Opinion Magazine
Number of visits: 9782765
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

આશા બૂચ|Gandhiana|14 April 2026

આશા બૂચ

હિન્દુ ધર્મની માન્યતા મુજબ ચાર યુગ; સતયુગ (જે સુવર્ણ કાળ મનાય છે), ત્રેતા યુગ (રજત યુગ), દ્વાપર યુગ (કાંસ્ય યુગ) અને કળિયુગ (લોહ યુગ અથવા અંધકાર યુગ).

એમ લાગે છે કે આગલા ત્રણ યુગો વીતી ગયા, આપણે કળિયુગમાં જીવીએ છીએ. વીસમી સદીમાં સામૂહિક સંહારનાં શસ્ત્રોના વિપુલ ઉત્પાદનને કારણે સહુથી વધુ આંતરિક સંઘર્ષો, યુદ્ધો અને સામૂહિક માનવ સંહાર થયા. સંપત્તિની અસમાન વહેંચણીએ અન્યાયી અર્થવ્યવસ્થા ઊભી કરી અને સ્વાર્થી શાસનકર્તાઓની સત્તા ભૂખને પોષવા શસ્ત્રો ઉત્પાદન કરતી કંપનીઓ વિશ્વ આખામાં દુઃખ અને યાતના ફેલાવી રહી છે.

બીજી બાજુ જોઈએ તો દુનિયામાં અનેક દેશોમાં રાજકીય, આર્થિક, ધાર્મિક અને સામાજિક દમન, અન્યાય અને ઉશ્કેરણીને કારણે થતા સંઘર્ષોનો સામનો વધુ ને વધુ સંખ્યામાં અહિંસક પદ્ધતિથી થતો જોવા મળે છે. અલબત્ત, મોટા ભાગના આંદોલનો ગાંધીજી જેને ‘નબળાની અહિંસા’ કહેતા હતા એ પ્રકારના ગણાવી શકાય. છતાં શસ્ત્રોના ઉપયોગની અવેજીમાં આવાં આંદોલનો સાચી દિશામાં ભરેલું મોટું પગલું કહી શકાય. આપણું અંતિમ ધ્યેય તો રચનાત્મક કાર્યોના માધ્યમથી તમામ પ્રકારના સંઘર્ષોને નિવારી શકાય એ જ રહેશે.

યોરગન યોહાનસન

યોરગન યોહાનસન (Jorgen Johansen) – શાંતિના પ્રણેતા, ઉત્તમ શિક્ષણશાસ્ત્રી અને ટ્રાન્સેન્ડ પીસ યુનિવર્સિટી સાથે સંલગ્ન લેખક તરીકે નામના મેળવી ચુક્યા છે.  mkgandhi.org.માં પ્રકાશિત થયેલ Non Violence as a constructive force લેખમાં આ વિષે વિશદ છણાવટ કરતા તેઓ લખે છે કે શીત યુદ્ધ ખતમ થવા સાથે બે દેશો વચ્ચે લડાઈ ઓછી થતી જોવા મળે છે, પણ દેશની અંદર બે જાતિ અથવા સમૂહો વચ્ચે વધુ હિંસા થતી જોવા મળે છે. મોટા ભાગના સંઘર્ષને આંતરવિગ્રહની કક્ષામાં મૂકી શકાય. જેમ જેમ સંહારક શસ્ત્રોમાં નવાં સંશોધન થયાં અને તેમાં ‘સુધારા’ થયા તેમ તેમ આ સદીની શરૂઆતથી સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરિકોની જાનહાનિની સંખ્યા વધતી જ જાય છે, કેટલીક લડાઈઓમાં તો આશરે 80% નાગરિકો અને 20% સૈનિકો માર્યા ગયાની નોંધ લેવાઈ છે. વિશ્વયુદ્ધ સહુથી વધુ સંહારક હોય તેમ માની શકાય. પણ તેમાં 5% નાગરિકોના જાન ગયેલા, તો શું આપણે નાગરિક હત્યા કરવાના ક્ષેત્રમાં પણ ‘પ્રગતિ’ કરી?

સુનામી કે ભૂકંપ જેવી કુદરતી ઘટનાઓને કારણે ભૂસ્તરીય પરિવર્તન આવે અને પ્રવર્તમાન દેશોના સીમાડા બદલાઈ જાય એ તો બનતું આવ્યું છે. દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો એ રીતે આકાર પામ્યા એ જાણીએ છીએ. આવો જાજરમાન હિમાલય પણ મોટા ટાપુઓ એકબીજા સાથે ધસી પડવાથી જ રચાયો છે. પરંતુ રાજ્યવિસ્તારની પીપાસાને સંતોષવા થતાં યુદ્ધોએ અનેક મોટા ભૂખંડોને નાના નાના ટુકડામાં વિભાજીત કર્યા. નહીં તો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે ચાલીસેક જેટલા સ્વતંત્ર રાજ્યો હતા તેના આજે લગભગ 200 જેટલા દેશ બન્યા જ ન હોત. એટલું જ નહીં જે સંસ્થાનો શાસક દેશની ગુલામીમાંથી મુક્ત થયા એ દેશોએ મોટે ભાગે વિભાજીત થવાની કિંમત ચૂકવી છે અને શાસક દેશોએ એવી ખાતરી કરીને જ ત્યાંથી પોતાનો કબજો હટાવ્યો કે એ બે પાડોશી દેશો જીવે ત્યાં સુધી લડ્યા કરે જેથી શસ્ત્ર ઉત્પાદન, તેના ખરીદ-વેચાણ અને બરબાદી પછી જે તે દેશના ‘નવનિર્માણ’ કરવા પોતાના દેશની કંપનીઓના નફાથી પોતાના દેશના નાગરિકોનાં ભાણાં ભરાય.

પોતાના દેશને દુનિયાની ‘મહાસત્તા’ માનનારા દેશના વડાઓએ જાણે લોકશાહીની સ્થાપના અર્થે બીજા દેશોના વડાઓને પદભ્રષ્ટ કરીને પોતાની કઠપૂતળી સત્તાસ્થાને બેસાડવાનું પ્રણ લીધું, અને સશસ્ત્ર લડાઈઓ થતી રહી. તો સામે પક્ષે બીજા કેટલાક દેશોએ અહિંસક માર્ગ અપનાવીને પ્રજાના હિતમાં સત્તાપલટો કર્યો એ પણ આ સદીમાં જ બન્યું. પોલેન્ડ, બોલિવિયા, આફ્રિકા, પૂર્વીય યુરોપિયન દેશો અને સોવિયેત યુનિયનમાં આવેલા પરિવર્તનોમાંનાં ઘણાં પરિવર્તનો થોડેઘણે અંશે શાંતિપૂર્વકના હતાં. એ બધા દેશોમાં સત્તાપલટો અહિંસક રીતે કેમ થયો એ કહેવું મુશ્કેલ છે, પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં મોટા ભાગના સંઘર્ષો અહિંસક માર્ગે હલ થતા જોવા મળે છે. જો કે રશિયા-યુક્રેઇન, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન અને હવે ઈરાન તથા અન્ય ગલ્ફ દેશોની લડાઈઓએ આપણને  ત્રીજા વિશ્વયુદ્ધને આરે લાવી દીધા છે. તો આ હિંસક વૃત્તિ આટલી સ્ફોટક બનવાનું કારણ શું કળિયુગ માનશું?

આધુનિક યુગનો માનવી આજે મંગળ ગ્રહ પર પાણીની શોધ કરી રહ્યો છે, પણ આફ્રિકા અને બીજા દુષ્કાળ પીડિત પ્રદેશમાં વસતા માનવ બંધુઓને પાણી નથી પહોંચાડી શકતો. જેણે કદી લડાઈના મોરચે જઈને રાઇફલ હાથમાં ન લીધી હોય કે જેના હાથ કોઈના લાડકવાયાના ખૂનથી ન રંગાયા હોય તેવા લોકો દેશના નેતા બની જાય. યુદ્ધ કરવાનો નિર્ણય મોટી ઉંમરના આગેવાનો લે અને જાન ગુમાવે યુવાનો. શસ્ત્રો બનાવતી, વેંચતી અને ખરીદતી કંપનીઓના માલિકો પોતાનો નફો કરોડો ડોલરમાં ગણતા હોય અને તેનાથી પોતાની પત્નીઓને હીરા ઝવેરાતથી શણગારતા હોય, જ્યારે ગરીબ માણસો કાટમાળ નીચે દટાઈ મરતા હોય. સરકારી વોર કેબિનેટ ટેબલ ફરતે બેસીને કાગળના નકશા પર ક્યાં હુમલો કરવો એ નિર્ણય કરતી હોય અને જમીન પર લાશોની ગણતરી થતી હોય. આપણે આ બધી ઘટનાઓના સાક્ષી બનીએ છીએ. તો આ કળિયુગ નથી તો શું છે?

મ્યાનમાર કે હેઈટીમાં કોઈ માં કે બાપ પોતાનાં સંતાનની શોધમાં રઝળતાં હોય અને કોઈ જનરલ પોતાના સૈનિકને દુનિયાના એક ભાગને નર્ક બનાવી મુકવા બદલ બહાદુરીનો મેડલ આપતો હોય. લોકોની સેવા અર્થે ચૂંટાયેલી સરકાર પોતાની જ પ્રજાને રંગ, જાતિ અને ધર્મને નામે વિભાજીત કરે. સામાન્ય પ્રજા જાણે છે કે દુનિયામાં દરેકની જરૂરિયાત પૂર્તિ થાય એટલા સંસાધનો છે, પણ ચંદ લોકોના લોભને સંતોષવા પૂરતું ભંડોળ નથી, છતાં રાજસિંહાસન પર બેઠેલા યુદ્ધ કરવાનો નિર્ણય લે. વૈજ્ઞાનિક શોધખોળે આપણી આધ્યાત્મિક સંપદાનો નાશ કર્યો. આપણી પાસે બીજા દેશના નિર્દોષ નાગરિકોને ખતમ કરવા ગાઇડેડ મિસાઈલ્સ છે અને પોતાના જ દેશના નાગરિકો મીસગાઈડેડ (દિશા ભૂલેલા) થયા છે. આવું કળિયુગમાં જ બને.

પેલેસ્ટાઇનના રાષ્ટ્રકવિ માહમૂદ દર્વીશે સાચું જ લખ્યું છે: યુદ્ધ પૂરું થશે. નેતાઓ હાથ મેળવશે. કોઈ વૃદ્ધ માતા પોતાના શહીદની રાહ જોતી રહેશે. કોઈ યુવતી પોતાના વહાલા પતિની રાહ જોયા કરશે. કેટલાં ય બાળકો પોતાના પિતાની વાપસીની રાહ જોતાં રહેશે. મને ખબર નથી, અમારો દેશ કોણે વેચ્યો, પણ કોણ એની કિંમત ચૂકવે છે એ હું જાણું છું. જેઓ યુદ્ધ ઈચ્છે છે તેઓ કદી લડવા નહોતા ગયા, જે લોકો લડવા જાય છે તેમને ક્યારે ય યુદ્ધ ઇચ્છયું નથી. સવાલ એ છે કે તે છતાં આટઆટલાં યુદ્ધો કેમ થાય છે? આપણે કરોડો ડોલર્સ બીજા ગ્રહોની શોધ પાછળ ખર્ચીએ અને આપણા ગ્રહ પર રહેતા માનવોની હત્યા પાછળ અબજો ડોલર્સ ખર્ચીએ? શા માટે? કળિયુગ છે માટે?

આવા ચોતરફ ફેલાયેલ અંધકારમાં નિરાશા ઉપજે એ સામાન્ય માનવીનો સ્વાભાવિક પ્રતિભાવ હોઈ શકે. પરંતુ ઇતિહાસ ગવાહી આપે છે તેમ કળિયુગ પછી ફરી સતયુગ આવતો હોય છે. તો એ કઈ રીતે આવશે એ વિચારીએ. યોરગન યોહાનસન સ્કેન્ડિનેવિયાની કોલેજમાં પોતાના વિદ્યાર્થીઓને “Non-violent techniques” અને “Non-violent Lifestyle”ની પરિભાષા દ્વારા અહિંસાનું હાર્દ સમજાવે છે. તેઓનું માનવું છે કે આપણે બીજાને કોઈ પણ કામની પ્રક્રિયા કે કલા કૌશલ્ય શીખવી શકીએ, પણ જીવનપદ્ધતિ કેવી રીતે શીખવાય? તેઓ માને છે કે કોઈ તંત્ર વિશેનું જ્ઞાન અને અનુભવ બીજ વાવવાનું કામ કરે છે, કે જેમાં સમય જતાં જીવન પદ્ધતિ બનવાની ક્ષમતા સુષુપ્ત હોય છે. ઐતિહાસિક ઘટનાઓની સમીક્ષા, તેના વિશદ વિવેચન, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અને ‘સત્યના પ્રયોગો’ની સાથે મળીને આ બીજ વિશાળ અને મજબૂત વૃક્ષ બની શકે, જે જીવનપદ્ધતિનું પ્રતીક બની રહે છે.

યોરગન યોહાનસન વધુમાં લખે છે તેમ દેખીતી રીતે કળિયુગની છાયામાં જીવતા હોવાનો અનુભવ થતો હોવા છતાં આપણે ખુલ્લા દિલે દુનિયાભરમાં અહિંસક પદ્ધતિના ઉપયોગના ઉદાહરણો જોવા જોઈએ. અહિંસાના વિજ્ઞાનના સંશોધકો, તેનો અમલ કરનારાઓ અને કર્મશીલો બધાએ સાથે મળીને દરેક રાજકીય સભાઓમાં, શિક્ષણના વર્ગોમાં અને સામાજિક ચળવળમાં અહિંસાના વિષયને એક કાર્યસૂચિમાં મુકવી જોઈએ. આપણે અહિંસાના ઉપરછલ્લા તંત્રને તલસ્પર્શી અહિંસક જીવન પદ્ધતિમાં ઉપરાંતરિત કરવી જોઈશે. આ કામ જેમને ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો અને ફિલોસોફીની પૂરી જાણકારી હોય તેવા લોકો જ કરી શકે. તેમણે 20મી સદીના પ્રારંભમાં વિકસાવેલા આ વિચારો અને પ્રયોગોને 21મી સદીમાં પુનર્જીવિત કરવા જોઈએ. એ માટે સાધન અને સાધ્ય વચ્ચેના અનુબંધ વિશે વિચારવું જોઈએ. સાધનશુદ્ધિના સિદ્ધાંતે બહુ ઓછા સંશોધકોનું ધ્યાન ખેંચ્યું છે. શાંતિ વિશે સંશોધન કરનારા યુદ્ધ અને સંઘર્ષો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, તેના ઉકેલ માટે કયું સાધન વાપરવાથી ઇચ્છિત ફળ મળે તે માટે કોઈ ચાવી નથી બતાવી. પરિણામે ટૂંકા ગાળાની સુલેહ સંધિ થાય અને ફરી પાછા ઠેર ના ઠેર આવી જઈએ.

વ્યક્તિગત, સામૂહિક કે રાષ્ટ્રીય નિહિત સ્વાર્થની પૂર્તિ માટે સશસ્ત્ર સંઘર્ષ અને યુદ્ધ કરવા અને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે કહેવાતો યુદ્ધ વિરામ કરી, ફરી પંદર વીસ વર્ષે એવા જ બીજા કોઈ કારણસર વધુ હિંસક લડાઈ છેડવામાં ડહાપણ નથી એ સમજીને સમગ્ર માનવ હિતની જાળવણી માટે બીજો કોઈ ઉપાય જડે તો અપનાવવો, નહીં તો યોરગન યોહાનસન કહે છે તેમ ગાંધીજીના સત્યના પ્રયોગો અને અહિંસક ચળવળોનો ઊંડો અભ્યાસ કરી અમલમાં મુકવો એ જ એક માર્ગ આ કળિયુગમાંથી છુટકારો મેળવવાનો લાગે છે.

e.mail : 71abuch@gmail.com

Loading

14 April 2026 Vipool Kalyani
← – એમને આંસુ આવતાં નથી …
હું મારો નિર્ણય નહીં બદલું →

Search by

Opinion

  • ડૉ. આંબેડકરના જીવન અને વિચારોનું મૂલ્યાંકન કરતું સંપાદન : સમતાના સેનાની આંબેડકર
  • હું મારો નિર્ણય નહીં બદલું
  • – એમને આંસુ આવતાં નથી …
  • ભારતની ન્યુક્લિયર ડૉક્ટરીનઃ ઠોસ રણનીતિનાં ધીમાં અને મક્કમ પગલાંની અનિવાર્યતા 
  • વિશ્વયુદ્ધના ઉંબરેથી પાછા ફરતા ટૃમ્પ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved