દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાઈ,
કાહે કો દુનિયા બનાઈ …
કાહે બનાયે તૂને માટી કે પૂતલે
ધરતી યે પ્યારી પ્યારી મુખડે યે ઉજલે
કાહે બનાયા તૂને દુનિયા કા ખેલા
જિસમેં લગાયા જવાની કા મેલા
ગુપચૂપ તમાશા દેખે વાહ રે તેરી ખુદાઈ
કાહે કો દુનિયા બનાઈ …
તૂ ભી તો તડપા હોગા મન કો બનાકર
તૂફાં યે પ્યાર કા મન મેં છુપાકર
કોઈ છબિ તો હોગી આંખો મેં તેરી
આંસુ તો છલકે હોંગે પલકોં સે તેરી
બોલ ક્યા સૂઝી તુઝકો કાહેકો પ્રીત જગાઈ
કાહે કો દુનિયા બનાઈ …
પ્રીત બનાકે તૂને જીના સીખાયા
હંસના સીખાયા રોના સીખાયા
જીવન કે પથ પર મીત મિલાયે
મીત મિલાકે તૂને સપને જગાયે
સપને જગાકે તૂને કાહેકો દે દી જુદાઈ
કાહે કો દુનિયા બનાઈ …

હસરત જયપુરી
ફિલ્મી ગીતોમાં એક અજબ આકર્ષણ છે. પણ આપણને ગીત, કલાકારો, ગાયકો, ફિલ્મ ને સંગીતકાર પણ યાદ રહે છે, પણ ગીતનું ખરું આકર્ષણ જેમાં છે તે શબ્દોના રચનારનું નામ બહુ ઓછાને યાદ આવે છે. ઘણીવાર તો પરવા પણ નથી હોતી. એને તો નામ ને દામ બન્ને ઓછા જ મળે છે. ગ્લેમર વિશ્વના મોટા ભાગના શાયરો આવું જ નસીબ લઈને આવ્યા હોય છે. 15 એપ્રિલે હસરત જયપુરીનો જન્મદિન હતો. 1966ની ફિલ્મ ‘તીસરી કસમના ગીત ‘દુનિયા બનાનેવાલે, ક્યા તેરે મન મેં સમાઈ, કાહે કો દુનિયા બનાઈ’ નિમિત્તે હસરતે લખેલા અદ્દભુત શબ્દો સાથે એ અદ્દભુત ફિલ્મને પણ યાદ કરીએ.
પહેલું ગીત જીયા બેકરાર હૈ
‘તીસરી કસમ’ માટે એક વિવેચકે લખ્યું છે, ‘ઈટ ઈઝ લાઈક અ પોએમ ઓન સેલ્યુલોઈડ વિથ અ થ્રેડ ઑફ પેઇન રનીંગ થ્રુ ઈટ.’ ‘તીસરી કસમ’ના સીધાસદા, ગીત ગાતા રહેતા ગાડાવાળા હીરામન (રાજ કપૂર) અને તેની ‘સવારી’ હીરાબાઈ (વહીદા રહેમાન) વચ્ચે લાંબી મુસાફરી દરમ્યાન એક કોમળ સંબંધ ગૂંથાતો હતો, બંને એકબીજાને અને પોતાને પણ ઓળખતા જતાં હતાં ત્યારે પણ આ જ થતું હતું. બાજુમાંથી ગાડું પસાર થાય તો પડદો ખેંચી પોતાને કોઈની નજરથી બચાવી લેતા હીરામનની નિર્દોષતા જોઈ હીરાબાઈ એ ભૂલી ગઈ કે પોતે નૌટંકીની નાચનારી છે જેને ચારઆઠ આના ખર્ચી કોઈ પણ હાલીમવાલી જોઈ શકે છે.
મુસાફરી પૂરી થયા બાદ હીરાબાઈ વાસ્તવિક દુનિયામાં પાછી ફરી ગઈ, હીરામન એમ ન કરી શક્યો. હીરાબાઈ સમજતી હતી કે એનો અને હીરામનનો કોઈ મેળ નથી. ફિલ્મના અંતે તે પોતાની જૂની કંપનીમાં ચાલી જાય છે. ખરું કારણ હીરામનથી દૂર ચાલ્યા જવાનું છે. રેલવે પ્લેટફોર્મ પર થયેલી અંતિમ મુલાકાતમાં હીરાબાઈ કહે છે, ‘તેં મને મહુવાની વાર્તા કરી હતી, જેને વેચી નાખવામાં આવેલી – મૈં ભી બિકી હુઈ હૂં હીરામન. દુ:ખી ન થા.’ કોરી આંખે છૂટા પડતાં આ બંને પાત્રોનું દર્દ દર્શકોની આંખો ભીંજવ્યા વગર રહેતું નથી.
‘દુનિયા બનાનેવાલે’ આ મહુવાની વાર્તા કરતા હીરામને ગાયેલું ગીત છે. મા વગરની મહુવા એક પરદેસીને દિલ દઈ બેઠી. તેણે મહુવાનો સોદો કરી નાખ્યો ને મહુવાએ આત્મહત્યા કરી. ગીતમાં ડૂબી ગયેલાં પાત્રો અને પ્રેક્ષકોને ત્યારે ખબર નથી કે આ જ ગીત એમને ક્યાં લઈ જવાનું છે. હસરત જયપુરીએ ગીતના શબ્દોમાં એક જીવતા પાત્ર જેવો પ્રાણ પૂર્યો છે.
કહે છે શાયર મિત્ર શૈલેન્દ્રએ ‘તીસરી કસમ’ બનાવવા માંડી ત્યારે રાજ કપૂરે તેને વાર્તામાં ફેરફાર કરવા સમજાવ્યો હતો. એ ન માન્યો. રાજકપૂરે પછી માત્ર એક રૂપિયો લઈ હીરામનનું પાત્ર ખૂબ સંવેદનશીલતાથી કર્યું, વહીદા રહેમાનની સુંદરતા, અભિનય અને નૃત્યકળા ત્રણેને આ ફિલ્મમાં અવકાશ મળ્યો, ગીતો અને ગ્રામ્ય પરિવેશથી ભારતનું એક અનુપમ ચિત્ર ખડું થયું, બાસુ ભટ્ટાચાર્યએ દિગ્દર્શક તરીકેની આ પહેલી જ ફિલ્મમાં ઘણું કૌવત દેખાડ્યું અને કલાત્મકતાની દૃષ્ટિએ ફિલ્મ વખણાઈ પણ ખરી – પણ પ્રેક્ષકોને તે બિલકુલ ન ગમી અને કશી નોંધ લેવાય એ પહેલા જ એ ભુલાઈ ગઈ, ભુંસાઈ ગઈ. ત્રણ ત્રણ વર્ષથી તેની પાછળ ખુવાર થતા રહેલા શૈલેન્દ્રનો એ નિષ્ફળતાએ જીવ લીધો. પછીનાં વર્ષોમાં ફિલ્મ ઑલ ટાઈમ ક્લાસિક શ્રેણીમાં મુકાઈ અને તેના સર્જક તરીકે શૈલેન્દ્રનું નામ અમર થઈ ગયું. પણ ત્યારે રાજકપૂરની ટીમ ખરાબ રીતે તૂટી ગઈ હતી.
હસરત જયપુરીની મુખ્ય ઓળખ રાજકપૂરની ટીમના સભ્ય તરીકેની ભલે હોય, પણ તેઓ એ સિવાય પણ ઘણું હતા. નાનાનો વારસો અને રાધાનો ઈશ્ક એમના પહેલા પ્રેરણાસ્રોતો. ‘કહીં વો આ કે મિટા ન દે ઈન્તઝારકા લુત્ફ, કહીં કૂબુલ ન હો જાયે ઇલ્તઝા મેરી’ આ સુંદર શેર એમણે એમની વિદ્યાર્થી અવસ્થામાં લખ્યો હતો અને ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’ ગીત ‘સંગમ’માં લેવાયું એનાં વર્ષો પહેલા રાધાને માટે લખાયેલું. પણ ફૂટેલા નસીબમાં રાધા ન હતી, ગરીબી, મજૂરી અને કંડકટરી હતી.
મુંબઈમાં આવ્યા બાદ 11 રૂપિયામાં મહિનો ખેંચતા, મુશાયરા ગજવતા ને પછી ફૂટપાથ પર સૂઈ જતા હસરતે ફૂટપાથના સાથી મજૂરની લાશ પર દર્દભરી રચના લખી. મુશાયરામાં એ સાંભળી પૃથ્વીરાજ કપૂરનું દિલ ડોલી ઊઠ્યું અને ‘બરસાત’ બનાવી રહેલા રાજ ક્પૂરને એક સાથી, એક મિત્ર મળી ગયો. ‘જિયા બેકરાર હૈ’ અને ‘છોડ ગયે બાલમ’ આ બંને હસરતનાં પહેલાં ગીતો. ઊંડો પ્રેમ અને દર્દ એમની રચનાઓમાં વારંવાર ઝલકે, પણ તેમની પ્રકૃતિ રોમાન્સની – ‘બહારો ફૂલ બરસાઓ’, ‘એ ગુલબદન’, ‘આ જા રે આ જરા’, ‘મસ્તીભરા હૈ સમા’, ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’ ‘બદન પે સિતારે લપેટે હુએ’ એક એકથી ચડે તેવાં રોમેન્ટિક ગીતો.
હસરત પાસે સાહિર જેવી કડવાશ કે ફૈઝ – કૈફી જેવું ગાંભીર્ય કદાચ ન મળે, પણ અનુભવોમાંથી નીતરેલું ઊંડાણ જરૂર મળે. એમની કલા કઠોર નહીં, જીવનની દરેક કડવાશમાંથી મીઠાશ શોધી લે તેવી હતી – પ્યાર સચ્ચા હો તો રાહેં ભી નિકલ આતી હૈ, બિજલિયાં અર્શ સે ખુદ રાસ્તા દિખલાતી હૈ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 11 ઍપ્રિલ ડિસેમ્બર 2025
![]()

