
રવીન્દ્ર પારેખ
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની કામગીરીમાં BLOને BLOW પડતો હોય તેવી સ્થિતિ છે. બૂથ લેવલ ઓફિસર(BLO)ની કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ થયો છે, ત્યાં મહિનાઓથી તેઓ શાળાઓમાં જઈ શક્યા નથી, એટલું જ નહીં, શિક્ષકો શાળામાં ન જાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શિક્ષકને ઈરાદાપૂર્વક શાળાથી દૂર રાખવાનું દબાણ કદાચ પહેલીવાર આટલાં પ્રમાણમાં તંત્રો દ્વારા થયું હશે. વારુ, ચૂંટણી પંચ દ્વારા જે કામગીરી મતદાર યાદીની સુધારણા માટે થઈ છે, તેમાં મોટે ભાગે તો બગાડો જ બહાર આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં SIRની ડ્રાફ્ટ યાદી જાહેર થઈ, તેમાં જૂની મતદાર યાદીમાંથી 2.89 કરોડ નામો કાપી નાખવામાં આવ્યાં છે. આ નામ પહેલાં 15.44 કરોડ હતાં જે હવે 12.55 કરોડ રહ્યાં છે. એમાં જે ગુજરી ગયાં કે બહાર ગયાં તેમનાં નામ કપાય, તે સમજી શકાય એમ છે. એવાં નામો 46.23 લાખની આસપાસ છે. પણ, બીજા નકલી કે ડુપ્લિકેટ 25.47 લાખ હતા. એ સિવાય બીજા 2.17 કરોડ મતદારોનો કોઈ ટાળો જ નથી મળતો. સવાલ તો એ છે કે આટલી મોટી સંખ્યામાં બોગસ મતદારો ઘૂસી ગયા ત્યાં સુધી ચૂંટણી પંચ ક્યાં હતું? કોની સેવામાં હતું? એ ખરું કે બીજા કેટલાંક નામો નીકળ્યાં તેમાં વિધર્મીઓ મુખ્ય છે.
ગુજરાતની વાત કરીએ તો 5.08 કરોડ ફોર્મ વહેંચાયાં છે, જેમાંથી 4.32 કરોડની ચકાસણી થઇ ગઈ છે. એમાં પણ 67.98 લાખનું મેપિંગ થઈ શક્યું નથી. 2025ની યાદીમાં નામ છે, પણ 2002ની યાદીમાં નામ મેચ થતું નથી. મતદારો બંનેમાં હોય એવાં નામો 1,61,55,411 છે. બાકીનાઓએ ચૂંટણી પંચ સમક્ષ પુરાવાઓ રજૂ કરવા પડશે. 11 રાજ્યોની SIRની કામગીરી પૂરી થઈ ગઈ છે. ફાઈનલ ડ્રાફ્ટ રોલમાંથી ૩.69 કરોડ મતદારોનાં નામ દૂર થયાં છે. મધ્ય પ્રદેશમાં 42.74 લાખ, છત્તીસગઢમાં 27.34 લાખ, કેરળમાં 24.08 લાખ, અંદામાન અને નિકોબાર દ્વીપમાં ૩.10 લાખ, પશ્ચિમ બગાળમાં 58.20 લાખ, રાજસ્થાનમાં 41.85 લાખ, ગોવામાં 11.85 લાખ, પુડુચેરીમાં 1.૦૩ લાખ, લક્ષદ્વીપમાં 1616, તમિલનાડુમાં 97 લાખ, અને ગુજરાતમાં 73 લાખ મતદારોનાં નામ કપાયાં છે.
આમાં BLOની કામગીરી ટેન્શનથી મુક્ત નથી. દેશમાં કેટલા ય BLOએ કામગીરીનાં દબાણમાં આત્મહત્યા કરી છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૩ BLOએ આત્મહત્યા કરી છે. એમાં સૌથી વધુ 9 મધ્ય પ્રદેશમાં છે. યુ.પી.-ગુજરાતમાં એ સંખ્યા 4-4 છે. આ આત્મહત્યાઓ પાછળ જવાબદારીને નક્કી સમય મર્યાદામાં પૂરું કરવાનું દબાણ તો હતું જ, પણ BLO પર રાજકીય દબાણ પણ ઊભું કરવામાં આવ્યું ને એ પણ આત્મહત્યામાં પરિણમ્યું. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં BLO અને શિક્ષક વિપિન યાદવે ઝેર ખાઈને આપઘાત કરેલો, ત્યારે તેના પિતા સુરેશ યાદવે જણાવેલું કે દીકરાએ મરતા પહેલાં ફોન પર કહ્યું હતું કે SDM અને BDM મતદાર યાદીમાંથી OBC મતદારોનાં નામ હટાવવા અને સામાન્ય વર્ગના નામ વધારવા માટે દબાણ કરી રહ્યા છે. BLOએ તેમ કરવાની ના પાડી તો તેને સસ્પેન્શનની ને ધરપકડની ધમકીઓ આપવામાં આવી. વિપિનની પત્નીએ પણ જણાવેલું કે અધિકારીઓ ‘આધાર’ ન આપનારાઓનાં નામ પણ જોડવાનું દબાણ કરતા હતા. એ બધાંને લીધે વિપિન ખૂબ દબાણમાં આવતાં તેણે આત્મહત્યા કરી હતી.
