે રાજકારણીઓના દાવાઓને તથ્યોની એરણ પર ચકાસવાનું કામ કરે છે, તેણે ડોનાલ્ડ ટ્રમ્પનાં છેલ્લાં પાંચ વર્ષનાં વિધાનોની હકીકતો તપાસી તો ખબર પડી કે એમાંથી 70 પ્રતિશત વાતો બોગસ હતી, 15 પ્રતિશત વાતો અર્ધ-સત્ય હતી અને 15 પ્રતિશત વાતોમાં સચ્ચાઇ હતી.
આમ છતાં, લોકોએ ટ્રમ્પને વોટ આપ્યા. પોસ્ટ-ટ્રુપ અથવા જૂઠનો આ પ્રભાવ છે. આ પ્રભાવ સાવ નવો અને અણધાર્યો છે? ના. સભ્યતાઓ અને સમાજોના ઇતિહાસમાં જૂઠની ભૂમિકા હંમેશાં રહી છે. રાજકારણીઓ, જે આમ જનતા કરતાં વધુ ગંભીર, જવાબદાર અને સમજદાર હોય છે, એમણે હંમેશાંથી જનતાને લાગણીઓમાં ગુમરાહ કરવાને બદલે તથ્યો અને નીતિઓ સાથે બાંધી રાખી હતી, પરંતુ સમાજો અસ્થિર અને ભયભીત થઈ રહ્યા છે એટલે રાજકારણીઓએ લોકોને ગમે તેવું બોલવાનું શરૂ કર્યું છે, અને એમાં તથ્ય, સત્ય અને હકીકતનો ભોગ લેવાયો છે.
બે હજાર વર્ષ પહેલાં ગ્રીક ચિંતક એરિસ્ટોટલ ગ્રીક નાટકને સમજાવતાં ‘પોયેટિક્સ’માં લખ્યું હતું કે, પ્રેક્ષકો આકર્ષિત થાય તે માટે નાટક મુમકીન લાગવું જોઈએ, પછી ભલે એ જૂઠ હોય. બનાવટી કહાની મનોહર, સુખદ અને આરામદેહ હોય છે, જ્યારે સત્ય પરેશાની પેદા કરનારું હોય છે, એવી એરિસ્ટોટલને ખબર હતી. જૂઠ બે પ્રકારનાં હોય છે. એક સહજ હોય છે, જેમાં જૂઠ બોલવાની નમ્રતા હોય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ‘આજે તમે ખૂબસૂરત લાગો છો’ તો એમાં શિષ્ટાચાર વધુ છે. બીજું જૂઠ હાથચાલાકીવાળું હોય છે, જેમાં બીજી વ્યક્તિની ભાવનાઓ, ડર કે જરૂરિયાતો સાથે ‘રમત’ રમવામાં આવે છે.
ભારતીય સંસ્કૃિતમાં સૌથી જાણીતું જૂઠ મહાભારતમાં યુધિષ્ઠિરનું છે, જે અશ્વસ્થામા નામના હાથીનું મોત થયું હોવા છતાં દ્રોણને સમાચારની પુષ્ટિ એવી રીતે કરે છે, જેથી એવું લાગે કે જાણે દ્રોણના પુત્ર અશ્વસ્થામાનું મોત થયું હોય. વાલ્મીકિ રામાયણમાં રામ જ્યારે સીતાને વનવાસમાં મોકલે છે ત્યારે એ અસત્યનો સહારો લઈને લક્ષ્મણને એવું કહે છે કે, સીતા એની સખીઓ (મુનિઓની પત્નીઓ)ને મળવા માગે છે એટલે એ સીતાને જંગલમાં લઈ જાય.
યુધિષ્ઠિર અને રામ બંને ધર્મના (જેનો અર્થ સત્ય પણ છે) રક્ષક છે, અને એમના આ કથિત ‘સ્ખલન’ છતાં પણ લોકોને એમના પ્રત્યે કોઈ શંકા કે અનાદર નથી. કેમ? કારણ કે રાજાઓ(કે ભગવાનો)ના મોઢામાં જૂઠ અનુચિત નથી એવું આપણે માનીએ છીએ. આપણે એવું સ્વીકારી લીધું છે કે આપણા તારણહારને બહુમતી સમાજના હિતમાં જૂઠ બોલવાનો અધિકાર છે. કારણ કે, એક, એ હિતની આપણા કરતાં વધુ ખબર એમને છે અને બે, તેઓ ઉમદા હેતુથી જૂઠ બોલે છે.
આ તારણહારો જ્યારે પરંપરા કે નિયમો તોડે તો પણ આપણે એમને માફ કરી દઇએ છીએ, કારણ કે ચોક્કસ લોકો(દ્રોણ અને સીતા)ને સબક શિખવાડવા પ્રત્યેક પરંપરાભંગ જાયજ છે. એટલે આજના સમયમાં સાક્ષી મહારાજ ‘ચાર પત્નીઓ અને 40 બચ્ચાં’ તરફ આંગળી ચીંધે અથવા કર્ણાટકના ભાજપના ગૃહપ્રધાન યુવતીની છેડતી બદલ એના ‘ટૂંકા ડ્રેસ’ પર આંગળી મૂકે તો આપણને એમાં ‘સચ્ચાઇ’ નજર આવે છે.
સચ્ચાઇની આપણી વ્યાખ્યા પ્રસંગ પ્રમાણે અને અપેક્ષા પ્રમાણે છે. રાજકારણમાં જૂઠની જરૂરિયાત રહી છે.
જર્મનીમાં નાઝીઓનો આખો ઇતિહાસ જૂઠ ઉપર સર્જાયો હતો. એનાથી વિપરીત ભારતમાં ગાંધીજીએ સાબિત કર્યું હતું કે સત્યના સંગાથમાં જ સકારાત્મક રાજનીતિ ઇચ્છનીય જ છે એટલું નહીં, શક્ય પણ છે. ભારતની સ્વતંત્રતા ચળવળ રાજનીતિ અને સત્યની સંગત પર જ સફળ રહી હતી એ હકીકત બહુ જૂની નથી. બહરહાલ, સત્યની વાત ચંદ્રની જૂઠા સચ જેવી છે. એનો એક પક્ષ અંધારો છે, અને બીજો પ્રકાશમાન. પસંદગી આપણે કરવાની છે કે આપણે કઇ તરફ જીવવું – અંધકારની ગુમનામીમાં કે જ્ઞાન અને રાજકારણના પ્રકાશમાં.
અસ્તુ.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની કોલમ, ’રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 22 જાન્યુઆરી 2017