રાજ કપૂરનાં ગીતોની વિશેષતા એ હતી કે એક તરફ એ ફિલ્મનાં ટેમ્પરામેન્ટ અને ફેબ્રિક સાથે અદ્દભુત રીતે વણાઈ જતાં અને બીજી તરફ એને એકલાં પણ એટલાં જ માણી શકાતાં. રાજ કપૂર માનતા કે ગીતો સિનેમાનો જ, ભાવને ઘૂંટતો, વાર્તાને આગળ વધારતો હિસ્સો છે. એની પાછળ તર્ક, બુદ્ધિ, કલા અને સંવેદનાનું સુંદર સંયોજન હોવું જોઈએ. લતા મંગેશકર રાજ કપૂરને ‘કમ્પ્લીટ મ્યુઝિશ્યન’ કહેતાં
‘કામ નયે નિત ગીત બનાના
ગીત બના કે જહાં કો સુનાના
કોઈ ન મિલે તો અકેલે મેં ગાના
કવિરાજ કહે, ન યે તાજ રહે, ન યે રાજ રહે ન રાજઘરાના
પ્રીત ઔર પ્રીત કા ગીત રહે, કભી લૂટ સકા ન કોઈ યે ખજાના’
શૈલેન્દ્રના આ શબ્દોમાં આપણા સૌના ખજાના જેવા રાજ કપૂરની આખી ફિલસૂફી છુપાઈ છે. આ જ ગીતમાં એક પંક્તિ છે, ‘ડફલી ઊઠા આવાઝ મિલા, ગા મિલ કે મેરે સંગ પ્રેમ તરાના’. ચેમ્બુરના આર.કે. સ્ટુડિયોમાં રાજ કપૂરનું એક કૉટેજ હતું. આ કૉટેજ, રાજ કપૂરની સર્જનાત્મકતાનું કેન્દ્ર હતું. તેમાં એ મુકાતું જે તેના આત્મા સાથે વણાયેલું હોય. પૃથ્વીરાજ કપૂર, ‘આવારા’ની નરગિસ, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ની પદ્મિની અને ‘સંગમ’ની વૈજ્યંતિમાલાની વિરાટ તસવીરો સાથે તેમાં ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ની ડફલી અને ‘સંગમ’નું ઍકૉર્ડિયન પણ હતું.

રાજ કપૂર
14 ડિસેમ્બરે રાજ કપૂરનો જન્મદિન. થોડી વાત કરીએ એના સંગીતપ્રેમની. સંગીતશોખીનોનાં હૃદય પર જેની ફિલ્મોનાં ગીતો રાજ્ય કરે છે, એ રાજ કપૂરની સંગીતસફર પિતા પૃથ્વીરાજ કપૂરના કલકત્તાના થિયેટરકાળથી જ શરૂ થઈ ગઈ હતી. મુંબઈ આવ્યા પછી તે નારાયણરાવ વિજય ઍકેડમીમાં તબલાં, હાર્મોનિયન અને સિતાર શીખ્યો. તેને સંગીત-નિર્દેશક બનવું હતું. અનિલ બિશ્વાસ સાથે થોડો વખત કામ કર્યું અને ‘દિલ કી રાની’, ‘ચિતચોર’, ‘ચિતોડવિજય’ ‘જેલયાત્રા’, ‘ગોપીનાથ’ જેવી ફિલ્મોમાં પોતાનાં ગીતો પણ ગાયાં.
ચોવીસ વર્ષની ઉંમરે તેણે ‘આગ’ બનાવી. તેના સંગીતકાર હતા રામ ગાંગુલી. એ વખતથી માંડીને શંકર જયકિશન ને લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવા સંગીતકારો સાથે રાજ કપૂર લાંબી બેઠકો કરતા. ગીતકારને, કલાકારોને પણ બોલાવે. ગીતનું ફિલ્મની વાર્તામાં સ્થાન, આગળપાછળનાં દૃશ્યો વગેરે વર્ણવે, સૂચનો લે, જરૂરી ઉમેરા કરે અને એક ગીતની ચારપાંચ તરજો માગી તેમાંથી એક પસંદ કરે. ગીત બની રહ્યું હોય ત્યારે જ એ એને ‘દેખાતું’ પણ હોય. દરેક ગીતને પોતાનો એક ખાસ સ્પર્શ આપે. તેઓ માનતા કે ગીતો સિનેમાનો જ, ભાવને ઘૂંટતો, વાર્તાને આગળ વધારતો હિસ્સો છે. એની પાછળ તર્ક, બુદ્ધિ, કલા અને સંવેદનાનું સુંદર સંયોજન હોવું જોઈએ. લતા મંગેશકર રાજ કપૂરને ‘કમ્પ્લીટ મ્યુઝિશ્યન’ કહેતાં.
‘દેખ ચાંદ કી ઓર’, ‘કાહે કોયલ શોર મચાયે’, ‘ઝિંદા હૂં ઈસ તરહ’ જેવાં ગીતો છતાં ‘આગ’ ખાસ ચાલી નહીં. રાજ કપૂરને તરત સમજાયું કે સરેરાશ ભારતીય પ્રેક્ષકને ગંભીર અને કલાત્મક નહીં, રોમેન્ટિક અને મનોરંજક ફિલ્મો ગમે છે. બીજી ફિલ્મ ‘બરસાત’થી ચિત્ર બદલાઈ ગયું. આર.કે. બેનરને એનો લોગો બરસાતથી જ મળ્યો, જેમાં એક યુવાન એક હાથમાં ઢળી ગયેલી સ્ત્રી ને બીજા હાથમાં વાયોલિનને સાહીને ઊભો છે. પછી તો ‘આવારા’, ‘આહ’, ‘શ્રી 420’, ‘સંગમ’, ‘કલ, આજ ઔર કલ’, ‘બૉબી’, ‘ધરમકરમ’ જેવી રોમેન્ટિક ફિલ્મો હોય, ડાકુઓના આત્મસમર્પણ પરની ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, ગંગા-શુદ્ધિકરણ પરની ‘રામ તેરી ગંગા મૈલી’ વિધવાવિવાહની પર ‘પ્રેમ રોગ’ કે જીવન-ફિલસૂફી સમી ‘મેરા નામ જોકર’ હોય – રોમાન્સ (‘બૂટપૉલિશ’, ‘જાગતે રહો’ સિવાય) અને સંગીત એની દરેક ફિલ્મનો આત્મા બની રહ્યાં. ‘ચોરી ચોરી’, ‘અનાડી’, આશિક’, ‘છલિયા’, ‘દિલ હી તો હૈ’, ‘ફિર સુબહ હોગી’ જેવી આર.કે. બેનર સિવાયની ફિલ્મોના સંગીતમાં પણ રાજ કપૂરનો સ્પર્શ વર્તાય જ. ‘આવારા’માં રાજ કપૂરે પહેલી ડ્રીમ-સિક્વન્સ બનાવી. એનું ‘આવારા હૂં’ બૉલિવૂડનું ‘ઓરિજિનલ રોડ સોંગ’ ગણાય છે.
રાજ કપૂરની વીસ જેટલી ફિલ્મોના સંગીતકાર શંકર-જયકિશન હતા, જેમાંની દસ આર.કે. બેનરની હતી. જબ્બર ઑરકેસ્ટ્રા રાખતા શંકર-જયકિશને રાજ કપૂરની કલ્પનાને સંગીતની પાંખો આપી હતી. મુકેશને રાજ કપૂર પોતાનો ‘વૉઈસ’ કહેતા, પણ અન્ય ગાયકોએ પણ એમના માટે ગાયું છે. મન્ના ડેએ એમને માટે બારેક મસ્ત ગીતો ગાયાં છે (યે રાત ભીગી ભીગી, આ જા સનમ), ‘અંદાઝ’માં દિલીપકુમારનાં ગીતો મુકેશે અને રાજ કપૂરનાં ગીતો મહમ્મદ રફીએ ગાયાં હતાં. રફીજીએ રાજ કપૂર માટે 25 (સુરૈયા સાથેનું તારારી, આરારી) અને તલત મહેમૂદે 4 ફિલ્મનાં 10 ગીતો (મૈં દિલ હૂં એક અરમાનભરા) ગાયાં છે. ‘પ્યાર’ ફિલ્મમાં કિશોરકુમારે પણ રાજ કપૂરને કંઠ આપ્યો છે(એક હમ ઔર દૂસરે તુમ)
રાજ કપૂરે પડદા પર કેટલાં વાદ્યો વગાડ્યા હશે? વાંચતા જાઓ – વાયૉલિન (મુઝે કિસીસે પ્યાર હો ગયા), બંસરી (સુન બૈરી બલમ), પિયાનો (દોસ્ત દોસ્ત ના રહા), પેની વ્હીસલ્સ (પ્યાર હુઆ ઈકરાર હુઆ), ડફલી (દિલ કા હાલ), શરણાઈ (દિવાના મુઝકો લોગ કહે), ટ્રમ્પેટ (મુડ મુડ કે ના દેખ), સારંગી (આંસુભરી હૈ), બીન (તેરે દિલ કા મકાન), ઢોલ (યે તો કહો કૌન હો તુમ), એકૉર્ડિયન (હર દિલ જો પ્યાર કરેગા) અને બેગ પાઈપર (તેરે મન કી ગંગા).
પણ એનું પ્રિય વાદ્ય હતું એકૉર્ડિયન. ‘સંગમ’ના ‘હર દિલ જો પ્યાર કરેગા’ ગીતમાં આખો વખત તેના હાથમાં એકૉર્ડિયન હતું. ગીત પૂરું થાય છે ત્યાર પછી એ એના પર એક ખાસ ધૂન વગાડે છે, પાર્ટીનાં યુગલો અને રાજેન્દ્રકુમાર-વૈજ્યંતીમાલા બૉલડાન્સ કરે છે ને જાણે સંમોહનાસ્ત્ર છૂટ્યું હોય એમ પ્રેક્ષકો સ્તબ્ધ થઈ જાય છે. એ જ, ‘બરસાત’થી માંડીને છેક ‘બીવી ઓ બીવી’ સુધીની તેની ફિલ્મોમાં સંભળાયેલી એ જ ધૂન – ક્યાંથી આવી આ ધૂન?
