દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
અત્યાચાર મુદ્દે વાજબી ઊહાપોહ ને પ્રતિકાર વચ્ચે વેતન ને રોજગાર ક્ષેત્રે થતાં શોષણનો મુદ્દો જો ચુકાઈ જાય તો વર્ણ ને વર્ગની જે પાયરીએ દેશના સૌ દલિતદમિત છે, એમનો સર્વાંગી વિકાસ કેમનો થાય, એ પાયાનો સવાલ છે.

પ્રકાશ ન. શાહ
મહાગુજરાત એસ.સી. એસ.ટી. મહાસભાની રવિવારી ચિંતનશિબિરમાંથી જે મુખ્ય વિચાર સૂર એકંદર દલિત આંદોલનની દશા અને દિશાને અંગે ઊઠ્યો છે, એ વિપળવાર પણ વહેલો નથી. બલકે, એક પ્રજાસત્તાક સ્વરાજ તરીકે ચાલુ અગર બાકી ખેંચાતી સ્વરાજલડતની રીતે તે મોડો નહીં તો પણ મંદ ને મંથર જરૂર છે.
સામાન્યપણે દલિત સવાલને અનુલક્ષીને જાહેર સહવિચારની કોશિશમાં તત્કાળ સામે આવતાં નિમિત્તો અનામત બેઠકો અને અત્યાચાર(એટ્રોસિટી)નાં હોય છે. બંને મુદ્દા ખોટા અલબત્ત નથી. સ્વતંત્રતા અને સમાનતાએ જો સાથે લગાં જવાનું હોય (અને એ અનિવાર્ય પણ છે) તો શિક્ષણથી માંડી સંસદીય પ્રતિનિધિત્વમાં અનામત અંગેની જોગવાઈ તેમ જ કેમ જાણે કોઈ વર્ણગત ખરીતો હોય તેમ દલિતો પરના અત્યાચાર બાબતે સભાન ને સતર્ક એટલા જ સંવેદનશીલ રહેવું તે આપણી હાડની જરૂર છે. એ સિવાય આપણી લોકશાહી હાડેતી થઈ શકવાની નથી.
પણ, શું દેશના દલિતકારણને આપણે આ બે જ બાબતોની આસપાસ સીમિત કરી નાખવું છે? દલિત બિરાદરી કથિત નીચલી પાયરીએથી ઉપલી પાયરીએ ચઢતી થાય અને વર્ણ તેમ વર્ગની જંજીરો તૂટતી થાય તે માટે આજુબાજુનાં કેટલા વાનાં સાંધવાનાં છે, એ બધો વખત આપણા લક્ષમાં આવતું નથી.
આ વ્યાપક અભિગમપૂર્વક જોઈએ તો એસ.સી.એસ.ટી. મહાસભામાં ચાલેલું વિચારમંથન, ખાસ કરીને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ઊહાપોહભેર ઉપસ્થિત કરેલા મુદ્દા ધ્યાનાર્હ બની રહે છે.
સામાન્ય વિચાર કરીએ તો પણ સમજાઈ રહે છે કે આપણે જેને ખેતમજૂર નામની વર્ગીય ઢબની ઓળખ આપીએ છીએ તે ઘણુંખરું દલિત હોય છે. એને સારુ લઘુતમ વેતનથી માંડી રોજગાર ગેરન્ટી યોજનાનું મહત્ત્વ સ્વયંસ્પષ્ટ છે. અત્યાચાર મુદ્દે વાજબી ઊહાપોહ ને પ્રતિકાર વચ્ચે વેતન ને રોજગાર ક્ષેત્રે થતાં શોષણનો મુદ્દો જો ચુકાઈ જાય તો વર્ણ ને વર્ગની જે પાયરીએ દેશના સૌ દલિતદમિત છે, એમનો સર્વાંગી (ખરું જોતાં સર્વાગ્ર) વિકાસ કેમનો થાય, એ પાયાનો સવાલ છે.
મહાગુજરાત એસ.સી.એસ.ટી. મહાસભાની બેઠકમાં જેને અંગે ચોંપ ને સક્રિયતા જરૂરી છે તેવા આંદોલન મુદ્દાઓની જે સૂચિ ઊભરી રહી એની એક ત્વરિત તપશીલ અહીં આપીએ તો ઘરના ઘરની સોઈ સારુ જમીન, કારખાનાંમાં ધોરણસરનાં વેતન, ‘હાયર એન્ડ ફાયર’ની મનમાની વચ્ચે અનિવાર્યપણે અનુભવાતી અસલામતી અહીં સાંભરે છે તો એ પણ સાથોસાથ નોંધી લઈએ કે મહેસૂલી કાયદા અન્વયે જમીન વહેંચણીની પ્રક્રિયા આપણે ત્યાં (જે ‘ગુજરાત મોડેલ’ પંકાય છે તેમાં) સને 2008થી સ્થગિતવત્ છે. જિજ્ઞેશ મેવાણીએ અને ઉમેશ સોલંકીએ ક્યારેક લોકસમિતિના ચુનીભાઈ વૈદ્યની સાથે રહીને સાંથણીની જમીનોનુંયે કામ કરેલું છે. કોઈ કેવળ રાજકીય પ્રાણી કે કેવળ રાજકીય પ્રાણી કે કેવળ બૌદ્ધિ પાણી જેવા બંધારણ એમનાં નથી. એમણે જમીની હકીકત સાથે કામ પાડેલું છે. જેને ‘એલોકેશન ઓફ રિસોર્સિઝ’ કરીએ છે એને અન્વયે વાસ્તવિક સંપ્રાપ્તિમાં દલિતો ક્યાં છે, એ પણ પાયાનો તપાસ મુદ્દો છે, – અને હા, લડતમુદ્દો પણ.
2012ની થાનગઢ ઘટના કે 2016ની ઉના ઘટના, રોજિંદા સમાજજીવનમાં જે અપરિભાષિત એવી ત્રાસદી અનુભવાય છે એનું પેલા હિમદુર્ગ પેઠે એકદશાંશમું ટોચકું હોય તો હોય એ આપણું દુર્દૈવ વાસ્તવ છે.
અહીં, સ્વરાજને આઠ-નવ વરસ થવામાં હશે અને બનતે બનતે રહી ગયેલી એક ઘટનાનું સ્મરણ થાય છે. વર્ગચિંતનના એકંદર સમાજવાદી માહોલ વચ્ચે રામ મનોહર લોહિયા એક દેશજ ભૂમિકાએ ઊભીને વિચારતા હતા અને એથી વર્ણસભાન ધોરણે ‘પિછડે પાયે સોમેં સાઠ’તરેહનું સૂત્ર પણ એમણે આપ્યું હતું. એમની ઇચ્છા આંબેડકર સાથે મળીને વ્યાપક આર્થિક-સામાજિક બુનિયાદ પર રાજકીય વિકલ્પમાંડણીની હતી. પણ એ માટેની મુકરર તારીખ પૂર્વે જ આંબેડકર ગયા અને આ વિકલ્પખોજ અધૂરી રહી. આપણે ત્યાં બક્ષી પંચથી માંડી મંડલ સહિતના ટુકડા ટુકડા વચ્ચે ગાંધીના રેડિકલ સર્વોદય કે લોહિયાની સપ્તક્રાંતિ અગર જયપ્રકાશના સંપૂર્ણક્રાંતિ દર્શન વગર બધું ઊણુંઅલૂણું.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 માર્ચ 2026
![]()

