કોર્ટરૂમમાં આજે રોજ કરતાં વધારે માણસો બેઠાં હતાં. જજસાહેબની કોર્ટમાં એક ન માની શકાય એવો કેસ ચાલવાનો હતો. બરોબર અગિયાર વાગે જજ ભટ્ટસાહેબ કોર્ટરૂમમાં દાખલ થયા, બધાંએ ઊભા થઈને જજસાહેબનું અભિવાદન કર્યું.
જજસાહેબે વાદીના વકીલ શ્રી બૂચને પૂછ્યું, “મિસ્ટર બૂચ, કેસની વિગત શું છે? તમારા અસીલે ક્યાં ન્યાય માટે દાવો કર્યો છે?”
“માનનીય જજસાહેબ, બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણી માટેનો દાવો છે. મારા અસીલને પિતાની તરફથી પિતાની બધી જ મિલકત વારસામાં મળી છે. તેમાંથી અડધોભાગ એ તેના મોટાભાઈને આપવા માંગે છે. મારા અસીલના મોટાભાઈને મારા અસીલના માતાપિતાએ દત્તક લીધા છે. આજે એ પોતાના પાલક માતાપિતાનાની ઇચ્છાનો આદર કરવાં માટે મિલકતમાંથી અડધોભાગ લેવાની ના કહે છે; તેમનું કહેવું છે કે તેમને પાલક માતાપિતાએ ખૂબ આપ્યું છે; હવે વારસાઈ ભાગમાંથી કંઈ જોઈતું નથી.”
“મિસ્ટર બૂચ, વિચિત્ર વાત છે. મારી કોર્ટમાં ભાગ માંગવા માટેના કે ભાગ નહીં આપવા માટેના કેસ આવ્યા છે. પણ,અહીંયા તો નાનોભાઈ કે જે સગો પુત્ર છે એ મોટાભાઈ કે જે દત્તકપુત્ર છે તેને પોતાને મળેલી મિલકતમાંથી અડધોભાગ આપવા માંગે છે; ખરેખર ઉમદા વિચાર છે. આવા બનાવો સમાજમાં બહુ જૂજ બને છે. તમે બંને વકીલ મારી ચેમ્બરમાં આવીને મને વાતની પૂરી માહિતી આપો, પછી બંને ભાઈઓને બોલાવીને હું વાત કરીશ.” વકીલ બૂચસાહેબે વાત કરી એ આ પ્રમાણે હતી.
અરુણભાઈ અને રેખાબહેનના સામાજિક રુઢિ પ્રમાણે એકબીજાની પસંદગીથી લગ્ન થયાં હતાં. અરુણભાઈ એક સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતા. અત્યારે નિવૃત્ત થઈને બંને પુત્રો સાથે રહે છે. બંને પુત્રો હજી અપરણિત છે અને સારી જોબ કરે છે. જ્યારે રેખાબહેન ગૃહિણી છે. બંનેનો સુખી સંસાર હતો. આમને આમ લગ્નજીવનનાં પાંચ વર્ષ વિતી ગયાં. શરૂઆતમાં બાળકની ઇચ્છા ન હોવાથી તે પ્રમાણે પ્લાનિંગ કર્યું, પણ,પછી જ્યારે બાળક માટે પ્લાનિંગ કર્યું તો મેડિકલી પ્રોબ્લેમ આવ્યો અને અરુણભાઈ, રેખાબહેનનું સ્વપ્ન રોળાઈ ગયું. ઘણાં ડોક્ટરોની સલાહ લીધી. ડૉક્ટરોનું એવું કહેવું હતું કે બંનેમાં એવો કોઈ શારીરિક પ્રોબ્લેમ નથી, છતાં બાળક માટે સફળતા કેમ નથી મળતી એ સમજાતું નથી. અંતે ઘણા પ્રયત્ન પછી, બાળકને દત્તક લેવા માટેની વિચારણા શરૂ થઈ. પહેલાં કુટુંબમાંથી બાળક દત્તક લેવું એવી વાત વિચારાઈ; પણ રેખાબહેનનું મન માનતું નહોતું. ઘણી સમજાવટ પછી અનાથાશ્રમમાંથી બાળક દત્તક લેવું એવું નક્કી થયું; અને સારો દિવસ જોઈને અનાથાશ્રમમાંથી રાજને દત્તક લેવા માટેની જરૂરી કાનૂની કાર્યવાહી પૂરી કરીને દત્તકપુત્ર તરીકે લીધો. રાજ, અરુણભાઈ અને રેખાબહેન ખુશખુશાલ હતાં. ત્રણેયની જિંદગી ધીર ગંભીર સરિતાની જેમ વહી રહી હતી.
પણ નિયતિએ પાસું બદલ્યું. રેખાબહેન નાતંદુરસ્ત તબિયતને કારણે તેમના લેડી ડોક્ટરને બતાવવા ગયાં. લેડી ડોક્ટરે તપાસ કરીને હસતાં હસતાં કહ્યું, ‘રેખાબહેન તમારા આંગણે બીજું ફૂલ ખીલવાની તૈયારીમાં છે.’ આશ્ચર્ય સાથે રેખાબહેને પૂછ્યું, ‘એ કેવી રીતે શક્ય બને? તમે જ કહ્યું હતું કે મને બાળક થવામાં મુશ્કેલી છે, જે તમને ત્યારે નહોતી સમજાઈ. ના ના તમારી કંઈક ભૂલ થતી લાગે છે તમે ફરી ચેક કરો.’ ‘રેખાબહેન, મારી કોઈ જ ભૂલ નથી થતી. તમે ખરેખર માતૃત્વ ધારણ કર્યું છે. આપણે તમારા સંતોષ માટે રિપોર્ટ કરાવીએ.’ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રેખાબહેનના ચહેરા પર ખુશી ચમકી ગઈ અને કહ્યું, ‘ડોક્ટરસાહેબ, તમારી વાત મેં ખોટી સાબિત કરી દીધી.’’ ના રેખાબહેન, આ કુદરતનો ચમત્કાર છે. તમે રાજને દત્તક લીધો અને `મા` તરીકે તેનો ઉછેર કર્યો. આ હકીકતથી તમારા રહેલી માતૃત્વની સરવાણી ફૂટી નીકળી તેનું આ પ્રમાણ છે. મેં આવા ઘણાં કિસ્સા જોયા છે.’ પછી તો રેખાબહેન આવનાર મહેમાનને આવકારવા માટે વ્યસ્ત થઈ ગયાં. કોઈ પણ જાતની શારીરિક મુશ્કેલી વગર અનુજનો જન્મ થયો. અનુજ અને રાજ વચ્ચે ત્રણ વરસનો ફરક હતો. બંને સાથે મોટા થતા ગયા. રેખાબહેન પહેલાં રાજ ઉપર ધ્યાન આપતા હતા, એ ઓછું થતું ગયું અને અનુજ તરફ ઢળતા ગયાં. ક્યારેક વાંક અનુજનો હોય તો પણ ઠપકો રાજને સાંભળવો પડતો. રેખાબહેનના વ્યવહારમાં રાજ પ્રત્યેની બેદરકારી વધતી ગઈ. રાજ અને અનુજને ઘણી વખત રેખાબહેનનું વર્તન સમજાતું નહોતું.
અરુણભાઈ રેખાબહેનના રાજ પ્રત્યેના બદલાતા વર્તનથી વ્યથિત હતા. તેમણે રેખાબહેનને ઘણી વખત આ બાબતે ટકોર પણ કરી હતી. અરુણભાઈ કહેતા આપણે ત્યાં અનુજનો જન્મ થયો; મને તારી જેટલી જ ખુશી થઈ છે; પણ એમાં રાજનો શું વાંક; રાજ તો સામે ચાલીને આપણા ઘરે નથી આવ્યો; આપણે તેને લેવા ગયાં હતાં. તને સાચું કહું, અનુજનો જન્મ જ રાજ આપણા ઘરે આવ્યો એટલે થયો છે. બાકી તો આપણે બંનેએ જિંદગીમાં સંતાનસુખ નથી એમ માની લીધું હતું. તારે તો ખુશ થવું જોઈએ કે તારે એક પણ સંતાન નહોતું થવાનું ત્યાં બે-બે દીકરાની `મા` છો. રેખાબહેન ઘણી વખત વિચારતા કે વાત તો સાચી છે. જો રાજને દત્તક ન લીધો હોત તો મારું માતૃત્વ મુરઝાઈ જાત અને કદાચ `મા`નું સુખ પણ ન મળત. પણ રેખાબહેન અનુજ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ રાજ પ્રત્યે બેદરકાર અને અનુજમય બનતા ગયાં. રાજ ક્યારેક `મા`ના આવા વર્તાવથી દ્વિધામાં પડી જતો, પણ પછી વિચારતો; મને, અનાથ બાળકને દત્તક લઈને `મા`એ જે પ્રેમ આપ્યો છે એ બીજું કોઈ ન આપત. અનુજ નાનો છે એટલે સ્વાભાવિકપણે `મા`ને તેના પ્રત્યે મમતા રહે. અનુજ હંમેશાં રાજને મોટાભાઈ તરીકેનું માન-સન્માન આપતો. બંને ભાઈઓને તો ઘણા સમય સુધી એ પણ ખબર નહોતી કે બંને સગા ભાઈઓ નથી. આ વાત પણ હિતશત્રુઓ દ્વારા જાણવા મળી હતી. છતાં બંનેના ભાઈપણામાં કોઈ ફરક પડ્યો નહોતો.
એક દિવસ રેખાબહેને અરુણભાઈને કહ્યું,`આપણા બંને દીકરા સંસ્કારી છે. આપણી ઉમર થઈ રહી છે. આપણા જીવતા આપણી બધી મિલકત દીકરાને નામે કરી દઈએ.` `દીકરાને નામે કરી દઈએ એટલે તું શું કહેવા માગે છે?`
‘દીકરાને નામે એટલે અનુજના નામે કરી દઈએ. રાજને આપણે ઘણું આપ્યું છે. રાજની જોબ પણ સારી છે. રાજ સંસ્કારી દીકરો છે તેને કોઈ વાંધો નહીં હોય.`
`રાજને વાંધો હોય કે ન હોય હું એવું ન કરી શકું. રાજ આપણો દત્તકપુત્ર છે. તેનો કાયદેસરનો મારી મિલકત પર હક છે. એક પિતા તરીકે હું આવું નહી કરું. તારા મનમાં આવો વિચાર આવ્યો જ કેવી રીતે?`
અનુજને ખબર પડતાં તેણે પણ રેખાબહેનની વાતનો વિરોધ કર્યો અને કહ્યું, `મમ્મી, પપ્પાની મિલકત પર પહેલો હક રાજભાઈનો છે. એ આ ઘરના જેષ્ઠપુત્ર છે. મારી ઇચ્છા તો પપ્પાની બધી જ મિલકત રાજભાઈના નામે કરી દેવાની છે.`
રાજને ખબર પડતાં રાજે કહ્યું, `પપ્પા, મારી સારી જોબ છે. અનુજ નાનો છે અને મમ્મીની ઇચ્છા તમારી બધી જ મિલકત અનુજને આપવાની છે તો એમાં વાંધો શું છે? પપ્પા, તમારે મમ્મીનું માન રાખવું જોઈએ.` આ વાતને રેખાબહેને પકડી લીધી અને અરુણભાઈની ઇચ્છા ન હોવા છતાં અરુણભાઈને અનુજના નામે બધી જ મિકલત કરી દેવી પડી.
