
પ્રકાશ ન. શાહ
બરાબર યાદ છે પિસ્તાળીસેક વરસ પરની એ બપોર. મધ્યાહને સૂર્ય શા યથાનામ ભાનુ અધ્વર્યુ પ્રેસમાં એમની કોલમ માટેનું મેટર લઈને પ્રગટ્યા, અને એમનો જે છીંકણીરાબેતો તે સંગીન ધાર્મિક રીતે સંપન્ન પણ કર્યો. જો કે, હું તો એમનો ચહેરો એ આવ્યા ત્યારથી વાંચી રહ્યો હતો. એ કશુંક કહેવા બાબતે જાણે ઝાલ્યા નહીં રહે એવું લાગતું હતું. છીંકણી પછી અલબત્ત સુક્કા ટાટ ગુજરાતને એવો ચાનો પેગ ચડાવતે ચડાવતે ભાનુભાઈએ બોલવા માંડ્યું – ‘હું હરિજનોનો હમદર્દ કે હામી કહેવાઉં ને મને જ ખબર નહીં!’ 1981ના અનામત વિરોધી આંદોલન અને ઉત્પાતના એ દિવસો હતા.
અને છાત્ર યુવા સંઘર્ષ વાહિનીના અમારા મિત્રો (હવે આર્ચ વાહિનીએ ખ્યાત અનિલ પટેલ તેમ જ હવે રાજ્યના પૂર્વમંત્રી તરીકે ઓળખાતા મહેસાણાના ઈશ્વરભાઈ મકવાણા વ.) સાથે ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામોમાં હરિજનો પરના અત્યાચારની જાત તપાસ માટે ગયા હતા. સવારે ઊઠ્યા ને બે-પાંચ મિત્રો સહસ્રલિંગ(પાટણ)ની મુલાકાત સારુ આગ્રપૂર્વક લેવા આવ્યા હતા અને સાથે વાજાપેટી ને ઢોલક પણ હશે. આ સાજસજ્જા ને તામઝામ જોઈ વીર ભાનુવાળાનું છટક્યું – ‘તમને કંઈ ખબર પડે છે કે નહીં? અમે પર્યટન માટે નથી આવ્યા, સ્થળતપાસ વાસ્તે આવ્યા છીએ. સહેલાણી નથી.’ માને તો જુવાનિયા શાના. સહસ્રલિંગ તળાવે પહોંચી વચમાં ટેકરા પર લઈ ગયા. વાજાપેટી જમાવી ને ગાવા લાગ્યા :
બાર બાર વરસ નવાણ ગળાવ્યા
નવાણે નીર ના આયાં જી રે.
વાત એમ હતી કે તળાવ ફેરગોડાવી સધરા જેસંગે (સિદ્ધરાજ જયસિંહે) પાણીની સોઈ કરવા ધાર્યું હતું, પણ નવાણે નીર ના’વે! કોઈ બત્રીસ લક્ષણો બલિદાન આપે તો જ પાણી આવે. રાજ આખામાં વાયક ફરી વળ્યું ત્યારે ધોળકા પાસેના રનોડા ગામનો વણકર, નામે માયો, સ્વેચ્છાએ તૈયાર થયો. (તેથી સ્તો વીર કહેવાયો) જો કે, એણે વળતી શરત મૂકી કે મારા સમાજને તમે અન્યાયી અનવસ્થામાંથી છોડાવો :
કુલડીઓ છોડાવો રાજા
સાવરણી તોડાવો
ગામની બાજુમાં વસાવો જી રે
હડે હડે થતી હડધૂત દશામાંથી એ સમુદાય મુક્ત થવાની શરત સ્વીકારાઈ અને વીરમાયાના બલિદાન સાથે સહસ્રલિંગ તળાવ જળાં જળાં થઈ ઊઠ્યું. લખવા બેઠો અને પિસ્તાળીસ વરસ પરની બપોરે લાંગર્યો એનું નિમિત્ત હમણાં ધ્યાનમાં આવેલી એ આનંદવાર્તા છે કે મહા સુદ સાતમે (પચીસમી જાન્યુઆરીએ) વીર મેઘમાયા બલિદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેઃ આ યાત્રા ગાંધીનગરથી સહસ્રલિંગ (પાટણ) લગીની રહેશે અને એનું સમગ્ર સંચાલન ને વ્યવસ્થાપન ‘વિશ્વ વીર મેઘમાયા સમાજ’નું રહેશે. આ અંગે પ્રસારિત પત્રિકામાં ગાઈવગાડીને એટલે કે અધોરેખિતપણે એક મુદ્દો ખાસ એ કરાયો છે કે વીર મેઘમાયાએ કોઈ ચોક્કસ ધર્મ, સમાજ કે જ્ઞાતિ માટે નહીં પણ પાણી વગર ટળવળતાં સૌ પશુપંખી, વનસ્પતિ અને તમામ જીવસૃષ્ટિ માટે બલિદાન આપ્યું હતું.
