
હિતેશ રાઠોડ
રોમન કવિ હૉરાસે પોતાના એક નિકટતમ મિત્ર માટે animae dimidium meae એવો લેટિન શબ્દ પ્રયોગ કર્યો હતો (અંગ્રેજીમાં “half of my soul”), અર્થાત મારો અડધો જીવ કે મારા જીવનો શેષ અડધો હિસ્સો. કવિ હૉરાસ પોતાના એ મિત્ર પ્રત્યેની પ્રગાઢ આત્મીયતા અને લગાવ વ્યક્ત કરવા આ શબ્દ પ્રયોગ કરતા. આ શબ્દપ્રયોગનો ભાવાર્થ છે : બે નોખા જીવ પણ આત્મા એક. બે જીવ એટલી હદે એકબીજામાં એકાકાર છે કે બંનેના નોખા અસ્તિત્વ છતાં બંનેનો આત્મા એક છે.
બાદમાં, ૧૬મી સદીમાં અંગ્રેજ લેખક સર ફિલિપ સિડનીએ સ્નેહસંગી કે જીવનસંગી માટે “બેટર હાફ” શબ્દ પ્રયોજવાનું શરૂ કર્યું. આમ, અંગ્રેજી શબ્દ “બેટર હાફ” એ મૂળે ગાઢ મિત્ર માટે કવિ હૉરાસ દ્વારા પ્રયોજવામાં આવેલ લેટિન શબ્દ પ્રયોગ “half of my soul”ની નીપજ છે. હવે પતિ/પત્ની પોતાના સહસંગી માટે શ્રદ્ધા અને સ્નેહપૂર્વક કે પછી રમૂજમાં અંગ્રેજી શબ્દપ્રયોગ ‘બેટર હાફ’નો ઉપયોગ કરતા થયા છે.
પતિ–પત્ની એકબીજા માટે બેટર હાફ શા માટે?
એકબીજાને બેટર હાફ ગણાવતા પતિ-પત્ની એકબીજાના પૂરક છે અને ઉભયપક્ષીય સાહચર્યથી જ બંને વચ્ચે વહેલા-મોડું ઐક્ય સર્જાતું હોય છે અને એમાંથી આત્મીયતાનો ભાવ જાગતો હોય છે. બંનેમાંથી કોઈ એકની ગેરહાજરીથી બાકીનું અડધું અંગ અડધું જ રહી જાય છે. પતિ-પત્નીના સંબંધમાં કોઈ એકના વિના બીજાનું અસ્તિત્વ કલ્પનાતીત છે. પતિ પછી મનમાં સહજ રીતે સ્ફૂરતો તરતનો બીજો શબ્દ મોટાભાગે પત્ની હોય છે, એનાથી ઊલટા ક્રમમાં પણ એ એટલું જ સાચું છે. પતિ-પત્નીના સંબંધે બંધાવા અભિલાષી સ્ત્રી અને પુરુષ પતિ-પત્નીના સંબંધે જોડાયા પછી આત્મીયતાના સંબંધથી બંધાઈ એકબીજામાં એકાકાર થાય ત્યારે જ તેઓ ખરા અર્થમાં પતિ-પત્ની બને છે. જો પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં આત્મીયતાના તત્ત્વનો અભાવ હોય તો પતિ-પત્ની હોવા છતાં આત્મીયતાના અભાવે માત્ર શારીરિક કે પારિવારીક જરૂરિયાતો સંતોષવા ખાતર બંને એકબીજાને વેંઢારતા અને જીવન ઢસડતા હોય એમ લાગે. બંને વચ્ચે પતિ-પત્નીનો સંબંધ ખરો પણ એ સંબંધમાં આત્મીયતા કે એકરૂપતાના ચાવીરૂપ તત્ત્વનો અભાવ હોય છે.
અહીં કેટલાક પ્રશ્નો ઉદ્દભવે :
શું પતિ-પત્નીના સંબંધથી બંધાતા પ્રત્યેક યુગલના સંબંધમાં આત્મીયતા પ્રવર્તતી હોય છે ખરી?
જો આત્મીયતા કે તાદાત્મ્ય ન હોય તો પતિ-પત્ની કેવી રીતે જીવન વીતાવતા હશે?
આત્મીયતાના અભાવે પતિ-પત્નીનું જીવન કેવું બની રહે છે?
પતિ અને પત્ની આ બંનેમાંથી કોને ખરા અર્થમાં ‘બેટર હાફ’ કહી શકાય?
એક પુરુષ અને એક સ્ત્રી આજીવન એકબીજા સાથે રહી પતિ-પત્ની તરીકે જીવન વીતાવવાનો સંકલ્પ ત્યારે લે છે જ્યારે તેઓને એમ લાગે કે તેઓ બંને એકબીજાની ભાવના, લાગણીઓ, સંવેદનાઓ, શારીરિક જરૂરિયાતો અને અપેક્ષાઓને પૂર્ણ રીતે નહિ તો પણ ઠીકઠીક રીતે સમજી શકશે અને એકબીજા વડે એમની એ ભાવના, લાગણીઓ, સંવેદનાઓ, શારીરિક જરૂરિયાતો અને અપેક્ષાઓ પોષાઈ કે સંતોષાઈ શકશે. જો કે એકબીજાની ભાવના, લાગણીઓ, સંવેદનાઓ, શારીરિક જરૂરિયાતો અને અપેક્ષાઓને સમજવા માટે દરેક યુગલને લગ્ન પહેલા કદાચ પર્યાપ્ત સમય મળતો નથી અને જેમને પર્યાપ્ત સમય મળે છે તેઓ એ સમયગાળા દરમિયાન તેઓ એકબીજાની ભાવના, લાગણીઓ, સંવેદનાઓ, શારીરિક જરૂરિયાતો અને અપેક્ષાઓને બરાબર સમજી શક્યા છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. કેમ કે માનવ મન અને માનવ સ્વભાવને સમજવા ઘણી વાર એક આખો જન્મારો પણ ઓછો પડતો હોય છે, ત્યારે અમુક ચોક્કસ સમયસીમાની અંદર એકબીજાને ઓળખવા અઘરા છે. આ બધું છતાં એ વાતનો ઈનકાર થઈ શકે નહિ કે જીવનના કોઈ એક તબક્કે પુરુષને સ્ત્રીના અને સ્ત્રીને પુરુષના સહવાસની જરૂર પડે જ છે. કોઈ આ વાતનો ઈનકાર કરતું હોય તો કાં તો એ દંભ આચરે છે અથવા જીવનના એક અનિવાર્ય સત્યથી દૂર ભાગવા પ્રયાસ કરે છે.
સ્ત્રી અને પુરુષનો સહવાસ કે સાહચર્ય જીવનનું અનિવાર્ય પાસુ અને સંસારનું સૌથી સુંદર સત્ય છે, પછી એ પતિ-પત્ની રૂપે હોય કે અન્ય કોઈ રૂપે. પતિ-પત્ની સિવાયના અન્ય સંબંધમાં – પણ સ્ત્રી અને પુરુષ એકબીજાના સાનિધ્યમાં રહી શકતા હોય છે, પણ જે પ્રલંબતા, નિકટતા, ઐક્ય, તાદાત્મ્ય અને એકબીજામાં એકાકાર થઈ જવાની તન્મયતા પતિ-પત્નીના સંબંધમાં પ્રવર્તે છે એ પ્રલંબતા, નિકટતા, ઐક્ય અને તાદાત્મ્ય અન્ય વિજાતીય સંબંધોમાં પ્રવર્તતા હોતા નથી અથવા તો એની માત્રા ઓછી હોય છે.
સ્ત્રીના જુદા જુદા સ્વરૂપોમાં પત્ની સ્વરૂપમાં સ્ત્રીનું સ્ત્રીત્વ એની ચરમ પર હોય છે. પત્ની તરીકેની સ્ત્રીની ભૂમિકા બાકીની અન્ય ભૂમિકાઓ કરતાં વધુ વ્યાપક અને ગહન દીસે છે. અમુક ચોક્કસ શબ્દોની પરિસીમાની અંદર રહી પત્નીની વ્યાખ્યા કરવી એ સાંસારિક જીવનમાં અસીમિત ભૂમિકા અને જવાબદારીઓ નિભાવતી અને ઘણી વાર તરણા ઓથે ડુંગર જેમ અગાધ ક્ષમતા ધરાવતી પત્નીના નિર્મળ ચારિત્ર્યનું અવમૂલ્યન કરવા જેવું લેખાશે. પત્નીની વ્યાખ્યા કરવી એ સમુદ્રની અગાધ જળરાશિને એક નાનકડી શીશીમાં ભરવા જેવી વાત છે. વક્રોક્તિમાં પત્ની વિશે વાત કરવી હોય તો કહી શકાય કે સાંસારિક જીવનનું અત્યંત ચાવીરૂપ છતાં ઉપેક્ષિત પાત્ર એટલે પત્ની. પતિની સૌથી નજીક છતાં ઘણી બાબતોમાં સહેતુક દૂર રાખવામાં આવતું પાત્ર એટલે પત્ની! પતિ અને પરિવાર માટે પોતાનું સ્વત્વ નીચોવી શરીર અને જીવન ખર્ચી નાખતું છતાં પરિવારમાં નગણ્ય પાત્ર એટલે પત્ની! પત્નીના પાત્રને વર્ણવવા માટેના ઘણા શબ્દો કદાચ શબ્દકોષમાં પણ નહિ હોય! પત્ની શું છે એનો ખ્યાલ પત્નીની હયાતીમાં નથી આવતો પણ પત્ની શું હતી એનો વસવસો પત્નીની અનુપસ્થિતિમાં જરૂર થાય છે.
પતિ અને પત્ની બંને એકબીજા માટે બેટર હાફ છે, તો પણ પતિ-પત્નીમાં કોણ વધુ બહેતર બેટર હાફ છે એ પણ સમજવા જેવું છે.
પહેલા વાત કરીએ પત્નીને ‘બેટર હાફ’ ગણાવતા પતિની. પતિ હરખઘેલો થઈ પત્નીને (અલબત્ત, પોતાની) બેટર હાફ તરીકે સંબોધન કરતો હોય છે, પણ શું વાસ્તવમાં પોતાના મનથી તે પત્નીને બેટર હાફ માનતો હશે ખરો? પત્નીને પોતાનું અડધું અંગ કહેતો પતિ પોતાના એ અડધા અંગની એટલા જ સ્નેહપૂર્વક કાળજી લેતો હશે ખરો? રસોડાની મોટાભાગની બાબતોમાં નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપતો પતિ પારિવારીક જીવનના નિર્ણયો કરવાની કેટલી સત્તા તેની પત્નીને સોંપતો હશે? પારિવારીક સભ્યોની સુખાકારી માટે પોતાના સુખ-સગવડો અને સવલતોનો સહજપણે ત્યાગ કરતી પત્નીની સુખાકારી માટે પતિ સ્વેચ્છાએ કેટલો ત્યાગ કરતો હશે? રોજ સાંજે થાક્યા-પાક્યા ઘેર આવતા પતિને સૂંઠવાળી ચા અને પછી ગરમાગરમ ભોજન પીરસતી પત્નીને પતિએ ક્યારે ય એમ કહ્યું હશે ખરું કે, ‘વ્હાલી, આજ તું ટીવી પર તને ગમતું હોય એ જો અને આરામ ફરમાવ આજ હું તને તારી ભાવતી વાનગી બનાવી આપું છું?’ દીકરાની વહુ(પત્ની)ને સદાય કટ્ટર હરીફ ગણતી સાસુ શું દીકરાની વહુ(પત્ની)ને ક્યારે ય હેતથી એમ કહેતી હશે ખરી કે ‘દીકરી, આજે તું પોરો ખાઈ લે, આજના દિવસની બધી રસોઈ હું બનાવીશ?’ જો આ બધા પ્રશ્નોના જવાબ ના હોય તો પતિએ પોતાની પત્ની માટેના આ ‘બેટર હાફ’ વિશેષણ અંગે પુન:વિચાર કરવાની જરૂર છે.
