હવે નજીકના દાયકાઓમાં ઈ-મેઇલ, ટેક્સ્ટ મેસેજ, ઓનલાઈન ચેટિંગ રૂમ, એનિમેશન, કેબલ ટીવી નેટવર્ક અને ડિજિટલ વર્લ્ડની બોલબાલા હશે. જો કે, ડિજિટલ વર્લ્ડમાં ‘ઈન્ફોર્મેશન ઓવરલોડ’ હશે.
ભવિષ્યનો સમાજ નવા જ પ્રકારની ગુનાખોરી અને ડ્રગ્સનો શિકાર બન્યો હશે. સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધશે, પણ લોકો લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડરોને અપનાવી લેશે. લોકો લગ્ન કરીને મોડાં બાળકો પેદા કરશે.
એડવાન્સ ટેક્નોલોજીની મદદથી ભવિષ્યમાં ઘરે બેસીને કામ કરતા લોકોની સંખ્યા અનેકગણી વધી જશે. ખાસ કરીને કમ્પ્યુટર અને ટેલિકોમ્યુિનકેશન ટેક્નોલોજીની મદદથી એ બધું શક્ય બનશે.
ભવિષ્યમાં સ્ત્રીઓ બીજી સ્ત્રીના ગર્ભનો પોતાના ગર્ભાશયમાં ઉછેર કરશે. આ રીતે તે પોતાના શરીરમાં બીજી સ્ત્રીનાં બાળકને જન્મ આપશે. આ ઉપરાંત સ્ત્રીઓ કારકિર્દી માટે પણ મોડી માતા બનશે અને એ બધું ટેક્નોલોજીથી શક્ય બનશે.
***
આ બધી વાતોની અત્યારે કોઈ નવાઈ નથી પણ છેક સિત્તેરના દાયકામાં એક વ્યક્તિએ આવા અનેક મુદ્દે ઊંડી છણાવટ કરીને લખ્યું ત્યારે વિશ્વ ચોંકી ગયું હતું. આ ભવિષ્યવાણી કોઈ જ્યોતિષીએ નહીં પણ ૨૦મી સદીના સૌથી વધુ ચર્ચાસ્પદ લેખકો-પત્રકારોમાંના એક એલ્વિન ટોફલરે કરી હતી. આ મહાન હસ્તીનું ૨૭મી જૂન, ૨૦૧૬ના રોજ લોસ એન્જલસમાં ૮૭ વર્ષની વયે મૃત્યુ થયું છે. ટોફલરે વર્ષ ૧૯૭૦માં ‘ફ્યુચર શૉક’, ૧૯૮૦માં ‘ધ થર્ડ વેવ’ અને ૧૯૯૦માં ‘પાવરશિફ્ટ’ નામે ટ્રાયોલોજી (ગ્રંથત્રયી) લખીને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી હતી. તેમના લખાણોએ દુનિયાભરમાં જબરદસ્ત ચર્ચા જગાવી હતી. સામાન્ય રીતે નોન-ફિક્શન પુસ્તકોનું વેચાણ નવલકથાઓ જેટલું થતું નથી, પરંતુ ‘ફ્યુચર શૉક’ પુસ્તકની દોઢ કરોડ નકલો વેચાઈ હતી, પરંતુ આ ટ્રાયોલોજીનું પ્રિન્ટિંગ હજુયે ચાલી રહ્યું છે.
ટોફલરે સાંસ્કૃિતક પરિવર્તનોથી માંડીને ઉત્પાદન આધારિત અર્થતંત્ર પર ડઝનેક પુસ્તક લખ્યાં છે. અર્થતંત્ર માટે જુદા જુદા ડેટા કેટલા મહત્ત્વના બની જશે એ વાત ટોફલરે દાયકાઓ પહેલાં કરી હતી. કોઈ પણ વ્યક્તિ માટે ૨૧મી સદીમાં માહિતી કેટલી બધી જરૂરી બની જશે એ વિશે પણ તેમણે ભવિષ્ય ભાખ્યું હતું. ૨૧મી સદી ‘ઈન્ફોર્મેશન એજ’ એટલે કે ‘માહિતી યુગ’ની હશે એ વાત પણ સૌથી પહેલાં ટોફલરે કરી હતી. જે વ્યક્તિ નવી નવી માહિતી નહીં મેળવે તે અભણ રહી જશે એ સમજાવવા ટોફલરે લખ્યું હતું કે, ૨૧મી સદીમાં જેમને લખતા-વાંચતા નહીં આવડતું હોય એ નહીં પણ જે લોકો નવું શીખતા નહીં હોય, જૂનુંપુરાણું જ્ઞાન ઝડપથી ભૂલતા નહીં હોય તેમ જ નવું નવું નહીં શીખવાનો પ્રયત્ન નહીં કરતા હોય, એ લોકો અભણ ગણાશે.
ટોફલરની ભવિષ્યવાણીઓએ દુનિયાભરના બિઝનેસમેન, રાજકારણીઓ અને પ્રચંડ બુદ્ધિમતા ધરાવતા ઉદ્યોગપતિઓનું પણ ધ્યાન ખેંચ્યું હતું. કેબલ ન્યૂઝ નેટવર્ક (સીએનએન) જેવી અત્યંત સફળ ટેલિવિઝને ચેનલના સ્થાપન ટેડ ટર્નરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં બે-ચાર ચેનલોની ઈજારાશાહીનો અંત આવી જશે એવી ટોફલરની ભવિષ્યવાણીથી હું પ્રભાવિત થયો હતો … એ પછી તો ટર્નરની પબ્લિશિંગ કંપની ‘ટર્નર બ્રોડકાસ્ટિંગ’એ વર્ષ ૧૯૯૫માં ટોફલરનું ‘ક્રિએટિંગ એ ન્યૂ સિવિલાઈઝેશન’ નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું. આ પુસ્તક આવ્યાના થોડા જ સમયમાં રશિયન પ્રમુખ મિખાઈલ ગોર્બાચોવે સાન ફ્રાન્સિસ્કોમાં એક ગ્લોબલ કોન્ફરન્સ યોજી, જેની થીમ હતી ‘ટુવાર્ડ્સ એ ન્યૂ સિવિલાઈઝેશન’. આ કોન્ફરન્સમાં જ્યોર્જ બુશ સિનિયર, બ્રિટીશ રાજકારણી માર્ગારેટ થેચર, પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા લેખક કાર્લ સેગન તેમ જ અનેક ઉદ્યોગપતિઓ અને વિચારકોએ હાજરી આપી હતી. અમેરિકન કોંગ્રેસના સ્પીકર ન્યૂટ ગ્રીનગ્રિચે તમામ અમેરિકન સાંસદોને આ પુસ્તક વાંચવાની ભલામણ કરી હતી. અમેરિકા સહિત અનેક દેશોના રાજકારણીઓને જાહેર નીતિ ઘડવામાં ટોફલરના વિચારોએ પ્રભાવિત કર્યા હતા.
ચીનની લોખંડી દીવાલો પણ ટોફલરના વિચારોને રોકી શકી ન હતી. નેવુંના દાયકામાં ચીનના વડાપ્રધાન ઝાઓ ઝિઆંગ, સિંગાપોરની સિકલ બદલી નાંખનારા લિ ક્વાન યૂ અને દક્ષિણ કોરિયાના કિમ દા જંગે પણ એશિયાનું ભવિષ્ય કેવું હશે એ જાણવા ટોફલરના લખાણો વાંચવાની ફરજ પડી હતી. ચીને તો ટોફલરના ઘણાં લખાણો અને પુસ્તકોને સેન્સર કર્યા હતા, પરંતુ તેમનું ‘ધ થર્ડ વેવ’ પુસ્તક અને તેના પરથી બનેલી ડોક્યુમેન્ટ્રી ચીનમાં બેસ્ટ સેલર્સ રહ્યા હતા. વર્ષ ૧૯૮૦ અને ૧૯૮૫માં ઝાઓ ઝિઆંગે ‘ધ થર્ડ વેવ’ની ચર્ચા કરવા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. વર્ષ ૨૦૦૬માં ‘પીપલ્સ ડેઇલી’એ મોડર્ન ચાઇનાના ઘડતરમાં ફાળો આપનારા વિદેશીઓની યાદી બહાર પાડી હતી, જેમાં ટોફલરનું નામ હતું.
એસેન્ચર મેનેજમેન્ટ ફર્મે નોંધ્યું છે કે, દુનિયાભરના બિઝનેસ ગુરુઓને ટોફલરના વિચારોએ સૌથી વધારે પ્રભાવિત કર્યા છે. લંડનના ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’એ વિશ્વના સૌથી પ્રખ્યાત ફ્યુચરિસ્ટ ટોફલરને ગણાવ્યા છે. ટોફલરના ફ્યુચરિસ્ટિક લખાણોથી પ્રભાવિત થઈને આઈબીએમ જેવી મહાકાય કંપનીએ ટોફલરને કમ્પ્યુટરની માનવ સમાજ પર કેવી અસર થશે એ દિશામાં સંશોધન કરવા આમંત્રણ આપ્યું હતું. આ સંશોધનો કરતી વખતે તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરતા ટેક્નોલોજિસ્ટોના સંપર્કમાં આવ્યા હતા. એટી એન્ડ ટી જેવી ટેલિકોમ્યુિનકેશન જાયન્ટ કંપની પણ ભવિષ્યના બિઝનેસ પ્લાનિંગ માટે ટોફલરની મદદ લેતી હતી. કોર્પોરેટ્સ સાથેના અનુભવોના નિચોડરૂપે ટોફલરે ‘ફ્યુચર શૉક’ ટ્રાયોલોજીનું ત્રીજું પુસ્તક ‘પાવરશિફ્ટ’ લખ્યું હતું, જેમાં વૈશ્વિક સત્તાના સમીકરણો કેવી રીતે બદલાશે એની છણાવટ કરાઈ છે.
આ ટ્રાયોલોજીએ પોપ કલ્ચરને પણ પ્રભાવિત કર્યું હતું. જેમ કે, ટોફલરે ‘ટેક્નો રિબેલ્સ’ નામના શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવનારા અમેરિકન સંગીતકારોએ આ શબ્દ વધાવી લીધો હતો. કર્ટિસ મેફિલ્ડ અને હાર્બી હેનકોકે તો ‘ફ્યુચર શૉક’ નામના ગીત પણ લખ્યા હતા. આ જ પુસ્તકથી પ્રભાવિત થઈને સાયન્સ ફિક્શન લેખક જ્હોન બ્રુનરે વર્ષ ૧૯૭૫માં ‘ધ શૉકવેવ રાઈડર’ નામની નવલકથા લખી હતી, જેનો હીરો કમ્પ્યુટર હેકર હતો.
***
ટોફલરનો જન્મ ત્રીજી ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ ન્યૂયોર્ક સિટીમાં એક યહૂદી કુટુંબમાં થયો હતો. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં સ્નાતક કરતી વખતે જ ટોફલરને ‘પોલિટિકલ એક્ટિવિઝમ’ રસ પડ્યો. આ કારણસર ટોફલરને અભ્યાસમાંથી ખાસ રુચિ ના રહી અને બાદમાં તેમણે એક કારખાનામાં નોકરી સ્વીકારી લીધી. જો કે, યુવાન ટોફલર માટે એ નોકરીમાંથી પૈસા કમાવવાનો હેતુ ગૌણ હતો. હકીકતમાં તેઓ બિઝનેસ, મેનેજમેન્ટ અને લેબર જેવા વિષયો પર લખવા માટે યુવાનીના પાંચ વર્ષ જથ્થાબંધ ઉત્પાદન કરતા કારખાનામાં બ્લુ કોલર વર્કર તરીકે વીતાવવા માગતા હતા. આ પ્રકારના વિષયો પર લખતા હોવાથી ટોફલરને સામ્યવાદથી પ્રભાવિત યુનિયનના છાપાઓમાં લેખો લખવાની તક મળી. બાદમાં તેમણે ત્રણ વર્ષ પેન્સિલવેનિયાના એક દૈનિકમાં વ્હાઈટ હાઉસ કોરસપોન્ડન્ટ તરીકે પણ કામ કર્યું.
આટલા અનુભવ પછી વર્ષ ૧૯૫૯માં ‘ફોર્ચ્યુન’ મેગેઝિને ટોફલરને લેબર વિષય પર લખવાનું આમંત્રણ આપ્યું. એ વખતે તેમની ઉંમર માંડ ૩૧ વર્ષ હતી. આ બ્રેક મળતા જ ટોફલરે ફ્રીલાન્સ પત્રકાર અને લેખક તરીકે પ્રતિષ્ઠિત અખબારો અને જર્નલ્સમાં લખવાનું ચાલુ કર્યું. વર્ષ ૧૯૬૪માં તેમણે ‘ફોર્ચ્યુન’ મેગેઝિન માટે રશિયન લેખક વ્લાદિમિર નાબોકોવ અને રશિયન લેખિકા આયન રેન્ડનો ધમાકેદાર ઈન્ટરવ્યૂ કર્યો, જે આજે ય ‘ફોર્ચ્યુન’નો ઝળહળતો વારસો ગણાય છે. યુવાન ટોફલરે નાબોકોવનો ઈન્ટરવ્યૂ લીધો એના દસેક વર્ષ પહેલાં તેઓ ‘લોલિતા’ લખીને વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ ચૂક્યા હતા, જ્યારે રેન્ડે તો વર્ષ ૧૯૪૩માં ‘ધ ફાઉન્ટેઇનહેડ’ જેવી ક્લાસિક કૃતિ લખીને વૈશ્વિક સાહિત્ય વર્તુળમાં નામના મેળવી લીધી હતી. એવું કહેવાય છે કે, આયન રેન્ડના ઈન્ટરવ્યૂ પછી જ ‘ફોર્ચ્યુન’ જેવા મેગેઝિનોમાં મહિલા બૌદ્ધિકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ આપવાની શરૂઆત થઈ હતી.
એક સમયે ચીન, કોરિયા અને વિયેતનામના ક્રાંતિકારીઓ સામ્યવાદના પ્રણેતા કાર્લ માર્ક્સે કલ્પેલી દુનિયા રચવા માગતા હતા, જ્યારે એ પછી આવેલા અનેક ક્રાંતિકારી વિચારકો સિલિકોન વેલીને ટોફલરની કલ્પના પ્રમાણે પરિવર્તિત કરવા માગે છે.
***
ગાંધીવાદી વિચારક સ્વ. કાન્તિ શાહે ‘ધ થર્ડ વેવ’ અને ‘પાવરશિફ્ટ’ પુસ્તકના નિચોડરૂપે ‘ભૂમિપુત્ર’માં અનુક્રમે ૧૫ અને ૧૨ હપ્તામાં એક લેખમાળા લખી હતી. આ લેખમાળા પ્રકાશિત થયા પછી અમદાવાદ અને ભાવનગરમાં પણ ટોફલરના પુસ્તકોની ગોષ્ઠિઓ અને ચર્ચાસભાઓ યોજાઈ હતી. જુલાઈ ૧૯૮૨માં યજ્ઞ પ્રકાશને આ લેખમાળાને ‘ત્રીજું મોજું’ નામના પુસ્તકરૂપે પ્રકાશિત કરી હતી.
‘ત્રીજું મોજું’ની પ્રસ્તાવનામાં લેખકે નોંધ્યું છે કે, ‘‘ટોફલરનું જીવનદર્શન ગાંધીના જીવનદર્શન કરતાં સાવ જુદું છે, તે હું જાણતો હતો. પરિવર્તનનાં પરિબળો તરફ જોવાનો તેનો અભિગમ પણ સાવ ભિન્ન, તે વિશે ય હું સભાન હતો. એરિક ફ્રોમ કે અબ્રાહમ માસ્લો જેવા માનવતાવાદી પાશ્ચાત્ય ચિંતકો જેવું ઊંડાણ પણ ટોફલરમાં જણાતું નહોતું. કેટલુંક તો બહુ છીછરું, આંડબરયુક્ત ને ચબરાકિયું માત્ર લાગતું હતું …’’
કોઈ પણ મહાન વ્યક્તિ તટસ્થ મૂલ્યાંકનમાંથી અપવાદ ના હોઈ શકે. ટોફલરની પણ અનેક બાબતોમાં ટીકા થઈ શકે છે, પરંતુ વૈશ્વિક રાજકારણ અને ઉદ્યોગજગતને વિચારતું કરનારા એક ફ્યુચરિસ્ટ લેખક તરીકે દુનિયા તેમને હંમેશાં યાદ રાખશે.
ટોફલરના વિચારોની સમજણ મેળવવા માગતા લોકોએ ‘ત્રીજું મોજું’ પુસ્તક વાંચવું જોઈએ.
e.mail : vishnubharatiya@gmail.com
સૌજન્ય “ગુજરાત સમાચાર”, 06 જુલાઈ 2016
http://vishnubharatiya.blogspot.co.uk