જયલલિતાનું પાંચમી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ અવસાન થયું એ પછીના ત્રણ દિવસ તમિલનાડુમાં જડબેસલાક બંધ પળાયો. સ્કૂલો-કોલેજો, સરકારી કચેરીઓ અને કોર્પોરેટ હાઉસની જેમ દારૂની આશરે છ હજાર દુકાનો અને બાર પણ સંપૂર્ણપણે બંધ રહ્યા. જો કે, આ બંધ વચ્ચે આશરે ૩૦૦ ‘અમ્મા ઉનાવગમ’ એટલે કે ‘અમ્મા કેન્ટિન’ ધમધમતી રહી.
અયૈયો… અમ્મા કેન્ટિન
બંધ તો ઠીક છે, કોઈ અપવાદને બાદ કરતાં વર્ષના ૩૬૫ દિવસ અમ્મા કેન્ટિન ચાલુ રહે છે. અમ્મા કેન્ટિનની સફળતા જોઈને કોઈ પણ રાજકીય પક્ષ આ ‘સેવાનો ધંધો’ કરવા લલચાય અને એવું થયું પણ ખરું! અત્યાર સુધી અનેક રાજ્યોમાં ‘ભૂખના પ્રયોગો’ થઈ ચૂક્યા છે, પરંતુ એકેયને અમ્મા કેન્ટિન જેવી ઝળહળતી સફળતા મળી નથી.
તમિલનાડુમાં હીટ, બીજે ફ્લોપ
અરવિંદ કેજરીવાલે જૂન ૨૦૧૫માં જાહેરાત કરી હતી કે, તમિલનાડુના અમ્મા કેન્ટિનની જેમ આમ આદમી પાર્ટી પણ બે જ મહિનામાં આખા દિલ્હીમાં ‘આમ આદમી કેન્ટિન’ શરૂ કરશે. આ કેન્ટિનમાં રૂ. પાંચમાં નાની અને રૂ. દસમાં મોટી થાળી પીરસાશે … આમ આદમી કેન્ટિનનો મુખ્ય હેતુ ગરીબ તરફી રાજકારણ(એમાં કશો વાંધો પણ નથી)ની સાથે કોંગ્રેસના નેતા શીલા દીક્ષિતની ‘જન આહાર’ યોજના વિરુદ્ધ આપ સરકારની એક્સક્લુસિવ સસ્તા આહાર યોજના શરૂ કરવાનો હતો. જો કે, કેજરીવાલની આ જાહેરાત ફક્ત ‘જાહેરાત’ બનીને રહી ગઈ છે.
દિલ્હીનું જનઆહાર કેન્દ્ર
દિલ્હીના જન આહાર કેન્દ્રોમાં ૧૫ રૂપિયામાં શાક, છ પૂરી કે ચાર ચપાટી અને દાળ-ભાતની એક થાળી ખરીદીને પેટ ભરી શકાય છે. શીલા દીક્ષિતે જન આહાર કેન્દ્રો ઊભા કરવા કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહિલા જૂથોને જમીન ફાળવી હતી. હાલ આ સંસ્થાઓ અને જૂથો દ્વારા આવા ચાળીસેક કેન્દ્રોનું સંચાલન થઈ રહ્યું છે, પરંતુ તેમાં અમ્મા કેન્ટિન જેવું પ્રોફેશનાલિઝમ નથી.
જન આહાર કેન્દ્રો રાંધવા-જમવાના સ્થળે અસ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તાને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત જન આહાર કેન્દ્રોમાં અઠવાડિયામાં માંડ બે વાર પૂરી મળે છે, મૌસમી સબ્જીના બદલે રોજેરોજ આલૂ અપાય છે, દાળ અપાતી નથી અને રાયતું જોઈતું હોય તો વધારાના પાંચ રૂપિયા આપવા પડે છે – એવી પણ ફરિયાદો થઈ ચૂકી છે.
