Opinion Magazine
Number of visits: 9446885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવગૌરવ અને રાજ્ય વચ્ચેના સંબંધની કડી

સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ|Samantar Gujarat - Samantar|23 June 2016

આ સમસ્યા, એક યા બીજી સ્વરૂપે જગતભરના સમાજોને પીડતી રહી છે. જ્યાં રોટીની સમસ્યા એટલી વિકટ નથી, ત્યાં માનવગૌરવને જાળવવાની સમસ્યા તો જોવા મળે જ છે. અને જ્યાં બંને સમસ્યા છે, ત્યાં માનવસંબંધોમાં રહેલી વિષમતાઓ સમૂહજીવનની શાંતિને હરી લેતી હોય છે. ઘણી બધી વિષમતાઓ, પ્રતિકૂળતાઓ વચ્ચે રહીને મનુષ્ય પોતાનાં વ્યક્તિત્વ અને સ્વાતંત્ર્યને શક્ય એટલા પ્રમાણમાં સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરતો હોય છે.

ત્યારે, કેટલાક પ્રશ્નો અવશ્ય ઉદ્‌ભવે : માનવજીવન એટલે શું ? એને તો પૂર્ણપણે જાળવી શકાય એ કાજે સમાજ અને સમાજ વતી રાજ્ય શું કરે છે અને જે કંઈ કરે છે તે પર્યાપ્ત છે ખરું? રૂસોએ કલ્પેલા રાજ્યના ઉદ્‌ભવપૂર્વેનો સમાજ શક્ય છે ખરો? જો એ શક્ય નથી જ તો, મનુષ્યે અને તેમનાં જૂથો વચ્ચે મધ્યસ્થી કરનારી વ્યવસ્થા કઈ … રાજ્ય ? રાજ્યની સત્તા કેટલી, તેનો વ્યાપ કેટલો, તેની સત્તા પર મર્યાદાનું સ્વરૂપ કેવું અને રાજ્યને તેની મર્યાદામાં રાખનાર પરિબળ કયું? રાજ્યની સત્તાનું ‘લૉજિક ક્યું? માનવગૌરવ જાળવવા અને રાજ્યની સત્તાને મર્યાદિત રાખી શકાય એવી વ્યવસ્થા કરી શકાય – અને જો તેમ કરી શકાતું હોય, તો તે કઈ રીતે ? શું એ વ્યવસ્થાનું સ્વરૂપ માનવ-અધિકારોનું હોઈ શકે ખરું ?

માનવગૌરવ અને રાજ્ય એ બે વચ્ચેના સંબંધને તપાસવો હોય, તો ચંદ્રકાન્ત દરુસાહેબને યાદ કરવા પડે. માનવ-અધિકાર/અધિકારોને માનવસ્વરૂપમાં જોવા હોય તો દરુસાહેબને યાદ કરવા પડે. આ લખું છું ત્યારે, ગઈ સદીના છઠ્ઠા દાયકાના આરંભના વર્ષમાં ચાલ્યો જાઉં છું. પિતાશ્રી[નરહરિભાઈ (૧૯૦૯-૧૯૯૯)]એ સ્વતંત્રતાની લડતમાં ભાગ લીધેલો, તેના ભારે મોટા પ્રભાવ હેઠળ સ્નાતકકક્ષાના અભ્યાસમાં રાજ્યશાસ્ત્ર વિષય રાખેલો. માનવસ્વાતંત્ર્યનો અર્થ હું કેટલો સમજ્યો હતો તે કહી શકતો નથી અને સમજણો થયો ત્યારથી ઝડપથી બદલાતા જતાં સંજોગોમાં ત્યારથી અને આજે પણ એનો મર્મ હજી હું પામી શક્યો નથી. સ્નાતકકક્ષાના અભ્યાસનાં ચાર વર્ષ પસાર થઈ ગયાં. અનુસ્નાતક અભ્યાસમાં એ જ વિષય રાખ્યો, સાથે કાયદાનો અભ્યાસ શરૂ કર્યો.

