Opinion Magazine
Number of visits: 9448696
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આકાશવાણીની સંકેતધૂનના સર્જક : વૉલ્ટર કોફમૅન

અભિજિત વ્યાસ|Opinion - Opinion|18 January 2017

વર્ષો પૂર્વે એક ફિલ્મ ‘અનુભવ’ જોયેલી. એના દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યે ફિલ્મના એક દૃશ્યમાં પાર્શ્વસંગીતમાં આકાશવાણીની ‘સિગ્નેચર ટ્યૂન’ તરીકે ઓળખાતી સંકેતધૂન મૂકીને સવારનો નિર્દેશ કરતો સરસ ઉઠાવ આપેલો. આવી જ રીતે દિગ્દર્શક કેતન મહેતાએ પણ એમની ફિલ્મ ‘ભવની ભવાઈ’માં સવારના દૃશ્યમાં આકાશવાણીની સંકેતધૂનનો ઉપયોગ પાર્શ્વસંગીતમાં કર્યો છે. આ દિગ્દર્શકની સાથે-સાથે સંગીતકારની સૂઝનો ખ્યાલ પણ આપે છે.

આકાશવાણીની સવારની શરૂઆત વર્ષોથી હંમેશાં આ એક વિશિષ્ટ સંકેતધૂનથી થાય છે, જે હજી આજે પણ નિયમિત રીતે સવારના સાંભળવા મળે છે. હવે અલબત્ત ટેલિવિઝનના આગમન બાદ રેડિયો સેકન્ડક્લાસ સિટીઝન જેવો થઈ ગયો છે. પણ અમુક ઉંમરના લોકો આ ધૂનથી અત્યંત પરિચિત રહ્યા છે. એટલું જ નહીં, એ સાંભળતા સાંભળતા જ મોટા થયા છે એમ કહીએ તો પણ ચાલે. એક સમય એવો પણ હતો કે રવિવારના સવારે રેડિયો પરથી કોઈ એક હિન્દી ફિલ્મની સાઉન્ડટ્રેક સાંભળવા મળતી અને કેટલા ય લોકો તેને હોંશે હોંશે સાંભળતા. ટેલીવિઝનના આગમનથી બધી ફિલ્મો હવે જોવા મળવા લાગી તેથી રેડિયોનું મહત્ત્વ ઘટ્યું છે, તેમ છતાં ટેલીવિઝનની સરખામણીમાં રેડિયો ઉપર વધુ સારા કાર્યક્રમો આવે છે. અને એ રીતે હજી આજે પણ એક વર્ગ એવો છે જ, જે  રેડિયો બહુ નિયમિત સાંભળે છે. તેમાં પણ ખાસ શાસ્ત્રીયસંગીતના કાર્યક્રમો રેડિયો ઉપર સાંભળનારો વર્ગ આજે પણ ઘણો મોટો છે. પંડિત ભીમસેન જોશી એવું કહેતા કે રેડિયોએ જ કલાકારોને સમયની અવધિમાં રજૂઆત કરતા શીખવ્યું. રેડિયો ન હોત તો કલાકારોને સમયનું ભાન ન રહેત. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન એમ પણ કહેતાં કે રેડિયોને કારણે જ કેટલા ય કલાકારો શ્રોતાઓ સુધી પહોંચ્યા. રેડિયો ન હોત તો કેટલાક કલાકારોની કોઈ ઓળખ જ ન બની હોત. અને એટલે જ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનને જ્યારે આકાશવાણી પર વગાડવાનું આમંત્રણ મળતું ત્યારે અન્ય કાર્યક્રમોની સરખામણીમાં ઓછા પૈસા મળતા હોવા છતાં તેઓ રેડિયો પર વગાડવાની ના ન કહેતા.

રેડિયોને અને ખાસ કરીને આકાશવાણીને પ્રચલિત કરતાં અનેક પરિબળો છે. તેમાં ખાસ તેની એક વિશિષ્ટ ઓળખ બનાવવામાં તેની સંકેતધૂનનો પણ મહત્ત્વનો ફાળો છે. પણ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ધૂનના રચયિતા કોણ છે. અને આવું જ્યારે વિચારીએ, ત્યારે પહેલા કોઈ ભારતીયનું નામ જ હશે તેમ થાય. પણ ના, આ સંકેતધૂન(સિગ્નેચર ટ્યૂન)ના સ્વરકાર કોઈ ભારતીય નહીં, પણ વિદેશી છે. જર્મન છે. તે નામ વૉલ્ટર કોફમૅન [Walter Kaufmann] છે.

આપણા જાણીતા ફિલ્મસમીક્ષક અમૃત ગંગરે આકાશવાણીની આ સંકેતધૂન (સિગ્નેચર ટ્યૂન) સર્જક વોલ્ટર કોફમૅન ઉપર એક અત્યંત મહત્ત્વનું પુસ્તક ‘ધ મ્યુિઝક ધેટ સ્ટીલ રિંગ્સ એટ ડૉન, એવરી ડૉન’ (The Music that Still Rings at Dawn, Every Dawn) લખ્યું છે જેમાં વૉલ્ટર કોફમેને ૧૯૩૪ – ૧૯૪૬ દરમિયાન ભારતમાં ગાળેલા દિવસોની વિગતો વાંચવા મળે છે.

વૉલ્ટર કોફમૅન જર્મન યહૂદી હતા અને જર્મનીમાં સંગીતકાર તરીકે કાર્યરત હતા. પણ હિટલરના યહૂદી લોકો પરના અમાનુષી ત્રાસને કારણે કેટલા ય કલાકારો, બૃદ્ધિવંતો, વિજ્ઞાનીઓ જર્મની છોડીને ચાલ્યા ગયા. તેમ વૉલ્ટર કોફમેન પણ ૧૯૩૪માં જર્મની છોડીને ભારતમાં આવ્યા. કોફમૅન જ્યારે ભારત આવ્યા, ત્યારે બ્રિટિશરોનું રાજ્ય હતું. આપણે ત્યાં રેડિયોની શરૂઆત હજી થોડાં વર્ષ પહેલાં જ થઈ હતી. અને તેમના સંગીતના જ્ઞાનને ધ્યાનમાં રાખીને તેમને ઑલ ઇન્ડિયા રેડિયોના યુરોપિયન મ્યુિઝક ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. ભારતમાં તેઓ ૧૯૩૪થી ૧૯૪૬ સુધી રહ્યા. એ દરમિયાન એમણે સંગીતના ક્ષેત્રે અવર્ણનીય કાર્ય કર્યું.

એમનો જન્મ પહેલી એપ્રિલ, ૧૯૦૭માં કાર્લસબાદમાં થયેલો. હાલ કાર્લસબાદ કાર્લોવ વેરી તરીકે ઓળખાય છે અને ઝેકોસ્લોવેકિયામાં આવેલું છે. આ શહેરમાં સંગીતકારોનું આગમન થતું રહેતું અને સિમ્ફનીના અનેક કાર્યક્રમો યોજાતા. યુવાન કોફમૅન ઉપર આ બધાનો ખૂબ પ્રભાવ પડ્યો. પછીથી કોફમૅન કુટુંબે પ્રાગના બીલકોવામાં સ્થળાંતર કરેલું. વોલ્ટરનું સંગીતનું શિક્ષણ એના કાકા મોરિટઝની પાસે થયેલું. પહેલા વૉલ્ટરે વાયોલિન વાદનનો અભ્યાસ કર્યો. તેઓ વાયોલિન ખૂબ સારું વગાડતા. બાદમાં એમણે સંગીતના શાસ્ત્રનો અને સ્વરનિયોજનની રચનાનો અભ્યાસ કર્યો. ૧૯૨૬-૨૭માં બે વર્ષ માટે બર્લિનની સ્ટેટ એકૅડેમીમાં સંગીતનો અભ્યાસ કર્યો. સંગીતનો આગળનો અભ્યાસ વૉલ્ટરે પ્રાગની જર્મન યુનિવર્સિટીમાં કર્યો. જ્યાં એમણે એમનો ગ્રેજ્યુએશનનો થીસિસ ‘ઇન્સ્ટ્રુમેન્ટેશન ઑફ ગુસ્તાવ માહલર’ પર લખ્યો.