દક્ષિણ ભારતના બીજા રાજ્યોના પણ દિલ્હી જેવા જ હાલ છે. થોડા સમય પહેલાં છત્તીસગઢમાં ૧૪૫ અને ઝારખંડમાં ૧૦૦ દાળ-ભાત કેન્દ્ર શરૂ કરાયાં હતાં, જે અનેકવાર ચાલુ-બંધ થઈ ચૂક્યાં છે. ઓડિશાએ પણ કેટલાંક દાળ-ભાત કેન્દ્રો શરૂ કર્યાં હતાં અને તેમાં ય અનેક બંધ થઈ ગયાં છે. તેલંગાણાએ માર્ચ ૨૦૧૪માં મોટી હોસ્પિટલો, રેલવે-બસ સ્ટેશન અને મોટા ચાર રસ્તા નજીક ૨૨ દાળ-ભાત કેન્દ્ર શરૂ કર્યાં હતાં, પરંતુ વસતીના પ્રમાણમાં તેની સંખ્યા ખૂબ ઓછી છે! વળી, આ તમામ રાજ્યોના સસ્તા આહાર કેન્દ્રોમાં ફક્ત દાળ-ભાત પીરસાતા હોવાથી કુપોષણ સામે લડવામાં તેમની ભૂમિકા નહીંવત છે. ઉત્તરાખંડે ઓગસ્ટ ૨૦૧૫માં ઈન્દિરા અમ્મા ભોજનાલય યોજના હેઠળ વીસ રૂપિયામાં ‘સંપૂર્ણ થાળી’ આપતા ૧૪ કેન્દ્રો શરૂ કર્યાં હતાં. ઉત્તરાખંડ સસ્તા આહાર કેન્દ્રો અને ભોજનના વૈવિધ્યને લઈને સારું કામ કરી રહ્યું છે, પરંતુ અમ્મા કેન્ટિન જેવી સફળતાથી ઘણું દૂર છે.
અમ્મા કેન્ટિન ‘એક્સક્લુસિવ આઈડિયા’ નથી
અમ્મા કેન્ટિનની સફળતા જોઈને અનેક રાજ્યોએ તેની નકલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સસ્તા આહાર કેન્દ્રો તમિલનાડુનો એક્સક્લુસિવ આઈડિયા નથી. અમ્મા કેન્ટિન યોજનાની શરૂઆત ૨૦૧૩માં થઈ હતી, જ્યારે મહારાષ્ટ્રમાં ભા.જ.પ.-શિવસેનાની યુતિ સરકારે ૧૯૯૫માં રૂ. એકમાં જમવાની સુવિધા આપતા છ હજાર ઝુંકા-ભાકર કેન્ટિન શરૂ કરી હતી. મહારાષ્ટ્રમાં ચણાના લોટમાંથી બનતી બેસન જેવી એક વાનગી ઝુંકા તરીકે ઓળખાય છે. ઝુંકા જવાર કે બાજરાની ભાખરી (ભાકર) સાથે ખાવામાં આવે છે.
ઝુંકા ભાકર કેન્ટિન માટે રાજ્ય સરકારે જમીનો ફાળવી હતી, જેનું સંચાલન ગરીબો-બેકારોને આપી રોજગારીનું પણ સર્જન કરાયું હતું. આ યોજનાનો હેતુ પણ શહેરી ગરીબો, દહાડિયા મજૂરોને સસ્તું અને પોષણયુક્ત ભોજન આપવાનો હતો. જો કે, ૧૯૯૯માં કોંગ્રેસ-એન.સી.પી.ની સરકાર આવતા જ ઝુંકા ભાકર કેન્ટિનના દહાડા-પાણી ભરાવાની શરૂઆત થઈ! આ યોજનામાં ગેરરીતિઓ થતી હોવાનું બહાનું કાઢીને નવી સરકારે ઝુંકા ભાકર કેન્ટિનના માલિકોને સબસિડી આપવાનું બંધ કરી દીધું. એ પછી આ કેન્ટિનોના માલિકોએ ઝુંકા ભાકરનો ભાવ વધારી દીધો, તો કેટલાકે ઝુંકા-ભાકર કેન્ટિનને ફાસ્ટ ફૂલ સ્ટૉલમાં ફેરવી દીધી. આ ઉપરાંત અનેક લોકોએ ઝુંકા ભાકર કેન્ટિનો ખાણી-પીણીના ધંધાદારીઓને ભાડે આપી આવકનો સ્રોત ઊભો કરી દીધો.
મુંબઈનું ઝુંકા-ભાકર કેન્દ્ર
છેવટે વર્ષ ૨૦૦૦માં મહારાષ્ટ્ર સરકારે ઝુંકા ભાકર કેન્ટિનોની જમીનો પાછી મેળવવા અને ગેરકાયદે દબાણો હટાવવા ઝુંકા ભાકર યોજના સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય લેતા જ ખાણીપીણીની લારીઓ ચલાવતા જૂથોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજ કરી કે, રાજ્ય સરકાર અમારી રોજી છીનવી રહી છે. બાદમાં આ કેસ સુપ્રીમમાં ગયો અને ૨૦૦૬માં કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય માન્ય રાખ્યો. આ ચુકાદો આવતા જ ૨૦૦૭માં મહારાષ્ટ્ર સરકારે એક સાથે ઝુંકા ભાકર કેન્ટિનના લાયસન્સ રદ કરી આ યોજનાની સત્તાવાર પૂર્ણાહૂતિ કરી.