આવું દબાણ જયપુરના એક BLOએ પણ અનુભવ્યું છે. BLO કીર્તિકુમાર શર્માનું કહેવું છે કે જયપુરના પૂર્વ કાઉન્સેલર સુરેશ સૈનીનો ફોન આવ્યો, જેમાં તેમણે કહ્યું કે જયસિંહપુરા વિસ્તારના વોર્ડ નમ્બર 13નાં 467 નામ સામે જે વાંધો લેવામાં આવ્યો છે, તેના પર વિચારણા કરો. આ નામોને ભા.જ.પ. રદfd કરવા માંગે છે, એવું પણ સૈનીએ કહ્યું. BLOનું માનવું છે કે મુસ્લિમ મતદારોને હટાવવા આવું કરાવાઈ રહ્યું છે. આનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં સૈની કહે છે કે જો BLO આ ‘વસ્તી’નાં તમામ નામો હટાવી દે તો ભા.જ.પ.ના ધારાસભ્ય, બાલમુકુન્દ આચાર્ય થઈ શકે એમ છે. કીર્તિકુમાર શર્મા પાસે મતદાર યાદી વેરિફિકેશનનું કામ હતું એટલે સૈનીએ આ વાત શર્માને કહી ને ધમકી પણ આપી કે આ ન થાય તો સસ્પેન્શન માટે તૈયાર રહેવું. જવાબમાં કીર્તિકુમાર શર્માએ રોકડું પરખાવ્યું કે ફાંસીએ લટકાવી દો તો પણ નામ રદ્દ નહીં કરું.
આ મામલે વિપક્ષોનું માનવું છે કે ચૂંટણી પંચ ભા.જ.પ.ના વફાદાર તરીકે વર્તી રહ્યું છે. કાઁગ્રેસ સહિતના વિપક્ષો તો SIRને શંકાથી જ જોઈ રહ્યા છે. SIRની કામગીરીમાં લાખો નામ નીકળી ગયાં છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી તો સ્પષ્ટ કહે છે કે ભા.જ.પ. SIRને નામે પછાત, દલિત, ગરીબ મતદારોને હટાવીને પોતાને અનુકૂળ આવે એવી મતદાર યાદી તૈયાર કરાવવા માંગે છે. જો કે ભા.જ.પ.ના સાંસદ સુધાંશુ ત્રિવેદી રદિયો આપતા જણાવે છે કે વિપક્ષે પહેલાં EVM પર આરોપો લગાવ્યા ને હવે મતદાર યાદી પર આરોપો લગાવે છે.
ગુજરાતમાં પણ ખોટી રીતે મતદાર યાદીમાં મતદારોના નામ રદ્દ કરવાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે મતદાર યાદીની ચકાસણી બાદ, છેલ્લા બેત્રણ દિવસમાં ભા.જ.પે. 9,58,000થી વધુ અરજીઓ મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે દાખલ કરી છે. (બાપુનગર, ખંભાળિયા, રાજકોટ, કચ્છ વગેરે વિસ્તારોમાંથી હજારો અરજીઓ એક સાથે દાખલ કરવાનું પણ શંકાસ્પદ છે) 73.73 લાખ મતદારો હટાવ્યા પછી પણ 9.58 લાખ મતદારો રદ્દ કરવાનું ભા.જ.પ.ના ઈશારે થઈ રહ્યું હોવાનું ઇસુદાન ગઢવીનું માનવું છે. તેમણે અધિકારીઓને ચેતવ્યા છે કે રાજકીય દબાણ હેઠળ ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાં ફેરફાર થશે તો આમ આદમી પાર્ટી કાનૂની કાર્યવાહી કરશે. કચ્છમાં પણ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરીમાં 13,000 મુસ્લિમ મતદારોનાં નામ કમી કરવાનો ખેલ શરુ થતાં કાઁગ્રેસ અને મતદારો ચોંકી ગયાં છે. આ અંગે ફરિયાદ થતાં કચ્છ જિલ્લા ભા.જ.પ. અને ચૂંટણી અધિકારી એવા કચ્છ કલેકટરે કોઈ જાહેર ખુલાસો ન કરતાં કામગીરીની તટસ્થતા સંદર્ભે પ્રશ્નો ઊઠ્યા છે.
હાલ 11 રાજ્યોમાં ચૂંટણી પંચ મતદારોનું વેરિફિકેશન કરે છે, ત્યારે પશ્ચિમ બંગાળ દ્વારા આ વેરિફિકેશનને સુપ્રીમમાં પડકારવામાં આવ્યું છે, જેની સુનાવણી દરમિયાન સુપ્રીમે ચૂંટણી પંચને ફટકાર લગાવતા કહ્યું કે તમે વેરિફિકેશન દરમિયાન એક કરોડથી વધુ મતદારોને બહાર કર્યા છે અને ખરાઈ માટે નોટિસો મોકલી છે. એને લીધે લોકો કેવા તનાવ અને મુશ્કેલીમાં છે તે સમજાવું જોઈએ. સુપ્રીમે આદેશ આપ્યો છે કે સવા કરોડ લોકોની યાદી તાલુકા ઓફિસ, ગ્રામપંચાયત અને વોર્ડ ઓફિસમાં નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે, તે સાથે જ જેમને નોટિસો મોકલવામાં આવી છે, તેમને જવાબ રજૂ કરવા પૂરતો સમય આપવામાં આવે. સુપ્રીમમાં તૃણમૂલ તરફથી હાજર રહેલ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સરનેમની સ્પેલિંગ મિસ્ટેક જેવાં કારણે પણ, લોકોને નોટિસ આપવામાં આવી છે. ચૂંટણી પંચના વકીલે એક કિસ્સો ટાંકતાં કહ્યું કે એક દીકરા અને તેની માતા વચ્ચે 15 વર્ષનું જ અંતર છે. આ મુદ્દે સુપ્રીમના ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ ઝાટકણી કાઢતાં કહ્યું કે માતા-પુત્ર વચ્ચે 15 વર્ષનું અંતર હોય તેમાં વાંધો શો છે? ભારતમાં બાળલગ્નો થતાં હોય એ સંજોગોમાં 15 વર્ષનો તફાવત અશક્ય નથી. બાલવિવાહ પણ કડવી વાસ્તવિકતા છે ને તેને તે રીતે જ મૂલવવી જોઈએ. એક કરોડથી વધુ લોકોને નોટિસ મોકલવી, નાની વાત નથી. સુપ્રીમના આદેશમાં તૃણમૂલને પોતાની જીત દેખાઈ ને તેમના સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું કે ભા.જ.પ.નો SIRનો પશ્ચિમ બંગાળનો ખેલ ખતમ થઇ ગયો છે.
મતદાર યાદી સુધારણાનું લક્ષ્ય તો યાદી સ્વચ્છ અને અધિકૃત કરવાનું છે. તેને બદલે જે ચાલી રહ્યું છે તે તો ગંદકી વધારનારું જ છે. આ બધા તાયફા પરથી એવું લાગે છે કે SIRની કામગીરી વેરિફિકેશન કરતાં પણ, વધારે તો સત્તાધારી પક્ષને જે જે નડતર રૂપ છે તેવાં જાતિ-કોમને મતદાર યાદીમાંથી રદ્દ કરાવીને પક્ષની જીત પાકી કરી લેવાની છે. આમ તો અત્ર તત્ર સર્વત્ર ભા.જ.પ.ની જ બોલબાલા છે, તો આવાં કાવતરાં કરીને તે પોતાની છાપ બગાડવા કેમ મથે છે, તે સમજાતું નથી. ભા.જ.પ. પાસે શક્તિશાળી ને સંપીલા નેતાઓ છે જ ને વિપક્ષમાં એવા વફાદારોનો દુકાળ છે, પછી મતદાર યાદી જોડે ચેડાં કરાવવાનો મતલબ પ્રતિષ્ઠાને દાવ પર લગાવવાથી વિશેષ શું છે? આનાથી બચવું જોઈએ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જાન્યુઆરી 2026
![]()

