
આશા બૂચ
ફરી ગાંધી નિર્વાણ દિન આવી પહોંચ્યો. ગાંધીને યાદ કરવા પડશે, એમની સમાધિ પર ઉછીની લાવેલી સૂતરની આંટી પહેરાવવી પડશે. શું કરીએ, ત્રણ ત્રણ ગોળી મારી 78 વર્ષો પહેલા કાયમ માટે શાંત કરી દીધા તો ય દુનિયા આખી એ મહાત્માને ભૂલતી જ નથી, એટલું જ નહીં, તેમના વિચારોને હજુ વધુ ને વધુ સુસંગત માનીને અનુસરવા કોશિશ કરવા માંડી છે. એટલે લાજે શરમે પણ આપણે એક દિવસ પૂરતો એમને આદર આપ્યાનો દેખાવ કરવો પડશે.
આજના દિવસે ભારતના સર્વોચ્ચ પદે વિરાજતા મહામહિમ વડા પ્રધાન અને અન્ય નેતાઓ મનમાં આમ વિચારીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપવાની ઔપચારિક વિધિ કરતા માલૂમ પડશે.
ખરેખર તો ગાંધીની હત્યા કોણે કરી એ પૂછવાનું હોય જ નહીં. નથુરામ ગોડસેના હાથે ગાંધીજીની છાતી પર ત્રણ ગોળી છૂટી અને ‘હે રામ’ના ઉચ્ચાર સાથે પ્રાણ તજ્યા એ તો જગ જાહેર ઘટના છે. તો હવે બીજા ગુનેગાર આટલાં બધાં વર્ષો પછી શોધવા જવાનું કારણ?
ભારતમાં વરિષ્ઠ પ્રાધ્યાપક રહી ચૂકેલા બ્રિજમોહન હેડા હાલમાં કેલિફોર્નિયામાં રહે છે. તેમણે ગાંધી વિશે લખાયેલાં ઘણાં પુસ્તકોનો મરાઠીમાં અનુવાદ કર્યો છે. તાજેતરમાં તેમના દ્વારા લિખિત 2nd October 1947… The last birthday of Mahatma Gandhi લેખ વાંચવામાં આવ્યો અને આ સવાલે મારા મનનો કબજો જમાવ્યો.
ભારતે સંપૂર્ણ અહિંસક માર્ગે આઝાદી મેળવી. તેને માટે આપણે ગાંધીજી અને તેમના અનુયાયીઓને યશ આપતા આવ્યા છીએ. આઝાદી બાદ ભારતની સરકાર અને પ્રજાએ અહિંસક માર્ગે શાસન ચલાવ્યું છે એમ કહી શકાશે? તો આપણું દેશનું સુરક્ષાનું અંદાજપત્ર શિક્ષણ અને સ્વાસ્થ્યનાં અંદાજપત્ર કરતાં મોટું ન હોત. તો આપણા પાડોશી દેશો સાથે સુમેળભર્યા સંબંધો વિકસ્યા હોત. તો આપણી પાસે અણુશસ્રોની માલિકી ન હોત.
થયું એવું કે લોહીનું એક પણ ટીપું વહાવ્યા વિના ભારતે સ્વતંત્રતા હાંસલ તો કરી, પણ તે પછી તરત રાષ્ટ્રની ધુરા સંભાળનારા નેતાઓ દેશનું સૈન્યબળ મજબૂત કરવા લાગ્યા. તેમને મન દેશની સુરક્ષા સક્ષમ સૈન્ય દળમાં રહેલી છે. આમ માનવાનું કારણ સીધું ને સટ છે. ખરા અહિંસક માર્ગે ચાલવા માટે દરેક નાગરિક અને નેતાગણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભાઈચારાની અને સમાનતાની ભાવના વિકસાવવાની તાકાત હોવી જોઈએ અને મન, વચન, કર્મથી તેનું પાલન કરવાની તમન્ના હોવી જોઈએ. ગાંધીજી પોતાના પ્રાર્થના પ્રવચનોમાં આવો સમાજ રચવાની ચાવી બતાવતા, પણ એમનું સાંભળે કોણ? એવું ચારિત્ર્ય ઘડતર કરવું એ કઠિન કામ છે. જ્યારે પ્રજા અને દેશના નેતાઓ પોતાની સુરક્ષા માટે શસ્ત્રો પર આધાર રાખતા થાય ત્યારે તેમને નૈતિક રીતે વર્તવાની કોઈ જરૂર ન પડે, માત્ર તેવો દેખાવ કરો તો ચાલે.
આઝાદી મેળવવામાં કાઁગ્રેસનું મહત્ત્વનું પ્રદાન રહ્યું હતું, પરંતુ દેશને મુક્તિ મળતાં જ એનું કામ તો પૂરું થઇ ગયું. આથી જ તો ગાંધીજીએ તેને બરખાસ્ત કરી દેવાનું સૂચવેલું. પરંતુ કાઁગ્રેસ કાર્યકર્તાઓને પોતે મેળવેલી આઝાદીના ફળ ચાખવાની એષણા જાગી, એટલે સ્વતંત્રતા મળેવવાના સાધન(અહિંસા)ની પવિત્રતા હવે કાળબાહ્ય લાગવા માંડી. અને ભારતનો વહીવટ અન્ય લોકશાહી દેશોની માફક સર્વ સાધારણ રીતે ચાલવા લાગ્યો. ગાંધીજીએ સ્વતંત્રતા અપાવી એ યાદ રાખ્યું, તેમના ઉસૂલોને તેમના અસ્થિ સાથે ગંગામાં વિસર્જિત કરી દીધા. અસ્થિ વિસર્જન તો ગાંધીજીના અનુયાયીઓએ કરેલું ને?
ગાંધીજીને સ્થૂળ દેહ ધારક એક વ્યક્તિ તરીકે નહીં પણ એક આર્ષદૃષ્ટા તરીકે પહેચાનીએ. તેમની ઓળખ 11 વ્રત અને 18 રચનાત્મક કાર્ય દ્વારા આપી શકાય. છેલ્લા સાત દાયકામાં ભારતે આ બંને વિચારધારાઓને એક બાજુ હડસેલી દીધી એમ નથી લાગતું? વ્યક્તિનો દેહાંત કાં તો કુદરતની મરજીથી થાય અથવા માનવીય હિંસાથી થાય. પણ તેના વિચારોનું હનન તેને ન અનુસરીને થાય. તો, મારો સવાલ એ છે કે નથુરામ ગોડસેએ ગાંધીજીના દેહની હત્યા કરી, એમ માનીને એ દુનિયા તેને ભૂલી જશે. પણ તેમના વિચારો, આદર્શો અને આદેશોને ન અનુસરીને તેમની સૂક્ષ્મ હિંસા કરવા માટે આપણને આવનારી પેઢી માફ કરશે?
ગાંધીજીના જીવનનાં છેલ્લાં પાંચેક વર્ષોમાં એમના જ નિકટના સાથીદારો અને આમ જનતા એમની વાતો સાંભળતા નહોતા અને દેશની જે અવદશા થઇ રહી હતી એ જોઈને એમનું હૃદય અત્યંત દૃવી જતું એ જાણીએ છીએ. નહીં તો ઈશ્વર પર અડગ શ્રદ્ધા ધરાવનારા ગાંધીજી ‘હે ઈશ્વર, કાં મને અત્યારે જે કંઈ બની રહ્યું છે એ બદલવાની શક્તિ આપ, નહીં તો મોત આપ.’ એવી પ્રાર્થના કરે? એટલું ન નહીં, લેડી માઉન્ટબેટન એમના જન્મદિવસ નિમિત્તે દેશ અને આખી દુનિયામાંથી આવેલા પત્રો અને તાર લઈને ગયાં ત્યારે પણ તેમણે કહ્યું, “મારી આસપાસ આટલી આગ ફેલાઈ રહી છે ત્યારે હું મારો જન્મદિવસ કેવી રીતે ઉજવું? એટલે કાં તો આ આગ બુઝાવો, અથવા પ્રાર્થના કરો કે ઈશ્વર મને તેની પાસે બોલાવી લે.” તો ગાંધીજીની આ વેદના ભરી સ્થિતિ માટે શું તેમના નિકટના સાથીઓ અને જેને માટે લડતા રહ્યા એ પ્રજા જવાબદાર નથી?
ગાંધીજી માટે વિદેશી શાસનની ધૂંસરીમાંથી મુક્તિ મેળવવી જેટલું મહત્ત્વનું હતું એટલું જ, કદાચ એથી પણ વધુ મહત્ત્વનું હતું ભારતની પ્રજામાં ઐક્યની ભાવના કેળવવી અને તેને સામાજિક દૂષણોથી મુક્ત કરવી. આથી જ તો 15 ઓગસ્ટ 1947ને દિવસે દિલ્હીમાં આઝાદીનો જશન માણવાને બદલે તેઓ નોઆખલીમાં કોમી દાવાનળને શમાવવા ઘૂમી વળેલા. વલ્લભભાઈ પટેલ સાથે ગાંધીજીનો નિકટનો નાતો. મતભેદ ખુલ્લા દિલે વ્યક્ત કરી શકે, સાથે બેસીને અત્યંત મહત્ત્વના નિર્ણયો લઇ શકે, સરદાર તેમની ટીખળ કરી શકે અને ગાંધીજી તેમની પાસે દુઃખ પણ વ્યક્ત કરી શકે તેવો. પોતાના છેલ્લા જન્મદિવસે તેઓ સરદારને પૂછી બેઠા, “મેં એવો કયો ગુનો કર્યો, કે મારે આ દુઃખના દહાડા જોવા પડે છે?” એ સાંભળીને મણિબહેન પટેલે નોંધ્યું, “અમે ઉત્સાહ અને ઉમંગ સાથે બાપુને મળવા ગયેલા, પણ ભારે હૃદયે પાછા આવ્યા.” એમના હૃદયમાં વેદના સિવાય કશું નહોતું. આજે તેઓ એકલા પડી ગયા હતા. તેમને પ્રજા પાસેથી માત્ર એમ જ સાંભળવા મળતું હતું કે એ લોકો મુસ્લિમોને સ્વતંત્ર ભારતમાં નહીં રહેવા દે. (આજના માહોલ સાથે 1947ના પ્રજાના વલણમાં સામ્ય વર્તાય છે). એવી વેદનાભરી ક્ષણોમાં ગાંધીજી તેમને અભિનંદન પાઠવતા પત્રો કેવી રીતે સ્વીકારી શકે? એમને મન તો એ આશ્વાસન પાઠવવાનો સમય હતો. તે વખતે બાપુએ લોકોને પોતાના દિલ-દિમાગમાંથી ધિક્કારની લાગણી દૂર કરીને હૃદયને પાવન કરવા વિનંતી કરી હતી. આજે તેઓ હયાત હોત તો પણ એ જ શબ્દો કહેત. ત્યારે આપણે એમની વાત ન સાંભળી. એક આદમીએ એ અવાજને કાયમ માટે શાંત કરી દીધો. આજે પણ આપણે ગાંધીજીની વાતને અવગણીએ છીએ. હવે તેમનો પાર્થિવ દેહ નથી રહ્યો, પણ આપણે તેમના વિચારોના તો હત્યારા ઠરીએ ને?
ભારતને સ્વતંત્રતા મળી એ ખરું, પણ જે લોકોએ ભારતને એક અખંડ દેશ રાખવા મથામણ કરેલી તેમને માટે તેના ભાગલા પડ્યા અને એક ઘરમાં વસતી બે કોમ વચ્ચે કાયમી વેરનાં વાવેતર થયાં એ ભારે વેદના જીરવવી ઘણી મુશ્કેલ હતી. તેમાં ય સહુથી વધુ વેદના ગાંધીજીની હતી, કેમ કે તેઓ તો આપણા ‘બાપુ’ હતા, ‘મહાત્મા’ હતા ને? કયો પિતા પોતાના સંતાનોને એકબીજાના ગળાં કાપતા જોઈને ચૂપ બેસી રહે? કદાચ ભારતના કોઈ સ્વાતંત્ર્યવીર કે પ્રજાજનોમાંથી કોઈએ સર સ્ટાફર્ડ ક્રિપ્સે જે લખ્યું તે ગાંધીજીને કહ્યું નહોતું. સર સ્ટાફર્ડ ક્રિપ્સ દૂરથી ભારતના ભાગલા પડતા જોઈ રહ્યા હતા, દેશ કપરી કસોટીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેમણે ગાંધીજીને જાણી જોઈને કોઈ સંદેશો નહોતો મોકલ્યો. કદાચ ભારતની આ દુઃખદ હાલત માટે બ્રિટિશ સરકારનો જે ફાળો હતો તેને તેઓ નજરઅંદાજ નહીં કરી શક્યા હોય. પરંતુ તેમણે નોંધ લીધેલી કે ઈંગ્લેન્ડમાં ગાંધીજીની બુરાઈ સામે ભલાઈ વર્તવાની નીતિની ઘણા લોકોએ સરાહના કરી હતી; અને તેની જાણ તેમણે ગાંધીજીને કરી પણ ખરી. વધુમાં સર સ્ટાફર્ડ ક્રિપ્સે કબૂલ્યું કે બ્રિટને ભૂતકાળમાં કરેલી ભૂલોને કારણે આજની (1947ની) હિંસક અને અશાંત સ્થિતિ સર્જાઈ તેને માટે તેઓનો આત્મા ડંખે છે અને સતત પીડા ભોગવે છે. એટલું જ નહીં, તેમણે ભારતને તેના ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી અને એ કોમી દાવાનળ ઓલવાઈ જશે તથા ફરી બે દેશો એક બની જશે એવી ભાવના વ્યક્ત કરી હતી!
આપણામાંથી કોઈએ સર સ્ટાફર્ડ ક્રિપ્સ જેવી હમદર્દી તે સમયે ગાંધીજી પ્રત્યે દર્શાવી હતી કે વર્તમાનમાં વિષમ પરિસ્થિતિને પડકારતા વીરલાઓ માટે દર્શાવી છે? આપણે ભારત-પાકિસ્તાન વચ્ચે ઐક્ય તો શું, દોસ્તીનો સંબંધ પણ કેળવી ન જાણ્યો.
તો મારો સવાલ એ છે કે ગાંધીની હત્યા માત્ર 30 જાન્યુઆરીને દિવસે નાથુરામ ગોડસેએ કરી, કે એમની હયાતીમાં અને ત્યાર બાદ એ વિચારોને અમલમાં ન મૂકીને આપણે સહુએ એક ઉમદા વિચારધારાનું હનન કરવામાં ભાગ ભજવ્યો?
જો ગાંધી વિચારની આજના યુગમાં સુસંગતતા જોનાર વર્ગ એ માર્ગદર્શક સિદ્ધાંતોને અમલમાં મૂકતા નહીં થાય તો ગાંધીજીના હત્યારાને પગલે ચાલતો વર્ગ એ હત્યાને વ્યાજબી ઠરાવી દેશે. ગોડસે એક અત્યંત પવિત્ર દેહની હત્યા કરનારો અને આપણે સહુ એક અજોડ માર્ગદર્શકના ચીંધેલા માર્ગે ન ચાલીને તેમના આત્મબળને હણનારા કહેવાશું.
ગાંધી ચિંધ્યા 11 વ્રતોમાંથી કોઈ પણ બે વ્રત લઈને તેનું પાલન કરતા થઈએ અને 18 રચનાત્મક કાર્યમાંથી કોઈ પણ બે કાર્ય કરવામાં રોજિંદા જીવનમાંથી થોડો સમય ફાળવીએ તો ગાંધી નિર્વાણ દિને તેમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે.
જય જગત!
e.mail : 71abuch@gmail.com
![]()