વીસ વર્ષની ઉંમરે વૉલ્ટર કોફમૅન એક ઓપેરાહાઉસના ચીફ કન્ડક્ટર બન્યા. એ સમયે તેઓ ચેકોસ્લોવેકિયા અને જર્મની એમ બન્ને જગ્યાએ સફળ રહ્યા. તે સમયે ઑરકેષ્ટ્રામાં બધા એમનાથી ઉમરમાં મોટા અને વાદનમાં સિનિયર કલાકારો હતા. પણ વોલ્ટરના કાર્યથી પ્રભાવિત થઈને જ્યારે એમણે ઑરકેષ્ટ્રા છોડી, ત્યારે બધાએ એમને વિદાઈની મિજબાની આપેલી, મ્યુિઝકોલૉજીમાં એમણે કરેલું સંશોધનનું પીએચ.ડી.નું કાર્ય પૂર્ણ કર્યા છતાં ડિગ્રી રાજકીય કારણોસર એમણે સ્વીકારી નહીં.

વૉલ્ટર કોફમૅનના એ દિવસોમાં એમણે રેડિયો ઉપર કાર્ય કરેલું અને પ્રાગ અને વિયેનાનાં રેડિયોસ્ટેશનો પરથી એણે કન્ડક્ટ અને કમ્પોઝ કરેલી સિમ્ફનીઓનું લાઇવ અને રેકોર્ડેડ પ્રસારણ થયેલું હતું અને એ બધાને બહુ પ્રશંસા પણ મળેલી હતી.

પણ એ પછીના સમયમાં જર્મનીમાં સંજોગો બદલાય છે. નાઝીસત્તા આવતા અને હિટલર ચાન્સેલર થતાં યહૂદીઓ માટે ત્યાં અત્યાચાર સહન કરવાનો આવે છે. જેમની પાસેથી વૉલ્ટર સંગીતના પહેલા પાઠ શીખેલા તે કાકા મેરિટ્‌ઝ હિટલરના કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં મૃત્યુ પામે છે. અન્ય અનેક યહૂદીઓને ગૅસચૅમ્બરમાં ગૂંગળાવીને મારી નાખવામાં આવે છે. આ બધા સંજોગોમાં જર્મનીમાં રહેવું હિતાવહ ન લાગતાં અનેક લોકો જર્મની અને હિટલરે યુરોપના જીતેલા ભાગમાંથી અન્ય સ્થળોએ સ્થળાંતર કરવા લાગ્યા. કલાકારોમાં વૉલ્ટેજ કોફમૅન પહેલા હતા, જેમણે ૧૯૩૪માં જર્મની છોડી દેવાનું નક્કી કર્યું.

એ સમયના વૉલ્ટર કોફમૅનનું મિત્રવર્તુળ વિશાળ હતું. એના સંપર્કો વિજ્ઞાન આલ્બર્ટ આઇન્સ્ટાઇન, પત્રકાર અને લેખક વીલી હાસ, સાહિત્યિક વિવેચક અને લેખક હેઇન્સ પુલીત્ઝર વગેરે અનેક લોકો સાથે હતા. ફ્રાન્ઝ કાફકાના કુટુંબ સાથે પણ વૉલ્ટરના સંબંધો હતા અને કાફકાના ભત્રીજી જોડે એમણે પહેલા લગ્ન કરેલાં હતાં. આ બધાને તથા અનેક મહત્ત્વની ઓફરોને છોડીને વૉલ્ટર કોફમૅન ૧૯૩૪માં ભારત આવે છે. ત્યારે તેઓ ફક્ત સતાવીસ વર્ષના છે.

વૉલ્ટર કોફમૅન ભારત આવવાનું અચાનક જ નક્કી કરે છે. તેઓ ભારત વિશે ખાસ જાણતા નહોતા. ભારતીય ફિલોસૉફી ઉપરનાં કેટલાંક પ્રવચનો એમણે યુનિવર્સિટીમાં સાંભળેલાં. એમાં એમને થોડો રસ પડેલો. તેમ ભારતીય સંગીતની કેટલીક રેકૉર્ડ એમણે સાંભળી હતી. પણ એમાં એમને ખાસ સમજ પડી નહોતી. પણ આટલા બધા લોકો આ સંગીત સાંભળે છે, ત્યારે જરૂર તેમાં કંઈક હશે તેમ તેમણે માનેલું.

ભારતમાં ત્યારે બ્રિટિશ સામ્રાજ્ય હતું. તેથી એમને અહીં સલામતી લાગેલી. આપણે ત્યાં પહેલાં સરકારી નહીં પણ ખાનગી રેડિયો હતું. પછીથી તે ઑલ ઇન્ડિયા રેડિયો થયું. મુંબઈમાં તે રેડિયોક્લબ તરીકે ઓળખાતું હતું. ૧૯૩૮માં જ્યારે કોલકાતાના ઑલ ઇન્ડિયા રેડિયોનું કેન્દ્ર સ્થાપિત થયું, ત્યારે કવિવર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે ‘આકાશવાણી’ એવી કવિતા રજૂ કરીને તેને ‘આકાશવાણી’ એવું નામ આપ્યું.

વૉલ્ટર કોફમૅન જ્યારે ભારત આવ્યા, ત્યારે એમના મનમાં એવું ન હતું કે હવે અહીં જ રહેવું. એ રીટર્ન ટિકિટ લઈને તેઓ આવેલા, પણ અહીં આવ્યા બાદ એમને ભારતીય સંગીતમાં એટલો બધો રસ પડ્યો કે તેના સંશોધનમાં તેઓ રસ લેવા લાગ્યા. અને આમ ભારતમાં રોકાઈ જવાનું બન્યું. મુંબઈમાં તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો સાથે સંકળાયા. રેડિયોમાં એક યુરોપિયન મ્યુિઝક ડિપાર્ટમેન્ટ હતું, તેના ડાયરેક્ટર તરીકે તેઓ નિયુક્ત થયા.

રેડિયોનું કાર્ય વૉલ્ટર કોફમૅન માટે નવું ન હતું. પ્રાગમાં પણ તેઓ રેડિયોમાં કામ કરી ચૂક્યા હતા અને ત્યાં એમની અનેક સ્વરરચનાઓની રજૂઆત એમણે કરી હતી. એ અનુભવ એમને અહીં કામ આવ્યો. તે સમયનું મુંબઈ અત્યંત બદલાઈ રહ્યું હતું. પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’ની ૧૯૩૧માં રજૂઆત થઈ ગઈ હતી. મુંબઈના ફિલ્મજગતમાં અનેક પ્રકારના કસબીઓની જરૂરત હતી અને તેમાં સંગીતકારો અને વાદકોનો પણ સમાવેશ થતો હતો. તે સમયે બૉમ્બે ટૉકીઝ સાથે ફ્રાન્ઝ ઓસ્ટીન અને પૌલ ઝીલ જેવા જર્મનો સંકળાયેલા હતા. એટલે મુંબઈના ઍરિસ્ટોક્રેટ સમાજમાં રહેવું વૉલ્ટર કોફમૅન માટે સરળ હતું. એઓ ભારતીય અને ખાસ કરીને હિન્દી ફિલ્મો સાથે પણ સંકળાયા હતા.

