ગ્રંથયાત્રા – 22
ગુજરાત તેના પતંગપ્રેમ માટે જાણીતું છે. દર વર્ષે ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવે છે. દેશનું એકમાત્ર કાઈટ મ્યુઝિયમ પણ અમદાવાદમાં આવેલું છે. પણ ગુજરાતના આ પતંગપ્રેમના કૌટુંબિક, સામાજિક, આર્થિક, રાજકીય, ઐતિહાસિક, સાહિત્યિક પાસાંનો અભ્યાસ કરતાં પુસ્તક ગુજરાતીમાં કેટલાં લખાયાં? કદાચ એક પણ નહિ. આપણા અભ્યાસીઓને પરદેશના રીત રિવાજ અભ્યાસ કરવા જેવા લાગે છે, પણ આપણી આવી મહત્ત્વની સાંસ્કૃતિક વિરાસત અભ્યાસ કરવા જેવી લાગતી નથી. પણ અંગ્રેજીમાં આવું એક પુસ્તક ૨૦૧૦માં પ્રગટ થયું છે. તેનું નામ પતંગના દોર જેવું લાંબુ લચક છે : ‘અ ડીફરન્ટ ફ્રીડમ : કાઈટ ફ્લાઈંગ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા; કલ્ચર એન્ડ ટ્રેડીશન.’ લેખિકા છે નિકિતા દેસાઈ. યુનાઈટેડ કિંગડમના કેમ્બ્રિજ સ્કોલર્સ પબ્લિશિંગ નામના પ્રતિષ્ઠિત પ્રકાશકે તે પ્રગટ કર્યું છે. લેખિકાને પતંગનો પહેલો પરિચય થયો તે મુંબઈમાં ગાળેલાં બાળપણનાં વર્ષોમાં. તે વખતે હજી મુંબઈમાં ઉતરાણ ઉજવવાનો ઉત્સાહ હતો, આજની જેમ મરી પરવાર્યો નહોતો. ભૂરો પતંગ ને ભૂરો માંજો, બાળપણનો એનો અનુભવ લેખિકાની સ્મૃતિમાં જડાઈ ગયો. એક બાજુ મુંબઈમાં ઉતરાણનાં વળતાં પાણી થવા લાગ્યાં અને બીજી બાજુ લેખિકાએ મુંબઈ છોડી વડોદરામાં વસવાટ કર્યો. અને ઉતરાણની સાચી ઉજવણીનો તેમને અનુભવ થયો. જો કે તે પોતે મોટે ભાગે તો ફીરકી પકડવાનું કે બહુ બહુ તો બીજાએ ઉડાવેલા પતંગની ‘સહેલ’ લેવાનું જ કામ કરતાં. વખત જતાં લેખિકા ડિઝાઈનીંગનો અભ્યાસ કરતાં થયાં અને તે વખતે તેમને આપણી ‘પતંગ સંસ્કૃતિ’માં વધુ રસ પડ્યો. તેઓ કહે છે કે ‘પછી તો હું પતંગના પ્રેમમાં પડી.’ અધરાતે મધરાતે પતંગ બજારમાં ફરવા લાગ્યાં. વેપારીઓ અને ઉત્પાદકો સાથે વાતો કરવા લાગ્યાં. ઉતરાણની સામાજિક અને આર્થિક બાબતોનો અભ્યાસ કરવા લાગ્યાં. પછી રસ પડ્યો પતંગના ઇતિહાસના અભ્યાસમાં. અમદાવાદના ‘કાઈટ મ્યુઝિયમ’ના ભૂતપૂર્વ નિયામક ભાનુ શાહના માર્ગદર્શન અને સાથ મળ્યાં. ઇતિહાસ ઉપરાંત રાજકારણમાં અને સાહિત્યમાં પતંગે કેવો ભાગ ભજવ્યો છે તેનો પણ અભ્યાસ કર્યો. અને આ બધાનું પરિણામ તે આ પુસ્તક.
પુસ્તકને લેખિકાએ બાર પ્રકરણમાં વહેંચ્યું છે. આરંભમાં તેમણે પતંગનો ઇતિહાસ વિગતવાર આપ્યો છે. ત્યાર બાદ જુદા જુદા દેશોમાં અને જુદા જુદા સમયે રાજાથી માંડીને રંક સુધીનાને પતંગનું કેવુંક આકર્ષણ રહ્યું છે તેની વાત કરી છે. પતંગ ચગાવવા પાછળના જુદા જુદા – ધાર્મિક, રાજકીય, સામાજિક અને કેવળ મોજ ખાતર – હેતુઓનો તેમણે વિગતવાર પરિચય આપ્યો છે. પતંગના પેચ લડાવવાની શરૂઆત મોગલ જમાનામાં કઈ રીતે થઇ તે જણાવ્યું છે. ત્યાર પછીનાં બે પ્રકરણોમાં માંજા અને ફીરકી વિષેનો વિગતવાર અભ્યાસ રજૂ કર્યો છે. વહેલી સવારથી છેક રાત સુધી પતંગ ગુજરાતમાં કઈ રીતે ચગાવવામાં આવે છે તેનું માહિતીસભર અને રસપ્રદ ચિત્રણ આપ્યું છે. ભારત સિવાયના દેશોમાં પણ પતંગનો રંગ કઈ રીતે પ્રસર્યો તેની ચર્ચા કરી છે. પુસ્તકમાં પુષ્કળ ચિત્રો આપવામાં આવ્યાં છે અને અંતે ઉપયોગી સંદર્ભસૂચિ પણ આપી છે.
ઘણાને મતે આજથી લગભગ ૨,૮૦૦ વર્ષ પહેલાં ચીન દેશમાં પતંગ ચગાવવાની શરૂઆત થઇ. મલયેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ પતંગ ઉડાડવાની પ્રથા લગભગ એ જ સમયગાળામાં હતી. કેટલાકને મતે તે ચીનમાંથી અપનાવાઈ હતી, તો બીજા કેટલાક માને છે કે આ દેશોએ સ્વતંત્ર રીતે તે વિકસાવી હતી. શરૂઆતમાં ઝાડનાં પાંદડાંની પતંગ બનાવાતી. આજે પણ કેટલાક દેશોમાં પાંદડાંની પતંગો વપરાતી જોવા મળે છે. એક કથા પ્રમાણે એક ચીની ખેડૂતે માથા પર પહેરેલી હેટ ઊડી ન જાય તે માટે તેની સાથે દોરી બાંધી રાખી હતી. છતાં પવનના જોરદાર સુસવાટામાં તેની હેટ ઊડી, પણ દોરી સાથે બંધાઈ હોવાથી તેણે હેટ ગુમાવી નહિ. આ ઉપરથી તેને પતંગ બનાવવાનો વિચાર આવ્યો. ઇ.સ. પૂર્વે ૨૦૦માં હાન વંશના રાજાના લશ્કરને ગભરાવવા માટે રાતને વખતે ફટાકડા બાંધેલી પતંગ હ્યુ એન ત્સંગે ઉડાડી હોવાનું ઇતિહાસમાં નોંધાયું છે. જાપાનના સાહિત્યમાં પણ પતંગના ઉલ્લેખો મળે છે. એ લોકો પતંગને ‘શીરોશી’ તરીકે ઓળખતા. ‘શી’ એટલે કાગળ, અને ‘રોશી’ એ ચીનના એક પક્ષીનું નામ હતું. જેની સાથે બંધાઈને માણસ પણ ઊડી શકે એવી મોટી પતંગો પણ જાપાનમાં વપરાતી અને તેનો ઉપયોગ ચોરી કરવા માટે પણ થતો! આપણા દેશમાં પણ ચીન-જાપાનથી આવેલા બૌદ્ધ સાધુઓ પોતાની સાથે પતંગ લાવ્યા હતા એમ મનાય છે. આપણા દેશમાંથી તેનો ફેલાવો અરબસ્તાન, ઉત્તર આફ્રિકા અને યુરપમાં થયો. કેટલાકને મતે ચંગીઝખાન પોતાની ચઢાઈઓ પછી પાછો ફર્યો ત્યારે પતંગો સાથે લેતો ગયેલો અને પછી તેનો ફેલાવો યુરપમાં થયો.
આપણા દેશમાં પણ પહેલાં તો માત્ર મોજ ખાતર પતંગ ઉડાવવાનો રિવાજ હતો. પણ મોગલ વંશના રાજાઓએ તેને પેચ લડાવવાનું સ્વરૂપ આપ્યું. અવધના ઉમરાવો બીજા મોજશોખની સાથોસાથ પતંગના પેચ લડાવવામાં પણ ઘણો સમય ગાળતા એવું નોંધાયું છે. શાહ આલમ પહેલા(૧૭૦૨-૧૭૧૨)ના અમલ દરમ્યાન દિલ્હીના ઉમરાવોને પણ પતંગના પેચ લડાવવાનો ચસ્કો લાગ્યો. દિલ્હી અને અવધની દેખાદેખીથી અમદાવાદના અને સુરતના મુસ્લિમ રાજવીઓ અને તેમના દરબારીઓમાં પતંગનો શોખ પ્રસર્યો.
ભારતીય સાહિત્યમાં પતંગનો ઉલ્લેખ સૌથી પ્રથમ મરાઠીના સંત કવિ નામદેવ(૧૨૭૦-૧૩૫૦)માં જોવા મળે છે. એક ચોક્કસ પ્રકારની પતંગ માટે વપરાતો ‘ગુડી’ શબ્દ તેમણે વાપર્યો છે :
એસેં મન રામનામેં વેધિંલા,
જૈસેં કનકતુલા ચિત રખિંલા.
આણીલે કાગદ સાજીલ ગુડી આકાશમંડલ છોડી
પાચજનાસો બાત બાતાઉવો ચિતસો દોરી રખિંલા.
કવિ કહે છે કે પતંગ ઉડાડતી વખતે જેમ છોકરો સાથીઓ સાથે વાતો કરે છે, આજુબાજુ જુએ છે, પણ તેનું લક્ષ તો પતંગ પર જ હોય છે તેમ મારું ચિત્ત પણ રામ પર જ ચોંટ્યુ છે. વૈષ્ણવ કવિ નન્દદાસ(૧૫૩૩-૧૫૮૩)ની કૃતિમાં પણ કૃષ્ણ જમુનાને તીરે પતંગ ઉડાવે છે એવું વર્ણન જોવા મળે છે : ‘પતંગ ઉડાયવેકે પદ રાગ ઉડાનો.’ તો મરાઠી સંત કવિ એકનાથ(૧૫૩૩-૧૫૯૯)ની રચનામાં અને દેશોપંતના ‘ગ્રંથરાજ’માં વાવડી નામના એક ખાસ પ્રકારના પતંગનો ઉલ્લેખ જોવા મળે છે. બહુ મોટા કદના, વાંસની બાર કમાનોવાળા આ પતંગને દસ-બાર જણા સાથે મળીને ઉડાડતા. તેવી જ રીતે મધ્યકાલીન મોગલ અને રાજપૂત શૈલીનાં ચિત્રોમાં પણ જુદા જુદા પ્રકારના પતંગ જોવા મળે છે. જો કે ઠેઠ રામાયણમાં પણ પતંગનો ઉલ્લેખ હોવાનું કહેવાય છે. તુલસીદાસ(૧૫૩૨-૧૬૨૩)ના રામચરિત માનસના બાળકાંડમાં ‘ચંગ’નામે ઓળખાતા પતંગનો ઉલ્લેખ જોવા મળે છે : ‘રામ એક દિન ચંગ ઉડાઈ, ઇન્દ્રલોક મેં પહુઁચી જાઈ.’
પતંગ અંગેની આવી તો ઘણી બધી રસપ્રદ વાતો આ પુસ્તકમાં જોવા મળે છે. કોઈ પતંગપ્રેમીને આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવાનું સૂઝે એમ ઇચ્છીએ.
xxxxxxxxxxx
14 જાન્યુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com
![]()

