
રાજ ગોસ્વામી
આંતરરાષ્ટ્રીય ફૂટબોલના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસી તાજેતરમાં ત્રણ દિવસ માટે ભારતની યાત્રાએ હતો. આ તેની પહેલી ભારત મુલાકાત હતી. તેણે કોલકત્તા, હૈદરાબાદ, દિલ્હી અને મુંબઈમાં સાંસ્કૃતિક અને ખેલ સંબંધી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. કોલકત્તામાં (જે ફૂટબોલના ખેલ માટે ગાંડું છે), મેસીને જોવા/મળવા માટે તેના ચાહકોએ જે ભીડ અને ધમાલ કરી હતી તેના સમાચાર તમે વાંચ્યા જ હશે.
મેસીએ તેની અસાધારણ પ્રતિભા, સાતત્ય અને વિનમ્ર વ્યક્તિત્વના બળ પર ખેલ જગતમાં એક અલગ સ્થાન મેળવ્યું છે. તેને ફૂટબોલ ઇતિહાસના મહાનતમ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. આજે મેસી કેવળ એક ફૂટબોલ ખેલાડી જ નથી, બલકે ખેલ જગતમાં અનુશાસન, સમર્પણ અને ઉત્કૃષ્ઠતાનું પ્રતિક છે.
દુનિયા ભરમાં લિયોનેલ મેસીને લઈને ફૂટબોલના ચાહકો પાગલ છે. તે તેની પ્રતિભા, સંઘર્ષ અને સાદગીના દુર્લભ મિશ્રણનું પરિણામ છે. ફૂટબોલ મેદાન પર મેસી જે કરે છે, તે ઘણી વખત અસંભવને સંભવ બનાવી દે છે.
પરંતુ મેસીની કહાની માત્ર ખેલ-જીવનનું વર્ણન નથી, તે આપણા ખુદના જીવનને સમજવાની અને જીવવાની એક નવી દૃષ્ટિ આપે છે. તેની કહાની બતાવે છે કે ઉત્કૃષ્ઠતા કોઈ એક ક્ષણમાં નથી રચાતી, બલકે વર્ષોની મૌન મહેનત, અપમાન સહન કરવાના સામર્થ્ય અને પોતાના પર અડીખમ વિશ્વાસથી બને છે.
મેસીનું બાળપણ જ જીવનનો પ્રથમ બોધપાઠ આપે છે; દરેક માણસ સમાન પરિસ્થિતિઓથી શરૂઆત નથી કરતો. જે વયમાં બાળકો સપનાં જોવાનું શીખે છે, એ જ વયમાં મેસીને એવું કહેવામાં આવ્યું હતું કે તેનું શરીર તેનાં સપનાંમાં સાથ નહીં આપે; તેનામાં ગ્રોથ હોર્મોનની કમી હતી. તેનો ઈલાજ મોંધો હતો અને સંશાધનો સીમિત હતાં. મેસી માટે સ્પષ્ટ સંકેત હતો કે જીવનમાં એક ‘સાધારણ સફળતા’થી આગળ જવું તેના માટે શક્ય નથી. પરંતુ તેની પાછળની કહાનીએ સાબિત કર્યું કે તમારી સીમાઓ ઘણીવાર તમારી નથી હોતી, તે બીજાઓની કલ્પના હોય છે.

મેસીનો જન્મ આર્જેન્ટિનાના રોસારિયો શહેરમાં એક મધ્યમ વર્ગીય, મહેનતકશ પરિવારમાં થયો હતો. તેના પિતા, જોરજ મેસી, એક ફેક્ટરીમાં કામ કરતા હતા અને મા સેલિયા કુચિની પાર્ટ-ટાઈમ સમય માટે કામ કરીને પરિવારની સંભાળ કરતી હતી. ઘરમાં કોઈ ખેલાડી નહોતો કે નહોતાં સંશાધન – પણ જે હતું, તે પરિવારનો વિશ્વાસ.
બાળપણમાં મેસી ખૂબ શાંત, શરમાળ અને અંતર્મુખી હતો. તે વધુ બોલતો નહોતો, અને જે કહેવું હોય તે પગના ઈશારાથી કહેતો હતો. પરિવારે કદી આ મૌનને નબળાઈ સમજી નહોતી. પરિવર્તનનો આ પહેલો મોટો પાઠ છે; દરેક બાળક એકસરખું નથી હોતું, અને દરેક પ્રતિભા ઘોંઘાટ કરીને નથી જન્મતી.
આર્જેન્ટિનામાં, આપણા બંગાળની જેમ, ફૂટબોલના ખેલની એક તંદુરસ્ત સંસ્કૃતિ છે. અન્ય લાખો બાળકોની જેમ, મેસીને પણ બાળપણથી જ આ ખેલનો રંગ લાગ્યો હતો. તેની ફૂટબોલ યાત્રા પરિવારની અંદરથી જ શરૂ થઈ. તેના પિતા તેના પ્રથમ કોચ બન્યાં, અને દાદી સેલિયા તેની સૌથી મોટી પ્રેરણા. કહેવાય છે કે મેસી આજે પણ ગોલ કર્યા પછી આકાશ તરફ આંગળી ઉઠાવી દાદીને યાદ કરે છે. આ સંકેત દર્શાવે છે કે ભાવનાત્મક સહારો કોઈપણ સફળતાનું મૂળ હોય છે.
