Opinion Magazine
Number of visits: 9447101
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી એક ઇવનિંગ : ‘ચાણક્ય’ નાટક

રજની શાહ (અાર.પી.)|Opinion - Opinion|23 June 2016

ન્યુયોર્કમાં ગયા મે મહિનાની ૧૩મી તારીખે ઇંડિયાથી ઈમ્પોર્ટેડ નાટક ‘ચાણક્ય’ જોવાની મને તક મળી.

અામ તો એ ભારે પબ્લિસિટી પામેલું. અમને દેશીઅોને કોઈ કશું પોરસ ચઢાવે તેવું પાત્ર લઈને રંગમંચપર જીવંત કરીને બતાવે એ એક લ્હાવો થઈ જાય. માટે હું તો મોટા ઉપાડે હાઉસફૂલ શૉમાં ટાઇમસર પહોંચી ગયો. એકાદી ધાર્મિક સંસ્થાને દોઢસો બસ્સો ટિકિટો બલ્કમાં કિફાયત ભાવે વેચવાથી હૉલ સારો એવો ભરાઈ ગયો હતો. એને સોલિડ માર્કેટિંગ કહેવાય. જો કે એનાથી હવે પ્રેક્ષકોને પોતાના નંબર પ્રમાણે સીટ્સ ન મળવાથી વિખવાદ થયા. તેને શામવા માટે શૉ લગભગ ૪૫ મિનિટ મોડો શરૂ થયો. હશે. સેંકડો નાઇટ કરેલા શૉને જોવા અાટલું તો સહન કરવું પડે. કોઈ બાત નહીં. અમને કાંઈ એવું બતાવો જાણે ક્લાઇમેક્સમાં કોઈ દાઢીવાળો દેવાંશી કોકેશિયન હીરો અાવે ને એના પર તેજનો અંબાર વરસે અને એ ધોધમાં ચાર્લટન હેસ્ટન રાતા સમુદ્રને ચીરીને અાપણી સામે ચાલતો ચાલતો અાવતો હોય અને અમે વિસ્ફારીત નયને તાળી પાડીને સ્ટેિન્ડંગ અોવેશન અાપીએ. બસ હવે પડદો ઊઘડે એટલી વાર. પછી બધું ભૂલી જવાનું.

સડનલી, નાટકના મસમોટા પડદાની કોઈ અઘરી ફોલ્ડને બાઇસેક્ટ કરીને વચ્ચેથી નાટકનો હીરો પોતે જ કોસ્ચ્યૂમ પહેરેલો, બોડે માથે, ખભા સુધી લાંબી, ખુલ્લી, લસરતી ચોટલી ધારીને બહાર અાવ્યો. સફેદ બાશ્તા જેવા લૂસ કપડાંમાં એ હશે એના કરતા વધારે બક્સમ્ લાગતો’તો. એના દર્શન માત્રથી તાળીઅો પડી. હજુ નાટકનો એકેય શબ્દ કોઈએ સાંભળ્યો નહતો. પછી એ એક ધ્રુવ પંક્તિ બોલ્યો: ‘અા નાટકનો અાજે અા ૯૮૮મો પ્રયોગ છે.’ એટલે અોર તાળીઅો પડી. મારી ટિકીટના અડધા પૈસા તો જાણે ત્યાં જ વસૂલ થઈ ગયા. નાટકનો એક પણ શબ્દ હજુ સાંભળ્યા વગર મેં પણ તાળી પાડી!  મંકી સી, મંકી ડૂઉઉઉ.

‘બારણાં બંધ કરો .. શાંતિ રાખો .. પ્લીઝ !’ એની એવી કાકલૂદીઅો પછી પણ ઘોંઘાટ તો ચાલુ જ રહ્યો. પછી અૉટોમેટિક પદાર્થ વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતથી લોકો શાંત પડ્યા. અણુ પરમાણુની કોઈ ક્વોન્ટમ્ થિયરી લાગુ પડતી હશે. પછી તો અા  ‘ચાણક્ય’એ પોતે ૨,૫૦૦ વરસનો ઇતિહાસ કહ્યો. એમ પણ કહ્યું કે લેખકે ૪ વર્ષ સુધી કૈસી કૈસી રિસર્ચ કરી અને પોતે ૨૬ વર્ષથી અા રોલ નિભાવી રહ્યા છે વગેરે બાતોંથી વધારે તાળીઅો મેળવી. ધોરણ બારની એક્ઝામનું પેપર ફૂટે ને જે ચીવટથી અાપણે કાન સરવા કરીને ધ્યાનસ્થ થઈને સાંભળીએ તેમ મેં બધું મનમાં ગોઠવી દીધું. હૂ વોઝ ચન્દ્રગુપ્ત મૌર્ય, વોટ’સ ગાંધાર. હુ વોઝ ધીસ કૌટિલ્ય, એન્ડ ધીસ ચેપ .. ચાણક્ય ?  હિન્દોસ્તાંનો નકશો, મગધ રાજ્ય એટસેટરા, એટસેટરા. અાખી વાર્તા મારા મગજમાં પૂર્ણત: ચોંટી ગઈ. એટલે મનમાં કોયડો એ ઊભો થયો કે હવે નાટકમાં જોવાનું શું ? વોટીઝ લેફટ? નાટકકા પેપર તો ફોડ ડાલા. ચલો જાંઘ પર જવાબ લખવાની માથાકૂટ ગઈ.

ઈંતેજારીનો અંત અાવ્યો. અાખરે પડદો ઊઘડ્યો. ચન્દ મિનિટોમાં તો પેલા ‘ચાણક્યે’ જ અૅન્ટ્રી લીધી. પછી સળંગ પહેલો અંક પેલા ફૂટેલા પ્રશ્નપત્રના હિસ્ટરી લેસનના ટૂકડાઅોને ટેબ્લો ફોરમેટમાં ભજવી બતાવ્યા. અાખા રંગમંચને ત્રણ ભાગમાં કાપો તો એક્ટરોએ મહદ્દ અંશે વચલો એક તૃતિયાંશ કટકો જ વાપર્યો, બાકી બધું વેરાન સ્ટેજ. જે કટકો વાપર્યો તેમાં એક ઢોળાવવાળું શતરંજ બતાવેલું. અહીં મર્દાના રાજકીય રમતો ખેલાય છે, ખૂના મરકીના લાખ્ખો સૈનિકોના બલિદાનના કાવાદાવા રચાય છે, અા વૉરલૉર્ડઝના દાવપૅચ છે, માટે ચોપાટ અને ઢાળ અોક્કે છે એમ ગણી મેં માર્કસ વધારે અાપ્યા. જો કે અા મુદ્દો નાટકની ભજવણીમાં નડતો’તો. એક્ટરોની મુવમેન્ટની અાહૂતિ અપાઈ. એક લિમિટેડ ચકરડંુ થઈ ગયું. શેરીમાં થતી હોળીની ચોતરફ લોટો લઈને પાણી રેડતી પ્રજા જેવું બધું પેલા એક તૃતિયાંશ અનઈવન પોપડા ઉપર જ ગોળગોળ ભજવાયું. બોલિવુડની બોક્સ અૉફિસ હીટમુવીના કોઈ બસ્તિના દૃશ્યમાં દાઢીવાળા લોકો બલૈયાં ને બરછી લઈને રમૈયા વસ્તા વૈયાનો ગ્રુપ ડાન્સ (અલ્ટ્રા સ્લો મોશનમાં) કરતા હોય તેવું લાગતું’તું. જો કે એનાથી ફાયદો એ થયો કે પ્રેક્ષકો જાગતા રહ્યા, કારણ કશુંક ફેમિલિયર દેખાયું એટલે એમને એ બધું રૂચિક્ષમ્ય લાગ્યું. છતાં નાટકની મૂલવણીમાં થોડા રીતના માર્ક કપાય. ચાણક્યના રોલમાં ભાઈ મનોજ જોષી મને સ્હેજ લાઉડ લાગ્યા.

હવે મારી કલ્પના કે સમજ પ્રમાણે અા ચાણક્ય જ નહતો. અો, માય લર્નેડ ફ્રેન્ડઝ, લિસન ટુ મી. અા ચાણક્ય પાત્ર તો દાવપૅચી છે. એનામાં લુચ્ચાઈ છે, ચેસના કૂટા ઊડાડવાની દૂરંદર્શી છે, છળકપટ છે, એને અંગત વચન પાળવાનો અભરખો છે, એનો અહમ્ તો જીરવી ન શકાય તેવો અનબેરેબલ છે. ગમે તેનું ડીંગલું ગમે ત્યારે ઊડાવી દે તેવો કસબી છે. એને સામ, દામ, દંડ ભેદના બાય-લૉઝ તો પોતાની રગોમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. પીઝાની સડસડતી સ્લાઇસ ઝબ્બે કરી જાય તેટલી સેકંડમાં તો એ બધ્ધી કૂટનીતિઅો વાપરી શકે છે ! એ માણસ પોતાની દરેક મુરાદ પૂરી કરે જ કરે તેવો નક્કર નાર્સિસિસ્ટ છે. એને તો ક્ષત્રિય ચન્દ્રગુપ્તને પાનો ચઢાવાનો છે, રાજાના વર્જીન માઇન્ડને પોતાની યોજનામાં મોલ્ડ કરવાનો છે. ચાણક્ય પાત્રને એવો મુત્સદ્દી બતાવવાનો છે. એમાં અભિનેતા મનોજ જોિષી મારી કૂટીલ નજરે જરા અોછા પડ્યા. હવે સેંકડો પ્રયોગ કર્યા પછી એવા મારા ચિત્તમાં ચિપકેલા અોરિજીનલ ચાણક્યને સેંટર સ્ટેજ પર લાવીશું કેવી રીતે ? મારી વીઝડમ:  પહેલાં તો લેખકને એ પાત્ર અત્મસાત કરવું પડે. કેવી રીતે? કહું તમને. દુનિયાના ઇતિહાસમાંથી અાવાં અટપટુ કેરેક્ટરોને શોધી શોધીને એક કંપોઝીટ પીંડ રચવો પડે. અને પછી મનોજ જોષી કે મનોજ બાજપાઈ કે નાસિરુદ્દીન કે ઈરફાન એ કરીને બતાવે તો એ લેખકને અને એક્ટર બન્નેને માટે એક સહિયારુ (Ensemble) ભગિરથ કાર્ય ગણાય. દસમાંથી દસ પૂરા માર્કસ મળે.

અાખી દુનિયાની ભૂગોળ જૂઅો. દરેક દેશના Secretary of States જૂઅો, NATO, United Nations, Summit meetings like G-8, G-20 વગેરે. કરોંડો લોકોને હણી નાંખવાની યોજનાઅો સોફ્ટ અવાજમાં થાય. ચકચકતા પૉલિશ કરેલા લંબગોળ ટેબલપર સહીસિક્કા થાય અને એ લોકો ઈમ્પોરટેડ ફાઇન ચાઇનાની પ્લેટસમાં પપૈયાના પિત્તા અારોગતા હોય. અૅમ્બેસેડરો હાથ મિલાવતા હોય અને પરસ્પર ભાભિજાન-ભાભિજાનોના ખબરઅંતર પૂછતા હોય. કમરે તમંચા ભરેલો મૂચ્છાળો જનરલ દુશ્મન દેશના એલચીની બાળકીને સોફ્ટલી  ‘બેટા‘ કહીને એને ગદૈવા ચોકલેટનું બોક્સ અાપતો હોય. નો ખુન્નસ, નો અપશબ્દ. ત્યાં કોઈ ઊંચા ગગનભેદી અવાજે બોલતું નથી, કારણ એ અસભ્ય ગણાય, અાઉટ અોફ અૅટીકેટ ગણાય. ઘાંટા પાડવાની અવળચંડાઈ કરો તો ગ્રાંડ બોલરૂમની ફૂલકાં બાંયવાળી સ્ત્રીઅો તમારી સામે કતરાતી અાંખે જોશે ‘ગમાર કહીંકા !’ કહીને પછી શેમ્પેઇનનો ઘૂંટડો ભરે.

અાપણાં સ્ટેજ પર તો પેલો ઢેકાવાળો ત્રાંસો ચોપાટ ને એની ઉપર મેધાવી ચાણક્યને કોઈ દૈનિક પેપરના ફકરા ઉપર ફકરા જેવા સુપર-અતિ દીર્ઘ સંવાદો બોલાવડાવવા એ જોખમી કામ કહેવાય. અમને તો અહીં ઘેન ચઢવા માંડેલું ને માથા પર બીજી ચિંતા ફરી વળેલી કે અા નાટક પતશે ત્યારે નીચે કાફેટેરિયા બંધ થઈ ગયું હશે, વરસાદ પડે છે ને અધારામાં ગાડી ક્યાં પાર્ક કરી છે તે ય શોધવાની છે, ને રામભરોસે પાર્ક કરી દીધી છે માટે ટિકિટેય મળી હોય. ૧૧૫ ડોલરનો ચાંદલો.

મંચનની એકાદ બે વાત લઈએ. એક તો બધાના અવાજ લાઉડ ને ઉપરથી બેકગ્રાઉન્ડના મ્યૂિઝકના ઝટકા. ઇન્ડિયન ટીવી સિરિયલોમાં સતત મ્યૂિઝક સ્ટ્રીપ મૂકે છે તેની નકલ અાપણે હવે જીવંત નાટકમાં પણ કરવાની? અલા, કોઈ જણ તો રોકો અા રોગને ! યુદ્ધની વાત થાય કે પાછળ કાં તો સ્ટારવૉર્સની સાઉન્ડ ટૃેક કે રાણો પ્રતાપના જંગના ઢોલ-નગારા પ્લસ દુંદુભિ વગાડવાની? અાવો જૂલમ? ભાઈ, અમે તો પૈસા ખર્ચીને અાવ્યા છીએ. મારી વેણીમાં ચાર ચાર ફૂલની કોરિયોગ્રાફી અાવે કે પ્રેક્ષકોની સામે ચચ્ચાર અાંગળીઅો બતાવીને જ ડાન્સ કરવાનો? અરે, ચાલુ નાટકે પણ તમે લાઇટીંગ બદલા બદલી કરો છો, એ અંચઈ કહેવાય. એવા ફેરફાર એટલા બારિક હોવા જોઈએ જે પ્રેક્ષકને ખબર જ ના પડે. તો જ તમે કેટલા કસબી છો તેની પરીક્ષા થાય. એટલે અહીં રીતના થોડા માર્ક કાપું છું, સિવાય કે કોઈની સિફારસનો કાગળ લાવો તો કાનમાં પૂમડાં મૂકીને કહી દઉં, ‘ચલો જાને દો. ઈતનીસી બાતમેં ક્યા કચકચ.’

લેખકે થોડી ડૃામેબાજી કરીને સંવાદો લખ્યા છે, જાણે યેન કેન પ્રકારેણ પ્રેક્ષકોનો એપ્લૉઝ લઇ લો. પ્રોડ્યૂસરને મન જેટલો એપ્લૉઝ વધારે તેટલું નાટક સફળ એ ફોર્મ્યૂલા બંધાઈ ગઈ છે. પણ અા માન્યતા ઠગારી છે. મારી અાગલી હરોળમાં બેઠેલી બહેનો (કુલ ત્રણ કેસ) એમના પતિના ખભા પર માથું ઢાળી પાવર નૅપ લેવા માંડેલી. મને લાગે છે નાટકના પ્રિવ્યૂ શૉ થવા જોઈએ અને એમાં ‘ફોકસ ગ્રુપ’ જેવા લોકોની રાય લેવી જોઈએ. કદાચ એવી રિસર્ચ થાય તો મારા જેવા રિવ્યૂ લખનાર અધમને ગાળો થોડી અોછી પડે. એમ તો શરુઅાતમાં જ ઘોષણા કરેલી કે અા નાટક માટે તમે ચચ્ચાર વર્ષની રિસર્ચ કરી. તો કહો મને, એવા તો કયાં સૂક્ષ્મ પોઇન્ટસ હતા જે મેં અાખા નાટકમાં મીસ કર્યા?

જૂઅો, અા ખર્ચાળ પ્રોડકશન છે માટે કોઈને નુકશાન ના થાય તેમ એ રીતે હું ડેલિકેટલી લખું છું. પતંગિયાના હાર્ટની બાયપાસ સર્જરી કરતો હોઉં તેવી કલમથી હું તમારા નાટકની સમસ્ત ટીમની સેન્સિવિટીની અામન્યા રાખું છું.

મનોજ જોષીનો અભિનય પાવરફૂલ હતો. છતાં મને એ મૂલવવામાં થોડી તકલીફ પડે છે. સંવાદના ફકરાઅો એ રીતના જ લખ્યા છે જેના અંિતમ પાંખિયા પછી વેક્યુમ હોય અને ત્યારે નાયક હવામાં અધ્ધર, નગ્ન ખભાને મરોડી, પોતાની બાહુ છત પર તાકી, જૂલિયસ સીઝર જેવી જેહાદ પોકારતો હોય. એની સોલોલોકી પછી સામેના એક્ટરને મંદ થઈ જવાનું. અા સરકસનો ઝૂલાનો ખેલ છે. એક વાર ઝૂલાનો દાંડો હવામાં ખાલી જવા દેવાનો. એટલે અા એપ્લૉઝ લેવાનું તરકટ છે, એક જાતની પ્રેક્ષકોને અપાતી ક્યૂ છે. જેવો પૉઝ પડે કે પ્રેક્ષકની હથેળીમાં રવરવાટ થાય ને તાળી પાડે. અામાં બે જોખમ છે. જોખમ નંબર એક: હવે અા લેખક સંવાદમાં કશું ઝીણું કાંતી નહીં શકે. કારણ? એ વારંવાર પેલી ઇઝી એપ્લૉઝ લેવાની નિસરણી શોધવાનો. જોખમ નંબર બે: સક્ષમ હોવા છતાં એક્ટર પોતે હવે ટાઇપકાસ્ટ થવાનો. એનો ઇંકિલાબી બાહુ ઊંચો થાય ત્યારે પેલું અધ્ધરતાલિયું અદૂકડું વાક્ય બોલાય પ્લસ અોવરહેડ પ્રકાશનું વર્તુળ એના બદન પર પડે .. અને હવે જો એ ક્ષણે એના કાનમાં પ્રેક્ષકોનો થંડરસ એપ્લૉઝ ના સંભળાય તો? … તો? … તો એને ઝેર ખાવાનો વખત અાવે. હવે અાજ એક્ટરને પછીના વર્ષોમાં બૈજૂ બાવરો, સરસ્વતીચન્દ્ર કે ગુરૂદત્ત ઈન ‘કાગઝકે ફૂલ’નો રોલ કરવાનો અાપો અને એને કહો કે ‘દોસ્ત ! જરા સોફ્ટલી બોલ. જરા રોમેન્ટિક થા. જરા પૉઝ અાપ. તું કશું બોલે નહીં તો પણ એક્ટીંગ ગણાશે.’ તો એની શી વલે થાય?

ચલો લેખકકા (મિહિર ભુતા) હોંસલા બઢાએં. ગીતાનો કૃષ્ણ અર્જૂનનો વિષાદયોગનો સંવાદ કટ એન્ડ પેસ્ટ કરીને બહુ યોગ્ય સંજોગોમાં લેખકે જડ્યો છે. જે માણસ કૃષ્ણથી હરખાય તે ચાણક્ય ઉપર પણ વારી જાય. અર્જૂન શો યોદ્ધો કઝીન્સ સામે તીર ચલાવતા ડરે છે તો અહીં ચન્દ્રગુપ્તની એવી જ કાયરતા સામે મનોજ જોષી કૃષ્ણનું અસ્તર પહેરીને અાપણને વીરરસ પીવડાવે છે. હું અહીં દોથો ભરીને માર્ક અાપું છું. બીજો અંક અાખો સરસ થયો છે. સ્ટેજ પણ ભર્યુ ભાદરું લાગે છે. બ્રાવો.

હવે મહાબલી ચાણક્યનો હવે પેલો પ્રખ્યાત સીન અાવે છે. જ્યાં સુધી દેશની અૈકયતા ના સધાય ત્યાં સુધી પોતે પોતાની શિખા નહીં બાંધે. એ બંદો બસ પોતાની ચોટલી એમની એમ છુટ્ટી જ રાખશે. એ સીન સરસ ઊપડ્યો. મેં જોયું કે હૉલમાં મરદોએ વધારે જોરથી તાળીઅો પાડેલી. એનું કારણ કદાચ બીજું હશે. અાવા હોરમોન્સને લગતા શપથ-સટ્ટા, ડૃેગ-રેસ કે ચડસાચડસી  પુરુષના XY જીન્સમાં જ અકંિત થયેલા હોય છે. તેથી જ કદાચ XX જીન્સવાળી સ્ત્રીઅોને તો લાગ્યું પણ હશે કે અાવા ચોટલી ફોટલીની ગાંઠો મારવાના સોગંદો માટે અા શું બધાં તોફાન? વોટ્સ એ બીગ ડીલ ! હું XY છું એટલે મેં તો છૂટથી માર્ક્સ અાપી દીધા છે. જે થશે તે. પીછુ દેખ લેગા. હુ કેર્સ? અઢી હજ્જાર વર્ષ પહેલાં કોઈ શૂરવીર, નરોત્તમ, અાર્યને અા અંખંડિત ભારતનો અાઇડિયા પણ કેવી રીતે અાવ્યો હશે? એને મારા દંડવત્‌ પ્રણામ.

મારી માર્ક અાપવાની એક સિસ્ટીમ છે. અોલ્ડ ફેશન ૧ થી ૧૦નો સ્કેલ રાખું છું. ૧૦માં થી ૧૦ એ શ્રેષ્ઠ. તારામંડળ ફૂટે. કોઠી ફૂટે. ૪ થી નીચે નપાસ. રિયાલીટી શૉઝની જેમ સરવાળા બાદબાકીની સાપબાજી કરતા કરતા અા નાટક ૭ માર્ક્સ લઈ જાય છે. ઇંડિયાથી ઈમ્પોર્ટ થતાં મોટાં ભાગનાં નાટકો તો ૧ થી વધારે સ્કોર કરી શકતાં નથી. કદાચ એવું બને કે ત્યાં દેશી સ્થાનિક વિવેચકોએ એમને મ્હોંઢે ચઢાવ્યા હોય. એમનાથી કદાચ કશું નેગેટીવ લખાઈ જાય તો ઉપાધિ. એક જ શહેરમાં રોજ હાયહલો કરવાનું. જલમેં રહના અોર મગરસે બૈર ? ખોટી લમણાઝીંક. વ્હાય?

અને જૂઅો સાચું કહું તો ૪ કે એનાથી નીચેનાં સ્કોરવાળાં નાટકોના તો કોમ્પ્લીમેન્ટરી પાસ પણ ના લેવાય, સિવાય કે એ નાટકવાળા હૉલની લૉબીમાં ગરમા ગરમ વડા સાંભાર કે ખલબત્તામાં ઘૂંટેલી દાળના અોથેન્ટીક દાલવડા વેચતા હોય. અાપણે બોલી ઊઠીએ, ‘અહા ! અા દાલવડા કેવાં સરસ ક્રિસ્પી છે !’ ત્યાં જ સામે ટોળાંમાં લોકો એવી કોઈ સેલેબ્રીટીઝને ટગરટગર જોતા હોય ને સેલ્ફી લેતા હોય જેને તમે તદ્દન જાણતા જ ન હો. અને તમને એવા બક્ષેલા વરદાનથી જ નિર્મળ અાનંદ મળતો હોય.

ઇગ્નોરન્સ ઇઝ બ્લીસ, માય ફ્રેન્ડ. નાટકનું પણ એવું જ છે.

****         

(સંપૂર્ણ)

જૂન ૧૪, ૨૦૧૬

488 Old Courthouse Road, Manhasset Hills, NY 11040

E-mail: rpshah37@hotmail.com                         

Loading

23 June 2016 admin
← Gulbarg Society Carnage: Who Cast the First Stone?
એક સવાલ, તમે કયા ભારતમાં રહો છો? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved