શિક્ષણ –
છતે સ્વરાજે ‘લોકશક્તિ’નું આ ‘લાવણ્ય’!
માંડ માંડ સ્થાયી શિક્ષક મળ્યા હતા … હવે કહે છે કે કથિત બાલમિત્રથી રોડવી લો : પૈસા નથી (એન.ઈ.પી. 2020ની જાહેરાતોમાં ખરચાઈ ગયા એટલે સ્તો ?), હાય અમૃતપર્વ !

પ્રકાશ ન. શાહ
દાંડીકૂચનો મહિમા કરતી વેળાએ કહેવાનું બનતું રહ્યું છે કે ગાંધીપ્રતાપે આપણે લવણ સારુ લડ્યા ને લોકશક્તિનું લાવણ્ય ખીલવી શક્યાઃ ભલે, લગરીક આલંકારિક એવું પણ આ સત્ય નથી એવું તો નથી. છતાં, દુર્દૈવ વાસ્તવ એ પણ છે કે જે જણ નમકના પકવણહાર છે, એમને છતે સ્વરાજે સ્વરાજના સુખથી કેમ જાણે આજે આટલે વરસે, આટલે એટલે દસવીસ નહીં પણ ખાસા સાત દાયકાથીયે વધુ વરસોથી છેટું તે છેટું એવો ઘાટ છે.
પ્રજાસત્તાક દિવસના ભણકારા વચ્ચે આ લખી રહ્યો છું. ત્યારે બરાબર, ચાલુ મહિનાના પહેલે જ અઠવાડિયે આવેલી એ સરકારી જાહેરખબર જોઉં છું જેમાં અગરિયાઓની શાળામાં હવે શિક્ષક તરીકે કાયમી વ્યવસ્થાની અવેજીમાં બાલમિત્રોની નિમણૂક કરાશે. બંધારણે ભલે સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ ભાખી હોય પણ એક પર એક નવી અને હવે તો ‘એન’ કહેતાં ન્યૂ નહીં પણ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની જાહેરાત પછી અને છતાં ‘પૂરા કદની શૈક્ષણિક વ્યવસ્થાને બદલે યદ્વાતદ્વા કથિત બાલમિત્રો દ્વારા ભણાવવાની આ પેરવી? સ્વરાજના આરંભકાળે માનો કે સાધનો માંડ જોગવવાનાં હતાં, પણ આજે પણ આમ – અને તે બચાડાં અગરિયા બાળુડાં સારુ? બજેટના છ ટકા શિક્ષણ પાછળ ફાળવવાના રાષ્ટ્રીય સંકલ્પથી ઉત્તરોત્તર કેમ જાણે છેટું વધતું જતું ન હોય?
ચુંવાળિયા કોળી, મિયાણા, સંધિ જેવી ઓળખે ઓળખાતા આ અગરિયાઓની ઇતિહાસનિયતિ બે’ક લગી તો ક્રિમિનલ તરીકે વર્ણવાયાની રહી છે. 1857 અગર અસહકાર યુગથી બેઠેલ સ્વરાજસંગ્રામનાં પાત્રોને આપણે સંભારીએ છીએ. પણ કંપની સરકારના વારાથી ને તે પછી આ સૌ પ્રજાવર્ગો સ્થાપિત સત્તા સામે સતત લડતા રહ્યા છે. જો કે, ઇતિહાસના મેગા નેરેટિવમાં આ સૌ વણગાયાં ને વણપોખાયાં રહેતા આવ્યા છે. એમને નેકનામદાર અંગ્રેજ સરકાર બહાદુરે 1871થી ‘ક્રિમિનલ ટ્રાઇબ્સ’ લેખે જાહેર કર્યા એ સિવાય કશાં પેન્શનફેન્શન મળ્યાં જાણ્યાં નથી. હમણેના દાયકાઓમાં ઓ.બી.સી.નો નવો સિક્કો એમને પર લાગ્યો છે.
પણ એમનું વાસ્તવચિત્ર. કચ્છના નાના રણમાં, આકરા ટાઢતડકા વચ્ચે ઓગસ્ટ-ઓક્ટોબરથી આઠેક મહિનાના ગાળામાં પોતાના થાનકથી દૂર, ઘોર વિષમ સંજોગોમાં મીઠાની ખેતી કરે અને ચામડીના રોગો, મીઠાના ઢગે પરાવર્તિત સૂરજતેજે ઝંખવાતી આંખો, હર વરસે વરસાદ સાથે ધ્વસ્થ થતી કાચી ઝૂંપડી, વરસોવરસ નવી ગિલ્લી નવો દાવ …. આ એમની જિંદગી, છતે સ્વરાજે ‘લોકશક્તિ’નું આ ‘લાવણ્ય’ !
સેવાસંસ્થાઓની કામગીરી, ખાસ કરીને ગણતર, જનપથ આદિની પહેલસંડોવણી ત્યાં શાળાની સોઈ, પાણીવચાળે તો જૂની બસોમાં ખડા કરાયેલ વર્ગો, એને સ્થાને પૂરા કદની વ્યવસ્થા સાથે શિક્ષકજોગવાઈ. આર.ટી.ઈ.ના પ્રતાપે પ્રવેશતક અને અલબત્ત, આ પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટની સક્રિય દરમિયાનગીરી.
આ બધાં પછી સ્વરાજનાં અમૃતવર્ષોમાં આગળ જવાની વાતને બદલે દીધી સગવડ સમેટવાની ને અગવડ વધારવાની, શાસકીય નીતિ ને ગતિવિધિ વિશે શું કહેવું. ગુજરાત મોડેલની ગાજવીજ વચ્ચે અનવસ્થા ઠીક ઠીક છૂપી રહી હશે, પણ અગરિયા લોકમાં કશીક વિકાસતક પ્રજાસૂય મથામણમાંથી જરૂર ઊભી થઈ આવતીકાલના મોડેલની ગરજ સારતી હતી, પણ –
ખરું જોતાં આ દાસ્તાં માત્ર અગરિયાની જ છે એવું નથી. જેને આપણે સુખી ને સમૃદ્ધ ગુજરાત કહીએ છીએ તેમાં વાસ્તવિકતામાં સમાજનો કેટલો મોટો હિસ્સો વંચિતજનોનો છે. અને વિસ્તરતા મધ્યમવર્ગ છતાં સરવાળે કેટલા સીમિત પ્રમાણમાં આપણે ત્યાં સહિતોનો ટાપુલોક છે. એની આપણને કદાચ ખબર જ નથી. સરકાર અને સત્તાપક્ષ વાસ્તવિક કામના પ્રમાણમાં જે બેફામ જાહેરાતખર્ચ ભોગવે છે એના એકબે ટકા માંડ ફાળવવામાં આવે તો બાલમિત્રને બદલે પૂરા સમયની વ્યવસ્થાપૂર્વકની શિક્ષક-જોગવાઈ ને બીજું કેટલુંયે સરળતાથી થઈ શકે.
પૂછો વિનય અને ચારુલનેઃ કોઈકે લોકજીવનની વિષમતાને શબ્દ ને સૂરમાં સાકાર કરતાં આ બેલડીનાં ગીતો અને જે તે ગીતમાં નિરૂપિત વર્ગ/વર્ણ હાલાકીને ધોરણે રાજ્યના બજેટની સરખામણી કરવી જોઈએ. આનાતોલ, ફાન્સની એ વાત સાંભરશે કે સરકારો ગરીબોના મતે અને શ્રીમંતોના પૈસે ભોગવટો કરે છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 જાન્યુઆરી 2026
![]()

