બૌદ્ધિકો ક્યારેક કોઈ ઉદેશ માટે એકઠા થયા તો પણ લાંબો સમય એક જ મંચ ઉપર બેસી શકતા નથી. અતિ બૌદ્ધિકતાને લીધે એમની વચ્ચે ચકમક ઝર્યા કરે છે.
લેચ વાલેસા અને સોલિડારીટી, આ બે શબ્દો આજે દુનિયાભરમાં પ્રચલિત થયા છે. વાલેસાને કેદમાં રાખવામાં આવ્યા હતા અને સોલિડારીટીને કચડી નાખવા માટે કટોકટી લાદવામાં આવી અને માર્સલ લોની જાહેરાત કરવામાં આવી છે. સામ્યવાદી વર્ચસ્વ હેઠળ દેશમાં કામદારો આંદોલન કરે એને અભૂતપૂર્વ ઘટના માનવામાં આવે છે. પણ, એક બાજુ આ બધાં પગલાં આ આંદોલનની ઉગ્રતા અને વ્યાપકતાનો પૂરાવો આપે છે, ત્યાં બીજી તરફ પોલેન્ડના સત્તાવાળાઓએ એવી દલીલ કરી હતી કે સોલિડારીટીનાં કોઈ મૂળ નથી, અને માત્ર થોડા બુદ્ધિજીવીઓ જ એને ટેકો આપી રહ્યા છે! આ દલીલ આપણે ત્યાં પણ વરસોથી થાય છે. એ અહીંથી પોલેન્ડ ગઈ કે રશિયાથી અહીં આવી, તે સંશોધનનો વિષય છે.
''થોડા બૌદ્ધિકોનો ટેકો છે.'' એ દલીલ સત્તાવાળાઓની તરફદારી કરે છે કે વિરોધ એ પ્રશ્ન છે પણ જે વાત આમાંથી નિ:શંક બહાર આવે છે તે એ છે કે એમાં બૌદ્ધિકોની ઠેકડી ઉડાડવામાં આવી છે. એની હાંસી કરવામાં આવી છે. થોડા બૌદ્ધિકોની સામે અશિક્ષિત કે અર્ધશિક્ષિત જનસમૂહની મોટી સંખ્યાને મૂકીને બૌદ્ધિકોને ઉતારી પાડવાની આ રમત ખાસ કરીને ડાબેરી વિચારધારા અને યુક્તિઓમાં માનનારી સત્તાઓને માટે હવે સામાન્ય થઈ પડી છે. આપણે ત્યાં ૧૯૭૫ના અરસામાં બૌદ્ધિકોને રીતસર ભાંડવાનો રોજીંદો ક્રમ શરૂ થયેલો. છાપાંઓને માથે પણ અવારનવાર એ દલીલ મારવામાં આવે છે કે તમારો વાચક આ દેશની કુલ વસતિના પાંચથી છ ટકા જેટલા પણ નથી, અને અમે એ પાંચ ટકા શિક્ષિતોને કોઈ ગણત્રીમાં લેતા નથી. તમે તમારે ઠીક લાગે એવું લખ્યા કરો અને બૌદ્ધિકો એમને ઠીક લાગે એમ બોલ્યા કરે. અમે તો લોકો ઉપર, સામાન્યજન ઉપર, આધાર રાખીએ છીએ. બીજી તરફ, પોતાની તરફદારી કરતા, કમીટેડ બૌદ્ધિકોનાં સંમેલનો બોલાવાઈ રહ્યાં છે અને એમ આડકતરી રીતે પણ બૌદ્ધિકોના અસ્તિત્વની સાર્થકતાનો સ્વીકાર થાય છે!
અહીં સુધી તો બધું બરોબર હતું પણ પછી બૌદ્ધિકોને ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ. બૌદ્ધિક આંદોલન જેવી કોઈ વ્યવસ્થિત વસ્તુ આપણે ત્યાં કદી હતી કે કેમ એ શંકાનો વિષય છે, પણ જે થોડા ઘણા બૌદ્ધિક જૂથો વેરવિખર પડયા હતા, એમાં પણ ભંગાણ પડયું. એમણે સમાધાનો કર્યા, હોદ્દાઓ સ્વીકાર્યા, કોઈએ માત્ર ભયથી સત્તાવાળાઓનો વિરોધ કરવાનું બંધ કર્યું, કોઈ સીધો ટેકો આપતા થોડા બૌદ્ધિકો નીકળી આવ્યા, પોતાની પીછેહઠને ઢાંકવા માટે એમણે બૌદ્ધિક ભ્રષ્ટાચાર કર્યો, અને પોતાની બુદ્ધિનો જ ઉપયોગ, દુરુપયોગ કરીને પોતાની તરફેણની દલીલો શોધવા માંડી. બૌદ્ધિકતા અને સલામતીની ઈચ્છા વચ્ચે ટકરામણ થઈ. આપણે આપણું સંભાળી લઈએ, એવી મનોવૃત્તિ ઘણા બુદ્ધિજીવીઓને પણ શિકાર બનાવ્યા. આને લીધે બૌદ્ધિક ચળવળે થોડી પીછેહઠ કરવી નક્કી છે.
બૌદ્ધિકને આજે એની જ નબળાઈઓના શસ્ત્રો વડે મારવામાં આવી રહ્યો છે. બૌદ્ધિકો ભાગ્યે જ સંગઠિત હોય છે. કોઈપણ વ્યક્તિ કે વાદને વર્ચસ્વ માનીને એ એનું કહ્યું કર્યા કરે એ વાતમાં માલ નહીં. પોતાની બુદ્ધિનો એ ક્યારેક આત્યંતિક ઉપયોગ કરે છે. બૌદ્ધિકો ક્યારેક કોઈ ઉદેશ માટે એકઠા થયા તો પણ લાંબો સમય એક જ મંચ ઉપર બેસી શકતા નથી. અતિ બૌદ્ધિકતાને લીધે એમની વચ્ચે ચકમક ઝર્યા કરે છે. બૌદ્ધિક જલદીથી નિરાશ થઈ જાય છે અને ઘણીવાર સમસ્યાઓથી બચવા માટે શાહમૃગી નીતિ અપનાવે છે, અથવા નિરાશાથી નિષ્ક્રિય બની જાય છે. બૌદ્ધિક વધુ પડતો વ્યક્તિવાદી હોવાનો, આથી એનો અહમ્ તીવ્ર હોવાનો અને પરિણામે પોતાના મંતવ્યને એ સૌથી ઉત્તમ માનીને ચાલવાનો અને બીજાનું મંતવ્ય પચાવવા માટે ઓછો તૈયાર થશે. બૌદ્ધિકો વચ્ચે મૂળ મુદ્દા ઉપર સંમતિ હોય તો પણ એના અમલ માટેના પગલાંને લઈને વિખવાદ થવાનો.
બૌદ્ધિક જ્યારે જ્યારે નિષ્ક્રિય બને છે, ત્યારે સમાજનો દ્રોહી બને છે. એ ભૂલી જાય છે કે એની નિષ્ક્રિયતા સમાજને કેટલી મોંઘી પડવાની છે.
આપણે ત્યાં કમનસીબે, થોડા બુદ્ધિજીવીઓ પાકતા રહ્યા છે, પણ એની કોઈ ચોક્કસ ધારા કે પ્રવાહ જોવા મળતા નથી, તેમ એની સંખ્યા પણ દેશના કે સમાજની મુખ્ય ધારામાં વગદાર જૂથ હોય તો એ અમર્યાદા સત્તાને રોકતી લગામ બની શકે. તેમ એક પ્રકારના 'બેલેન્સ' કે 'બફર'નું કામ આપી શકે. હેઝલીટે બુદ્ધિજીવીને ઓળખાવતાં કહ્યું હતું કે એની પાસે દલીલો અને તર્કનો ઢગલો હોય અને એની પાછળ આત્માનો અવાજ હોય, એમ કે.એન. સુબ્રમણ્યમે હાલના એક લેખમાં નોંધ્યું છે. એક જમાનામાં કવિ કે લેખક બુદ્ધિજીવી ગણાતા નહીં, બલકે એ લોકો એનાથી દૂર રહેવામાં જ શાણપણ માનતા. આજે સાહિત્ય પરિષદમાં પણ બૌદ્ધિકતાની છાલક ઊડતી જોવા મળે છે. સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા અંગે જે આંદોલન ચાલે છે તે આની પુષ્ટિ કરે છે પણ આ વાત આપણે સમગ્ર ભારતીય સંદર્ભમાં કહી શકીએ એમ નથી, મતલબ કે આપણે ત્યાં ધર્મો, સંસ્કૃિત અને ભાવનાઓની જે ભિન્નતા છે, એણે આપણા બૌદ્ધિક આંદોલન ઉપર પણ અસર કરી છે, અને રાષ્ટ્રીય કક્ષાએ દોરવણી આપી શકે એવો બુદ્ધિજીવીઓનો ચોક્કસ વર્ગ હજી આપણે ઊભો કર્યો નથી, અલબત્ત, એની થોડી ઝલકો જરૂર જોવા મળે છે.
ભારતનો બૌદ્ધિક આજે મંથનમાંથી પસાર થઈ રહ્યો છે. એની સામેના વિકલ્પો ખુલ્લા છે. પોતાની નિષ્ક્રિયતાના પરિણામો એણે જોઈ લીધાં છે. ભારતનું બૌદ્ધિક આંદોલન એક નવા તબક્કામાં પ્રવેશ્યું છે. બૌદ્ધિકતા સામે આજે અનેક મોરચેથી પડકારો થયા છે. માત્ર રાજકારણ જ એની સામે મેદાનમાં ઊતર્યું છે, એમ નથી. દંભી ધાર્મિક મૂલ્યો અવૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ, ક્રિયાકાંડો, આ બધા એના દુશ્મનો છે. બૌદ્ધિક બનવાથી સહન કરવું પડે છે, એવો ભય ઘર કરતો જાય છે ને આ ભયને પાંગરવા દેવામાં આવશે તો થોડા સમય પછી સમાજમાં પોતાનો મત નિખાલસ રીતે દર્શાવતા લોકો શોધ્યા નહીં જડે. બૌદ્ધિકોનો એક ગણનાપાત્ર ભાગ શિક્ષકોનો છે અને શિક્ષકો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ શોધ્યા નહીં જડે. બૌદ્ધિકોનો એક અસરકારક ભાગ શિક્ષકોનો છે અને શિક્ષકો પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવવાના પ્રયત્નો કરવાને બદલે સલામતી અને સગવડોની લાલચમાં આવીને સરકારીકરણની સામે ચાલીને માંગણી કરે એ કોઈ પણ સમાજ, કોઈપણ લોકશાહી માટે ખતરાની નિશાની છે, પશ્ચિમના મુક્ત સમાજમાં બૌદ્ધિકનું જે સ્થાન છે, એ ઈર્ષાપાત્ર છે. ફ્રાંસમાં સાત્ર બોલે છે, ત્યારે એના શબ્દમાં વજન હોય છે. આપણે ત્યાં બૌદ્ધિકતાને પ્રમાણવી પડે એવી રચના આવશે ખરી?
ફ્રાંસના મશહૂર કવિ દાતેએ એમના પ્રસિદ્ધ પુસ્તક 'ડીવાઈન કોમેડી'માં લખ્યું છે કે જે લોકો નૈતિક કટોકટીમાં પણ પોતે તટસ્થ હોવાનો દાવો કરીને ચૂપ રહે છે અને જુઠ્ઠા લોકો વિરુદ્ધ બોલતા નથી તેમના માટે નરકમાં સૌથી ગંદી જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે. દુનિયામાં ઘણું ખોટું થઈ રહ્યું હોય અને નીતિમત્તાના ધોરણો ખાડે ગયા હોય ત્યારે પણ આ લોકો કંઈ બોલતા નથી. આજે આપણા દેશમાં કેન્દ્રની નવી સરકાર આવી ત્યારથી આ જ હાલત છે. આ સરકારના કેટલાક પ્રધાનો અને કેટલાક સાંસદો દરરોજ જાતજાતના બકવાસ કરતા રહે છે એની વિરુદ્ધ અનેક લેખકો અને સંસ્કૃિત તથા સિનેમા સાથે સંકળાયેલા લોકોએ પોતાના એવોર્ડ પાછા આપી દીધા છે. એમને સાંભળવાને બદલે કે એમને ન્યાય આપવાને બદલે એમની ઉપર જાતજાતના લેબલ મારવામાં આવે છે. ગુજરાતમાં બધી યુનિવર્સિટીઓ માટે એક જ કાયદો બનાવવામાં આવ્યો અને એ રીતે પાછલે બારણેથી ઉચ્ચ શિક્ષણનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું. એની તરફેણમાં સરકાર તરફી લોકો બોલવા માંડયા છે પણ વિરોધનો સૂર હજી બુલંદ બન્યો નથી. જો કે ગર્વનરે આ ખરડા ઉપર સહી કરી નથી પણ ગમેત્યારે સહી થઈ જાય એવી પૂરી શક્યતા છે. આખા દેશમાં સંઘ તરફી લોકો એટલું બધું બોલે છે કે વિરોધનો સૂર લગભગ દબાઈ જાય છે.