બહુધા પતિઓ માટે ઉપરના પ્રશ્નોના જવાબ મોટાભાગે ‘ના’ જ હશે એવું માની લઈએ તો પત્ની માટે બેટર હાફ તરીકેના પતિના સંબોધનમાં તેનો આંતરિક ભાવ ઓછો બાહ્ય અભિવ્યક્તિ વધુ પ્રગટ થતી હોય એમ લાગે. ઉપરાંત, બહુધા પતિઓ પોતાની પત્નીને સેકન્ડ સેક્સ તરીકે જોતા હોય છે. સેકન્ડ સેક્સ અર્થાત પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં કુટુંબનો વડો પતિ પત્નીની ભૂમિકાને હંમેશાં ગૌણ કે સહાયક તરીકે ગણે છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રીએ હંમેશાં પુરુષના સહાયક બની તેના કાર્યોમાં સહાય કરી આજીવન સહાયકની ભૂમિકા અદા કરવાની હોય છે. આ પ્રકારની માનસિકતા બધા પતિઓ ધરાવતા હોય છે એવું કહેવાનો આશય નથી, પરંતું જે સમાજવ્યવસ્થામાં આપણું ઘડતર થાય છે અને જે સામાજિક મૂલ્યોનું ગળથૂથીથી જ આપણામાં સિંચન થાય છે એ સમાજમાં બહુધા પતિઓ પત્નીને પોતાની સહાયક ગણવાની માનસિકતા ધરાવતા હોય છે એમ કહેવામાં અતિશયોક્તિ દોષ નથી. વળી આ સ્થિતિ સાવ ગરીબથી લઈ અત્યંત માલેતુજાર વર્ગો સુધીના તમામ સ્તરે વત્તાઓછા અંશે, પણ લગભગ એકસરખી રીતે પ્રવર્તે છે. આ હકીકતને સ્વીકારવામાં આવે તો પ્રશ્ન થાય કે જો પતિ પત્નીને સહાયક તરીકે જોતો હોય તો પછી એ પત્ની તેના માટે બેટર હાફ કેવી રીતે હોઈ શકે? બેટર હાફ એ સમકક્ષ દરજ્જો કે પોઝિશન છે જ્યારે સહાયક એ ઉતરતો દરજ્જો કે પોઝિશન છે. પત્નીને સહાયક તરીકે જોતા પતિઓ પોતાની પત્નીને બેટર હાફ કહેતા હોય તો કદાચ તેઓ દંભ આચરે છે, અથવા તો દુનિયા સમક્ષ એવો દેખાડો કરવા માંગે છે કે અમે પત્નીને પૂરતું માન-સન્માન આપીએ છીએ.
પત્નીના સંદર્ભે વાત કરીએ તો પત્ની પણ પતિને (ઑફકોર્સ, પોતાના જ વળી!) બેટર હાફ માનતી હોય છે અને બેઝિઝક રીતે માનતી હોય છે, કદાચ બેટર હાફ કરતાં પણ વિશેષ ગણતી હોય તો નવાઈ નહીં. અલબત્ત, પોતાના ખુદના દૃષ્ટિકોણથી પત્નીનો દૃષ્ટિકોણ રજૂ કરવા પુરુષનો દૃષ્ટિવ્યાપ કદાચ ટૂંકો પડે એ જોતાં પત્ની પોતાના પતિ માટે કેટલી વિશિષ્ટ અને આગવી લાગણીઓ ધરાવતી હશે એ કહેવું જરા મુશ્કેલ છે. ભારતની સામાજિક વ્યવસ્થામાં પતિને પરમેશ્વર માનવાની વાત જે રીતે નાનપણથી જ દીકરીઓના કુમળા માનસમાં ઘૂંટવામાં આવતી હોય છે એ જોતા અમુક અપવાદોને બાદ કરતાં સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ પતિને શ્રદ્ધેય ગણી હંમેશાં તેમના સૂરમાં સૂર પૂરાવતી રહી છે. પત્નીની પતિ પ્રત્યેની શ્રદ્ધા, નિષ્ઠા અને સમર્પિતતા મહદઅંશે નિર્ભેળ, નિર્મળ અને નિષ્કામ હોય છે, એમાં તસુભાર પણ શંકાને અવકાશ નથી. આગળ કહ્યું એમ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં લગ્ન પછી પતિના આજીવન સહાયક તરીકેની ભૂમિકા પત્ની સહજ રીતે સ્વીકારતી અને ભજવતી આવી છે, એની સામે પત્નીને કોઈ વાંધા-વચકા હોવાના દાખલા જવલ્લે જ જોવા મળે. રોજિંદા જીવનમાં પત્ની દ્વારા કરવામાં આવતાં ઘરેલું કાર્યો કેટલાં અગત્યનાં છે એવું સાબિત કરવાનો પ્રયાસ સુદ્ધા કર્યા વિના અથવા એ માટે ઉપકાર કે કદરની કોઈ અપેક્ષા રાખ્યા વિના પત્ની એ કાર્યો નિરંતર કરતી આવી છે અને પત્નીના આ નિરંતર કાર્યોને લીધે જ પતિ ઘર પ્રત્યેની એની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે અને કોઈ રૂકાવટ કે અવરોધ વિના પોતાના અન્ય ધ્યેયો તરફ પણ આગળ વધી શકે છે. સાવ સામાન્ય ગણાતા આ ઘરેલું કાર્યોનું મહત્ત્વ પતિને ત્યારે સમજાય છે જ્યારે જીવનની પાછલી સંધ્યાએ પત્ની વિના ઘણીવાર આ બધાં કામ પોતાની જાતે કરવાં પડતાં હોય છે.
એક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે એ કહેવાનો ભાવાર્થ કદાચ આ પણ હોઈ શકે છે. પત્નીને કારણે જ પતિને ઘરના અનિવાર્ય કાર્યો કરવામાંથી મુક્તિ મળે છે અને પરિણામે એકાગ્રતા સાથે ધ્યેય પ્રાપ્તિ પાછળ વધુ સમય ફાળવી શકે છે. સફળતા પ્રાપ્ત કરવા તરફની પતિની સફર સુગમ બનાવવામાં પત્નીની ભૂમિકા કંઈ નાનીસૂની તો નથી જ હોતી, અલબત્ત બહુ ઓછા પતિઓ એ વાતનો સહર્ષ સ્વીકાર કરી શક્યા છે જે પતિ પક્ષે એક પ્રકારની વૈચારિક સંકુચિતતા ગણી શકાય. પતિના વૈચારિક દાયરામાં પત્નીનું સ્થાન ક્યાં અને કેટલું એ વિશે પતિ મહાશયોએ વિચાર કરવાની જરૂર છે. પોતાની બેટર હાફ પત્નીની કદર કરવાની બાબતે પતિઓ બહુ કંજૂસ છે. બહુ ઓછા પતિઓ એવા હશે જેઓ જીવતે જીવ પોતાની પત્નીની કદર કરી શક્યા હશે. પત્નીની કદર ન કરી શકવા માટે બે સંભાવના હોઈ શકે, પહેલું તો એ કે પત્નીની કદર કરવા માટે પતિ અને તેના પરિવારમાં પત્નીનું શું સ્થાન છે અને એની મહત્તા શું છે એનો આછો-પાતળો પણ ખ્યાલ પતિને હોવો જોઈએ, અને બીજું, પત્નીની ભૂમિકાને સમજવા જેટલી વિશાળ સમજ અને ઉદારતા પણ પતિ પાસે હોવા જોઈએ. જેઓ આ બે પૈકી એક ગુણ ધરાવે છે તેઓ જ પત્નીની કદર કરવા પ્રયાસ કરી શકે છે.
પુરુષનું આધિપત્ય ધરાવતી આપણી કુટુંબ પ્રધાન સમાજ વ્યવસ્થાનું કેન્દ્રિય પાત્ર એવી બેટર હાફ પત્નીનું એક સ્ત્રી તરીકે નહિ પણ એક વ્યક્તિ તરીકે મૂલ્યાંકન કરવામાં પતિ ક્યાંક ઉણો ઉતર્યો હોય એવી આશંકા મનમાં ઉપજે, અન્યથા “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:” એ સૂત્રનું રટણ કરતાં આપણે સૌ આપણા કુટુંબ કે સમાજમાં પત્ની એટલે કે નારીનું કેટલું સન્માન, આદર કે ગરિમા આપણે જાળવી શકીએ છીએ એ વિશે આપણે આપણી જાતને પ્રશ્ન કરવો રહ્યો.
બેટર હાફ તરીકે કોણ વધુ ચડિયાતું?
પતિની વાત કરીએ તો પત્નીને બેટર હાફ કહેવામાં પતિ જરાકેય ખચકાતો નથી એ જેટલું સત્ય છે એટલું સત્ય એ નથી કે પતિ મનથી પણ પોતાની પત્નીને બેટર હાફ માને છે. પત્ની માટે પતિના બેટર હાફના માપદંડો પત્નીના પતિ માટેના બેટર હાફના માપદંડો જેટલા ગહન અને વ્યાપક નથી. પતિ માટે પત્ની બેટર હાફ ખરી પણ મહદઅંશે એ શબ્દો સુધી સીમિત છે, વાસ્તવિક જીવનમાં એનું દર્શન ભાગ્યે જ જોવા મળે! પત્નીને બેટર હાફ માનતા પતિના અંગત જીવનમાં પત્નીનું સ્થાન ચોક્કસ ભૌતિક અને શારીરિક જરૂરિયાતો સંતોષવા સુધી સીમિત રહેતું હોય છે, પત્ની સાથેનું ભાવનાત્મક તાદાત્મ્ય એટલું પ્રબળ નથી હોતું જેટલું પ્રબળ પત્નીનું પતિ પ્રત્યે ભાવનાત્મક તાદાત્મ્ય હોય છે. બહુ ઓછા કિસ્સામાં પતિ જીવનની મહત્ત્વપૂર્ણ એવી પ્રત્યેક બાબતમાં નિર્ણય લેતી વખતે પત્નીને ભાગીદાર બનાવતો હોય છે. બાહ્ય દૃષ્ટિએ તો પતિ પત્નીને બેટર હાફ માનતો હોય છે પણ અંદરની સ્થિતિ કંઈક જુદી છે.
પત્નીની વાત જરા જુદી છે. પત્નીના બેટર હાફના માપદંડોમાં બાહ્ય કે આંતરિક રીતે ખાસ કોઈ ફરક નથી. પત્ની માટે તેનો પતિ દરેક પરિસ્થિતિમાં બેટર હાફ છે, પછી એ બાહ્ય ઝંઝાવાતોની વાત હોય કે પોતાના ભીતરની ભાંજગડની વાત હોય. પત્ની માટે પોતાનો પતિ કાં તો બેટર હાફ છે અથવા તો નથી. પત્ની માટે આ બે અંતિમો છે, પત્ની માટે આ બે અંતિમો વચ્ચેની કોઈ સ્થિતિને ભાગ્યે જ કોઈ અવકાશ છે. પત્ની માટે તેનો બેટર હાફ (પતિ) માત્ર ભૌતિક, શારીરિક કે મનોસાંવેગિક જરૂરિયાતો સંતોષવા સુધી સીમિત નથી, પરંતું જીવનની સારી-નરસી દરેક પરિસ્થિતિમાં એ પતિને બેટર હાફ તરીકે જ જોતી હોય છે. પત્ની તેના બેટર હાફ (પતિ) પ્રત્યે વધુ ભાવનાત્મક તાદાત્મ્ય ધરાવે છે. સ્પષ્ટ રીતે કહીએ બેટર હાફની બાબતે પતિ કરતાં પત્નીનું પલ્લું નમતું જણાય છે.
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com
![]()