કાયદાના અભ્યાસમાં ભારતનું બંધારણ ભણવાનું હતું. એટલે એના અધ્યાપકસાહેબ વર્ગમાં આવ્યા. વર્ગમાં દાખલ થતાં સુધી સિગારેટ પીતા હતા, બુઝાવી દીધી. વર્ગખંડમાં આવ્યા, પાંત્રીસેકની આસપાસ ઉંમર હશે, સફેદ પાટલૂન અને માપ આપી સિવડાવેલો કોટ. એકાદ મિનિટમાં પોતાની ઓળખાણ પૂરી થઈ અને વ્યાખ્યાન શરૂ થયું. આ લખું છું ત્યારે તેમણે ઉચ્ચારેલું પહેલું વાક્ય આજે પણ હું ભૂલ્યો નથી. “મને, ભારતના બંધારણના ભાગ ત્રીજા, મૂળભૂત અધિકારોમાં જ રસ છે.” એ સાથે, ‘સ્વતંત્રતા’ના અર્થની ખોજમાં નીકળેલા મને સાચી દિશા સાંપડી ગઈ. જો સમાજની પ્રત્યેક વ્યક્તિને અધિકારની અનુભૂતિ થતી ન હોય તો, રાજકીય સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી. અને માનવ-અધિકાર કેવળ કપોળકલ્પના નથી, મનુષ્યના અસ્તિત્વની પાયાની જરૂરિયાત રોટીની અને એ તેને મળી રહે અને સમાજમાં કોઈને હાનિ પહોંચાડ્યા વિના મોકળાશથી રહી શકે તેવી રાજકીય વ્યવસ્થાનું સર્જન થાય, તો જ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વના ગૌરવનું રક્ષણ કરી અભિવ્યક્તિ અને વ્યવહારનું સ્વાતંત્ર્ય માણી શકે છે. એ દિવસ યાદ કરું છું. માનવ-અધિકાર અને રોટી વચ્ચેના સંબંધને ટાંકતા દરુસાહેબે ઇંગ્લૅન્ડના કવિ થોમસ હુડ(૧૭૯૯-૧૮૪૫)ને યાદ કરી તેની એક કવિતાની પહેલી કડી ટાંકી હતી. Why human life is so cheap and bread so dearer. અને, સહજ સ્વસ્થતા તેઓ ગુમાવી બેઠા હતા. વર્ગખંડમાં રડી પડ્યા હતા!

વ્યાખ્યાન આપતાં હોય કે વર્ગખંડ બહાર સામાન્ય થતી વાતચીત હોય કે અદાલતમાં હોય, તેઓ કદી ઊંચા સાદે બોલે નહીં, ક્યાં ય ઉગ્રતા મળે નહીં, ઉચ્ચારો સ્પષ્ટ હોય, બોલાતા શબ્દો વચ્ચે ચોક્કસ માત્રામાં અંતર હોય, બોલવામાં ક્યાં ય આરોહઅવરોહ કે આવેગ કે ઉશ્કેરાટ ન હોય, ભાગ્યે જ વિશેષણોનો પ્રયોગ થતો હોય, જે બોલાતું હોય તેને સમજાવવા હાથ વિંઝાતા ન હોય. મુદ્દાસર બોલાતું હોય, પોતાના વિચાર કે અભિપ્રાયને ઠસાવવાનો ક્યાં ય અણસાર મળે નહીં. જે મુદ્દા પર બોલતા હોય તેને પુષ્ટિ આપે તેવાં ઉદાહરણો આપતા હોય. જેવું બોલતા તેવું ચાલતા. ચાલવામાં ક્યાં ય ઝડપથી વધઘટ જોવા મળે નહીં, માપસર ડગલાં ભરતા હોય ને ક્યાં ય ઉતાવળ જોવા મળે નહીં. સમગ્ર વ્યાખ્યાન કે અંગત વાતચીતમાં એક જ ગતિ, ન ધ્રૂવ કે ન વિલંબિત. અવાજ એટલો મીઠો નહીં અને છતાં કર્કશ તો જરા ય નહીં. તેમને ધ્યાનપૂર્વક સાંભળવા પડે. ગંભીર વ્યક્તિત્વ અને છતાં મુદ્દાની રજૂઆતમાં સરળતા. ઉઘડતા, વ્યવસ્થિત વેશપહેરવેશ. અદાલતખંડમાં ટાઇમ પર જોવા મળે, બહાર નહીં. એમની હાજરી પ્રેરણાદાયી ખરી પણ ભારે નહીં. જેટલું ધીરજથી બોલે એટલી જ ધીરજથી અન્યને સાંભળે પણ ખરા. સામેની વ્યક્તિની રજૂઆત સાથે સંમત ન થતા હોય તો પણ તેનાથી વિરુદ્ધ દલીલ કરે નહીં એવું સૌમ્ય વ્યક્તિત્વ એટલે જ દરુસાહેબ.

ગઈ સદીના છઠ્ઠા દાયકાના પહેલા વર્ષે શરૂ થયેલો પરિચય તેમના અવસાન સુધી ચાલ્યો. તેમના વ્યક્તિત્વમાં જ એવું કંઈક હતું કે તેમને ભૂલી શકાય નહીં. ભણવાનું તો ઘણા શિક્ષકો પાસે થયું, પરંતુ તેમાંના કેટલા સાથે મારે જીવનપર્યંત સંબંધ રહ્યો તેનો આજે હિસાબ માંડું છું, ત્યારે દરુસાહેબને ભૂલી શકતો નથી. અને એમાં ય જ્યારે માનવગૌરવ અને એ થકી માનવ-અધિકારના હનન વિશે ક્યાં ય વાંચું છું કે કોઈની સાથે વાતચીતમાં એનો થતો ઉલ્લેખ સાંભળું છું, ત્યારે મારા માનસપટ પર દરુસાહેબ ઊભરી આવે છે અને ત્યારે, હવે તેઓ રહ્યા નથી, એ વિચારથી હૃદયનો એક ધબકાર ચૂકી જાઉં છું.

એમને મળતા રહેવાના અનેક પ્રસંગો યાદ કરું છું, ત્યારે જીવનમાં, સમાજવ્યવસ્થામાં કશુંક ખૂટતું લાગે છે. તેમના કાનૂની વ્યવસાય અને માનવ-અધિકાર પરત્વેના લગાવનો પહેલો અનુભવ યાદ કરું છું. ગુજરાત યુનિવર્સિટીમાં – કદાચ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એક મરાઠીભાષી વિદ્યાર્થી ભણે. વાર્ષિક પરીક્ષામાં માધ્યમ અંગ્રેજી રાખ્યું. ગુજરાતી ભાષાના માધ્યમ મારફતે શિક્ષણ માટે સ્થાપેલી આ યુનિવર્સિટી આ કેમ સહન કરી શકે? મામલો વડી અદાલતમાં પહોંચ્યો. બચાવ (વિદ્યાર્થી) પક્ષે હતા દરુસાહેબ – ભારતના બંધારણે માન્ય કરેલી ભાષાઓમાંથી એક ભાષા એવી અંગ્રેજીમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીને યુનિવર્સિટી રોકી કેમ શકે? માનવઅધિકારનાં કેટલાં પાસાં હોઈ શકે, તેનો અંદાજ મને ત્યારે ન હતો. મારી જિજ્ઞાસાની ક્ષિતિજો વિસ્તરતી ગઈ.

હજી, Right to Life is Right to Better Lifeનો ચુકાદો આવવાનો બાકી હતો. એ તો અદાલતી નિર્ણય હતો. એ નિષ્કર્ષ  પર દરુસાહેબ તેમના વર્ગખંડમાં ક્યારના પહોંચી ગયા હતા. માનવગૌરવ માટેની તેમની સંવેદનાના સીમાડાઓ માપી શકાય નહીં. માનવગૌરવ અને તેની સાથે સંકળાતા માનવ-અધિકાર પરત્વેની આટલી બધી પ્રતિબદ્ધતાનું માનવસ્વરૂપ એટલે જ દરુસાહેબ. ડિગ્રીની દૃષ્ટિએ મારો અભ્યાસ પૂરો થયો હતો. વ્યાવસાયિક પસંદગી કરવાનો સમય આવી ગયો હતો. દરુસાહેબે ચાંપેલી ચિનગારી અને હવે આગનું રૂપ પકડતી જતી હતી. વકીલાત કરવી અને તે પણ બંધારણીય અને વિશેષે કરીને માનવ-અધિકારનું હનન કરતા કિસ્સાઓ સાથે મારું ભવિષ્ય સાંકળવાનો મનસૂબો તો કર્યો પણ નવી અસ્તિત્વમાં આવેલી ગુજરાત રાજ્યની વડી અદાલતમાં સ્થાનિક વકીલો થોડા હતા. ગુજરાત બહારથી આવનારા ઘણા હતા. મને જુનિયર તરીકે કોઈ રાખે ? મનમાં એક ઇચ્છા ધરબાયેલી હતી અને તે કાયમ રહી – દરુસાહેબના જુનિયર તરીકે કામ કરવું. તેમની પાસે મારા મનની મૂંઝવણ હું મૂકી શક્યો જ નહીં. મારો વ્યાવસાયિક માર્ગ મને શિક્ષક બનવા તરફ લઈ ગયો. એટલું કબૂલ કરું છું કે શિક્ષક તરીકેની મારી સમગ્ર કારકિર્દીમાં માનવ-અધિકાર સંબંધી હું ઝનૂની બન્યો હતો – નવનિર્માણની લડત અને શ્રીમતી ગાંધીએ લાદેલી દેશમાં આંતરિક કટોકટી.

શ્રીમતી ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી બેચેન કરનારી હતી. દરુસાહેબ સાથેની નિકટતા વધી. એ સમગ્ર અઢી-ત્રણ વર્ષમાં બનેલી અનેક ઘટનાઓની વિગતોમાં જવું શક્ય નથી. માનવ-અધિકારના સરિયામ હનન સામે દરુસાહેબ મૌન રહી શક્યા નહીં. અમાનુષી ઉલ્લંઘન સામે ચાલેલી લડતનો વ્યાપક અભ્યાસ થયો નથી. એના એકાદ પાસાનો ઉલ્લેખ કરીશ ‘ભૂમિપૂત્ર કેસ’. અમદાવાદની શ્રી હ.કા. આટ્‌ર્સ કૉલેજમાં દેશના વિખ્યાત કાયદાશાસ્ત્રીઓ મળ્યા હતા અને તેનો અહેવાલ ‘ભૂમિપુત્ર’માં છપાયો. સેન્સરશિપના નામે અંકો જપ્ત થયા, પ્રેસને સીલ લાગી ગયું. અમદાવાદની વડી અદાલતમાં ખટલો ચાલ્યો. એક તબક્કે, સ્વસ્થ એવા દરુસાહેબની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી અને તેમને બેસાડી દેવા પડેલા.

દેશમાં લાદવામાં આપેલી આંતરિક કટોકટી સમયે, દરુસાહેબને મિસા હેઠળ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તે સમય તેમના ઘેર જવાનું થતું તો તેઓ મારે ઘેર પણ આવતા તેમને અનેક વાર મળવાનું થતું રહેતું. એક વાર તેમણે મુંબઈમાં ભાષણ આપેલું અને તેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ જઈ કટોકટી વિરુદ્ધ પત્રિકા પ્રગટ કરશે. અને તેવું તેમણે કર્યું ત્યારે, ગુલબાઈના ટેકરા વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાનને પોલીસોએ ઘેરી લીધું હતું. સુખી, સગવડભર્યા જીવનમાં માનનારા દરુસાહેબ, જેલમાં કઈ રીતે રહી શક્યા હશે !

મારા શાલેંતર ભણતરના સમય અને હાલના સમયમાં આભજમીનનો તફાવત છે. આજે, આપણો સમાજ અને તે સાથે સમગ્ર દેશ, કઈ દિશામાં જઈ રહ્યો છે અને વધતાં જતાં દબાણો અને પ્રતિકૂળતાઓ વચ્ચે આવનારા સમયમાં સમાજ અને દેશની હાલત કેવી હશે અને તેવી પરિસ્થિતિમાં માનવ-અધિકારોની શી સ્થિતિ હશે તે કલ્પી શકાતું નથી. આજે એ સ્થિતિએ પહોંચ્યા છીએ કે, સમાજ, રાજ્ય અને માનવ-અધિકારની અર્થસ્પષ્ટતા કરવી સરળ નથી. સમાજ અને દેશમાં વધતી જતી વિષમતાઓ, શાસનના સ્વરૂપમાં આવેલો બદલાવ, વર્ગભેદ અને વર્ગસંઘર્ષ તરફ જઈ રહેલા સમાજ અને રાજ્યમાં માનવગૌરવ માટે સંઘર્ષ કરનારા દરુસાહેબના જન્મના શતાબ્દી વર્ષમાં કેવળ યાદ કરવાનું પર્યાપ્ત ઉચિત નહીં જણાય. એમણે જે સ્વચ્છતા અને મક્કમતાથી તેમણે માનેલા આદર્શોને જીવી જાણ્યું, એ માર્ગે જવામાં જ તેમને સાચા અર્થમાં યાદ કરવા પડશે.

તેઓ ભલે, વ્યવસાયથી વકીલ હતા, પરંતુ વાસ્તવમાં તેઓ માનવસંસ્કાર, માનવગૌરવ, માનવ-અધિકારના મોટા પુરસ્કર્તા હતા. હું એવું ઇચ્છીશ કે તેમણે સ્વીકારેલા આદર્શો પરત્વે તેમની જે પ્રતિબદ્ધતા હતી, તેનો થોડોક પણ અંશ મારામાં, આપણા સૌમાં આવે.

પાલડી, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2016; પૃ. 06-07

[ચંદ્રકાન્ત દરુની જન્મ શતાબ્દી (2૩ જૂન 2016) ઉજવણી પ્રસંગે 16 જુલાઈ, 2016ના રોજ ફલી નરીમાન અને ઉપેન્દ્ર બક્ષીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રકાશિત થનારા સ્મૃિતગ્રંથમાંથી ચૂંટેલો લેખ]

Loading

23 June 2016 admin
← Gulbarg Society Carnage: Who Cast the First Stone?
એક સવાલ, તમે કયા ભારતમાં રહો છો? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved