Opinion Magazine
Number of visits: 9634601
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—326

દીપક મહેતા|Opinion - Opinion|31 January 2026

મુંબઈ પોલીસના કમિશનર ફોર્જેટ સવારે છ વાગ્યે કેમ પહોચી ગયા ગવર્નરના બંગલે?    

 કોઈ મોટી સ્ટીમર ભરદરિયે ડૂબી જાય, ઘણાખરા મુસાફર અને ખલાસી દરિયાનાં પાણીમાં ગરક થઈ જાય, પણ કોઈ અજબ રીતે બે-ચાર જણા બચી જાય એવું ઘણી વાર બને છે. મુંબઈના રસ્તાઓનાં નામની બાબતમાં પણ આવું કૈંક બન્યું છે. જે ઈમારતમાં ગાંધીજી કેટલીયે વાર રહેલા એ મણિભવન જે રસ્તા પર આવેલું છે તેનું નામ છે લેબર્નમ રોડ. થોડાં વરસ પહેલાં કેટલાક ‘નગરસેવકો’એ બૂમાબૂમ કરેલી: ‘અરે, ગાંધીજી જ્યાં રહેતા એ મકાન જ્યાં આવેલું છે તે રસ્તાનું નામ એક અંગ્રેજના નામ પરથી! ઝટ્ટ બદલો નામ.’ પણ કોઈક શાણા માણસે ફોડ પાડેલો કે ભાઈ, આ ‘લેબર્નમ’ એ કોઈ અંગ્રેજનું નામ નથી. એ રસ્તા પર બંને બાજુ જે ઝાડ વાવ્યાં છે તેનું નામ છે લેબર્નમ. અને એ નામ બચી ગયું. જો કે આજે હવે એ રસ્તા પર લેબર્નમનું એક જ ઝાડ બચ્યું છે.

નસરવાનજી માણેકજી પિતીતનું પૂતળું 

પણ એ જ વિસ્તારના બીજા એક રસ્તાનું નામ આજ સુધી કઈ રીતે બચી ગયું એ કહેવું મુશ્કેલ. મલબાર હિલ કરતાં પણ નાની એવી એક ટેકરી એ જ વિસ્તારમાં. નામ ખંભાલા હિલ. એક જમાનામાં જ્યાં ગોવાળિયા ટેંક ટ્રામ ટર્મિનસ હતું ત્યાં ટ્રામમાંથી ઊતરો તો સામે દેખાય નસરવાનજી માણેકજી પિતીતનું સફેદ આરસનું આદમકદ પૂતળું. ત્યાંથી રસ્તાના બે ફાંટા પડે : ડાબી તરફ જાય તે  તેજપાલ રોડ. થોડેક આગળ વધે ત્યાં તેના પણ બે ફાંટા પડે. એક ઢોળાવ ચડી તેજપાલ ઓડિટોરિયમ જાય. બીજો ઢોળાવની નીચે રહીને લેબર્નમ રોડને મળે. એ બે રોડ મળે ત્યાં આવેલી હતી આ લખનાર જ્યાં ભણ્યો તે ન્યૂ ઈરા સ્કૂલ. થોડાં વરસ પહેલાં સ્કૂલ તો બંધ થઇ ગઈ, મકાન હજી ઊભું છે. અને પૂતળાની જમણી બાજુએ આગળ વધે તે ઢોળાવ ચડતા રસ્તાનું આજનું નામ ઓગસ્ટ ક્રાંતિ માર્ગ. પહેલાંનું નામ ગોવાળિયા ટેંક રોડ. એ શરૂ થાય નાના ચોક પાસેથી. એ રસ્તે ઢોળાવ ચડીને આગળ વધો તો આવે ફોર્જેટ સ્ટ્રીટ. પાક્કું અંગ્રેજનું નામ. પણ કોણ જાણે કેમ આજ સુધી બચી ગયું છે. આ ફોર્જેટ સાહેબ કોણ હતા એ જાણ્યા પછી તો તેમનું નામ બચી ગયા વિશેનું આશ્ચર્ય બેવડાય! 

ચાર્લ્સ ફોર્જેટ

પહેલી વાત એ કે આ ફોર્જેટસાહેબ પાક્કા અંગ્રેજ નહિ, પણ એન્ગલોઇન્ડિયન. જન્મ મદ્રાસ કહેતાં ચેન્નઈમાં. પિતા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં. જે લડાઈ પછી કંપની સરકારની હિન્દુસ્તાન પરની પકડ વધુ મજબૂત બની તે શ્રીરંગપટ્ટનમની લડાઈમાં ચાર્લ્સ ફોર્જેટના પિતા ઘવાયેલા. આ ચાર્લ્સ ફોર્જેટે પૂરાં ચાલીસ વરસ બોમ્બે ગવર્નમેન્ટની નોકરી કરી. શરૂઆત કરી મામૂલી સર્વેયર તરીકે. પછી મરાઠી અને હિન્દુસ્તાની ભાષાના દુભાષિયા બન્યા. પછી મુંબઈના શેરીફ, પછી પૂના પોલીસના વડા, પછી સબોર્ડિનેટ અસિસ્ટન્ટ જજ, મુંબઈ પ્રાંતના દક્ષિણ મરાઠા વિસ્તારના સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ, અને છેવટે બન્યા બોમ્બે શહેરના પોલીસ કમિશનર. 

જબરો કુશળ અને કૂનેહબાજ માણસ. હિન્દી કે મરાઠી જેવી ભાષાઓ એવી સફાઈથી બોલે કે એ જમાનાના એક પંડિતે કહેલું કે ફોર્જેટને મરાઠી બોલતો સાંભળો તો લાગે કે કોઈ ચિતપાવન બ્રાહ્મણ જ બોલી રહ્યો છે. એવી જ રીતે વેશપલટો કરવામાં પણ પાવરધો. એટલે ‘ખબરિયા’ પર આધાર રાખવાને બદલે પોતે જ છૂપે વેશે લોકોમાં ભળી જાય. અને ત્રીજું, હિન્દુસ્તાનનાં રીતરિવાજ, જુદા જુદા ધર્મોની માન્યતાઓ, જ્ઞાતિઓ વચ્ચેની વાડાબંધી અંગેની રજેરજ જાણકારી ધરાવે. માથાના વાળ પણ હિન્દુસ્તાનીઓના વાળ જેવા કાળા. ચામડીનો રંગ ગોરો નહિ, પણ ઘઉંવરણો. એટલે વેશ બદલે પછી તો પાક્કો હિન્દુસ્તાની લાગે! 

એક વખત તો તેણે મુંબઈના ગવર્નર લોર્ડ એલ્ફિનસ્ટન સાથે શરત મારી : ‘આપનાથી થાય એટલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવો આસપાસ. કાલે સવારે છ વાગે હું આપની સામે આવીને ઊભો રહીશ.’ ગવર્નર કહે : ‘ભાઈ ફોર્જેટ! દિવસે પણ મને મળવા આવતા મુલાકાતીઓને બાર ગળણે ગાળ્યા પછી ગવર્નર્સ હાઉસમાં દાખલ થવા દેવાય છે. અને તું કહે છે કે સવારના છ વાગ્યામાં …’ ‘હા જી, છ વાગ્યામાં હું હાજર થઈશ.’ એ દિવસે ગવર્નરે પોતાની આસપાસનો ચોકીપહેરો રોજ કરતાં પણ વધુ મજબૂત કરાવ્યો. પણ બીજે દિવસે સવારે બરાબર છ વાગ્યે એક ઝાડુવાળો સીધો ગવર્નરસાહેબના બેડ રૂમમાં જઈ પહોંચ્યો. એ હતો ચાર્લ્સ ફોર્જેટ! તેમણે જાણી લીધું હતું કે ગવર્નર સાહેબને એવી ટેવ છે કે પોતે ઊઠે એ પહેલાં વહેલી સવારે તેમનું ઘર સાફસૂફ થઈ જવું જોઈએ. એટલે અસલ ઝાડુવાળાને ફોડીને તેની જગ્યાએ ફોર્જેટ પોતે ગોઠવાઈ ગયો!

નામદાર ગવર્નરે આ અનુભવ પછી ફોર્જેટને બીજું એક કામ સોંપ્યું. કહે કે મને મળવા આવતા ઘણા લોકો કહે છે કે બોમ્બે પોલીસમાં લાંચ-રૂશ્વતની બદી ઘર કરી ગઈ છે. તમે એ દૂર નહિ, તો ય ઓછી તો કરો જ. ફોર્જેટને ખબર કે મોટા ભાગની લાંચ-રુશ્વત કોઈ ને કોઈ આડતિયા મારફત લેવાય છે, સીધી નહિ. એટલે તેમણે પહેલાં તો એવા આડતિયાઓ સાથે ઘરોબો કેળવ્યો. તેમાંનો એક તો બ્રાહ્મણ હતો. ફોર્જેટ બ્રાહ્મણનો વેશ ધારી તેની સાથે જમવા ગયા. તેમની સાથે ભાંગ પણ પીધી. અને પછી વાતવાતમાં ઘણી બધી માહિતી તેની પાસેથી મેળવી લીધી. અને બીજે જ દિવસે કેટલાક પોલીસોને અને એ બ્રાહ્મણને કેદ કરી લીધા. તો કેટલીક વાર પોતે વાણિયા વેપારીનો વેશ ધારણ કરીને પોલીસના માણસો પાસે જતા અને કોઈ ને કોઈ કામ કઢાવવા લાંચની ઓફર કરતા. પરિણામે થોડા જ વખતમાં મુંબઈ પોલીસમાં લાંચ-રુશવત કેટલી હદે ફેલાયેલી છે એ અંગેનો વિગતવાર રિપોર્ટ તેમણે નામદાર ગવર્નરને સુપરત કર્યો.  એ પછી પૂરેપૂરી નાબૂદ તો નહિ થઈ હોય, પણ પોલીસ ખાતામાં લાંચ-રુશ્વત ઘણી ઘટી ગઈ.

ત્યાર બાદ ફોર્જેટે નાના-મોટા ગુનેગારોની ભાળ મેળવવાનું શરૂ કર્યું. બજાર ગેટ સ્ટ્રીટમાં પહેલવાન જેવા ગુંડાઓની એક ટોળી અવારનવાર લૂંટફાટ કરતી, ખાસ કરીને રાત્રે. એ લોકો કોઈ અંધારિયા ખૂણામાં લપાઈને બેસતા, અને કોઈ એકલ દોકલ માણસ પસાર થાય તો તેને લૂંટી લેતા. આ ટોળીના માણસોનાં નામ એટલાં જાણીતાં હતાં કે પોતાનાં રડતાં બાળકોને ચૂપ કરી દેવા ઘણી મા કહેતી કે જો રડવાનું બંધ નહિ કરે તો ફલાણો આવીને તને મારશે. આ ઉપરાંત ફોકલેન્ડ રોડ, ગ્રાન્ટ રોડ, ખેતવાડી, જેવા વિસ્તારોમાં પણ નાની મોટી ટોળીઓ લૂંટફાટ કરતી. આવી ટોળીઓમાં ઘણા સોલ્જરો પણ જોડાયા હતા. રાતને વખતે રસ્તા પર કોઈ ઘોડા ગાડી આવતી દેખાય અને પાસે આવે કે તરત રસ્તા પર જાડું દોરડું ફેંકે. દોરડું ઘોડાના પગમાં ફસાય એટલે ઘોડો પડે. ટોળીના બીજા લોકો ગાડીમાં બેઠેલાને રાઈફલ બતાવીને નીચે ઊતરવા ફરજ પાડે અને પછી લૂંટી લે. 

ફોર્જેટે પહેલાં આવી ટોળીઓની બાતમી મેળવી. પછી છૂપા વેશે તેમાં ભળીને તેમનાં કરતૂતોની જાત-માહિતી મેળવી. અને પછી વીણી વીણીને તેમને કેદ કર્યા. ૧૮૫૫માં આવી લૂંટફાંટમાં સંડોવાયેલા માલમાંથી ફક્ત ૨૩ ટકા માલ પોલીસે બરામદ કર્યો હતો. જ્યારે ફોર્જેટ પોલીસ કમિશનર થયા પછી ૧૮૫૬માં ૫૯ ટકા માલ પાછો મેળવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર મિસ્ટર ક્રાફર્ડે (હા, જી. ક્રાફર્ડ માર્કેટ નામ તેમના પરથી જ પડ્યું. હવે સત્તાવાર નામ ભલે બદલાયું છે, પણ પાક્કા મુંબઈગરા તો આજે પણ એને ક્રાફર્ડ માર્કેટના નામે જ ઓળખે છે.) ૧૮૫૯ના અહેવાલમાં લખ્યું છે કે મુંબઈમાંથી ચોર-લૂંટારાનો ત્રાસ લગભગ નાબૂદ થઈ ગયો છે. અને એનું શ્રેય પોલીસ કમિશનર મિસ્ટર ફોર્જેટને ફાળે જાય છે. ૧૮૬૦ના આખા વરસમાં મુંબઈમાં ચોરીના ફક્ત ત્રણ કેસ નોંધાયા હતા, અને ૧,૮૭,૦૦૦ રૂપિયાની માલમત્તામાંથી પોલીસે ૭૩,૦૦૦ની માલમત્તા પાછી મેળવી આપી હતી. ફોર્જેટના સમય દરમ્યાન જેને ફાંસીની સજા કરવી પડે એવા ગૂના ઓછામાં ઓછા નોંધાયા હતા. એ જમાનામાં આખા દેશમાં ગાજેલા ‘મહારાજ લાયબલ કેસ’માં પણ બોમ્બે સુપ્રીમ કોર્ટમાં (જે પછીથી બોમ્બે હાઈ કોર્ટ બની) ફોર્જેટે આરોપીઓ કરસનદાસ મૂળજી અને નાનાભાઈ રાણીનાની તરફેણમાં જુબાની આપી હતી.

ફોર્જેટ સ્ટ્રીટ

એક જમાનામાં મુંબઈનું નાક ગણાતું હતું તે કોટન ગ્રીન (આજનું હોર્નિમન સર્કલ) વખત જતાં ચોર, દારુડિયા, જુગારી અને લુખ્ખાઓનું થાનક બની ગયું હતું. સાંજ પછી ત્યાં જવાની કોઈ ભાગ્યે જ હિંમત કરતું. આ ત્રાસ દૂર કરવા ફોર્જેટે એ જગ્યાએ મોટો ગોળ બગીચો બનાવવાની યોજના કરી. ગવર્નર લોર્ડ એલ્ફિન્સટન અને સર બાર્ટલ ફ્રેરેએ આ યોજનાને ટેકો આપ્યો. મ્યુનિસિપલ કમિશનર ક્રાફર્ડે એ બધી જમીન બહુ સસ્તામાં ખરીદી લીધી અને પછી ગોળ બગીચાની આસપાસની જમીનના પ્લોટ પાડી સારી એવી રકમ લઈ મોટી મોટી કંપનીઓને વેચ્યા. ત્યાં એક સરખી બાંધણી અને ઊંચાઈવાળાં મકાનો બંધાયાં, જેમાં જાણીતી વેપારી પેઢીઓ, બેંકો, વહાણવટાની કંપનીઓ, વગેરેની ઓફિસો શરૂ થઈ. ફક્ત બે વરસમાં આ યોજનાનું બધું કામ પૂરું થઈ ગયું. તેને નામ આપ્યું એલ્ફિન્સ્ટન સર્કલ. 

છેક ૧૮૮૮ સુધી આગ-બંબાનું ખાતું પણ મુંબઈમાં પોલીસ કમિશનરના હાથ નીચે હતું. એટલે દર વરસે મુંબઈમાં લાગેલી નાની-મોટી આગ અંગેની માહિતી બોમ્બે પોલીસના વાર્ષિક અહેવાલમાં સામેલ થતી. અને એ વખતે પોલીસના ‘દેશી’ સિપાઈઓ બંબાવાળાની ફરજ પણ બજાવતા અને તેમના પર દેખરેખ રાખતા અધિકારીઓ પોલીસ ખાતાના અંગ્રેજો રહેતા. 

ફોર્જેટ હાઉસ

હા. આજે આપણને ન ગમે, જેની આપણે ટીકા કરીએ, એવાં એક-બે કામ પણ પોલીસ કમિશનર ફોર્જેટને હાથે થયાં હતાં. પણ તે અંગેની વાત હવે પછી. ત્યાં સુધીમાં બને તો ફોર્જેટ સ્ટ્રીટ પર એકાદ લટાર મારી આવજો અને એ વિસ્તારમાં આવેલ ફોર્જેટ હાઉસ, ફોર્જેટ હિલ ટાવર, અને ફોર્જેટ મંઝીલની મુલાકાત લેજો. અને હા, નસરવાનજી માણેકજી પિતીતના બાવલાના દીદાર નમનતાઈથી કરતા આવજો.

e.mail :deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 31 જાન્યુઆરી 2026

Loading

31 January 2026 Vipool Kalyani
← છ વર્ષનો લંડન નિવાસ

Search by

Opinion

  • શિક્ષણનું પરચુરણ …
  • ગુજરાતી ચલચિત્ર કંકુ (૧૯૬૯) – એક વિહંગાવલોકન
  • સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 
  • ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 
  • जो कार्नी नहीं कह सके …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved