ન અદ્ધરતાલ અહોભાવ, ન ‘સંસ્કારી’ અભાવ
વર્ષ 2005થી 2011 સુધી, લગભગ છ વર્ષ સજોડે યુ.કે.(બ્રિટન)માં રહેવાનો અનોખો અવસર મળ્યો હતો તે સમયગાળાનાં કેટલાંક વિશિષ્ટ સંભારણાં

નિહાર મેઘાણી
2005થી 2011 સુધી, લગભગ છ વર્ષ લંડનમાં રહેવાનો અનોખો અવસર મળ્યો હતો. કોઈ સ્થળે થોડા દિવસ ફરવું અને ત્યાં સ્થાયી થઈને વસવું એ બે સાવ જુદા અનુભવો છે. જ્યારે તમે કોઈ દેશમાં રહો છો, ત્યારે તમે તેની સિસ્ટમનો ભાગ બનો છો, જેનાથી તે દેશની સંસ્કૃતિ, જીવનશૈલી અને વ્યવસ્થાને ઊંડાણથી સમજવાની તક મળે છે. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે આપણા દેશ સાથે સરખામણી થઇ જાય, અને થવી પણ જોઈએ.
એક સમયે પરદેશ જવા માટે તીવ્ર ઝંખના જાગેલી. જવાનો ઉદ્દેશ બહુ સ્પષ્ટ હતો : ઝડપથી આર્થિક સફળતા હાંસલ કરવી. યુનાઇટેડ કિંગ્ડમ જ જવું એવું નક્કી નહોતું કર્યું. આ વિશે ખાખાખોળા કરતા જાણવા મળ્યું કે યુ.કે.માં બે વરસની મુદ્દતવાળી “વર્કિંગ હોલિડે” સ્કીમ આવેલી. જે મુજબ બે વરસ ત્યાં રહો, કામ કરો અને ફરો. ફરવા-રખડવાનો તો પહેલેથી શોખ હતો જ, તેથી મારા લક્ષ્યો પૂર્ણ કરવા માટે આ આદર્શ તક હતી. તેના માટેની તૈયારી શરૂ કરી દીધી. આ સમયે હજુ મારા લગ્ન નહોતા થયાં, પણ પૂજા મારા જીવનમાં આવી ચુકી હતી. આ યોજનામાં પૂજા પણ સહભાગી બંને એ જરૂરી હતું. માટે તેની પાસે પણ આ વીઝા માટે અલગથી અરજી કરાવી લીધેલી. જવાનો સમય આવ્યો એ પહેલા નાનકડો વિધિ તથા સહી-સિક્કા કરી અમારી ભાગીદારીને કાયદેસર કરાવી લીધી. આ બે વર્ષ ઉપરાંત બીજાં ચાર વરસ અમે બંને ત્યાં અન્ય વિઝા સાથે રહેલાં.
મારો પ્રથમ વિઝા ઇન્ટરવ્યૂ યાદગાર હતો. ઇન્ટરવ્યૂનો દિવસ શુક્રવાર, 12:30ની અપોઈન્ટમેન્ટ, પણ વારો આવતા આવતા ચાર વાગી ગયા. આ સમયે બ્રિટિશ હાઈ કમિશનની ઓફિસ બંધ થવાની તૈયારીમાં હોય છે. આથી ઇન્ટરવ્યૂ ખૂબ ઝડપથી આગળ વધ્યો, ઓફિસરે મારા જવાબો સાંભળ્યા વિના એક પછી એક નવા સવાલોનો મારો ચલાવ્યો. છેલ્લે તેમણે મારું ગુજરાત યુનિવર્સીટીનું બીકૉમનું ડિગ્રી સર્ટિફિકેટ હાથમાં લઇ, એ નકલી છે એવું કહી વિઝા ન આપ્યા ! એ સમયે હતાશા છવાઈ ગયેલી પણ પાછળથી જાણકારી મળી કે જો ઇન્ટરવ્યૂનાં નિર્ણયમાં અન્યાય લાગે તો અપીલ કરી તેને ચેલેન્જ કરી શકાય છે. મજબૂત દલીલો રજૂ કરતો અપીલપત્ર મોકલેલો અને એ પછી એમણે તરત જ વિઝા આપી દીધેલા. પરંતુ યુ.કે. ગયા પછી સમજાણું કે શુક્રવારની સાંજ બ્રિટિશરો માટે એક સંવેદનશીલ મુદ્દો હોય છે! વિકેન્ડ-મૂડ લોકોના મગજ પર બપોરથી હાવી થવા માંડે છે, આવા સમયે કામકાજની ચર્ચા કદાચ અશોભનીય ગણાય ! એવામાં આ ઇન્ટરવ્યૂ તો કામના કલાકો પત્યા પછી થયો હતો !
પહેલા હું એકલો જ ગયો હતો, પૂજા ચારેક મહીના પછી જોડાયેલી. હું લંડન પહોંચ્યો એ સમયે મારો એક ખાસ મિત્ર ત્યા રહેતો હતો, જેની મને શરૂઆતમાં દરેક તબક્કે મદદ પ્રાપ્ત થઇ, જેના માટે હું હંમેશાં આભારી રહીશ.
લંડન ફરવવાનો સૌથી સસ્તો વિકલ્પ લોકલ બસનો હતો. ત્રણ પાઉન્ડમાં એક દિવસનો બસ પાસ કઢાવી ગમે ત્યાં ગમે તેટલું ફરી શકાતું. દરેક બસ સ્ટોપ પર બસો ક્યાં જશે અને ક્યારે આવશે વગેરે માહિતી ઉપલબ્ધ હોય. માટે શરૂઆતમાં, હું નિશ્ચિન્ત બની લંડનની સફરે નીકળી જતો . જ્યાં મન થાય ત્યાં ઉતરી જાઉં અને આજુબાજુ ફરી કોઈ પણ બસમાં ચડી આગળ. મારો લંડનમાં ત્રીજો જ દિવસ અને આવું કરવામાં હું ક્યાં ય નો ક્યાં ય નીકળી ગયેલો, અને સાંજ પડી ગઈ. હું જ્યાં પહોંચ્યો ત્યાંથી પાછા આવવા માટે બસની માહિતી મળે નહીં. આ પ્રિ-સ્માર્ટફોન ઍરાની વાત છે, ગૂગલ મૅપ્સના જન્મને તો હજુ વર્ષો બાકી હતાં. શિયાળો હોવાથી સાંજે જ ઘોર અંધારું. બસ સ્ટોપ પર ઉભેલા અમુક લોકોને પૂછી જોયું કે ગ્રીનઇચ તરફ જતી બસ ક્યાંથી મળે, પણ કોઈને ખ્યાલ ન હતો. ત્રીજો જ દિવસ એટલે લોકો શું બોલે એ સમજવામાં તકલીફ. એવામાં એક ઊંચો બ્રિટિશ સજ્જન મારી પીડા જોઈ મદદે આવ્યો. તેને મારી તકલીફ જેમ તેમ કરી સમજાવી. તેણે એક બે સેકન્ડ વિચાર કર્યો, પછી મને સાથે આવવા કહ્યું. મારું અંતર્મન હજુ એમ કરવું કે નહીં એ નિર્ણય લે એ પહેલા જ એ ચાલવા માંડ્યો. મને ધ્રાસકો પડ્યો, જવું કે ન જવું ! મારાં મોં પરના ભાવને તાગી ચૂકેલા એ અંગ્રેજે કહ્યું “ડોન્ટ વરી, મેઇટ!” પછી કહે “ડિસ્પાઇટ લિવિંગ ઈન લંડન ફોર ફિફટીન યર્સ, આઈ સ્ટીલ ઑકેઝનલી ગેટ લોસ્ટ.” હું હિમ્મત કરી એની પાછળ ચાલવા માંડ્યો. બે ત્રણ મિનિટ બંને ચૂપચાપ ચાલ્યા, પણ પછી મેં એમને કહ્યુ કે “સોરી મેઇટ, આઈ થિન્ક આ’મ બોધરિંગ યુ.” પણ એ મારી વાત સમજવા તૈયાર ન હતો, ગણકાર્યા વિના જ ચાલે જતો હતો. હવે એક સાંકડી નિર્જન ગલીમાં અમે પ્રવેશ કર્યો, અંધારું તો હતું જ, ઉપરથી હું નિહત્થો ! મુસીબતમાં ફસાઈ ચુક્યો છું એવા સંદેશા મારું અંતર્મન મને મોકલવા મંડ્યું હતું. મારાં મનમાં વિચારોની ગતિ તેજ થવા મંડી. હું ભાગવાની તૈયારીમાં જ હતો ત્યાં જ એ અટક્યો ને એક માણસ સાથે કંઈક વાત કરી, ને પછી આગળને બદલે હવે મારી લગોલગ ચાલવા માંડ્યો. હવે તો ભાગવાનું પણ મુશ્કેલ હતું ! પરંતુ પછી એકાદ જ મિનિટમાં ગલી પસાર કરી બીજી તરફ એ થોભ્યો અને કહે “હિયર યૂ ગો, મેઇટ ! ધીસ ઇસ યોર બસ સ્ટોપ.” હું જરા હળવો થયો. હજુ બરાબર આભાર વ્યક્ત કરું એ પહેલા જ એ ત્યાંથી ચાલવા લાગેલો. મને થયું આ માણસ લંડન જેવા શહેરમાં મારાં માટે આટલી તકલીફ ઉઠાવી ને મેં તેના અંગે કેવી કેવી કલ્પના કરી નાખી ! મારી મૂર્ખામી માટે અને એ સજ્જનની સારપને લીધે હું ભોઠો પડ્યો. મને પાછળથી વિચાર આવ્યો કે કદાચ જો એ લૂંટારો હોત તો પણ મારી પાસે એવું કશું જ નહોતું જેને લૂંટી શકાય!
હું એવું માનીને યુ.કે. ગયેલો કે નોકરી તો સહેલાઇથી મળી જ જશે. પણ એ એટલું સહેલું ન હતું. તેના માટે લોઢાનાં તો નહીં પણ એલ્યુમિનિયમના ચણા તો ચાવી જ લીધેલા. હું જાન્યુઆરી મહિનામાં ગયેલો. નાતાલ પછી કામકાજ ઘટી જતાં હોય છે, માટે નવા માણસોની ત્યારે જરૂર ન હોય. કામ મળતાં મળતાં માનસિક અને આર્થિક પ્રશ્નો ઊભા થયેલા. પણ મારો પેલો મિત્ર એકદમ મક્કમ રીતે સાથે ઊભો રહ્યો, જેના લીધે શરૂઆતમાં સેટ થવાની પ્રક્રિયા ઘણી સરળ થઇ ગયેલી. યુરોપમાં જાણીતા એવા એક ચેઇન સુપરસ્ટોરમાં મારી નોકરીની શરૂઆત થઇ. ઓવર ટાઈમ ભરપૂર મળે જેના માટે હું હંમેશાં તૈયાર. રજાના દિવસે ક્યાંક ફરવા નીકળ્યો હોવ, ને ફોન કરી બોલાવે તો પરત ફરી નોકરી પર જતો રહું. કારણ કે મુખ્ય લક્ષ પૈસા કમાવવાનું હતું. શોષણ આપણા જેટલું નથી થતું પણ થોડું તો ત્યાં પણ થાય. પ્રથમ ચાર મહીના સુધી મને મારા કામના કલાક પ્રમાણે પગાર નહોતો મળ્યો, માટે આ અંગે મેનેજરનું બેત્રણ વાર ધ્યાન દોર્યું. પણ પાછળથી ખ્યાલ આવી ગયો કે મેનેજરભાઈ સ્ટોરની પ્રોડકટીવિટી ઊંચી બતાવવા પોતે જ કામના કલાકો ઓછા લખતા. પણ મેં મારું હૉમવર્ક પહેલા દિવસથી કરેલું. એકેએક કલાકનો હિસાબ રાખેલો જે મેં મેનેજરના બોસને બતાવ્યો. મેનેજરના બૉસે આ બાબતને ગંભીર ગણી તેના બોસને જણાવ્યું. મેનેજરના બોસના બોસ તે કંપનીનાં લંડન ખાતે સૌથી મોટા બોસ, જેણે મને તેમની ઓફિસ પર મળવા બોલાવ્યો, જે લંડનથી ખાસ્સી દૂર, છતાં હું મળવા પહોચી ગયો. મને પૂછ્યું “વ્હોટ ઇસ ધ ઇશ્યૂ ?” મેં મારો હિસાબ કાઢ્યો. એ કહે “જસ્ટ ટેલ ધ ફિગર.” મેં આંકડો કીધો, એ જોઈ આ રકમનો ચેક મને પાંચ દિવસમાં મળી જશે એવી બાંહેધરી આપી. જે મળી પણ ગયો. પેલા મેનેજરને પણ એ બ્રાન્ચમાંથી રૂખસત મળી ગઈ. આ દેશમાં ન્યાય ઘણો આસાનીથી મળી શકે તેનો આ પ્રથમ સુખદ અનુભવ !
અમુક જાણીતા સુપરસ્ટોરમાં વસ્તુના ભાવની સાથે તેના હરીફ સુપરસ્ટોરના ભાવ પણ લખેલા હોય છે. એટલું જ નહીં, ભાવના લેબલમાં ગ્રામદીઠ તથા એમ.એલ. દીઠ દર પણ લખેલો હોય છે, જેથી અલગ બ્રાન્ડની અલગ માપમાં મળતી ચીજોનાં ભાવ પણ સહેલાઈથી સરખાવી શકાય. મોટા ભાગની વસ્તુઓ (ઠંડી રાખવી પડતી હોય એવી સિવાયની) કોઈ જ કારણ આપ્યા વગર ચોક્કસ દિવસોમાં પરત કરી પૈસા પરત મેળવી શકાય છે, જે દરેક દુકાનને લાગુ પડતો સામાન્ય નિયમ છે. ત્યાં MRP એટલે કે મહત્તમ વેચાણ કિંમત જેવું નથી. ફ્રી ઇકોનોમી હોવાના લીધે દરેક ચીજનો ભાવ હરીફાઈના લીધે આપોઆપ કાબૂમાં રહે એવી વ્યવસ્થા છે. દરેક શોપકીપર પોતાની મરજી મુજબ ભાવ નક્કી કરી શકે છે. માટે અડીને બે દુકાનોમાં પણ એક જ કંપનીની ચીજોના અલગ ભાવ હોય એ બહુ સામાન્ય છે. સુપરસ્ટોરમાં પંદર વર્ષ પહેલા સેલ્ફ ચેકઆઉટ આવી ગયા હતા, જાતે જ ચીજોને સ્કેન કરો, પેમેન્ટ કરો અને જતા રહો. કોઈ પણ સ્ટોરમાં તમારી પોતાની બેગ તથા સામાન તમારી સાથે રાખવામાં કોઈ રોકી ન શકે. એટલું જ નહીં, તમારી પોતાની ખરીદી પણ તેમાં મૂકી શકો, વસ્તુ ખોલીને ખાઈ-પી શકો (પણ એ વસ્તુઓનું ખાલી કવર અથવા બોટલ પેમેન્ટ કરવા સુધી સાચવવું પડે). જો કોઈ ચીજની કિંમત 1.99 પાઉન્ડ હોય ને તમે 2 પાઉન્ડ રોકડા ચૂકવો એટલે એક પેની પરત આપવામાં આવે છે. પેમેન્ટ સમયે રોકડા અથવા છુટ્ટા પૈસા સામેવાળાનાં હાથમાં જ આપવા એવો શિષ્ટાચાર છે. એક્સપાયરી તારીખનું ખાસ ધ્યાન રાખવું પડે છે, આવી વસ્તુ વેચવી એ ગુનો છે. સ્ટોરમાં આઈસક્રીમ વગેરે માટે ફ્રીઝર તથા યોગર્ટ, ચીઝ, સેન્ડવિચ જેવી વસ્તુઓ માટે ચિલરનો ઉપયોગ થાય છે. એક વખત હું કામ કરતો એ સ્ટોરનું ચિલરનું તાપમાન હોવું જોઈએ એના કરતાં ઘટી ગયેલું, જેથી ઠંડી વસ્તુ વધુ ઠંડી થઇ ગયેલી. ચિલર રીપેર કરવામાં આવ્યું ત્યારે તેમાંની બધી જ ચીજો કાયદા મુજબ રાઈટ ઑફ (કચરામાં ફેંકી દેવી) કરેલી. તેને સસ્તા ભાવે વેચી નહોતી. એનું કારણ એવું જાણવામાં આવેલું કે ખાવાની ચીજને એક વાર નીચા તપામાનમાંથી ઊંચામાં લઈ જવામાં આવે ત્યારે અમુક ચોક્કસ પ્રકારનાં બેક્ટરીઆ તેમાં સક્રિય થવા માંડે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે! બજારમાં વેચાતી દરેક ચીજની ક્વોલીટીની ઝીણવટથી તપાસો થતી રહેતી હોય છે. તેથી હજારો ચીજો દર વર્ષે માર્કેટમાંથી રિકોલ થઇ જાય છે, એટલે કે સંપૂર્ણ લોટ કંપનીએ પાછો ખેચવો પડે છે અને જે વેચી શકાતો નથી. તેથી અહીં ખાવાપીવાની અને અન્ય ચીજોમાં મિલાવટ નથી હોતી.
ઉપરાંત મેં એક કન્સ્ટ્રકશન કંપનીમાં એડમીન, એકાઉન્ટિંગ અને માર્કેટિંગનું કામ ચાર વરસ કર્યું. આ દરમિયાન હું MBA ભણી રહ્યો હતો. યુ.કે.માં લેક્ચરરને પ્રથમ નામથી જ બોલાવવાના હોય છે, જો પ્રોફેસરનું નામ બરાક ઓબામા હોય તો અહીં ખાલી ‘બરાક’ જ કહેવાનું રહે છે. ‘સર’ કે ‘મેડમ’ સંબોધન કોઈ કરતું નથી. ક્લાસરૂમમાં તમે ચા, કોફી, કોલ્ડડ્રિન્ક, સેન્ડવીચ વગેરે લઇ બેસી શકો છો. એક પિરિયડ ત્રણ કલાકનો રહેતો જેમાં બે નાના-મોટા બ્રેક આવે. મોટા ભાગે ભણવામાં રસ જળવાઈ રહે એવી રસાળ શૈલી. મોટા ભાગના શિક્ષકો વિદ્વાન મળેલા. વ્યાવહારિક દૃષ્ટાંતો સાથે શીખવવાની શૈલી તેમ જ અભ્યાસક્રમ બહારનું બહોળું જ્ઞાન જે તે વિષયને વધુ મજેદાર બનાવતા. ભણવામાં “મજા આવવા”નો જીવનમાં આ પહેલો અવસર હતો અને માટે જીવનમાં પ્રથમવાર “ગુરુદેવો ભવ”ની લાગણી પણ થઇ હતી. ગોખણપટ્ટી ચાલે નહીં, કોન્સેપ્ટ સમજવા જ પડે. પરીક્ષામાં કોઈ બેઠા પ્રશ્નો કે બેઠા ઉત્તર ન હોય. 10 વ્યક્તિ અલગ અલગ રીતે જવાબ આપે તો પણ કોન્સેપ્ટ બરાબર હોય તો સરખા માર્ક મળે. ભારતીય વિદ્યાર્થીઓને અનુલક્ષીને ખાસ સમજાવેલું કે જો ત્રીસ માર્કનો કોઈ પ્રશ્ન હોય, તો તેમાં જે પૂછેલું છે એ અંગે તમારી સમજણ કેટલી છે એ પરીક્ષકને તમારે સમજાવાનું છે, એ પાંચ પાના ભરીને પણ સમજાવી શકો અને જો આવડે તો પાંચ લીટીમાં પણ કામ થઈ શકે. ટૂંકમાં માર્ક સાથે પાનાં ભરવાને ખાસ સંબંધ નથી. હું એક વાર એક વિષયમાં નાપાસ થયેલો. પાસ થવા માટે ત્યાં 100માંથી 50 માર્ક લાવવા પડે જેમાં મારે 3 ઘટતા હતા. માટે મને તુક્કો સુજયો. મેં યુનિવર્સિટીનાં ડાયરેક્ટરને લેખિત પત્ર મોકલ્યો – આટલાં ઓછા માર્ક ન આવી શકે, પાસ થવામાં માત્ર 3 ઘટે છે તો મને એ આપી પાસ કરી દેવા વિનંતી. હવે આ તુક્કો જ હતો. આવા કાગળ કદાચ કચરાપેટીમાં જાય. પણ ના, મને ડિરેક્ટરનો વળતો લેખિતમાં જ જવાબ આવ્યો. ક્યાં પ્રશ્નનાં જવાબમાં કઈ ચીજમાં મારું જ્ઞાન ઓછું છે અને ક્યાં બરાબર લખ્યું છે વગેરે વગેરે, અને છેલ્લે લખેલુ કે I’m afraid you will have to resit for this subject.
શાળાનું ભણતર ફ્રી અને વર્લ્ડક્લાસ છે. પાઠ્યપુસ્તકો તથા કેળવણીલક્ષી સામગ્રીઓ શાળામાંથી જ પ્રાપ્ય હોય છે. માટે બાળકોને રક્સેક પ્રકારનું ભારે દફતર વેંઢારવું પડતું નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં શિક્ષકો પોતે પણ ભણેલા-ગણેલા હોય છે. પોતાના સંતાનો માત્ર ગણિત-વિજ્ઞાનમાં જ હોશિયાર બને એવો મા-બાપોનો દુષ્ટ આગ્રહ નથી હોતો. અહીં એજ્યુકેશન એ સર્વાંગી વિકાસ છે, ભાવાત્મક વિકાસ છે. સંગીત, ચિત્રકલા, સ્પોર્ટ્સ, સાહિત્ય ઈત્યાદી વિષયોને હાંસિયામાં ઠાલવી દેવામાં આવતા નથી. કઈ ડિગ્રી કેટલા પૈસા ખંખેરી આપશે એવો બોધ વિદ્યાર્થીઓને કાચી ઉમરમાં આપવામાં આવતો નથી. ભણતરમાં પ્રેશરનો સદંતર અભાવ જણાય છે અને બોર્ડની પરીક્ષાના ટકાની બાંગો કોઈ મારતું નથી.
અમે થોડો સમય એક નાઇજીરિયન દંપતી સાથે બે બેડરૂમવાળું અપાર્ટમેન્ટ શેર કરીને રહેતાં. બહુ જ સભ્ય લાગતા માણસો, વધુ પડતા ચોખલિયા- અંગ્રેજોને પણ શરમાવે તેવા. એ લોકો માછલીના શોખીન, પણ તેને બાફતા સમયે અમારાથી તેની દુર્ગંધ સહન ન થાય. માટે અમે ઘરે ન હોઈએ એવા સમયે માછલી બાફી લેતા. બંને લોકો ખૂબ સારા સ્વભાવના, યુવક સિક્યુરિટી કંપનીમાં કામ કરે અને તેની પત્ની શિક્ષિકા. એક વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ અમારા અપાર્ટમેન્ટનું બારણું જોરજોરથી બૂમો સાથે કોઈ ખખડાવે છે. અમે ગભરાઈ ગયા. શું થયું એ વિચારીએ તે પહેલા જ બરાણાનું લૉક તોડી અમુક લોકો અંદર ઘુસી ગયાનો અવાજ આવે છે. સૌ પ્રથમ તેઓ પેલા દંપતીના રૂમમાં ઘૂસે છે. થોડીવારમાં અમારા બેડરૂમનું બારણું ખખડાવવામાં આવે છે : “ઈમિગ્રેશન ! ઓપન ધ ડૉર.” અમને રાહત થઇ કે ચાલો પોલીસ જ ઘુસી છે કોઈ ગુંડા વગેરે નથી. પોલીસની લગભગ દસેક લોકોની ટીમ હશે. બંને નાઇજીરિયનને હાથકડી લગાવી દીધેલી. અમારા પાસપોર્ટ ચેક કરી થેન્ક યુ કહી પેલા બંનેને લઈને નીકળી ગયા. એ લોકો પાસે બરાણાનો લોક તોડવા એક ખાસ ઓજાર હતું. બીજો કોઈ અવાજ નહીં. આખી પ્રક્રિયા 10 મિનિટમાં થઇ ગઈ. અમે અવાક બન્યાં કે શું થયું? અમારે શું કરવું એનો ખ્યાલ ન આવે. લગભગ એક મહિને પેલો નાઇજીરિયન, હેનરી એકલો ઘેર આવે છે ! મે પૂછ્યું અલ્યા શું કાંડ કર્યો ભાઈ? તો કહે અમે બધા આફ્રિકન બ્લેક સરખા જેવા લાગીએ એટલે મેં મારો યુ.કે.માં કાયમી વસવાટના વિઝાવાળો પાસપોર્ટ કોઈ મિત્રને આપેલો, જેના થકી એ યુ.કે.માં આવ-જા કરતો. પણ આ વખતે એરપોર્ટ પર ઓફિસરને શંકા ગઈ એટલે મારી જન્મ તારીખ પૂછી, પણ પેલાએ પોતાની જણાવી દીધી તેમાં ઝડપાઈ ગયા ! જેના માટે ઈમિગ્રેશનવાળા આવ્યા પણ નહોતા એવી તેની પત્ની યુ.કે.માં સાત વરસથી ગેરકાયદે રહેતી હતી એવું પણ બહાર આવ્યું, જેને તરત ડિપોર્ટ કરી દેવામાં આવેલી. હેનરીએ જેલની મજેદાર વાતો પણ જણાવી જેવી કે જેલની ઓરડીની પથારીનો ઓછાડ રોજ બદલાય જાય, પોતાનું સ્વતંત્ર ટી.વી. હોય જેમાં ‘સ્કાય’ ચેનલનું કનેકશન હોય, જે માંગો તે છાપાં વાંચવા મળે, લાઈબ્રેરીમાંથી પુસ્તકો મળે, સિગરેટ પીવાની ખાસ છૂટ પણ લઇ શકો, અને પોલીસને જેટલા જવાબ આપવા હોય એટલા જ આપવાના, જ્યાં અઘરું લાગે ત્યાં કહી દેવાનું “ટૉક ટુ માય લૉયર!”
હું દક્ષિણ લંડનમાં રહેતો એ દરમિયાન મારી સાથે એક પાકિસ્તાની સહકર્મી હતો. બંનેની ભાષા સાવ સરખી માટે દોસ્તી તરત થઇ ગઈ. પછી ખબર પડી કે એ એવો નહોતો જેવા આપણે પાકિસ્તાનીઓને માનતા હોઈએ છીએ. તેની સાથે પાકિસ્તાન-ભારત અંગે બહુ ફ્રેન્ડલી ચર્ચા થતી. તે કહેતો કે 1965નું ભારત-પાક યુદ્ધ પાકિસ્તાન જીતી ગયેલું એવું પાકિસ્તાનમાં બધા માને છે અને એ જ તેમને ભણાવવામાં પણ આવે છે ! કાશ્મીર અંગે પણ ચર્ચા કરતા. તે પાકિસ્તાનના હિમાલય વિસ્તારનો વતની હતો. બિલકુલ કટ્ટરવાદી નહીં. (મારા ભારત પાછા ફરવાના સમયે તેની આંખમાં આંસુ હતા) એ સમયે લંડનમાં સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયેલા જેમાં પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો એવું આવેલું. આવી ઘટના અંગે પણ બહુ ખૂલીને વાતો થતી. ત્યાંના રાજકારણીઓ અને આર્મીનાં ભ્રષ્ટાચાર તથા મુલ્લાઓએ કરેલા ડેમેજ વિષેની પ્રચલિત વાતો જણાવતો. બૉમ્બબ્લાસ્ટની ઘટના પછી એક શ્વેત મહિલા અમારા સ્ટોરમાં આવીને મને ગુસ્સામાં પૂછે છે કે Are you from Pakistan? મને ટીખળ સુઝી ને મેં પેલા મિત્ર સામે આંગળી ચીંધી કહ્યું : I am not, but the man working over there is your guy. એ મહિલા ઝડપથી ત્યાં ગઈ અને પેલાને કહે કે Where did you hide rest of your bombs? એ મિત્ર બિચારો હક્કોબક્કો થઇ ગયો! આવી મસ્તી કરી શકાતી અને પાછળથી અમે હસી કાઢતા.
એક વખત એવું બન્યું કે નોકરી પતાવી અમે બંને તેની બસની રાહ જોતા બસસ્ટોપ પર ઊભા હતા. રાતના લગભગ 10 વાગેલા. એક પડછંદ ગોરો છોકરો અચાનક આવી ચડ્યો ને અમને કારણ વગર ગાળો ભાંડવા માંડ્યો. મેં મિત્રને શાંત રહેવા સૂચવ્યું, પણ તેને આપત્તિમાં અવસર ભાસ્યો – અંગ્રેજ એકલો અને અમે બે ! એ બંને વચ્ચે થોડી બોલાચાલી થઇ. વાત થોડી આગળ વધી, ધક્કા મારવાથી ચાલુ થઇ અને મારામારી સુધી પહોંચી. હું હજુ સુધી તટસ્થ ભૂમિકામાં હતો. પણ પછી થયું કે આ તો અંગ્રેજનો અખંડ ભારત પર હુમલો ગણાય, માટે આખરે મારે પણ તે યુદ્ધમાં ઝં,પલાવવું પડ્યું. પેલો નીચે પડ્યો પછી ભાગ્યો. પાકિસ્તાની તેની પાછળ, હું એની પાછળ. મેં કહ્યું “ભાઈ, હવે જવા દે, એ ભાગી ગયો.” પણ અંગ્રેજને ભાગતો જોઈ તે વધુ પડતા જુસ્સામાં આવી ગયેલો. એ વધુ પાછળ ગયો, હું પણ પરાણે સાથે ગયો. ત્યાં તો કોઈ ગલીમાંથી અચાનક 10-15 લોકોનાં યુનિયન સાથે અને નવા જોશ સાથે પેલો પ્રગટ થયો. અમે ભાગવાનું વિચારીએ એ પહેલા જ બંને ઝડપાઈ ગયા. મુખ્ય આરોપીએ મને દબોચ્યો. એ લગભગ સાડા છ ફૂટ ઊંચો, જેના હાથની દરેક અંગળીમાં રાક્ષસના મોઢાવાળી રૂપેરી વીંટીઓ ચમકતી હતી, એ જ હાથની મુઠ્ઠી વડે મારા નાક પર લગભગ પંદરેક પાવરપેક પંચ માર્યા. બસ થોડી જ સેકન્ડોમાં મારા ચહેરાની સુરત બદલાઈ ગઈ. ને પાકિસ્તાનીને માત્ર હળવો માર પડ્યો! એ લોકો અમારી ધોલાઈ કરીને ભાગી ગયા. મેં લોહી-લુહાણ, અડધી બેભાન અવસ્થામાં ઇમર્જન્સી નંબર 999 લગાવ્યો, પોલીસ અને એમ્બ્યુલેન્સ તરત જ પહોંચ્યા. પોલીસે ફટાફટ વિગતો લઇ શોધખોળ આદરી પણ પેલા બદમાશો ભાગી ચુક્યા હતા. આ આખી ઘટના દરમિયાન ત્યાં લોકોનું ટોળું ભેગું નહોતું થયું – ન જોવા કે ન અટકાવવા. અમને પછી તરત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા, મારા નાકનું હાડકું ભાંગી ચૂક્યું હતું, ઉપરાંત મારી એક નેણ ઉપર મોટો ચીરો પડેલો જેના લીધે મારી એક આંખ ખુલતી નહોતી. નાકનાં હડકાનું સેલ્ફ હીલિંગ થઇ જશે એવું ડોક્ટરે બાંહેધરી આપી, જેથી હું એડમિટ ન થયો. જરૂરી પાટાપિંડી થઇ ને પછી ઘેર પહોંચ્યા. આ ઘટના બાદ અમુક દિવસે પોલીસ વિભાગમાંથી રૂટિન પ્રોસિજર પ્રમાણે એક પેકેટ મળ્યું. હિંસાનાં ભોગ બનેલા હોય તેમને વિવિધ લાભો પ્રાપ્ત થાય છે એ અંગેના બ્રોશર હતા. જેમ કે માનસિક આઘાતમાંથી બહાર આવવા કાઉન્સેલિંગની સહાય, અન્ય મેડિકલ સહાય, જો કોર્ટમાં કેસ ચલાવવાનો થાય તો કાઉન્સિલ દ્વારા વિનામૂલ્યે વકીલ ઉપલબ્ધ કરાવવા વગેરે. એમાંથી એકપણ ચીજની મારે જરૂર નહોતી. આ ઘટના પછી પાંચેક દિવસમાં હું જેવોતેવો સારો થઈ નોકરીએ પણ જવા લાગેલો. પેકેટમાં નીકળેલા વિવિધ ગ્લોસી કાગળિયાની વચ્ચે એક સાદું પ્રિન્ટ કરેલું પાનું પણ હતું જે નજરઅંદાજ થઇ ગયેલું. એ કોઈ ફોર્મ હતું જે કુદરતી રીતે જ મારા હાથમાં ત્યારે આવ્યું જયારે હું યુ.કે.ની કાયમ માટે વિદાય લેવાનો હતો. આ ફોર્મમાં લખેલુ હતું કે યુ.કે.ની સડક પર જો તમે હિંસાનો ભોગ બન્યા છો તો (એ સરકારની સુરક્ષા આપવામાં નિષ્ફળતા ગણાય જેના માટે) તમને વળતર મળી શકે છે. આ વિષે વધુ શોધતા જાણવા મળ્યું કે ઈજાનાં પ્રકાર પ્રમાણે વળતરના ધોરણ અલગ અલગ છે. જેમ કે મૂંઢમાર કરતા હાડાકુ ભાંગે તો વધુ મળે, હાથ ભાંગે એના કરતાં પગ ભાંગે તો વધુ મળે વગેરે. આ બધું તો ત્યાંના નાગરિકો માટે હોય એવું સમજીને મેં તેને મહત્ત્વ ન આપ્યું. પણ જતાં પહેલા એક તુક્કા તરીકે એ ફોર્મ ભરી નાખ્યું. જેમાં સ્પષ્ટ લખ્યું કે હું આ દેશ કાયમ માટે છોડીને જઈ રહ્યો છું માટે મારું સંપર્ક સરનામું ભારતનું આપી રહ્યો છું. આ ફોર્મને ભારત આવતા પહેલા સાદી પોસ્ટથી મોકલી દીધું. એ પછી આ વિશે હું ભૂલી પણ ગયો હતો. પણ મારા ભારત આવ્યાને લગભગ એકાદ મહિના પછી વળતર વિભાગમાંથી મારી અરજી મળ્યાંની ટપાલ પ્રાપ્ત થાય છે. જેમાં લખેલુ કે મારા કેસ પર ફલાણા ઓફિસર કામ કરી રહ્યા છે. વધુ પૂછપરછ હશે તો તે સંપર્ક કરશે. મને બહુ મોટું આશ્ચર્ય એટલે ન થયું કારણ કે હું જાણતો હતો કે સામાન્ય પ્રક્રિયાનાં ભાગરૂપે અરજીનાં જવાબ મળતા હોય છે. પણ ભારતીયોને એ નવાઈ લગાવી જોઈએ કે હું એ દેશ છોડીને જાઉં છું એ જાણતા હોવા છતાં એ અરજી કચરાપેટીમાં નથી જતી. આ પછી સમયાંતરે બે વાર તે કેસમાં શું પ્રોગ્રેસ છે એ જણાવતા પત્રો મળ્યા હતા. અને છેલ્લો પત્ર, જે છ મહિને આવ્યો તે બહુ રસપ્રદ હતો. એમાં એવું જણાવ્યું કે તમારા કેસની તપાસ હવે પૂર્ણ થઈ છે, તમે ફલાણા કાયદા મુજબ વળતર મેળવવાનાં હકદાર છો. વળતરની રકમ 1,500 પાઉન્ડ મંજૂર કરવામાં આવેલી છે. જો તમને આ રકમ સ્વીકાર્ય હોય તો સાથે જોડેલા સ્વીકાર-પત્ર પર સહી કરી પરત મોકલી આપો જેથી તાત્કાલિક ચેક મોકલી શકીએ. અને હવે મુખ્ય વાત, જો તમને આ વળતર યોગ્ય નથી લાગતું, તો આ ચુકાદા વિરુદ્ધ અપીલ કરી શકો છો. તમે ભારતમાં છો, તેથી તમારી અપીલ તમે ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશ્નરને મોકલી શકો છો.
આ બાબત સમજવા જેવી છે. હું એ દેશ કાયમ માટે છોડી ચુક્યો હતો, હું ત્યાં ક્યારે ય ફરી રહેવા જવાનો છું એવો ઇરાદો વ્યક્ત્ન નહોતો કર્યો. ઉપરાંત હું ક્યારે ય પણ એ દેશનો નાગરિક નહોતો. છતાં આ વળતર મને મળે તેની માત્ર વ્યવસ્થા જ નહીં પણ તેમાં અન્યાય લાગે તો શું કરવું એના રસ્તા પણ સૂચવે છે. મારા માટે આ રકમ લોટરી સમાન હતી તેથી અપીલનો તો સવાલ જ નહોતો. માટે તરત પેલા કાગળ પર સહી કરી તેમને મોકલી આપ્યો. ટૂંક સમયમાં જ “ભારતમાં ઘેર બેઠા” મને 1,500 પાઉન્ડનો ચેક મળી ગયેલો.
એક સમયે પૂજાનો પાસપોર્ટ રીન્યુ કરાવવાનો હતો, તેની પ્રક્રિયા અંગે જાણવા ઓનલાઈન તપાસ કરી જોઈ, પણ સંતોષકારક માહિતી ન મળતા લંડનમાં ઇન્ડિયન હાઇ કમિશન (એમ્બેસીને અહીં હાઈ કમિશન કહેવાય છે) પર રૂબરૂ તપાસ કરવા ગયા. ત્યાં અમને એક ફોર્મ આપવામાં આવ્યું, જેમાં સાથે કયા કાગળો જોડવા તેનું લિસ્ટ આપેલું હતું. પછીના જ દિવસે વિગત ભરેલા ફોર્મ અને તેમાં જણાવેલા કાગળો લઇ અમે હાઇ કમિશન પહોંચ્યા. ત્યાં સૌ પ્રથમ કાગળો તપાસવા માટેનું કાઉન્ટર હતું, જેની સામે બે લાઈન લગાવીને લોકો ધક્કામુક્કી કરી રહ્યા હતા. હાઈ કમિશનનું બિલ્ડીંગ અમુક અંશે યુ.કે.ની અંદર ભારતની ભૂમિ જ ગણાય. જેના મજબૂત વાઈબ્સ અમે અનુભવી રહ્યા હતા ! ઘણી લડત આપ્યા પછી માંડ અમારો વારો આવ્યો. લિસ્ટ મુજબના બધા જ કાગળો રજૂ કર્યા. પણ ત્યાં બેઠેલા ઓફિસરે ફોર્મમાં નહીં લખેલા ત્રણ કાગળિયા માંગ્યા. સદ્દભાગ્યે એ અમે સાથે લઈને જ આવેલા એટલે તરત ઓરીજનલ ધરી દીધા. યુ.કે.માં બેન્ક અથવા એવી અન્ય જગ્યા પર ઓરીજીનલ કાગળિયા જ રજૂ કરવાનો રિવાજ હતો. ઓરીજીનલ તપાસી જરૂરી ફોટોકોપી તે લોકો ત્યાં જાતે જ કરી લેતા હોય છે. પણ અહીં એવી વ્યવસ્થા ન હતી. પેલા ઓફિસરે અમને બહાર ચાર રસ્તા પાસે આવેલી એક ઝેરોક્સની દુકાન પર જઈ ફોટોકોપી કરાવી લાવવાનું સૂચન કર્યું. મેં પૂછ્યું “તો અમારાં વારાનું શું? માંડ ધક્કામુક્કી કરી તમારી સુધી પહોંચેલા.” તો તેણે અમને બાજુની બીજા નંબરની લાઈનમાં આવી જવા કહ્યું જ્યાં અમને પહેલા લેવામાં આવશે. ત્યારે સમજાણું કે બે લાઈનો શેના માટે હતી ! લગભગ દરેક વ્યક્તિ આ રીતે જ ફોટોકોપી કરાવવા બહાર જઈ રહ્યો હતો. આ જોઈને થાય કે અહીંયા પણ એ જ અણઘડ ખાતું ! ત્યાં નજીકમાં એક ગુજરાતી દુકાનદાર આ અવસરનો લાભ ઉઠાવી, ઝેરોક્સ મશીન મૂકી એક કોપીનો એક પાઉન્ડ પડાવી રહ્યો હતો, જે સામાન્ય ભાવ કરતાં 10 ગણો વધારે હતો ! જેમતેમ કરી કાગળોને એપ્રુવલ મળી એટલે એ જમા કરાવવા એક અન્ય કાઉન્ટર સામે લાઈનમાં ઊભા રહેવાનું હતું, જ્યાં બે બારીઓ ચાલુ હતી. અમે એમાંની એકમાં ગોઠવાયા. અહીં એક વ્યક્તિ દીઠ લગભગ પંદર મિનિટનો સમય લાગી રહ્યો હતો. અડધી કલાક ઊભા રહ્યા પછી અમારા કાઉન્ટર પરના ‘મેડમ’ લોકોની લાઈનને અવગણી, કોઈને કાંઈ જ જણાવ્યા વિના ઊભા થઇ જતા રહ્યા. મને થયું કે વૉશરૂમ માટે ગયા હશે. પણ ઘણો સમય થયો. અમારી લાઈનમાં ઉભેલા બધા ધીમેધીમે બાજુની લાઈનમાં શિફ્ટ થવા લાગ્યા. મારાથી રહેવાણું નહીં એટલે મેં બીજા કાઉન્ટર પરના ‘સાહેબ’ને ‘મેડમ’ વિશે પૂછ્યું તો કહે એ તો લંચ માટે ગયા, હવે એક કલાક પછી આવશે. જાણે સાપસીડીમાં છેલ્લા પડાવે પહોંચવાના આરે હોઈએ ત્યાં જ સાપના મોંવાળા ખાનામાં કુકરી આવી જાય એ હાલત થઈ ! છેવટે અમે પણ શિફ્ટ થયા – આગળથી ફરી પાછળ!
એ સમયે વિઝા અને પાસપોર્ટ સર્વિસ એક જ ઓફિસમાં એક જ હૉલમાં સાથે-સાથે ચાલતી. વિઝા માટે જુદી પ્રકારના ખૂબ ઊંચા કાઉન્ટર હતા, જ્યાં તમારે હાથ ઉપર લંબાવીને તમારો પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ આપવા પડે. અંગ્રેજો ઉપરાંત બ્રિટિશ નાગરિક બની ચૂકેલાં ભારતીયો પણ વિઝા લેવા આવેલા. નામ બોલાય એ પ્રમાણે પાસપોર્ટ લેવા જવાનું એ પ્રકારે કામ ચાલી રહ્યું હતું. નાગરિક બની ચૂકેલા પરંતુ ‘ભારતીયતા’ ન છોડી શકેલા ‘દેસી’ આધેડોનું એક ઝુંડ તે કાઉન્ટર પાસે ઊંચા થઇ “મેરા પહેલે દે દો, સર, પ્લીઝ” જેવી કાગારોળ કરી રહેલા! આ દૃશ્યનો લાભ અમને બોનસમાં પ્રાપ્ત થયેલો ! અંગ્રેજો પોતના વારાની રાહમાં પાછળ શાંત ચિત્તે બેઠા હતા અને આ આખા માહોલ વિશે પ્રતિક્રિયા આપતા હોય એમ એકબીજા સામે સૂચક મંદ સ્મિત કરી રહ્યા હતા – આ દૃશ્ય ક્યારે ય ભુલાણું નથી.
વાઈન અને બિયર અહીંના લોકલાડીલા પીણાં છે. ‘પબ’ શબ્દ ‘પબ્લિક હાઉસ’નું સંક્ષિપ્ત છે. પબ કલ્ચર એ બ્રિટિશ જીવનશૈલીનું અભિન્ન અંગ છે. એ માત્ર દારૂ પીવાનું પીઠું નથી, પરંતુ એવું કહી શકાય કે તેમની અસ્મિતા સાથે જોડાયેલું સાંસ્કૃતિક તીર્થ છે. પબ એ સ્થાનિકો માટે મળવાનું, આનંદ કરવાનું કેન્દ્ર છે. પબની કલ્પના કરતાં જ આંખો સામે એક મનોહર ચિત્ર ઉપસે છે : રંગબેરંગી ફૂલોથી શોભતો નાનો બગીચો, લાકડાનું આકર્ષક માળખું, નળિયાવાળું છાપરું, અને તેની નીચે સુવ્યવસ્થિત લટકતાં રંગીન ફૂલછોડનાં કુંડા, બગીચામાં ગોઠવેલાં લાકડાનાં ટેબલ અને બેન્ચ જ્યાં લોકો બેસીને બિયર/વાઈનનાં નાના ઘૂંટ સાથે આરામથી વાતો કરી રહ્યા છે અને બાળકો બાજુમાં રમી રહ્યા છે. જૂનવાણી વસ્તુઓથી સજાવેલું ઇન્ટિરિયર છે જે વાતાવરણને અનોખો ઐતિહાસિક અહેસાસ આપી રહ્યું છે અને જલપરી જેવી કન્યાઓ દ્વારા પીરસાતો સ્થાનિક બિયર!
ભારતમાં આવેલા ‘બાર’ સાથે પબની તુલના બિલકુલ ન કરી શકાય. ભારતીય મૂલ્યોનાં ચશ્માં કાઢીને એ જોવું અને સમજવું જરૂરી છે કે ત્યાંનાં મૂલ્યો અલગ છે, અને અલગ મૂલ્યો ધરાવતી સંસ્કૃતિ પણ સંસ્કારી હોય છે.
લંડનના ઘણા પબ સાહિત્યિક ઇતિહાસ સાથે જોડાયેલા છે. Ye Olde Cheshire Cheese: આ ઐતિહાસિક પબ ચાર્લ્સ ડિકન્સ અને માર્ક ટ્વેઈન જેવા લેખકોનો પ્રિય હતો. The George Inn: શેક્સપિયરનો પ્રિય પબ માનવામાં આવે છે. આ ઉપરાંત The Museum Tavern, The Dog & Duck, The Seven Stars જેવા અનેક પબ પ્રખ્યાત લેખકો અને કવિઓ સાથે જોડાયેલા છે. ત્યાનાં ઉત્તમ ગણાતા સાહિત્યનું સર્જન કદાચ આવા કોઈ પબનાં ઓટલે થયું હોય એવું બની શકે!
યુ.કે. સરકારની મુખ્ય અને એકમાત્ર વેબસાઈટ www.gov.uk છે. જેમાં દરેક સરકારી વિભાગ દ્વારા મળતી સેવાઓની માહિતી, તથા તેને લગતા કાયદા અને પ્રક્રિયાઓ વિશેની તમામ વિગત એક જ જગ્યાએ એકત્રિત કરીને રજૂ કરેલી છે. આ વેબસાઈટની વિશેષતા એ છે કે તેમાં નાગરિકો તથા ઇમિગ્રાન્ટ્સને લગતા તમામ મુદ્દાઓને ખૂબ વ્યવસ્થિત રીતે આવરી લેવામાં આવ્યા છે. વીઝા, ઇમિગ્રેશન, ટેક્સ, નાગરિક-સુવિધાઓ, NHS, નોકરી-ધંધા-રોજગાર, જન્મ, મરણ, લગ્ન, અપંગ લોકોને મળતી સવલતો, ડ્રાઇવિંગ લાઇસન્સ, પરિવહન, શિક્ષણ, તાલીમ, પર્યાવરણ, પાસપોર્ટ, પેંશન વગેરે દરેક બાબતને લગતા તમામ પ્રશ્નોના જવાબ અહીંથી “આસાનીથી” મળી રહે છે. તેનું લેઆઉટ સામાન્ય માણસને માહિતી શોધવામાં સરળ બને તે રીતે તૈયાર થયું છે. ઉપયોગી માહિતી તથા નવી માહિતી ચોકસાઈથી અપડેટ થતી રહે છે. કોઈને કોઈ પ્રકારે મિસઇન્ફરમેશન ન મળે તેની પૂરતી તકેદારી રાખવામા આવે છે. આ વેબસાઈટ પર રાજકારણીઓના ફોટા ચમકાવી તેને મફત પ્રચાર-માધ્યમ તરીકે ઉપયોગમાં નથી લેવાતું. સામાન્ય માણસ સમજી ન શકે એ પ્રકારની ગૂઢ ‘સરકારી’ ભાષા તથા તે જ ભાષાવલીના રહસ્યમય સંક્ષેપિકરણ અહીં જોવા નથી મળતા. એક સામાન્ય માણસને કઈ રીતે વધુમાં વધુ મદદરૂપ બની શકાય એ ધ્યેયથી તેની રચના થયેલી છે. ભારતના દરેક ખાતાના અધિકારીઓને આ વેબસાઈટ એક કેસ-સ્ટડી તરીકે ભણાવવી જોઈએ, જેથી ખ્યાલ આવે કે માહિતી આપતી વેબસાઈટ કેવી હોવી જોઈએ.
સારામાં સારી ડોક્ટરી સેવા તથા હોસ્પિટલ ટ્રીટમેન્ટ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. યુ.કે.માં જો વસતા હો તો NHS(National Health Service)માં નોંધણી કરાવવી પડે છે. NHS એ યુ.કે.નું સરકારી આરોગ્ય સંસ્થાન છે. જ્યાં સારવાર નિઃશુલ્ક મળે છે, પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ નક્કી કરેલા કિફાયતી ભાવે જ મળે છે. આ સુવિધા એ સમયે તો ઘણી સારી ગણાતી હતી. અમે ખૂબ લાભ લીધેલો છે. અમારી દીકરીનો જન્મ ત્યાં જ થયો હતો. પ્રેગ્નન્સી દરમિયાન પ્રીનેટલ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં માતા-પિતા બંનેએ હાજર રહેવું પડે છે. ટ્રેનિંગના દિવસે બંનેને ચાલુ પગારે રજા મળે છે, જે સરકાર ભોગવે છે. આ ટ્રેનિંગમાં ગર્ભમાં બાળકના વિકાસથી લઈને ડિલિવરી માટે હોસ્પિટલ જવાના સંજોગો, બાળકની સંભાળ, દૂધ પીવડાવવું, ઉંચકવું, નેપી બદલવી, નવરાવવું વગેરે શીખવવામાં આવે છે, જેના માટે ઢીંગલીનો ઉપયોગ થાય છે. આનો ફાયદો મને અંગત રીતે ખૂબ થયો છે. બાળકનાં જન્મ સમયે પિતાને માતાની નજીક રહેવાનો આગ્રહ રાખવામાં આવે છે. અમારી દીકરીની ડિલિવરી મારી સામે જ થયેલી. ત્યાંનો પિતા બાળક સાચવવાની બાબતે ભારતની સરખામણીએ વધુ સજાગ, જવાબદાર અને સ્માર્ટ હોય છે. માત્ર માતા ઉપર બધી જવાબદારીઓ આવી પડતી નથી.
પૂજા અને હું એક વખત દક્ષિણ લંડનમાં એક કમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગ લોટમાંથી પસાર થઇ મુખ્ય રસ્તા તરફ ચાલીને જઈ રહ્યાં હતાં. પાર્કિંગમાંથી પસાર થતા એક ચાલુ કાર તરફ અમારી નજર ખેંચાણી જેમાં ત્રણેક જણા બેઠા હતા. તેનો ચાલક કારનું એક્સેલેટર સતત રૅવ કરી રહ્યો હતો. જાણે રેસ ચાલુ થવામાં હોય અને બંદૂકની ગોળી છૂટે ભાગવાનું હોય! અમે મુખ્ય રસ્તા સુધી પહોંચ્યાં ત્યાં એક બેંકની બહાર “ઈન ટ્રાન્સિટ કંપની”ની એક વેન ઊભી હતી. આ એવી એજન્સી હોય છે જે તમારી કિંમતી વસ્તુ અથવા રોકડા એક જગ્યાથી બીજી જગ્યાએ સલામતીથી પહોંચાડી આપે છે. મોટા સ્ટોર્સ પોતાની રોજની રોકડ બેંકમાં જમા કરાવવા આ સેવાનો ઉપયોગ કરતા હોય છે. તેના માણસો રોકડા / વસ્તુ મુકવા એક ખાસ પ્રકારની બ્રિફકેસ વાપરે છે. ઉપરાંત તેઓ એક ખાસ પ્રકારનો ગણવેશ તથા હેલ્મેટ ધારણ કરેલા હોય છે. એમની વેન એડવાન્સ ટ્રેકિંગ અને સલમતીની પૂરતી સુવિધાથી સજ્જ હોય છે. એક અશ્વેત છોકરો પેલી ખાસ પ્રકારની બ્રિફકેસ તે એજન્સીના માણસના હાથમાંથી આંચકીને ભાગે છે જે અમારી નજીકથી પસાર થઈ પેલા પાર્કિંગ લોટમાં અગાઉથી રૅવ કરી રહેલી ગાડીમાં ઘુસી જાય છે, ને પછી ગાડી મારી મુકતા એ લોકો ત્યાંથી ભાગી જાય છે. આ આખી ઘટના અમારી આંખ સામે બનેલી. ત્રણ-ચાર મિનિટમાં પોલીસ પહોંચે છે, વેન અને તેની આજુબાજુની જગ્યા રીબન બાંધી સિક્યોર કરે છે. અમે આ ઘટનાનાં સાક્ષી હોઇ ત્યાં નોંધ કરી રહેલા એક પોલીસ ઓફિસર પાસે સામેથી જઈએ છીએ. આ ઘટનામાં અમે જે કઈ જોયું તે જણાવીએ છીએ જેને તે બરાબર ડાયરીમાં નોંધી લે છે. નોંધ્યા પછી અમને પૂછે છે કે જો તમે તમારાં નામ-ઠેકાણાં-ફોન નંબર આપવા રાજી હો તો વધુ માહિતીની જરૂર પડ્યે અમારો સંપર્ક થઇ શકે. પણ સાથે ઉમેરે છે કે તે આપવું ફરજિયાત નથી જો અમારી મરજી હોય તો જ. અમે અમારા નામ-સરનામા ન આપવા બદલ ‘સોરી’ કહીએ છીએ ને તે અમને “It’s alright, thanks for your help!” કહી વિદાય આપી દે છે.
મારે ઓફિસ જવાના રસ્તે બ્રિટિશ પાર્લામેન્ટ આવતી. તેના ચોગાનને ફરતે કોઈ મોટી સીક્યોરિટી નથી જોઈ. કોઈ લાલ લાઈટવાળી ગાડી નથી જોઈ કે નથી જોઈ કોઈ લગ્ઝરી ગાડી. ત્યાંના રાજકારણીઓ સાઇકલ પર ફરતા હોય એ બહુ સામાન્ય ઘટના છે. પૂર્વ વડા પ્રધાન, બોરિસ જોન્સન જ્યારે લંડનના મેયર હતા ત્યારે સાઇકલ પર જ બધે ફરતા. હું યુ.કે.માં હતો એ દરમિયાન, નાગરિકતા ન હોવા છતાં વૉટર્સ લિસ્ટમાં નામ નોંધાવેલુ અને ત્યાંની સામાન્ય ચૂંટણીમાં મત પણ આપેલો છે. મતાધિકાર માટે ત્યાં નાગરિક હોવું જરૂરી નથી, જો તમે કોમનવેલ્થ દેશમાંથી આવેલા છો અને લાંબા સમયનો વિઝા છે તો મતદાર બનાવા માટે નોંધણી કરાવી શકો છો.
લંડન અંડરગ્રાઉન્ડ, જેને “ટ્યૂબ” તરીકે ઓળખવામાં આવે છે, તેની સ્થાપના 1863માં થઇ હતી જેમાં ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ સૌપ્રથમ 1890માં શરૂ થયો હતો. આ સમયે જમીનની સપાટીથી 5થી 12 મીટર નીચે ચાલતી, જ્યારે અત્યારે અમુક ટ્યૂબ સપાટીથી 70 મીટર સુધી નીચે દોડે છે. આ બાબત દર્શાવે છે કે ટેક્નોલોજીમાં આ દેશ કેટલો આગળ હતો. લંડન અંડરગ્રાઉન્ડ કે અન્ય કોઈ ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક બાબત તરત ધ્યાન ખેંચે છે : મોટી સંખ્યામાં લોકો પુસ્તકો વાંચવામાં ડૂબેલા હોય છે. બેસવાની જગ્યા ન મળે તો પણ ઊભા ઊભા પુસ્તકમાં ખોવાયેલા જોવા મળે. બસ કે ટ્રેનમાં વાંચન એ બ્રિટિશ સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે જેની પાછળ યુ.કે.ની જાહેર લાઇબ્રેરીઓની મહત્ત્વની ભૂમિકા છે. દરેક નાના ગામથી લઈને લંડનના દરેક વિસ્તારમાં જાહેર લાઇબ્રેરીઓ આવેલી છે, અનેક વિસ્તારોમાં તો એકથી વધુ પણ હોય. આ લાઇબ્રેરીઓ માત્ર પુસ્તકો જ નહીં, પરંતુ ગેમ્સ, ડી.વી.ડી., ઑડિયો બુક્સ, ફોટોકૉપી મશીન, મફત ઇન્ટરનેટ બ્રાઉઝિંગ જેવી સેવાઓ પણ પૂરી પાડતી. હવે તો ઘણું બદલાયું હશે. લોકો પોતાનાં બાળકોને અહીં લાવે, જેથી નાનપણથી જ વાંચનનો શોખ કેળવાય. જો તમને જોઈતું પુસ્તક ન મળે, તો લાઇબ્રેરી તે મેળવવાનો પૂરો પ્રયાસ કરે છે અને જરૂરી જાણકારી પણ આપે. મોંઘાં આલ્બમ-પ્રકારનાં પુસ્તકો પણ અહીં પુષ્કળ મળે. તમે 10થી 30 વસ્તુઓ લઈ શકો અને બે અઠવાડિયા સુધી રાખી શકો.
આ લાઇબ્રેરીઓમાં અંગ્રેજી ઉપરાંત અન્ય ભાષાઓનાં પુસ્તકો પણ ઉપલબ્ધ હોય છે. ખાસ કરીને વેમ્બલી જેવા વિસ્તારોમાં, જ્યાં ગુજરાતીઓની વસ્તી વધુ છે, ત્યાં ગુજરાતી પુસ્તકોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ હોય છે.
એ સમયે વૉટરસ્ટોન્સ અને બ્લેકવેલ જેવી બુકશૉપ ચેઇન ખૂબ લોકપ્રિય હતી. કેટલીક દુકાનો તો ત્રણ માળમાં ફેલાયેલી હોય, જ્યારે રેલવે સ્ટેશનો પર નાના બુક સ્ટૉલ જોવા મળતા. જો કે, આજે આમાંની મોટા ભાગની મોટી દુકાનો બંધ થઈ ગઈ છે.
ટ્રાફિક સેન્સ, સિવીક સેન્સ, હેલ્થ સર્વિસ, એજ્યુકેશન, હાઈજીન, હેલ્થ એન્ડ સેફટી, સોશિયલ અવેરનેસ, ક્વોલિટી કંટ્રોલ, ક્લીનલીનેસ, પોલીસ સર્વિસ, કોમ્યુનિટી સર્વિસ, પબ્લિક લાઈબ્રેરી, કાઉન્સિલ સર્વિસ, ટ્રાન્સપોર્ટેશન, પબ્લિક પાર્ક, પબ, કન્ટ્રી સાઈડ, લો એન્ડ ઓર્ડર, બી.બી.સી., ક્વીન, રોયલ ફેમીલી, કેસલ, પેલેસ, મ્યુઝિયમ, થેંક યુ, સોરી, ચીઅર્સ મેઈટ, વેધર ફોરકાસ્ટ, સુપરસ્ટોર, ફીશ એન્ડ ચિપ્સ, બીયર-વિસ્કી-વાઈન, યૂરો મિલિયન અને ફૂટબોલ એ બ્રિટિશ પ્રજાની સુઆયોજિત સોશિયલ સીસ્ટમના પ્રચલિત ઘટકો છે.
બ્રિટિશ પ્રજામાં એક અલગ સ્પાર્ક જોયો છે. એનર્જી, સાહસ, આત્મગૌરવ, સ્ટાઈલ અને ભારોભાર આત્મવિશ્વાસ એ આ પ્રજાની ઓળખ છે. અહીં લોકો ઓછું પણ ચોટદાર બોલે છે, શબ્દોનો વ્યભિચાર સામાન્ય રીતે ઓછો જોવા મળે છે. પ્રાઈવસી એ એમની પૂર્વશરત છે, જે સાચા અર્થમાં સામાજિક ક્રાંતિ છે. અન્યના જીવનની પંચાત કરવા માટેની ફુરસદો અને દિલચસ્પીઓને સામાજિક નાબૂદી મળી ચૂકી છે. સજ્જડ કાયદા-કાનૂનની આવશ્યકતા અંગેની સમજણમાં પ્રજા અને સરકારની ભાગીદારી તંદુરસ્ત છે. ફૂટબોલ એ એમની સામાજિક ચર્ચા છે અને લાઈફ-ફયુલ છે. અહીં સ્ત્રીઓ સ્વતંત્ર છે, પોતાની જિંદગી પોતાની મોજ પ્રમાણે જીવે છે. તેઓ પુરુષોની બદતમીઝી સાંખી લેતી નથી, જરૂર પડે સિંહણ સરીખું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. આમ છતાં અહીં સ્ત્રીઓનું સહજ સન્માન જળવાયેલું જોયું છે, પુરુષો પોતાનો સ્ત્રીદાક્ષિણ્યભાવ ચૂકતાં નથી.
‘થેંક યુ’ અને ‘સોરી’ એ ચોકલેટ-ટોફી છે. ‘થેન્ક યુ’ માટે એક અન્ય શબ્દ પ્રચલિત છે – ‘ચિયર્સ.’ જેને ‘થેન્ક યુ’નું ‘લાઈટ વર્ઝન’ પણ ગણી શકાય! જીવનની નાની-મોટી કર્કશતા ટાળવા સભાનપણે આ ટોફીની લહાણી ચારેકોર થતી જોવા મળે છે. વાણીમાં સહજ નમ્રતા છે. દરેક વ્યક્તિમાં ઇનબિલ્ટ આત્મગૌરવ છે. પોતાની રીસ્પેક્ટ મેળવવાની તીવ્ર ઝંખના બીજાને એ આપ્યાં વગર સંતોષી ન શકાય એવા ડહાપણને તેઓ પામી ચુક્યા છે. પણ જરૂર લાગે તો ખમી ન શકાય એ જાતના અપમાન પણ નમ્રતાથી જ કરી જાણે છે!
અહીંની ટ્રાફિક સેન્સ જોઈ કદાચ આપણને એવું લાગી શકે કે એ કોઈ સિક્સ્થ સેન્સ વગર શક્ય નથી ! આ માટેનું સામૂહિક ડહાપણ એ એમનાં કલ્ચરલ રૂટ્સનો પરિચય આપે છે. રસ્તાઓ સાંકડા હોવા છતાં વાહનો લયબદ્ધ મધ્યમ ગતિથી ચાલતાં હોય છે. રાહદારીઓને “રાઈટ ઓફ વે” મળે છે, જેનો અર્થ એ કે રસ્તા પર રાહદારીઓનો પહેલો હક ગણાય. જ્યાં-ત્યાં ઓવરટેક કરતા પાગલોથી આ સમાજ ઘણોખરો મુક્ત છે ! વિના કારણે હૉર્ન વગાડતા માનસિક બીમારો અહીં જોવા નથી મળતા. વિના લાઈસન્સે વાહન ચલાવવું એ એક મોટો ગુનો છે. યુ.કે.માં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા ડ્રાઇવિંગ શીખવાના લેસન્સ (ક્લાસ) લેવા જરૂરી છે. જેમાં ડ્રાઇવિંગ કરવાની સિસ્ટેમેટીક ટ્રેનીંગ મળતી હોય છે, જે માત્ર ટેસ્ટ નિપટાવવા માટે નહીં પણ ટ્રાફિકના નિયમો પાળવા કેટલાં જરૂરી છે એ સમજવા માટે પણ હોય છે. જેમાં રોડ સાઈન્સને સમજવી અને તેને આધીન રહીને કેમ ડ્રાઈવિંગ કરવું એ શીખવાડવામાં આવે છે. આપ બીજા રાહદારીઓ માટે સલામત છો કે નહિ એ નક્કી કરવું તે આ ડ્રાઈવિંગ ટેસ્ટનું પ્રધાન પરિબળ છે, આમાં બેનીફીટ ઓફ ડાઉટ મળી શકતો નથી. આ ટેસ્ટ લાગવગ કે પૈસા ખવરાવવાથી નીપટાવી શકાતો નથી. આર્મીના મેજર જેવું વ્યક્તિત્વ ધરાવતા પરીક્ષક વાહન અકસ્માતની સંખ્યાને કંટ્રોલ કરવાની જવાબદારી પોતાની હોય એવી ખુમારી સાથે કામગીરી બજાવે છે.
અહીંનું પોલીસ તંત્ર ગુંડા-માફિયા માફક પ્રજા સાથે બેફામ વર્તી શકતું નથી. પ્રજા માલિક છે અને માલિક સાથે વિનય-વિવેક જાળવવાની ડ્યુટી તેઓ સારી રીતે સમજે છે. તેથી ગુનેગારને પણ કડક, છતાં નમ્રતાપૂર્વક કહેવામા આવે છે, “આ’મ અફ્રેઈડ સર, વી વીલ હેવ ટૂ અરેસ્ટ યુ !” લોકો જાગેલા છે માટે પોતાના અધિકારો ભોગવવામાં કોઈ કસર નથી છોડતા. અને એ જ કારણ છે કે ત્યાં સરકારને પણ સજાગ રહીને પોતાની કામગીરી નિભાવવી પડે છે. સરકારની કામગીરીમાં ટ્રાન્સપેરંસી જોઈ છે, મીડિયાએ જવાબદારીપૂર્વક વર્તવું પડે છે, અને વર્તે છે. સરકારી કર્મચારીઓની તુમાખી ચાલી શકતી નથી. લોકોમાં ગજબની દેશદાઝ છે, જે તેમના વર્તન તથા કામગીરીમાં દેખાય છે. તેથી ગળા ફાટી જાય તેવા અવાજે દેશ-ભક્તિનાં ગીતો ગાવાની જરૂર રહેતી નથી!
હાઇજીન અને સિવિક સેન્સ એ એવી ચીજો છે જે દરેક બ્રિટિશરને વારસામાં મળે છે. રસ્તા હોય કે પબ્લિક પાર્ક હોય, પબ્લિક ટોઇલેટ હોય કે ઘરનું રસોડું હોય, બેડરૂમ હોય, બાથરૂમ હોય કે ઘરનું ગાર્ડન હોય, ગંદકીની સજાગપણે ગેરહાજરી જોઈ છે. રેલવે સ્ટેશનો તથા પબ્લિક ટોઇલેટો દુર્ગંધ-મુક્ત જોયા છે. ભારતમાં આ વિષયને બાલમંદિરથી માંડીને માસ્ટર્સ ડિગ્રીના તથા સરકારી નોકરીની દરેક એન્ટ્રન્સ ટેસ્ટના અભ્યાસક્રમોમાં સમાવી લેવો જોઈએ. આપણે ભલે આપણા ભવ્ય વારસાનાં અભિમાનમાં રાચીએ, પણ સિવિક સેન્સ વગર આ વારસો કોઈ જ કામનો નથી. સામાન્ય રીતે ગુજરાતીઓ ત્યાં રહી કંઈક નવું શીખવાના બદલે પોતાની વલ્ગર રીતભાતો વડે ત્યાંની સભ્યતાની એસીતેસી કરતા વધુ જોયા છે, અને ઉપરથી આવું કરવામાં ગૌરવ અનુભવે છે. લંડનનું વેમ્બલી પરુ ગુજરાતીઓનાં આવા દુરાચાર માટે કુખ્યાત છે. પાનની પિચકારી ન મારવા અંગે જાહેરમાં ગુજરાતી ભાષામાં નોટિસો લગાવેલી જોઈને એક ગુજરાતી તરીકે ખૂબ શરમ અનુભવી છે.
અહીંના સ્થાનિકો જાહેર સ્થળોએ બોલવા ચાલવા ઉપર કાબૂ રાખે છે. મોબાઈલ ફોન ઉપર જાહેરમાં જોર જોરથી વાતો-ખીખિયાટા કરવાનો આતંકવાદ નથી. બીજાની પ્રાઈવસી તથા જાહેર જીવનની રીધમ તોડવામાં પોતાને ‘ક્ષોભ’ થવો જોઈએ એ તેમની ફળદ્રુપ સમજણ છે અને આ અંગેની કાળજી સર્વત્ર વર્તાય છે. સામાજિક જીવનમાં એક ડીસીપ્લીન છે અને બીજાને અગવડરૂપ ન બનવું જોઈએ એવો શિષ્ટાચાર છે. આપણાં લોકો આ રિધમ ત્યાં જઈને વારંવાર તોડતા હોય છે. જેના પરિણામે અમુક સ્થાનિક લોકોની આંખમાં આવા લોકો ખૂંચે એ સ્વાભાવિક છે. રંગભેદ કે જાતિભેદ થાય છે એવી ફરિયાદ આપણે ભરતીયો કઈ રીતે કરી શકીએ એ સમજાતું નથી! દુનિયાના સૌથી મોટા જાતિભેદવાળા તો આપણે પોતે જ છીએ. ત્યાં જાતિ કે રંગ કરતાં વધુ મોટો મુદ્દો સંસ્કૃતિભેદનો છે. ત્યાંના લોકોને ઘોંઘાટ અને ગંદકી ફેલાવતા લોકો માટે તિરસ્કાર થાય તો એમાં નવાઈ લાગવા જેવું શું છે?
એક વાત બહુ સ્પષ્ટ છે – આપણા દેશમાં નાગરિક તરીકે સામાજિક સન્માન, બંધારણીય અધિકારો, સરકારી સવલતો, વિનામૂલ્યે ઉત્તમ આરોગ્યની સુવિધા, મજબૂત કાયદો અને વ્યવસ્થા, ચોખાં હવા-પાણી, ભેળસેળ વિનાનો ખોરાક અને સર્વત્ર ચોખાઈ ક્યારે ય મળ્યા નથી, એ યુ.કે.માં નાગરિક ન હોવા છતાં માંગ્યા વગર મોજથી ભોગવ્યા છે.
E.mail : curiofact@gmail.com
પ્રગટ : “સાર્થક જલસો – ૨૩”; ઑક્ટોબર 2025; પૃ. 95-106
![]()