આકાશવાણીની સિગ્નેચર ટ્યૂન તરીકે ઓળખાતી સંકેતધૂન આ સમયમાં જ સર્જાઈ. જો કે એની તારીખ અંગે મતમતાંતર છે. એક મત મુજબ એનું પ્રસારણ ૧૯૩૫થી થવું શરૂ થયું. આ ધૂન સ્વરબદ્ધ થઈ તેમાં ફક્ત બે જ વાજિંત્રોનો ઉપયોગ થયો છે. તે વાયોલિન અને તાનપૂરો. આ ધૂનમાં તાનપુરો ડી.એમિલીએ લગાડેલો છે. આમ આ સિગ્નેચર ટ્યૂનની રચના થઈ. અને એને આકાશવાણીના પ્રસારણના શરૂઆતમાં લગાડવાની પરંપરા શરૂ થઈ.

આ સિગનેચર ટ્યૂન, લો, ‘યૂટ્યૂબ’ના સૌજન્યે, અહીં સાંભળીએ:

https://www.youtube.com/watch?v=WuS-UiaKiVk

વૉલ્ટર કોફમૅને ભારતીય ફિલ્મોમાં પણ પ્રદાન આપેલું. એમણે સંગીતકાર નૌશાદની સાથે પણ સંગીતનિયોજનમાં સહયોગ કરેલો. કોફમૅનની સ્વરરચનાઓના એ સમયના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં નિયમિત પ્રસંશાત્મક અવલોકનો પ્રગટ થતાં રહેતાં.

કોફમૅને ભારતીય સંગીત ઉપર સંશોધન કરીને બે મહત્ત્વના ગ્રંથો પણ લખેલા હતા. અને અખિલ ભારતીય સંગીત કૉંગ્રેસના અધિવેશનમાં મુંબઈ યુનિવર્સિટીના કૉન્વોકેશન હૉલમાં ભારતીય સંગીતના દિગ્ગજ સંગીતકારો સમક્ષ ભારતીય સંગીત પર પ્રવચન પણ આપેલું. તેમનાં બધાં સ્વરનિયોજનો સચવાયાં છે અને અમેરિકાના યેલમાં આવેલી ઇન્ડિયાના યુનિવર્સિટીમાં તેમનું બધું પ્રદાન સાચવવામાં આવેલું છે. વૉલ્ટર કોફમેન વિશે એમ કહેવાય છે કે તે એક ભુલાઈ ગયેલા પ્રતિભા – ફરગોટન જિનિયસ છે.

આવા એક મહાન સંગીતજ્ઞની માહિતી અમૃત ગંગરના સચિત્ર પુસ્તક દ્વારા મળે છે. અમૃતભાઈએ વૉલ્ટર કોફમૅન પર સંશોધન કરીને આ પુસ્તક ન આપ્યું હોત, તો ભારતીય સંગીતના આ એક મહાન સંશોધકને વિશેની કેટલી ય માહિતીઓથી વાચકો અને શ્રોતાઓ અજાણ રહેત. આ પ્રકારનું સંશોધનાત્મક કાર્ય કરવા બદલ એઓ અભિનંદનના અધિકારી છે. આ પુસ્તકકાર્ય માટે તેઓ અમેરિકામાં આવેલી ઇન્ડિયાની યુનિવર્સિટીની મુલાકાતે પણ ગયેલા.

આમ તો આ પુસ્તક એમની સંચયત્રયીનો ત્રીજો મણકો છે. આ પૂર્વે એમણે બીજા બે જર્મન કલાકારોએ આપણે ત્યાં આપેલા પ્રદાન પર પણ અનુક્રમે – ફ્રાન્ઝ ઓસ્ટિન (૨૦૦૧) અને દસ્તાવેજી ફિલ્મ સર્જક પૌલ ઝીલ (૨૦૦૩) ઉપર પણ પુસ્તકો કર્યાં છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 18 જાન્યુઆરી 2017; પૃ. 12-13 

Loading

18 January 2017 admin
← તમે એકલા જાજો રે ….
ચાહવું એટલે? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved