
રાજ ગોસ્વામી
ટેકનોલોજીના આવ્યા પછી, દુનિયાભરમાં લોકોની પ્રાઈવસીને લઈને સવાલો વધી ગયા છે. તાજેતરમાં ભારત સરકારની ‘સંચારસાથી’ એપને લઈને દેશભરમાં ભયાનક હોબાળો થયો અને સરકારે તેના ‘ફરજિયાતપણા’ અંગે ખુલાસો કરવો પડ્યો, તે બતાવે છે કે ભારતના લોકો પણ આ બાબતને લઈને કેટલા સંવેદનશીલ છે. દુનિયાની અનેક કંપનીઓ લોકોના પ્રાઈવેટ ડેટા ‘ચોરવા’નું કામ કરતી હોય છે, અને ભારત સરકાર તો ઊલટાની તે ડેટાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.
જો કે દેશમાં એક વર્ગ એવું પણ માને છે કે ‘તમારી પાસે કશું છુપાવા જેવું ન હોય, તો ડરવાનું શું કારણ છે?’ આ તર્કમાં એવો અર્થ અભિપ્રેત છે કે જે લોકો ‘ચોખ્ખા’ નથી અથવા જે લોકો ‘આપરાધિક’ કામો કરે છે તેમને જ પ્રાઈવસીના ઉલ્લંઘનની ચિંતા હોય છે.
આ વાસ્તવમાં કોઈ ઉચિત તર્ક નથી – બલકે કુતર્ક છે અને આત્મસંતોષ માટે છે. સૌથી પહેલાં તો, પ્રાઈવસી ‘ખોટું કામ છુપાવવા માટે’નું સાધન નથી. દરેક વ્યક્તિના જીવનમાં એવી બાબતો હોય છે, જેને તે સાર્વજનિક કરવા ન ઇચ્છતા હોય – જરૂરી નથી કે તે અપરાધ હોય કે અનૈતિક હોય કે સમાજ વિરોધી હોય.
દાખલા તરીકે, સ્વાસ્થ્યને લઈને તમને શું સમસ્યાઓ છે, તમે કેવાં પુસ્તકો વાંચો છો, તમારા અંગત શોખ શું છે, તમારા સંબંધોમાં કેવી ગડબડ છે, આ બધું પ્રાઈવસીના દાયરામાં આવે છે. તમે ન ઇચ્છો કે તમે બીજા લોકોને તેની જાણ કરો, અને જાણ કરો તે પણ તમારી ઇચ્છા અનુસાર હોવું જોઈએ. કોઈ સોફ્ટવેર તમારા ફોન કે કોમ્પ્યુટરમાં બેસીને રોજે રોજની ડાયરી બનાવે એ તમને મંજૂર હોય?
તમે જેવું ‘કશું છુપાવવા જેવું નથી’ કહીને દરવાજા ખોલી નાખો છો, તો તમે ધીમે ધીમે તમારી પ્રાઈવસીના અધિકારને છોડવાનો સંકેત આપો છો. બેશક, તમે તમારી કોઈ અંગત બાબત કોઇથી છુપાવી નથી, પણ શું તમે બીજાઓને એ અધિકાર આપી દીધો છે કે તે તમારી દરેક નાની-મોટી અંગત બાબતો એકઠી કરીને તેનું પિષ્ટપેષણ કરે? કદાચ તમારી અનુમતિ વગર?

કોઈ તમારી પર જબરદસ્તીથી નિગરાની રાખે, તમારી દરેક ગતિવિધિ જોયા કરે (ભલે તમે ખોટું ન કરી રહ્યા હોવ), ત્યારે પણ તમારી પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે. આ એક સંવેદનશીલતાનો પ્રશ્ન છે, કારણ કે ‘તમે જોવામાં આવી રહ્યા છે’ એવો અહેસાસ તમારા આત્મવિશ્વાસ અને સ્વતંત્રતાને દબાવે છે.
ક્યારેક, એવી વ્યક્તિગત માહિતીઓ, જેને આપણે સામાન્ય સમજીએ છીએ – જેમ કે પુસ્તકોની પસંદગી, શોપિંગ, દવાઓ – જો મોટા ડેટાબેસમાં જોડાઈ જાય, તો તેનો અર્થ બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે તાજેતરમાં કેન્સર વિશેનાં પુસ્તકો ખરીદ્યાં હોય, અથવા દવાઓ લીધી હોય, તો તેનો એવો સંકેત જાય છે કે તમે સ્વાસ્થ્ય બાબતે સંઘર્ષ કરી રહ્યા છો. બીજાને આ ખબર પડે તેવું તમે ઇચ્છો?
તે ડેટા જે તમે કોઈ ઉદ્દેશ્ય માટે આપ્યો હતો, તે અન્ય કોઈ ઉદ્દેશ્ય માટે પણ વપરાઈ શકે છે, અને શક્ય છે તમારી તેમાં સહમતી ન હોય. એટલે, પ્રાઈવસીનું મહત્ત્વ કેવળ ‘ખોટા’ કામને છુપાવવા માટે નથી હોતું, તે તમારા આત્મ-નિર્ણય, તમારી અંગતતા, તમારી ગરિમા અન તમારી આઝાદીની ગૌરવ રક્ષા માટેનું સાધન છે. પશ્ચિમના દેશોમાં આને લઈને બહુ ચર્ચા-વિવાદ થાય છે કે જ્યારે સરકાર અથવા મોટી સંસ્થાઓ – ભલે તે ટેક કંપનીઓ હોય કે ગુપ્તચર એજન્સીઓ હોય – એકત્રિત માહિતીઓને સંઘરવા લાગે છે, ત્યારે શક્તિનું અસંતુલન ઊભું થાય છે.
તે પછી તેમના પર વધુ પડતી નિર્ભરતા આવી જાય છે કે તેઓ તેમનો ડેટા સુરક્ષિત રાખે. જો કોઈ કારણવશ ડેટા લીક થઇ જાય તો કોઇપણ વ્યક્તિની અંગત જાણકારી સાર્વજનિક થઇ જાય છે. 2025ની શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે આઈ,આઈ,ટી, – રૂરકીના લગભગ 30,000 વિદ્યાર્થીઓ અને એલુમનાઈનો ખાનગી ડેટા – જેમ કે સંપર્કની વિગતો, જાતિ, આર્થિક માહિતી વગેરે – ઘણાં વર્ષોથી ઓનલાઈન ઉપલબ્ધ છે.
અર્થાત વિદ્યાર્થીઓનો ભૂતકાળ, તેમની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ, તેમની સંવેદનશીલ માહિતી, બધું જાહેર થઈ ગયું, શક્યતઃ તેમની અનુમતિ અથવા જાગરૂકતા વગર.
2025નો રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં ‘ડેટા ભંગ’ની સરેરાશ કિંમત 22 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે! સાથે જ, એક અન્ય સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે 87% ભારતીયોને ડર છે કે તેમનો ખાનગી ડેટા પહેલેથી જ જાહેર અથવા લીક થઈ ગયો છે – લોકો ચિંતિત છે કે તેમની આધાર કાર્ડ, પાન કાર્ડ, અને અન્ય અંગત માહિતી અસુરક્ષિત હોઈ શકે છે.
આના પરથી સ્પષ્ટ થાય છે કે ડેટા રાખનારા સંસ્થા – ભલે તે શૈક્ષણિક સંસ્થા હોય, કંપનીઓ હોય, કે સર્વિસ-પ્રોવાઈડર હોય – જો તેઓ તેના પર નિયંત્રણ અથવા સુરક્ષા ન રાખે, તો કોઈને પણ નુકસાન થઈ શકે છે, ભલે તે વ્યક્તિ સામાન્ય હોય અથવા ‘કંઈ છુપાવવા જેવું ન હોય.’
ભારતમાં હવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ, 2025 (2025) જાહેર થઇ ચુક્યા છે, જેને ડેટાની સુરક્ષાના પ્રથમ મજબૂત પગલાં તરીકે જોવામાં આવે છે. પરંતુ, ઘણા નિષ્ણાતો અને વપરાશકર્તાઓ કહે છે કે ‘કાયદો તો છે – પરંતુ તેની પર વિશ્વાસ કરવો હજુ મુશ્કેલ છે, કારણ કે ડેટા પ્રોસેસિંગ, ઉપયોગ, અને સુરક્ષાના વ્યવહારિક પડકારો હજુ યથાવત છે.’
પ્રાઈવસી કેવળ ખોટું કરતા લોકોના હક્ની વાત નથી, તે દરેક નાગરિકનો અધિકાર છે. જો આપણે પ્રાઈવસીને જતી કરીએ છીએ, તો આપણે ખાલી આઝાદી જ જતી નથી કરતા, પરંતુ એવી દુનિયા માટે દરવાજા ખોલી દઇએ છીએ જ્યાં દરેક પગલે આપણી દરેક ગતિવિધિ સંસ્થાઓ કે કંપનીઓના હાથમાં હોય છે.
તો, ભલે તમે એમ માનતા હોવ કે તમારી પાસે છુપાવવાનું કંઈ નથી, પરંતુ તેમ છતાં પણ પ્રાઈવસી તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રાઈવસી કંઇક અંશે ‘પર્યાવરણ’ જેવી છે; તેમાં એટલી બધી બાબતોનું મિશ્રણ હોય છે તે ક્યારેક ધૂંધળી થઈ જાય છે, અને પરિણામસ્વરૂપ દરેક નાની-નાની સુવિધાઓ અથવા લાલચોના કારણે તે કચડાતી જાય છે. તેનું પરિણામ એક એવી દુનિયાના રૂપમાં સામે આવે છે જે બગડેલી, કઠોર અને આપણી વિરુદ્ધ થઇ ગયેલી હોય છે – એવી દુનિયા, જે આપણે પસંદ નથી કરી પણ તેનાં દૂરગામી પરિણામો આપણને પહેલેથી જ સાફ-સાફ દેખાઈ જાય છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