જો કે, આજે ય મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક સ્થળોએ ઝુંકા ભાકર ‘બ્રાન્ડ નેમ’ હેઠળ સસ્તા આહાર કેન્દ્રો ચાલુ છે. શિવસેનાનો દાવો છે કે, અમારા જ અનેક કાર્યકરો ઝુંકા ભાકર કેન્ટિનો ચલાવી રહ્યા છે. જો કે, આ કેન્ટિનમાં ફક્ત રૂ. એકમાં, એક થાળી વેચીને કમાણી થતી નહીં હોવાથી હવે બીજી વાનગીઓ પણ વેચવામાં આવે છે.
ભારત માટે ‘સસ્તા આહાર’ કેમ જરૂરી?
એવું નથી કે, અમ્મા કેન્ટિનમાં રસ્તે રખડતા, બેકારો, બેઘરો, નશાખોરો અને ફિઝિકલી ચેલેન્જ્ડ લોકો જ જમે છે. અમ્મા કેન્ટિને સાબિત કરી દીધું છે કે, જો ‘સરકારી કેન્ટિન’ ચોખ્ખી ચણાક હોય, રાંધવાનું કામ આરોગ્યપ્રદ વાતાવરણમાં થાય અને કેન્ટિન સંભાળતા સ્ટાફને કેપ-ગ્લવ્ઝ પહેરીને પીરસવાની તાલીમ અપાય તો એક સાથે અનેક લાભ મળે છે. નાની-મોટી મજૂરી કરતો વર્ગ, રીક્ષા ડ્રાઈવરો, સરકારી-ખાનગી કંપનીઓના નાના કર્મચારીઓ, માર્કેટિંગનું કામ કરતા નાના વેપારીઓ તેમ જ મધ્યમ વર્ગીય બાળકો પણ સવારે સ્કૂલે જતી-આવતી વખતે અમ્મા કેન્ટિનમાં પેટ પૂજા કરે છે એ અમ્મા કેન્ટિનની સૌથી મોટી સફળતા છે.
અમ્મા કેન્ટિનના ૯૦ ટકા જેટલા ગ્રાહકો પુરુષો અને સ્કૂલે જતાં બાળકો કેમ છે એ પણ સમજવા જેવું છે. તમિલનાડુના શહેરો અને નાના નગરોના અનેક ગરીબ-મજૂર પરિવારો ગામડાં અને આસપાસના રાજ્યોમાંથી આવીને વસ્યા છે. આ પરિવારોની મહિલાઓને સવારથી કામે જતા પુરુષ તેમ જ બાળકો માટે ટિફિન તૈયાર કરવું પડે છે, પરંતુ અમ્મા કેન્ટિને આવી અનેક મહિલાઓને રાંધવાની જવાબદારીમાંથી મુક્તિ અપાવી દીધી છે. હવે આ મહિલાઓ તણાવમુક્ત છે અને નાનું-મોટું કામ કરીને પરિવારની આવક વધારવામાં મદદરૂપ થઈ રહી છે. આ પરિવારોમાં બાળકોનો ઉછેર પણ વધુ સારી રીતે થઈ રહ્યો છે. અમ્મા કેન્ટિન ‘અન્ન સુરક્ષા માટે લેવાયેલા પગલાં’થી અનેકગણી વધારે સફળતા મેળવી શકી છે.
સસ્તાં આહાર કેન્દ્રોમાં મહિલા જૂથો દ્વારા ચલાવવામાં આવે છે, જે આ યોજનાનો વધુ એક મોટો ફાયદો છે. આ ઉપરાંત શાકભાજી, ડુંગળી અને કઠોળના ભાવ વધે ત્યારે ખાણીપીણીના લારીઓ અને નાની હોટેલોના માલિકો અચાનક જ ભાવવધારો કરી દે છે, પરંતુ સસ્તા આહાર કેન્દ્રોમાં નક્કી કરેલા ઓછા ભાવે જ પેટ ભરી શકાય છે. સસ્તા આહાર કેન્દ્રોના કારણે ખાણીપીણીનો લારીઓ અને નાની હોટેલના ભાવ પણ કાબૂમાં રહે છે. દેશની અનેક હોસ્પિટલોમાં સસ્તા આહાર માટે આજે ય એકાદ કિલોમીટર જેટલી લાંબી લાઈન હોય છે. આ વાત જ સાબિત કરે છે કે, દેશના અનેક રાજ્યોમાં હજુયે વધારે સસ્તા આહાર કેન્દ્રોની જરૂર છે.
મધ્યાહ્ન ભોજન યોજનાના મૂળ પણ તમિલનાડુમાં
દેશના તમામ રાજ્યોમાં અમ્મા કેન્ટિન ઉદાહરણરૂપ બની ગયું છે એવી જ રીતે, મધ્યાહ્ન ભોજન યોજનાનાં મૂળ પણ તમિલનાડુમાં જ પડેલાં છે. દક્ષિણ ભારતના રાજકારણના ‘કિંગમેકર’ ગણાયેલા કુમારાસામી કામરાજ (જન્મ-૧૯૦૩, મૃત્યુ-૧૯૭૫) ઉર્ફે કે. કામરાજે ભૂખ અને કુપોષણ સામે લડવા વર્ષ ૧૯૬૨-૬૩માં સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી હતી. ગાંધીવાદી વિચારોથી પ્રભાવિત કામરાજ ૧૯૬૪થી ૧૯૬૭ સુધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ, ૧૯૫૪થી ૧૯૬૩ સુધી તમિલનાડુના મુખ્ય મંત્રી તેમ જ વર્ષ ૧૯૫૨-૫૪ અને ૧૯૬૭-૭૫ દરમિયાન લોકસભાના સાંસદ હતા. ૨૭મી મે, ૧૯૬૪ના રોજ નહેરુના અવસાન પછી કોંગ્રેસને ચોક્કસ દિશા આપનારા ગણ્યાગાંઠયા નેતાઓમાં પણ કામરાજની ગણના થાય છે. વર્ષ ૧૯૭૬માં કામરાજને મરણોત્તર ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.
કામરાજના શાસનમાં મધ્યાહ્ન ભોજન યોજના પૂરબહારમાં ખીલી. નવમી જૂન, ૧૯૮૦ના રોજ એમ. જી. રામચંદ્રન તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા અને તેમણે પણ મધ્યાહ્ન ભોજનની સફળતા જોઈને આ યોજનાને તમામ આર્થિક લાભ આપવાનું ચાલુ રાખ્યું. એટલું જ નહીં, વર્ષ ૧૯૮૨માં તમિલનાડુમાં ૬૮ લાખ જેટલા બાળકો કુપોષણથી પીડાતા હતા. આ આંકડા જોઈને એમ.જી.આર.એ મધ્યાહ્ન ભોજન યોજનામાં સુધારો કરીને ‘પોષણયુક્ત આહાર યોજના’ શરૂ કરી.
એ પછી તો ૧૯૮૪માં ગુજરાત સરકારે પણ આ યોજના શરૂ કરી. બાદમાં કેરળ, ગોવા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, કર્ણાટક અને ઓરિસ્સાની સરકારી સ્કૂલોમાં પણ મધ્યાહ્ન ભોજન યોજના અમલી થઈ.
***
કલ્યાણકારી યોજનાઓ માટે ‘આઉટ ઓફ બોક્સ’ વિચારવાની તમિલનાડુની આવડતના નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને પણ વખાણ કર્યા હતા. સેને નોંધ્યું છે કે, તમિલનાડુમાં જાહેર સેવા ગરીબો સુધી પહોંચાડવાની ડિલિવરી સિસ્ટમ ‘એક્સલન્ટ’ નહીં, પણ ‘ગુડ’ તો છે જ.
આ રાજ્યની સામાજિક યોજનાઓમાં ‘સર્વોદયવાદ’ (યુનિવર્સલિઝમ) પાયાનો વિચાર છે. તમિલનાડુની મધ્યાહ્ન ભોજન, જાહેર વિતરણ વ્યવસ્થા અને અમ્મા કેન્ટિનમાં પણ સર્વોદયવાદ સામાન્ય બાબત છે. આ પ્રકારની યોજનાઓના કારણે જ સિસ્ટમમાં રહેલી છટકબારીઓ બંધ કરવામાં મદદ મળી છે…
તમિલનાડુની જેમ બીજા રાજ્યોમાં સસ્તા ભોજન યોજના કેમ સફળ ના થઈ, એ સવાલનો સીધોસાદો જવાબ આપવો હોય તો કહી શકાય કે, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ!
———
e.mail : vishnubharatiya@gmail.com
સૌજન્ય : http://vishnubharatiya.blogspot.in/