1946માં એક ફિલ્મ આવેલી ‘ધ જોલ્સન સ્ટોરી’. આ ફિલ્મ જોઈ ત્યારે રાજ કપૂરે આ ધૂન સાંભળી. પછી એનું ઓરિજિનલ વાલ્ટ્ઝ સાંભળ્યું. એ એટલો સંમોહિત થઈ ગયો કે એને લાગ્યું કે ‘બરસાત’માં આ ધૂન જોઈએ જ જોઈએ. કહે છે કે એ જમાનામાં 35,000 રૂપિયા આપી તેણે આ ધૂન વાપરવાની પરવાનગી ખરીદી હતી. મૂળ ધૂન ‘વૅવ્ઝ ઑફ ધ ડાન્યુબ’ રોમાનિયન સંગીતકાર યૉસિફ ઈવાનોવિચે 1880માં બનાવી હતી. બૉલડાન્સ માટે ખાસ બનેલી આ વિશ્વપ્રસિદ્ધ ધૂન કુલ 7 મિનિટની છે. ‘સંગમ’માં તેણે ગોવાનીઝ પૉપ સિંગર વિવિયન લોબોનું ‘ઇસ્લે બિ ડેસ’ ગીત તેના જ અવાજમાં મૂકેલું. આ સિંગર મુંબઈની ગૅલૉર્ડ હોટેલની બોમ્બીલી રેસ્ટોરાંમાં ગાતો. જર્મન ભાષાના આ શબ્દોનો અર્થ છે ‘આઈ લવ યુ’. ‘બરસાત’ના બધા વાયૉલિન સૉલો જૉ મેનેઝિસે વગાડ્યા હતા.
રાજ કપૂરનાં ગીતોની વિશેષતા એ હતી કે એક તરફ એ ફિલ્મનાં ટેમ્પરામેન્ટ અને ફેબ્રિક સાથે અદ્દભુત રીતે વણાઈ જતાં અને બીજી તરફ એને એકલાં પણ એટલાં જ માણી શકાતાં. ભવ્ય ફિલ્મ ‘મેરા નામ જોકર’ની ભવ્ય નિષ્ફળતા પછી એણે ‘બૉબી’માં ટીન-એજ લવસ્ટોરીનો એક આખો ટ્રેન્ડ સર્જ્યો. ‘બૉબી’માં બધું જ નવું હતું – રિશી કપૂર, ડિમ્પલ, ગાયકો નરેન્દ્ર ચંચલ અને શૈલેન્દ્રસિંઘ, સંગીતકાર લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ, ગીતકારો રાજકવિ ઈન્દ્રજિતસિંહ તુલસી (બેશક મંદિર મસ્જિદ તોડો) અને વિઠ્ઠલભાઈ પટેલ (ના માંગુ સોના ચાંદી). 1973-74માં ‘બૉબી’નાં ગીતોનું વાવાઝોડું સર્જાયું હતું. ‘પ્રેમરોગ’માં પણ નવી ટીમ હતી – સંગીતકાર લક્ષ્મી-પ્યારે સાથે ગાયકો સુરેશ વાડકર, અનવર, ફિલ્મોમાં ગાવાનું છોડી ચૂકેલી સુધા મલ્હોત્રા. ગીતકારો નરેન્દ્ર શર્મા, અમીર કઝલબક્ષ, સંતોષ આનંદ અને ફરી એક વાર રાજ કપૂર ટચની કમાલ. ‘હીના’ રાજ કપૂરની છેલ્લી, અધૂરી રહી ગયેલી ફિલ્મ. એનાં ગીતો રવીન્દ્ર જૈન અને નક્શ લાયલપુરીએ કર્ણમધુર તો બનાવ્યાં, પણ રાજ કપૂરના ખાસ સ્પર્શ વિના એ ફિક્કાં રહ્યાં.
આ રાજ કપૂર. એને, એના સંગીતને વર્ણવવા માટે પુસ્તક ટૂંકું પડે. આપણે એની મસ્તમૌલા પ્રતિભાને એના જ એક ગીતમાં નીરખીને અટકીએ :
ચલા ગર સફર કો કોઈ બેસહારા
તો મૈં હો લિયા સંગ લિયે એકતારા,
ગાતા હુઆ, દુ:ખ ભુલાતા હુઆ …
મૈં આશિક હૂં બહારોં કા, ફિઝાઓં કા, નઝારોં કા
મૈં મસ્તાના મુસાફિર હૂં જવાં ધરતી કે અન્જાને કિનારોં કા…
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 ડિસેમ્બર 2025
![]()

