નયન કૉલેજમાં અભ્યાસ કરતો હતો. ધનિક પિતાનું એક માત્ર સંતાન હતો. એટલે મિત્રો પાછળ છૂટથી પૈસા ખર્ચ કરતો હતો. આથી તેનું મિત્ર મંડળ પણ મોટું હતું. એવું નહોતું કે ફક્ત પુરુષ મિત્રો જ હતા. સ્ત્રી મિત્રોની પણ સંખ્યા મોટી હતી. મોર્ડન સ્ત્રી મિત્રો, નયનની આસપાસ પતંગિયાની જેમ મંડરાયાં કરતી અને લાભ, ગેરલાભ ઉઠાવ્યા કરતી. નયન પણ સ્ત્રી મિત્રોનો લાભ સારી રીતે ઉઠાવતો. નયન માનતો, પૈસા આગળ કોઈપણ વ્યક્તિ મજબૂર થઈ જાય છે. પૈસા જ સર્વસ્વ છે. નયન પૈસાના દમ પર પોતાના સારા-નરસા બધાં શોખ સંતોષતો હતો. કૉલેજમાં તેની છાપ રોમિયો ટાઈપની હતી. નયનને પિતાની આબરૂની પણ પડી નહોતી. લોકો શું કહેશે, પોતાના વિષે શું અભિપ્રાય ધરાવે છે. તેની નયનને કોઈ પરવા નહોતી.
નયનના પિતા લિડિંગ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હતા. તેમને બિઝનેસ સિવાય કોઈ વાતમાં રસ નહોતો. નયને જોઈએ એટલા પૈસા મળી રહેતા હતા. એટલે નયનને પિતાની સામાજિક પ્રતિષ્ઠાની કંઈ પડી નહોતી કે તે બાબતે કદી વિચાર્યું પણ નહોતું. બસ, પોતાના મોજશોખમાં મસ્ત રહેતો હતો.
સીમાનો આજે કૉલેજનો પ્રથમ દિવસ હતો એટલે મનમાં ઉત્સાહ સાથે ગભરાટ પણ હતો. તે ધીમે ધીમે કૉલેજના ગેટમાં દાખલ થઈ. રુચિએ જોયું કે એક નવી સ્ટુડન્ટ કૉલેજમાં દાખલ થઈ લાગે છે. તે આગળ વધી,
“હાઈ, આઇ એમ રુચિ, આપનું શુભ નામ?”
“સીમા… સીમા પટેલ… આજે મારો કૉલેજનો પ્રથમ દિવસ છે.”
“તમને જોઈને જ હું સમજી ગઈ હતી. તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. હું તમને કંપની આપીશ.”
રુચિએ નયન અને તેના પૂરા મિત્ર મંડળની રૂપરેખા સીમાને આપી દીધી. “હું પણ તમારી જેવા જ વિચાર ધરાવું છું એટલે આપણી કંપની જામશે.”
નયને જોયું કૉલેજમાં આજે નવું પંખી આવ્યું હતું. તો પરિચય આપવો અને લેવો પડે. “હાઈ, હું, નયન મજમુદાર.” નયને હાથ મેળવવા સીમા સામે હાથ લાંબો કર્યો.
“નમસ્તે, હું, સીમા પટેલ.”
“કૉલેજમાં નવા દાખલ થયા લાગો છો?”
“હા, આજે મારો કૉલેજનો પ્રથમ દિવસ છે.”
“સારું, કંઈ કામ હોય તો કહેજો. કૉલેજમાં આપણું ખૂબ ઊપજે છે.”
“હું તમારા વિશે જાણી ચુકી છું. કૉલેજમાં તમારી શું ઇમેજ છે એ મને ખબર છે. આભાર, મારી સાથે કોઈ વાત કરવાની જરૂર નથી.” એમ કહીને સીમા ચાલવા લાગી.
બધાંએ નયનની ઠેકડી ઉડાડી કે ‘આ નવી છોકરીએ નયનને દાણા ન નાખ્યા.’ નયન ધૂંધવાઈને ચાલ્યો ગયો. આજે પહેલીવાર જાહેરમાં કોઈકે તેની અવહેલના કરી, તેને ફારસરૂપ બનાવી દીધો હતો.
બીજે દિવસે નયન કૉલેજે વહેલો પહોંચી ગયો અને સીમાની રાહ જોતો દરવાજા ઉપર મીટ માંડીને બેઠો હતો.
મિત્રોએ પૂછ્યું, “કાં ભાઈ, આજ કૉલેજ વહેલો આવી ગયો. તારે તો કૉલેજના ટાઈમ સાથે ક્યાં કંઈ નિસબત છે.”
બીજાએ કહ્યું, “અરે! ભાઈ નયન નવી ફૂલઝડીની રાહ જોઇને બેઠો છે.”
“નયન, તું ખોટો રણમાં આથડે છે. સીમા ઝાંઝવાનું જળ છે. તને દેખાશે, તેની પાછળ તરસ્યા હરણની જેમ તું આથડીશ, પણ તારા હાથમાં નહીં આવે. તારા છેલબટાઉ વેડાની તેને ખબર પડી ગઈ છે. બધાં એક સરખા સ્વભાવનાં નથી હોતાં. સીમા અલગ પ્રકૃતિની છે. તરસ્યા રહેવા કરતાં અમારી સાથે મોજ મસ્તી કરને.” નયન ધૂંધવાઈ ગયો. આજ સુધી તેને કોઈના પ્રતિકારની પ્રતિક્રિયાનો સામનો કરવાનો સમય નહોતો આવ્યો. નયન બધી કૉલેજ ગર્લને તિતલી જ માનતો હતો. નયને સતત ત્રણ દિવસ રાહ જોઈ પણ સીમા ન દેખાઈ અને મિત્રોમાં હાંસીને પાત્ર બની ગયો.
“અરે! તમે આજે દેખાયાં. હું તમારી ત્રણ દિવસથી રાહ જોઉં છું.”
“તમારે શું કામ રાહ જોવી જોઈએ. હું તમારી મિત્ર નથી અને થવા પણ માગતી નથી. તે દિવસે પણ મેં તમને આ જ વાત કરી હતી. તે દિવસની વાત ન સમજાઈ હોય તો આજે સમજી લેજો અને આ વાત અહીં પૂરી થાય છે. મને ફરી મળવાનો પ્રયત્ન ન કરતા.”
“ચાલ રુચિ આપણે તો અભ્યાસ કરવો પડશે. તારા ને મારા પપ્પા પાસે ફાજલ પૈસા નથી.”
નયને તપાસ કરી તો તેને જાણવા મળ્યું કે સીમાના પપ્પા, તેના પપ્પાની કંપનીમાં એકાઉટન્ટ હતા. નયન ખુશ થઈ ગયો. નયને તેના પપ્પાને વાત કરી. નયનના પપ્પાએ કહ્યું, “હું વાત કરી જોઈશ. પણ તારી છેલબટાઉગીરીથી મારા હાથમાંથી ઘણી સારી દીકરીઓની પ્રપોઝલો ચાલી ગઈ છે. તું તો સુધરવાનું નામ નથી લેતો.”
“પપ્પા, તમે પ્રયત્ન તો કરો.”
“સારું, હું પૂછી જોઈશ.”
“પ્રીતમભાઈ, તમને શેઠજી બોલાવે છે.”
“મારુ વળી શું કામ પડ્યું? આ વીસ વર્ષની નોકરીમાં ક્યારે ય શેઠની મુલાકાત થઈ નથી. જે હોય તે મળીશ એટલે ખબર પડશે.”
“પ્રીતમભાઈ, આવો મને તો આજે જ તમારી કામ પ્રત્યેની નિષ્ઠા અને કાર્યદક્ષતાની ખબર પડી. હું તમને ચીફ એકાઉટન્ટનું પ્રમોશન આપવા માગું છું. તમને કોઈ વાંધો તો નથી ને?”
પ્રીતમભાઈને શું વાંધો હોય એ તો ખુશ થઈ ગયા.
ઘરે વાત કરી. સીમાએ પૂછ્યું, “પપ્પા, તમારા શેઠને નયન નામનો દીકરો છે?”
“હા, બેટા, પણ તેને અને મારા પ્રમોશનને શું સંબંધ છે?” સીમાએ બધી વાત કરી.
“તો એમ વાત છે. કંઈ વાંધો નહીં બેટા! તું ચિંતા કરમા. હું નયનના પરાક્રમો જાણું છું. હું શેઠજી સાથે ફોડી લઈશ.”
અઠવાડિયા પછી, શેઠજીએ પ્રીતમભાઈને બોલાવ્યા, “પ્રીતમભાઈ, તમારું એક કામ છે. તમારી દીકરી સીમા, મારા નયનને પસંદ છે. બંને એક જ કૉલેજમાં અભ્યાસ કરે છે. આપણે લગ્ન અભ્યાસ પૂરો થાય પછી કરીશું. અત્યારે નક્કી કરી રાખીએ.”
“શેઠજી, હું તમને પૂરતું માન-સન્માન આપું છું. આ મારી દીકરીના જીવનનો સવાલ છે, એટલે તમારી વાત નહીં સ્વીકારી શકું.”
“તમે કોને ના પાડો છો એ તો જાણો છો ને? તમારી નોકરી જતી રહેશે.”
“ભલે શેઠજી, જેવી તમારી ઇચ્છા; ઝાંઝવાનાં જળ માટે ફાંફાં મારતા તમારા દીકરાની સાથે મારી દીકરી ન વરાવું. આ મારું રાજીનામું … તમે મારી અઠવાડિયા પહેલાં મારા કામની કદર શા માટે કરી હતી; એ મને મારી દીકરી સાથે વાત કરતાં ખબર પડી ગઈ હતી. તમે તમારા દીકરાને ન સમજી શક્યા એ મને શું સમજવાના છો. તમારા કરતાં લોકો મને વધારે સારી રીતે જાણે છે. મારે નોકરી શોધવા જવું નહીં પડે. મારા ખિસ્સામાં તમારી કંપની કરતાં પણ સારી કંપનીનો નિમણૂંક પત્ર છે. મને ખબર જ હતી કે હું તમારી વાત નહીં સ્વીકારું એટલે મારે આ કંપની છોડવી પડશે અને શેઠજી, છેલ્લે એક વાત કહું, દુઃખ ન લગાડતા. તમે પણ નયનના પરાક્રમ જાણો છો. છતાં તેને છાવરો છો. બીજાની દીકરીની જિંદગીને દાવ પર લગાડો છો. પૈસાથી બધું નથી ખરીદી શકાતું, એ તમારે અને નયને સમજવાની જરૂર છે. એક પિતા તરીકે નયનને સમજાવો. ઝાંઝવાનાં જળ પાછળ દોડવાનું બંધ કરે. આખી જિંદગી દોડ્યા કરશે.”
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com
![]()