`જજસાહેબ, એક ભાઈ મિલકતમાં ભાગ દેવા માંગે છે. બીજો ભાઈ મમ્મીની ઇચ્છાને માન આપીને લેવા નથી માંગતો, એટલે કાયદાકીય રસ્તો લીધો છે જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભો ન થાય.`
`મિસ્ટર બૂચ, તમારી વાત સાંભળ્યા પછી મને બંને ભાઈઓ વચ્ચેની ભાવુકતા સમજાઈ ગઈ છે. મારે એ બંને સાથે વાત કરવી પડશે. કાયદાકીય રાહ લીધો છે એટલે બંને ભાઈ પોતાના ઇરાદામાં મક્કમ છે. મારી દૃષ્ટિએ આ કેસનું સમાધાન કાયદાકીય નહીં, પણ બીજી રીતે શોધવું પડશે. આખાય પ્રશ્નનું મૂળ ભાવુકતા છે કોઈ લડાઈ કે ઝગડો નથી.`
જજ ભટ્ટસાહેબે બંને ભાઈઓને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા, અને કહ્યું, `મેં મિસ્ટર બૂચ પાસેથી તમારી ભાતૃભાવનાને જાણી. રાજ, મારે તારી પાસેથી મિલકતમાં ભાગ નહીં લેવાનું કારણ જાણવું છે. તારો તારા પપ્પાની મિલકતમાં કાયદેસરનો હક છે.` `સાહેબ, હું અનાથ હતો. મારા મમ્મીપપ્પાએ મને દત્તક લઈને તેનાં નામ સાથે મને ઓળખ આપી. મારી મમ્મીએ મારી પાછળ ખૂબ જ ભોગ આપ્યો છે. અત્યારે હું જે કંઈ છું એ તેમના આશીર્વાદ અને સખત પરિશ્રમનું પરિણામ છે. જ્યારે મારી મમ્મીએ મારા માટે, એક અનાથ બાળક માટે આટલું બધું કર્યું હોય તો મારી તેમની ઇચ્છાને માન આપવાની ફરજ છે. તેમ જ મારા અનુજને મિલકત મળે છે તેની ખુશી છે.`
`અનુજ તારું શું કહેવું છે ?’ ‘`જજસાહેબ, હું ભાઈની વાત સાથે સહમત છું; પણ જો મારો જન્મ જ ન થયો હોત; તો પપ્પાની બધી મિલકત રાજભાઈને મળત. કદાચ મારો જન્મ પણ રાજભાઈનું ઋણ ચૂકવવા માટે થયો હોય. હું તો બધી મિલકત રાજભાઈને આપી દેવા ઇચ્છું છું. રાજભાઈ જેવો ભાઈ હોય પછી મારે શું કામ કોઈ ચિંતા કરવી જોઈએ.` જજસાહેબ બંને ભાઈઓના વિચાર જાણીને વિચારમાં પડી ગયા કે એક જોતા બંને ભાઈઓ પોતપોતાની રીતે સાચા છે. આ કોઈ કાયદાકીય પ્રશ્ન તો છે નહીં. આમ વિચારતા હતા ત્યાં પ્યુને આવીને કહ્યું, `સાહેબ, અરુણભાઈ અને રેખાબહેન આપને મળવા માંગે છે.` જજસાહેબે રાજ અને અનુજને બેસી રહેવાનું, કહી પ્યુનને બંનેને અંદર મોકલવા કહ્યું.
`જજસાહેબ, તમે બંને ભાઈઓને તમારી ચેમ્બરમાં બોલાવ્યા એટલે રેખાએ મને કહ્યું આપણે પણ જજસાહેબને મળીએ. હું મારી ભૂલને સુધારી લેવા માંગુ છું.`
જજસાહેબે કહ્યું, `રેખાબહેન તમારા બંને દીકરા કોહીનુરના હીરા છે. હવે, તમે શું કહેવા માંગો છો?`
`સાહેબ, મેં જીવનગણિતનો દાખલો જ ખોટો ગણ્યો હતો. હું અનુજ પ્રત્યે વધુ ભાવુક થઈ ગઇ હતી. હકીકતમાં રાજ અમારા જીવનનો પાયો છે. તે આવ્યો તો પાછળ પાછળ અનુજ આવ્યો. અમારા જીવનમાં સંતાનસુખ નથી, એવું ભવિષ્ય હતું ત્યાં મારી ડાબે-જેમણે દીકરા ઊભા છે. એવું સુખ તો ભાગ્યશાળીને જ મળે. હું અનુજની વાત સાથે સહમત છું અને રાજને કહું છું કે આ તારી મમ્મીની બીજી ઇચ્છાને પહેલી ઇચ્છની જેમ વધાવી લે.` રાજે નમન સાથે હકારમાં માથું હલાવ્યું.
જજસાહેબ સાથે બધાંના મુખ પર ખુશીની ચમક ઝળહળી ઊઠી.
(ભાવનગર)
E.mail : Nkt7848@gmail.com
![]()