ગયે વરસે પણ માયા સાતમ કહેતાં મહા સુદ સાતમે આવી યાત્રા યોજાઈ હતી. ત્યારે આયોજન વીર મેઘમાયા સમિતિનું હતું. હવે તે વિશ્વ મેઘમાયા સમાજ રૂપે કાર્યરત છે. આ નામાંતરમાંથી વ્યાપકતા ફોરે છે, અને એ સ્પષ્ટતા પણ અંકિત થાય છે કે તે કોઈ એક જ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષથી પ્રેરિત, સંચાલિત કે આયોજિત નથી. આ અભિગમમાં વણકર સમાજની સહજ પહેલ અલબત્ત હશે, છતાં સંકોચનને બદલે ઉમાશંકરની પ્રખ્યાત પંક્તિ ‘વિશાળે જગવિસ્તારે …’ની ધાટીએ વ્યાપકતાની વાંછના પણ છે – સંતબાલજી જેને વિશ્વવાત્સલ્ય કહેતા એવું કંઈક એમાં અભીષ્ટ છેઃ કિશોર મકવાણાના પુસ્તકની પ્રસ્તાવનામાં નરેન્દ્ર મોદીએ લગરીક હાઈપકારાની રીતે પણ એક મુદ્દો મજાનો કીધો છે કે આપણે આંબેડકરને સ્વાભાવિક જ સન્માનભેર સંભારીએ છીએ,
પણ એમના પૂર્વેય વીરમાયા જેવા ભોં ભાંગનારા થઈ ગયા છે. આપણી સામાજિક ન્યાય ચળવળની ચર્ચામાં ગાંધી અને આંબેડકર બે છેડે ધ્રુવીકૃત થઈ જવાનું વલણ જોવા મળે છે, એની સામે માયા ઘટનાને વ્યાપક વિશ્વમાનતાની રીતે જોવાનું જે વલણ છે તે મૂકવા જેવું છે . સ્વેચ્છાએ બલિદાનનો માયા માર્ગ, 1934માં હરિજન યાત્રાએ નીકળેલા ગાંધી પર પુણેમાં જે બોમ્બ પ્રયાસ થયો તેની જરી જુદા છેડેથી યાદ આપે છે … પરથમ પહેલું મસ્તક મૂકી, વળતું લેવું હરિ(જન)નું નામ જો ને! અંગત રીતે હું બહુ રાજી થાઉં, જો આંબેડકર ને ગાંધીને સામસામા મૂકવા કરતાં પોતપોતાને છેડેથી – એક જો અધિકારના છેડેથી તો બીજા વળી પ્રાયશ્ચિતના છેડેથી – સરવાળે એક જ પંથના પથિક હતા એવી જાડી પણ સમજ કેળવવામાં મેઘમાયા માહોલ સફળ થાય.
જે વસ્તુ ઝટ પકડાતી નથી તે એ છે કે ગાંધી કે આંબેડકર જાહેર જીવનમાં કોઈ ઈસ્ત્રીબંધ ફિનિશ્ડ પ્રોડક્ટ તરીકે પ્રવેશ્યા ન હતા. બંને વિકસતા અને ખીલતા ગયા છે. કોઈક તબક્કે ગંઠાઈને એમને માત્ર એમ જ જોતા રહેવાથી, બને કે ઝાડવાં ગણતાં આપણે જંગલ ચૂકીએ. ‘કાસ્ટ મેટર્સ’ અને ‘કાસ્ટ, અ ગ્લોબલ સ્ટોરી’થી દેશવિદેશના દલિત વિમર્શમાં જેનો પાટલો પડે છે તે સૂરજ મિલિન્દ યેંગડે, જેમ કે દક્ષિણ આફ્રિકી ગાંધીના સમતા અભિગમ બાબતે આશ્વસ્ત નથી.
ગોરા સાંસ્થાનિકો સામે બ્રિટિશ રાજના નાગરિક તરીકે હિંદીવાનોના હકની લડાઈ ગાંધી જરૂર લડ્યા હતા. પણ બાકી સૌ, રિપીટ, સૌને એ આગળ ચાલતા પોતાની સમજમા આવરી શક્યા ન હોત તો માર્ટિન લ્યુથર કિંગ કે નેલ્સન મંડેલાને એમનામાં આદર્શનાં દર્શન ન જ થયાં હોત. આટલું એક સમતા સિપાહી તરીકે, મેઘમાયાની સાખે.
Editor: nireekshak@gmail.com
સૌજન્ય : : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 જાન્યુઆરી 2026
![]()