શિક્ષણના સ્તરે મેસી કોઈ ‘ટોપર’ વિદ્યાર્થી નહોતો, પરંતુ પરિવારે અભ્યાસને ક્યારે ય અવગણ્યો નહોતો. તેનાં પ્રારંભિક વર્ષોમાં શાળાનું અને ખેલકૂદનું સંતુલન જાળવાયું હતું. એમાંથી જીવનનો એક ઊંડો પાઠ મળે છે; શિક્ષણ માત્ર માર્ક્સ માટે નથી, તે અનુશાસન અને ટાઈમ-મેનેજમેન્ટ શીખવા માટે પણ જરૂરી હોય છે. સ્કૂલમાં શીખવા મળેલું અનુશાસન પાછળથી તેના વ્યાવસાયિક જીવનનું મજબૂત પીઠબળ બન્યું હતું.
જ્યારે ગ્રોથ હોર્મોનની બીમારી સામે આવી, ત્યારે પરિવારે સૌથી મુશ્કેલ નિર્ણય લેવાનો આવ્યો; સારવાર કે સપનું? આર્થિક સ્થિતિ નબળી હતી, સારવાર મોંઘી હતી, પરંતુ પરિવારે હાર ન માની. પરિવારે પ્રેમાળ સંબંધીઓ, ક્લબો અને દરેક શક્ય માર્ગથી મદદ ઊભી કરવાની કોશિશ કરી.
મેસીના શારીરિક વિકાસ માટે રોજ ગ્રોથ હોર્મોનનાં ઈન્જેક્શન લેવાં પડતાં હતાં, જેનો ખર્ચ ઉઠાવવો પરિવાર માટે મુશ્કેલ હતો, પરંતુ બાર્સેલોના ફૂટબોલ ક્લબે તેની પ્રતિભાને જોઈને સારવારનો ખર્ચ ઉઠાવ્યો અને તેને સ્પેન બોલાવ્યો.
13 વર્ષની વયે મેસીનું સ્પેન જવું માત્ર તેના માટે નહીં, પરંતુ સમગ્ર પરિવાર માટે બલિદાન હતું. માતા અને ભાઈબહેન આર્જેન્ટિનામાં રહ્યાં, પિતા મેસીની સાથે ગયા. આ નિર્ણય દર્શાવે છે કે સફળતા ઘણી વખત વ્યકિતગત નહીં પણ પરિવારના ત્યાગનું પરિણામ હોય છે.
ગ્રોથ હોર્મોનની કમીના કારણે મેસીનું કદ નાનું રહ્યું, શરીર નબળું કહેવાયું, પરંતુ તેણે નબળાઈને આડે ન આવવા દીધી; તેનું આ જ કદ તેની ઝડપ, સંતુલન અને ડ્રિબ્લિંગની શક્તિ બની ગયું. મેદાન પર મેસીને અવારનવાર ‘કમજોર કદ’ વાળો ખેલાડી કહેવામાં આવતો. પરંતુ તેણે શરીરની આ ખામીને પોતાની શક્તિમાં ફેરવી દીધી; તે તેજ ગતિએ શરીરને વાળી શકતો હતો, તે જબરદસ્ત સંતુલન જાળવી શકતો હતો અને બોલ પર તેનું અદ્ભુત નિયંત્રણ હતું.
મેસીએ અલગ-અલગ પ્રસંગોએ કહ્યું છે કે બાળપણમાં તેની આ બીમારીને તેણે ‘ન્યાય કે અન્યાય’ તરીકે જોઈ નહોતી. તેના માટે તે ફક્ત એક સચ્ચાઈ હતી, જેનો તેણે સામનો કરવાનો જ હતો. તેણે એ પણ સ્વીકાર્યું હતું કે શરૂઆતમાં તેને કે આ સમસ્યાની ગંભીરતાનો અંદાજ નહોતો, પણ પરિવારે કદી તેને ડર લાગે તે રીતે પ્રસ્તુત કરી નહોતી.
મેસીનો સંદેશ સ્પષ્ટ રહ્યો છે: જો આસપાસના લોકો તમને સામાન્ય માને, તો તમે પણ જાતને સામાન્ય જ માનવા લાગો છો. ઊંધું પણ બને; લોકો જો તમારામાં ખામી જોવા લાગે, તો તમે પણ એવું જ માનો. મેસીએ એ પણ કહ્યું છે કે તેને યોગ્ય તાલીમ મળી એટલે તેની તકનીક, સંતુલન અને બોલ પરનું નિયંત્રણ સટીક બન્યું.
અંતરરાષ્ટ્રીય સ્તરે મેસીનો સંઘર્ષ કદાચ તેની વાર્તાનો સૌથી માનવીય હિસ્સો છે. ક્લબ ફૂટબોલમાં દેવતાની જેમ પૂજાતા મેસીને દેશ વતી રમતી વખતે અનેક પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. તેણે હાર, ટીકા, અને દેશદ્રોહ જેવા શબ્દોની પરવા નહોતી કરી. એક વખતે તેણે નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી, પરંતુ તેણે પાછા આવીને ટીકાઓ વચ્ચે રમવું પડ્યું હતું; આ શીખવે છે કે થાકવું સ્વાભાવિક છે, પરંતુ રોકાવું વિકલ્પ હોવું જોઈએ, બાધ્યકારક નહીં. 2022નો વર્લ્ડ કપ મેસીની કહાનીનો અંત નથી, પરંતુ તેનો સાર છે. આ જીત પુરવાર કરે છે કે જીવન તરત ન્યાય નથી કરતું, પરંતુ સતત પ્રયત્નને અવગણતું પણ નથી. દુ:ખદ દિવસો એક દિવસ અર્થ પામી લે છે – બસ ધીરજ હોવી જરૂરી છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 28 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