દુનિયામાં જેટલી ક્રાંતિઓ થઈ છે એ બધી વિરોધના સૂરમાંથી જ થઈ છે. ફ્રાંસની ક્રાંતિ વોલ્ટેર અને રુસોના લખાણોથી જ થઈ હતી. એ જ રીતે રશિયાની ક્રાંતિ માર્કસના પુસ્તક 'દાસ કેપીટલ'થી થઈ હતી. માર્કસે જર્મનીના એક શહેરની લાયબ્રેરીમાં પૂરાઈને આખી દુનિયાનું સાહિત્ય વાંચી કાઢયું અને એને ખ્યાલ આવ્યો કે દુનિયાના બધા સંઘર્ષોનું મૂળ ધર્મમાં છે. પરિણામે એણે કહ્યું કે 'રિલિજિયન ઈઝ ધ ઓપિયમ ઓફ ધી પીપલ' મતલબ કે ધર્મ એ લોકોને પાવામાં આવેલું એક જાતનું અફીણ છે. આ અફીણ ખાઈને લોકો બેહોશીમાં સરી પડે છે અને ધર્મ કે ધર્માચાર્યો સામે કંઈ બોલી શકતા નથી. એમને સ્વર્ગની લાલચ આપવામાં આવી છે અને ધર્મનું પાલન નહીં કરો તો નરકમાં જશો એવો ભય બતાવવામાં આવ્યો છે. આમ ભય અને લાલચથી લોકો ચૂપ રહે છે. માર્કસના વિચારો વાંચીને લેનિને રશિયામાં ક્રાંતિ કરી અને ઝાર નામના સરમુખત્યાર રાજાને સત્તા ઉપરથી ફેંકી દીધા. ઝારના આખા કુટુંબનું નિકંદન નીકળી ગયું. જો કે એક છોકરી બચી ગઈ અને વરસો પછી અમેરિકામાં એ દેખાઈ. જો કે રશિયામાં ૧૯૯૦-૯૫માં પ્રતિક્રાંતિ થઈ અને ગોર્બાચોવે રશિયાના દરવાજા બધા માટે ખુલ્લા મૂકી દીધા. રશિયાના પંદર ટૂકડા થઈ ગયા અને આજે એ પંદર ટૂકડા લોકશાહીના માર્ગે આગળ ધપે છે.
કોઈ પણ લોકશાહીને ધબકતી રાખવા માટે બૌદ્ધિકોનો વર્ગ હોય અને બોલતો હોય એ જરૂરી છે. અત્યારે દેશમાં આ વર્ગને કચડી નાખવાનાં પ્રયત્નો થાય છે. પહેલા પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટયૂટને દબાવી દેવામાં આવી. હવે સેન્સરબોર્ડના અધ્યક્ષને હાંકી કાઢીને એની જગ્યાએ પહેલા જ નિહાલાનીને મૂકવામાં આવ્યા છે. આ ભાઈ સરકાર તરફી હોવાથી એમને નિમણૂક મળી છે. એમણે એક ફિલ્મ 'ઉડતા પંજાબ' ઉપર સેન્સરશીપની કાતર ચલાવી છે. નિહાલાનીસાહેબે ફિલ્મમાંથી ૯૪ જેટલા દ્રશ્યો અને શબ્દો કાપવાની સૂચના આપી છે. જો કે નિર્દેશક અનુરાગ કશ્યપે આની સામે ઝૂકવાને બદલે કોર્ટમાં ગયા છે. 'ઉડતા પંજાબ'માં હાલના પંજાબની નશીલા પદાર્થો લેવાના વ્યસન સામે અવાજ ઉઠાવાયો છે. આ ડ્રગ્સનો વિશાળ કારોબાર ચાલે છે. પંજાબ સરકાર પણ એમાં સંકળાયેલી છે. પંજાબ હવે તો ડ્રગ્સનું કેન્દ્ર બની ગયું છે એની સામે અવાજ ઉઠાવવો એ યોગ્ય જ છે પણ એને આવકારવાને બદલે એને અટકાવી દેવાનું કાવત્રું ઘડાયું છે. મહેશ ભટ્ટ અને રજા મુરાદ જેવાએ આની સામે વિરોધ ઉઠાવ્યો છે અને પૂછયું છે કે આ ભારત છે કે કોરિયા? સેન્સર બોર્ડનું કહેવું છે કે ફિલ્મના નામમાંથી પંજાબ શબ્દ કાઢી નાખવામાં આવે પણ અનુરાગ કશ્યપનું કહેવું છે કે અનેક ફિલ્મોમાં મુંબઈ શબ્દ આવ્યો છે અને દિલ્હી પણ આવ્યું છે તો પછી પંજાબમાં શું વાંધો? નિહાલાનીનું કહેવું છે કે ફિલ્મમાં આમઆદમી પાર્ટીના પૈસા છે. કરણ જોહર, રામગોપાલ વર્મા, મુકેશ ભટ્ટ અને આમીરખાન સહિતના લોકો આમાં બોર્ડની વિરુદ્ધમાં છે. ફિલ્મમાં સાંસદો અને વિધાનસભ્યોનાં નામો પણ આવે છે.
આમ દેશમાં અત્યારે બૌદ્ધિકતાની કટોકટી ચાલે છે એમાં પ્રૌ-ગવર્નમેન્ટ અને એન્ટી ગવર્નમેન્ટ એમ બે ભાગ પડી ગયા છે.
સૌજન્ય : “માનવવાદ”, જૂન 2016; પૃ. 14-16